Doast Mane Maf Karis Ne - Part-21 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne - 21

Featured Books
Categories
Share

Dost Mane Maf Karis Ne - 21

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૨૧

હીમ ઓગળશે ?

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૧. હીમ ઓગળશે ?

“ જિન્દગી યૂં ભી ગૂજર જાતી

કયોં તેરા રાહગુઝર યાદ આયા ? ”

ચાવી દીધા સિવાય ચાલવાનું પૂતળી માટે આસાન થોડું જ હોય છે ? થોડી ક્ષણો એમ જ વીતી. ઈતિ મૂઢની માફક ઉભી હતી.

તારાબેન અંદર કામ કરતા હતા પરંતુ તેમની નજર ઈતિ પર હતી. ઈતિ જાતે કશું કરે એ જોવા તેઓ પણ આતુર હતા. તેથી તે વચ્ચે કશું બોલવા નહોતા માગતા. નછૂટકે જ એમને ઈનવોલ્વ થવાનું હતું. અરૂપ સાથે રહીને આટલા દિવસોથી પોતે જે જોતા આવ્યા હતા તેથી તેમને એટલી સમજણ તો પડી ચૂકી હતી.

શું કરવું તે ન સમજાતા ઈતિ હજુ ત્યાં જ ઉભી હતી ત્યાં પરમ આવ્યો.

‘ આંટી, મને આઈસ્ક્રીમ આપશો ? ’

શું કરે ઈતિ? તેની આંખો હમેશની જેમ અરૂપને શોધી રહી. તારાબેન દૂર ઉભા ઉભા બધું જોઈ રહ્યા હતા. પરંતુ સાહેબનું જોઈ જોઈને તે પણ શીખી ગયા હતા. બેન જાતે શું કરે છે તે જોવાનું વધારે અગત્યનું હતું. તેટલી સમજ તો આ અભણ બાઈને પણ પડી ચૂકી હતી. અને જરૂર પડે તો પોતે છે જ ને ?

ઈતિને અરૂપ કયાંય દેખાયો નહીં. હવે? નાનકડો પરમ એની આંખોના ભાવ થોડો વાંચી શકવાનો હતો ? તેણે તો મૌન ઈતિને હલબલાવી નાખી.

‘ આંટી, ચાલોને મને આઈસ્ક્રીમ આપોને... અને ઈતિનો હાથ ખેંચી તેને ફ્રીઝ પાસે ઢસડી ગયો.

ઈતિથી આપોઆપ ફ્રીઝ ખોલાયું. અરૂપની હમેશની આદત મુજબ ફ્રીઝરમાં આઈસ્ક્રીમ હાજર હતો જ. ઈતિએ બે ચાર ક્ષણ ફ્રીઝમાં જોયા કર્યું. પરંતુ પરમની ધીરજ થોડી રહે ? તેની બૂમાબૂમ ચાલુ. અને ઈતિ ભાનમાં આવી હોય તેમ તેનો હાથ લંબાયો. અને એક કપ પરમને અપાયો. ત્યાં પરિનિ પણ હમેશની માફક ભાઈની પાછળ પાછળ આવી પહોંચી.

‘આંટી, મને ય ખાવો છે.’

પરમને એકલાને જ આઈસ્ક્રીમ મળ્યો અને પોતે રહી ગઈ માની તેણે પોતાની ટેપ ચાલુ કરી.

‘આંટી, પહેલાં મને..’

ઈતિની નજર આજુબાજુ ફરી રહી. અરૂપ કયાં ? પરંતુ કોઈ દેખાયું નહીં.

શું કરવું તેની પૂરી સમજ નહોતી પડતી.પરંતુ ઈતિએ પરિનિને ઉંચકી લીધી. અને ફ્રીઝ ખોલી તેને પણ આઈસ્ક્રીમ આપ્યો. પરિનિ જાતે ખાવા ગઈ. પરંતુ અડધો તેના ફ્રોક પર ઢોળાતો હતો. આઈસ્ક્રીમ ખવાઈ ગયો ત્યાં સુધીમાં તો પરિનિના બધા કપડાં આઈસ્ક્રીમવાળા થઈ ગયા હતા. તેથી તેણે ‘છિ.. છિ.. ગંદુ..’ કહી જાતે જ ફ્રોક કાઢી નાખ્યું. આમ પણ તે બહું ચોખલી હતી.

પરિનિએ કપડાં કાઢી નાખ્યા તે જોઈ પરમ દોડીને તેની બેગમાંથી પરિનિનું બીજું ફ્રોક લઈ આવ્યો અને ઈતિને આપ્યું.

‘ આંટી, લો, આ પરિનિનું ફ્રોક... તેને તો પહેરતાં પણ નથી આવડતું.

ઈતિ હાથમાં ફ્રોક પકડી ઊંભી રહી. ત્યાં બોલકી પરિનિ આગળ આવી અને બંને હાથ ઉંચા કરી હસતી હસતી ઈતિ સામે ઊંભી ગઈ.

‘ આંટી, પહેરાવો..’

ઈતિએ પરિનિના ગળામાં ફ્રોક નાખ્યું. પછી તો પરિનિએ જાતે જ ફ્રોક સરખું કરી લીધું. અને ઈતિનો હાથ ખેંચી તેને બગીચામાં લઈ ગઈ.

ચૂપચાપ ઉભીને બધું નિહાળી રહેલ તારાબેનને હાશ થઈ. બધું સમુનમુ પાર ઉતર્યું તો ખરૂં. થોડીવાર ઈતિને નીરખતાં તે ત્યાં ઉભા રહ્યા. તેમની આંખો ભીની બની. બધું બરાબર છે... એ જોઈ તે પાછા રસોડામાં ગયા.

‘ આંટી, ચાલો, આપણે ગાર્ડનમાં હીંચકા ખાઈએ. મને હીંચકા ખવડાવશોને ?’

ઈતિ બાળકોને દોરતી હતી કે પોતે બાળકોથી દોરાતી હતી તે સમજાય તેમ નહોતું. પરંતુ ઈતિ બંને સાથે હીંચકા પર બેઠી હતી અને હીંચકો ઝૂલી રહ્યો હતો. ઈતિનું ધ્યાન પરમ, પરિનિ તરફ પડયું હતું. અને અહીં હવે બીજું કોઈ કે અરૂપ નથી અને પોતાની જવાબદારી છે તેવો અહેસાસ કદાચ થઈ રહ્યો હતો. થીજેલો બરફ પીગળવાની આ શરૂઆત હતી કે શું ? બાળકોના સ્નેહની ઉષ્માથી ભીતર કશુંક ઓગળતું હતું ?

અચાનક પરિનિને મસ્તી સૂઝી. તે ઈતિને ગલીપચી કરવા લાગી.

‘ આંટી, તમે કેમ બોલતા નથી ? નહીં બોલોને તો હું આમ હેરાન કરીશ.’

ખિલખિલ હસતી પરિનિ ઈતિની પાછળ પડી ગઈ.

‘આંટી, મમ્મી કયારેક અમારી કિટ્ટા કરે ને ત્યારે અમે બંને મમ્મીને આમ જ ગલીપચી કરીએ... પછી મમ્મી હસી પડે અને બુચા કરી લે હોં.’

પરમે બેનની કેફિયત રજૂ કરી.

પરિનિ ઈતિના ખોળામાં ચડી ગઈ. આંટી બોલે નહીં એ કેમ ચાલે ? તેણે જોશમાં આવી ઈતિને ગલીપચી કરવાનું ચાલુ રાખ્યું. તેના નાનકડા હાથ ઈતિના શરીર પર ફરવા લાગ્યા...

અચાનક ઈતિની આંખમાંથી ન જાણે કેમ પાણી છલકવા લાગ્યા. પરમ, પરિનિ તો ગભરાઈ ગયા.પરમે તો બહેનને ખીજાવાનું ચાલુ કરી દીધું.

‘પરિ, આંટીને આમ હેરાન ન કરાય... હું મમ્મીને કહી દઈશ હોં. ચાલ, આંટીના ખોળામાંથી ઉતર નીચે. આંટી સોરી... અમે તમને હેરાન કરીએ છીએ ને ?પ્લીઝ આંટી, રડો નહીં.’

કહી પરમ અંદર દોડી ગયો. અને આંટી માટે પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ્યો. કોઈ રડે ત્યારે પાણી અપાય તેટલી સમજ તેને હતી. તેણે ઈતિને પરાણે પાણી પીવડાવ્યે જ છૂટકો કર્યો.

ઈતિનું ધ્યાન હજુ કયાંય કેન્દ્રિત થતું નહોતું. ત્યાં પરિનિ હીંચકા પરથી ગબડી પડી. તેના પગમાં છોલાયું હતું અને થોડું લોહી નીકળ્યું હતું. લોહી જોઈ પરિનિનો ભેંકડો મોટેથી ચાલુ થયો.

ઈતિ ગભરાઈ ગઈ. આ શું થયું ? એકાદ ક્ષણ તે જોઈ રહી. બીજી ક્ષણે તે પરિનિને ઉંચકીને અંદર દોડી, ચાવી દીધા સિવાય પૂતળીએ પહેલીવાર જાતે અંદર જી પરિનિને સાફ કરી તેણે ડેટોલ લગાવી, બેન્ડએઈડ લગાવી દીધી. અને પરિનિને ખોળામાં લઈ તેને થાબડવા લાગી. હવે પરિનિ તો હસતી હતી. પરંતુ ઈતિની આંખમાંથી મોટામોટા બોર જેવા આંસુઓ ટપકી રહ્યા હતા.

તારાબેન દોડી આવ્યા હતાં. ઈતિ પાસે જતાં હતા ત્યાં જ અરૂપ આવી પહોંચ્યો. સાહેબને જોઈ તે પાછા વળી ગયા.

ઈતિના ખોળામાં પરિનિ સૂતી સૂતી હસતી હતી. અને ઈતિ...

અરૂપ દોડયો. અંકલને આવેલ જોઈ પરિનિએ ઈતિના ખોળામાંથી ઠેકડો માર્યો.

‘અંકલ, આંટી રડતા હતા... પણ મેં હેરાન નથી કર્યા હોં.’

‘ના, બેટા, તું તો બહું ડાહી છે.’ કહેતાં અરૂપે એક હાથે પરિનિને વહાલ કર્યું અને તેનો બીજો હાથ ઈતિના આંસુ લૂછી રહ્યો. આ આંસુ આજે તેને નવી આશાનો સન્દેશ આપતા હતા.. ઈતિના મનના સૂનકારમાં કોઈ ગાબડું... કોઈ તિરાડ પડી હતી તેની ઝાંખી આ આંસુ કરાવી રહ્યા હતા? કયાંક કશું સ્પર્શયું હતું ? બરફ ઓગળ્યો નહોતો પરંતુ તાપમાન ઉંચુ જરૂર ગયું હતું.

આ પોતાનો ભ્રમ કે હકીકત ? ભ્રમ હોય તો પણ કેવો મીઠો... કેવો સુખદ !

અરૂપે ધીમેથી ઈતિના કપાળ પર વહાલભર્યું ચુંબન કર્યું. અને તેને ઉભી કરી. નાનું બાળક વડીલનું કહ્યું માનીને ઉભું થાય તેમ ઈતિ ઉભી થઈ હતી.

બધા અંદર ગયા. અરૂપે બાળકોને ટી.વી. ચાલુ કરી આપ્યું. થોડીવાર બંને કાર્ટુન જોતા રહ્યા. અરૂપ ઈતિ પાસે જીને બેઠો.

‘ ઈતિ, કાલે આપણે પરમ, પરિનિને કયાં ફરવા લઈ જશું ? કાલે શું પ્રોગ્રામ બનાવીશું ? છોકરાઓને મજા આવે તેવી જ કોઈ જગ્યાએ જશુંને ? હા, કાલે ફન ફેર છે એમાં જીશું કે ? કે પછી સરકસ પણ અત્યારે આવ્યું છે. તે જોવા લઈ જશું ? આ બધું નક્કી કરવાનું તારૂં કામ. આપણે તો ડરાઈવર માત્ર...! બોલો મેડમ, કયાં જીશું ? ‘

અરૂપ નાટકીય અન્દાજમાં બોલી રહ્યો.

જોકે એ ઉપાય પણ નિષ્ફળ જ રહ્યો.

થોડીવાર કાર્ટુન જોઈ પરિનિ ઈતિ પાસે દોડી આવી.

‘આંટી, ચાલો, આપણે ફરીથી બહાર ગાર્ડનમાં રમીએ.’

અંકુર, વૈશાલી પિકચર જોઈને આવ્યા ત્યારે ઈતિ,અરૂપ પરમ, પરિનિ સાથે ઘરના ગાર્ડનમાં રમતા હતાં. અને કોઈનું ધ્યાન તેમની પર પડે તેમ લાગ્યું નહીં.

‘ અરે, વાહ... અમને તો કોઈ રમાડતા પણ નથી. ઈતિ, આ બારકસોએ બહું હેરાન તો નથી કર્યાને ?’

‘ અમે કોઈને હેરાન નથી કરતાં. અમે તો અંકલ અને આંટી સાથે રમતા હતાં. ’

મોં ફુલાવી પરમ બોલ્યો. મમ્મી તો બસ આમ જ કહેવાની.

‘ઓહ..મારા દીકરાને ખરાબ લાગી ગયું ? સોરી... મને ખબર છે મારો દીકરો તો બહું ડાહ્યો છે. કોઈને હેરાન ન કરે.’

‘ ને હું પણ ડાહી છું ‘ ભાઈ એકલો ડાહ્યાનું બિરૂદ લઈ જાય તે કેમ ચાલે ?

‘ અરે, તું તો થોડી વધારે જ ડાહી છે.’

એનો અર્થ ન સમજતી પરિનિ ખુશ થઈ ઉઠી.

પરમે ધીમેથી મમ્મીના કાનમાં કહ્યું,

‘ દોઢડાહી... હેં ને મમ્મી ?’

વૈશાલી હસી પડી. અને હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા સમજાવ્યો.

પરમ, પરિનિ સામે જોઈ મલકી રહ્યો.

પરિનિને કશું સમજાયું નહીં. તે પણ ભાઈ સાથે હસી રહી.

અને એ બધાના હાસ્યનો પડઘો બગીચાના વૃક્ષોએ પણ પોતાની ડાળીઓ હલાવીને પાડયો. માળા તરફ પાછા ફરતાં પંખીઓએ કેટલા સમય બાદ કલબલાટ કરી મૂકયો.

અરૂપ હસતાં હસતાં કહે,’ બસ..આટલીવારમાં આવી ગયા ? હજુ તો અમારે કેટલું ય રમવાનું બાકી છે.’

અરૂપ તેમની સાથે વાત કરી રહ્યો. અને ઈતિ તો પરમ, પરિનિ સાથે કયાંય અદ્રશ્ય..

ત્રણેના ખિલખિલાટ હાસ્યનો અવાજ ઘરમાં પડઘાતો હતો.

રાત્રે પરિનિને જમાડવાનો ચાર્જ ઈતિ પાસે હતો. ઈતિને બદલે પરિનિ વાર્તા કહેતી જતી હતી અને ઈતિ હસતી હસતી પરિનિના મોંમાં કોળિયા મૂકતી જતી હતી. ઈતિ સમજતી હતી કે નહીં એની અરૂપને ખબર નહોતી પડી. પરંતુ તેને આમ હસતી જોઈ અરૂપને બત્રીસ કોઠે દીવા પ્રગટયા હતાં.

રાત્રે બધા બરાબર થાકયા હતા. પરંતુ કોઈની આંખોમાં ઉંઘ નહોતી. આનંદથી છલોછલ મનને થાક જલદીથી કેમ દેખાય ? બધાએ જમી લીધું પછી ઈતિ કશું બોલી તો નહીં. પરંતુ પરિનિને જમાડી તેને પોતાની સાથે ઉપર લઈ ગઈ. પરિનિએ બીજા બધા સાથે કીટ્ટા કરી હતી તેથી તે ઈતિ સાથે જ રહી. અહીં તેની બધી જીદ પૂરી થવાની હતી એ તે બરાબર જાણતી હતી. તે પોતાનો નાનકડો થેલો ઉંચકીને ઈતિના રૂમમાં લઈ આવી. તેણે ઈતિના રૂમમાં જ ડેરો જમાવ્યો.

’હું અહીં આંટીના રૂમમાં જ રહીશ..’ તેણે ડીકલેર કરી દીધું.

અને જાણે હમેશા અહીં જ રહેવાની હોય તે ઈતિના રૂમમાં તે પોતાના રમકડાં, બુકસ,કપડાં, માથાની પીનો વિગેરે બધું કાઢીને ત્યાં રહેલ ડ્રેસીંગ ટેબલ પર ગોઠવવા લાગી. બધા તેની હરકત જોઈને હસી રહ્યા.

‘ ઈતિ, મારી દીકરીને તો કોઈ આંગળી આપે તો તે સીધી પહોંચો જ પકડી લે હોં. જો આણે તો તારા રૂમ ઉપર કબજો કરી લીધો. ‘

ઈતિ કશું બોલ્યા સિવાય પરિનિને તેનો સામાન ગોઠવવામાં મદદ કરવામાં પડી હતી. પરિનિ થેલામાંથી બધું કાઢીને તેને બતાવતી જતી હતી અને આપતી જતી હતી. અરૂપ જોઈ રહ્યો હતો. વૈશાલી અને અંકુર કશું બોલવા જતાં હતા. પરંતુ અરૂપે તેને અટકાવ્યા હતા. તેને માટે તો આ બધું એક આશીર્વાદ જેવું હતું. ઈતિ જે કરે તેમાં કોઈ ખલેલ પાડવા તે નહોતો ઈચ્છતો.

બધો સામાન ગોઠવાઈ જતાં પરિનિએ વિજયીની અદાથી પરમ સામે જોયું. પરંતુ પરમનું ધ્યાન અત્યારે ટી.વી.માં હતું.

હવે પરિનિએ તેની ડ્રોઈંગબુક કાઢી. તેમાંથી ઈતિને બધું બતાવ્યું. અને ક્રેયોનના કલર કાઢી એક કલર ઈતિના હાથમાં પકડાવ્યો. ઈતિ અને પરિનિ થોડીવાર ડ્રોંઈંગબુકમાં કલર પૂરતા રહ્યા.

અંકુર, વૈશાલી અને અરૂપ વાતોમાં ગૂંથાયા હતા. ઈતિ અને પરિનિનું કલર પૂરવાનું કામ થોડીવાર ચાલ્યું. પણ પરિનિ એક જ કામ વધારે સમય કરી શકે તેમ કયાં હતી ? હવે તેનું ધ્યાન ત્યાં શો કેઈસ પર પડેલી દુલ્હન ઢીંગલી પર ગયું. કલર પડતાં મૂકી ઉંચી થઈ તે તેની સામે જોઈ રહી. આંટીને પૂછયા સિવાય કેમ લેવાય ? જોકે આ આંટી તેને ના નથી પાડવાના... તેની તેને સમજ પડી ગઈ હતી.

’આંટી, હું આ લઉં ? ‘

કલર પૂરતી ઈતિ પરિનિ સામે જોઈ રહી. અને આંટીએ ના નથી પાડી... એટલે લેવાય જ ને ? પરિનિએ ઢીંગલી હાથમાં લીધી.

ઈતિનું ધ્યાન ખેંચવા તેણે હવે ઈતિના હાથમાંથી કલર લઈ એક તરફ મૂકી દીધા. અને ઈતિને ઢીંગલી બતાવવા લાગી. ઢીંગલીની સાડીનો છેડો થોડો ખસી ગયો હતો..

’ આંટી, આ સરખો કરી આપોને. ‘

તેણે ઢીંગલી ઈતિના હાથમાં મૂકી. ઈતિ એકીટશે ઢીંગલીને નીરખી રહી. અનિકેતે અરૂપને આપેલી અને અરૂપે તેના જન્મદિવસે ફરીથી આપેલી એ ઢીંગલી આજે પહેલીવાર ઈતિએ હાથમાં પકડી, ધારી ધારીને જોઈ. આંખોમાં એક ચમક ઉભરી. તેની અંદર આ કયો સળવળાટ... આ કઈ હલચલ મચી રહી? આ કયા દ્રશ્યો નજર સમક્ષ ઉઘડું ઉઘડું થઈ રહ્યા? કશુંક પ્રગટતું હતું અને ફરી પાછું કયાં અદ્રશ્ય થઈ જતું હતું? જાણે ઈતિ સામે કોઈ સંતાકૂકડી રમી રહ્યું હતું. કોઈ અનુસન્ધાન રચાવા મથતું હતું. ઈતિએ આંખો જોશથી બંધ કરી. બંધ આંખે તે કશુંક જોવા મથી રહી.હળવે હળવે તેનો હાથ ઢીંગલી પર ફરી રહ્યો.અંદર કોઈ તાર રણઝણી ઉઠયા. પણ એ રણકારનો મર્મ... ?

‘આંટી, આ સરખું કરી આપોને. ઢીંગલીની સાડીનો છેડો બતાવતાં પરિનિ બોલી ઉઠી. અને તેણે ઈતિને હલબલાવી મૂકી. આંટી આમ બેઠા બેઠા સૂઈ જાય તે કેમ ચાલે ?

ઈતિ ઝબકી ગઈ. તેની આંખો ખૂલી ગઈ. તે ઘડીકમાં ઢીંગલી સામે તો ઘડીમાં પરિનિ સામે જોતી રહી. પોતાને શું થતું હતું એ સમજાતું નહોતું. એક અસ્વસ્થતા કેમ અનુભવાતી હતી ? આવું કશું ઈતિ વિચારતી હતી કે કેમ ? ઈતિને મૌન જોઈ પરિનિએ ફરી એકવાર તેને હલબલાવી નાખી...

’ આંટી..’

ઈતિ ભાનમાં આવી. તે પરિનિ સામે જોઈ રહી હતી કે પછી નજર સમક્ષ...

પરિનિએ ઈતિના હાથમાં સાડીનો છેડો પકડાવ્યો.

‘આંટી, આ નીકળી ગયો છે. સરખો કરી આપોને. પ્લીઝ...

ઈતિ હાથમાં છેડો પકડી જોઈ રહી.

‘ આંટી, મને ઢીંગલીનું ગીત આવડે છે. ગાઉં ? ‘

અને પરિનિને જવાબની તો જરૂર જ કયાં પડતી હતી ? એણે તો તુરત શરૂ કરી દીધું.

“ ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી,

બોલ, બા, બોલ, એને કેમ બોલાવું ? કેમ બોલાવું ? ”

આંટી, મારી ઢીંગલી પણ તમારા જેવી જ છે. સાવ મૂંગી. જલદી બોલે જ નહીં ને.

કહીને પરિનિ તો પોતાની ધૂનમાં જ આગળ ગાતી રહી. ઈતિ તો ન જાણે કયાં ખોવાયેલી રહી.

પરમે હવે ટી.વી. બંધ કર્યું અને ત્યાં આવ્યો અને આંટીના હાથમાં ઢીંગલી જોઈ મોટેથી હસવા લાગ્યો

’આવડા મોટા આંટી ઢીંગલીથી રમે છે ?

’ મમ્મી, અંકલ, જુઓ તો આંટી કેનાથી રમે છે ? ‘

અંકુર, વૈશાલી સાથે વાતોમાં ગૂંથાયેલ અરૂપનું ધ્યાન ઈતિ પર પડયું. અરૂપે ઈતિના હાથમાં ઢીંગલી જોઈ.

ઈતિની અસ્વસ્થતા તેનાથી કેમ છૂપી રહે ?

‘અરે, એ તો મારા પરમ મિત્ર અનિકેતની યાદગીરી છે નહીં ઈતિ ? કેવી સરસ છે... મારી ઈતિ જેવી જ. ‘

અરૂપ આગળ કશું બોલે તે પહેલાં પરિનિએ ઈતિના હાથમાંથી ઢીંગલી લઈ લીધી હતી.

બધા પોતાને મૂકીને ઢીંગલીને મહત્વ આપે તે કેમ ચાલે ? ’

વિહવળ બની ઉઠેલ ઈતિ ઢીંગલી સામે, પરિનિ સામે અને અરૂપ સામે વારાફરથી જોઈ રહી. અરૂપે સાચવીને ઢીંગલી ફરીથી જગ્યાએ મૂકી.

ઈતિ કયાંક ખોવાઈ ગઈ હતી કે શું ? અતીતની કોઈ ઝાંખી તેના મનમાં ઉઘડી કે શું ? અરૂપ તેની સામે જોઈ રહ્યો. આશાની કિનાર વધુ ઉજળી થતી લાગી.

ત્યાં પરિનિએ ઈતિને હચમચાવી નાખી.

‘ આંટી, મને આ સ્ટોરીબુકમાંથી વાર્તા કરો. ’

પોતાની અને આંટીની વચ્ચે કોઈની દખલગીરી તેને ગમી નહીં. તેણે ઈતિના હાથમાં વાર્તાની નાનકડી ચોપડી પકડાવી.

ઈતિ ભાનમાં આવી. પરિનિએ રંગીન ચિત્ર દોરેલી એ ચોપડીમાંથી સિંડરેલાની વાર્તા કાઢી ઈતિને આપી.અને પોતે હક્કથી ઈતિના ખોળામાં લંબાવી દીધું. ઈતિ ચોપડીના પાના ફેરવતી રહી. પોતે હવે આનું શું કરવાનું છે ? તેની નજર અક્ષરો પર ફરતી રહી. હોઠ ફફડયા પણ ખરા... પરંતુ શબ્દોએ સાથ ન આપ્યો. તે મૂંઝાઈ રહી. આ શું થાય છે પોતાને ?

અરૂપે ઈતિના હાથમાં ચોપડીના પાના ફરતા જોયા. તેણે ઈતિના હાથમાંથી ધીમેથી ચોપડી લીધી.

‘ ચાલો, આજે હું જ આમાંથી સ્ટોરી કરૂં. પરમ પણ બાજુમાં આવીને ગોઠવાઈ ગયો. અરૂપે વાર્તા શરૂ કરી. વૈશાલી અને અંકુર પણ આવીને આ વાર્તા શેશનમાં ગોઠવાઈ ગયા. પહેલાના જમાનામાં ઘરની વડીલ વ્યક્તિ રામાયણ કે ગીતાજી વાંચે અને બધા સભ્યો આસપાસ ગોઠ્‌વાઈ જાય તેમ બધા અરૂપ આસપાસ ગોઠવાઈ રહ્યા. અને અરૂપ સીંડરેલાની વાર્તા વાંચતો રહ્યો. પરમ, પરિનિ ખુશખુશાલ. પરિનિ તો ઈતિના ખોળામાં માથું રાખીને સૂતા સૂતા જ સાંભળતી હતી.

વાર્તા સાંભળતાં સાંભળતા જ પરિનિ કયારે ઉંઘી ગઈ તે ખબર પડી નહીં. ઈતિનો હાથ પરિનિના માથાપર ફરી રહ્યો હતો

વાર્તા પૂરી થઈ ત્યારે પરમની આંખોમાં પણ ઉંઘના વાદળો ઘેરાયા હતા.

‘ઈતિ, પરિનિને પણ મારી સાથે લઈ જાઉં. ? ‘

પરમને ઉભો કરતાં વૈશાલીએ પૂછયું. જોકે ઈતિના જવાબની જાણ તેને હતી જ. ઈતિનું માથુ નકારમાં જોશથી હલ્યું.

તે રાત્રે ઈતિ અને અરૂપ વચ્ચે માસૂમ પરિનિ બંનેને વીંટળાઈને સૂતી રહી.ઈતિના હાથ પરિનિને વીંટળાયા હતા કે પરિનિના હાથ ઈતિને વીંટળાયા હતા એ સમજવું આસાન નહોતું. પરિનિને સરખી સૂવડાવવા જતાં તે ફરીથી જાગી ગઈ હતી અને ફરી એકવાર તેનો કિલકિલાટ ચાલ્યો. ઈતિ અને અરૂપ બંને તેમાં ખોવાતા રહ્યા. અંતે માસૂમ પરિનિ ઈતિને વળગી ઉંઘી ગઈ.

ઈતિની આંખ પણ મીંચાઈ. અરૂપની આંખો અને મન બંને ઝોલે ચડયા હતા. ઈતિનું આ કયું વણદીઠુ સ્વરૂપ તેની સામે ઉજાગર થતું હતું. ?

બહાર બગીચામાંથી પર્ણના ખરવાનો અવાજ આજે બિહામણો નહોતો લાગતો. રાત આજે નાનકડા સફેદ ફૂલડાઓથી ઝગમગતી હતી.

કેલેન્ડરમાં વળી તારીખનું એક પાનું ફાટયું હતું. લગ્નને બીજે દિવસે સવારે શયનખંડમાંથી બહાર નીકળતી, શરમાતી, લજ્જાતી દુલ્હનની અદભૂત લાલિમા પૂર્વાકાશે છવાયેલી હતી. વાદળોને વીન્ધીને ઉષારાણી પોતાના દામનમાં ફરી એકવાર ખુશી, ગમ, આશા, નિરાશા, વેદના, વલોપાત, નિર્ભેળ આનંદ... ન જાણે કેટલુંયે ભરીને આવી પહોંચી હતી. કોને ભાગે આજે શું આવશે ?

વાતાવરણમાં કશુંક ઉઘડું ઉઘડું થતું હતું. ઈતિની આંખો બંધ હતી. તેના ચહેરા પર સવારના સૂર્યના કોમળ કિરણો પોતાનો સ્નેહ વરસાવી રહ્યા હતા. ઈતિના હાથ પરિનિની આસપાસ વીંટળાયેલ હતા. પરિનિ ઈતિને વળગીને તેના પેટ પર પોતાના નાનકડા પગ ચડાવીને આરામથી સૂતી હતી. અરૂપની આંખ ખૂલી ગઈ હતી. તે ઈતિની સામે એકીટશે સ્નેહભરી નજરે નીરખી રહ્યો હતો. આ પળે ઈતિના ચહેરા પર કોઈ તણાવ નહોતો દેખાતો. દેખાતી હતી નિરવિધ પ્રસન્નતાની એક ઝલક. જાણે સઘળું ઝળાહળા... અરૂપ જોઈ જ રહ્યો. પરિનિને વીંટળાઈને સૂતેલ ઈતિ કેવી અદભૂત લાગતી હતી. અરૂપની અંદર કશુંક ઓગળતું હતું. કે કશુંક ઉઘડતું હતું ?

તેનાથી રહેવાયું નહીં. ઈતિની ઉંઘમાં ખલેલ ન પડે તેમ ધીમેથી તેનો હાથ ઈતિના વાળમાં ફરી રહ્યો. ઈતિ આ પળે જાણે નાનકડી બાલિકા હતી. અને પોતે..? પોતે કદાચ અરૂપ મટીને અનિકેતના પાત્રમાં આવી ગયો હતો કે શું ? ઈતિને એક હળવું ચુંબન કરવાની તીવ્ર ઈચ્છાને તેણે પરાણે દબાવી રાખી. ના, ના, ઈતિને કોઈ ખલેલ ન પહોંચવી જોઈએ. આ ક્ષણે અરૂપ અનિકેતમાં ઓગળી ગયો હતો. હવે અંદર કોઈ ઈર્ષ્યા નહોતી. કોઈ હરિફાઈ નહોતી. આજે, આ ક્ષણે કદાચ તે અનિકેતને પૂર્ણ રીતે સમજી શકયો હતો. તેને પામી શકયો હતો. અનિકેત પણ હવે પારકો નહોતો લાગતો. તે અને અનિ અલગ કયાં રહ્યા હતા ? ઈતિના માધ્યમ વડે બંને એકાકાર બની ચૂકયા હતા.

અરૂપ ન જાણે કયાં સુધી એમ જ ઈતિને નીરખતો તેની પાસે બેસી રહ્યો... બસ... આમ જ યુગો ભલે પસાર થઈ જાય તે જિંદગી આખી આ રીતે... આ મનોહર દ્રશ્ય તે નીરખતો રહેશે. હમેશા તર્કથી વિચારનાર અરૂપ આજે ભાવનાઓના પૂરમાં તણાતો હતો. કાળદેવતાને પણ આજે પહેલીવાર જાણે અરૂપ પર વહાલ ઉભરાઈ આવ્યું હોય તેમ તેમની ગતિ સાવ ધીમી થઈ ગઈ હતી કે શું ? પ્રેમનો અર્થ પામેલ એક નવા જ અરૂપનો જન્મ આ પળે થયો હતો.

અચાનક પરિનિની આંખ ખૂલી. ઉઠતાની સાથે જ તેણે ઈતિ સામે જોયું. ઈતિ ઉંઘતી હતી. પરિનિએ હવે પોતાની તોફાની નજર અરૂપ તરફ ફેરવી. અરૂપનો હાથ ઈતિના વાળમાં ફરી રહ્યો હતો. અને તે એકીટશે જાણે ત્રાટક કરતો હોય તેમ ઈતિને તાકી રહ્યો હતો. ચંચળ પરિનિ ખડખડાટ હસી પડી. અરૂપ અંકલ સામે તેણે શરારતી નજરે જોઈ આંખ મીંચકારી. અરૂપ તેના નખરા જોઈ ખુશખુશાલ. પરિનિએ હવે ઈતિ સામે જોયું. અને મસ્તીમાં આવી ઉંઘતી ઈતિને ગલીપચી ચાલુ કરી. અને પોતે મૉટેથી ખિલખિલાટ હસી રહી. ઈતિની આંખો ખૂલી. બે પાંચ ક્ષણ તે જાણે પરિસ્થિતિને સમજવા મથી રહી. પોતાની ઉપર ઝળૂંબી રહેલ મસ્તીખોર પરિનિને તેણે જોઈ અને જાણે સમજ પડી હોય તેમ તેને પોતાની ઉપર ખેંચી. અને તેને ગલીપચી કરવા લાગી. બંને મસ્તીએ ચડયા. હાથમાં ઓશીકા ઉપાડી સામસામે ફેંકાવા લાગ્યા. પરિનિના ખડખડાટ હાસ્યના પૂરમાં ઈતિ તણાઈ રહી. બંનેની બાથંબાથ ચાલી. અરૂપ તો જોઈ જ રહ્યો. ઈતિને આટલી નિર્બન્ધ હસતી કદાચ પહેલીવાર તેણે જોઈ હતી. આ મુક્ત હાસ્યની તોલે કોઈ સુખ આવી શકે ખરૂં ?

અરૂપની આંખો અનરાધાર વરસી રહી. આ સુખ તેનાથી જીરવાયું નહીં. તે બાલ્કનીમાં ચાલ્યો ગયો. પોતે આને લાયક હતો ખરો ? બસ... તેની ઈતિ આમ જ હસતી રહે... તેની દ્રષ્ટિ દૂર આકાશ તરફ પડી. હાથ આપોઆપ જોડાયા. આસમાનમાં બાલરવિ ધીમેધીમે વિકસી રહ્યો હતો. પોતાના કૂમળા કિરણોની હૂંફ તે વિશ્વને અર્પી રહ્યો.

આંખો લૂછી અરૂપ અંદર આવ્યો. આવીને ઈતિ પાસે પલંગ પર બેઠો.

ઈતિને તો આજે આસપાસનું કોઈ ભાન નહોતું. તે પરિનિમાં ખોવાઈ ગઈ હતી. ત્યાં ઉંઘમાંથી ઉઠેલ પરમ આવ્યો. ઈતિ અને પરિનિને મસ્તી કરતા જોઈ તે બાકી કેમ રહે ? તેણે પણ હાથમાં ઓશીકુ લીધું.

‘આંટી, હવે મારો વારો... એ ય પરિ, હવે તું આઘી ખસ... આંટી, એ બહું જબરી છે. મારો કયાંય વારો જ નથી આવવા દેતી. આંટી, આખી રાત તો એ તમારી પાસે જ હતી. હવે મારો વારો. આ પરિનિ મને રોજ હેરાન કરે છે.’

’ ના, હોં... આંટી આ પરમનો જ વાંક છે. એ મને રોજ હેરાન કરે છે. મને તો પપ્પા રોજ મારી “ડાહી દીકરી” એમ જ કહે છે. ને આંટી, તમને ખબર છે? મમ્મીએ મારા ત્રણ પેટ નેઈમ પાડયા છે. જુઓ, હું સૂતી હોઉં ને ત્યારે મમ્મીને બહું ગમું. ત્યારે મમ્મી મને “મીઠી” કહે છે. પછી હું દોડતી હોઉં ને ત્યારે મમ્મી મને “ફુદકડી” કહે છે. અને પરમ સાથે મસ્તી કરતી હોઉં ને ત્યારે મને “જબરી” કહે છે. પરિનિએ હાસ્યથી છલકતા અવાજે વિગત જણાવી.મારા થ્રી પેટ નેઈમ થયાને ? મીઠી, ફુદકડી અને જબરી. પોતાની નાની આંગળીઓથી નામ ગણાવતી પરિનિને ઈતિ વહાલ કરી રહી.

‘ આંટી, ખાલી જબરી નહીં... “જબરી જલેબી...” પરમે સુધાર્યું.

‘ ના, આંટી, મમ્મી એવું નથી કહેતી. એવું તો ખાલી આ પરમ જ કહે છે. એ લુચ્ચો છે.’

હવે પરમની લિમિટ આવી ગઈ હતી. હાથમાંના ઓશીકાનો ઘા કરી તે પરિનિને મારવા દોડયો. અને પરિનિ દોડીને ઈતિની ચાદર પાછળ સંતાઈને પરમ સામે જીભડો કાઢી રહી.

ઈતિએ આંખો ચોળી... આજે આ બધું શું થઈ રહ્યું હતું તેની સામે ?

બે ચોટલા ઝૂલાવતી નાનકડી ઈતિ, આંટીની પાછળ કોઈને ઠેંગો બતાવતી, જીભડો કાઢતી ઉભી હતી. અને...

આવી જ ફરિયાદ વરસો પહેલાં કોઈ...

અંદર એક ક્ષણમાં આખો યુગ તાદ્રશ થઈ આવ્યો કે શું ?

ઈતિએ જોશથી આંખ ખોલ બંધ કરી. તે ભાનમાં હતી કે કોઈ સપનું જોઈ રહી હતી ? આ કોણ તેને દેખાતું હતું ? કોઈ ભ્રમ થતો હતો કે શું ? જાણે કોઈ આવીને ‘ હાઉકલી’ કરીને દોડી જતું હતું. દેખાવા છતાં નહોતું દેખાતું. ઓળખાવા છતાં નહોતું ઓળખાતું.

ઈતિને એકીટશે નીરખી રહેલ અરૂપની આંખો છલકી ઉઠી હતી. ઈતિની અસ્વસ્થતામાં તેને ઈશ્વરના આશીર્વાદ... ઈશ્વરની અસીમ કૃપા દેખાતી હતી. શું ખરેખર ઈશ્વરે તેને માફ કર્યો હતો ? તેના પાપનું પ્રાયશ્વિત તે કરી શકયો હતો ? અનિકેતે તેને માફી આપી હતી ? તેની ઈતિ ખરેખર...

અરૂપની આંખોમાં પૂર આવ્યું હતું.

ઈતિનું ધ્યાન અચાનક અરૂપ તરફ ગયું. આંખમાંથી વહેતા એ નીરમાં અરૂપ જાણે ઓગળી રહ્યો હતો. ઈતિ એકાદ ક્ષણ તેની સામે જોઈ રહી. ન જાણે કેમ પણ આપોઆપ તેણે અરૂપનો હાથ ધીમેથી પકડયો. હવે જ અરૂપને ખ્યાલ આવ્યો કે ઈતિ તેને જોઈ ગઈ છે. તેણે ચહેરો પાછળ ફેરવીને જલદી જલદી આંસુ લૂછી નાખ્યા. અને મંદ હસીને ઈતિ સામે નજર ફેરવી. ઈતિએ અરૂપનો હાથ દબાવ્યો. તેના ચહેરા પર આજે સાચી પ્રસન્નતાની એક ઝલક પથરાઈ હતી. અચાનક અરૂપ નાના શિશુની માફક તેને વળગી પડયો. ઈતિનો હાથ અભાનપણે અરૂપના વાંસામાં ફરી રહ્યો.

સમય થોડી ક્ષણો થંભી ગયો. ઘણાં સમય પછી કોઈ અનુપમ દ્રશ્યના સાક્ષી બનવાનું સદભાગ્ય તેને મળ્યું હતું.

પરમ, પરિનિ એકબીજા સાથે ઝગડવામાં વ્યસ્ત હતા. ત્યાં વૈશાલી તેને લેવા ઉપર આવી પહોંચી.

‘પરમ, પરિનિ, હવે નીચે ચાલો... દૂધ પીવાનું છે કે નહીં? આંટીને હેરાન નથી કરતાંને? ઈતિ, આ પરિનિ બહું ચંચળ, મસ્તીખોર છે તેને...’

પણ તેનું વાકય અધુરૂ જ રહી ગયું. અરૂપ અને ઈતિ પર નજર પડતાં તે સ્તબ્ધ બની એકાદ ક્ષણ ઊંભી રહી. તેની આંખો ભીની બની. ત્યાં અંકુર આવી ચડયો. તે કશુંક બોલવા જતો હતો. વૈશાલીએ ધીમેથી નાક પર આંગળી મૂકી તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો અને આ દિવ્યભાવ સમાધિમાં ખલેલ ન પહોંચે તેમ હળવેથી તે બાળકોને અને પતિને લઈ ચૂપચાપ ત્યાંથી સરી ગઈ.

યુગો વીતી ગયા કે કલાકો... તે સમજાય તેમ નહોતું. સમયની ગતિનો આધાર ઘડિયાળ પર જ થોડો હોય છે ?