Andhkanya no Lagnotsav in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | અંધકન્યાનો લગ્નોત્સવ

Featured Books
Categories
Share

અંધકન્યાનો લગ્નોત્સવ

અંધકન્યાનો લગ્નોત્સવ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અંધકન્યાનો લગ્નોત્સવ

એ દિવસે કશું પ્રયોજન જ ક્યાં હતું ત્યાં જવાનું અને અનુબેનની મુલાકાત લેવાનું ?

મિત્ર હરેશે કહ્યું - ‘આવવું છે તમસનગરીમાં ? મળાશે અંધ અનુબેનને, તેમની અંધ છાત્રાઓને...!’

ને તૈયાર થઈ જવાયું, ખબર નથી કે શેનાથી પ્રેરાયો - તમસનગરી શબ્દથી કે પછી અનુબેનથી, પણ તરત બેસી ગયો બાઇકની પાછલી બેઠક પર.

કદાચ મિત્રધર્મ પણ કારણભૂત હોઈ શકે. ભૂતકાળમાં મારા આવા ચિત્રવિચિત્ર સાહસોમાં તેણે સાથ આપ્યો જ હતો ને ?

બાઇકની ઘરઘરાટી વચ્ચે હરેશે અનુબેનની થોડી વાતો માંડી હતી. બધી કાંઈ થોડી સંભળાય - વાહનની ગતિ સાથે ?

‘મનોહર... અનુબેન તો આમ...!’ તે કહેતો હતો ને હું હુંકારાં દેતો હતો. કેટલુંજામે ? સહાનુભૂતિ જરૂર જન્મી. કરતા જ હશેને, પ્રયાસો - રાતદિવસ, અંધત્વના ઉંબરાઓ વળોટીને ? વિશાળ સંસ્થાનું સંચાલન સરળ તો ના જ હોય જ્યાં પાંચથી પચીસની સોએક અંધ કન્યાઓ હોય.

પ્રયોજેલો શબ્દ - તમસનગરી પણ યોગ્ય જ હતો. રાત અને દિવસ વચ્ચે ભેદ જ ના મળળે. તમસ જ હયાતીનો પર્યાય. અસૂર્યલોક આખો.

વાતોથી ઉદાસ થઈ જવાયું. રાતે થોડો સમય વીજળી ગુલ થાય ત્યારે શી દશા થતી હતી ? ત્યારે આ તો આખો કાળ અંધારા ઉલેચતાં ઉલેચતાં જીવવાનું !

ગતિ ધીમી થઈ તો જમણી બાજુ, થોડી અંતરિયાળ એક, બે માળવાળી ઈમારત ખડી થઈ ગઈ. વિશાળ ખરી પણ થોડી જીર્ણ. આસપાસ થોડી જગ્યા ઘેરીને ઊભેલી તારની વાડ, થોડાં વૃક્ષો, ઝાંપાથી ઈમારત સુધી જવાની પહોળી પગથી.

ઝાંપા પર સફેદ પાટિયા પર કાળા અક્ષરોમાં લખાણ - ‘અમરત-ગવરી કન્યા છાત્રાલય !’

આમાં નિવાસ કરતી, એકેય કન્યા ક્યાં વાંચી શકવાની હતી આ અમરતગવરીનાં પાટિયાને ?

બાઇક વળી ને સામે મળી સાત-આઠ અંધ કન્યાઓ, ઊભી કતારમાં. આગલીના ખભા પર પાછલીનો હાથ. એક સાંકળ ચાલી જાય જાણે. કોઈ ચહેરા પર સ્મિત, તો કોઈ પર ઉદાસી; અને કોઈ પર કોરીધારોક શૂન્યતા.

વય સાત-આઠતી બાર-તેરની. બસ, સ્પર્શની જ ભાષા.

એક બીજી સંવેદના પણ પરખાઈ હતી, શ્રવણની. એક ઉલ્લાસથી બોલી હતી ‘સ્કૂટ...ર !’

બધાં જ કાન એ દિશામાં ઢળ્યાં હતાં. ચહેરાઓ પર પ્રસન્નતા છલકાઈ હતી. અને કોઈ ચહેરે પ્રશ્નાર્થ !

આવી જ એક બીજી કતાર, ઈમારતના પ્રવેશદ્વારે મળી હતી. વય, ઊંચાઈ, સમજમાં વૃદ્ધિ જણાઈ હતી. સાંકળની બીજી છાત્રાએ પૂછ્યું - ‘ઑફિસમાં જાવું છે ને ?’ ચોથી કન્યાએ અનુસંધાન જોડ્યું, ‘લૉબીમાં ડાબી બાજુ, બીજી ઘડિયાળે વળી જાવાનું. અનુબેન હશે !’ અને પહેલીએ હસીને ઉમેર્યું, ‘હેમલતાયે હશે !’

આખું વૃંદ ખિલખિલ હસી પડ્યું.

હરેશે કહ્યું - ‘મનોહર, અહીં છદ્મવેશે પણ નહીં રહી શકાય. હાજરી છતી થઈ જ જશે !’

લાંબી પરસાળની એક તરફ ખંડો હતાં, બારણાં-બારી હતાં, એવાં જ બીબાંઢાળ ચહેરાઓ હતાં, ચકચકતાં, ગૂંથેલાં ચોટલાઓ હતાં. કોઈ કતારમાં તો કોઈ સાવ એકલી જ ચાલી જતી હતી, કશા અવલંબન વિના જ.

હા, આપેલી એંધાણી - બીજી ભીંડ ઘડિયાળ મળી ગઈ. અમે ડાબી બાજુ વળ્યાં ત્યાં સંસ્થાની ઑફિસ અને મધ્યમ વય, બેઠી દડી, શ્યામ વાન, આંખોના સ્થાને કાળાં ચશ્માં ધરાવતાં અનુબેન મળીગયાં.

ટીક ટીક કરતી ઘડિયાળ ગમી ગઈ. સ્થાને પહોંચી શકે આ કન્યાઓ. પહેલી ઘડિયાળ પાસે મહેમાન-કક્ષ, બીજીએ અનુબેન, એમ એની પણ સાંકળ.

મળ્યા પહેલાં જ માન થયું - અનુબેનની વ્યવસ્થા પર. ઑફિસમાં હેમલતા પણ હતી, પેલી કન્યાઓના કહ્યા મુજબ. પંદર-સોળની વય, ચીપી ચીપીને ગૂંથેલ ચોટલા, જેમાંનો એક ખભા પરથી આગળ ઝૂલતો હતો અને હોઠો પર અટકી અટકીને આવી જતું મરકલું.

તે ફોનમાં મોં ઘાલીને બોલી રહી હતી : ‘તમે એને સસલી કહો છો ? એનું નામ તો સ્મિતા છે રૂપાળું. મજામાં છે તમારી દીકરી. બે દિવસથી બ્રેઇલ શીખવા બેસાડી છે. એય વાંચતી થઈ જાશે. મોટી મહેતી બની જશે. મળવું છે ? તો આવો, આવતે સોમવારે. ત્રણથી પાંચ વચ્ચે. હું હેમલતા છું. અનુબેન...? કામમાં છે બેન !’

ફોન મૂને તરત બોલી, ‘લો, આવી ગયા હરેશભાઈ. સાથે મે’માન કોણ છે ?’

નાનકડા ખંડમાં એક ભીંતે સોફો, બીજી ભીંતે ટેબલ, ટેબલ પાછળ બે ખુરશીઓ, ટેબલ સામેય બે ખુરશીઓ, ભીંત પર પ્રજ્ઞાચક્ષુ સુખરામજીનો ફોટો, એક અંધ કન્યાએ દોરેલું પ્રયાસ જેવું ચિત્ર.

હેમલતાએ બત્તીની ચાંપ દાબી ને આખું દૃશ્ય ઝળાંહળાં થઈ ગયું - અમારા જ લાભાર્થે. પેલાં બેયને તો ક્યાં નિસબત હતી - અજવાળાં સાથે !

પરિચય કરાવ્યો હરેશે - ‘અનુબેન, મનોહર વાર્તાઓ લખે છે - થોકબંધ. અને પેલાંઓ પાછા છાપે પણ છે !’

અને ઊછળી ઊપડ્યા હતાં અનુબેન. ચહેરા પર ખુશી દેખાઈ હતી. કહે - ‘તમે કામના માણસ, મનોહરભાઈ. આ પતવા દો લગ્નોત્સવ. પછી નિરાંતે મળીશ તમને હરેશભાઈ, જવાબદારી તમને સોંપી. લઈ આવજો મિત્રને અને હા, લગ્નોત્સવમાં પણ આવવાનું છે. નહીં આવો તો મને જરૂર ઓછું આવશે. ત્રણ કન્યાઓનાં લગ્નો નિરધાર્યા છે.’

હેમલતા પણ બોલી હતી - ‘હા, મનોહરભાઈ. કાર્ડ મળી જશે તમને !’

હરેશ જ વ્યવસ્થા કરવાનો હતો, આ અવસરની. લગભગ દર વર્ષે બે-ત્રણ કન્યાઓનાં લગ્નો સંપન્ન થતાં હતાં અને થોડીક અંધ કન્યાઓનું આગમન થતું હતું. આમ કલુ સંખ્યા સોની આસપાસ રહેતી.

ના જઈ શક્યો. એ અવસરે. બરાબર એ જ ચોઘડિયે, મારી ભાણી સુકેશી, સુરત મુકામે માંડવે બાજોઠ પર બેસવાની હતી.

તેણે શોધી કાઢેલાં વર સાથે. આમંત્રણ પણ કેવું ? જાણે પ્રેમપૂર્વકની - રીતસરની ધમકી જ જોઈ લો !

યાદ આવી ગઈ હતી અનુબેનની અંધ કન્યાઓ. એ કન્યાઓ પણ એક અંધારું તજીને નવાં અજાણ્યાં અંધારામાં પ્રવેશ કરશે ને ? શુભાસ્તે પંથાન - એવું કશુંક ઘણગણ્યો પણ હતો.

અનુબેન યાદ આવી ગયા હતાં અને આછીપાતળી હેમલતા પણ. અંધકન્યાઓની એક કતાર પણ દેખાઈ હતી - પરદા પર.

સુકેશીને વિદાય આપી ત્યારે પ્રથમ, તેની આંખો સામે દૃષ્ટિ પડી હતી. તેણે કહ્યું હતું - ‘શું જુઓ છો, માતુલશ્રી ? હું કાંઈ રડતી નથી.’

આવીને ફોન કર્યો. અનુબેન ના મળ્યાં. હેમલતાએ માહિતી આપી કે તે પ્રવાસમાં હતાં.

‘એમ કરોને, મનોહરભાઈ. દસેક દિવસ પછી આવો. અને કેમ ના આવ્યા લગ્નોત્સવમાં ? અનુબેન કેટલાં યાદ કરતાં હતાં ?’

‘અને તું ?’ મેં હળવાશથી પૂછ્યું ને તે શરમાઈ હતી. અંધ કન્યા પણ શરમાય તો ખરી ને ? સમય આવે ત્યારે બધી જ સમજ આવી જાય.

ના, હરેશ ના મળ્યો. તે વળી કોઈ બીજા અવસરના આયોજનમાં પડી ગયો હશે. હરેશનો શાંત બેસી રહેવાનો સ્વભાવ જ નહોતો. સામેથી કામ શોધતું આવે તેને.

ના મળ્યો હરેશ કે ના જઈ શક્યો તમસનગરમાં - અનુબેન, હેમલતા પાસે. રાતે પથારીમાં પડું ત્યારે ક્યારેક એ લોકો યાદ આવી જાય. શું કરતો હશે હરેશ ? અને અનુબેન ? હેમલતા તો રોજ સવારે ઠાવકી થઈને બેસી જતી હશે ઑફિસમાં. અને પેલી અંધકન્યાઓ રોજ કતારમાં ઘૂમી રહી હશે ! સંસાર તો નિરંતર ચાલતો જ રહેવાનો. કોઈની હયાતી ના હોય તો પણ શો ફરક પડતો હતો !

એક સાંજે સ્વાતિએ સમાચાર આપ્યાં - કોઈક અંધ બેનનો ફોન આવ્યાનાં; મને થયું કે મળી જ આવું - રવિવારે. કેટલી લાગણી દાખવતાં હતાં ! કશું કામ પણ હતું જ ને, નિરાંતનું. વળી સ્વાતિનેય આમંત્રણ આપ્યું હતું, પતિને સાથ આપવાનું.

પણ સંયોગ એવો બન્યો કે ખુદ હરેશ જ ટપકી પડ્યો એ સાંજે. કેટલી બધી વાતો લાવ્યો હતો - તેના આ લાંબા અવકાશની ? છેક કન્યાકુમારી પહોંચી ગયો હતો - દક્ષિણમાં ! ત્યાંના ગોપુરમની વિશાળતા, ભવ્યતા, દિવ્યતાની વાતો ખૂટે તેમ નહોતી. ફોટાઓ પણ હતાં - વાતોની પૂરકતા માટે. ભૂમિનું સૌંદર્ય, સાગરનું સૌંદર્ય, આકાશનું ઘેરું નીલું સૌંદર્ય; અને હરેશ સૌંદર્યમય બની ગયો હતો. ‘અને સ્ત્રીઓ કેવી, સ્વાતિભાભી !’ તે બોલ્યે જતો હતો અથાક; મગમાં કૉફી ઠરીને ઠીકરું થઈ રહી હતી પણ તે તો તેની મસ્તીમાં હતો.

‘મનોહર, બરાબર અનુબેન જેવી જ ! ચમકતી શ્યામ ત્વચા, ઉલ્લાસથી થનગનતી જાણે કે નૃત્ય.. કરી ના રહી હોય !’

બસ, એમાંથી અનુબેન અને અંધકન્યાઓ યાદ આવી ગઈ હતી. અને હરેશે માંડીને વાતો કરી હતી અંધ કન્યાનાં લગ્નોત્સવની.

‘મનોહર, ભીડ તો હોય જ લોકોની. આ લગ્નોની વિશિષ્ટતા એ હતી કે પેલાઓ પણ અંધ જ હતા. પછી ગોટાળો તો થાય જ ને ? તું ત્યારે બહુ જ સાંભર્યો હતો. મનોહર, નૌકા ડૂબી. નવલકથા જેવું જ થયું હતું. દક્ષાનું તો બરાબર હતું પણ જયા અને પાર્વતીના મુરતિયાઓ જ બદલાઈ ગયા. કોને ખ્યાલ આવે ? જે સાજનમાજન ભેગું થયું હતું - એ તો શોભા જોવામાં લીન હતું. કેટલાકને લગ્ન પછી મળનારા જમણમાંજ રસ હતો.

પણ જયા જબરી નીકળી. થયું કે આ અવાજ, આ પ્રસ્વેદની ગંધ, તેનાં પુરુષનાં ક્યાં હતાં ? મળી હતી ને, લગ્ન પહેલાં બે વખત, એ પુરુષને ? અનુબેને જ મેળવી હતી.

પાર્વતીને ક્યાં કશો ખ્યાલ આવ્યો હતો ? તે તો હોંશથી બેઠી હતી - માંડવમાં. થઈ ને નૌકા ડૂબીવાળી !

અનુબેને વિધિ અટકાવી દીધી. કશુંક કારણ તો આપવું પડે ને ? કહી દીધું કે સ્વામી હરેશાનંદના આશીર્વાદ લેવાના છે. અને અંદરના ખંડમાં ફરી અદલાબદલી થઈ ગઈ. અને મનોહર, સ્વામી હરેશઆનંદની જય પણ બોલાવી હતી, અમે સહુએ. ‘કહે મનોહર, તું હાજર હોત તો કયો રસ્તો લેત ?’

કેવી કેવી ઘટનાઓ આકાર લેતી હોય છે, માનવજીવનમાં ? પુનઃ ચિત્રો સજીવન થયાં, અંધ કન્યાઓનાં. આવા અભાવ સાથે જીવવું સાચે જ કઠોર ગણાય.

હરેશે ઉમેર્યું હતું, ‘અને મનોહર, અનુબેનને તારી પાસે કશુંક લખાવવું છે - જીવનવૃત્તાંત જેવું. જઈ આવજેને એકાદ વાર.’

મન પાછું વિચલિત થઈ ગયું. આ જ પ્રયોજન હશે, મને બોલાવવાનું ? જીવનવૃત્તાંત આ રીતે જ લખાવાતો હશે ? ક્ષોભ થયો. ઇચ્છા ખરી પડી. થયું - નથી જાવું. ભલે કોઈ બીજા પાસે લખાવતાં જીવન પ્રસંગો. અણગમતાં કામમાં શા માટે પડવું ? ને ગજુંય શું મારું - આ લખવાનું ?

ના જ ગયો - એ દિશામાં.

એક વાર હેમલતા ફોન પર ટહુકી - ‘મનોહરભાઈ, ભૂલી ગયા અમને ? લગ્નોત્સવમાં ન આવ્યા ને એ પછી પણ ? અંગત વાત કહું, હમણાં કેટલાં બધાં પુસ્તકો વાંચી નાખ્યાં બ્રેઇલમાં ?’

મેં અનુભવ્યું, એ છોકરીની ભાષા વિકસી હતી. સરસ વાતો કરતી હતી.

‘મનોહરભાઈ... હવે મારે તમારી વાર્તા બ્રેઇલમાં વાંચવી છે. અથવા તમે મને વાંચી ના સંભળાવો ? તમે આવો તો... જ એ બને, ખરું ને ? આવો ત્યારે... એકાદ વાર્તા જરૂર... સાથે લાવજો. ના, અનુબેન નથી. હું ત્રિવેદીદાદા, મનોજ છીએ ને ? સંભાળી લઈએ છીએ આ બધીયને !’

આ છોકરીની સહજ ઇચ્છા સંતોષવી ગમે. આમાં તો મને પણ પાર વિનાની પ્રસન્નતા મળે. પણ પછી ટટ્ટાર થઈને ખડી થઈ ગયેલી અનુબેનની ઇચ્છાનું શું ? ખૂબ જ વેઠ્યું હશે; જિંદગીમાં અને આ સમાજસેવામાં. પણ એમાં અતિશયતા ના આવી જાય ? આવી જ જાય ! આપણે આપણાં ‘હું’ને કેટલો શણગારીએ છીએ ? દરેક વ્યક્તિ આમ જ કરે. ના, નથી પડવું એ પ્રકરણમાં. ભલેને, હરેશ લખે !

‘શા વિચારમાં પડ્યા, મનોહરભાઈ ? પછી આવો છો ને ?’ તે બોલી હતી - લાગણીથી.

મેં હા પાડી, તેને રિઝવવા જ સ્તો ! બાકી નક્કી હતું - અનુબેન પાસે નહીં જવાનું. કેટલી પીડા થતી હતી ?

સંયોગવશ એક સાંજે મળી ગયાં અનુબેન. સાથે ચમકતી ત્વચાવાળી હેમલતા, અને દેખતી વ્યક્તિ પ્રમોદભાઈ. હું તો માત્ર શ્રોતા જ હતો. અનુબેન ચાર વક્તાઓમાંના એક હતાં. પાસે બેઠેલી હેમલતાએ જ ઓળખી લીધો - ‘મનોહર ભૈ.’

એક-બે વાક્યોની આપ-લે થઈ હતી - જમણી તરફના શ્રોતા સાથએ ને ડાબી તરફથી તે ટહુકતી હતી - ‘કોણ - તમે મનોહરભાઈ ?’

હેમલતાએ મને ઓળખી જ લીધો. મળી અને મને ઓળખી પણ લીધો - એનો બેવડો આનંદ થયો.

‘શું વાંચે છે, બ્રેઇલમાં ?’ સહજ પુછાયું, આજકાલ તે વાંચન પ્રતિ ઢળી હતી તે - એ સંદર્ભમાં.

‘મનોહરભાઈ, મારે તો હવે તમારી વાર્તાઓ વાંચવી છે.’

થયું કે આને પણ રસ જાગ્યો મારી વાર્તામાં; પણ ક્યાંથી વાંચવાની ? સંભળાવવી પડે. ને એ માટે તો અનુકૂળતા જોઈએ.

વળી થયું કે ખરેખર રસ હશે કેકેવળ ઔપચારિકતા હશે ?

ત્યાં જ તે હસીને બોલી, વિષયાન્તર જેવું.

‘તમને હરેશભાઈએ પેલી વાત કહી કે નહીં - જયા, પાર્વતીના વરની અદલાબદલીની ? કહી ને ? કેવું થયું મનોહરભાઈ ?’

‘હા, પણ જયા કેવી હોશિયાર નીકળી ? અને પાર્વતી સાવ ભોળી ભટ્ટાક !’ ું પણ તેની રમૂજમાં સામેલ થઈ ગયો. ‘પણ મનોહરભાઈ, એ પછી શું બન્યું ખબર છે ?’ તે રસથી ઢળી મારા ભણી. ગાલોમાં ખંજન થયાં, મોં ફાડ ખૂલી, ખભા હલ્યાં.

‘હં... બોલ...’ મેં હોંકારો ભણ્યો. આમેય કશું બનવાનું નહોતું... મંચ પર, મુખ્ય મહેમાનનાં આગમન પહેલાં થયું - સાંભળી લઈએ જયા-પાર્વતીની કથાના ઉત્તરાર્ધને. કશુંક હસવા જેવું હશે તો જને, તો જ આ આટલી ખળખળતી હશે ને ?’

‘મનોહરભાઈ, લગ્નના બે માસ પછી જયા આવી. રડતાં રડતાં અનુબેનને કહે - બેન, મેં નાહક તાયફો કર્યો, બે ફેરાં તો ફરી જ લીધાં’તાં, પછી તો એ પુરુષ મારો જ ગણાય ને ? ઈશ્વરની મરજી વિના આવું કાંઈ બને ? મેં મૂરખીએ નાહક... અદલાબદલી કરાવી. હવે કેટલી પીડા ભોગવું છું ? એમ થાય કે ઓલ્યો, બે ફેરાવાળો તો મારો નહીં હોય ને ? ને આ પરપુરુષ ? એને તો કશું નથી થતું પણ હું પળે પળ વલોવાઉં છું. ક્યારેક એમ થાય કે બેય મારાં ? ને ક્યારેક થાય કે એકેય મારો નૈ ! આ ભવ આમ જ કાઢવાનો ? આમ સુખ મળે ક્યાંથી ? નકરી રીબામણી ! મૂંગી મરી હોત તો ? અનુબેન અવાક્‌ થઈ ગયાં, અને ગૌરી શું હશે ? ને હું ત્રણેય સામે જોતી રહી ગઈ, મનોહરભાઈ !’

પણ તે અત્યારે તો મરકમરક હસી રહી હતી.

હેમલતાએ વાત આગળ ચલાવી. તેની ઉતાવળ સમજાતી હતી.

‘પછી, મનોહરભાઈ... પંદરેક દિવસો પછી પાર્વતી આવી અનુબેનને મળવા. બાપ રે, કેટલી ગુસ્સામાં હતી ? જાણે વૈશાખની ગરમ ગરમ લૂ ! આવતાવેંત તે તાડૂકી હતી - ક્યાં છે સ્વામી હરેશાનંદ ? કેવાં સમયે ટપકી પડ્યા ? એ સમયે જ ત્રીજો ફેરો ફરવાનો હતો એ સમયે જ આવવાનું સૂઝ્‌યું ? તેમણે શીદને ઝંઝટ કરી આશીર્વાદ આપવાની ? અને આપી ગ્યા સરાપ ! શીદને અદલાબદલી આદરી ? બે ફેરા એક સાથે અને ત્રીજો બીજા આદમી સાથે ? મનેય ખબર હતી જ પણ ભગવાનની ઇચ્છા માની. અમસ્તુ આમ થાતું હોય ? બધું કાચું રહી ગ્યું ? મારો પુરુષ જયલી ઝૂંટવી લઈ ! લીલાલૈર કરતી હશે ને મારે રોજના લોઈઉકાળાં ! જીવ ઠરતો જ નથી, આની હારે ! ઓલ્યો જ આવી જાય છે, પડખામાં !’

હેમલતાએ હાસ્યિકા પૂરી કરી. ખરેખર તો તેણે અને મારે હસી જ પડવાનું હતું. મરકમરક કે ખડખડાટ, પણ તેમ ના થયું.

બે પળ મૌન છવાઈ ગયું - અમારી વચ્ચે.

અચાનક જ તે ધીમેથી બોલી હતી.

‘મનોહરભાઈ, હું તો કેવડાનું અત્તર જ છાંટીશ મારા પાનેતર પર અને એને કહીશ કે...!’

*