Navesarthi in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | નવેસરથી

Featured Books
Categories
Share

નવેસરથી

નવેસરથી

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


નવેસરથી

સામેની પહાડી પરથી ઢાળ ઊતરતી કાચી સડક પર ધૂળની ડમરી ઊડતી દેખાઈ ને સાત વરસની લીલાની માસૂમ આંખો ચમકી હતી. બે પળ પછી એ ધૂળના ગોટામાં બે જીપો દેખાઈ. લીલાએ હરખાઈને દાદાને કહ્યું, ‘દાદા... ટૂરિસ્ટ !’

ઝાંપા પાસેના કાળા પાટિયામાં સફેદ અક્ષરોમાં વંચાતું હતું - ‘દેવીમાનું મંદિર. પુરાતત્ત્વ વિભાગ. ભારત સરકાર દ્વારા રક્ષિત સ્મારક.’

આ સ્થાન જરા અંતરિયાળ હતું એટલે મુલાકાતીઓ ખાસ આવતાં નહોતાં. પાસે સીતાપુર નામનો ગ્રામ્ય પ્રદેશ. અને પાછળ જ વનવિસ્તાર શરૂ થાય. પાંખી વસ્તીને આ બારમી સદીના મંદિરના શિલ્પસ્થાપત્ય સાથે કશી લેવાદેવા નહોતી. તેઓ તો સમય મળે ત્યારે દેવીમાની ભવ્ય મૂર્તિ સામે માથા ટેકવી જતાં હતાં.

હા, અમાસને દિવસે નજીકમાં બજાર ભરાતું હતું, નદી કાંઠે. ત્યારે ભીડ-ભીડ થઈ જતું આખું પરિસર. બાકીનો સમય એકાંતનો. દેવીમાયે એકલાં અને મંદિરનો વહીવટદાર રમાકાન્ત, ચોકીદાર કલ્યાણ, પત્ની રામી અને સાત વર્ષની પૌત્રી લીલાનેય બળબળતું એકાંત.

સાત વર્ષની લીલા સાથે રમાનારું કોણ ? બસ, તે મંદિરના ગર્ભગૃહમાં જઈને દેવીમાની મૂર્તિ સાથે વાતો માંડે - ‘હે દેવીમા, તમે તો સાવ એકલાં. રાતે તો અમે ઘરમાં જઈને સૂઈ જઈએ - દાદા છેક પરોઢિયે ભજનો ગાય. હું તો પાછી મોડી ઊઠું. સૂરજનારાયણ વડમાં સંતાઈ જાય ત્યારે. તમને એકલાં એકલાં કંટાળો નથી આવતો ? તમે મારી રાહ જોતાં હશો ને કે ક્યારે લીલા આવે ! લો, આવી ગઈ હું તો.’

ક્યારેક કહે - ‘દેવીમા... અમાસ આવે ત્યારે કેવી મજા પડે છે ? માણસોથી મંદિર ભરાઈ જાય. ક્યારેક તો દેવીમા, તમે પણ ઢંકાઈ જાવ ને હું તો લોક સાથે ચૉકમાં ગરબા ગાતી હોઉં દાદીમા. ટૂરિસ્ટ આવે ત્યારે મજા આવી જાય. એ લોકોનાં સરસ સરસ કપડાં હોય, કૅમેરોય હોય. પૂનમે આવેલી છોકરીએ તો મારો ફોટો પાડ્યો’તો. મને પૂછ્યું હતું - ‘બેબી, તારું નામ શું ?’

પરિસરના ઝાંપા પાસે, એક સાથે બે જીપો ઊભી રહી ગઈ. કલ્યાણ, રામી અને રમાકાન્ત ખડાં થઈ ગયાં કુતૂહલથી. આટલાં બધાં ટૂરિસ્ટ ! લીલા આભી બની ગઈ હતી.

એક જીપમાંથી ગોરાં રંગની વ્યક્તિઓ ઊતરી - એક પુરુષ, એક સ્ત્રી અને એક લીલા જેવડી જ છોકરી ! બીજી જીપમાંથી ઢગલોએક સામાન ઊતર્યો.

લીલા તો ફાટી આંખે જોઈ રહી. આટલો બધો સામાન ? આટલો સામાન તો તેમની બે ઓરડીઓમાં પણ નહોતો ! દૃષ્ટિ સામાન પરથી માણસો પર ગઈ. ને તેનું અચરજ માંય નહીં ? અરે, તેના જેવડી જ એક ગોરી છોકરી ! શું નામ હશે તેનું ?

પેલા ગોરા પુરુષે કલ્યાણને પ્રશ્ન કર્યો હતો, ‘હુ ઇઝ રમાકાન્ટ ?’

બીજી સવારે લીલા જાગી ત્યારે તડકો તેની ગોદડીમાં આળોટતો હતો. ઘરમાં સૂનકાર હતો. ચૂલામાં એકાદ લાકડું ભડભડ બળતું હતું, અને ઉપર મૂકેલ દેગડામાં કશુંક ખદબદતું હતું.

ચકિત થઈ ગઈ લીલા. આમ કેમ ? અત્યારે તો દાદી રાંધણિયામાં જ હોય, દેગમાં ચમચો હલાવતાં માળા ફેરવતાં હોય. દાદા થાક્યાંપાક્યાં, બહાર ખાટલીમાં આડે પડખે થયા હોય.

ગઈ સાંજનો - બે જીપો આવી હતી એ બનાવ તો તેને યાદેય નહોતો.

તેણે બારીમાં બહાર નજર કરી. ઓહ ! કેટલાં લોકો હતાં દેવીમાના મંદિર પાસે ? અરે પેલાં ગોરાં સ્ત્રી-પુરુષ પણ ! રમાકાન્ત અંકલ, દાદી અને દાદા. કેટલાંક ગ્રામ્યજનો પાસેના ગામડાનાં. ખાસ્સી ભીડ હતી.

પણ પેલી ગોરી છોકરી ક્યાં ? તે તો નહોતી ત્યાં. ક્યાં હશે ? તે પણ સૂતી હશે ક્યાંય - જેની જેમ સ્તો ! પણ ક્યાં ? જરા અટવાઈ પણ પછી તરત જ અક્કલ દોડવા લાગી. ટૂરિસ્ટ તો સામેની બંગલીમાં જ હોય ને ? તે હસી પડી. કેટલી ભુલકણી હતી ! પેલી ગોરી છોકરી પણ ત્યાં જ હશે.

તેણે આ બંગલી જોઈ હતી, અનેકવાર જોઈ હતી. રમાકાન્ત સાથે ગઈ હતી ે દાદા સાથેય ગઈ હતી. કેવાં મોટાં ઓરડાં હતાં ? અને પોચી પોચી પથારીવાળા છતરી પલંગો. તેણે હળવેથી હાથ મૂક્યો હતો - પથારી પર, દાદા ન જુએ એમ. બસ, એમાં જ સૂતી હશે, એ ગોરી છોકરી.

તરત શી ધૂન ચડી તે તૈયાર થવા લાગી. મીઠું ઘસી લીધું દાંત પર. ખળળ ખળળળ કોગળાં કર્યા. વાડામાં જઈને ઝટપટ નાહી લીધું. વળગણી પરનું સૂકાતું ફરાક પહેરવા જતી હતી ત્યાં જ તેને એક વિચાર આવ્યો કે તેણે પેટીમાંથી કાઢીને નવું ફૂલફૂલવાળું ફરાક જ પહેરવું અને પછી પેલી ગોરી છોકરી પાસે બંગલીમાં પહોંચી જવું. પેલીએ કેવાં સરસ કપડાં પહેર્યાં હતાં તો તે પણ શા માટે ન પહેરે ? દાદી કેટલાં ગુસ્સે થશે, એ ખ્યાલ તો તેને સ્પર્શ્યો જ નહીં.

ઝટપટ તૈયાર થઈ ગઈ. અરીસા ભણી જોયું - નિરાશા સાથે, તે ક્યાં એટલી મોટી થઈ હતી કે અરીસા સુધી પહોંચી શકે ?

ત્યાં સુધીમાં ચૂલામાંનું લાકડું સાવ બુઝાઈ ગયું હતું. દેગમાં થતી ખદબદ શાંત થઈ ગઈ હતી. ગોદડીનો વીંટો કરીને તેણે ખૂણાના ડામચિયા પાસે સરકાવી દીધો. ગોખમાંથી પાંચીકાં લીધાં ને દોડતી થઈ ગઈ બંગલી ભણી, હરણાની જેમ.

દેવીમાના મંદિર પાસે પાલખ ગોઠવવાના વાંસ નખાઈ રહ્યા હતા. આર્થાર રમાકાન્તને સૂચનાઓ આપી રહ્યો હતો. માર્ગારેટ ઊભી ઊભી નિરીક્ષણ કરી હતી. તેની એક આંખ બંગલીમાં સૂતેલી પુત્રી લોરા ભણી હતી. ગમે તેમ તોય એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી હતી. ઓરિસ્સાનો જંગલનો ડાક બંગલો નિવાસસ્થાન બન્યો હતો. લગભગ એક માસ માટે.

મંદિર ઘટાટોપ જંગલ મધ્યે હતું - બારમી સદીનું જૂનું સ્થાપત્ય. ને ત્યાંથીજ માહિતી મળી હતી કે આવું એક સ્થાપત્ય છે, ગુજરાતમાં ઈડર પાસેનાં અરણ્યમાં.

ને એ લોકો ધસી આવ્યાં હતાં અહીં.

પતિ મોટા ગજાનો પુરાતત્ત્વવિદ્‌ હતો; અને તે તેની પ્રથમ શિષ્યા હતી અને પછીથી પ્રેયસી અને આખરે પત્ની.

આર્થર કેટલાં દેશોમાં ભમ્યો હતો ? ઇજિપ્તમાં તેને અચાનક બારમી સદીનું શિલ્પ મળી આવ્યું હતું. છ માસ રોકાઈ ગયો હતો, નાઇલને કિનારે. ત્યાંના એક તામ્રપત્રમાં ઉલ્લેખ નીકળ્યો ભારત દેશનો, સિંધુ નદીની સંસ્કૃતિનો.

તે દોડી આવ્યો હતો ભારત. આ રઝળપાટમાં જ લોરા જન્મી હતી, ઊછરી હતી અને અત્યારે તો પૂરા સાત વર્ષની.

માર્ગારેટ એ જ વિચારતી હતી કે લોરા આટલી સમજદાર ના હોત તો તે પતિના સંશોધનમાં આટલી સહાય થોડી કરી શકત ? તે નસીબદાર હતી - નાનકડી લોરાની મા બનવા બદલ.

લીલા બંગલીની ખુલ્લી પરસાળ સુધી પહોંચી ગઈ. તે ત્યાં અનેક વાર ગઈ હતી પણ આજે કશુંક નવીન હતું. આગળનું બારણું ખુલ્લું હતું અને અંદર પેલી ગોરી છોકરી. તેને થયું- ‘કેવો વાન હતો - એ છોકરીનો ? ગોરો ગોરો ! જ્યારે તે તો ઘઉંવર્ણી હતી. દાદી ને દાદા તો શ્યામ હતા. હા, રમાકાન્ત અંકલનો વાન પણ તેના જેવો જ...! કેમ આમ હોય ?’

વિચારમાં ને વિચારમાં તે બેસી ગઈ પરસાળમાં. ગૂંજામાંથી પાંચીકા બહાર આવી ગયા અને રમત શરૂ પણ થઈ ગઈ. ઊંચે ઉલાળવાની અને આડાઅવળાં હાથે ઝીલવાની. નજર ઊંચે જાય, નીચે આવે - કૂકા સાથે. અને સાથોસાથ મન પણ ઊછળે અને હેઠે બેસે. બે રતુંબડા હોઠો મલકાય. લીન થઈ ગઈ લીલા. એ પળે બધું જ ભૂલી જવાયું - બંગલી, ગોરી છોકરી અને બધુંય.

અચાનક તાલી પડી, કોમળ હથેળીઓની. ધ્યાનભંગ થવાયું. એ ભણી જોવાયું તો પેલી ગોરી છોકરી ઊભેલી - બારણા વચોવચ. આંખોમાં અચરજ, આનંદ અને ઉત્સુકતા.

લીલા પણ હસી ને બીજી પળે તે આવીને બેસી ગઈ લીલાની પાસે. લીલા જોઈ રહી તેને ધારી ધારીને. ઓહ, આ તો અદ્દલ તેના જેવી જ ! પેલી પણ જોતી જ હતી તેને. બન્ને હસ્યાં - સામસામે નીરખીને.

અચાનક લોરાએ કૂકાને સ્પર્શ્યા, હાથમાં લીધાં, એક પછી એક ગણ્યાં. પછી બે હાથની ખોઈ બનાવી, ને જોઈ રહી લીલાની સામે. લીલાએ પાંચેય કૂકા મૂક્યાં એ ખોઈમાં અને પછી સંકેત કર્યો, ઊંચે ઉછાળવાનો.

પેલીએ ડરતાં ડરતાં એમ કર્યું. ને શું થયું ? બધાં જ કૂકા જરા જરા ઊછળીને આસપાસ ફરસ પર વેરાઈ ગયાં. લીલાએ દોડીને એ ભેગાં કર્યાં. પાછી બેસી ગઈ તેની જગ્યાએ. સ્ફૂર્તિથી હાથની ખોઈમાં લીધાં, ઉછાળ્યાં ને સહજ ચપળતાથી ઝીલી લીધાં.

પછી તો એ રમત ચાલી. લોરા પણ એક કૂકાને ઝીલી શકી, બીજા પ્રયત્ને બે આવી ગયાં હાથમાં. બન્ને મુક્ત મને હસ્યાં. પ્રસન્નતાથી આખી પરસાળ છલકાઈ ગઈ. દૂરથી સાદ સંભળાયો - ‘લી-લા...’

તે સફાળી જાગી, ઊભી થઈ કૂકાં ભેગાં કરીને ગજવે મૂક્યાં.

પેલી સભાનતાથી જોઈ રહી - આ ક્રિયાઓ. અચાનક લોરાએ કહ્યું - ‘આઈ લોરા, યૂ લીલા.’

બીજી સવારે લીલા વહેલી ઊઠી હતી. દાદા-દાદી તો નહોતાં જ. એ જ સૂનકાર, ચૂલા પરનું ખદખદ થતું ધાન્ય અને બારી બહારના કોલાહલો. પણ હવે તો તેને બધો જ ખ્યાલ હતો કે મંદિર પાસે કશુંક બની રહ્યું હતું અને બંગલી પર લોરા હશે જ.

તે ઝટપટ તૈયાર થઈ. ટેબલ પર ચડીને કબાટની આંકડી ખોલી. નીચલું ખાનું ખોલ્યું તો આંખો અંજાઈ ગઈ. કેટલાં બધાં આભલાં હતાં - ભરત ભરેલાં ઘાઘરી-પોલકાંને ? તેણે તરત એ પહેરી લીધાં - હવે કોને પૂછવું કે તે કેવી લાગતી હતી એ કપડામાં ?

એક ક્ષણ થયું કે દાદી ઠપકો આપશે તો ? પણ પછી નીકળી પડી બંગલી ભણી.

એક દૃષ્ટિપાત થઈ ગયો, મંદિર ભણી - પાલખ બંધાઈ ચૂક્યાં હતાં, અને એ પર ચડ્યાં હતાં - પેલાં બે; આ લોરાના મા અને બાપ જ સ્તો ! તેને વિચાર આવ્યો કે લોરાને દાદા-દાદી નહીં હોય ? પણ આ નામ કેવું ? હોય આવું નામ કોઈનું ?

પેલી થાંભલી અઢેલીને રાહ જોતી ઊભી જ હતી. તેણે તરત સાદ પાડ્યો - ‘લોરા...!’

અને પ્રતિસાદ આવ્યો - ‘લી...લા !’

બન્ને હસી પડ્યાં. એ હાસ્યમાં પરિચિતતા હતી, મોકળાશ હતી. લોરા જોઈ જ રહી - લીલાના આભલાવાળાં ઘાઘરી-પોલકાંને. સરસ લાગતી હતી ચણિયા-ચોળી. ‘કેટલાં આભલાં છે ? આભલાંમાં ઝાડ દેખાય, ફૂલ દેખાય, પતંગિયા દેખાય ને આકાશેય...’

તે બોલી તો ગઈ પણ પછી સમજ પડી કે પેલી કશું સમજતી નહોતી.

તેણે કપડાંને સ્પર્શીને કહ્યું - ‘ચણિયાચોળી.’

લોરા બોલી હતી - ‘ચનિયા-ચોલી !’

પછી નીકળી પડ્યાં. ઘૂમવા, એકમેકના હાથ પકડીને. પતંગિયાનું ટોળું મળ્યું ને બેયે પકડવા માટે હાથો લંબાવ્યાં. લોરા બોલી, ‘બટરફ્લાય...’

લીલા બોલી, ‘પતંગિયાં...!’

અને બેયને એકબીજાની ભાષા સમજમાં આવી ગઈ. આમ તો બન્નેની સવારો પસાર થતી હતી, ભરીભરી અને કુતૂહલપૂર્ણ.

લોરા મૉમને કહેતી, ‘મૉમ... લીલા કેવી સરસ છોકરી છે ! તેના ડ્રેસમાં કેટલાં મિરર ? તે નૃત્ય કરે અને બધાં મિરર નાચવા લાગે છે ને હસે પણ કેવું સરસ ?’

કેટલો સંતોષ અનુભવે માર્ગારેટ ? સારું થયું, મારી વ્હાલુડીને કંપની મળી ગઈ અને પતિના સંશોધનકાર્યને પણ જોમ મળે એવું કાર્ય થઈ રહ્યું હતું. દેવીમાના મંદિરનું સ્થાપત્ય પણ બારમી સદીના સ્થાપત્યની શ્રેણીમાં આવે તેવું જ જણાતું હતું. પાંચ વર્ષોની મહેનત ઊભરી આવતી હતી.

તેનું સંશોધન વિશ્વફલક પર પ્રગટ થવાનું હતું. બસ, આ છેલ્લો મણકો હતો.

પછી આ રઝળપાટમાંથી મુક્ત થઈને તે નિરાંતની, લંડનના શાંત પરામાં આર્થર અને લોરા સાથે સ્વપ્નો મુજબની જિંદગી જીવવાની હતી.

પણ કેવું થયું એ સવારે ? આર્થર, માર્ગારેટનું દેવીમાના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનું અને આ દૃશ્યનું જોવું ! દૃષ્ટિ પડી તો લોરા અને લીલા એકમેકની અડોઅડ ઘસઘસાટ નિદ્રામાં. બન્ને કાચી ઊંઘે જ જાગીને, તૈયાર થઈને નીકળી પડ્યાં હતાં.

બહાર કોલાહલ હતો પણ ભીતર તો નરી નીરવતા. રોજની ટેવ મુજબ લીલા નમી હતી, દેવીમાનાં ચરણોમાં. અને લોરાએ પણ અનુસરણ કર્યું હતું.

થોડાં સમયમાં બન્ને આડે પડખે થઈ હતી - આરસની ફરસ પર. આંખો પર પાંપણો બિડાઈ હતી.

સામેનાં વૃક્ષો પરથી પવન હિલ્લોળાતો હતો - સરરર... સર અને બેય ઘસઘસાટ... જંપી ગયાં હતાં.

આર્થર માટે આ સવાર શુભ નહોતી કારણ કે કલ્યાણે અજાણતાં જ હાનિ થાય એવું કામ કર્યું હતું. રમાકાન્તે તેની અગત્યની ટપાલો ખોઈ નાખી હતી. ખુદ માર્ગારેટે પણ અમુક નોંધો અયોગ્ય રીતે લખી હતી. તેનો મિજાજ ઠેકાણે હતો જ નહીં, ને તેણે આ દૃશ્ય જોયું. બધો જ ગુસ્સો અહીં ઠલવાઈ ગયો જાણે.

તેણે લગભગ ત્રાડ નાખી. ‘મેગી... આ હું શું જોઈ રહ્યો છું ? આટલી સંસ્કાર-હીનતા ? આ છોકરી આટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ ? મેં જ ભૂલ કરી. મારે તેને દિલ્હીમાં બાર્બરા પાસે મેલવાની જરૂર હતી.’

ગુસ્સાની ભાષા તો સમજાય જ ને ? આંખો ચોળતી લીલા ભાગી હતી - સીધી દાદીમાની સોડમાં - કેટલું રડી હતી ?

લોરા માર્ગારેટ પાસે પહોંચી ગઈ હતી.

અને આર્થર ક્યાંય સુધી બબડતો હતો.

રમાકાન્તે તો ચોખ્ખું કહી દીધું - ‘મારે તમને આ રીતે મદદ કરવાની હતી જ નહીં. આ તો મિત્રભાવે. સરકારી હુકમ સ્પષ્ટ છે, મિ. આર્થર.’

રામી કહેતી હતી પૌત્રીને, ‘તારે એ મેડમની છોકરી સાથે રમવાની જરૂર શી હતી ? એ મોટા માણસ ને આપણે રહ્યાં...’

માર્ગારેટ ખિન્ન થઈ ગઈ. એ દિવસે કામ બંધ રહ્યું. સ્તબ્ધતા છવાઈ ગઈ આખા પરિસરમાં. આર્થર પુસ્તકાલયમાં જતો રહ્યો ને મેગી લોરા સાથે. કલ્યાણે ખાટલાઓની પાંગત સરખી કરવાનું કામ માંડ્યું. બેય હાથ ચાલે ને હળવે હળવે ભજન.

એ રાતે લોરાને તાવ આવ્યો. માર્ગારેટે કૉલન વૉટરનાં પોતાં મૂકવા માંડ્યાં કપાળ પર. હાથવગી દવા પણ આપી. અંતે બોલાવ્યો પતિને.

લોરા તાવમાં લવી રહી હતી - ‘મૉમ... ડેડ શા માટે ગુસ્સે થયા ? મેં શું કર્યું હતું ? ટેલ ડેડ, લીલા ઇઝ નાઇસ ગર્લ. માય બેસ્ટ ફ્રેન્ડ. બિચારી કેવી રડી પડી ? મૉમ... આમ શા માટે ?’

સાંભળી લીધી લાડકી પુત્રીને, તેની અર્ધભાનમય પળોમાં. કલ્યાણનું મૌન શું સૂચવતું હતું ? રમાકાન્તે તો તરત કહી જ દીધો તેનો દોષ. માર્ગારેટનો ચહેરો કેટલો શાંત હતો પણ તેમનું મન વાંચી શકાતું હતું - સ્પષ્ટ અને સુરેખ.

તે જાણે કહેતી હતી - ‘આર્થર... આ તમે તો નથી જ. નાની બાળકી પર ગુસ્સો શા માટે ? તમે તમારી જાતને ખૂબ મોટી ગણી લીધી ? અને વૉચમેનની લીલા અભદ્ર ? પૂછો લોરાને. તે આપણને સંસ્કારના નવા પાઠ શીખવશે, પથ્થરો સાથે રહીને તમે શું રુક્ષ બની ગયા, આર્થર ? પણ પથ્થરોમાં કેટલી ઋજુતા હોય છે જ્યારે કોતરાય છે. તમે એ વાત ભૂલ્યા નથી કે તમારી પ્રજાએ આ દેશમાં બસો વર્ષ શાસન કર્યું હતું. તમે એ ગાંધીને વાંચ્યા છે, જેમણે જગતને ઔદાર્ય અને સહિષ્ણુતા શીખવી.’

આમ તો આ આર્થરનો મનોવ્યાપાર હતો. તેણે સતત વિચાર્યું હતું - આ શાંત સ્થળે. પોતાની ભૂલ સમજાઈ હતી.

તેણે લોરાના ગાલ પર હાથ મૂક્યો. તાવ ઊતરતો જતો હતો. તે વચ્ચે વચ્ચે લવી રહી હતી. માર્ગારેટ કૉલન વૉટરનાં પોતાં મૂકતી હતા, કપાળ પર.

આર્થરે માર્ગારેટ પાસે જઈને કહ્યું - ‘સૉરી મેગી. ગઈકાલે હું નહોતો મારામાં. સવાર, એક નવી સવાર બનશે. કાલનો દિવસ રદબાતલ. આઇ પ્રોમિસ.’

માર્ગેરેટે ઝાંપા તરફની બારી ઉઘાડી. પરોઢ ફૂટું ફૂટું થતું હતું. માર્ગારેટે પતિ ભણી સ્મિત કર્યું - નવેસરથી.

*