Doast Mane Maf Karis Ne - Part-19 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne - 19

Featured Books
Categories
Share

Dost Mane Maf Karis Ne - 19

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૯

સરતો સમય...

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૯. સરતો સમય...

કેલેન્ડરનું પાનું ફાટે, કેટલું લઈ સંગાથે ?

કેલેન્ડરના પાનાઓ એક પછી એક ફાટતા રહ્યાં. સમયને રોકી કે માપી શકાતો નથી. એ નિરાકાર છે. ચિરંતન છે, એને એક બિંદુથી શરૂ કરી અમુક બિંદુ આગળ પૂરો કરી શકાતો નથી. એ બધાને સ્પર્શે છે. પરંતુ એને કોઈ સ્પર્શી શકતું નથી. એ તો જાણે હમેશનો જલકમલવત... સતત વહેતો રહે છે. પરંતુ એનું વહેણ તો બિલકુલ અપરિચિત. એ કયારે કઈ દિશામાં વળશે, કોને સહારો આપશે કે કોને પોતાની અડફેટમાં લેશે એનો પાર કયાં પામી શકાય છે ?તે એક ક્ષણમાં કોઈને ઉગારી દે તો એક ક્ષણમાં કોઈને ડૂબાડી દે... સમયની વામન ક્ષણમાં વિરાટ શકયતાઓ રહેલી છે એનો ઈન્કાર કોણ કરી શકે?

સમયના દામનમાંથી ક્ષણો સતત સરતી રહે છે. દરેક ક્ષણ પોતાના પાલવમાં કશુંક સાથે લેતી જાય છે. અને કશુંક આપતી પણ જાય છે. આપવા લેવાનો આ વહેવાર નિરંતર ચાલતો રહે છે. કયારેક ખુશી લઈને ગમ આપતી જાય છે. તો કયારેક ગમ લઈને અઢળક ખુશીની લહાણી કોઈને કરતી જાય છે.

ફરીથી એક રાત પૂરી થવા આવી હતી. રાતથી ગોરંભાયેલા વાદળો આજે સહસ્ત્રધારે છલકી રહ્યાં હતાં. ભીની માટીની મહેકથી વાતાવરણ તરબતર થઈ ઉઠયું હતું. પહેલાના દિવસો હોત તો ઈતિ દોડીને બહાર ભીંજાવા નીકળી જ ચૂકી હોત. અને... અને પોતે તેને અટકાવી પણ હોત...!

ભીંજાવાથી હમેશા દૂર ભાગતો અરૂપ આજે વરસાદ જોઈને આનંદમાં આવી ગયો હતો. તેણે જલદી જલદી ઈતિને ઉઠાડી.

‘ ઈતિ, જો તો ખરી..બહાર કેવો સરસ વરસાદ ચાલુ થયો. હવે ઉકળાટ શમી જશે. ઈતિ ચાલ, આજે આપણે સાથે ભીંજાઈએ. ‘

ઈતિ કશું સમજે તે પહેલાં તેનો હાથ ખેંચતો અરૂપ બહાર બગીચામાં આવ્યો. વરસાદને કેમ મણાય તે પોતાને કયાં આવડતું હતું ? લોન પર એકાદ આંટો મારી તે ઈતિ સાથે હીંચકા પર બેઠો. હીંચકાની ઘૂઘરીઓ રણકી રહી. હીંચકા ઉપરના છાપરાને વળગીને રહેલ વેલમોગરાની મીઠી મહેક માટીની સુગંધ સાથે જાણે હરિફાઈ કરી રહી હતી. ઘણાં સમયથી ગોરંભાયેલ વાદળો આજે કોઈ દિલચોરી કર્યા સિવાય... મુકતમને વરસી પડયા હતા.

ત્યાં અચાનક પેલું સસલુ આવી ચડયું. વરસાદથી બચવા કે પછી ઈતિને મળવા તે હીંચકા પાસે આવી ઈતિની બાજુમાં નીચે લપાઈ ગયું. હમણાં તેની આ સખી તેને ખોળામાં લઈ વહાલ કરશે. એવા માનની અપેક્ષાએ તે ઈતિ સામે જોતું રહ્યું કે શું ? ઈતિએ આજે તેને ખોળામાં કેમ ન લીધું ? આવી ઉપેક્ષા ? તે રિસાઈને ભાગી જવા જતું હતું. ત્યાં અરૂપે તેને ઉંચકીને ધીમેથી ઈતિના ખોળામાં મૂકી દીધું.

’ ઈતિ, તારૂં આ મિત્ર મને તો ઓળખે નહીં તેથી મારો વિશ્વાસ નહીં કરે... તું તારા આ બધા મિત્રો સાથે મારી ઓળખાણ કરાવીશને ? હવે તારો અરૂપ પણ આ બધાનો દોસ્ત બનશે. ઈતિ, હું કોઈનો વિશ્વાસ કયારેય તોડીશ નહીં... કયારેય નહીં... ઈતિ સાંભળતી કે સમજતી નહોતી પરંતુ ભાવાવેશમાં આવી અરૂપ સતત બોલતો રહ્યો. ઈતિનો હાથ આદતવશ સસલા ઉપર ફરતો રહ્યો.

ઈતિ, જો પેલી ખિસકોલી... અને અરે, આ તો મોર પણ આવી પહોંચ્યો ને ? અને ઈતિ, આ કાળુ પક્ષી દેખાય છે તે કાબર છે કે કોયલ ? મને તો એવી કોઈ ગતાગમ કયાં પડે છે ? મારી સાથે બધાનો પરિચય કરાવીશને ? ‘

હવે આકાશે વરસવાનું બંધ કર્યું હતું અને વૃક્ષો વરસી રહ્યા હતાં. પોતે તો આ બધાથી હમેશા વંચિત જ રહ્યો હતો. પોતાના જ ઘરમાં છવાયેલ પ્રકૃતિના આ અદભૂત નજારાને કદી જોવા કે માણવા નહોતો પામ્યો. અરે, તે તો ઈતિને પણ મૂરખ ગણતો. ખરો મૂરખ તો પોતે હતો. એની જાણ આજે થઈ હતી. ઈતિની આંખો ચારે તરફ ફરતી હતી. એ આંખો શું જોતી હતી એ તો કોણ કહી શકે ?

આકાશમાં મેઘધનુષી રંગો ખીલી ઉઠયા હતા. અરૂપ પણ આ સૌન્દર્યથી આજે પહેલીવાર અભિભૂત થયો હતો. કાશ ! આ મેઘધનુષી રંગો ઈતિના અંતરમાં પણ ફરી એકવાર પ્રગટી ઉઠે. અરૂપના અંતરમાંથી કોઈ શબ્દો વિના પ્રાર્થના સરી રહી. તેનું હૈયુ કોઈ અગોચર તત્વને પરમ શ્રધ્ધાથી નમી રહ્યું.

આજે ભલે પોતાની અને ઈતિ વચ્ચે એક અંતર પડી ગયું છે. એ અંતર પાર થઈ શકશે કે કેમ એ અરૂપને જાણ નથી. પરંતુ તેણે શ્રધ્ધા ગુમાવી નથી. હારવું તેને પોસાય તેમ નથી. તેને માટે હવે આ એક સાધના બની ગઈ છે. પરિણામ કયારે આવશે ? આવશે કે કેમ ? એની પણ જાણ નથી. કોઈ બીજે અંકુરિત થવા માટે પહેલાં માટીમાં ધરબાવું પડતું હોય છે. અરૂપ પોતાનું અસ્તિત્વ મિટાવીને પણ ઈતિને ફરીથી અંકુરિત કરવા, નવપલ્લવિત કરવાં મથી રહ્યો હતો.

ભીનો ભીનો અરૂપ ઈતિને લઈ અંદર આવ્યો ત્યારે તેની શ્રદ્ધા દ્વવિગુણિત થઈ હતી. અને તેનો પડઘો હવે કયારેક ઈતિના કોઈ વર્ત નમાં પડી રહ્યો હતો.

કયારેક એકાદ ક્ષણિક ચમકારો દેખાતો હતો. કયારેક માથુ હલાવીને જવાબ પણ મળી શકતો હતો. એટલો સુધારો અવશ્ય આવ્યો હતો. અરૂપના સતત પ્રયત્નો, મહેનતનું એટલું પરિણામ જરૂર આવ્યું હતું. પરંતુ એ સુધારાએ અરૂપની શ્રધ્ધા વધુ મજબૂત બનાવી હતી. ઈતિ પોતાના તરફથી કશું બોલતી નહીં. કશું પૂછતી નહીં. હસવું રડવું, ગુસ્સો, એવી કોઈ અનુભૂતિ જાગી શકી નહોતી. અરૂપના જાતજાતના અખતરાઓ, પ્રયત્નો અવિરત ચાલુ હતા. ખાસ કોઈ પરિણામ ભલે મળ્યું નહોતું. પરંતુ અરૂપ હિંમત નહોતો હાર્યો. કે થાકયો નહોતો. તેણે શ્રધ્ધા ગુમાવી નહોતી. તેની જીવનનું એક માત્ર લક્ષ્ય “ઈતિ” અને ફકત ઈતિ...

ય હ્વહીશ્ દૃકૈ ટકી જ્; કજ્િ કયાંક વાંચેલ આ વાકય અરૂપના મનમાં હમણાં રોજ પડઘાઈ રહેતું. સારા દિવસો ચાલ્યા જાય છે તો માઠા દિવસો પણ જવાના જ ને ? આ દિવસો પણ કયારેક તો જશે... એ શ્રધ્ધા તે ખોવા નહોતો માગતો.

તારાબહેન મંગળવાર ગણ્‌યા કરતાં. અવારનવાર માતાજી પાસે જી આવતા. કયારેક કોઈ તાવીજ... કોઈ માદળિયુ લેતા આવતા. અને ઈતિના ઓશીકા નીચે મૂકી દેતા. આવા બધામાં બિલકુલ ન માનતો અરૂપ હવે કોઈ વાંધો ઉઠાવતો નહીં. તે ડોકટરોને મળતો રહેતો. તેની સૂચના મુજબ કરતો રહેતો. ઈતિની એક એક ક્ષણનો તે સાચા અર્થમાં સાથીદાર બની ગયો હતો. કાશ ! ઈતિ તેના આ બદલાયેલ અરૂપને જોઈ શકે... ઓળખી શકે.

ઈતિને ગમતું બધું કરવા તે સતત મથી રહેતો. અનિકેતને પાછો લાવી શકાય તેમ હોત તો આજે તે ખુશી ખુશી ઈતિને અનિકેતના હાથમાં સોંપી દે.. પરંતુ હવે એ યે કયાં શકય રહ્યું હતું ? કયારેય અનિકેતની વાત સુધ્ધાં ન ઉચ્ચારવા દેતો અરૂપ આખો દિવસ ઈતિ પાસે અનિકેતની વાતો કર્યા કરતો. આ રસ્તે જ ઈતિને પામી શકાશે એવું તેના મનમાં ઉગ્યું હતું. શ્રધ્ધાના એ સથવારે અરૂપ ડગ્યા સિવાય ઝઝૂમી રહ્યો હતો.

ઈતિના મમ્મી એક મહિનો રોકાયા હતા. પછી ઈતિના પપ્પાની તબિયત સારી ન હોવાથી તેમને જવું પડયું હતું. તેમણે પણ પોતાની રીતે ઈતિને સમજાવવાની મહેનત કરી હતી. પણ જોઈએ તેવું પરિણામ આવી નહોતું શકયું તેનો રંજ લઈને તેઓ ગયા હતા.નીતાબહેન જતી વખતે અરૂપ પાસે રડી પડયા હતા.

’બેટા, હું મા થઈને હારી ગઈ. પણ તું હિમત હાર્યો નથી. અને એનું મને ગૌરવ છે. મારા આશીર્વાદ છે એક દિવસ તારી મહેનત જરૂર ફળશે. મારી ઈતિ નશીબદાર છે. તારા જેવો પતિ પામી શકી છે. બીજું કોઈ હોય તો..?‘

નીતાબહેન વાકય પૂરૂં ન કરી શકયા અને અરૂપની આંખો છલકાઈ આવી. શું બોલે તે ? શું જવાબ આપે ?

ધીમેથી તે એટલું જ બોલી શકયો,

‘ બસ, મમ્મી, આશીર્વાદ આપો... ઈતિ નોર્મલ થઈ જાય. એથી વિશેષ ખુશી મારે કઈ હોઈ શકે ? ‘

કહેતા અરૂપનો અવાજ રૂંધાયો હતો.

ઈતિને ગળે લગાડતા નીતાબહેનના ડૂસકા શમતા નહોતાં. તે મન ઉપર કાબૂ રાખી શકયા નહોતા. ઈતિની કોરી આંખો અસ્વસ્થ બની હતી. જાણે કશુંક સમજવા મથતી હતી પણ સમજાતું નહોતું.

જતી મમ્મીને ઈતિ જોઈ રહી. તે થોડી રઘવાઈ બની હતી. મમ્મીને આવજો કહેવાના શબ્દ તો ગળામાંથી નહોતા નીકળ્યા. પરંતુ નીતાબહેન હાથ હલાવી રહ્યા ત્યારે ઈતિનો હાથ આપમેળે ઉંચો થયો હતો.

અને અરૂપ રાજી રાજી...

તે દિવસે અરૂપના એક ખાસ મિત્રની દીકરીનું આરંગેત્રમ હતું. સામાન્ય રીતે અરૂપને આવા કોઈ કાર્યક્રમોમાં જવું પસંદ નહોતું. પરંતુ હવેની વાત અલગ હતી. અરૂપ આખ્ખેઆખો બદલાયો હતો, સંજોગો બદલાયા હતા. ઈતિને જે ગમતું એ હવે અરૂપને ગમે જ. જિંદગીએ આ કયો ટર્ન લીધો હતો ? કયારેક જીવન ક્ષિતિજને પાર વિસ્તરે છે. અને જીવનનો મર્મ ઉઘડે છે. માનવી “સ્વ” ને ભૂલી “પર”માં રાચે છે અને ત્યારે એક નવો ઉજાસ અંતરમાં પ્રગટે છે અને અસ્તિત્વ આખું ઝળાહળા થઈ ઉઠે છે. જીવનને રોજ જાણે એક નવી ઉંચાઈ સાંપડે છે.

’ઈતિ, આજે સાંજે આપણે નૈયાનું આરંગેત્રમ જોવા જઈશું ? ‘

નીતાબહેનને મૂકીને આવ્યા પછી અરૂપે ઈતિને પૂછયું.

સદનશીબે ઈતિ કોઈ વાતનો ખાસ વિરોધ કરતી નહીં.

તે સાંજે બંને અરૂપના મિત્રની દીકરી નૈયાનું આરંગેત્રમ જોવા ટાઉનહોલમાં ગયા. ઈતિ એકીટશે નૃત્યો જોઈ રહી. તે થોડી અસ્વસ્થ બનતી લાગી. અરૂપને આશા જાગી હતી કયાંક કોઈ તાર સંધાઈ જશે અને ઈતિ હલબલી ઉઠશે. ઈતિની આંખો કયારેક બંધ થઈ જતી તો કયારેક અનાયાસે ખૂલી પણ જતી. સામે નૈયાની આકૃતિમાં કોઈ ભળી જતું હતું કે શું ? કોણ હતું એ ? પોતે કેમ ઓળખી શકતી નહોતી ?મનઃચક્ષુ સમક્ષ કશુંક ઉઘડવા મથતું હતું. તેણે જોશથી માથુ હલાવ્યું. પોતાને શું થાય છે એ જ કયાં સમજાતું હતું ?

એકાદ નાનકડી હલચલ.એકાદ આછેરો ઝબકાર,... આવું... આવું જ પોતે કયાંક...

પણ કયાં ?

તેની અસ્વસ્થતા બારીક નજરે અરૂપ જોઈ રહ્યો હતો, અનુભવી રહ્યો હતો... ઈતિની અસ્વસ્થતા આજે તે દિલથી ઈચ્છી રહ્યો હતો. તેના મનમાં આશાનું કિરણ જાગ્યું હતું. પરંતુ ઉતાવળ કરાય તેમ નહોતું. આ જડતાનું કોચલું તૂટવું જોઈએ... અંગો સંકોરીને પડેલ કાચબો પણ ઋતુ બદલાય ત્યારે ચેતનવંતો બને છે. ઈતિ પણ ફરી એકવાર જાગશે. નવપલ્લવિત થશે જ. ફરીથી લીલીછમ્મ કૂંપળો ફૂટશે. કુદરતમાં પણ પાનખર કાયમ થોડી જ રહે છે ? ઈતિ તેની ઈચ્છા અનુસાર જીવી શકે એ માટે અરૂપ બધું જ કરી છૂટશે. બસ એકવાર આ જડતા દૂર થવી જોઈએ. પછી બીજું કોઈ પણ પરિણામ આવે અરૂપ તૈયાર હતો. બની શકે ભાન આવતા ઈતિ જીવનભર પોતાનું મોં જોવા પણ તૈયાર ન થાય. તેને છોડીને હમેશ માટે જતી રહે. કંઈ પણ બની શકે. પરંતુ તો યે શું ? કોઈ પણ સજા કોઈ દલીલ વિના એ સ્વીકારી લેશે.

અરૂપના મનમાં અનેક વિચારોની આવનજાવન અવિરત ચાલુ હતી.

કાર્યક્રમ પૂરો થયો. અરૂપ ઈતિનો હાથ પકડી હોલની બહાર નીકળ્યો. ગાડીમાં આખે રસ્તે અરૂપ નૈયાના ડાન્સના વખાણ કરતો રહ્યો. ‘ ઈતિ, તને કેવું લાગ્યું ? ‘ અને જવાબ ન મળતા પોતે જ આગળ બોલતો રહ્યો.

’મને જોકે તારા જેટલી સમજ તો ન જ પડે. પણ નૈયાએ સારૂં કર્યું નહીં ? અને અરૂપ પ્રોગ્રામની ખામીઓ, ખૂબીઓ ખૂબ રસથી વર્ણવતો રહ્યો.

‘ઈતિ, તારૂં આરંગેત્રમ તો મને જોવા નથી મળ્યું... પણ અનિકેત ખૂબ વખાણ કરતો હતો. બહું સરસ કાર્યક્રમ થયો હતો નહીં ? મને તો જોકે એમાં બહું ખબર કયાં પડતી હતી ? પણ આજે આ જોઈને થાય છે કે કેવી મહાન કલા છે નહીં ? ઈતિ, મને તો થાય છે તું ધારે તો આજે પણ આ ક્ષેત્રમાં ઘણું કરી શકે. તું ફરી એકવાર શીખવાનું ચાલુ કરને. પહેલા તો મને ડાન્સ એટલે શું? કલા એટલે શું એનું ભાન કયાં હતું ? આજે જ એના મહત્તા સમજાઈ. આંતરમનની, અભિવ્યક્તિ માટે આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ રીત, બીજું કોઈ માધ્યમ હોઈ જ ન શકે. ઈતિ, તું તારી પ્રેકટીશ ફરીથી ચાલુ કરીશ ? હમણાં ઘણાં સમયથી મૂકાઈ ગયું છે ને ?તો થોડો સમય ઘેર ટયુશન રાખી લઈએ કે પછી કોઈ કલાસ જોઈન કરવા હોય તો તે કરી લે. તને કયાં વાર લાગવાની છે ? જરા તાજું જ કરવાનું છે ને ? અને પછી તો ઈતિ, તારા કાર્યક્રમ હું એરેન્જ કરીશ. તું મહાન નૃત્યાંગના અને હું તારો સેક્રેટરી બનીશ. ઈતિ, આપણે વર્લ્ડ ટુર કરીશું. દેશ-પરદેશમાં તારા કાર્યક્રમો યોજાશે. તું સ્ટેજ પર ડાંસ કરતી હોઈશ. થિરકતી હઈશ અને હું સૌથી આગળ બેસી મારી ઈતિને તાળીઓથી વધાવતો રહીશ. ઈતિ, આપણું આ સપનું એક દિવસ સાકાર બનશે. જરૂર સાકાર બનશે.’

ભાવાવેશમાં અરૂપ સહજ રીતે બોલતો રહ્યો. અંતરમાંથી આવતી એ વાણીમાં દિલની પૂરી સચ્ચાઈ હતી. કોઈ બનાવટ નહીં... કોઈ પ્રયત્નો નહીં.

ઈતિ સાંભળતી હતી કે નહીં તે ખબર નહોતી પડતી પરંતુ આવું જ કંઈક પોતે કયારેક સાંભળી ચૂકી હતી. એવી કોઈ લાગણી કેમ થતી હતી ? આવું કયાં, કયારે સાંભળ્યું છે ? ઈતિ કશુંક યાદ કરવા મથતી હતી પરંતુ ચિત્ર સ્પષ્ટ નહોતું થતું. આ શબ્દો તો જાણીતા છે. છતાં... એની મથામણ ચાલુ થઈ હતી એ અરૂપ જોઈ શકયો. હાશ! કોઈ લાગણી તો તે અનુભવી શકી. કાલે તે ડોકટરને જરૂર આ વાત કરશે. આમ પણ આવતીકાલે ડોકટરને મળવા જવાનો વારો હતો. દર અઠવાડિયે તે ઈતિમાં થતાં ફેરફાર તે ડોકટરને કહેતો રહેતો. અને હવે પછી શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન મેળવવા જતો હતો.

અરૂપમાં આવેલ પરિવર્તન ક્ષણિક નહોતું. તેના અંતરના દ્વાર ઉઘડયા હતા. પ્રેમનું સાચું સ્વરૂપ તેને ઓળખાયું હતું. જોકે એ માટે બહું ભારે કિંમત તેને ચૂકવવી પડી હતી. તે પોતે પોતાના આ સ્વરૂપથી આર્શ્વર્‌ય પામતો હતો. કયાંથી આવી રહ્યા છે આ શબ્દો ? આ વાણી કયાંથી ફૂટી નીકળે છે ? એક કાંકરી એવી તો જળમાં પડી હતી કે સમંદર ખળભળી ઉઠયો હતો.

બીજે દિવસે સાંજે ઈતિ બગીચામાં હીંચકા પર રોજની જેમ દૂર દૂર જોતી બેઠી હતી ત્યાં અરૂપ તેની પાસે સરસ મજાના ઘૂંઘરૂ લાવ્યો.

’ઈતિ, લાવ તારા પગ...’ કહી તેણે ઈતિને ઘૂંઘરૂં બતાવ્યા. ઈતિ, પહેરીશ ને આ ? ફરી એક્વાર તું થિરકીશ અને હું...’

કહેતા ગળગળા બની ગયેલ અરૂપે ઈતિના પગમાં ઘૂંઘરૂં પહેરાવ્યા. ઈતિ પોતાના પગ સામે જોઈ રહી. ઊંભી તો ન થઈ. પરંતુ તેના પગ જરૂર હલી ઉઠયા.અને ઘૂંઘરૂં રણકી ઉઠયા. અને સાથે રણકયો ઈતિના કાનમાં કોઈ અવાજ...

ઈતિ તે અવાજને ઓળખી શકી કે નહીં?

“આજ અધૂરી રહી જશે તો કાલે ફરી મંડાશે

એમ વાર્તા જીવતર કેરી આગળ આગળ જાશે ”

ઈતિના જીવતરની વાર્તા આ ક્ષણે તો થંભી ગઈ હતી. એ આગળ ચાલશે કે કેમ ? ચાલશે તો કઈ રીતે?

કોઈ નવી કૂંપળ ફૂટશે ખરી?

( શીર્ષક પંક્તિ... હરીશ દોશી )