Adharmi sadi in Gujarati Short Stories by Jyoti Bhatt books and stories PDF | અઢારમી સદી

Featured Books
Categories
Share

અઢારમી સદી

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : અઢારમી સદી

શબ્દો : 1563

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

અઢારમી સદી

બપોરનો ધોમધખતો તાપ છે, વાતાવરણમાં અસહ્ય ઉકળાટ છે. ચોતરફ ગરમી - ગરમી વર્તાઈ રહી છે, અને તોય આવા વાતાવરણમાંય ભદ્રકાળીનાં મંદીર પાસે પુષ્કળ ભીડ છે. કેટલીયે યુવતીઓ, બાળાઓ ત્રણ દરવાજા બહાર બેઠેલા ફેરિયાઓ પાસેથી કંઈક ને કંઈક લેતી દેખાય છે. તો વળી કેટલીક પ્રૌઢાઓ માતાજીનાં દર્શન અર્થે નવરાશનાં સમયે નિકળી પડેલી જણાય છે. ચાંદલા- બંગડી, રૂમાલ, નેપકીન્સ, નિકર વગેરે લઈને કેટલાંયે ફેરિયાઓ પોતાની રોજી - રોટી મેળવવા ફૂટપાથ પર બેઠેલાં જણાય છે, તો વળી કેટલાંક ફેરિયાંઓ લારીમાં ચંપલ, પર્સ, બગલથેલા, ગાઉન વગેરે લઈને સામેની ફૂટપાથ પર વેચવા ઊભા છે. દરેક ફેરિયા પાસે ચાર પાંચ યુવતીઓ તૉ કંઈક ને કંઈક લેવા વાંકી વળેલી જ છે. દરેકની નજર કંઈક નવું શોધે છે, તો વળી કેટલીક યુવતીઓ જાણે શું લઉં અને શું ન લઉં ની દ્વિધામાં અટવાઈ ગઈ હોય તેમ તેમનાં ચહેરાનાં હાવભાવ પરથી લાગે છે.

ભદ્રકાળી મંદિરની બાજુમાં જ સી.ટી.ઓ. ની ઓફિસ છે, ત્યાં ખૂણા પર જ ચ્હા ની લારી છે. જ્યાં કેટલાંયે કર્મચારીઓ, કેટલાંયે શહેરીજનો બાંકડા પર જગ્યા શોધી ચ્હા પીવા બેસી ગયા છે.
આ બંન્ને ભદ્રકાળી અને સી.ટી.ઓની ઑફિસની બરાબર વચ્ચે એક મંદીર છે, એ મંદિર છે માતા બહુચરાજીનું, ત્યાં પણ આવતાં જતાં સૌ નમન કરે છે. બરાબર મંદિરની ફૂટપાથ એટલેકે ઓટલા ઉપર એક યુવતી આંખે ગોગલ્સ ચડાવીને ઊભી છે. તેને નથી તો કોઈ ખરીદીમાં રસ જણાતો કે નથી તૉ મંદિરમાંનાં માતાજીનાં દર્શન કરવામાં રસ, માતાજી તરફ પીઠ રાખી તે સામેનાં ખૂણા પરનાં બિલ્ડીંગ તરફ અનિમેષ નજર રાખીને ઊભી છે. આંખે ગોગલ્સ હોવાથી તેની આંખોનાં કે તેનાં ચહેરા પરના હાવભાવ કળી શકાતાં નથી. હા થોડી થોડી વારે મોં પરનો પરસેવો લૂછવા આંખો પરથી તેણી ચશ્મા હટાવે ત્યારે તેની આંખમાં કોઈક નો ઈંતેઝાર જરૂરથી કળી શકાય છે.

તેનાં માથાં પરની સફેદ લટો તેની ઉંમરની ચાડી ખાય છે, વળી તે ચશ્મા ઉતારે છે ત્યારે તેનાં ચહેરા પરનું ગાંભીર્ય એક શાણી અને સંસ્કારી ઘરની યુવતી તરીકેની તેનીછાપ ઉપસાવી જાય છે. તેની ઊભા રહેવાની સ્ટાઈલમાં પણ ક્યાંય અધીરાઈ, આછકલાઈ કે ઉછાંછળાપણું દેખાતું નથી. તેનું વ્યક્તિત્વ તેનાં પ્રતિ આકર્ષિત જરૂર કરે છે પણ ઉન્માદ પ્રેરતું નથી.

આવા ધોમધખતા તાપમાં, આવી લૂ વરસતી કાળઝાળ ગરમીમાં પણ અણનમ અને અડીખમ ઊભી રહી એ કોની રાહ જોતી હશે?

લગભગ અર્ધાએક કલાક બાદ તે યુવતી અચાનક એડવાન્સ સિનેમા તરફ ચાલવા લાગી, કૂતુહલનો પ્રેર્યો હું પણ તેની પાછળ પાછળ ગયૉ. લગભજ પાંચેક ડગલાં જ ચાલીને તે એક યુવાન જે હજી હમણાં જ સાએનું બિલ્ડીંગ કે જેના પર નવનીતલાલ એન્ડ કંપની લખેલું છે તેમાંથી નીચે આવેલ તેનો પાસે જઈને અટકી ગઈ, એ યુવાનનાં એક હાથમાં એટેચી હતૈ ને બીજાહાથમાં કેટલાંક કાગળિયાઓથી ભરેલી ફાઈલ હતી. યુવેન પણ વીસ પચ્ચીસની ઉંમરનો તો નહોતો જ. તે પણ પેલો યુવતીની જેમ પાંત્રીસેકની આસપાસનો હતો. તેનો ચહેરો ગોળમટોળ, મોટી વિશાળકાય આંખો અને તેની દાઢીમાં થોડાં થોડાં સફેદ વાળ દેખાતા હતા, તો માથાં પરનાં વાળમાં પણ થોડાં થોડાં સફેદ વાળ દ્રશ્યમાન થતાં હતાં. યુવતી તેનો પાસે પહોંચતા જ તે બોલી ઊઠ્યો - 'તારે બહુ રાહ જોવી પડી નહીં ?'

'કંઈ વાંધો નહીં ' તે યુવતી બોલી.

'શું કરું, ઓફિસનાં કામમાં થોડી વધુ વાર થઈ ગઈ.'

'મને થયું કે થોડી ખરીદી કરી લઉં, પણ પછી થયું કે મને ખરીદીમાં વાર થાય, તું કામ પતાવી નીચે આવે નઃ મને ના જુએ તો તારે મને શોધવી પડે, અને એવું ન થાય માટે જ ખરીદી મોકુફ રાખી મંદિરનાં ઓટલે જ ઊભી રહી.'

' આમ તો થોડો વહેલો આવત પણ વકીલ હાજર નહોતા વળી એક કૉલ બુક કરાવેલો જેથી વાર થઈ.'
' ઑફિસ કામનું એવું છે કે પાંચની પંદર મિનિટ પણ થાય અને પંદર મિનિટ ધારી હોય તે કામ પાંચ મિનિટમાં પણ પતે, ચાલ્યા કરે એ તો.'

' ચાલ નિરાંતે ક્યાંક બેસીશું ?'

' ક્યાં બેસીશું ?'

' અહીં જ સામે એડવાન્સ રેન્સ્ટૉરેન્ટ માં બેસીએ, આ ગરમીનો, આ દોડધામનો થાક ઉતારીએ, વાતો કરીએ, કંઈક ખાઈએ.'

' પણ મને તો સ્હેજ પણ ભૂખ નથી.'

' છતાંય કંઈક લેજે ચાલ.'

બંને એકબીજાને 'તું' કહેતાં હતાં જે બંને વચ્ચેની આત્મીયતાનાં દ્યોતક હતા. બંનેની વાત પરથી એવું લાગતું હતું કે બંનેને એકબીજા માટે ખૂબ લાગણી છે, અને એટલો જ આદરભાવ પણ છે જ.


બંન્ને જણાં હોટલ એડવાન્સનાં પગથિયાં ચડીને અંદર પ્રવેશ્યાં, એક સારું ટેબલ જોઈ એકબીજાની સામે ગોઠવાયા. આ જમાનામાં તો ફેમિલીરૂમ, પાસ પાસે અડીને બેસવું, વાતે વાતે કારણ વગર હસવું અને હાવભાવ તેમજ વાણી વર્તનમાં આછકલાઈ જ જોવા મળે ત્યાં આ લોકોનું ગાંભીર્ય વિસ્મય પ્રેરક તો હતું જ.


થોડીવારે વેઈટર આવ્યો અને ટેબલ પર પાણીનાં ગ્લાસ મૂકી ગયો, ઠંડા પાણીનાં ગ્લાસને ન્યાય આપતાં યુવકે એ યુવતી તરફ ગ્લાસ લંબાવ્યો, પછી બીજો ગ્લાસ પોતે લઈ અને પાણી પીધું, અને યુવતીને પાણી પીતા પીતાં પૂછ્યું કે 'બોલ, તારે શું ખાવું છે ?'

' કંઈ જ નહીં.'

' કંઈક તો ખાવું જ પડશે.'

' પણ મને ભૂખ જ નથી.'

' અરે સવારથી મારી રાહ જોઈને એકની એક જ જગ્યાએ ઊભી હતી અને પછી મારી સાથે ને સાથે છું, હજુય પણ તને ભૂખ નથી લાગી ? કે પછી થાકી ગઈ એટલે ભૂખ મરી ગઈ ?'

' શ્યામ તું તો જાણે જ છે ને કે તું જ્યારે જ્યારે મારી સાથે હોય છે ત્યારે મને ભૂખની પણ ખબર નથી પડતી.'

' તો પછી કંઈક પીવું તો પડશે જ, તું આમ ભૂખ મારે તે મને નથી ગમતું, બોલ ખાવું ન હોય તો કંઈ નહીં પણ કંઈક પીવું તો પડશે જ, ચીકુ શેઈક, થમ્સ અપ કે પછી લસ્સી તને જે ગમે તે, અને એ પણ જો કંઈ ન જ લેવું હોય તો પછી આઈસ્ક્રીમ ખા. '

' તારો આટલો આગ્રહ છે તો ચીકુ શેઈક પીશ બસ ? '

બંન્ને આમ વાતો જ કરતાં હતાં ત્યાં જ શ્યામે ઓર્ડર આપ્યો ' એક મસાલા ઢોંસા ઔર એક ચીકુ શેઈક,' ઓર્ડર આપી ફરી પાછા બંન્ને વાતોએ વળગ્યા.

' આપણે બહુ લાંબા સમયે આમ સાથે બહાર નીકળ્યા નહીં ?'

' તું પાછો અમદાવાદમાં હોય બહુ ને, અડધો વખત તો તું અમદાવાદની બહાર જ હોય છે પછી આમ સાથે ક્યાંથી નિકળી શકાય કહે જો ?'

' હું પરમ દિવસે જ સુરત ગયેલો અને ત્યારે ત્યાં તને ખૂબ જ યાદ કરેલી.'

' કેમ કોઈ ખાસ કારણ ?'

' ના બસ એમ જ, હોટલમાં એકલો ઉતરેલો, એકાંતમાં, તારી યાદ મારાં હૃદયને બહુ બેચેન બનાવી ગઈ.'

' શ્યામ ! આપણે એવી તે કઈ સાંકળે આમ બંધાયેલાં છીએ કે છૂટા પડવા માંગીએ તોય છૂટી જ ન શકીએ?'


' એ તો મનેય સમજાતું નથી, પણ હા દર ચાર પાંચ દિવસે તને મળવાનું મન જરૂરથી થઈ આવે છે.'

' મને પણ એમ જ થાય છે, કિંતુ તારી જેમ જ ઘર લઈને બેઠી છું એટલે દિવસ પસાર થઈ જાય છે. '

' તારા વ્યક્તિત્વમાં ઓગળવું મને ગમે છૈ, હા મને સૌ જેવી અલંકારિક ભાષા નથી આવડતી, મારી લાગણી દર્શાવતા પણ નથી આવડતી, પણ એ સત્ય છે કે તું મને ગમે છે, અનહદ ગમે છે.'

આમ બંન્ને વાતો કરતાં રહ્યા અને વેઈટર આવીને ઢોંસો તથા ચીકૂ શેઈક મૂકી ગયો. બંન્ને આમ જ વાતો કરતાં પોત પોતાનાં મેનૂને ન્યાય આપવા લાગ્યા.

બંન્નેના હાવભાવ, વર્તન અને વાતચીત પરથી એટલું તો અવશ્ય સમજાતું હતું કે બંન્ને પોતે પતિ પત્ની તો નથી જ અને છતાં બંન્ને વચ્ચે સંબંધનો કોઈક એવો સેતુ છે કે બંન્નેને એકબીજા વિના ચાલતુ નથી અને છતાં તન મનથી બંન્ને પવિત્ર છે. આ તે કેવો સંબંધ ?

આજકાલ લગ્નેત્તર સંબંધો ઘણી જગ્યાએ ફેશન જેવા થઈ પડ્યા છે, વળી કેટલીક જગ્યાએ છૂપાછૂપા કંઈ કેટલાંયે સંબંધોનાં તાણાવાણા ગૂંથાયેલાં જોવા મળે છે, પતિથી અસંતુષ્ટ પત્ની કોઈની સાથે હળતી મળતી કે પછી પતિ સિવાયના પુરુષનું પડખું સેવતી સાંભળવા મળે છે, તો તે જ રીતે પોતાની પત્નીથી કોઈ ને કોઈ રીતે અસંતુષ્ટ પતિ કે પછી શોખીન પુરુષ કેટલીયે યુવતીઓને પોતાનાં દેહ સૌષ્ઠવથી, પૈસાથી કે અવનવી લાલચોથી લલચાવીને પોતાની સાથે ફેરવતો જોવા મળે છે.

એકવીસમી સદીના આ યુગમાં આ બધું કંઈ નવું કે કૌતુકભર્યુ તો નથી જ. તો પછી આ બે જણાં વાતવાતમાં કબૂલે છે કે બંન્ને પરણેલાં છે, વળી બંનેનાં વર્તન દ્વારા એ પણ સમજાતું હતું કે બંન્ને કોઈપણ જાતની લક્ષ્મણરેખા ઓળંગ્યા સિવાય પણ આટલાં હળેલાં મળેલાં છે, તો આમાં બંને વચ્ચેનો સંબંધ કેવો ? શું જાતિયતા સિવાય કેવળ લાગણી, માત્ર લાગણીનાં જ સંબંધો આ જમાનામાં શક્ય છે ખરાં ? અચાનક થોડી વારનાં મૌન બાદ શ્યામ બોલી ઊઠ્યો, ' જ્વાલા, ઘણાં સમયથી વિચારું છું કે તને કંઈક લઈ આપું.'
' મારે કંઈ જ જોઈતું નથી.'

' કંઈક તો લેવું જ પડશે.'

' પણ એવો આગ્રહ શા માટે ?'

' કારણ... મારી તારા પ્રત્યેની લાગણી.'

' ખરું કહું તો આજ સુધી તેં મને કંઈ ને કંઈ આપીને ઘણુંબધું આપ્યું છે, તેં મને જે આપ્યું છે તે કદાચ આજસુધી કોઈ જ મને આપી શક્યું નથી. જો જ્વાલા તારે જ્યારે પણ કંઈ મદદની જરૂર હોય તો મને વિના સંકોચ જણાવી દેજે પણ હવે વધુ દુઃખી ન થઈશ.'

' તારી લાગણીની કદર જો ના કરું તો હું નગુણી કહેવાઉં પણ એટલું જરૂરથી કહીશ કે મને જે જોઈતું હતું તે મળી ગયું છે, બીજી કોઈ ભૌતિક વસ્તુની મને ખેવના નથી.'

' મારી તારે પ્રત્યેની લાગણી કુદરતી છે, તે ક્યારે ઉગી અને ક્યારે વિકસી તેની તો મને ખુદને પણ ખબર નથી પણ હા મારી પત્નીને તારા પ્રત્યેની મારી લાગણીની ખબર સુધ્ધાં નથી.'

' એ માટે તું બેફિકર રહેજે. તારી પત્ની સુધી આ વાત ક્યારેય નહીં પહોંચવા દઉં. પણ શ્યામ એક વાત જરૂર યાદ રાખજે... તારી પત્નીમાં મારું રૂપ જોવાનો પ્રયત્ન ક્યારેય ન કરીશ. '

' હું મારી પત્નીને પણ ચાહું છું અને તને પણ...'

' બની શકે તો બંન્નેને સાચવજે પણ તેને અન્યાય તો ક્યારેય ન કરીશ.'

' પણ કદાચ તારો પતિ આ જાણશે તો ?'

' તેમને હું ક્યારેય આ વાતની ગંધ સુધ્ધાં નહીં આવવા દઉં, અને કદાચ તેમને આ વિશે કંઈક કહીશ તો પણ તું એટલી ખાત્રી રાખજે કે મારા પતિ મારાં આરાધ્ય દેવ છે, અને તે મારી અને તારી આ લાગણીનાં પૂજક હશે, ભક્ષક તો તે ક્યારેય નહીં જ બને કારણ તે પણ લાગણીનાં જ માણસ છે, સમાજનાં કાયદા - કાનૂન નાં નહીં.'
ને બસ આમ જ વાત કરી બંન્ને જણ પોતપોતાનાં રસ્તે છૂટા પડે છે.

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843