Ek hato Engineer - 2 in Gujarati Short Stories by Jitesh Donga books and stories PDF | એક હતો એન્જીનીયર – 2

Featured Books
Categories
Share

એક હતો એન્જીનીયર – 2

(પહેલા ભાગમાં મેં કહેલું કે કઈ રીતે એન્જીનીયર માટેની કોલેજમાં ઘુસ્યા પછી મારી અંદર બદલાવ આવવા લાગેલો. આ ભાગમાં એ જ વાતો છે જે કોલેજમાં અનુભવી હતી. હજુ આગળ કઈ રીતે હું લેખક બનવા તરફ ગયો એ વાતો આવશે.)

મેં ચોથા સેમેસ્ટરમાં કશું જ કર્યું નહી. ફિલ્મો જોઈ. પાર્ટીઓ કરી. દોસ્તી બનાવી. બીડીઓ ફૂંકી. મોડી રાત સુધી જાગીને અસાઇનમેન્ટના ઉતારા કર્યા. હું નમ્બ હતો. મને ચારે બાજુ મારી જેવા જ દિશા-વિહીન અને છતાં બહારથી હેપી દેખાવાની કોશિશ કરતા, જલસા મારતા પરંતુ અંદરથી દોસ્તોના ટોળામાં પણ એકલતા અનુભવતા એન્જીનીયર દેખાતા હતા. કોઈનું ભવિષ્યમાં કશું ઉકળવાનું નથી, બધા બોગસ જોબ કરશે, પૈસા કમાવા જ બધું જશે, આ બધા સમાજને સ્વીકારી લેશે...આવા હજાર વિચાર આવતા. ચોથા સેમેસ્ટરમાં લાગ્યું કે જગતના મોટાભાગના માણસો બે ત્રણ સવાલોમાં જીવન કાઢી નાખે છે: એક: મને શેમાં રસ છે? અને બીજું ખરેખર હું જે રસ્તે, જેવો માણસ બનવા જઈ રહ્યો છું એ સાચો છે? મને લાગ્યું: ખુબ ઓછા માણસો પોતાનું પેશન-પર્પઝ શોધી શકે છે. તો શું બાકી બધા નકામા?

ના. આ વિશ્વમાં દુર આકાશમાં ઉડતું પરીંદુ પણ પોતાનો ભાગ ભજવે છે. કોઈ ખૂણે સડતો ભૂખ્યો-નાગો રૂમી પણ ફેંકી દેવાનો નથી. પણ શું કરવું? મને ખબર હતી કે મારી જેમ દરેક દોસ્તમાં પેલો ‘કશુક’ બનવાનો ‘સ્પાર્ક’ હતો. દિશા ન હતી. એટલે સૌ કોઈ પોતાના વિચિત્ર સપનાઓ કહેતા, પરંતુ કોઈના સપનાની ઈમારતોને પાયો જ નથી એ ફીલિંગ સૌને આવી જતી. મને કોઈ પૂછતું તો કહેતો: હું બીઝનેસ ચાલુ કરીશ. ઇલેક્ટ્રિક વાયર બનાવતી કંપની. Name: JK Wires ltd. product: From Non-metallic Cable to Optical Fiber! પરંતુ એ માટે શું કરવું એ ખબર ન હતી! બહારથી Awesome દેખાતો માણસ અંદરથી Happy હોય એ જરૂરી નથી. હું બીજા બધા ઘેટાઓની જેમ જ ટોળામાં ભાગ્યે જતો હતો. હું તો હવે વિદ્યાનગરના રસ્તાઓ પણ ઘસી ચુક્યો હતો. અમુક સમયે એન્જોયમેન્ટનો પણ કંટાળો આવતો હતો. હવેની રાત્રે દોસ્તો સાથે બીયર-વ્હીસ્કી પીધા પછી લવસ્ટોરીને બદલે ભવિષ્યમાં શું કરશું એની ગમ ભરી વાતો થતી! ચોથું સેમેસ્ટર પૂરું થયું.

પાંચમાં સેમમાં મેં નક્કી કર્યું દોસ્તોને છોડી દઉં. દારૂ પણ. દોસ્તનું આખું ગ્રુપ વિદ્યાનગર રહેવા જતું રહ્યું (વધુ જલસા માટે!) અને હું ‘આશીર્વાદ’ ની બાજુની ‘નિસર્ગ’ હોસ્ટેલમાં તદન નવા જ દોસ્તો બનાવવા ગયો. મારા જુના દોસ્તો ખરાબ ન હતા... મારે એમનાથી થોડા દુર રહીને એક સવાલનો જવાબ શોધવો હતો: મને શેમાં રસ છે?

નવી હોસ્ટેલની મારી રૂમની બાલ્કનીમાં બેસીને હું મોડી રાત સુધી સામેના ખેતરમાં રહેલા અંધકારને તાક્યા કરતો. રૂમ પાર્ટનર સુઈ ગયા હોય ત્યારે હું મારા દિલને શું ગમે છે એ વિચારતો બાલ્કનીમાં બેઠો-બેઠો રડ્યા કરતો. મેં અનુભવેલું: મારું પેશન જાણવાની તમન્ના મારામાં જેટલી હતી એટલી કોઈનામાં ન હતી! ભૂખ હતી. બીજા બધા ક્યાંક પરિસ્થિતિ સ્વીકારી લેતા હતા. હું નહી. આ ‘નમવું નહી’ એવો ગુણ મારા પપ્પા માંથી આવ્યો છે. પરંતુ આવી જાતને સમજવાની ભૂખે ખુબ રડાવ્યો. પરંતુ હવે એ ક્ષણ આવી ગઈ હતી. તપ પૂરું થવા આવ્યું હતું. મારી થોડે દુર એક રૂમમાં એક હંમેશા મૂંગા-મૂંગા પુસ્તકો વાંચ્યા કરતો, કોઈ સાથે ન ભળતો દોસ્ત બન્યો: જીગર તળાવીયા. એને જોઇને મેં ચેતનભગતથી ચાલુ કરીને ડેન બ્રાઉનની બુક્સ વાંચવા માંડી. નવલકથા એક શ્રેષ્ઠ કામ કરે છે: તમને એક એવા અજાણ્યા વિશ્વમાં લઇ જાય છે જ્યાં રહીને તમને વાસ્તવિક જિંદગીની પીડાઓ ઓછી થઇ જાય છે. એ એસ્કેપ બારી છે. મારે બાલ્કનીમાં રડવાનું બંધ કરવું હતું. બીજા વિશ્વમાં જવું હતું. મને વાંચવાનું એટલું બધું ના ગમતું પરંતુ અમુક બુક્સમાં પાત્રોને શું બનવું છે તેની ખબર હતી! અને પછી આવ્યું વાઈ-ફાઈ અને લેપટોપ. ઈન્ટરનેટ માં સામે ગુગલ ખોલીને પહેલું જ વાક્ય લખ્યું: How to find your interest?

અત્યારે એ યાદ કરું તો હસવું આવે છે! જેમ ઇન્ટરનેટમાં ઊંડો ગયો એમ ત્રણ વ્યક્તિઓ મળી ગયા: સ્ટીવ જોબ્સ. જય વસાવડાનો બ્લોગ, અને મારા જેવા ફેસબુક પર આંટા મારતા યુવાન દિશા-વિહીન ઘેટાઓ! સ્ટીવ જોબ્સ કહેતો ગયો: For the past 33 years, I looked in the mirror every morning and asked myself: 'If today were the last day of my life, would I want to do what I am about doing today?' And whenever the answer has been 'No' for too many days in a row, I know I need to change something. If you haven't found it yet, keep looking. Don't settle. હું સમજ્યો કે રોજે ઉઠીને અરીસામાં જોઇને જાતને પૂછવાનું કે આજે છેલ્લા દિવસે શું કરવું છે? પૂછ્યું! રોજે! તબલો ભાઈ જવાબ આવે? કોઈ અનુભવ તો હોવો જોઈએને! અને છેલ્લે ખબર પડી: તમારે આગળ જોઇને નક્કી ના કરી શકો કે તમારે શું બનવું છે... To connect the dots…look backward. આપણે આપણા જાત-અનુભવ પરથી કેવી વ્યક્તિ બનવું છે તે ખબર પડે. જો જાત-અનુભવ ના હોય તો લેવા પડે. You have to create the dots. You have to trust your Karma, destiny, guts and intuition.

અને એક રાત્રે ‘ઝીંદગી ના મિલેગી દોબારા’ જોઇને બાલ્કનીમાં બેસીને રાતના ચાર વાગ્યે પ્રચંડ ચમકારો થયો હૃદયમાં! અંદરના માણસે કહ્યું કે: “બાલ્કનીમાં બેસીને રડ્યા કરવાથી તારું પેશન ખબર નહી પડે. ઉભો થા. દોડતો થા. દુનિયાને એક પ્રયોગશાળા સમજીને તારી જીંદગી સાથે પ્રયોગ કર. અનુભવો પેદા કર. આવી ગેંગી-વેવલી જીંદગી જીવવા કરતા ખુમારી ભર્યા રસ્તાઓ લે. જો ખબર જ છે કે એક દિવસ આ માનવીની ભવાઈ આમ જ સંકેલી લેવાની છે તો પછી રંગમંચ પર નાચીલે. જીતું...ક્યાંક-ક્યારેક-કોઈ એક વરસે તો તારું મન કહેશે જ કે ભાઈ ઉભો રે...તને તે દિવસે પેલો અનુભવ ખુબ ગમેલો હેને? ડોટ્સ કનેક્ટ થશે. જરૂર છે માત્ર જિંદગી-ભવિષ્ય ઉપર વધુ વિચાર્યા વગર જુદાજુદા અનુભવો કરવાની.” એ રાત્રે સામેના અંધકાર સામે જોર-જોરથી રાડો નાખી. રૂમ પાર્ટનર ઉઠી ગયા! હૃદયને એક દિશા મળેલી કે: ઘેટાભાઈ... પોતાનો રસ જાણવો હોય તો ઉભા થાવ. પોતાની જાતને જુદાજુદા ક્ષેત્રોમાં દાવ પર લગાવો. અનુભવ કરો. ક્યારેક તો કશુક ખબર પડશે જ ને! અને ના પડે તો પણ ભવિષ્યમાં મારા દીકરાને કહેવા થશે કે બેટા...અમે પણ લાઈફને સળી કરવામાં બાકી નથી રાખ્યું!

દોસ્તો...એ રાત અને આજની રાત... જે જીવન હું જીવવા મથ્યો એનો મને ગર્વ છે. એક દિવસ તમારે નક્કી કરી લેવાનું હોય છે કે તમારે કેવો માણસ બનવું છે...પછી તે માણસ સારો હોય કે ખરાબ...પરંતુ તે આ દુનિયામાં પોતાની જાત સાથે ખુશ હોવો જોઈએ. એવો માણસ બનવાની દિશા ન હોય તો શોધો. મેં શોધેલી છે. હું કહીશ. ધીમી ધારે કહીશ. કેમ લેખક બન્યો. કેમ સિંગર ના બન્યો. કેમ એન્જીનીયરીંગ ના છોડ્યું? કેમ પોર્ન-સ્ટાર ના બન્યો એ પણ કહીશ! થોડી ધીરજ રાખજો. આવતા પાર્ટ-૩ માં... હજુ તો આપડે બધા એ ‘વિશ્વમાનવ’ બનવાનું છે...

ચંદ્રકાંત બક્ષી સાચું કહેતા: માણસે બધા જ વ્યસનો યુવાનીમાં કરી લેવા જોઈએ કે જેને લીધે બુઢાપામાં છોડી શકાય.