Soumitra - 13 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સૌમિત્ર - કડી ૧૩

Featured Books
Categories
Share

સૌમિત્ર - કડી ૧૩

સૌમિત્ર

સિદ્ધાર્થ છાયા દ્વારા

-: પ્રકરણ ૧૩ : -


“એનું નામ નિશા કુટ્ટી છે. મારી સાથે પહેલા ધોરણથી જ સ્કુલમાં એક જ ક્લાસમાં ભણતી.” વ્રજેશ લગભગ દોઢ બે મિનીટ બાદ બોલ્યો. એનો અવાજ ભારે હતો.

“ઓહ! એટલે ગુજરાતી નથી?” સૌમિત્ર બોલ્યો.

“ના કેરાલિયન છે. એના પપ્પા અમદાવાદ ઇસરોમાં નોકરી કરે છે પણ રહે છે ગાંધીનગરમાં. લગભગ દસમાં ધોરણથી અમે એકબીજાને ગમવા લાગ્યા હતા.” વ્રજેશના ચહેરા પર સ્મિત આવી ગયું.

“ઓહો વીજેભાય તો બવ ઝૂના ખેલાડી નીકર્યા.” હિતુદાને પૂરી તોડીને એમાં થોડા ચણા લીધા.

“અગિયારમાં ધોરણમાં એણે સામેથી મને કીધું કે હું એને ખુબ પસંદ છું. મારે પણ ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો પણ, અમે બંનેએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી અમે બંને પગભર ન થઈએ ત્યાં સુધી કોઈને પણ ન જણાવવું અને એટલે જ મેં તમને કોઈને હજી સુધી આ બાબતે કહ્યું નહતું, પણ આજે ભૂમિએ જે રીતે ઈમોશનલ થઈને મને પૂછ્યું, પછી મારાથી ન રહેવાયું.” વ્રજેશના ચહેરા પર સ્મિત હતું.

“તારી પાસેથી આ જ આશા હતી વ્રજેશ. તું છે જ મેચ્યોર, પણ તેં અમને પહેલાં પણ કીધું હોત તો પણ વાત તો અમારી વચ્ચે જ રહેત.” સૌમિત્ર વ્રજેશ સામે હસીને બોલ્યો.

“એની મને ખબર છે સૌમિત્ર, પણ આ બધું જેટલું દેખાય છે એટલું સહેલું નથી.” વ્રજેશનો અવાજ જરા ભારે થયો.

“કાકા-કાકી ના પાડસે એની બીક લાગે સે વીજેભાય? હું હમઝાવી દઈસ ઈ લોકોને. તમે એની ચ્યનતા સોડો.” હિતુદાન ચણાપૂરી ચાવતાં ચાવતાં બોલ્યો.

“એ એકલો પ્રોબ્લેમ નથી ગઢવી. અમારા બંનેના માતા-પિતા ઓર્થોડોક્સ છે એટલે એ લોકો પહેલા ધડાકે તો ના પાડવાના જ છે, પણ એમને તો અમે કોઇપણ રીતે મનાવી લઈશું. સૌથી મોટો પ્રોબ્લેમ નિશા ના બે મોટા ભાઈઓથી થઇ શકે છે.” વ્રજેશના અવાજમાં રીતસર ગભરાટ જણાઈ રહ્યો હતો.

“એટલે? જરાક સમજાય એવું બોલ.” સૌમિત્રએ વ્રજેશને કહ્યું.

“નિશા ના બંને ભાઈઓ અહીં નથી રહેતા એલોકો કેરેલામાં અલેપ્પી પાસે કોઈ નાનકડું શહેર છે ત્યાં રહે છે, અને એ બંને ત્યાંના બે સૌથી મોટા ગુંડા છે. ત્યાંની લેફ્ટ પાર્ટી સાથે એમના ખુબ સારા સંબંધ છે. નિશા ના કહેવા પ્રમાણે તેના બંને ભાઈઓને કયારેય મનાવી તો નહીં જ શકાય પણ એ લોકો મારા અને નિશા ના સંબંધથી ગુસ્સે થઈને કદાચ મને મારી નાખે એવું બને.” વ્રજેશનો ગભરાટ હવે તેના ચહેરા પર પણ નજરે ચડી રહ્યો હતો.

“એમ કાંય ઈ ઈડલી-સંભાર વારાવને આયાં આવીને ખિચડી ને કઢી બનાવવાના સે લે? હું આયાં બેઠો હોઉં ને તમને કોઈ આંગરીય અડારી જાય, એવું બને વીજેભાય?” હિતુદાન એના ચિતપરિચિત અંદાજમાં બોલ્યો.

“એટલું સરળ નથી ગઢવી. આ બંને ભાઈઓએ નિશા માટે ઓલરેડી પોતાની પાર્ટીના કોઈ મોટા લિડરના દિકરાને પસંદ કરી લીધો છે અને નિશા ને તેની સાથે જ પરણાવવાનું વચન પણ આપી દીધું છે. એ બંને નિશા ક્યારે ગ્રેજ્યુએટ થાય એની રાહ જોઈ રહ્યા છે. નિશા પણ આપણી જેમ જ લાસ્ટ યરમાં છે એટલે હવે લાંબો સમય પણ બાકી નથી રહ્યો.” વ્રજેશે પોતાની તકલીફને વિસ્તારથી જણાવી.

“તો નિશા ને તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરાવોને વ્રજેશભાઈ? એટલો સમય આપણને વધારે મળી જશે.” ભૂમિએ આઈડિયા આપ્યો.

“ના, એ બંનેએ નિશાના મમ્મી પપ્પાને કહી દીધું છે કે હવે નિશા આગળ નહીં ભણે અને પરીક્ષા પતે કે તરતજ દસ-પંદર દિવસમાં તેના લગ્ન અલેપ્પીમાં કરાવી દેવાના છે પેલા લિડરના દિકરા સાથે.” વ્રજેશે ભૂમિના આઈડિયાને નકારી દીધો.

“હમમ.. તકલીફ તો છે.” સૌમિત્ર જાણે કશુંક વિચારી રહ્યો હોય એમ બોલ્યો.

“આ તકલીફથી પણ એક મોટી તકલીફ છે સૌમિત્ર. નિશા ને ભૂલી જવી એ હવે મારી માટે પોસિબલ નથી.” આટલા વર્ષોમાં પહેલીવાર સૌમિત્ર અને હિતુદાને વ્રજેશની આંખોમાં ભીનાશ જોઈ.

હિતુદાને તરત જ વ્રજેશને પોતાની તરફ ખેંચી લીધો અને એનો ખભો દબાવ્યો.

“રસ્તો આપણે બધા ભેગા મળીને જ શોધી શકીશું. વ્રજેશભાઈ જો તમને વાંધો ન હોય તો આપણે બધા એકસાથે નિશા ને મળીએ?” ભૂમિએ પ્રસ્તાવ મૂક્યો.

“હવે તમને બધાને ખબર પડી જ ગઈ છે તો એને મેળવવામાં મને કોઈજ વાંધો નથી, પણ તમારે બંને એ ગાંધીનગર આવવું પડશે. આજે હું એને કહી દઉં, પછી આવતા રવિવારે મળવાનું ગોઠવીએ.” વ્રજેશને કદાચ તેના મિત્રોની વાતોથી સધિયારો મળ્યો હોય એમ તેના અવાજમાં હવે આત્મવિશ્વાસ હતો.

“હા પાક્કું એમ જ રાખીએ, વ્રજેશ. જરાય ચિંતા ન કરીશ. હજી આપણી પાસે ઘણો સમય છે, કોઈને કોઈ રસ્તો તો નીકળી જ આવશે.” સૌમિત્રએ પોતાનો હાથ તેની સામે બેસેલા વ્રજેશના હાથ પર મૂકીને તેને દબાવ્યો.

“તમે લોકો છો પછી હવે મને કોઈજ ચિંતા નથી.” વ્રજેશની આંખમાં ફરીથી આંસુ આવી ગયા.

==: : ==

“સૌમિત્ર એટલે તો પેલો જ છોકરો ને જે દોઢ વર્ષ પહેલાં હું યુએસ જવા નીકળી ત્યારે આપણને મદદ કરવા માટે એરપોર્ટ આવ્યો હતો?” નિલમ ચ્હાનો એક ઘૂંટડો ભરતા બોલી.

“હા એ જ, પણ ત્યારે એવું કશું નહોતું, એટલીસ્ટ મારી તરફથી.” ભૂમિના ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“તારા તરફથી એટલે? હું સમજી નહીં.” બાજુના ટેબલ પર ચ્હાનો ખાલી કપ મુકતાં નિલમે ભૂમિને સવાલ કર્યો.

“એટલે એમ કે એ તો તે દિવસે પણ મને પ્રેમ કરતો હતો અને એરપોર્ટ મને મદદ કરીને આપણને બધાંને અને ખાસ મને ઈમ્પ્રેસ કરવા જ આવ્યો હતો.” ભૂમિના ચહેરા પર સ્મિત હતું.

“વાહ બહુ સ્માર્ટ છોકરો કહેવાય હોં કે? પણ તું તો હમણાં બે મિનીટ પહેલાં મને કહેતી હતી કે બહુ ભોળો છે?” હસી રહેલી નિલમે હવે ભૂમિની ફીરકી લેવાનું શરુ કર્યું.

“દીદી, તમે મને ચીડવવાના હોવ તો મારે તમને કશું જ નથી કહેવું.” ભૂમિએ ખોટેખોટો ગુસ્સો કર્યો.

લગ્ન પછી યુએસ જઈને પહેલીવાર ઇન્ડિયા આવેલી પોતાની મોટી બહેન નિલમ સાથે ભૂમિ એના બેડરૂમમાં એના બેડ પર બેઠાબેઠા પોતાની પ્રેમકહાણીની ડીટેઈલ્સ જણાવી રહી હતી.

“ઓકે ઓકે ઓકે... નહીં ચીડવું. દોઢ-બે વર્ષે તને મળી છું એમ તને ગુસ્સે કરીને મારે આ પ્રેશિયસ ટાઈમ વેસ્ટ નથી કરવો. પણ...” બોલતાં બોલતાં નિલમ થોડું રોકાઈ.

“પણ શું દીદી?” ભૂમિ હવે નિલમના ખોળામાં સૂતી.

“તને પપ્પાનો સ્વભાવ ખબર છે છતાં અને મારા અને મયંક સાથે એમણે જે કર્યું તે પછી પણ તે આવું કરવાની હિંમત દેખાડી?” નિલમે પોતાના ખોળામાં સુઈ ગયેલી ભૂમિના માથાના વાળ સહેલાવ્યા.

“સાચું કહું તો મને એવો કોઈજ વિચાર નહોતો આવ્યો દીદી. સૌમિત્ર જ્યારે પહેલીવાર ડિબેટ જીત્યો ને? ત્યારથીજ એ મને સારો લાગવા માંડ્યો હતો. આમ તો અમે કોલેજના પહેલા દિવસથી જ એકબીજાને ઓળખતા હતા, પણ પેલા ડિબેટે સૌમિત્ર તરફ જોવાની મારી આખી દ્રષ્ટિ જ બદલી નાખી. એ મને પરાણે ગમવા લાગ્યો. એરપોર્ટ પર જ્યારે એ આપણને મદદ કરવાના બહાને આવ્યો ત્યારે મને એ બરોબર ઈમ્પ્રેસ કરી ગયો.” ભૂમિના ચહેરા પર સ્મિત હતું.

“મતલબ કે એનો પ્લાન સફળ ગયો.” નિલમ હસી.

“હા, પણ કદાચ એને એવા પ્લાનની જરૂર પણ નહોતી. એ એકદમ સરળ છે અને સાથે હિંમતવાળો પણ. ખબર છે દીદી? એ મને ગયે વર્ષે તોફાનમાંથી બચાવીને કોલેજથી છેક આપણે ઘેર લઇ આવ્યો હતો અને પોતાની બિલકુલ પરવા નહોતી કરી. મને ઘેર છોડીને એ ખબર નહીં કેવીરીતે પણ પોતાને ઘેર એકલો પેલા બધા ડેન્જર એરિયામાંથી નીકળીને પહોંચી ગયો હતો.” આટલું બોલતી વખતે ભૂમિના ચહેરા પર સૌમિત્ર માટે જબરો અહોભાવ દેખાઈ રહ્યો હતો.

“હા તે મને લેટરમાં એ આખો કિસ્સો લખ્યો હતો, મને બરોબર યાદ છે. સારું છે તને કોઈ હિંમત કરી શકે એવો છોકરો મળ્યો. મયંકે થોડીક હિંમત દેખાડી હોત તો...” નિલમને ગળે ડૂમો બાજી ગયો.

“તને હજીયે મયંકભાઈ યાદ આવે છે દીદી?” ભૂમિ હવે નિલમના ખોળામાંથી બેઠી થઇ ગઈ અને પોતાના જમણા હાથના અંગુઠાથી નિલમની બંને આંખોની બહાર આવી ચૂકેલા આંસુઓને લૂછી નાખ્યા.

“લોકો સાચું જ કહે છે કે પહેલો પ્રેમ ક્યારેય ન ભૂલાય. જીગર મને ખૂબ પ્રેમ કરે છે ભૂમિ. મારો પડ્યો બોલ ઝીલે છે. હું ખોટું નહીં કહું, પણ ઘણીવાર મને એવું લાગે કે જો આ જ પ્રેમ મને મયંક તરફથી મળ્યો હોત તો? ખરેખર મને જીગર માટે કોઈકવાર ગિલ્ટી ફીલ થાય છે કારણકે હું એનામાં મયંક શોધું છું.” નિલમ બોલી રહી હતી તેના ચહેરા પર એક ફિક્કું સ્મિત પણ આવી ગયું.

“તો મયંકભાઈનો પ્રેમ જીજુને આપો ને?” ભૂમિ બોલી.

“એટલે?” નિલમના ચહેરા પર આશ્ચર્ય હતું.

“એટલે એમ દીદી કે તમે મયંકભાઈને જે પ્રેમ નથી આપી શક્યા અથવાતો હવે નથી આપી શકવાના એ પ્રેમ જીજુ પર વરસાવોને? મયંકભાઈ તમને ભૂલાવાના નથી એ પાક્કું છે, પણ જો જીજુ તમને આટલોબધો પ્રેમ કરતા હોય તો જીજુમાં મયંકભાઈને ન શોધો, જીજુ જ મયંકભાઈ છે એમ વિચારીને એમને પ્રેમ કરો, પછી જુવો તમારી વિચારવાની ક્રિયામાં કેવો ફરક આવે છે દીદી.” ભૂમિએ નિલમના ગાલ પર હાથ મુકીને એને બે-ત્રણ વખત સહેલાવતા સમજાવવાની કોશિશ કરી.

“અરે યાર ... ભૂમલી, તું મારી મોટી બેન છે કે હું? તેં તો મારું આખું ટેન્શન જ દૂર કરી દીધું.” નિલમનો ચહેરો અચાનક જ ખીલી ઉઠ્યો.

“એટલે?” હવે આશ્ચર્ય કરવાનો વારો ભૂમિનો હતો.

“એટલે એમ કે મને આ દોઢ-બે વર્ષ મને ખબર જ નહોતી પડતી કે મારે જીગરના અઢળક પ્રેમનું રિએક્શન કેવીરીતે આપવું? એ જ્યારે પણ મને પ્રેમ કરતા એમનેમ કે પછી ઇવન બેડમાં... મને કાયમ મયંક યાદ આવતો અને મને ગિલ્ટ ફીલ થતી કે હું આ વ્યક્તિ સાથે બરોબર નથી કરી રહી. ક્યારેક તો મને એમ પણ લાગ્યું હતું કે હું એમને ના પાડી દઉં, કે નો સેક્સ પ્લીઝ મને નથી ગમતું. પણ તે મને નવો રસ્તો દેખાડી દીધો ભૂમિ. હું જીગરમાં મયંક શોધી રહી હતી પણ હવે એટલેકે આજથી જીગર જ મારો મયંક છે. થેન્ક્સ યાર!” આટલું કહીને નિલમ ભૂમિને વળગી પડી.

“તમે ખુશ રહો એમાં જ હું ખુશ છું એમાં થેન્ક્સ શેના દીદી?” ભૂમિએ પોતાને વળગી પડેલી નિલમની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.

“ચલ હવે મને સૌમિત્ર સાથે મેળવ, મારાથી હવે એને મળ્યા વિના નહીં રહેવાય. એણે મારી રમકડા જેવી ભૂમિને કેટલી મેચ્યોર કરી દીધી?” નિલમે ભૂમિને રીતસર હુકમ કર્યો.

“અમમ... ઠીક છે, પણ આપણે ઘેરે શું બહાનું આપીશું?” ભૂમિએ નિલમને સવાલ કર્યો.

“તો તું અત્યારસુધી ઘરે કહીને સૌમિત્રને મળવા જાય છે?” નિલમ હસી રહી હતી.

“તમે બી દીદી....” આટલું કહીને ભૂમિ શરમાઈને ફરીથી નિલમને વળગી પડી.

નિલમે ભૂમિના માથા પર એક નાનકડું ચુંબન કર્યું.

== : : ==

“જો મારા અને મયંક જેવી પોઝિશન આવીને ઉભી રહેશે તો? તો તું શું કરીશ?” નિલમે સૌમિત્રને સવાલ કર્યો.

સૌમિત્રને મેળવવા ભૂમિ નિલમને લઈને તેની કોલેજ પાસે આવેલી તેની અને સૌમિત્રની ફેવરિટ રોઝ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવી હતી. નિલમને પોતાની સાથે તેના પિતાએ જે કર્યું એ હવે તેની બહેન ભૂમિ સાથે ન થાય તેની ચિંતા હતી અને આથી જ તેણે રેસ્ટોરન્ટમાં સૌમિત્રને મળવાની સાથેજ પહેલો સવાલ આ પ્રમાણે કર્યો.

“દીદી ખોટું ન લગાડતાં પણ તમારા કિસ્સામાં તમે અને મયંકભાઈ બંને ઢીલા પડ્યા હતા. અમારા કિસ્સામાં મને જ્યાંસુધી ખાતરી છે, હું અને ભૂમિ ખુબ કઠણ છીએ. કોઇપણ સંજોગોનો સામનો કરવા માટે કદાચ અમે વધુ તૈયાર છીએ, કેમ ભૂમિ?” સૌમિત્ર ભૂમિ સામે જોઇને બોલ્યો.

ભૂમિએ સૌમિત્રની વાત સાથે સહમત થતાં હકારમાં ડોકું હલાવ્યું.

“તારી વાત સાચી છે સૌમિત્ર, વાંક કદાચ અમારા બંનેનો હતો. અમારામાંથી કોઈ એક પણ જો મજબૂત હોત તો...ખેર, આ બાબતે તે કોઈ પ્લાનિંગ વિચારી રાખ્યું છે?” નિલમ બોલી.

“ના દીદી, હજીતો અમે ભણીએ છીએ અને હજી ઘણું ભણવાનું બાકી છે. મારે અને ભૂમિ બંનેને એમ.એ તો કરવું જ છે, પછી જોઈએ આગળ શું થાય છે.” સૌમિત્રએ સસ્મિત જવાબ આપ્યો.

“તું ખરેખર ખુબ ડાહ્યો અને મેચ્યોર છે સૌમિત્ર. મને હવે ખાતરી થઇ ગઈ છે કે મારી ભૂમિ, તારી સાથે ખૂબ ખુશ રહેશે. બસ, તમારા લગ્ન...” આટલું બોલીને નિલમ અટકી ગઈ.

“તમે ચિંતા ન કરો દીદી, બધું જ સરસ થઇ જશે.” ભૂમિએ તેની બાજુમાં બેઠેલી નિલમનો હાથ દબાવ્યો.

“ચિંતા ન કરત જો હું ઇન્ડિયામાં હોત. ત્યાં બેઠાબેઠા ખબર તો બધી જ મળી જાય છે પણ જ્યારે કોઈ ઈમરજન્સી આવી જાય ત્યારે ત્યાંથી અહિયાનું અંતર કાપવું ખુબ અઘરું થઇ જાય છે.” નિલમે ભૂમિને જવાબ આપ્યો.

“અત્યારે તો આપણી પાસે ઘણો સમય છે દીદી, પછી તો પડશે એવા દેવાશે.” સૌમિત્ર નિલમ સામે હસીને બોલ્યો.

== : : ==

“ભાભી તો ભારે મોંઘા હોં વ્રજેશભાઈ?”

નક્કી કર્યા પ્રમાણે નિશા ને મળવા સૌમિત્ર અને ભૂમિ ગાંધીનગર આવી ગયા હતા. એ બંને અને વ્રજેશ ઘ – પ સર્કલ પાસે નિશા ના આવવાની રાહ છેલ્લા અડધા કલાકથી જોઈ રહ્યા હતા અને એથી જ નિશા ની રાહ જોઇને થાકેલી ભૂમિએ વ્રજેશને કહ્યું.

“નીકળતાં પહેલાં મેં એને ઘેર ફોન કર્યો હતો ત્યારે એણે કીધું હતું કે એ પાંચ મિનીટમાં જ નીકળે છે.” વ્રજેશ દૂર દૂર નજર નાંખતા બોલ્યો.

“તમને આવે પણ અડધો કલાક થઇ ગયો વ્રજેશભાઈ.” ભૂમિના અવાજમાં કંટાળો સ્પષ્ટ હતો પણ તેના ચહેરા પર સ્મિત હતું.

“તમને લોકોને તૈયાર થતાં કેટલી વાર લાગે? પાંચ મિનીટનું ક્યો એટલે પાંત્રીસમિનીટ તો મિનીમમ ગણી જ લેવાની.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

“બહુ સારું હવે. તને બધી બહુ ખબર પડે.” ભૂમિ ચિડાઈને બોલી.

“તું પાછો ક્યાં નિશા ને આમતેમ શોધે છે? તમારા ગાંધીનગરમાં તો ચાર માણસ ભેગા થાય તોય ભીડ થઇ જાય અને દૂર દૂર સુધી અહિયાં તો રસ્તો ખાલીખમ્મ છે. આવશે એટલે દેખાશે જ યાર?” સૌમિત્રએ હવે વ્રજેશને ચીડવ્યો.

“મજાકની વાત નથી સૌમિત્ર. એને ઘરમાંથી નીકળવું એટલું ઇઝી નથી અને એ પણ રવિવારે.” વ્રજેશ હજીપણ નિશા ને એની સામે રહેલા ગાંધીનગરના સૂના સૂના રાજમાર્ગ પર શોધી રહ્યો હતો.

“ફરીએકવાર ફોન કરી લે ને? સામે જ શોપિંગ સેન્ટરમાં તો પીસીઓ છે!” સૌમિત્ર બોલ્યો.

“અરે, કોઈ બીજું ઉપાડશે તો ઘેરે જઇને એને પછી હજાર સવાલોના જવાબ આપવા પડશે.” વ્રજેશનો ચહેરો હવે ચિંતાથી ભરપૂર હતો.

“એટલે?” સૌમિત્રને વ્રજેશનો કહેવાનો મતલબ સમજાયો નહીં.

“અરે એને કોઈપણ છોકરા સાથે મળવાની કે વાત કરવાની છૂટ નથી. એના બંને ભાઈઓ ભલે હજારો કિલોમીટર દૂર રહેતા હોય પણ નિશા ના મમ્મી-પપ્પા પર એ બંનેનો જબરદસ્ત હાઉ છે. નિશા ના ભાઈઓ એ જ આ હુકમ કર્યો છે.” વ્રજેશે સ્પષ્ટ કર્યું.

“છોકરા સાથે વાંધો છે, છોકરી સાથે તો કોઈ વાંધો નથી ને? ભૂમિના ચહેરા પર અચાનક જ તાજગી આવી ગઈ.

“એટલે?” વ્રજેશ હજીપણ દૂર દૂર જોઈ રહ્યો હતો.

“એટલે એમ કે નિશા ને હું કોલ કરું તો?” ભૂમિ બોલી.

“અરે વાહ, આ આઈડિયા સારો છે.” સૌમિત્ર તરતજ બોલી ઉઠ્યો.

“ના એની જરૂર નથી.” વ્રજેશ રસ્તા તરફ જ જોઇને બોલ્યો.

“અરે પણ તો ક્યાં સુધી રાહ જોઈશું યાર? સાંજે પાછું ભૂમિને પણ ઘરે વહેલા પહોંચાડવાની છે.” સૌમિત્ર સહેજ ગુસ્સે થઈને બોલ્યો.

“અરે જ્યારે નિશા સામે દેખાય જ છે તો પછી એને કોલ કરવાની શું જરૂર છે?” છેવટે વ્રજેશના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે આંગળી ચીંધીને સૌમિત્ર અને ભૂમિને દૂરથી ચાલીને આવી રહેલી નિશા દેખાડી.

“ચાલો નિશા તો આવી ગઈ, પણ તમારા ભાઈ સાહેબ ક્યાં?” સૌમિત્રએ ભૂમિને પૂછ્યું.

“અરે હા, હિતુભાઈ હજી નથી આવ્યા.” ભૂમિને અચાનક જ ખ્યાલ આવ્યો.

“એ તો મારાથી પહેલાં જ આવી જવાનો હતો.” વ્રજેશે ભૂમિને જવાબ તો આપ્યો પણ એની નજર હજી સુધી તેની તરફ ચાલતી આવતી નિશા તરફ જ હતી.

“કાં તો ભૂલી ગયો હશે અને કાં તો ક્યાંક ખાવા બેસી ગયો હશે, એની ટેવ પ્રમાણે.” સૌમિત્ર હસ્યો.

“ના એને પણ નિશા ને મળવાની ખુબ ઈચ્છા હતી, મને વઢ્યો પણ ખરો કે ગાંધીનગરમાં જ છે તો મને કેમ ન મેળવી?” વ્રજેશના ચહેરા પર સ્મિત હતું.

આ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ નિશા સામેથી રસ્તો ક્રોસ કરીને આ ત્રણેય મિત્રો તરફ આવી પહોંચી અને હિતુદાન પણ એના બાઈક પર આવીને ઉભો રહ્યો. હિતુદાને સાઈડ સ્ટેન્ડથી બાઈકને પાર્ક કરી.

“એવરી થિંગ ઓકે?” વ્રજેશે નિશા તેની પાસે પહોંચતાં જ એનો હાથ પકડીને પૂછ્યું. ચાલી ચાલીને સહેજ થાકી ગયેલી દેખાઈ રહેલી સહેજ નિશા એ જવાબમાં માત્ર હસીને પોતાનું ડોકું ધુણાવીને હા પાડી.

“હું, વીજેભાય અને નિસા અમે હંધાય ગાંધીનગરમાં રંઈસી અટલે નિસા ને સવ થી પહેલી ઓરખાણ હિતુદાન જીતુદાન ગઢવી જ આપસે. કય દવ સું.” વ્રજેશ નિશાને લઈને સૌમિત્ર અને ભૂમિ તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં જ હિતુદાને એનો રસ્તો રોક્યો.

“એ તો બરોબર પણ આ હિતુદાન ગઢવી કોણ? એને બોલાવો એટલે વાત આગળ વધે.” સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

“ઈ તને હમણાં કવ ઈ...” હિતુદાને હસીને સૌમિત્રને ધક્કો માર્યો.

“ચાલોને હિતુભાઈ જલ્દી તમારી ઓળખાણ આપો, મારે પછી નિશા ને મળવું છે.” ભૂમિથી હવે રાહ નહોતી જોવાતી.

“નિસા.. મેરા નામ હિતુદાન ગઢવી હે, ઓર મેં તમેરે વ્રજેસ કા ખાસ દોસ્તાર હે. અમેરા મેરેજ હો ગયા હે ઔર અમેરે કો એ તમેરા ઓર વીજેભાય કા મેરેજ કે હંગાથે યે સોમિતર ઓર ભૂમિ કા મેરેજ પણ કરવાને કા હૈ, તમેરે સે મિલ કે અમેરે કુ બહોત રાજી રાજી હો રહા હે. ઓર હમ તમ દોનો કો સુખી હોને કી સુભેચ્છા દેતા હે.” હિતુદાને એની સ્ટાઈલમાં નિશા ને પોતાની ઓળખાણ આપીને એનો હાથ લાંબો કર્યો.

હિતુદાને જેવી પોતાની ઓળખાણ આપી કે વ્રજેશ, નિશા ની સાથે સાથે સૌમિત્ર અને ભૂમિ પણ ખડખડાટ હસવા લાગ્યા. આ જોઇને હિતુદાન ડઘાઈને ચારેય તરફ જોવા લાગ્યો. એનો હાથ હજી નિશા તરફ લંબાવેલો જ હતો.

હિતુદાનને ખબર નહોતી પડી રહી કે આ ચારેય કેમ આટલું બધું હસી રહ્યા છે?

-: પ્રકરણ તેર સમાપ્ત :-