Doast Mane Maf Karis Ne - Part-22 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne - 22

Featured Books
Categories
Share

Dost Mane Maf Karis Ne - 22

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૨૨

ઉઘડતું સત્ય

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૨. ઉઘડતું સત્ય

“ છબી કોઈ ખેંચો તરત આ ક્ષણે,

આ એકાદ વરસે, હસાયુ હશે. ”

કયાંય સુધી અરૂપ અને ઈતિ આ ભાવસમાધિમાં લીન થઈ રહ્યા. અને હજુ આ સમાધિ ન જાણે કયાં સુધી ચાલત...

વૈશાલી પરમ, પરિનિને પરાણે નીચે લઈ તો ગઈ હતી. પરંતુ પરિનિ ઈતિ વિના દૂધ પીવે તેમ નહોતી... તે જીદે ચડી હતી. વૈશાલીનું ધ્યાન જરા હટતાં જ તે દોડીને ઉપર આવી પહોંચી.

અને લાડથી ચહેકી ઉઠી.

‘ આંટી,.. હું તમારી પાસે જ દૂધ પીશ હોં...’

અરૂપ સફાળો ઉભો થઈ ગયો. ઈતિને મૌન બેસી રહી. અરૂપ આંખો લૂછતો નીચે ગયો.

પરિનિએ ઈતિને ઝકઝોરતા કહ્યું

‘ આંટી, તમે મને દૂધ પીવડાવશોને ? ’

ત્યાં વૈશાલી ઉપર આવી પહોંચી. પરિનિને ખીજાઈને કહે,

‘ આંટીની ચમચી.. તું આંટીને બહું હેરાન કરે છે ને ? ’

‘ ના, હું હેરાન નથી કરતી. ‘ પરિનિએ જોરદાર વિરોધ નોંધાવ્યો.

‘ ના, ના, મમ્મી પરિનિ હેરાન કરે છે હોં..જો હું તો આંટીને કેવું વહાલ કરૂં છું. ’

કહી પરમે ઈતિને વહાલથી ગાલે એક પપી કરી. ઈતિએ કશું બોલ્યા સિવાય પરમ, પરિનિને પોતાની તરફ ખેંચ્યા.

‘ ઈતિ, છોકરાઓ હેરાન કરે તો જરા ખીજાજે હોં. આમ પણ આ પરિનિ બહું માથે ચડાવવા જેવી નથી. તને જરા વાર જંપવા નહીં દે... લાવ, એ બારકસને હું નીચે લઈ જાઉં..’

કહેતાં વૈશાલીએ પરિનિને લેવા હાથ લંબાવ્યો. પણ ઈતિએ પરિનિને પોતાની પાસે ખેંચી રાખી અને માથુ હલાવી ના પાડી. હજુ શબ્દો સાથ નહોતા આપતા.

‘મોઢામાં મગ ભર્યા છે ? બોલીને કહે તો કંઈક ખબર પડે. આ તારા ડોકા ધૂણાવવાનું બંધ કર’

વૈશાલીએ હસતાં હસતાં કહ્યું અને નીચે જતાં જતાં ઉમેર્યું,’ તમે લોકો જલદી નીચે આવો... અમે બધા નાસ્તાની રાહ જોઈને બેઠા છીએ... અને પેલો તારો વર તારા વિના પાણી પણ પીવે તેમ નથી. આજે તો અંકુર અને તારાબેન સાથે કીચનમાં ઘૂસ્યો છે. તેથી તારા કીચનની ખેર નથી. જોઈએ આજે તે શું ખીચડી પકાવે છે ? કંઈક પરાક્રમ કરીને બધું વેરણછેરણ કરી નાખ્યું હશે. ચાલ, હું નીચે જીને જરા જોઉં. ત્યાં તું આ બારકસોને લઈને નીચે આવ.’

અને પગથિયા ઉતરતાં હસીને ટકોર કરી રહી,’ અને જરા યાદ રાખજે..અમે તારે ઘેર આવ્યા છીએ... મહેમાન અમે છીએ તું નહીં હોં... અમે નીચે તારી રાહ જોઈએ છીએ.

અને પરમ , પરિનિ હવે નો તોફાન. ઓકે ?

વૈશાલી હસતી હસતી નીચે ઉતરી ગઈ.

થોડીવારે ઈતિ નીચે ઉતરી ત્યારે અરૂપ તેની સામે જોઈ જ રહ્યો. ઈતિએ પરિનિને તેડી હતી. અને પરમ ઈતિનો હાથ પકડી ધીમેધીમે દાદર ઉતરતો હતો. અરૂપ એકીટશે ઈતિ સામે જોઈ રહ્યો. જાણે ઈતિને પહેલીવાર જોતો હતો. ઈતિનું આ સ્વરૂપ તો પોતે કયારેય જોવા નથી પામ્યો. બે બાળકો સાથે ઈતિ કેવી લાગતી હતી ? નવમાતૃત્વ પામેલી સ્ત્રી પોતાના નવજાત શિશુને તેડીને પહેલીવાર બહાર નીકળતી હોય ત્યારે જે સંતોષ, પરમ સુખ અને એક ગૌરવની રેખા તેના ચહેરા પર અંકાયેલી હોય તેવો ભાવ અત્યારે ઈતિના સઘળાયે અસ્તિત્વમાંથી છલકતો હતો. ઈતિ આખી ઝળહળા..અરૂપ એકીટ્‌શે ઈતિને જોઈ રહ્યો.

‘ આ ઈતિને તો તેણે કદી જોઈ જ નથી.’ ઈતિનું આ સ્વરૂપ તેના અંતરમાં એક ઉજાસ પ્રગટાવી રહ્યું. પરમ, પરિનિએ નાસ્તો પણ ઈતિને હાથે જ કર્યો. બંનેમાંથી કોઈ એકબીજાને છોડવા કયાં તૈયાર હતા ?

‘ અરૂપભાઈ, આ તમારી ઈતિ માથુ હલાવે કે ડોકા ધૂણાવે તે તમને સમજાતું હશે પણ અમને નથી સમજાતું હોં.’

વૈશાલીએ હસીને કહ્યું. પણ ઈતિનું ધ્યાન વૈશાલીની કે કોઈની વાતોમાં કયાં હતું ? તેની દુનિયામાં તો આ ક્ષણે પરમ, પરિનિ સિવાય કોઈનું અસ્તિત્વ જ નહોતું.

પરમ, પરિનિ ઈતિને વીંટળાતા રહ્યા. તેમના ટહુકા આખા ઘરમાં તો પડઘાતા જ હતા. પરંતુ ઈતિના દિલમાં પણ એ પડઘાઈ શકયા એનો આનંદ અરૂપને હૈયે છલકતો હતો. પૂરા બે મહિના બાદ ઈતિ હસી હતી. ઈશ્વર એનું હાસ્ય સલામત રાખજે. અરૂપથી અનાયાસે પ્રાર્થના થઈ ગઈ.

આખો દિવસ બધા શોપીંગમાં રખડતા રહ્યા.પરમ, પરિનિના કપડાં લેવાતાં હતાં. તે બંને ઈતિને બતાવીને જ લેતા હતા. ઈતિ પૂરૂં સમજયા વિના માથુ હલાવતી રહી. આજે દિવસ ક્ષણ બનીને પસાર થઈ ગયો.

તે રાત્રે પરમ, પરિનિ વચ્ચે કોઈ ઝગડો ચાલી રહ્યો હતો.

‘ એય પરિ, ચાલ, તું મમ્મી પાસે હૉં. આજે આંટી પાસે સૂવાનો મારો વારો છે. કાલે તું સૂતી હતી.’

‘ ના હોં, આંટી મારા છે હું જ એની સાથે સૂઈશ ’

ઈતિની પાછળ સંતાતી પરિનિએ જવાબ આપ્યો.

‘ એવી દાદાગીરી નહીં ચાલે. આંટી, પરિનિને કહી દો ને... પ્લીઝ... આજે મારો વારો છે ને ? ’

‘ આંટી, તમે કોના છો ? ‘ પહેલા મારા ને ? ’

પરિનિએ અઘરો સવાલ પૂછયો.

ઈતિ શું જવાબ આપે ? બંને ભાઈ બહેન કયારના તેની પાસે સૂવા માટે દલીલો કરી રહ્યા હતા. ઈતિ કશો જવાબ આપ્યા સિવાય બંનેને વહાલ કરી રહી.

ત્યાં અઘરા પ્રશ્નનો જવાબ આ બધી ચર્ચા સાંભળી રહેલ અરૂપે જ આપ્યો.

‘ ઓકે બેટા, આંટી તમારા બંનેના... આજે તમે બંને આંટી સાથે સૂજો બસ ? હું બહાર બીજા રૂમમાં સૂઈશ... આંટીની એક તરફ પરમ અને બીજી તરફ પરિનિ.. અને વચ્ચે આંટી . બરાબર ?

ઈતિ, ઈટ્‌સ ઓકે ? ’

ઈતિએ હકારમા માથુ નમાવ્યું.

હવે પરમ, પરિનિ ઈતિને કેમ છોડે ?

વાઉ...’

અને બંને કૂદકો મારી ઈતિના પલંગ પર ચડી ગયા..

‘ આંટી સ્ટોરી.. આંટી સ્ટોરી ’

કરતી પરિનિ ઈતિને ગળે ઝૂલી રહી.

‘ આંટી, આજે ઉન્દર સાત પૂછ્‌ડીવાળાની સ્ટોરી હોં. ’

‘ ના, આંટી, એ સ્ટોરી તો ઘણીવાર સાંભળી છે. ‘ પરમે પોતાનો જોરદાર વિરોધ નોંધાવ્યો.

‘ આંટી, તમને પેલી જાદુઈ શેતરંજીની સ્ટોરી આવડે છે ? શેતરંજી ઉપર બેસીને આકાશમાં ઉંચે ઉડાય અને જયાં જવું હોય ત્યાં જવાય. ’

જયાં જવું હોય ત્યાં જી શકાય...? ઈતિના મનમાં પ્રશ્ન ઉઠયો કે શું ? તેને કયાં જવું છે ? આવો કોઈ પ્રશ્ન તેના મનમાં ઉગતો હતો કે શું ? જોકે ઉગતો હોય તો પણ તેનો જવાબ વિચારી શકે એટલી સ્વસ્થ માનસિકતા હજુ કયાં આવી હતી ?

આંટી કયાંક એ વાર્તા જ ચાલુ ન કરી દે એ ડરે પરિનિ બોલી ઉઠી.

‘ ના, આંટી, પરમને તો રોજ એ જ વાર્તા ગમે છે. મારે એ નથી સાંભળવી.’

‘ ચાલ, આંટીને જે ગમતી હશે ને એ જ સ્ટોરી કરશે. આંટી, તમને કઈ ગમે છે ? ’

પરમે જવાબ પોતાની તરફેણમાં જ આવશે એવી આશાભરી નજરે પૂછયું.

અને પરિનિને તો જાણે વિશ્વાસ જ હતો કે આંટી તો પરિનિને ગમે તે જ કરશે.

હજુ ઈતિ કોઈ ફેંસલો સંભળાવે તે પહેલા પરમને જાણે ખ્યાલ આવી ગયો હતો કે અહીં કદાચ પોતાની દાળ નહીં ગળે. હમણાં બધાની જેમ આંટી પણ કહી દેશે,

‘ પરિનિ નાની છે ને ? એટલે...’

અને એમ હાર માની શરણાગતિ સ્વીકારવી એના કરતાં તેણે બીજો ઉપાય કાઢયો.

‘ આંટી, તમારી પાસે કેરમ છે ? ચાલોને આપણે કેરમ રમીએ.’

ઈતિના ઘરમાં કેરમ કે કેરમથી રમવાવાવાળુ કશું કયાં હતું ?

ઈતિ મૌન બની રહી.

ત્યાં તો પરિનિ દોડતી આવી. તેના હાથમાં મમ્મી પાસેથી લાવેલ પત્તા હતા.

‘ આંટી, ચાલો આપણે પત્તા રમીએ... ઢગલાબાજી...’

‘ ના, આંટી, આપણે સાંજે રેતીમાં બંગલો બનાવ્યો હતો ને ? તેવો બંગલો બનાવીએ. મારી પાસે બંગલો બનાવવાના બ્લોક્સ છે. હું લઈ આવું.’

કહેતો પરમ દોડી ગયો. અને રંગબેરંગી બ્લોક્સ લઈને આવી ગયો.અને ત્યાં ઢગલો કર્યો.

ઈતિ પરિનિએ કરેલ પત્તાના ઢગલા અને પરમે કરેલ બ્લોક્સના ઢગલા સામે જોઈ રહી.

‘ એક કામ કરીએ... પહેલા પરિનિની ઢગલાબાજીની એક ગેઈમ રમી લઈએ અને પછી બંગલો બનાવીએ... બરાબર ?’

પરમે વચ્ચેનો રસ્તો કાઢયો.

પરિનિએ હવે માની જવામાં જ સલામતી જોઈ.

ઓકે, આંટી.’

પરમ, પરિનિની નોકઝોંકમા ગૂંથાતી ઈતિ બંને સાથે ઢગલાબાજી રમી રહી. વચ્ચે બંને ભાઈ બહેનના મીઠા ઝગડા ચાલુ જ રહ્યા. ઈતિ પણ નાની બાળકી જ બની ગઈ હતી. બંને સાથે ઝગડા કરવાની કેવી મજા આવતી હતી. તે જાણીજોઈને અંચઈ કરતી અને પરમ તેને પકડી પાડતો. અને ત્રણેના ખડખડાટ હાસ્યથી દીવાલો પણ ગૂંજી રહેતી. આ ઘરની દીવાલોએ પણ આવો મીઠો કલરવ પહેલા કયાં સાંભળવા મળ્યો હતો ?

ઢગલાબાજીની રમત પૂરી થતાં ત્રણે બંગલો બનાવવા બેઠા. ત્યાં અંકુર, વૈશાલી અને અરૂપ આવ્યા.

‘ વૈશાલી કહે,

અરે, હજુ સૂતા નથી ? કે આંટીને પણ સૂવા દેતા નથી અને હેરાન કરો છો ? ’

‘ ના ,મમ્મી આંટીએ જ રમવાનું કહ્યું છે. હેં ને પરમ ? ’

પરિનિએ ચાંપલી થતા નિર્દોષતાથી સફાઈ પેશ કરી.અને પાછો ભાઈનો સપોર્ટ માગ્યો.

ઈતિ તો હસતા હસતા બંગલો બનાવવામાં મશગૂલ હતી.

ત્યાં અરૂપે નાના છોકરાની જેમ જીદ કરતા કહ્યું,

‘ અમને રમાડતા...રમત બગાડતા....અમારે પણ રમવું છે. અમને રમાડશો ? ’

પરમ, પરિનિ તો ખુશ થઈ તાળી પાડવા લાગ્યા. અંકલ પણ રમશે હવે તો પોતાને કોઈ ના પાડી શકશે નહીં.

‘અંકલ ચાલો..’

અને અરૂપ તેમની સાથે નીચે બેસી ગયો. બ્લોક્સના બે ભાગ પડયા અને એક તરફ અંકલ અને પરમ અને બીજી તરફ આંટી અને તેની ચમચી પરિનિ. કોનો બંગલો પહેલા બને છે ?

વૈશાલી અને અંકુરને તો શું કરવું તે સમજાયું નહીં. બંને નીચે આઈસ્ક્રીમ લેવા ચાલ્યા ગયા.

બંનેના બંગલા લગભગ સાથે જ બન્યા. પરંતુ

‘ હું ફર્સ્ટ..’ નો નારો બંને બાળકોએ જરૂર લગાવ્યો. અરૂપ,ઈતિ તાળી પાડી રહ્યા.

ઘરમાં જાણે જીવંત ટહુકા ફૂટી નીકળ્યા. અને સમયને પાંખો આવી. ઘર આખું ઝળહળ ઝળહળ... ત્યાં વૈશાલી અને અંકુર આઈસ્ક્રીમ અને પાન લઈને આવ્યા.

‘આઈસ્ક્રીમ કોને ખાવો છે ?’

બ્લોકસ બધા એક તરફ રહી ગયા. અને બધા આઈસ્ક્રીમમાં મગ્ન.

પાન ચાવતા ચાવતા પરિનિએ જીભડો કાઢયો.

‘આંટી, જુઓ, મારી જીભ લાલ થઈ છે ને ?’

‘તે પાન ખાઈએ એટલે જીભ તો લાલ થાય જ ને ? એમાં કંઈ તેં નવાઈ નથી કરી. સમજી ? બધાની થાય.’’

પરમે જાણે જીવનનું સત્ય ઉચ્ચાર્યું.

‘ ભલે જા... હું તો આંટીને પૂછું છું.’

ઈતિએ પણ પોતાની લાલ લાલ જીભ બહાર કાઢી.

અને ઘરની દીવાલો કદી ન જોયેલું આ અદભૂત દ્રશ્ય જોઈ હસી ઉઠી.

અને મોડી રાત્રે પરમ, પરિનિ વચ્ચે ઈતિ સૂતી ત્યારે તેના ચહેરા પર અદભૂત શાંતિ, સંતોષની સુરખિ છવાઈ હતી.

સવારે એ જ કલબલાટ, કલરવ લઈ બાળકો ઉઠયા. ખાસ્સા મસ્તી તોફાન ઈતિ, પરમ અને પરિનિ ત્રણે બાળકો વચ્ચે ચાલ્યા.

ત્યાં વૈશાલી આવી. આજે તો તેમને જવાનું હતું.

‘ચાલો બેટા, હવે જલદી કરો. કાલથી સ્કૂલ છે ને ? આજે તો આપણે ઘેર જવાનું છે.’

છોકરાઓને કયાં જવું હતું .? તેમણે મોઢુ બગાડયું.

‘મમ્મી, પ્લીઝ એક દિવસ..’

પરમે આજીજી કરી.

બાળકોના જવાનું નામ સાંભળી ઝાંખો થઈ ગયેલ ઈતિનો ચહેરો અરૂપથી છાનો કેમ રહી શકે ? તેણે વૈશાલી સામે નજર કરી.

તેની વણકહી વાત વૈશાલી સમજી ગઈ. તેણે અંકુર સામે જોયું.

અંકુરે અરૂપની આંખમાં રહેલી આજીજી વાંચી લીધી હતી. આજે તેના દોસ્તને તેની જરૂર હતી. ના કેમ પાડે ? તેણે તુરત ફેંસલો આપ્યો

‘ઓકે..આજનો એક દિવસ..’

‘કાલની સ્કૂલ બગડશે.’ વૈશાલીએ કહ્યું.

‘ એક દિવસમાં કશો વાંધો નહીં આવે.. ઈતિ, અમે તો બરાબર ધામા નાખ્યા છે હોં. ‘ અંકુરે ઈતિને શોધતા કહ્યું.

પરંતુ ઈતિ કે બાળકો આગળ કશું સાંભળવા કયાં રોકાયા હતા ? તે તો બાળકો સાથે નીચે ચાલી ગઈ હતી અને તેમની સાથે ગાર્ડનમાં રમી રહી હતી. પકડાપકડીની રમત ચાલી રહી હતી. અરૂપે એક આભારવશ નજર અંકુર અને વૈશાલી તરફ નાખી.

‘અંકુર, વૈશાલી થેન્કસ...

‘નો થેંકસ... નો ફોર્માલીટી. પરંતુ અરૂપ, મને લાગે છે આ બાળકો જ ઈતિની દવા બની ગયા છે.’

અરૂપની આંખમાં પાણી તગતગી રહ્યા. આખરે ઈશ્વરે તેને માફ કર્યો હતો કે શું ? બે દિવસ પહેલાની ઈતિ અને આજની ઈતિમાં આસમાન જમીનનો તફાવત હતો. જાણે કશું બન્યું જ નથી. ઈતિને કશું યાદ જ નહોતું કે શું ?

અરૂપ એક ઉંડા વિચારમાં પડી ગયો. એક વધુ સત્ય નજર સમક્ષ ઉઘડયું હતું.

જીવનની કેટલી બધી બાબતો આ થોડા સમયે તેને ઉઘાડી આપી હતી ! રોજ જાણે એક નવી ક્ષિતિજ ખૂલતી હતી.એક નવી દ્રષ્ટિ સાથે નવા દરવાજાઓ ખૂલતા જતા હતા. જીવનનો રાહ અને મંઝિલ બંને બદલાયા હતા. બદલાયું હતું અરૂપનું આખું અસ્તિત્વ.

ચા નાસ્તો તૈયાર છે..’ તારાબેને કહ્યું.

‘હા.અમે આવીએ જ છીએ.’

ઈતિ માટે તો પરમ, પરિનિ સિવાય બીજું કોઈ હતું જ નહીં. તે બાળકોમાં એકાકાર થઈ ગઈ હતી. પરિનિ સાથે ખિલ-ખિલાટ હસતી ઈતિને જોઈ અરૂપના દિલમાં થોડી શાતા વળી હતી. ઈશ્વરના લાખ ઉપકાર માનવા સાથે ઈતિનું આ હાસ્ય હમેશા જળવાઈ રહે એવી પ્રાર્થના તેના દિલમાંથી આપોઆપ નીકળી હતી. બાળકોને તે કેટલા દિવસ રોકી શકશે ? કાલે તેઓ ચાલ્યા જશે ત્યારે ? વિચારધારા આગળ ચાલે તે પહેલાં પરિનિ અને પરમ દોડતા અંદર આવ્યા. અરૂપનું ધ્યાન તેમાં ખેંચાયું.

બાળકોએ ઈતિ પાસે ફટાફટ દૂધ પી લીધું. તેમની કાલીઘેલી વાતોમાં ઈતિ ઓગળતી રહી. તે પણ તેના જેવડી જ બની ગઈ હતી.

‘ આંટી જ નવડાવે...’ પરિનિએ જીદ પકડી. અને વૈશાલી તેને સમજાવવાનો કે હા, ના કરવાનો પ્રયત્ન કરે તે પહેલાં તો ઈતિ પરિનિને લઈ બાથરૂમમાં પહોંચી ગઈ હતી. શાવરના અવાજ સાથે ઈતિ અને પરિનિનો કિલકિલાટ બાથરૂમની દીવાલ ઓળંગીને બહાર છલકાતો હતો. તેમના હાસ્યના ટહુકાના પડઘા આખા ઘરમાં અને અરૂપના આખા અસ્તિત્વમાં પડઘાઈ રહ્યા.

બધા નાહીને તૈયાર થયા અને પછી કયાં જવું તેની થોડીવાર ચર્ચા ચાલી. અને અંતે પરમ, પરિનિને ઝૂ જોવા લઈ જવાનું નક્કી થયું.

’ ઈતિ, પરમ, પરિનિને ઝૂ જોવા લઈ જીશું ?

ઈતિ તો તૈયાર જ હતી ને ?

અને આખો કાફલો કારમાં ગોઠવાયો. ઈતિને તો બીજા કોઈ સાથે જાણે સંબંધ જ નહોતો. બીજા કોઈને તે ઓળખતી જ કયાં હતી ? તે બાળકોમાં ગૂંથાતી રહી અને બાળકો પણ તેનો પીછો કયાં છોડવાના હતા ? બે ગ્રુપ પડી ગયા હતા. એક ગ્રુપમાં અરૂપ, વૈશાલી અને અંકુર હતા અને બીજા ગ્રુપમાં ઈતિ, પરમ અને પરિનિ હતા. અને આ બીજા ગ્રુપને પહેલા ગ્રુપ સામે જોવાનો પણ અવકાશ નહોતો. તેમનું ગ્રુપ તો પોતાની મસ્તીમાં મશગૂલ હતું. કારમાં પણ તેમની રમતો ચાલુ જ રહી હતી. આ ગ્રુપમાં હાસ્યના ફુવારાઓ ઉડતા હતા. અને તેમાં ભીંજાતું હતું બીજું ગ્રુપ. અરૂપના ચહેરા પર એ કિલ્લોલની આભા છવાતી હતી.

ઝૂમાં પહોંચતા જ પરમ, પરિનિ ઈતિનો હાથ ખેંચી એક પાંજરા પાસેથી બીજા પાંજરા તરફ દોડવા લાગ્યા. ત્રણે જણાને જાણે એક નશો ચડયો હતો.

‘ આંટી, મંકી, મંકી...’ અને બીજી પળે ત્રણે વાંદરાના પિંજર પાસે.

‘ આંટી, તમે પેલા વાંદરાની વાર્તા સાંભળી છે ને ? બે બિલાડી પાસેથી રોટલો કેવો પોતે ખાઈ ગયો હતો.’

પરમે ઉત્સાહથી પોતાનુ જ્જ્ઞાન દર્શાવ્યું.

‘ આંટી, અહીં આવો...જુઓ તો પોપટ કેવો સરસ દેખાય છે.’

ઈતિનો હાથ ખેંચતા પરિનિ બોલી ઉઠી.

‘બોલ... સીતારામ બોલ...’ પરિનિ પોપટને કહેતી રહી. અને ત્રણે મોટેથી લલકારી રહ્યા.

‘ પઢો રે પોપટ રાજા રામના.....

અને પછી પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી,

પોપટ આંબાની ડાળ,પોપાટ સરોવરની પાળ..’

અને પરિનિ, પરમ તો ખુશખુશાલ બની તાળીઓ પાડવા લાગ્યા. અરૂપ પણ તેમની સાથે તાળીઓ પાડવામાં અને ગાવામાં જોડાઈ રહ્યો.

થોડીવાર પછી એક મોટા મગર પાસે જી બધા ઉભા. પરિનિ તો મગરને જોઈ ડરીને ઈતિની પાછળ સંતાઈ ગઈ. ‘ આંટી, મને બીક લાગે છે.. બિલ્લી તળાવમાં તરવા ગઈ હતી ત્યારે તેનો સાડી છેડો છૂટી ગયો હતો અને મગર બિલ્લીને ખાઈ ગયો હતો ને ? ’

પરિનિ એક “બિલાડી જાડી” બાળગીતના શબ્દોને યાદ કરતાં બોલી ઉઠી. અને ઈતિની સાડીના છેડા પાછળ ભરાઈ રહી.

ઈતિએ પરિનિને પોતાની વધુ નજીક ખેંચી.

‘ આંટી, મને તો કોઈની બીક ન લાગે હોં..’ પરમે પોતાની બહાદુરી બતાવી.

‘ મગરભાઈ, મગરભાઈ, તમારે મીઠા મીઠા જાંબુ ખાવા છે ? ’

પરમે તો પોતાની બહાદુરી સાબિત કરવા મગર સાથે વાતો પણ શરૂ કરી...

‘ અને હેં અંકલ, મગર કેવો બુધ્ધુ હતો નહીં ? ’

પરંતુ પરિનિને મગર પાસે ઉભા રહેવું બહું ગમ્યું નહીં.. ઈતિનો હાથ ખેંચી તે તેને આગળ ખેંચી ગઈ. અરૂપ પણ પાછળ પાછળ તેમની સાથે જોડાયો. આગળ જતાં શિયાળને જોઈ પરિનિ બોલી ઉઠી.’

‘ આંટી, શિયાળની વાર્તા મને આવડે છે હોં. દ્રાક્ષ ખાવા તેણે કેવા કૂદકા માર્યા હતા અને પછી પહોંચાતું નહોતું તેથી દ્રાક્ષ ખાટી છે એમ કહી દીધું હતું ને ?’

‘ મને તો શિયાળની એક જ નહીં ઘણી વાર્તા આવડે છે. હેં આંટી, શિયાળ તો લુચ્ચુ હોય ને ? ’

‘ આંટી, આ પરમ પણ બહું લુચ્ચો છે હોં. મને રોજ હેરાન કરે છે. ‘ ઈતિની કોર્ટમાં પરિનિએ પોતાની ફરિયાદ રજૂ કરી.

‘ અને આંટી, આ પરિનિ સાવ બુધ્ધુ છે.મગર જેવી. ’

પરિનિને ચીડવવાનો એક પણ મોકો પરમ કેમ છોડે ?

ઈતિ તો બોલ્યા સિવાય બંનેના હાથ પકડી હસતી રહી. અને હવે ત્રણે પહોંચ્યા સિંહના પાંજરા પાસે.

‘ આંટી, સિંહ તો જંગલનો રાજા કહેવાય ને ?

‘ પણ રાજા યે કેવો મૂરખ..કૂવામાં કૂદકો મારી દીધો હતો. નાનકડું સસલું તેને મૂરખ બનાવી ગયું હતું ને ? મને મમ્મીએ વાર્તા કરી હતી.’

પરિનિ તો એકદમ ડરીને ઈતિને ચોંટી ગઈ હતી. ઈતિએ હવે તેને તેડી લીધી હતી.

‘ આંટી, આવડી મોટીને તેડાય ?એય પરિનિ નીચે ઉતર...હું મમ્મીને કહી દઈશ હૉં. આંટીને હેરાન ન કરાય.

પરમે ડાહ્યા બનીને કહ્યું.

હેં આંટી, હું હેરાન કરૂં છું ? આંટીએ જ સામેથી મને તેડી છે હેં ને આંટી ? ’

ઈતિ હસી રહી.

અને અંતે થાકીને બધા જમવા ગયા ત્યારે ઈતિના ચહેરા પર મેઘધનુષી રંગો ખીલ્યા હતા.

પરમે પોતાના માટે પીઝાનો ઓર્ડર આપ્યો.

‘ હું તો આંટી ખાશે તે જ ખાઈશ. આંટી, તમે શું ખાશો ? ’

‘ આંટીની ચમચી. આંટી તો તીખું..મરચાવાળુ ખાશે..બોલ, તું ખાઈશ ? ’

‘હા... ખાઈશ જા... તારે શું ? આંટી કંઈ તીખું નથી ખાતા... હેંને આંટી ? ’

બધા હસી પડયા.

‘ઈતિ, તું શું ખાઈશ બોલ ? ‘વૈશાલીએ પૂછયું.

ઈતિ વતી અરૂપ જવાબ આપવા જતો હતો ત્યાં વૈશાલીએ આંખોથી ઈશારો કરતાં અટકી ગયો.

મેનુ કાર્ડમાં જોત જોતાં વૈશાલીએ ફરીથી પોતાનો સવાલ રીપીટ કર્યો.

‘ઈતિ, લે આ મેનુ...અને જલદી નક્કી કર. તારી આ ચમચી તું ખાઈશ એ જ આજે ખાવાની છે.’

બીજુ મેનુ કાર્ડ ઈતિના હાથમાં થમાવતા વૈશાલીએ કહ્યું.

ઈતિ હાથમાં આવેલ મેનુ કાર્ડ સામે જોઈ રહી. જાણે કોઈ અભણ વ્યક્તિના હાથમાં અચાનક કોઈએ અંગ્રેજી પુસ્તક પકડાવી દીધું હોય તેમ ઈતિ બાઘાની જેમ જોઈ રહી.

‘ આંટી, આપણે આ ખાશું ? સેંડવીચનું ચિત્ર જોઈ તેની બાજુમાં બેસેલી પરિનિ બોલી ઉઠી.

કયાંક આંટી તેને ન ભાવતું કંઈ મંગાવશે તો ?’

આંટીને જે ખાવું હોય તે જ ખાવા દે ને...’ પરમે બહેનની ચાલ સમજી જતાં તુરત કહ્યું.

‘ આંટીને સેન્ડવીચ જ ભાવે છે હેં ને આંટી ?’

અને આંટીનું ડોકુ જરા ધૂણતા પરિનિએ ખુશ થઈને ફટાફટ બંનેનો ઓર્ડર આપી દીધો.

વૈશાલી કશું બોલવા જતી હતી પણ અરૂપે તુરત કહ્યું.

‘ ઓકે... ઈતિ અને પરિનિ સેંડવીચ ખાશે. ઈતિ વધારે ગૂંચવાય તેવું તે નહોતો ઈચ્છતો. વૈશાલી સમજી ગઈ.

અને બધાએ પોતપોતાના ઓર્ડર લખાવ્યા.

પરમ, પરિનિ ટહુકતા રહ્યા. ઈતિ આપોઆપ પરિનિને ખવડાવતી રહી. પરિનિ ઈતિના મોંમા પણ સેંડવીચ મૂકતી રહી. હસી મજાકનો દોર ચાલતો રહ્યો. અરૂપ હસતો તો હતો. પરંતુ સાથે સાથે હવે કાલે શું થશે તેની આશંકામાં થોડો વ્યગ્ર પણ હતો... કાલે બાળકો જતાં ફરીથી ઈતિ પહેલાની માફક જડ તો નહીં થઈ જાય ને ? ફરીથી એ જ યાતના ? એ જ મૂઢતા ?

કાલે ? કાલનો સૂરજ તેના માટે કયો સંદેશ લઈને ઉગશે ?