Sanvedna no taar - 6 in Gujarati Motivational Stories by Jyoti Bhatt books and stories PDF | સંવેદના નો તાર - 6

Featured Books
Categories
Share

સંવેદના નો તાર - 6

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : સંવેદના નો તાર - 6

શબ્દો : 1681

સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા

1 .અંતરથી અંતરનું સામીપ્ય

પ્રિય
સંવેદના,


શું લખું અને શું ન લખું એ જ સમજાતું નથી.


લખવું છે ઘણું પણ યોગ્ય શબ્દો મળતા નથી. હું જે કહેવા માંગુ છું તે કહેવા મારી પાસે શબ્દો નથી અને જે છે તે બહુ વામણા છે તેવું મને લાગે છે. અંતરની અનુભૂતિ પાસે મોટાભાગે શબ્દો પોકળ જ પુરવાર થતા હોય છે. આમેય જીવનમાં શબ્દો કરતાં અનુભૂતિનું મહત્વ વિશેષ હોય છે એની ના કઈ રીતે કહી શકું ?
સંવેદના ! છેલ્લા ઘણાં સમયથી મને એવું લાગે છે કે મને સતત તારી સાથે રહેવાની, તારી સાથે હોવાની આદત પડી ગઈ છે. સૂક્ષ્મ રૂપે હું સદૈવ તને મારી સાથે જ અનુભવું છું. સ્થૂળતાથી પર એવું એક અસ્તિત્વ જે અદ્વૈતભાવ અનુભવે છે તે અનુભૂતિમાં રમમાણ રહેવું મને ગમે છે. ભક્ત ઈશ્વરને કદાચ આમ જ પોતાની સમીપ અનુભવતો હશે.


અંતરથી અંતરનું સામીપ્ય એ જ તો માણસની મહામૂલી મૂડી છે. જે આ રીતે અન્યની સમીપ રહી શકે છે.
સંવેદના ! તને થશે કે આજે આવી અટપટી વાત હું કેમ કરી રહ્યો હોઈશ ? તો સાચું કહું તો ખરેખર મને એવું લાગે છે કે હું મને ભૂલવા લાગ્યો છું. ન જાણે કેમ પણ જોજનો દૂર હોવા છતાં હું તને મારી સમીપ અનુભવું છું. આને ૠણાનુબંધ કહેવો કે યોગાનુયોગ તે મને ય સમજાતું નથો. સૂર્યનાં પ્રથમ કિરણે જ તારું સ્મરણથાય છે ને મારા યંત્રવત્ થતાં દૈનિક કાર્યોમાં ય પરોક્ષ રીતે તારી ઉપસ્થિતિ હું અનુભવું છું. જેમ ભક્તને સતત ઈશ્વરસ્મરણમાં તલ્લીન રહેવાનું વ્યસન થઈ ગયું હોય તેમ તારા સ્મરણને વાગોળ્યા કરવું મને અનહદ ગમે છે. ઈશ્વરની સામે ઊભા રહી તેની પૂજા કરતી વખતેય મને તારો ચહેરો દ્રષ્ટિગોચર થાય છે. આવું કેમ થાય છે તે તો હું ખુદ પણ નથી જાણતો - જાણું છું માત્ર એટલું કે પળ માટેય તને વિસારી શકતો જ નથી.
ક્યારેક તારા મિલનની આશામાં કેટલીય ક્ષણો વેડફાઈ જાય છે તો ક્યારેક મનોમન તું સાથે હોવા છતાં વિરહભાવથી વ્યથિત થઈ આકુળવ્યાકુળ થઈ તારા મિલનની પ્રતિક્ષામાં દિવસોનાં દિવસો વિતી જાય છે - નથી તો તને મળી શકતો કે નથી તૃ તને મારાથી અલગ કલ્પી શકતો.
ઉગતી ઉષાનાં પ્રથમ કિરણમાં મને તારો ચહેરો દેખાય છે, તો નવપલ્લવિત શતદલ ખિલેલા સુમનના ઝાકળબિંદુનાં સ્પર્શમાંયે મને તારા કોમળ સ્પર્શની અનુભૂતિ થાય છે. જેમ સૂર્યનાં આગમનની સાથે જ તુષારબિંદુ વિલીન થઈ જાય છે તેમ અચાનક જ અનુભવાતા તારા સ્પર્શથી વંચિત થઈ વિહ્વળતા અનુભવું છું. - આમેય સ્વપ્ન ક્યારેય ક્યાં બની શકે છે ? અને એટલે જ મને સ્વપ્નો જોવાં ગમે છે કારણ મારાં સ્વપ્નોમાં તું મારી સાથે હોય છે.


ક્યારેક થાય છે તારા વાંકડિયા વાળ પર મારું મસ્તક રાખી એક ગાઢ ઊંઘ ખેંચી કાઢું તો ક્યારેક થાય છે કે તારા હાથમાં મારો હાથ થમાવી કોઈ નાના બાળકની જેમ તારાં પગલામાં મારું પગલું મૂકી તારી સાથે દૂર દૂર સુધી ચાલ્યા કરું, બસ ચાલ્યા જ કરું, જાણું છું કે મારી આ ઈચ્છા ક્યારેય પૂરી થઈ શકવાની નથી કારણ હવે હું ફરી બાળક બની શકવાનો નથી કે નથી તારી આંગળી પકડીને ચાલી શકવાનો, અને છતાંય સતત એવું થયા કરે છે અચાનક ક્યારેક ક્યાંય પણ જો તું મળી જાય તો વીતી ગયેલું મારું બાળપણ ફરી ખીલી ઊઠે.
તારા સાનિધ્યમાં તો બાળક બનવુંય મને મંજૂર છે.


જો તારું સાંનિધ્ય કે તારું સામીપ્ય મને આટલો હળવો ફૂલ બનાવી શકતું હોય તો સ્વાભાવિક છે કે હું સતત તારા સાનિધ્યને જ ઝંખવાનો . સંવેદના ! અલબત્ત માણસને માનસિક સધિયારો મળતાં જ તે હળવો ફૂલ થઈ શકે છે અને છતાંય તે મનોમન ઈચ્છે છે કે જેનાં થકી તે સુખને પામે છે તે વ્યક્તિ કે તે સમય તેની સમક્ષ હાજર હોય તો તેનું સુખ બેવડાઈ જાય છે. ક્યારેક માણસની ઉપસ્થિતિ જ માણસને અર્ધો હળવો ફૂલ બનાવી દે છે. વળી જેની ઉપસ્થિતિમાં બાળક બનવુંય મંજૂર હોયે ઉપસ્થિતિ માણસને મન અમૂલ્ય હોય છે.
જેના સાથમાં જિંદગી હળવી બને તેનો સાથ માણસ ઝંખે જ એમાં સંશય નથી. એ સાથ ને સહકાર એટલો હૃદયસ્પર્શી નીવડી શકે કે માણસ પોતાનાં સઘળાં દુઃખ દર્દ ભૂલી મહોરી શકે. આ ત્યારે જ શક્ય બને જ્યારે સંબંધમાં ઉષ્મા હોય, નિઃસ્વાર્થતા હોય ને નરી નિર્દોષતા હોય.


તારા સાથમાં મારી બાળક બની જવાની ઝંખના તીવ્ર બને છે જે શક્ય છે તારા નિઃસ્વાર્થ ભાવે મારી તરફ વહેતા વાત્સલ્યભાવની પૂર્તિ રૂપે હોય. ખરે જ તારે વાત્સલ્યથી મને ભીંજાવું ગમે છે, તારા સહવાસમાં મારું મન હળવુંફૂલ બને છે અને એટલે જ તારી પાસે બાળક બનવું ય મને મંજૂર છે.
ચાલ રજા લઉં.... ફરી મળીશ આ જ રીતે... આવજે...


લિ.
તારો જ મિત્ર સંવેદન

2. મારું વિશ્વ મારો વર્તમાન


પ્રિય સંવેદના,


મજામાં હોઈશ. તારો પત્ર મળ્યો, જવાબમાં લખવાનું કે તને હું સગપણની કે સંબંધની કોઈ પારાશીશીમાં કેદ કરવા નથી માંગતો, મારી તારા પ્રત્યેની લાગણી એ કેવળ લાગણીજ છે કે પછી બીજું કંઈ તેની મને ખબર નથી. ખબર છે માત્ર એટલી જ કે મારું હૃદય સતત લાગણી ઝંખે છે.


મારી પળેપળ અને ક્ષણેક્ષણ દૂધ પીતા બાળકની માફક તારી આસપાસ જ વણાયેલી છે.
મારું મન તારા ન હોવાની કલ્પના કરી શકતું નથી.


સાસરે ગયેલી દીકરીની માતા - પિતા તરફની લાગણીમા કોઈ ઓટ નથી આવતી, એક પ્રકારની પરિપક્વતા આવે છે, તેવી પરિપક્વતા કદાચ મારામાં નથો. મારામાં છે કેવળ મતાના આશ્રયે મોટા થતા બાળકની નિર્ભેળતા કે નિર્દોષતા. જેમ બાળક પોતાનું વિશ્વ પોતાની માતાની આસપાસ જ જુએ છે તેમ મારું સમગ્ર વિશ્વ પણ તારી આસપાસ જ રચાયેલું છે. મારો આ વર્તમાન તો તને જ મારી માતા અને તને જ મારું સર્વસ્વ માનીને શણગારાયેલો છે. જેમ મંદિરમાં ભક્તને ઈશ્વરના જ દર્શન થાય છે તેમ મારી ખુલ્લી આંખે અને બંધ આંખે પણ ઈશ્વર રૂપે તું જ મને દેખાય છે. તને મિત્ર, બહેન કે માતા કહી સગપણનીપારાશીશીમાં હું તને હરગીઝ કેદ કરવા નથી જ માંગતો. પરંતુ, હા એટલું જરૂરથી કહીશ, કે મારું વિશ્વ, મારો વર્તમાન તારા થકી જ કલરવે છે.


તારી સાથેનાં સંબંધમાં મને નિર્વિકાર અને નિરાકાર ઈશ્વરની અનુભૂતિ થાય છે. મારું મન તારું આધિપત્ય સ્વીકારીને જ જીવવા લાગ્યું છે.


મારું ભવિષ્ય શું હશે ? કેવું હશે તે તો કદાચ નિયતિ જ કહી શકે, પરંતુ મારી આજની ક્ષણો દ્રશ્ય - અદ્રષ્ટનાં, આત્મા - પરમાત્માનાં સંબંધમાં તને વરેલી છે. જાણ્યે - અજાણ્યે તારા તરફ એક પૂજ્ય ભાવ, એક આદરભાવ એક સ્નેહભાવ કેળવાતો જાય છે, જે દિવસે વધુ ને વધુ દ્રઢ થતો જાય છે.


કદાચ ઈશ્વર પ્રત્યે આટલો વફાદાર રહ્યો હોત, તેનું નામ આટલા ઊંડાણથી લીધું હોત તો તે ક્યારનોય મારા પર પ્રસન્ન થઈ ગયો હોત. પરંતુ જ્યાં હૃદયનાં અતલ ઊંડાણથી તને જ સર્વાત્મભાવે પૂજતો હોઉં પછી ઈશ્વરની મારે શી જરૂર? ઈશ્વરનું શરણું શા માટે ?


આમેય જ્યાં સુધી માણસને માણસ તરીકે ચાહી ન શકાય ત્યાં સુધી ઈશ્વરને કદીયે ઓળખી ન શકાય તેમ માનું છું ખરું ને ?


હવે ફરી મળીશું પત્ર રૂપે... ત્યાં સુધી રજા લઉં...


લિ.
તારો જ મિત્ર સંવેદન


3. જ્યાં અંતર જ એક હોય


પ્રિય સંવેદના,


મજામાં હોઈશ, થોડાં દિવસ પહેલાં એક શેર સાંભળ્યો..

'
મિલન પણ કદીયે નજીકે ન આવ્યું

જુદાઈ અહીં તો ન દાદર ચડી છે.'


આખી ગઝલ સરસ હતી, પણ મને આ શેર તો અનહદ ગમ્યો. કેટલી ઉદ્દાત્ત ભાવના આ દ્વારા વ્યક્ત થાય છે. જેનાં માટે પણ આ ભાવ હશે તે ભાવ કેટલી ઊંચી કોટિનો હશે કે માણસ દૂર હોવાં છતાં પણ દૂર ન લાગે.
મને તો આ શેર દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઈ. સ્થૂળ રીતે તો ક્યારેય મિલન શક્ય જ નથી બન્યું પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો ક્યારેય જુદાં જ નથી પડ્યાં.


માણસ સમજણ અને ચાહતની કેટલી ઊંચાઈએ આંબી ગયો હશે કે તે આટલી સહજતાથી આ કહી શકે. તેની ચાહત કેટલી તીવ્રતમ હશે કે તે પોતાને પોતાની પ્રિય વ્યક્તિથી અલગ ગણતો જ નથી. આટલી ઊંચી ભાવના ત્યારે જ દ્રઢ થાય જ્યારે તે પારલૌકિક એવા કોઈ પ્રેમને પામ્યો હોય અને તો જ તે આવું કહી શકે. બાકી સ્થૂળતામાં જ સુખ માનનારા સામાન્ય માનવીનું આ ગજું નથી.


ખરેખર માણસ આજે ભૌતિક સુખો પાછળ એટલો પાગલ બની ગયો છે કે સુખી કોઈ નિશ્વિત પરિભાષામાં કેદ થવું તેને પસંદ નથી. પરિણામે એક પછી એક કહેવાતાં સુખ મેળવવા છતાં તે સુખી નથી.
હું તો માનું જ છું કે જે કંઈ ગમે છે, મનને હરી લે તેવું છે તેને પામવા કરતાં તેને જાવામાં જો સુખ માની કાય તો સુખ હાથવેંતમાં જ હોય છે.


પ્રેમની જ વાત કરું તો પ્રેમ પામવામાં નહીં, આપવામાં આનંદ માને. અહીં એ જ પ્રેમની વાત છે જે અંતરનો છે, આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ કારણકે તેનામાં આપણને શ્રધ્ધા છે, તેનાં માટે આપણને પૂજ્યભાવ છે, એ જ રીતે વ્યક્તિ માટે શ્રધ્ધા હોય, પૂજ્યભાવ હોય, તો આપણે તેને મેળવતે નથી, તેને અનુભવીએ છીએ. કંઈક એવી જ વાત મને આ શેરમાં દ્રષ્ટિગોચર થઈ. માણસ જેને પ્રેમ કરે છે એ માણસ માટે તેને એટલી શ્રધ્ધા છે, એટલો આદર છે કે ઘડી માટે પણ તેને તે પોતાનાથી અલગ માની શકતો નથી. સ્થૂળ રૂપે ક્યારેય તેઓ મળ્યા નથી પણ અંતરથી બંને એટલાં નજીક છે કે બંને એકબીજાને અલગ માનતાં જ નથી, માની શકતાં જ નથી. પોતાનાં દેહમાં જે સૂક્ષ્મ આત્મા છે તે બીજાનો છે, બીજા માટે છે, અને કદાચ તેથી જ તેને વિરહની વેદના સાલતી નથી. બંનેનું અલગ હોવું તેને સ્વીકાર્ય નથી કારણ સૂક્ષ્મભાવે તેણે તેને પ્રાપ્ત કર્યો છે, ચાહ્યો છે.


જ્યાં અંતર જ એક હોય ત્યાં વિરહને અવકાશ રહેતો જ નથી.


આટલી ઊંચી ને ઉદ્દાત્ત ભાવના પાસે ખુદ ભગવાનને પણ નમવું પડે છે.


ઈશ્વર કદાચ એવું જ ઈચ્છે છે કે માણસ - માણસ વચ્ચે પ્રેમ હોય, સહકાર હોય, સ્નેહની ભાવના હોય. પરંતુ ભૌતિકતા પાછળ અટવાતા માનવને કદાચ ખુદ પોતાની જાત માટેય પ્રેમથી જોવાનો સમય નથી. જો માણસ ખરેખર પ્રેમનું મૂલ્ય સમજે અને જગતને આખાને પ્રેમથી મૂલવતા શીખે તો વેર- ઝેર, ઈર્ષ્યા - અદેખાઈ ને કોઈ સ્થાન જ ન રહે. પછી જગત પર પ્રેમનું જ સામ્રાજ્ય સ્થપાય અને જગત પર એક અનોખી શાંતિ સ્થપાય.
પ્રેમ ત્યારે જ સાચો પુરવાર થાય જ્યારે તે ઈચ્છા - આકાંક્ષાઓ, સ્વાર્થ અને અપેક્ષાથી પર હોય અને તો જોજનો દૂર વસતી વ્યક્તિને પણ આપણે આપણી સમીપ અનુભવી શકીએ. સ્થૂળતાથી પર થઈ સૂક્ષ્મ તરફ જવા માટેનું પહેલું પગથિયું છે નિર્વિકાર પ્રેમ. અમૂલ્ય એવાં આ જીવનને આપણે પ્રેમથી સભર બનાવી શકીએ, જો વિકારોથી પર થઈ પ્રેમની ઊંચી અને ઉદ્દાત્ત ભાવના કેળવીએ તો પ્રેમને ભૌતિક વસ્તુ ન ગણતાં અલૌકિક ચીજ સમજી તેનું અવમૂલ્યન કરીએ તો જ સાચા અર્થમાં પ્રેમ પામી શકીએ અને આપી શકીએ.
મને તો એ શેર ઘણું - ઘણું કહી ગયો. આપણે પણ આવી ઉદ્દાત્ત ભાવના કેળવીને પરસ્પરને પ્રેમથી, સમજણથી જોતાં શીખવું જોઈએ અને તો જ અમૂલ્ય, અલૌકિક, એવી શાંતિ આ જગત પર સ્થાપી શકાય. જગત પર પ્રેમનું વાવેતર કરી સૌને એ પ્રેમમાં તરબોળ કરી એક અનોખી સુખાનુભૂતિ કરી શકાય, આથી વધુ તો હું કંઈ જ કહી શકવા અશક્તિમાન છું. કહેનારે થોડાં શબ્દોમાં જ એટલું ઊંડાણ ભરી દીધું છે કે ગમે તેટલા શબ્દોય તેની પાસે વામણાં લાગે છે. તું આનાથી વધારે કંઈક સમજાવી મને ઉપકૃત કરીશ એવી આશા સાથે અહીં જ અટકું છું.


લિ.
તારો જ મિત્ર સંવેદન

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843