ડરના મના હૈ
Darna Mana Hai-14 પ્રવાસીઓને ખાઈ જતી ‘હોટલ સેવોય’
લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧
વિશ્વભરમાં આવેલી હોટલો પૈકી અનેક હોટલો ભૂતિયા હોવાનું કહેવાતું આવ્યું છે. કેટલીક હોટલો ફક્ત પબ્લિસિટી મેળવવા માટે ભૂત દેખાતું હોવાનું તિકડમ ચલાવતી હોય છે, તો કેટલીક હોટલોમાં ખરેખર ભૂત દેખા દેતું હોય છે. આવી ભૂતિયા હોટલ હોવાના લિસ્ટમાં ભારત પણ પાછળ નથી. ભૂતિયા હોટલ તરીકે બહુ જાણીતી થયેલી એક હોટલ એટલે મસૂરીમાં આવેલી ‘હોટલ સેવોય’. આ એક એવી હોટલે છે જેણે ભૂતકાળમાં એને ત્યાં રાત્રિ રોકાણ કરનારા એકથી વધુ પ્રવાસીઓને રહસ્યમય રીતે મોતને ઘાટ ઉતારી દીધાં હતાં.
હોટલ સેવોયનો ઈતિહાસ:
વાત એ જમાનાની છે કે જ્યારે ભારતમાં અંગ્રેજો રાજ કરતા હતા. ઉત્તર ભારતની ગરમીથી ત્રસ્ત અંગ્રેજોએ હિમાચલ પ્રદેશના શિમલા શહેરને ઉનાળુ રાજધાની બનાવી હતી. ઉનાળાની ગરમીમાં અંગ્રેજ અમલદારો સપરિવાર શિમલા જતા રહેતા અને ત્યાં જ રહેતા. સમય જતાં શિમલાનું આકર્ષણ ઘટવા લાગ્યું. ત્યાંના કડક અમલદારશાહી વાતાવરણથી કંટાળીને અંગ્રેજોએ હવા ખાવાના બીજા કોઈ સ્થળ વિશે તપાસ આદરી. તેમની નજરમાં હાલના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મસૂરી વસી ગયું. આજે તો મસૂરી ખૂબ જ ફેમસ હિલ સ્ટેશન છે, પણ વીસમી સદીના શરૂઆતનાં વર્ષોમાં હજી મસૂરીનો પ્રવાસનધામ તરીકે કંઈ ખાસ વિકાસ થયો નહોતો. હિમાલયની ગિરિકંદરાઓથી ઘેરાયેલું મસૂરી વણખેડાયેલું જ રહ્યું હતું. અંગ્રેજોના વિશેષ રસ બાદ ધીમે ધીમે મસૂરીનો વિકાસ થવા લાગ્યો. મસૂરીથી લગભગ ૩૨ કિલોમીટર દૂર આવેલા દેહરાદૂન સુધી સન ૧૯૦૦માં રેલવેલાઈન પહોંચી ગઈ એ પછી તો મસૂરીનો વિકાસ ખૂબ ઝડપી થવા લાગ્યો અને ત્યાં પ્રવાસીઓની આવનજાવન વધવા લાગી.
આવા સમયે સન ૧૯૦૨માં ‘ધ સેવોય’ નામની હોટલ મસૂરીમાં બનાવવામાં આવી. અંગ્રેજી ગોથિક શૈલીમાં બંધાયેલી આ હોટલે શરૂઆતથી જ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. મુખ્યત્વે લાકડામાંથી બનાવવામાં આવેલી આ હોટલ લગભગ ૧૧ એકરના વિસ્તારમાં ફેલાયેલી હતી. મુખ્ય મકાનમાં કુલ ૫૦ રૂમ હતા. હોટલમાં એક વિશાળ ડાઈનિંગ રૂમ અને બોલરૂમ હતા. દરરોજ રાતે બોલરૂમમાં ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ થતો અને મહેમાનો નૃત્યની મઝા માણતા જેની એ જમાનામાં ચારેકોર ચર્ચા ચાલતી. હોટલની બાલ્કનીઓમાંથી ‘દૂન વેલી’નું હૃદયંગમ દૃશ્ય જોવા મળતું. હોટલમાં આવેલો બાર ‘રાઇટર્સ બાર’ તરીકે મશહૂર થયો હતો. હોટલનો બગીચો ‘બિયર ગાર્ડન’ તરીકે ઓળખાતો હતો. ‘ધી પ્લેઝર કેપિટલ ઓફ ધી રાજ’ તરીકે જાણીતા બનેલા મસૂરીમાં હોટલ સેવોયનો દબદબો હતો. જેવા તેવા લોકોને તો તેમાં રહેવાનું પોસાતું પણ નહિ એટલી મોંઘી એ હોટલ હતી. માત્ર અંગ્રેજ અમલદારો જ નહિ, પરંતુ ભારત અને તેની આસપાસનાં દેશોના અનેક ઉમરાવો અને મહારાજાઓ હોટલ સેવોયમાં રજાઓ માણવા આવતા. આફ્રિકા ખંડના ઈથિયોપિયા દેશના રાજા, લાઓસ દેશના રાજકુમાર, જાણીતા વિશ્વપ્રવાસી લોવેલ થોમસ અને નોબેલ પ્રાઈઝ વિજેતા પર્લ એસ. બક પણ અહીં રહી ચૂક્યા હતા. હોટલ સેવોયની મહેમાનગતિ માણી ચૂકેલા મહાનુભાવોમાં જવાહરલાલ નેહરુ અને દલાઈ લામાનો પણ સમાવેશ થાય છે. માર્ચ ૧૯૦૬માં પ્રિન્સેસ ઓફ વેલ્સ ક્વીન મેરી પણ અહીં રોકાયાં હતાં. ૧૯૦૯ના વર્ષમાં મસૂરીમાં વીજળી પહોંચી ગઈ પછી તો હોટલ સેવોયની રોનક ઓર નીખરી ઊઠી. આવી આ ભવ્ય હોટલમાં બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં જ...
એક રહસ્યમય હત્યા:
સન ૧૯૧૧ના વર્ષમાં હોટલ સેવોયમાં મિસ. ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મ નામની મહિલા થોડા દિવસોની રજા માણવા આવી. ૪૯ વર્ષીય ફ્રાન્સીસ અગોચર શક્તિઓમાં વિશ્વાસ ધરાવતી હતી. તેની સાથે તેની સહેલી મિસ ઈવા માઉન્ટ સ્ટીફન પણ હતી. ઈવા લખનૌમાં રહેતી હતી અને પોતે પણ અગોચર શક્તિઓ વિશે અભ્યાસ કરી રહી હતી. ઉપરાંત તે ક્રિસ્ટલ ગેઝિંગ (કાચના ગોળામાં જોઈને ભવિષ્ય નિદાન કરવામાં) પણ નિષ્ણાત હતી. બંને સખીઓએ હોટલ સેવોયમાં થોડા દિવસો વિતાવ્યા. એ દરમિયાન બંનેનું વર્તન રહસ્યમય રહ્યું હતું. તેઓ ભાગ્યે જ હોટલના સ્ટાફ અને અજાણ્યાઓ સાથે વાતો કરતી. એક સવારે ઈવા એકલી જ હોટલ છોડીને લખનૌ જતી રહી. ઈવાના ગયા બાદ ફ્રાન્સીસ તેના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેનું મૃત્યુ ‘પ્રુસિક એસિડ’ (હાઈડ્રોજન સાઈનાઈડ)ને લીધે થયું હતું. ઈવાની ધરપકડ કરવામાં આવી અને તેના પર પોતાની સહેલીને ઝેર આપીને મારવાનો આરોપ લગાડવામાં આવ્યો. ધારણા એવી હતી કે ફ્રાન્સીસની સોડિયમ બાયકાર્બોનેટની બોટલમાં પ્રુસિક એસિડ નાખવામાં આવ્યું હતું. અને એ સોડિયમ બાયકાર્બોનેટનો ખાવામાં ઉપયોગ કરવાને લીધે જ ફ્રાન્સીસનું મોત થયું હતું. જોકે કોર્ટમાં એ વાત સાબિત નહોતી કરી શકાઈ કે આ કાવતરાને ઈવાએ જ અંજામ આપ્યો હતો. ઈવાએ કોર્ટમાં જે બયાન આપ્યું એણે સનસનાટી મચાવી દીધી. તેના કહેવા મુજબ ફ્રાન્સીસનું મોત થયું એ રાતે તેણે ભૂતપ્રેતની દુનિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને ખોટા મંત્રના ઉપયોગને લીધે કોઈક પ્રેતાત્માએ ગુસ્સામાં ફ્રાન્સીસની હત્યા કરી દીધી હતી. ઈવાનું આવું બયાન કોર્ટને માન્ય નહોતું. દુનિયાની કોઈ પણ કોર્ટ ભૂતપ્રેતના અસ્તિત્વને નકારી જ દે. ઈવાના અવાસ્તવિક જણાતા બયાન છતાં તેના વિરુદ્ધ કોઈ પુખ્તા સબૂત હાથ ન લાગતા કોર્ટે તેને છોડી મૂકી અને ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મની હત્યાનો કેસ વણઉકેલ્યો જ રહી ગયો. ગૂઢ વિદ્યાની જાણકાર એક રહસ્યમય સ્ત્રીએ બીજી એવી જ સ્ત્રી મિત્રની હત્યા કરી હોવાની વાતે એ જમાનામાં આ કેસને ભારે પ્રસિદ્ધિ મળી હતી.
વિશ્વવિખ્યાત ક્રાઈમ નવલકથાકાર ‘અગાથા ક્રિસ્ટી’ની સન ૧૯૨૦માં લખાયેલી નવલકથા ‘ધી મિસ્ટિરિયસ અફેર એટ સ્ટાઈલ્સ’ આ જ કેસ ઉપર આધારિત હતી. અગાથા ક્રિસ્ટી જેવા જ બીજા નામી લેખક રસ્કિન બોન્ડને પણ આ રહસ્યમય કેસે ‘ઈન અ ક્રિસ્ટલ બોલ- અ મસૂરી મિસ્ટ્રી’ લખવાની પ્રેરણા આપી હતી.
એક કરતાં વધુ ભૂતોની સાક્ષી બનેલી હોટલ:
હોટલ સેવોયમાં અકાળે મોતને ભેટેલી ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મનું ભૂત આજે પણ એ હોટલમાં ભટકતું હોવાની વાયકા છે. કેટલાંયે પ્રવાસીઓએ રાત્રિરોકાણ દરમ્યાન ફ્રાન્સીસને હોટલની અલગ અલગ જગ્યાઓએ જોઈ હોવાનો દાવો કર્યો છે. ફિલ્મોમાં બતાવવામાં આવે છે એવા ડરામણા ચહેરાને બદલે સાવ સામાન્ય (નોર્મલ) દેખાવ ધરાવતી ફ્રાન્સીસને જોઈને કોઈ કહી ન શકે કે તે એક પ્રેતાત્મા છે. તેને જોનારા લોકોના કહેવા મુજબ તે કંઈક તાણ અનુભવતી હોય એવું લાગતું. સાથોસાથ તે કંઈ શોધતી હોય એવું જણાતું. જોકે તેણે કદી કોઈને ડરાવવાની કે નુકસાન પહોંચાડવાની કોશિશ કરી નહોતી. તે બસ હોટલમાં આમથી તેમ આંટા મારતી રહેતી, જાણે કે કંઈક શોધવાની કોશિશ કરતી હોય! સ્થાનિક લોકોનું માનવું હતું કે ફ્રાન્સીસનું ભૂત સતત તેની હત્યા કરનાર વ્યક્તિને શોધતું રહેતું.
ફ્રાન્સીસ ઉપરાંત પણ બીજી બે વિદેશી વ્યક્તિઓનાં પ્રેત હોટલ સેવોયમાં ભટકતાં હોવાની ચર્ચા વર્ષોથી ચાલતી આવી છે. એમાંની પહેલી વ્યક્તિ છે બેટ્સી વાર્ડ નામની યુવતી કે જે હોટલના રૂમ નંબર ૫૦૫ના બાથટબમાં ડૂબીને મરી ગઈ હતી. તે અકસ્માતે ડૂબી ગઈ હતી કે તેને ડુબાડીને મારી નાખવામાં આવી હતી એ આજ સુધી એક રહસ્ય જ રહ્યું છે. બેટ્સીના મોત બાદ ઘણાં વર્ષે હોટલનું રિનોવેશન ચાલતું હતું ત્યારે મોકળાશ કરવા માટે રૂમ નંબર ૫૦૫ની એક દીવાલ તોડવામાં આવી હતી. એ સમયે એ દીવાલમાં છુપાવાયેલી એક રિવોલ્વર મળી આવી હતી. એ રિવોલ્વર ત્યાં કેવી રીતે પહોંચી એ કોયડો પણ આજ સુધી વણઉકેલ્યો જ રહ્યો છે. બેટ્સીના ભૂતના ડરથી આજે પણ હોટલ સેવોયના રૂમ નંબર ૫૦૫માં પ્રવાસીઓ રહેવાનું પસંદ કરતા નથી. હોટલમાં રોકાણ દરમ્યાન મિ. લાઈટનર નામના એક અન્ય વિદેશી પ્રવાસીનું પણ કોઈક ભેદી બીમારીને લીધે અકાળ અવસાન થઈ ગયું હતું. કહેવાય છે કે તેનું પ્રેત પણ હોટલની પરસાળમાં વારંવાર દેખાતું આવ્યું છે.
વાયકા કે વાસ્તવિકતા:
હોટલનો સ્ટાફ હંમેશાં આ બધી વાતોને અફવામાં ખપાવતો આવ્યો છે, (કદાચ હોટલી બદનામી ન થાય એ માટે) પરંતુ હોટલમાં રાતવાસો કરનાર ઘણાને બેચેની અને અનિદ્રા જેવા અનુભવો થતા રહ્યા છે. કેટલાક લોકોને હોટલના અમુક ચોક્કસ ખૂણા જરૂરત કરતાં વધારે ઠંડા જણાયા છે. જ્યાં અગોચર શક્તિઓની હાજરી હોય ત્યાં આસપાસના વાતાવરણ કરતાં વધુ ઠંડી જણાતી હોય છે.
હકીકત શું છે એ તો કોણ જાણે, પરંતુ કહેવાય છે કે આજની તારીખમાં પણ મિસ ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મ, મિસ બેટ્સી વાર્ડ અને મિસ્ટર લાઈટનરનાં પ્રેત હોટલ સેવોયમાં અવારનવાર દેખાતાં રહે છે.