આછંદસ કવિતા
[૧]
'' નિરાશાવાદી''
નિરાશાવાદી તો તેને કહેવાય....
જે પોતાની જીંદગી આખી ડાર્ક-રૂમ માં વિતાવે
નેગેટીવ ને ડેવલપ કર્યા કરે...
નિરાશાવાદી તો તેને કહેવાય...
સૂર્ય આકારો તપતો હોય ત્યારે તે
માવઠા ની આગાહી કરે...
બધું સમુસુતરું ચાલતું હોય તોય કહે
કઈ લાંબુ ચાલશે નહિ...
કોઈ માયા,મૈત્રી કે પ્રેમ બતાવે ત્યારેય તે
શંકા-કુશંકા માં અટવાયા કરે...
સુંદરતા દેખાતી નથી
પીડા ને ઘર બનાવે
ટૂંકી દ્રષ્ટિ ધરાવે
બધું જ ખાલીખમ
કાળું મેશ
નકરી ઉદાસી...હતાશા...અંધકાર...!!!
પણ મિત્રો
દરેક સિક્કાની બે બાજુ હોય છે..
જરા દ્રષ્ટિ ને ફેરવો...
પ્રકૃતિ,સૂર્ય,ચંદ્ર,નદી,ઝરણું,સાગર,ફૂલ,પતંગિયું....વગેરે
કેટલું જીવંત લાગશે
કેટકેટલું શીખવશે આપણને
ધબકતું વિશ્વ,અસીમ પ્રેમ...!!!
કેટલું અદભૂત...!!!
કોર્નર:- હતાશાવાદી કરતા આશાવાદી વધુ જીવે છે,હતાશાવાદી જીવતા નથી હોતા એને દાતો કે બાળો
એ પહેલા જ મારી ચુક્યા હોય છે...!
નીતા શાહ
[૨]
વિચારી વિચારી ને શું લખી શકાય કવિતા...???
ના......રે....ક્યારેય...નહિ..!
હૃદયમાં ક્યાંક મૌન વસ્યું હોય અને
એ મૌન નું મુખારીત સ્વરૂપ શબદ માં થાય...
શબ્દ નહિ પણ શબદ..
જોડાક્ષર નો ધક્કો પણ ન જોઈએ...!
કોઈ બેડી નહિ
કોઈ બંધન નહિ
કોઈ જંજીર નહિ
મોકળા મને આપમેળે ...રેલાતો વહેતો શબદ
જાણે ઝાંઝર પહેરી ને કોઈ કુંવારિકા નું આગમન
છમ-છમ--છમ-છમ...!
એ શબદ નું અંકુરવું એટલે જાણે
મહામૌન ના શિખર પર સુરજ આથમતો હોય..આહ...
પંક્તિ ના પક્ષીની પ્રતીક્ષા કરવા
જાણે હાથ માં ચણ લઈને બેઠા હોઈએ..
જેવું તે આવે,તેને ઝડપી ને મગજ માં સ્કેન કરી લઈએ
થોડું ગણ ગણીએ....
અને હૃદય ને કલમ નું તારામૈત્રક રચાય
અને સહજતા પૂર્વક કશુક અંદરથી રેલાતું જાય...!
નીતા શાહ
[૩]
ખબર છે તને ?
મને મારું એકાંત ખુબ ગમતું
મારા જીવન નો સુવર્ણ સમય
મનગમતી વ્યક્તિના સાન્નિધ્ય વિના
સતત એનામાં ઓતપ્રેત રહેવું
ક્યારેક લડવું તો ક્યારેક ઝગડવું
ક્યારેક લાડ કરવા તો ક્યારેક મોં ચઢાવવું
રોજ નવી ફરિયાદ
તું આવો છે ને તું તેવો છે
તું ફલાણો છે ને ઢીકણો છે
છતાં ય ખુબ વ્હાલો
ક્યારેક પ્રિયા બનીને ચૂમી લેતી
ક્યારેક સખી બનીને ચૂંટી ભરતી
ક્યારેક માતા બનીને વ્હાલ વરસાવતી
ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડતી
ક્યારેક ખીલખીલાટ હસતી
ત્યારેય ખબર નહોતી ને આજે પણ નથી
આપણા [મારા] આ સબંધનું નામ શું ?
અને આજે ....
મારા એકાંતની જગા પચાવી પડી છે
મારી એકલતાએ ....
એકલતાના એનાકોન્ડાએ ભરડો લીધો છે
એની ભીંસનું જોર વધી જશે
ને શ્વાસ રૂંધાઇ જશે
નીતા શાહ
[૪]
સાગરને આકાશની સફર કરાવવાનું....
આકાશમાંથી તારાનું
ખરી પડવું
શું એ એની ગફલત છે...?
કદાચ અંતિમ ઈચ્છા પણ હોઈ શકે
અફાટ ધરતીનું કફન ઓઢવાનું....
વૃક્ષ પરથી પર્ણનું
ખરી પડવું
શું એ વૃક્ષનો નિર્ણય છે...?
કદાચ એ પાનખર પણ હોઈ શકે
નવું જીવન જીવવાની એષણાં...
લીલાછમ ઘાસ
પરની જળબુંદ
શું એ સાચે ઝાકળ છે...?
કદાચ એ ઘાસનું આંસુ પણ હોઈ શકે
વાદળે નહિ બંધાવાનો અફસોસ...
નીતા.શાહ.
[૫]
મારા ભારત દેશમાં તો રોજ ઉજવાય
'' MOTHER'S DAY''
એનું જીવન એટલે નિબંધ નહિ
પ્રત્યેક દિવસોના પેરેગ્રાફ માં
વહેંચાયેલી આત્મકથા....
વેદનાનું વ્હાલમાં રૂપાંતર કરે
અને આપણાં શ્વાસ એટલે
એના મૂળને ઉગેલા ફૂલ
એ બધા ની છે પણ
એનું કોઈ નથી...
'
માં' એટલે થાકનું વિરામ
'માં' એટલે જીવતરનો આરામ
મમ્મીને હગ એટલે ઈશ્વરને પ્રણામ
આફતો સામે લડવાનો શ્રીયંત્ર
આપના દુઃખોનું ફિલ્ટર
આપના સુખોનું પોસ્ટર
આપની ભૂલો પર ભભૂકતો ગુસ્સો
આપણી ભૂલોને છાવરતો જુસ્સો
બાળકની પહેલી રેફરેન્સ બુક
અન્લીમીટેડ લવ
શિયાળાની હુંફ
ઉનાળાની ઠંડક
વરસતું વ્હાલ
બે સંતાનો વચ્ચેના અબોલા ની
મૌન વેદના તેની આંખોમાં વંચાય
રક્ષાબંધન ના દિવસે જયારે
બહેન ભાઈ ને રાખડી બાંધે ત્યારે
ભૂતકાળ ચડ્ડી ને ફ્રોક પહેરીને
સજળ આંખે ઉડાઉડ કરે છે...
ત્યારે ખીલેલા ચહેરામાં તમને
ઈશ ની અનુભૂતિ થશે...!
જાણે કહેતી હશે કે જોયું
મારું ક્રીએશન....!
સંતાનો જીવન ના મધ્યમાં હોય
પ્રભુને એક અગરબત્તી વધારે કરે
ઘરના ખુણાનું એકાંત પોતીકું લાગે
જયારે જયારે પાડોશી સાથે વાત કરે
આંખમાં અનોખી ખુમારીભરી ચમક સાથે
સંતાનોની પ્રગતિના સમાચાર
એની વાત ની ''હેડલાઈન'' હોય...
એ ઘર ના મંદિર ની ધજા છે,
ત્રણ-ત્રણ પેઢીઓ નો સમન્વય નિભાવે છે
કૌટુંબિક માળાના મણકા પરોવીને સજાવે છે
આપણે કોરી આંખે રડીએ ત્યારે
પાલવ તો તેનો જ ભીંજાય છે
એના વિષે મૌન રહી શકાતું નથી
ને બોલવામાં ગોથું ખાઈએ છીએ
આપણે એને ક્યાં રાખીએ છીએ?
એ જ આપણ ને રાખે છે...
આંખ સામે ઘરડી થાય છે
કશું જ નથી આપી શકતા
જયારે ખબર પડે છે
જયારે સમજાય છે ...
ત્યારે...???
ખુબ મોડું થઇ ગયું હોય છે...!!!
નીતા શાહ
[૬]
'' મૌન ની ભાષા ''
એક રંગીલો માણસ,
હું તો ગયા જ કરીશ
ગાવાનું જ મારું સઘળું છે
તે જ આનંદ..તે જ જીવન
એક મૂંજી માણસ,
અમે તો મૂંગા જ રહેવાના
મૌન માં જ જીવવાના
મૌન જ ભાષા
મૌન જ ભૂષણ..
જીવનના આ ત્રણ ક્રિયાપદો...
જરા આપના નટખટ કૃષ્ણ નું સ્મરણ કરીએ તો...?
તમને એકી સાથે ત્રણ ક્રિયાપદો નું સ્મરણ થવાનું
તે સિવાય પણ તમારા ભેજા માં રમતા દરેક ક્રિયાપદ
તે નટખટ ના મુખારવિંદ પર ઝળહળતા જોવા મળવાના...
ચાર્લી ચેપ્લીન અને મી.બિન ને યાદ કરો..
મૂંગા હશે બંને
પણ તેના મૌન ને જોઇને તમે મલકી જવાના..
લાગશે તે બંને જાણે દુનિયા ની દરેક ભાષા એક સાથે બોલે છે..!
આપણા કેટલાક ચિંતકો
બોલે ત્યારે તો ઠીક મારા ભાઈ
પણ લખે ત્યારે પણ..
ભીતરનો દબાયેલો અહમ
લખાણ ને પણ બબડતું કરી મુકે
''શાંતિ-પાઠ'' ની વાત પણ ઘણી વાર અશાંત-ભરી ભાષામાં...!
છેલ્લે આપણાં એ ''રિમોટ કંટ્રોલર'' નટખટ ને પૂછીએ
અવારનવાર આ ત્રણે ક્રિયાપદો નો વિનિમય
અન્યના મુખે કરાવે અને
વિપરીત બાજી ને પોતાની તરફ ખેંચી લે
નહિ તો પછી
સીધી લગતી બાજી ને વિપરીત કરી મુકે...
પાક્કો '' ચીટર''....!
નીતા શાહ
વિચારે વિચારે વિચાર વણાઈ ગયો..
વધારો શેમાં જોવા મળે..?
માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી
વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?
મનુષ્ય એટલે.....?
પ્રેમ નો સાગર
કરુણા ની સરિતા
પરોપકારનું ઝરણું
સમર્પણ નું આકાશ
સંવેદના નો સુરજ
ક્ષમા-યાચનાનો ચંદ્ર
લાગણીઓ નો સમીર
જ્ઞાન નો ભંડાર
આટઆટલા ગુણો ના સમન્વય વાળો મનુષ્ય...
શોધવો હોય તો કાળી અમાસની રાતે સોય શોધવી....
એના જેટલું જ મુશ્કેલ..
ટાટીયો ખેંચવાની હરીફાઈ માં ..હાથ પકડનારા કેટલા...?
આજના પશુઓ એટલે
વફાદારી નો પર્યાય..
માલિક પ્રત્યે સમર્પણ નું સગપણ
મુક સંવેદના
બિન ફરિયાદી
પરોપકારી....!
એક જ પશુ માં આટલા બધા ગુણો શોધવા જરા ય અઘરા નથી...
એટલે તો કુતરા પણ એ.સી. કાર માં મૌજ કરે છે...
ડો.જોહ્ન્સ ના શબ્દો માં,
હું માનવ-જાત પ્રત્યે ધ્રુણા ધરાવું છું. કારણ કે હું મારી જાત ને સર્વોત્તમ મનુષ્ય માનું છું.
પણ મને ખબર છે કે હું કેટલો ખરાબ છું....
નીતા શાહ