કથા કડી ૧૨
લીમ્કા બુકમાં સ્થાન મેળવનાર અનોખો વિચાર
લેખકો માટે નિયમો :
૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ઓછામાં ઓછી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા
જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની
રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .
આખરે આશુતોષનો નશો હવે ઉતરી ગયો હતો... તે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં હતો... હવે ડૉ.બાશિતને તેની સાથે વાત કરવાનું મુનાસિબ લાગ્યું... ચાની ચૂસકી લેતાં-લેતાં બંને જુના મિત્રો ફરી વાતે વળગ્યા. ડૉ. બાશિત એક ડોક્ટર હોવાને નાતે એના મિત્રને જાન લેવાની તો સલાહ ક્યારેય ન આપે, એટલે જ એણે વાત-ચીતનો દોર સાધતા આશુતોષને ખાસ ભલામણ કરી, કે ક્યારેય તું આવું ખોટું પગલું ભરતો નહિ... તમારી બધાની જિંદગી અને ખાસ તો તારી જિંદગી બગડી જશે. ધર્મશાસ્ત્રની રીતે પણ સમજાવ્યું કે જિંદગી લેવા-દેવાનો અધિકાર માત્ર ઉપરવાળાના જ હાથમાં છે; તું અણઘડ નિર્ણય કદી ન લેજે. આશુતોષને એના મિત્રની વાત હવે ગળે ઉતરવા લાગી.
આ તરફ ભવ્ય ભોજન સમારંભની જોરદાર તૈયારીઓ ચાલતી હતી; આમંત્રણો તો અપાઈ ચુક્યા હતા. અવનવી વાનગીઓ પસંદ કરાઈ ગઈ હતી. બસ હવે સીમંત જેવા સુંદર પ્રસંગની બધા ‘ચાતક’ નજરે રાહ જોઈ રહ્યા હતા. આશુતોષના જીવન સમંદરમાં ભરતી-ઓટ સમા વિચારો ચાલુ હતા. કયા મોઢે તે આ પ્રસંગમાં આવેલા સર્વે મિત્રોને આવકારશે? મજા લુંટશે?... અરે એ તો ઠીક, મીના પણ તેની સામે કઈ રીતે નજર મિલાવશે? શું મીનાની આંખો મારા બદલે અયાનને શોધતી રહેશે? શું અયાન પ્રસંગમાં આવવાની મૂર્ખતા કરશે? તે ઘણા બધા વિચારોમાં ખોવાઈ ગયો.
મીનાના મનમાં તો પહેલેથી જ પ્રસંગનો આનંદ અધુરો લાગતો હતો. એક તરફ આશુતોષનો ડર લાગતો હતો તો બીજી તરફ અયાન સાથે દુર-દુર ભાગી જવાની કલ્પનાઓ ઘુમરાતી હતી. ખોળા ભરવાનો પ્રસંગ તો ઉજવવાનો જ હતો પણ, મનનો ખાલીપો કેમ કરીને ભરવો? મનમાં એટલો આનંદ પણ ન હતો. એકમાત્ર બા’સા ખુબ જ આનંદમાં હતાં. ઘણા સમય પછી ઘરમાં એક શુભ પ્રસંગ આવ્યો હતો.
આખરે આજે ખોળો ભરાવવાના ભાવ પ્રસંગનો દિવસ હતો. સુંદર જમણવારનું આયોજન હતું. બધા સગા-વ્હાલા-મિત્રો-સ્નેહીઓ પધાર્યા હતા. બા’સા અને આશુતોષ બધાને આવકારતા હતા. એક બાજુ ખોળા ભરાવવાના પ્રસંગની રસમ ચાલુ હતી, તો બીજી તરફ આશુતોષના મનમાં વિચારો દુર થવાનું નામ જ નહોતા લેતાં. તે સમજતો હતો કે આ પ્રસંગ અને જમણવાર બાદ સમાજ પાસે મીનાના અરે, અયાનના, બાળકને પોતાનો બાળક સ્વીકાર્યે જ છૂટકો હતો; તેની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ ન હતો. હવે મને કમને પણ આ વાત સ્વીકારવી જ રહી.
““મીના, આપણું બાળક દીકરો હશે કે દીકરી? ધારો કે દીકરો હશે તો શું નામ રાખશું? અને કદાચ દીકરી અવતરે તો... એનું શું નામ...”” આશુતોષને નાટક કર્યા સિવાય છૂટકો જ ન હતો. બધાની સામે હોઠો પર પરાણે લાવેલા સ્મિત સાથે ખોટી-ખોટી વાતો કરી ને સમય પસાર કરતો હતો. મીના અનુત્તર રહી, છેલ્લે માત્ર એટલું જ કહ્યું,”તમને ગમે તે નામ રાખીશું;” વાતનો દોર અધુરો રહ્યો.
બધા આમંત્રિતો સાથે વાતો કરતા કરતા આશુતોષ મોજમાં આવી ગયો હતો. જમણવારની શરૂઆત થઇ ગઈ હતી. એકબાજુ દાલ-બાટી, ચુરમાના લાડુ,મોહનથાળ,જેવી પરંપરાગત વાનગીઓ અનેબીજી બાજુ જુવાનિયાને માફક આવે એવીપંજાબી સબ્જી, દાલફ્રાય, જીરા રાઈસ,સલાડ, પાપડઅને છેલ્લે આઈસ્ક્રીમની જમાવટ ચાલુ હતી. સાથે સાથે બાપુ અને દરબારોને છાજે એવી શરાબની મહેફિલ પણ ઉપરના રૂમમાં જામી હતી. . બનારસી પાન પણ રાખ્યા હતાં. બધા મહેમાનો એકબીજા સાથે હળવાશથી એકબીજાના ખબર-અંતર પૂછતાં હતાં. તો ઘણા જુના મિત્રો ગપસપ કરતાં હતાં.
બહેનોની તો વાત જ શી પૂછવી? જમવાની સાથે સાથે પરંપરાગત પહેરવેશ ઘાઘરા અને ચોલીમાં માથા પર લાજ કાઢીને શોભતી અહીતહી ઘૂમતી હતી.કેટલીક કૌટુંબિક મહિલાઓ જોર જોરથી પ્રસંગને અનુરૂપ સાંજી ગાતી હતી. હવે પ્રસંગ પૂર્ણ થવામાં હતો.
આજે આશુતોષને પેગ લેવો ન હતો છતાં.. તે ધડાધડ બે-ત્રણ પેગ ગટગટાવી ગયો.
તે જોઈ ડૉ. બાશીત થોડા નારાજ થઈ ગયા,”આશુતોષ, તેં મને વચન આપેલું કે તું આ ભોજન સમારંભ પતે નહીં ત્યાં સુધી પેગને હાથ પણ નહીં લગાડે, પણ તું તો આમ અચાનક જ ચાલુ થઈ ગયો..”
“દોસ્ત, હું શું કરું? તું જ કહે? ક્યાં સુધી આ મુખવટો પહેરીને ફર્યા કરું? હોઠો પર નકલી સ્મિત લઈને...” તેણે નશામાં શબ્દોને અધુરા છોડી દીધા.
ડો બાશીત આશુતોષની હાલત સમજતા હતા. તે દર્દને પણ જાણતા હતા અને દવાને પણ! સમય પારખી તેણે શાયરીના અંદાજમાં વાત રજુ કરી;
“”કેફની તો છે ખુમારી બે ઘડી, જો તું મળે તો રોજ મારે જામ છે.””
ડો બાશિતની શાયરીનો નશો વાતાવરણમાં ભળી જતો હોય તેમ બાજુમાં ઉભેલા એક મહેમાને પણ શેર શાયરીના અંદાજમાં પ્રતિભાવ આપ્યો.
‘હર મત્લામાં શાયર તણો પૈગામ પ્રેમ છે
પામી શકો તો પામજો સરીયામ પ્રેમ છે.
“ છે પ્યાસ ને સામે નજર છે પ્રેમથી ભરી,
શાયર કહે લે વાત કર, આ જામ પ્રેમ છે’
આશુતોષ મયના નશામાં પ્રેમ અને બેવફાઈના વિચારોમાં અટવાઈ ગયો. ધીરે-ધીરે મહેમાનો છુટા પડવા માંડ્યા. પ્રસંગનો અવસર પૂરો થયો, આશુતોષ માંડ-માંડ બેડરૂમમાં પહોચ્યો. સુવાની ઘણી કોશિશ કરી પણ નિંદ્રા તેને સતત હાથતાળી આપતી રહી. કાળી રાત અને તેના વિચારો ઘૂંટાતા રહ્યા,રાતભર! સુંવાળી પથારી પર પડખા ફેરવતા ફેરવતા સવાર થવાની પ્રતિક્ષા કરતો રહ્યો. પથારીની બીજી બાજુ મીના ઘસઘસાટ ઊંઘતી હતી.
સવાર પડતાં જ તે અગાસીમાં જઇ ચડ્યો. તેના મનમાં તેણે સાંભળેલી કોઇ ગઝલનો શેર અચાનક જ યાદ આવી ગયો.
નિકલ કર ગૈર-ઑ-કાબાસે, અગર મિલતા ન મયખાના,
તો ઠુકરાયે હુએ ઇન્સાન, ખુદા જાને કહાં જાતે?
અગાસીના હીંચકા પર બેસીને વ્હીસ્કીની બોટલની પેગ ઉપર પેગ લેતો ગયો; થોડીવારમાં આખી બોટલ ખાલી કરી નાખી. પેલા શેર જેવી જ હાલત આશુની હતી. હીચકા ની સાથે સાથે તેના વિચારો પણ ઝૂલતા હતા.
તેના પોતાના દામ્પત્યજીવનમાં પોતાની પત્ની જ બેવફા નીકળી...
“’પણ, શું ખરેખર મીનાને બેવફા કહી શકાય?’ તે સ્વગત બબડ્યો.
‘ખરેખર આમાં મીનાનો કોઇ જ દોષ નથી... સાચું કહું તો હું પોતે જ નામર્દ છું... તેને એક પતિની હુંફ, સુખ કઇ જ આપી ન શક્યો. મીનાના અરમાનો પર મેં જ પાણી ફેરવી નાખ્યું... નહિતર શું મીના અયાન સુધી ખેંચાય? આકર્ષાય? મેં મીનાના અરમાનોના વિચાર કર્યા વગર જ લગ્ન કરી લીધાં... આમ જોઈએ તો ખરો દોષ મારો પોતાનો જ છે’
હિંચકો હજુ પણ ઝુલતો હતો, તેના વિચારોની જેમ.
ડૉ. બાશિતની બધી વાતો એની સમજમાં આવી ગઈ. પહેલા તો એ મીના, બાળક અને અયાન ત્રણેને ખત્મ કરવા તૈયાર થઇ ગયેલો પરંતુ હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. આશુતોષે વિચાર્યું કે મારે હવે નવી યોજના ઘડવી પડશે, પણ આ અયાનનું તો કાંઈક કરવું જ પડશે. તેના મનમાં અનેક યોજનાઓ આકાર પામવા લાગી.
અચાનક પગની ઠેસ મારીને તેણે હીચકો ઊભો રાખી દીધો. .તે એક દ્રઢ નિર્ણય સાથે ઊભો થયો.
તે અગાસી પર થી ઉતરીને બહાર નીકળ્યો.પોતાની કાર હંકારીને બહાર જતો રહ્યો. વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો. સુકા પાંદડા, ધૂળની ડમરી અને ઠંડા પવનની ત્રિવેણી એ તેને આશ્ચર્યચકિત કરી દીધો. આકાશમાં કાળા-ડીબાંગ વાદળોની સવારી અચાનક જ આવી પહોંચી. કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવા લાગ્યો. આવો મેઘાડંબર અને તે પણ આવી ઠંડીની વિદાય અને ગરમીના આગમનના સંધિકાળે? ખરેખર અકલ્પનીય હતો. વાતાવરણમાં માટીની મીઠી સોડમ વ્યાપી ગઈ પણ આશુતોષને તેની કોઈ જ અસર ન થઇ; આશુતોષે કારની બારી ખોલી. બહાર તોફાન વધતું જતું હતું જાણે કોઈ આવનારા અમંગળના એંધાણ આપતું હોય! એવાજ સંકેતો આશુતોષના મનનું તોફાન પણ આપી રહ્યું હતું.
આશુતોષે પોતાના મોબાઇલથી પાંચ સાત ફોન કર્યા.. અને પોતાના માણસોને તળાવ પાસે બોલાવી લીધા. થોડી વારમાં જ એના સાગરીતો એકઠા થઈ ગયા. બધાને જરૂરી સૂચના આપીને પોતાનો પ્લાન સમજાવી દીધો.
આશુતોષ ના માણસોએ અયાનની ગેરહાજરીમાં જ એના ઘેર દારૂની બોટલો ગોઠવી દીધી .અને અયાનની પ્રતિક્ષા કરવા લાગ્યા.
આશુતોષે પોતાના પીએસઆઈ મિત્રને ફોન કરી દીધો.
તે ઘેર આવી સીધો જ બેડરૂમમાં ઘૂસી ગયો. મીના સામે જ પલંગ પર બેઠી હતી. તેણે મિનાને સ્મિત આપ્યું. તેના સ્મિતને મીના ઓળખી ના શકી. તે મીનાની બાજુમાં પલંગ પર જ બેસી ગયો.
“મીના, ડોક્ટરને ફરી બતાવવા કયારે જવાનું છે? તારી અને આપણાં બાળકની પૂરેપુરી કાળજી રાખવાની છે.” આશુતોષે પ્રેમ બતાવતા કહ્યું.
મિનાએ કોઈ જ જવાબ ના આપ્યો. માત્ર સ્મિત આપી ફરી પોતાનામાં વ્યસ્ત થઈ ગઈ. આશુતોષના બદલાયેલા વ્યવહાર વિષે વિચારવા લાગી.
આખો દિવસ આશુતોષે આનંદમાં હોવાનો ઢોંગ કર્યે રાખ્યો અને મીના તેના વ્યવહાર પર અવઢવ કરવા લાગી. તે નક્કી ના કરી શકી કે આશુતોષ ખરેખર બદલાઈ ગયો છે?
સાંજ પાડવા લાગી. સૂર્ય અસ્ત થવા લાગ્યો. આશુતોષ અને મીના ગેલેરીમાંથી ડૂબતાં સૂરજને જોઈ રહ્યા હતા. લગ્નના આટલા વર્ષો બાદ આજ પહેલી વાર ગુલાબી સાંજે આશુતોષ મીના સાથે હતો.
અચાનક આશુતોષના ફોનની રિંગ વાગી,”શું? મારા સાસરાના ગામમાં?” દારૂની બોટલો સાથે? કોણ? શું નામ કહ્યું? અયાન? ...” અને સામે છેડેથી ફોન કપાઈ ગયો.
અયાનનું નામ સાંભળી મીના ચોંકી ગઈ.
વિનોદ માણેક
“ચાતક”
અંજાર (કચ્છ)
કડી ૧૩ ના મુદ્દા
અયાન જેલમાં
ઇલેકશન ની તૈયારી
ગર્ભનું જાતિ પરિક્ષણ- દીકરો છે એ જાણીને મીનાની વિશેષ સરભરા
મીનાનો મનઝુરાપો