Aarpaar in Gujarati Drama by Parul H Khakhar books and stories PDF | આરપાર- અકૂપાર

Featured Books
Categories
Share

આરપાર- અકૂપાર

Name:Parul Khakhar

Email:parul.khakhar@gmail.com

સ્ટેજ પર આછુ અજવાળું રેલાઇ રહ્યું છે, કરુણ સૂરો સંભળાય છે અને સ્પોટ લાઇટ મધ્યમાં બેઠેલી સ્ત્રી પર કેન્દ્રીત થાય છે.એક યુવાન સ્ત્રી છાતીફાટ રડી રહી છે તેની વ્હાલી ગિરવણના નામના છાજિયા લઇ રહી છે, કાળા સાડલા પહેરેલી થોડી સ્ત્રીઓ આવીને તે સ્ત્રી પર કાળી કામળી ઓઢાડીને તેને ફરતે ગોળ ફરવા લાગે છે અને છાતી કૂટતા કૂટતા મરસિયું ગાય છે.'હાય...હાય...ગિરવણ..હાય...હાય..'

આ ગિરવણ એટલે સિંહનો કોળિયો બની ગયેલી એક ગાય.છાતીફાટ રડતી સ્ત્રીને પુત્રજન્મ વખતે પિયરથી આવેલી એક અનમોલ ભેટ એટલે અસલ ગીરની ગાય.આ સ્ત્રીને પોતાના પુત્ર જેટલી જ વ્હાલી આ ગાય આજે જંગલમાં ચરવા ગઇ હતી અને સિંહે હુમલો કર્યો. આમ તો અનેક ભેંસો વચ્ચે ગિરવણને સુરક્ષિત રાખવામાં આવતી હતી અને સિંહની તાકાત નથી કે ગીરની ભેંસોનો વાળ પણ વાંકો કરી શકે ! પરંતુ સ્ત્રીના પતિની સહેજ નજરચુક થઇ અને સિંહે મોકો શોધીને હુમલો કરી દીધો, ગાય બચી તો ગઇ પણ ધ્રુજતી ધ્રુજતી ઘરે આવી.પેલી સ્ત્રી વિચારે છે કે મોત ભાળી ગયેલી આ ગાય હવે જીવતી મૂવા બરાબર ગણાય હવે એ મરતા મરતા જીવે એના કરતા ભલે સિંહના બચ્ચાનું પેટ ઠરે. અને ગિરવણને સામે ચાલીને સિંહને ભેટ ધરી દે છે.ઘરે આવીને ગીરની આ બળૂકી સ્ત્રી પોતાના બાળકને વળાવ્યા જેટલી વેદના અનુભવે છે અને ભાંગી પડે છે.એનું હૈયાફાટ રુદન આપણી આંખો પણ ભીની કરી દે છે અને ત્યારે મનોમન એક નિરાંત થાય કે ચાલો...આપણામાં હજુ સંવેદના જીવંત છે.

મિત્રો...આ દ્રશ્ય છે ધૃવ ભટ્ટની મજબૂત કલમે લખાયેલ કથા અને અદિતી દેસાઇની માવજત પામેલ નાટક 'અકૂપાર'નું.આ એવું નાટક છે જેનો નાયક સાવજ એટલે કે સિંહ છે અને નાયિકા છે ગયર એટલે કે ગીરની ભુમિ. આ નાટકનો સંદેશ છે કે પૃથ્વીને બચાવો, પૃથ્વી તમને બચાવશે.સાવ નાનક્ડી થીમ પર લખાયેલી આ નવલકથાનું નાટ્યરુપાંતર અતિશય અઘરુ ગણાય કારણ કે આમા કોઇ વાર્તા જ નથી, છે તો માત્ર ગીરની સુંદરતા અને ત્યાંના ગ્રામ્યજીવનનું વર્ણન. તેમ છતા નાટક જોઇને બહાર આવો ત્યારે આંખમાં ઝળઝળિયા અને રોમેરોમ દીવા થયેલા અનુભવાય એવું સરસ નાટક બન્યું છે.એક ચિત્રકાર મુંબઈથી ખાસ ગીરમાં આવે છે. એને પંચમહાભૂત પૈકીના જમીન તત્વ વિશે ચિત્રો દોરવા છે અને તે માટે તેને ગીર પસંદ આવી છે.ગીરના જંગલમાં રહીને મહિનાઓ સુધી તે ચિત્રો બનાવે છે અને તે દરમ્યાન તેને થતા અનુભવોને કાગળ પર આલેખતી વાત એટલે 'અકૂપાર'.

નાયક પોતાના અનુભવોની વાત માંડે અને દરેક ઘટનાના તાણાવાણા સિંહ અથવા જંગલ સાથે જ જોડાયેલા હોય.દરેક વાત આ બન્ને પર જ આવીને પૂરી થાય.ચાલો આપણે થોડી ઘટનાને વાગોળીએ...નાટકનું એક પાત્ર એટલે ડોરોથી જે વિદેશી છે અને ગ્રામ્ય જીવન તથા જંગલના રીસર્ચ માટે આવી છે.તેની સાથે ભોમિયા તરીકે ઘનુ નામના સાવ અંગુઠાછાપ યુવાનને નિયુક્ત કરવામાં આવે છે.જંગલની અજાણી અને જોખમી કેડીઓ પર ઘનુની સાથે ડોરોથી ભ્રમણ કરતી રહે છે. બન્નેની ભાષા સાવ અલગ એકબીજાની ભાષા જરાય ન સમજે છતા ગજબનું કોમ્યુનિકેશન રચાયુ.ઘનુને ઇન્ગ્લીશના બે જ શબ્દો આવડે 'પ્રોબ્લેમ' અને 'નો પ્રોબ્લેમ'. જ્યારે ખતરો દેખાય ત્યારે ઘનુ કહે 'પોબ્લેમ' અને ડોરોથી આગળ વધતી અટકી જાય, જ્યારે ઘનુ કહે ‘નો પોબ્લેમ’ ત્યારે ડોરોથીએ આગળ વધવાનું લાયસન્સ મળી ગયું એમ સમજી લેવાનું.માત્ર બે જ શબ્દોની આપ-લે દ્વારા મહિનાઓ સુધી બન્ને એકબીજાની સાથે ભાષાના કોઇ જ અભાવ વગર મીઠાશથી જોડાયેલા રહી શકે છે. આ જોઇને વિચાર આવી જાય કે આપણે કારણ વગરનો કેટલો બધો વાણીનો વ્યય કરતા રહીએ છીએ અને મનદુખનો શીકાર બનતા રહીએ છીએ !

ગીરના નિયમ મુજબ સિંહના સંવનન સમય દરમ્યાન સિંહની ફોટોગ્રાફી કે અન્ય ચેષ્ટાઓ દ્વારા તેને ખલેલ પહોંચાડવાની મનાઇ હોય છે તેમ છતા એક વખત કોઇ પ્રવાસીએ નિયમનો ભંગ કરી ફોટોગ્રાફી કરવાની કોશીશ કરી અને સિંહ ભડક્યો, પ્રવાસી પર હુમલો કરી બેઠો એ સમયે ઘનુ ત્યાં હાજર હતો તેણે પ્રવાસીને બચાવ્યો અને પોતે ઘાયલ થયો.સિંહે તેના ખભા પર બચકુ ભરી લીધું હતુ. લોહીથી લથપથ હાલતમાં ય ઘનુ બોલે છે કે સાવજ જેવું ખાનદાન જનાવર નો મળે આ મલકમાં. જો મને મારવો જ હોત તો મારું ગળુ જ પકડી લેત ને? ખભો શું કામ પકડે? મારી માથે ચડીને મારો કોળિયો કરી લેત ને? પણ આ તો ખાનદાન જાનવર...! આ દ્રશ્ય જોઇ-સાંભળીને માથું ટટ્ટાર થાય કે વાહ..એક સાવ અભણ માણસ પણ આટલી સમજણ ધરાવે છે!

એક દ્રાશ્યમાં રાત્રે જંગલનો રાજા નગરચર્યા કરવા નીકળે છે ,નદી પરના પૂલ પર ઠાઠથી ચાલ્યો જતો હોય છે અને અચાનક સામેથી વાહનોની લાઇટ ફેંકાઇ ,પ્રકાશના આક્રમણથી અંજાઇને તે પુલ પરથી કુદી પડ્યો. ગયો સીધો નદીમાં અને જીવ ખોઇ બેઠો.બીજે દિવસે એની સ્મશાનયાત્રા નીકળી, એનો જનાજો બાંધવામા આવ્યો અને આસપાસના ગામડાઓમાંથી લોકો એની આખરીયાત્રામાં સાથ દેવા આવી પહોંચ્યા. એ લોકો માટે સિંહ એ કોઇ પ્રાણી માત્ર નથી એ તો ગીરનો પ્રાણ છે.સમગ્ર વિસ્તારમાં એવો શોક છવાયો કે જાણે કોઇ સ્વજન ચાલ્યુ ગયું ! આ જોઇને સતત એવું થયા કરે કે આપણે શહેરોમાં રહીને પશુ-પંખી તો ઠીક માણસો પ્રત્યેની સંવેદના પણ ગુમાવી બેઠા છીએ.

એક સ્ત્રીનો નાનકડો છોકરો કેમેય ચાલતા જ ન શીખે, પેલી રોજ એને રેલ્વે સ્ટેશન પર લઇ આવે ટ્રેન આવે ત્યાં સુધી રહે ટ્રેન ચાલી જાય પછી પોતે પણ ચાલી જાય.છોકરાને ચાલતી ટ્રેન બતાવવી એ જ એનો હેતુ.એક દિવસ આવીને ટ્રેનના પાટા પર શ્રીફળ વધેર્યુ આ દ્રશ્ય જોઇને પેલા ચિત્રકારને આશ્ચર્ય થયું તેને થયું કે આવુ કેમ? ગાર્ડ તે વખતે હાજર હતો તેણે કહ્યું'સાયેબ...આ બાઇનો સોકરો કેમેય હાલતા નોતો શીખતો એટલે બાઇએ ટ્રેનના એન્જીનની માનતા માની હતી.સોકરો હાલતો થ્યો એટલે આજે માનતા પુરી કરવા આવી હતી.'ચિત્રકાર નવાઇ પામે ગયો કે એન્જીનની માનતા હોય? અને એ ફળે ખરી? પછી પોતે જ વિચાર્યુ કે આ ટ્રેનની શ્રદ્ધા નથી ફળી પણ પોતાની શ્રદ્ધા પરની શ્રદ્ધા ફળી છે. ખુદની શ્રદ્ધા ફળી છે. માનતા નહી પણ માન્યતા ફળી છે.કેવી ગહન વાત !

જંગલના નાનકડા રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર રોજ સાંજે ટ્રેનમાં પોતાના ગામે ચાલ્યા જાય બીજી સવારે ફરી ડ્યુટી પર હાજર થાય. જંગલમાં રાત રોકાવાની હિંમત કોણ કરે?એક વખત એવું બન્યું કે કંઇક કારણસર એ એકમાત્ર ટ્રેન હતી તે ચૂકાઇ ગઇ.ફરજિયાત પોતાના ક્વાર્ટરમાં રાતવાસો કરવાનો થયો. આ એક રાત એવી અદભુત રહી કે જાણે સ્વર્ગ પામી ગયા ! એ સન્નાટો, રાતનું સૌંદર્ય,પશુ-પક્ષીનાં શ્વાચ્છોશ્વાસના અવાજો, તમરાનો ઝીણો તમરાટ,વૃક્ષોના પાંદડાનો કર્ણમર્મર ધ્વનિ સ્ટેશન માસ્તરને ધન્ય કરી ગયા.એને થયું અરે..અત્યાર સુધી બેજાન પાટા અને એન્જીન જોવામાં જ જીંદગી વેડફી નાંખી સાચું જીવન તો અહીંયા વસતા જીવોને જોવા સમજવામાં છે.એ રાત પછીની તમામ રાતો જંગલમાં જ વિતાવવાનો નિર્ણય કરી લીધો.ધીમે ધીમે જંગલનો જાદૂ એવો છવાયો કે એકાકી માસ્તર દિપડા સાથે દોસ્તી કરી બેઠા. ગીરનો આ જાદૂ જોવા અને અનુભવવા તો ગીરમાં થોડો સમય રહેવું પડે.અને આપણે તો સુવિધાઓ અને સુખ સગવડોના એટલી હદે ગુલામ કે આવા વાતાવરણમાં એક રાત પણ ન કાઢી શકીએ.

ડોરોથીનો ભોમિયો ઘનુ ,ડોરોથી સાથે એક વખત જંગલમાં ફરી રહ્યો હતો. જંગલમાં જ રાત પડી ગઇ. બન્ને કોઇ સુરક્ષિત જગ્યા એ રાતવાસો કરવા રોકાઇ ગયા.ઘનુ જાગતો હતો અને ડોરોથીને સુઇ જવાનું કહ્યું. અડધી રાતે ઘનુને ઝોંકુ આવી ગયું. ડોરોથી તો વિદેશી યુવતી, નિયમોની ચોક્કસ હોવાથી એણે તો ઓફીસમાં રીપોર્ટ કર્યો. ઘનુ તો ગળગળો થઇ ગયો, ચિત્રકારને કહે છે 'સાયેબ...વાંક મારો છે ભલે મને સજા થાય, ભલે નોકરીમાંથી કાઢી મેલે પણ મારા ગીરની આબરુ નો જાવી જોઇયે. એને કહો કે મારા ગીર માટે જરાય ઘસાતુ નો બોલે !. એના દેશમાં મારા ગીરને ઝાંખુ નો પાડે. આ સાંભળીએ ત્યારે વિચાર આવે કે આ માણસ ખરા અર્થમાં વસુધૈવ કુટુંબકમ્ માને છે. આપણે તો આપણને રોજીરોટી આપતી સંસ્થાને પણ વગોવતા અચકાતા નથી હોતા.સમગ્ર સૃષ્ટિને ચાહવી એ કંઇ જેવીતેવી વાત છે? ભણેલા કોણ ? આપણે કે આવા ગમાર કહેવાતા ગ્રામ્યજનો?

એક વખત જુનાગઢનાં નવાબને સિંહનો શિકાર કરવાનું મન થયું.એ તો પોતાનો રસાલો તૈયાર કરવામાં પડી ગયા. વાત ઉડતી ઉડતી નેસડામાં આવી. ગીર અને ગીરનાં તમામ જીવો એકબીજા સાથે અજબ સાયુજ્યથી જોડાયેલા છે. એક અંધ યુવાન નામે રવો સૂરદાસ સિંહના શિકારની વાત સાંભળીને ધાગધાગા થઇ ગયો.નવાબ હોય તો એના ઘરનો, બાકી સિંહ તો ગીરની શાન છે એના તે કંઇ શિકાર હોતા હશેં કહીને ખોંખારો ખાઇને નીકળી પડ્યો.લોકો એ વાર્યો કે અલ્યા..આંખ વગરનો, ફદિયા વગરનો આમ ક્યાં અથડાવા-કૂટાવા જાશ? એ રાજા છે કંઇ તારુ માનવાના છે? આવી જીદ રેવા દે. ત્યારે રવો ખોંખારો ખાઇને કહે છે ‘ગાડીના પાટેપાટે હાલ્યો જાઇશ પણ સાવજનો શિકાર નો થાવા દઉ. આ તો જમ ઘર ભાળી જાય.’ એ તો નીકળી પડ્યો દિવસ રાત જોયા વગર પાટેપાટે ચાલતો રહ્યો રસ્તામાં એક સ્ટેશને એક સજ્જન મળી ગયા તેણે પોતાની સાથે ગાડીમાં બેસાડ્યો અને જુનાગઢ સુધી લઇ ગયા. રવો તો નવાબનાં મહેલનાં દરવાજે ધરણા માંડીને બેસી ગયો.નવાબ પણ જીદ્દી અને રવો પણ જીદ્દી. અંતે ટ્રેનમાં સાથે લાવનાર સજ્જન એ જ જુનાગઢનાં દિવાન હતા તે વચ્ચે પડ્યા.વાતને સવળે રસ્તે લાવ્યા. સિંહનો શિકાર બંધ કરાવ્યો. સિંહના સંરક્ષણ અને સંવર્ધનની ખાતરી અપાવી રવાને વિદાય કર્યો. આ દ્રશ્ય જોયા પછી થયું કે મહાન કોણ? પોતાની ધરતી માટે ફના થવા નીકળેલ અંધ રવો? કે જેને કોઇ લાભ લેવાનો નથી એવો પ્રજાવત્સલ દિવાન ? કે પેલો જીદ્દી નવાબ કે જેણે પોતાનો અહમ વચ્ચે લાવ્યા વગર એક આમ આદમીની ધા સાંભળી અને સિંહની વસાહતને અભયદાન આપ્યુ તે?

રવો સૂરદાસ અંધ હોવાથી પરણ્યો ન હતો, તે માનતો કે મારી સાથે લગ્ન કરનાર વ્યક્તિનું જીવન બગાડવાનો મને કોઇ હક નથી.હું અંધ માણસ કોઇને સુખી ન કરી શકું તો કંઇ નહી પણ દુઃખી તો ન કરુ.મારા અંધાપાનો શ્રાપ કોઇની દીકરી શા માટે ભોગવે? ગામલોકો કહે પરણવું ન હોય તો કંઇ નહી પણ નાતના રિવાજ મુજબ ગામને જમાડવું પડે, પહેરામણી પણ કરવી પડે, ગોરને દાપૂ પણ આપવું પડે.રવો વિચારમાં પડી ગયો કે પરણ્યા વગર આ બધું કેમ કરવું? ફરી પેલા જુનાગઢના દિવાન વ્હારે આવ્યા. રવા એ ગામની બહાર આવેલ એક ટેકરો દત્તક લીધો અને નામ હતું 'ઘંટલો' જુનાગઢના દિવાને એક ટેકરી દત્તક લીધી નામ હતું 'ઘંટલી'. આકાશનો માંડવો અને નદીયુની સાક્ષીએ ઘંટલા-ઘંટલીના લગ્ન લેવાયા.દિવાન દીકરીનો પિતા હોવાથી છુટ્ટે હાથે પૈસા વાપર્યા. ગામ જમણ થયું, પહેરામણી પણ અપાઇ. ગોરને પણ દાપૂ આપીને ખુશ કર્યા. ઈતિહાસમાં આવા લગ્નો કદાચ ક્યાંય નોંધાયા નહી હોય કે જ્યા ટેકરીઓને દત્તક લઇને એના લગ્ન કરાવાયા હોય.આ તો ગીરની રઢિયાળી ધરતી છે અહીંના માણસો પણ ખમીરવંતા અને અહીંના સાવજ પણ ખમીરવંતા.

નાટકનાં બે બળૂકા પાત્રો એટલે સાંસાઇ નામની યુવતી અને આઇમા જે પોતાના ગીર માટે કંઇપણ કરવા તૈયાર રહે. એમની હાજરી સતત વર્તાયા કરે અને તો યે એમની પોતાની કોઇ વાર્તા નથી. પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ગીરના જંગલ અને તેમાં વસતા જીવો માટે જ વાપરી નાંખવા તત્પર આ બન્ને સ્ત્રીઓ ખરા અર્થમાં ધીંગી ધરાની ધીંગી સ્ત્રીઓ બની રહે છે.સાવજ સાથે રહીને સાવજ જેવા થયેલા પુરુષો પણ આ નાટકનું અગત્યનું અંગ બની રહે છે.આ નાટકનું નાનામાં નાનું પાત્ર પણ પોતાની છાપ છોડીને જાય છે. આ લેખકની સફળતા ગણવી કે દિગ્દર્શકની? કે પછી પાત્ર ભજવનાર કલાકારની? લેખન, દિગ્દર્શન અને અભિનય આ બધી કલાનો સુંદર સંગમ એટલે અકૂપાર.

---પારુલ ખખ્ખર