અંજામ-૨૬
(આગળ આપણે વાંચ્યુઃ રીતુ બાપુના ફાર્મ હાઉસથી ભાગીને વગડામાં ગાયો ચરાવતા ગોવાળો પાસે પહોંચે છે અને ત્યાં તે બેહોશ થઇ જાય છે..... અજાણી યુવતીને આ રીતે બેહોશ બનેલી જોતા ગોવાળો અસમંજસમાં મુકાઇ જાય છે અને તેને બળદ ગાડામાં નાખીને ગામ ભણી પ્રયાણ કરે છે....બરાબર એ જ સમયે વીજય ત્યાં આવી પહોંચે છે.....હવે આગળ વાંચો.)
દુનીયાભરનું આશ્ચર્ય વીજયની આંખોમાં ઉમડયુ. સાત જન્મારે બેસીને વિચાર્યુ હોત તો પણ રીતુ અહી આમ અચાનક કોઇના બળદગાડામાં બેભાન અવસ્થામાં જડી આવશે એવી કલ્પના તેને કયારેય આવી ન હોત. વીજયને જાણે પોતાની આંખો ઉપર વિશ્વાસ આવતો ન હોય તેમ અવાચક બનીને તે રીતુને તાકી રહયો...બળદગાડામાં ઘાયલ અવસ્થામાં રીતુ સુતી હતી....તેના કપડા ઠેક-ઠેકાણેથી ફાટી ગયા હતા અને તેમાંથી તેના ગોરા અંગો દેખાતા હતા...એ અંગોમાં ઘણી જય્યાએ ઉઝરડા પડયા હતા અને તેમાંથી લોહી નીગળી તેના કપડા સાથે ચોંટી ગયુ હતુ. વીજયે રીતુના ચહેરાને નીરખ્યો...એ ચહેરા ઉપર અપાર થાક અને મુંઝવણ મિશ્રિત ભાવો છવાયેલા હતા....હમણા જ જેને તે બેતહાશા યાદ કરતો હતો એ રીતુ અત્યારે તેની નજરો સમક્ષ બેભાન અવસ્થામાં પડી હતી.
એ સમય દરમ્યાન ગેહલોતે શૈતાનસીંગને જીપ માંથી નીચે ઉતાર્યો હતો અને તેની પીઠમાં પિસ્તોલની નળી ખૂંપાવી તેને આગળ ચલાવી વીજયની નજીક લાવ્યો. ગેહલોતને હજુ સમજાયુ નહોતુ કે વીજય કેમ અચાનક નીચે ઉતરી બળદગાડાની પાછળના ભાગે આવ્યો છે....
“ શું છે વીજય....અને આ લોકો કોણ છે....?” ગેહલોતે બળદગાડા વાળા જુવાનીયા તરફ ઇશારો કરતા પુછયું અને પછી તેણે ગાડામાં નજર નાંખી. “ કોણ છે આ સ્ત્રી....?”
“ રીતુ....” એકદમ ઠંડા અવાજે વીજય બોલ્યો.
“ વોટ....???” ઉછળી પડયો ગેહલોત...અને તે કંઇપણ વિચાર્યા વગર અચાનક જ શૈતાનસીંગની પાછળથી નીકળી ગાડા તરફ ઘસ્યો. વીજયે રીતુનું નામ લઇને તેને ચમકાવી દીધો હતો એટલે સ્વાભાવીક રીતે જ તે આગળ આવ્યો હતો....એ જ વખતે એક સાથે બે બાબતો થઇ...વીજય હળવે રહીને ગાડામાં ચડયો, બરાબર એ જ સમયે શૈતાનસીંગે મોકાનો ફાયદો ઉઠાવ્યો. ઉતાવળમાં ગેહલોત શૈતાનસીંગને જાણે ભુલી જ ગયો હતો તેનો ભરપુર લાભ તેણે ઉઠાવ્યો. જેવી ગેહલોતની ગન તેની પીઠેથી હટી અને ગેહલોત તેની આગળ થઇને ગાડામાં ડોકાયો બરાબર એ જ સમયે શૈતાનસીંગે ભારે ઝનુનથી પોતાનો જમણો પગ ઉઠાવ્યો અને ગેહલોતની પીઠ ઉપર વિંઝયો....શૈતાનસીંગના એ પ્રહારમાં અસીમ તાકાત હતી અને ઉપરથી તેણે જાડા ચામડાના સોલવાળી મોજડી પહેરેલી હતી. વાર બરાબર ગેહલોતની કરોડરજ્જુ અને કમરના જોઇન્ટ ઉપર વાગ્યો....એક નાનો કડાકાનો અવાજ આવ્યો અને ગેહલોત વેગથી ગાડાના પડખા ઉપર ઝીંકયો....ગેહલોત માટે આ હુમલો અન-અપેક્ષીત હતો અને એનું પરીણામ તેણે ભોગવવું પડયુ. ગાડાના પડખાની લાકડાની ભારેખમ દિવાલ સાથે તેનું માથું વેગમાં અફળાયુ....કાળમીંઢ પથ્થર ઉપર પાણી ભરેલુ નાળીયેર અફળાય અને જેવો અવાજ આવે એવો અવાજ થયો....અને ગેહલોતના માથેથી લોહીની ધાર ફુટી નીકળી.
આ માઝરો ચંદ સેકન્ડોમાં જ સર્જાયો હતો. ક્ષણના ત્રીજા ભાગમાં જ શૈતાનસીંગે ગેહલોત ઉપર હુમલો કર્યો હતો અને પછી તે પાછળ ફરીને ભાગ્યો....જો કે તે ગેહલોત ઉપર હુમલો કરવા માંગતો નહોતો. તે જાણતો હતો કે એક પોલીસવાળાને મારીને તે કયાંય સલામત રહી શકશે નહી. એક પોલીસવાળાને મારવાનો મતલબ આખા રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટને પોતાની પાછળ લગાડવું.....પણ અત્યારે તેની પાસે બીજો કોઇ રસ્તો નહોતો. તેને ગેહલોતના હાથમાં હતી એ પિસ્તોલનો ડર હતો. જો પિસ્તોલ તેના હાથમાં ન હોત તો તે આસાનીથી ત્યાંથી છટકી જાત...પરંતુ ગેહલોત પાસે પિસ્તોલ હતી. જો તે એમ જ ત્યાંથી ભાગે તો ગેહલોત જરૂર ફાયર કરે....એ પિસ્તોલના ડરથી જ તેણે ગેહલોત ઉપર હુમલો કર્યો હતો અને ભાગ્યો હતો.
ગેહલોતને બેવડો માર વાગ્યો હતો. તેની કરોડરજ્જુના છેડે એકાએક ભયાનક દુઃખાવો ઉપડયો અને માથાના ભાગે ગાડામાં ખોડેલી લાકડાની ઇંસ વાગવાથી ફુટ થઇ હતી....ગનીમત એ થયુ હતુ કે માથાની ખાલી ચામડી જ ચીરાઇ હતી. કપાળનું હાડકુ સલામત હતુ. જો કપાળના હાડકામાં ક્રેક થયુ હોત તો તેને તાત્કાલીક દવાખાના ભેગો કરવો પડત....આટલુ વાગવા છતા તે બહુ ઝડપથી સ્વસ્થ થયો હતો. પોલીસ ટ્રેનીંગ વખતે અણધારી આફતમાં ફસાયા હોઇએ ત્યારે કેવી રીતે ઝડપથી સ્વસ્થતા મેળવી પરિસ્થિતીનો સામનો કરવો તેની ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે એ તાલીમ અત્યારે તેને કામ આવી. તેણે ઝડપથી સ્વસ્થતા ધારણ કરી....ઝટકો લાગવાથી તેના હાથમાંથી પિસ્તોલ છટકીને ગાડામાં ચડી બેસેલા વીજયના પગ પાસે જઇને પડી હતી. ગેહલોતે પહેલા ગન જોઇ અને પછી પાછળ ફરી ભાગતા શૈતાનસીંગને જોયો....ગેહલોતના કપાળેથી નીકળતા લોહીની ધાર તેના ગાલેથી થઇ ગળા સુધી પહોંચી હતી જેના લીધે તેનો દેખાવ રક્તથી નહાયેલા પીશાચ જેવો ભયાવહ થયો હતો.
“વીજય....ગન ઉઠાવ....” તેણે ચિલ્લાઇને વીજયને કહયુ. વીજય અચાનક મચેલી ધમાચકડીથી બઘવાઇ ગયો હતો. ગેહલોત શું બોલ્યો એ પણ તેણે સાંભળ્યુ નહોતુ.
“ બેવકુફ, જોઇ શું રહયો છે. ગન ઉઠાવ અને શૂટ ધેટ બાસ્ટર્ડ....” વીજયને સ્થીર ઉભેલો જોતા ગેહલોતનો પિત્તો ફાટયો હતો....ગેહલોતના અવાજથી વીજય જાણે ભાનમાં આવ્યો. અચાનક અહી શું બની ગયુ એનું તેને ભાન થયુ. પહેલા તેણે ગેહલોતના લોહી નીંગળતા ચહેરા સામું જોયુ અને પછી જીપની પાછળના રસ્તે ભાગતા જતા શૈતાનસીંગને નીહાળ્યો. ક્ષણવારમાં તે પરિસ્થિતી પામી ગયો....ઝડપથી વાંકા વળીને તેણે ગેહલોતની ગન ઉઠાવી, શૈતાનસીંગના ભાગતા પગનું નીશાન લીધુ અને ટ્રીગર દબાવી દીધુ....જર્મન બનાવટની ઇમ્પોર્ટેડ ગનમાં ધડાકો થયો અને શૈતાનસીંગ રસ્તા ઉપર ઉથલી પડયો.
“ શાબ્બાશ....” ગેહલોતના મોંમાંથી શબ્દો સર્યા અને તેના ચહેરા ઉપર આનંદ વ્યાપ્યો. “ ઉઠાવીને લાવ સુવ્વરને અહી...” તેણે ફરીવાર વીજયને હુકમ કર્યો. વીજયે ગન હાથમાં જ પકડેલી રાખી અને ગાડાની ધારેથી નીચે ભુસકો માર્યો....
આ ધડબડાટી મીનીટોમાં થઇ હતી....પરંતુ વર્ષોથી જાણે અહી લડાઇ ચાલતી હોય એવુ વાતવરણ સર્જાયુ હતુ. પેલા બંને ગોવાળીયાઓ આ લોહીયાળ ખેલ જોઇને ઠરી ગયા હતા. ગોળી છુટવાનો અવાજ સાંભળીને ગાડુ ચલાવતો, હાથમાં રાશ લઇને બેઠેલો જુવાન બધુ છોડીને ઉપરથી ઠેકીને ગાડા નીચે ભરાઇ ગયો હતો. જ્યારે બીજો જુવાન પોતાના ભેરુબંધને ગાડા નીચે ઘુસતા જોઇને દોડયો હતો અને તે પણ ત્યાં ભરાયો...બરાબર એ જ સમયે ગાયોના ધણમાં પણ ખળભળાટ વ્યાપ્યો હતો. અચાનક થયેલા ધડાકાથી ગાયો ભડકી હતી અને અહી-તહી ભાગવા લાગી હતી. ઘડીભરમાંતો ત્યાં જાણે કોઇએ બોમ્બ ફોડયો હોય એવી ભાગદોડ મચી ગઇ....ગાયો થોડે દુર જઇને પોતાના કાન ઉંચા કરી, નાક ફુંગરાવતી તંગ દશામાં ઉભી રહી. એ વફાદાર પ્રાણીને સમજાતુ નહોતુ કે ત્યાંથી ભાગી જવુ કે પછી પોતાના ચરવાદારની વાટ જોવી....
વીજય દોડતો શૈતાનસીંગ પાસે પહોંચ્યો. શૈતાનસીંગની જાંઘમાં ગોળી વાગી હતી. તે ભયાનક દર્દથી કરાહતો ધુળમાં આળોટી રહયો હતો. તેનાથી કદાચ ઉભુ થવાતું નહોતુ. વીજયે તેની બગલમાં હાથ નાંખી તેને ઉભો કર્યો અને ખંભે નાંખીને જીપ સુધી ઢસડી લાવી ઘઉંની બોરી નાંખતો હોય એમ ઉંચકીને જીપમાં નાંખ્યો. પોતાના સ્વભાવથી તદ્દન વિરુધ્ધનું વર્તન આજે તેણે કર્યુ હતુ. તે ઘણો સુંવાળો આદમી હતો. ઝઘડાના નામ પર તે કોસો દુર ભાગતો હતો. તેમ છતાં આજે તેણે એક જીવતા-જાગતા વ્યક્તિને ગોળીએ દીધો હતો. ગોળી મારીને ત્યાં જ અટકયો નહોતો પરંતુ તેના મન ઉપર કાળઝાળ ક્રોધે સામ્રાજ્ય જમાવ્યુ હતું. પોતાની સૌથી પ્રીય વ્યક્તિ એવી રીતુની ભયાનક હાલત જોઇને તેના મનમાં ક્રોધની જ્વાળાઓ તો કયારની ફુટવા માંડી હતી....અને એ ક્રોધ,એ આક્રોશ તેણે શૈતાનસીંગ ઉપર ઉતાર્યો હતો.
શૈતાનસીંગ બરાડા પાડીને રડતો હતો. તેના ડાબા પગની જાંઘમાં ગોળી ખૂંપી ગઇ હતી.ગોળી પગની અંદર જ કયાંક અટવાઇ ગઇ હતી એટલે તેને ભયંકર દર્દ થતુ હતુ. તેના જેવો એકદમ રુક્ષ અને ખડતલ માણસ પોક મુકીને રડતો હતો. તેની આંખોમાં આંસુ ઉભરાતા હતા....એ દરમ્યાન ગેહલોત મહા-મેહનતે ચાલતો જીપ સુધી આવ્યો.
“ચુપ મર હરામ ખોર....તું કંઇ મરી નથી ગયો....” તેણે શૈતાનસીંગને ઉદ્દેશીને કહયુ અને પછી વીજય તરફ ફર્યો.... “ તું રીતુ પાસે જા....હું આની મરમ્મત કરુ છું” તેણે વીજયને કહયુ એટલે વીજય ફરી પાછો બળદગાડા તરફ ચાલ્યો. ગેહલોતને કમરમાં ચાહકા ઉઠતા હતા. તેની કરોડરજ્જુનું કોઇક હાડકુ કદાચ છટકયુ હતુ. તે સીધો ઉભો રહી શકતો નહોતો. તેમ છતાં તે હવે મરણીયો બન્યો હતો. તે જાણતો હતો કે હવે થાકી જવાથી કે અટકી જવાથી તેનું કાંઠે આવેલુ વહાણ ડૂબી જશે. તે આ કેસની જડની બહુ નજીક પહોંચી ચુકયો હતો. હવે તે હારવા માંગતો નહોતો. જીપની પાછળ ચડીને તેણે ખીસ્સામાંથી રૂમાલ કાઢયો અને કચ-કચાવીને શૈતાનસીંગની જાંઘના ઉપરના ભાગે બાંધ્યો. તે જાણતો હતો કે તેનાથી કંઇ વળવાનું નહોતુ તેમ છતાં એક ઉપાય તરીકે અત્યારે તે બીજું કંઇ કરી શકે તેમ નહોતો.
એ દરમ્યાન વીજય ફરી પાછો રીતુ પાસે પહોંચ્યો હતો. તેણે ગાડા નીચે ભરાઇને બેસેલા બંને જુવાનીયાઓને બહાર કાઢયા અને કયાંકથી પાણીની વ્યવસ્થા કરવા કહયુ. એક યુવાન તરત ગાડાની આગળથી પાણીની બરણી લઇ આવ્યો. વીજયે પાણી લઇને રીતુના મોંઢા પર છાંટયુ. બે-ચાર વખત છાલક મારી ત્યારે રીતુની પાંપણોમાં સળવળાટ થયો. ધીરેથી તેની આંખો ખુલી.પાંપણો ઉપર બાઝેલા પાણીની બુંદો ઉપર સુર્યનું કિરણ પડતુ હતુ જેના કારણે એ બુંદો મોતીની જેમ ચમકી ઉઠી હતી....એ દ્રશ્ય અવર્ણનીય હતુ. પંચાલ ગઢ ગામના પાદરે ધુળીયા ગાડા કેડે કોઇકના બળદગાડામાં પાથરેલા ફાટેલા મેલા ગોદડા ઉપર રીતુ સુતી હતી. બેતહાશા થાકના કારણે તે બેહોશ થઇ ગઇ હતી અને હજુ હમણા જ ભાનમાં આવી હતી. તેની નજીક વીજય ઉભડક પગે બેઠો હતો. તેના હાથમાં પાણીની બરણા હતી જેમાંથી પાણી લઇ વીજયે રીતુના ચહેરા ઉપર છાંટયુ હતુ. રીતુના સુંદર ચહેરા ઉપર એ પાણીની બુંદો રેળાઇ હતી જેના કારણે માટીવાળો થયેલો તેનો ચહેરો થોડો સાફ થયો હતો. તેણે આંખો ખોલી હતી. પાણી આંખોમાં જવાથી આંખોમાં થોડી લાલાશ છવાઇ હતી....તેની અપલક દ્રષ્ટી વીજયના ચહેરા ઉપર મંડાણી હતી....કોઇ ફીલ્મી કચકડામાં કંડારાયએવુ એ દ્રશ્ય હતુ. વીજય પણ સ્થીર થઇ રીતુના લંબગોળ, બેહદ ખુબસુરત ચહેરાને તાકી રહયો હતો.
બે-ઘડી બસ, એ જ સ્તબ્તામાં વીતી. સમય જાણે સ્થિર થઇ ગયો. વીજય અને રીતુ અનીમેષ દ્ષ્ટીએ એક-બીજાને જોઇ રહયા હતા. વીજય માટેતો આ કલ્પનાતીત દ્રશ્ય હતુ. તેની સૌંદર્યમૂર્તી-આરાધ્યમુર્તી સમાન રીતુ અત્યારે તેની સામે હતી....અને રીતુ.... આંખોમાં છવાયેલા ઝાકળની પેલે પાર તે જાણે કોઇ દેવદૂતને જોઇ રહી હતી. બે સેકન્ડ પછી તેને સમજાયુ હતુ કે એ કોઇ દેવદૂત નહી પરંતુ તેનું રોમ-રોમ જેને અહર્નિશ ઝંખતુ હતુ.....જેને તે બેતહાશા ચાહતી હતી એ વીજય હતો....તેનો વીજય હતો....અચાનક તેના જીગરમાં આનંદનો ઉભરો આવ્યો. તેની કાજળઘેરી આંખોમાંથી આંસુ સર્યા, એક ઝટકા સાથે તે બેઠી થઇ અને વીજયને વળગી પડી.
“ અરે....અરે....” અધુકડા, ગોઠણવાળીને બેઠેલા વીજયનું સંતુલન આમ અચાનક રીતુના ભેટવાના કારણે ખોરવાયુ અને તે પાછળ ઢળકયો, ગાડાની દિવાલે તેની પીઠ ટકરાણી. ગાડામાં ખોડેલો લાકડાનો ખાંભો તેની ગરદનમાં વાગ્યો પણ એની તેને કોઇ પરવા નહોતી....એ જ હાલતમાં તેણે હાથ ફેલાવી રીતુને પાતાની બાંહોમાં સમાવી લીધી. વર્ષોથી ધીખતી ધરતી ઉપર જાણે પહેલા વરસાદની બુંદો છવાઇ હોય એમ રીતુ અને વીજય બંનેના હ્રદય ઉપર પહેલા મીલનની શીતળતા ફેલાઇ. પ્રથમ મીલનની એ પહેલી ક્ષણમાં જાણે સદીઓ વીતી જતી અનુભવાતી હતી. તેઓ કેવી પરિસ્થિતીમાં ત્યાં હતા એ પણ તેમને ભુલાઇ ગયુ હતુ. પેલા બંને ગોવાળીયાઓ આંખો ફાડી-ફાડીને અહી ભજવાઇ રહેલા દ્રશ્યોને નીહારતા ઉભા હતા. તેમની સમજમાં કંઇ આવતુ નહોતુ. હજુ હમણા થોડીવાર પહેલા એક વ્યક્તિને ગોળીએ દેવામાં આવ્યો હતો અને અત્યારે તેમના જ ગાડામાં એક અદ્દભૂત મિલન રચાયુ હતુ એ જોઇને તે બંનેને એટલો તો ખ્યાલ આવ્યો જ હતો કે જે કંઇપણ બન્યુ તે આ યુવતીને કારણે જ થયુ હતુ....જો કે સાચી હકીકતની વાત તો તે બંનેને કયાંથી ખબર હોય.
“ ઓહ રીતુ....” વીજય બેતહાશા રીતુના ધુળથી ખરડાયેલા ચહેરાને, તેની ગરદનને ચૂમી રહયો હતો અને રીતુની આંખમાં જાણે હરખની હેલી ઉમટી હોય એમ સતત આંસુ વહયે જતા હતા. એ હરખના આંસુ હતા, વીજયને મેળવ્યાના આનંદના આંસુ હતા.
“ તમારે બંનેને અહીયા જ સુહાગરાત ઉજવવી છે કે શું....?” શૈતાનસીંગને જીપમાં નાંખી ગેહલોત ગાડા નજીક આવતા બોલ્યો, વીજય અને રીતુને એક-મેકમાં ગુંથયેલા જોઇને તે બોલી ઉઠયો હતો. ગેહલોતનો અવાજ સાંભળી રીતુ તરત વીજયથી અળગી થઇ.
“ આજ-કાલના જુવાનીયાઓની આજ તકલીફ છે.સહેજ મોકો મળ્યો નથી કે સમય,સ્થળનું ભાન ભુલી તરત મસ્તીએ ચડી જાય છે....” ગેહલોતે હળવુ હાસ્ય વેરતા કહયુ.
“ સર....તમે પણ જુવાન જ છો ને....!!!” વીજય માથુ ખંજવાળતા બોલ્યો. તેની એ વાતને ગેહલોત નકારી શકે તેમ નહોતો કારણ કે તે હજુ ત્રીસીમાં જ હતો અને કોઇ સારા પાત્રની તેને પણ તલાશ હતી. તે ફરીવાર હસી પડયો.
“ ઠીક છે ભાઇ....પણ જો હવે તમારો પ્રેમાલાપ પત્યો હોય તો કંઇક કામની વાત કરીએ....!!! રીતુને પુંછ કે તે અહી કેવી રીતે આવી....અને જો તે સાચુ બોલવાની હોય તો એ પણ પુંછ કે સુંદરવન હવેલીવાળા કાંડમાં તેનો શું રોલ હતો....? અને જો તારાથી એ પણ થઇ શકે એમ ન હોય તો હું પુંછું....!” ગેહલોતે વીજયને કહયું.
“ એની જરૂર નથી....હું બધુ જ કહેવા તૈયાર છું પણ એ પહેલા મોન્ટીને બચાવવો જરૂરી છે....” રીતુએ ગેહલોતને સીધુ જ કહયુ.
“ મોન્ટી....ઓહ....મોન્ટી જીવીત છે....!! ઓહ...મોન્ટી કયાં છે....? જલ્દી કહે મને....તું કેમ અત્યાર સુધી બોલી નહી....” વીજયના અવાજમાં મોન્ટી જીવીત હોવાના સમાચાર સાભળી હરખ છલકાયો હતો.
“ હાં વીજય....મોન્ટી જીવીત છે....પણ તે સલામત નથી, તે ઘાયલ છે....”
“ ઘાયલ....પણ કેવી રીતે....?”
“ રેવાએ તેને ઘાયલ કર્યો છે....”
“ રેવા...?!!”
“ પંચાલ બાપુનો કુતરો રેવા....”
“ તો આ બધુ જીગર પંચાલે કરાવ્યુ છે એમને....!!” અચાનક વીજયને તાળો મળ્યો હતો.
“ કોણ જીગર પંચાલ....?” રીતુ અને વીજયની વાત-ચીત સાંભળી રહેલા ગેહલોતના કાન અચાનક સરવા થયા.
“ જીગર પંચાલ.... અમારો જુનો મિત્ર હતો....” વીજયે “ હતો” ઉપર ભાર મુકતા કહયું
“ એ ચોખવટ આપણે પછી કરીશું પહેલા આપણે બાપુના ફાર્મ હાઉસે પહોંચવુ પડશે. ખબર નહી મોન્ટીનું એ લોકોએ શું કર્યુ હશે....?” રીતુ બોલી.
“ એક મીનીટ....એક મીનીટ... તું બાપુને કેવી રીતે ઓળખે...?” હૈરતથી વીજય બોલ્યો.
“ નહોતી ઓળખતી.... પણ હવે ઓળખુ છુ. તને એક વાત કહુ વીજય...?” રીતુએ વીજયની આંખોમાં આંખ પરોવતા પુછયુ. કેટલી ગહેરી હતી રીતુની આંખો.... વીજયએ આંખોમાં જોઇ રહયો.
“ હાં કહેને...એમાં તારે પુછવાનુ થોડુ હોય...” તે બોલ્યો.
“ તને ખબર છે....!! કોલેજમાં એકવાર તે મારા ગામનું નામ પુંછયુ હતુ અને મેં તને એ નામ કહયુ હતુ....”
“ હાં....તેનુ શું છે....” વીજયને કંઇ સમજાયુ નહી કે રીતુ કહેવા શું માંગે છે.
“ એ સમયે તે મારા ગામનું નામ બરાબર સાંભળ્યુ નહી હોય, અને સાંભળ્યુ હશે તો ધ્યાન આપ્યુ નહી હોય....” રીતુ જાણે પહેલીઓ પુછી રહી હોય તેમ બોલી. વીજયને હજુ પણ કંઇ સમજાયુ નહી. તે અસમંજસમાં રીતુની સામે જોઇ રહયો. રીતુએ એક નિસાસો નાંખ્યો.
“ વીજય...હું પણ પંચાલગઢની જ છું....”
“ વોટ....?” વીજય ઉછળી પડયો.
“ હાં....આ મારુ જ ગામ છે. અત્યાર સુધી હું પણ અંધારામાં હતી. મને ખુદને ખબ નહોતી કે મારો ઇસ્તેમાલ કોણ કરી રહયુ છે....પણ આ સીમને હું ઓળખુ છુ. આ જ માટીમાં રમીને હું મોટી થઇ છુ. અહીની હવામાં વહેતી સુગંધને હું પહેચાનુ છું....ખેર...એ બધુ હું તને વીગતે પછી જણાવીશ. સૌથી પહેલા તો આપણે બાપુની વાડીએ પહોંચવુ વધુ અગત્યનું છે. જો મોડુ થશે તો કદાચ...આપણે મોન્ટીને ગુમાવી બેસીશું....” રીતુ આદ્ર સ્વરે બોલી.
“ મને લાગે છે કે રીતુ ઠીક કહે છે.” ગેહલોતે રીતુની વાતમાં હામી ભરી.
“ અને આ શૌતાનસીંગ.....!!”
“ એ ભલે જીપમાં જ પડયો રહેતો...” ગેહલોત બોલ્યો અને જીપ તરફ ફર્યો. વીજયે રીતુને ગાડામાંથી નીચે ઉતરવામાં મદદ કરી.
“ રીતુ તું જીપમાં બેસ....હું આ લોકોને રવાના કરુ છુ....” વીજયે પેલા જુવાનીયાઓ તરફ ઇશારો કર્યો. રીતુ ત્યાંથી ચાલીને જીપની આગળની સીટમાં ગોઠવાઇ. વીજયે પેલા બંને ગોવાળીયાઓને અષ્ટમ-પષ્ટમ સમજાવીને ત્યાંથી રવાના કર્યા. એ લોકો પણ ડરેલા હતા. જે ગોળીબાર થયો અને એક વ્યક્તિ ધાયલ થયો એ જોઇને તેમને કોઇ મોટા ઝમેલામાં ફસાઇ જવાનો ડર લાગતો હતો એટલે વીજયે જ્યારે તેમને ત્યાંથી જવાનું કહયુ ત્યારે એ બંનેને હાશ થઇ હતી. તેમણે તરત ગાયોના ધણને એકઠુ કર્યુ અને પોબારા ભણ્યા હતા.
વીજય ફરી પાછો ડ્રાઇવીંગ સીટઉપર ગોઠવાયો. તેની બાજુમાં રીતુ બેઠી હતી. ગેહલોત પાછળ શૈતાનસીંગ પાસે બેઠો એટલે વીજયે જીપને ચાલુ કરી બાપુની વાડીની દિશામાં ભગાવી મુકી....એ સમયે સુરજ મધ્યાહને આવ્યો હતો. ધોમ-ધખતા સુરજના તીખા સોનેરી કિરણો ખેતરોમાં ઉગી નીકળેલી લીલોતરી ને દઝાડી રહયા હતા...
( ક્રમશઃ )
વધુ આવતા અંકે.....