અંજામ-૨૪
( આગળ વાંચ્યુઃ- મોન્ટી અને રીતુ બાપુના ફાર્મહાઉસ માંથી ભાગી નીકળવામાં સફળ થાય છે પરંતુ હજુ તેઓ થોડા દુર જ ગયા હોય છે કે અચાનક વીરજી અને વીરા ત્યાં આવી ચડે છે.... બીજી બાજુ વીજય અને ગેહલોતના હાથમાં શૈતાનસીંગ ઝલાઇ જાય છે.... હવે આગળ વાંચો....)
વાતાવરણ અચાનક ધગધગી ઉઠયું....ચાની લારીએ બેઠેલા લોકોમાં આ માઝરો જોઇને ભય ફેલાઇ ગયો હતો. ખુદ શૈતાનસીંગની સમજ બહારની પરિસ્થિતિ સર્જાઇ હતી કે અચાનક આ માણસો કયાંકથી પ્રગટ થયા...? ગેહલોતના હાથમાં જર્મન બનાવટની સીલ્વર કલરની ગન ચળકી રહી હતી જે તેણે શૈતાનસીંગના કપાળે ઠેરવી રાખી હતી....
“ કોઇ જ ધમપછાડા કર્યા વગર જીપમાં બેસ....” તેણે ઠંડક ભર્યા અવાજે શૈતાનસીંગને કહયુ અને જીપ તરફ ચાલવા ઇશારો કર્યો. શૈતાનસીંગના ચહેરા ઉપર દુનીયાભરનું આશ્વર્ય છવાયુ હતુ. તે ઘડીક ગેહલોત સામું તો ઘડીક વીજય તરફ જોતો હતો. તે પણ જમાનો ખાધેલ ખુર્રાટ માણસ હતો. વીજયને જોતા જ તે સમગ્ર માજરો પારખી ગયો હતો કે જરૂર આ છોકરાએ જ કંઇક કારસ્તાની કરી હશે. પોતાના સપડાઇ જવાની જેટલી તકલીફ તેને થઇ નહોતી એના કરતા તેની સામે ઉભેલો સુંવાળી ચામડીનો છોકરો તેના કરતા હોંશીયાર નીકળ્યો એનું દુઃખ તેને વધુ થતું હતુ. અત્યારે તેની પાસે કોઇ કીમીયો નહોતો. તે ચુપચાપ જીપ તરફ ચાલ્યો અને જીપમાં બેઠો.
બહુ ઝડપથી નાટક ભજવાયુ હતુ જેના કારણે ત્યાં હાજર હતા એ લોકોમાં સન્નાટો છવાઇ ગયો હતો....સવારની ઠંડી ઉડાડવા ચાની લારીએ ચા પીવા આવેલા માણસો આ નઝારો જોઇ તરત ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા. ચાની રેંકડીવાળો પણ શૈતાનસીંગ જીપમાં ગોઠવાયો ત્યાં સુધીમાં બધુ આટોપીને અંતર્રધ્યાન થઇ ગયો હતો.
“ આને કયાં લઇ જશું સાહેબ....?” વીજયે ગેહલોત પાછળ દોરવાતા તેને પુછયુ....આ પ્રશ્ન તો હતો જ, કારણ કે તેઓ શૈતાનસીંગને પોલીસચોકીએ તો લઇ જઇ શકે તેમ નહોતા. ગેહલોત ઘડીભર વીચારમાં પડયો... વીજયનો ફોન આવ્યો ત્યારે તે સુતો હતો. જે રીતે વીજય ફોનમાં બોલ્યો તેના ઉપરથી તેણે વાતની ગંભીરતાને સમજી હતી અને તૈયાર થયા વગર જ તે ભાગ્યો હતો. શું છે.... શું કરવાનું છે ? એ બાબતની કોઇ જ ચર્ચા તેમની વચ્ચે થઇ નહોતી એટલે વીજયના પ્રશ્ને ઘડીભર માટે તેને પણ વીચારમાં મુકી દીધો હતો... અચાનક તેને બત્તી થઇ.
“ અહી જ પતાવી નાંખીએ....ચાલ મારી સાથે...” તેણે વીજયને કહયું અને શૈતાનસીંગની પાછળ તેઓ પણ જીપની પાછલી સીટમાં ગોઠવાયા.
બહાર હજુ પુરતો ઉજાસ ફેલાયો નહોતો. તેમાં પણ દુર સુધી ફેલાયેલા ધુમ્મસના કારણે વાતાવરણ હજુ પણ અંધકારમય ભાસતુ હતુ. જીપની પાછલી સીટ પર બેઠેલા ગેહલોત અને વીજય બંનેને આછા અંધકારને લીધે શૈતાસીંગનો ચહેરો બરાબર દેખાતો નહોતો. ગેહલોતે બરાબર તેની સામેની સીટમાં બેઠક લીધી.
“ હાં તો, ભાઇ.... તારુ નામ શું છે....?” ગેહલોતે સાવ શાંતીથી પ્રશ્ન પુછયો અને શૈતાનસીંગના ચહેરામાં નજરો ખૂંપાવી. શૈતાનસીંગ ખામોશ રહયો, જાણે તેણે પ્રશ્ન સાંભળ્યો જ ન હોય....બે-પાંચ સેકંન્ડો માટે જીપમાં ખામોશી પ્રસરેલી રહી .” સટ્ટાક....” અચાનક શૈતાનસીંગના ગાલે ગેહલોતે એક થપ્પડ ચોડી દીધી. શાંત વાતાવરણમાં એ થપ્પડની ગુંજ સંભળાઇ ઉઠી. શૈતાનસીંગનો ગાલ ચચરી ઉઠયો. તેને લાગ્યુ જાણે કોઇકે તેના ગાલ ઉપર ગરમ-ગરમ તવીથો ચીપકાવી દીધો...ગેહલોતના આમ અચાનક રીએકશનની તેને બીલકુલ આશા ન હતી.
“ તારુ નામ...?” ક્રુરતાભર્યા ઠંડા અવાજે ગેહલોતે પ્રશ્ન ફરી દોહરાવ્યો.
“ શૈતાન....શૈતાનસીંગ.....” તે ધ્રુજી ઉઠયો.
“ શૈતાનસીંગ...વાહ.મા-બાપે નામ પણ બહુ સમજી વિચારીને પાડયુ લાગે છે. તારા લક્ષણો પારણામાંથી જ પારખી ગયા હશે....”
“ પણ મેં કર્યુ છે શું....? મને પકડયો શું કામ...? અને તમે છો કોણ...?”
“ પ્રશ્ન ફક્ત હું પુછીશ....તારે તેના ઉત્તરો આપવાના છે સમજ્યો...? આ વીજયની પાછળ તું કોના કહેવાથી લાગ્યો છે....?” ગેહલોતે તેના હાથમાં રહેલી પીસ્તોલને શૈતાનસીંગના ગોઠણની ઢાંકણીએ ખૂંપાવતા પુછયુ. શૈતાનસીંગ જીપની ફર્શ ઉપર પગ લટકાવીને બેઠો હતો. તેણે ગેહલોતની એ હરકત નીહાળી અને તે ફરીવાર ધ્રજી ઉઠયો. ભુલે-ચુકે પણ જો ગેહલોતની આંગળી ટ્રીગર ઉપર દબાણી તો તેનો ગોઠણ પગથી જુદો પડી જાય એ નક્કી હતુ....અને તેને સામે બેસેલા શખ્શની નજરોમાં રમતા ખતરનાક ઇરાદાઓ સ્પષ્ટ વંચાતા હતા. શૈતાનસીંગે ઉંડો શ્વાસ લીધો અને જાણે શરણાગતી સ્વીકારતો હોય તેમ શરીરને ઢીલુ કરીને શ્વાસ છોડયો.
“ વીરજીના કહેવાથી હું આ યુવાનનો પીછો કરતો હતો....”
“ કોણ વીરજી....?” ગેહલોતે પુછયુ. તેના માટે આ નવું નામ હતુ. વીજયે પણ આ પહેલા આ નામ કયાંય સાંભળ્યુ નહોતુ.
“ વીરજી ખુમાણ.... તેણે મને આ કામ સોંપ્યુ હતું....”
“ શું કામ....?”
“ એ હું નથી જાણતો.....”
“ જીંદગીભર તું કાખમાં ઘોડી લઇને તો ચાલવા નહી જ માંગતો હોય....” ગેહલોતે ગનની નળી ફરી વખત તેના ગોઠણે દબાવતા કહયુ.
“ ખરેખર હું નથી જાણતો. આટલુ કહુ છુ તો એ જણાવવામાં મારુ શું જાય છે....” શૈતાનસીંગ બોલ્યો. જીંદગીમાં કયારેય તે આવી સ્થિતિમાં મુકાયો નહોતો એટલે તેના મનમાં ભયંકર ક્રોધ અને નાલેશીની ભાવના જાગ્રત થઇ હતી. બે-બદામના જુવાનીયાઓ એક નાનકડી અમથી ગનના જોરે તેના જેવા ખૂંખાર માણસને બાનમાં રાખી રહયા હતા એ વિચારે તેનું લોહી ધગધગી રહયુ હતુ. તે કંઇક હરકત કરવા માંગતો હતો પરંતુ જે સખ્તાઇથી સામે બેઠેલા માણસે ગન તેના ગોઠણે મુકી હતી તેના ઉપરથી તેણે અનુમાન લગાવ્યુ હતુ કે એ શખ્સ કોઇ સામાન્ય વ્યક્તિ તો નથી જ.... યા તો તે પોલીસવાળો હશે અથવા કોઇ મોટો ગુનેગાર. તેમ છતાં તેના મનમાં અહીથી છટકવાની ગડમથલ તો ચાલતી જ હતી.
“ આ વીરજી ખુમાણ કયાં મળશે....? અને એ છે કોણ...? મેં આ નામ મારી જીંદગીમાં કયારેય સાંભળ્યુ નથી...” વીજય બોલી ઉઠયો. તેને હેરત થતી હતી કે આખરે આ વીરજી નામના માણસને તેની સાથે શું દુશ્મની હોઇ શકે....!!! અત્યાર સુધીમાં આ નામ તેણે કયારેય સાંભળ્યુ પણ નહોતુ.
“ વીરજી ખુમાણ બાપુનો માણસ છે....એ તમને પંચાલ ગઢમાં મળશે, મહેસાણા પાસે.” શૈતાનસીંગે માહિતી આપી.
“ એક મીનીટ....એક મીનીટ.... હવે આ બાપુ કોણ છે....? તું ગોળ-ગોળ વાતને ઘુમાવ નહી. પહેલેથી કહે કે આખરે તમારો મકસદ શું છે....?”
“ મેં કહયુને. મને કંઇ જ ખબર નથી. મને ફોન આવ્યો હતો કે તમારી ઉપર નજર રાખવી એટલે હું તમારી પાછળ લાગ્યો. વધારે કંઇ પુછવુ મને જરૂરી ન લાગ્યુ. મનેતો મારા કામથી મતલબ છે...”
“ ચાલ.... અમને પંચાલગઢ લઇ જા....” વીજયે એકાએક કહયુ. ગેહલોતે વીજય સામુ જોયુ. તેને પણ આ વાત ઉચીત લાગતી હતી.
“ મને કોઇ વાંધો નથી. ચાલો...” શૈતાનસીંગે તરત હામી ભરી. એમાં જો કે તેની ગણતરી હતી. તે આ લોકોના હાથમાંથી છટકવા માંગતો હતો. આબુથી મહેસાણા અને ત્યાંથી પંચાલગઢ પહોંચતા કમ સે કમ બે કલાકથી વધુ સમય લાગવાનો હતો. આ સફર દરમ્યાન વચ્ચે રસ્તામાં જ તે કંઇક કીમીયો વાપરી છટકી જવાની પેરવીમાં લાગ્યો હતો.
“ વીજય... તું જીપ ચલાવ. બાકીની વાતો આપણે રસ્તામાં કરીશું.” ગેહલોતે વીજયને કહયુ એટલે વીજયે નીચે ઉતરી જીપનું સ્ટીયરીંગ સંભાળ્યુ. જીપ સ્ટાર્ટ કરી તેણે જીપને આબુ પર્વત ઉતરવાનાં રસ્તે નાંખી.
******************************************
“ રેવા...ગો....” વીરજીએ ઓરડી તરફ દોડતા રેવાને છુટો મુકયો હતો અને તેણે પોતે પણ દોટ મુકી હતી. રેવાના પાતળા દેહમાં અચાનક સ્ફુર્તી આવી અને મોટી છલાંગો ભરતો તે વીરા જ્યાં ઉભો હતો એ તરફ લપક્યો. વીરા હજુ પણ કંઇક અનીર્ણાયત્મક દશામાં ભીતમાં પડેલા બાકોરા પાસે જ ઉભો હતો. ખરેખર તો તેને સમજાતુ નહોતુ કે પહેલા તે દોડીને વીરજી પાસે જાય કે પછી ખેતર તરફ દોડે....? તે હજુ કંઇ નક્કી કરે એ પહેલા તો રેવા ભારે વેગથી તેની તરફ દોડી આવ્યો અને મોન્ટીએ પાડેલા બાકોરામાંથી બહાર નીકળી ખેતરમાં ખાબક્યો હતો. એ સમય દરમ્યાન વીરજી પણ ત્યાં દોડી આવ્યો હતો.
“ અહી બેવકુફની માફક ઉભો છે શું....? દોડ અને પેલા બંનેને પકડ....નહીતર બાપુ આપણી ખાલ ઉતરાવી નાંખશે.” વીરજીએ ભારે ક્રોધમાં વીરાને ધમકાવ્યો. વીરાને અચાનક જાણે ભાન થયુ હોય એમ તે આગળ જતા રેવા પાછળ દોડયો.
ઘડીભરમાં તો ત્યાં ધમાચકડી મચી ગઇ હતી... રીતુ અને મોન્ટી ખેતરો માં આડ-બીડ, આખડતા-પડતા ઘણે દુર નીકળી ચુકયા હતા. તેમની પાછળ રેવા સ્ફુર્તીથી ધસી રહયો હતો અને છેલ્લે વીરજી અને વીરા પોતાના ભારેખમ શરીરોને મહા-મહેનતે દોડાવી રહયા હતા. તે બંન્ને ને રેવા ઉપર ભરોસો હતો કે રેવા જરૂર મોન્ટી અને રીતુને પકડી પાડશે.... અને એ હકીકત પણ હતી. જો રેવા ન હોત તો કયારેય તેઓ તેને આંબી શકવાના નહોતા. બાપુની સેવામાં આવ્યા બાદ તે બંનેએ ફક્ત પોતાના શરીરની ચરબી વધારવાનું જ કામ કર્યુ હતુ. આવી રીતે કોઇની પાછળ ભાગવુ પડશે એવુ તો તેમણે સ્વપ્નેય વિચાર્યુ નહી હોય. તેમના ભારેખમ, એદી બની ગયેલા શરીર કાચબા ગતીએ ખેતરમાં રેવાની પાછળ દોડતા હતા. ઘડીભરમાં તો તે બંને ને હાંફ ચડી આવ્યો હતો.... ખેતરોમાં દોડવુ આમ પણ આસાન નથી હોતુ. ઉભી મોલાત વચ્ચે માટીના પાળા કુદાવતા દોડવુ બહુ અઘરુ હોય છે તેનો જાત અનુભવ અત્યારે તે બંનેને થઇ રહયો હતો. તેમની પાસે આશ્વાસન લેવા જેવુ કંઇ હોય તો ફક્ત રેવા જ હતો.... તેમનો બધો જ દારોમદાર હવે ફક્ત રેવા ઉપર જ હતો.
રેવા છલાંગ ભરતો ખુબ જ ઝનુનપુર્વક દોડતો હતો. કુતરામાં આ જાતી બહુ જ ખતરનાક ગણાય છે. તેની અડફેટમાં આવવાનું ભાગ્યે જ કોઇ પસંદ કરે.... કારણ કે ડોબરમેન પિન્થરના જડબામાં સપડાવું એ સાક્ષાત મોતનાં દર્શન કરવા બરાબર હતુ. મોન્ટી અને રીતુ ખેતરના બીજા છેડાએ પહોંચી ચુકયા હતા. મોન્ટીએ સખ્તાઇથી રીતુનો હાથ પકડયો અને તેને આગળ ખેંચતો હતો. તેમના શરીર ધુળ અને ગારામાં રગદોળાઇને મેલાં થઇ ગયા હતા. ખેતરના એ તરફનાં વિસ્તારને તારની ફેન્સીંગથી કવર કરવામાં આવ્યો હતો. મોન્ટીએ પહેલા તારની ફેન્સીંગ નીહાળી અને પછી ગરદન ઘુમાવી પાછળ ફર્યો....ઘણે દુર તેણે પેલી ઓરડી દેખાતી હતી જેમાંથી તેઓ ભાગી નીકળ્યા હતા.... અને પછી તેની નજર ગોઠણ સમાણા ઉગી નીકળેલા છોડવાઓ વચ્ચે દોડી આવતા રેવા ઉપર પડી. રેવાને જોતા જ મોન્ટીનું હ્રદય ઉછળીને તેના મોંમાં આવી ગયુ. તેને ખ્યાલ તો હતો જ કે એ કુતરો તેમના માટે ખતરારૂપ સાબીત થશે પરંતુ તે આટલુ ઝડપી રીતે થશે એ તેણે વિચાર્યુ નહોતુ.
“ રીતુ....જલ્દી ભાગ....” મોન્ટી બોલ્યો. તેની નજર હજુ પણ રેવા ઉપર જ હતી. રીતુએ પાછળ જોયુ અને તેની પણ હાલત મોન્ટીની જેવી જ થઇ.... “ ઓહ માય ગોડ...ઓહ માય ગોડ.... મોન્ટી....પેલો કુતરો.... હવે શું કરીશું....?” તેણે અચાનક જ ગભરાઇને બુમો પાડવાનુ ચાલુ કર્યુ. મોન્ટીએ તેને ખેંચી અને તારની ફેન્સીંગ તરફ લપકયો. તેની પાસે સમય ખુબ જ થોડો હતો. તેને ખબર હતી કે ચંદ સેકન્ડોમાં જ રેવા તેમને આંબી જશે અને પછી તેમને ફાડી ખાશે. તેની તો ઠીક પણ અચાનક તેને રીતુની ફીકર થઇ આવી.... તેણે રીતુને તાર તરફ ધકેલી.
“ જો કુતરાથી બચવુ હશે તો આપણે આ તારની ફેન્સીંગ વટવી પડશે રીતુ....તું એ કરી શકીશ....?” તેણે રીતુની નજરોમાં તાકતા પુછયુ. રીતુની આંખોમાં દુનીયાભરનો ગભરાટ ડોકાઇ રહયો હતો. વારે-વારે તેની નજરો ખેતર તરફ ખેંચાઇ રહી હતી. સાક્ષાત મોતને નજીક આવતું તે જોઇ શકતી હતી. ધડકતા હૈયે તેણે કાંટાળી ફેન્સીગનો ઉપલો એક તાર સાવઘાનીથી પકડયો અને નીચેના તાર ઉપર પગ મુકી ઉપર ચડવાની કોશીષ કરી. ખુલ્લા પગે ફેન્સીંગ ઉપર ચડવુ ઘણું કપરુ કામ હતુ પરંતુ મન મક્કમ કરીને તે ઉપર ચડવા લાગી. ફેન્સીંગમાં ઠેક-ઠેકાણે ખોડેલા અણીયાળા ખીલ્લા જેવા તારના ટુકડા તેના સુંવાળા હાથ અને પગમાં ચૂભી રહયા હતા જેનાલીધે ઘણે ઠેકાણે છરકા પડી લોહી નીકળવા લાગ્યુ હતું. માંડ-માંડ તે વાડની ઉપર ચડી અને પછી કંઇ પણ વિચાર્યા વગર તેણે બીજી બાજુ કુદકો લગાવી દીધો.... બીજી તરફ પાણી ભરેલા કયારામાં તે ખાબકી પણ હવે તેના જીવને થોડી નીરાંત થઇ હતી.
“ મોન્ટી...જલ્દી....” રીતુએ કાદવવાળા હાથ ખંખેરતા ઉભા થઇ ફેન્સીગની નજીક આવતા કહયું.
મોન્ટીની હાલત ખસ્તા હતી. રીતુને પહેલા ઉપર ચડાવવી જરૂરી હતી પરંતુ એમ કરવામાં અત્યંત કિંમતી સમય તેણે ગુમાવ્યો હતો. પળે-પળે રેવા તેની નજીક આવતો જતો હતો. તેમની વચ્ચે હવે ચંદ ફલાંગોનો જ ફાસલો રહયો હતો.... એકદમ નજદીક આવ્યે જતા રેવાના ગળામાંથી નીકળતી ઘર્રાટી તેના કાને સ્પષ્ટ સંભળાતી હતી.... તેણે ફેન્સીંગ ઉપર પગ મુકયો એ જ સમયે રેવા તેને આંબી ગયો હતો. રેવાએ છલાંગ લગાવીને સીધા મોન્ટીના જમણા પગની પીંડીમાં તેના ખતરનાક અણીયાળા દાંત ખૂંપાવી દીધા... મોન્ટીના ગળામાંથી રાડ ફાટી પડી.... બે-ઘડી તેને કોઇ અસર ન થઇ પણ સેકન્ડો પછી જાણે કોઇએ ધગધગતા ખીલ્લાઓ પીંડીમાં ખોસી દીધા હોય એવી બળતરા ઉપડી. અનાયાસે મોન્ટીની આંખોમાં આંસુ ઉભરાયા અને ગળામાંથી ચીખોની શૃંખલા નીકળી પડી... તે બેતહાશા ચીખવા માંડયો. તારે લટકતા રહીને રડતા-રડતા તે ચીલ્લાઇ રહયો હતો. ફેન્સીંગનો ઉપલો તાર મજબુતીથી તેણે પકડી રાખ્યો હતો. એ તાર છોડવાની તેની હિંમત ચાલતી નહોતી. જો એ તાર તે મુકી દે તો સીધો જ પાછળ ખેતરમાં પડે અને જો એમ થાય તો રેવા તેને ચોક્કસ ફાડી ખાય એ નક્કી હતુ..... મોન્ટીએ બળ કરીને પગને ઝકઝોરયો. એ ઝટકાથી રેવાના દાંતની પકડ પીંડીઓ પરથી છુટી જાય એવી તેની ગણતરી હતી પરંતુ એમ કરવાથી તો ઉલટાનો રેવા વધુ ઝનુને ભરાયો અને પોતાના જડબા વધુ સખ્તાઇથી ભીંસ્યા અને તેણે મોન્ટીને પાછળ ખેંચવા જોર અજમાંવ્યુ.... મોન્ટીના જમણા પગની પીંડીમાંથી માંસનો લોચો ઉખડયો અને તેમાંથી લોહીની ધીર ફુટી નીકળી. રેવાના લાંબા જડબામાં સખત તાકાત હતી. એક વખત દાંત ભીંસ્યા પછી તેનો એક જ મકસદ હતો, કોઇપણ ભોગે મોન્ટીને નીચે પાડી તેને નશ્યત કરવાનો, એટલે તે ઝનૂનથી ઘુરકીયા કરતો મોન્ટીના પગને ખેંચી રહયો હતો.
આખરે મોન્ટીની હિંમતે જવાબ દઇ દીધો. તેના હાથની પકડ તાર ઉપરથી છુટી અને પીઠભેર તે ખેતરની માટી ઉપર ખાબકયો.... એ જ સમયે રેવાએ મોન્ટીનો પગ છોડયો અને તે મોન્ટીના ચહેરા તરફ લપકયો. એકદમ જ તે મોન્ટીના ચહેરા ઉપર તેનો ચહેરો લઇ ગયો. તેની કાળી ભૂરી આંખોમાં આગ લપકતી હતી. તેના મોંની ઉપરની ચામડી ઘુરકાટ કરવાના કારણે ઉપર ખેંચાતી હતી એટલે તેના કાતીલ કરવત જેવા દાંત ખુલ્લા થતા હતા. એ દાંતોમાં અને તેના મોઢાની કાળી ચામડી ઉપરથી મોન્ટીની પીંડીનું લાલ લોહી ઝમતુ હતુ. એ લોહીની બુંદો મોન્ટીના ચહેરા ઉપર ટપકતી હતી.....માઝરો એટલો ખતરનાક મોડ લઇ ચુકયો હતો કે જો રેવા મોન્ટીની ગરદન ઉપર તેના દાંત ખૂંપાવે તો મોન્ટીનું મોત નિશ્ચિત હતુ.... અને રેવાએ એ માટે તેનું જડબુ ઉઘાડયું જ હતુ કે અચાનક તે થંભી ગયો.
રેવાના થંભી જવાનું કારણ વીરજીનો હાકોટો હતો. દુરથી દોડતા આવતા વીરજીએ રેવાને મોન્ટી ઉપર હુમલો કરતા જોયો અને તેણે હાકોટઓ પાડયો હતો.... પોતાના માલીકનો અવાજ સાંભળતા જ રેવાએ તેનું મોંઢુ ઉંચું કર્યુ અને થોડુ પાછળ હટીને મોન્ટીની છાતી ઉપર પોતાના બંને પગ ટેકવી એવી રીતે ઉભો રહયો જાણે તે પોતાના માલીકને તેનો શિકાર ધરી રહયો હોય....
“ રીતુ.... તું ભાગ.......” મોતના મોં માં ફસાઇ ગયો હોવા છતા મોન્ટીએ પોતાની ડોકને થોડી અધ્ધર કરી ફેન્સીંગની પાછળ ઉભેલી રીતુને કહયુ. “ તું જા અહીથી....” તેની આંખોમાં આજીજી તરતી હતી.
રીતુને શું કરવુ જોઇએ સમજાતુ નહોતુ. તે થર-થર ધ્રુજતી ત્યાં જ ઉભી હતી. પિન્શર રેવાએ જે હાલ મોન્ટીના કર્યા હતા એ જોઇને તેના જીગરમાં એક સ્તબ્ધતા વ્યાપી ગઇ હતી. એ સ્તબ્ધતામાં જ તેણે મોન્ટીનો અવાજ સંભળ્યો હતો અને તેની આંખોમાં ઉભરતી નિસહાયતા દેખાતી હતી.... યસ્સ, મોન્ટીને સહાયની જરૂર હતી. અને એ સહાય શોધવા માટે તેને અહીથી જવું જરૂરી લાગતુ હતુ...તેણે પીઠ ફેરવી અને વધુ વિચાર કર્યા વગર ઝનૂનથી તે દોડવા લાગી.
એ જ ક્ષણે વીરજી અને વીરા મોન્ટીની નજીક આવી પહોંચ્યા. વીરાએ રેવાનો કબજો લીધો અને વીરજીએ જમીન ઉપર ચત્તાપાટ પડેલા મોન્ટીની તરફ નજર કરી. પછી તેણ દુર નીકળી ચુકેલી રીતુને જોઇ....રેવાને રીતુની પાછળ દોડાવવો તેને અર્થહીન લાગતુ હતુ કારણ કે તેના માટે રેવાએ પાંચ ફુટ ઉંચી તારની ફેન્સીંગ ઠેકવી પડે એમ હતી...
“ આને ફાર્મમાં લેવડાવી લે.... હું બાપુને જાણ કરી એ છોકરી પાછળ કોઇકની વ્યવસ્થા કરાવુ છું.....” વીરજીએ વીરાને ઉદેશી કહયુ અને ફોન કાઢયો.
*************************************
વીજયે પુરી રફતારથી જીપ ભગાવી હતી. શૈતાનસીંગના રૂપમાં તેના હાથમાં એક મજબુત કડી આવી હતી. આ કડી જ તેમને ગંતવ્ય સ્થાને પહોંચાડશે એની તેને ખાતરી થતી જતી હતી. આબુ પર્વતના શાર્પ વળાંકવાળા રસ્તા ઉપર તેજ ગતીએ ગાડી ભગાવી રહેલા વીજયના મનમાં ઘણા બધા વિચારો એકસાથે ઉમડી રહયા હતા.... ઘણી બધી કડીઓ આપસમાં જોડાઇ રહી હતી પરંતુ કોઇ ચિત્ર હજુ સ્પષ્ટ થતુ નહોતુ.
અડધી કલાકમાં તો વીજયે જીપને આબુ રોડની બજારમાં લાવી દીધી હતી. ત્યાંથી તેની મંઝીલ મહેસાણા પાસેનું પંચાલગઢ ગામ હતુ. તેણે કાંડે બાંધેલી રીસ્ટવોચમાં નજર કરી. સવારના સાડા આઠ થયા હતા. દસ વાગયા સુધીમાં મહેસાણા પહોંચી જવાશે એ ગણતરીએ તેણે પગને એક્સિલેટર ઉપર દાબ્યો....
( ક્રમશઃ )
પ્રવીણ પીઠડીયા
વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮
ફેસબુકઃ- Praveen Pithadiya