પ્રેમ એટલે...
ફૂલ પરનું ઝાકળ થઈ જડોને જરા,
શબ્દ કર્યો છે આગળ, અડોને જરા.
“માતૃભારતી”ના તમામ વાચક-મિત્રોને શબ્દોના માધ્યમથી પ્રેમની સદાબહાર ઋતુની શુભેચ્છા. હવે મુખ્ય પ્રશ્ન તો એ કે પ્રેમ કરવા માટે કોઈ ઋતુ હોવી જરૂરી છે ? બીજી રીતે કહીએ તો પ્રેમ ઋતુ કે સમય જોઈને થઈ શકે ક્યારેય ? પ્રેમ તો ડાળને સહજ રીતે ફૂટતી કૂંપળની જેમ અથવા તો અનાયાસ વરસી જતાં વાદળની જેમ થતો રહે, પાંગરતો રહે અને થોડાઘણા અંશે આથમતો પણ રહે. સહજતા એ પ્રેમની પૂર્વનિર્ધારિત શરત છે. મહત્વની વાત એ છે કે પ્રેમ ક્યારેય ટાઈમટેબલ સાચવતો નથી અને એ પ્રમાણે ઉપરોક્ત પંક્તિઓમાં વ્યક્ત થયેલો આયાસપૂર્ણ આગ્રહ જરા ખોટો પણ ખરો.
પ્રેમ અકારણ થઈ જાય છે, અને પછી તેને ટકાવવા વ્યક્તિને ઘણાં કારણો મળી રહે છે. પ્રેમ ક્યારેક એવી પથરાળી કેડી બને છે કે જેના પર સૌરભસભર પુષ્પો ખીલ્યા હોય છે, તો ક્યારેક પ્રેમ એ સૂકી આંખોમાં ઉમટે એવું માત્ર એક આંસુનું પુર પણ હોઈ શકે છે. પ્રેમ થાય ત્યારે શું થાય ? પ્રેમ થાય ત્યારે શ્વાસને વાચા ફૂટે, સૃષ્ટિ ગજબની રંગીન લાગે અને કવિતાઓ લખાય.
એકબીજાની આંખમાં જોવાઈ જઈએ,
ચાલ, આજ આપણે ખોવાઈ જઈએ.
આપણ બે સિવાય ન મળીએ કોઈને,
આડેહાથ એમ ક્યાંક મુકાઈ જઈએ.
કોલાહલ દુનિયાનો, એકતરફ રાખી,
બની કોઈ સન્નાટો, છવાઈ જઈએ.
‘છલોછલ’ શબ્દનો સાચો અર્થ અનુભવવો હોય તો પ્રેમ કરવો જોઈએ, ઝાકળના સ્પર્શની મૃદુતા માણવી હોય તો પ્રેમ કરવો જોઈએ, અન્ય વ્યક્તિના શ્વાસ પર સામ્રાજ્ય સ્થાપવું હોય તો પ્રેમ કરવો જોઈએ, એક તરફ દુનિયાને વામન કરી એક અસ્તિત્વ પૂરતી માર્યાદિત બનાવવી હોય ને બીજી તરફ અનંત અમાપ દરિયાની વિશાળતામહીં હલેસા વગરની નાવ લઇ વિહરવા નીકળી પડવું હોય તો પ્રેમ કરવો જોઈએ. શ્વેત આંખોમાં મેઘધનુના સર્પો સળવળતા જોવા હોય, ચાર હથેળીની હૂંફ વચ્ચે નાજુક સંબંધનો ઉછેર કરવો હોય, હ્રદયોના એકાત્મકતાની ક્ષિતિજો પાર કરવી હોય તો પ્રેમ કરવો જોઈએ.
આવી માદક સાંજે
તું મને
પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ...
કારણ,
મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ,
ને
અલ્પવિરામ હું મૂકીશ નહિ.....
પ્રેમ થાય ત્યારે જીવનમાં વિરામચિહ્નોનો ઉપયોગ કઠિન બની જાય છે. પ્રેમમાં અલ્પવિરામ કે પૂર્ણવિરામને કોઈ સ્થાન હોતું નથી. પ્રેમને ઉંમર જેવા કોઈ આયામો કે મર્યાદાઓ હોતી નથી. પ્રેમ ઘરડો થતો નથી. માણસ તેની શારીરિક ઉંમરના જુદાજુદા પડાવો પર મનમાં પ્રેમના વિવિધ રેખાંકનો અનુભવે છે. બાળક જેટલો શુદ્ધ પ્રેમ અન્ય કોઈ ઉંમરમાં થવો મુશ્કેલ હોય છે. આ સમયે પ્રેમ કરવા માત્ર સંવેદનાસભર હૃદયની આવશ્યકતા હોય છે, શારીરિક ખૂબસૂરતીનું ક્યાંય કોઈ મહત્વ હોતું નથી. સો માણસો વચ્ચે પોતાની પ્રિય વ્યક્તિને દોડીને વળગી પડવું કે તેના અભાવમાં મોટા અવાજે રડી શકવું તે બાળક માટે જ ઘણું સહજ બની રહેતું હોય છે.
યુવાની ઊગતા પ્રેમ અને ઉભરતી લાગણીઓનું એપીસેન્ટર કહેવાય છે. અનેક સંવેદનો વચ્ચે આ સમયે પ્રેમ એ બિનહરીફ ચૂંટાઈ આવતી સરમુખત્યાર લાગણી બને છે. આકાશ વધુ પાસે આવી ગયેલું લાગે છે અને વૃક્ષો વધુ ઘેરાં ગાલ ગુલાબી કુમાશથી તરબતર રહે છે અને ટેરવાં સ્પર્શના ગહન અભ્યાસી બને છે. ઘટનાઓ જોવાની દ્રષ્ટિ ઘણી સુંવાળી બની રહે છે. આવી ક્ષણોએ દરેક સવાર ધુમ્મસી ખુશનૂમા હોય છે, દરેક બપોર ગુલમહોરી લાગે છે અને દરેક સંધ્યાએ લાગણીના અનેક સૂર્યો ઉદય પામતા રહે છે.
એમ ના સમજશો કે મુક્ત છું, જીવનની એક ફ્રેમમાં છું,
વૃદ્ધ નહી થઇ શકું હું ક્યારેય, તારા સૌંદર્યના પ્રેમમાં છું.
વૃદ્ધત્વ એ પ્રેમનો પાકટ આયામ છે. યુવાની પ્રેમોત્સુક હોય છે જ્યારે બુઢાપા માટે પ્રેમ આવશ્યકતાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે આંખોની રોશની ઝાંખી થતી હોય, જ્યારે બારીમાનું આકાશ રોજ જરા જરા દૂર સરતું હોય, જ્યારે ટેલીફોનની ઘંટડીઓ લાંબા અંતરાલે વાગતી હોય ત્યારે... કોઈક એવી વ્યક્તિ જરૂરી બને છે જે ચહેરા પર ખીલેલી કરચલીઓને સમજી શકે, અસ્ત થતાં અસ્તિત્વને ચાહી શકે, ધ્રુજતા હાથના કંપનને પોતાના હાથમાં લઇ સ્થિર કરી શકે. આ સમયે માત્ર જીવંત રહેવાની ઈચ્છા નથી હોતી, પ્રેમને જીવંત રાખવાની અજબ કોશિશ હોય છે. ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ક્યારેક ભરાઈ આવતા દરિયાને ઝીલવા વિશાળ હૃદયની ખેવના રહે છે.
સૂફી કવિઓની નજરમાં ઈશ્વરને પામવા માટેનું એકમાત્ર સાધન એટલે પ્રેમ, એમની પરિભાષામાં ‘ઈશ્ક’. ‘ઈશ્કે મિજાજી’થી ‘ઈશ્કે હકીકી’ સુધીની એમની સાધના પ્રેમનું અલૌકિક સ્વરૂપ પ્રગટ કરે છે. મધ્યકાલીન સંત કવિ કબીર પાંડિત્યની તુલનામાં સહજ પ્રેમને વધુ મૂલ્યવાન માને છે:
પોથી પઢપઢ જગ મું, પંડિત ભાયા ન કોઈ,
ધાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.
પણ પ્રેમની પૂર્વશરત છે અહમનુ વિગલન. પ્રેમમાં દ્વિત્વ ન ચાલી શકે. પ્રેમગલીમાં બે જણનો સમાવેશ શક્ય નથી, ત્યાં તો બંને એ એક બનીને વિચરવાનું છે. પ્રેમના બે પક્ષ છે : સંયોગ અને વિયોગ. સાચા પ્રેમી માટે વિયોગ વધુ ગ્રાહ્ય છે. વિરહની ઉત્કટતા ક્યારેક જીવતર સુધી જળવાઈ રહે છે. લયલા-મજનૂ, સોહિની-મહિવાલ, હીર-રાંઝા કે સલીમ-અનારકલી જેવાં પ્રેમીઓએ આત્મબલિદાન દ્વારા જ પ્રેમની શ્રેષ્ઠતા વ્યક્ત કરી છે.
નાનો હતો ત્યારે કોઈક નાતાલના દિવસે પપ્પાએ ઓ’ હેન્રીની ‘ધ ગીફ્ટ’ વાર્તા એમના શબ્દોમાં કહેલી. સ્મૃતિમાં છે એ મુજબનો એનો સારાંશ રજૂ કરું છું. વિચારતત્વ વિખ્યાત લેખક ઓ’ હેન્રીનું છે અને એવું ધ્યાનમાં છે કે કદાચ આ જ વિષય પરથી ‘રેઇનકોટ’ નામની ફિલ્મ પણ બનેલી....
.....................................................................................................................................................................................
એ ગરીબ યુગલને પણ નાતાલનો અનેરો ઉત્સાહ હતો.પણ વર્તમાન આર્થિક સ્થિતિ નાતાલની ભેટ ખરીદવાની પરવાનગી આપે તેવી ન હતી. છતાં પત્નિને કહ્યા વગર નાતાલના પવિત્ર દિવસે પતિ અનેક આશાઓ અને ખાલી ખીસ્સુ લઇ ઘરેથી નીકળી પડે છે.
પતિ પાસે એક પટ્ટો તૂટેલું ઘડિયાળ છે, તે વિચારે છે કે, "આ પટ્ટા વગરનું કાંડા-ઘડીયાળ મારે આમેય શું કામનું ? એને વેચી પત્નિના સુંદર અને લાંબા વાળ માટે એક હેર-પીન ખરીદી લઉં...", પતિ વિચાર અમલમાં મૂકે છે.
મોડી સાંજે નાતાલની શુભકામનાઓ આપતી વખતે પત્નિના વાળ સ્કાર્ફ વડે બંધાયેલા છે. પતિ વિચારે છે કે છૂટ્ટા વાળમાં એ હેર-પીન કેવી શોભશે... પતિ હેર-પીન આપવા હાથ લાંબો કરે છે ત્યારે જ પત્નિ પણ પોતે પતિ માટે લાવેલી ભેટ ધરે છે અને પત્નિની આંખોમાંથી આંસુ સરી પડે છે, તે હળવેથી પોતાનો સ્કાર્ફ છોડે છે.
પતિના મોઢેથી એક ઉંડી આહ નીકળી જાય છે, એ જૂવે છે તો "પત્નિએ પોતાના સુંદર વાળ કાપી નાખી, તેને વેચીને પતિની ઘડિયાળ માટે નવો પટ્ટો ખરીદ્યો છે..."
અંતિમ દ્રશ્યમાં બન્નેની આંખમાં ભેજ અને હૃદયમાં પરસ્પરના પ્રેમનો ખીલી ઉઠેલો ફૂલ-ગુલાબી તડકો ડોકાતો હશે.... (કથાબીજ : ઓ’ હેન્રી)
.....................................................................................................................................................................................
પ્રેમ વિષે લખવા બેસો તો થોથાં ભરાય ને પ્રેમ એક ટપકાંમાંય પરિપૂર્ણ લાગે. પ્રેમ આરોગવા રાજભોગ ન જોઈએ, એ તો બે વ્યક્તિઓ વચ્ચે પાણીપુરીની એક પ્લેટને ય પરિપૂર્ણ બનાવે. સૌ વ્હાલા વાચક-મિત્રોને પ્રેમમય જીવનની શુભેચ્છાઓ...
-સાકેત દવે