કહાની ફેઇક-બુક કી!
મને ઘણીવાર એ ખુબ જ અજુગતું લાગતું હોય છે જ્યારે માણસો પ્રેરણા માટે માત્ર પોતાનાથી વધુ સફળ થયેલા માણસોની સલાહો લેતા હોય છે અને મોટીવેટ થતા હોય છે. અરે તમારી આસપાસ કુદરત ભરી પડી છે, આસપાસ હજારો લાખો જીવ છે જે બિન્દાસ્ત બનીને કુદરતને ખોળે જીવી રહ્યા છે, અને તેઓ સફળ થવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો બતાવે છે: બસ...જીવતા રહો, કામ કરતા રહો. સખ્ત મહેનત કરીને જે મળે તે લઇ લો, અને આગળ વધો.
સાહેબ...એકાદ વાર મોટી નિષ્ફળતા મળે તો એક દિવસ દરિયા સામે કે ખુલ્લા આકાશ સામે જોઇને બેસી રહેજો, અને તમારા દરેક દુખ ભૂલી જશો.
પરંતુ હવે મૂળ વાત કરું: જ્યારે માણસો ઈન્ટરનેટ જેવા મીડીયમથી દુર બેઠેલ, અને તદન શબ્દો કે ઈમેજના જોરથી પોતાની જાત દુનિયા સામે મુક્ત માણસોની સફળતા જોઇને ખોટી રીતે મોટીવેટ થાય ત્યારે શું?
ફેસબુક એક એવું મીડીયમ છે જેના પર માણસો એકબીજાની નકલી લાઈફ જોઇને પોતે ડિપ્રેસ થાય છે, અને લઘુતાગ્રંથી અનુભવે છે.
ફેસબુક!
મને ખુબ સીરીયસ લાગતા આ એક ઈશ્યુ પર મારા વાંચકો અને ‘ગાંડા ફોલોઅર્સ’ ને આ વાત કહેવી છે. મને અનુસરવાનું બંધ કરો!
હા...આજકાલથી નહી, પરંતુ ઘણા સમયથી હું જોઉં છું કે અમુક થોડી-ઘણી લાઈક્સ મેળવી શકતા લેખકો કે પછી પ્રસિદ્ધ થવાની બળતરામાં લોકોને ગમે તેવું લખ્યા કરતા માણસોની પ્રોફાઈલ/ટાઈમલાઈન જોઇને એવા કેટલાયે તરુણ/યુવાનો છે જે આ બધાને અનુસરવાનું ચાલુ કરે છે! મોટીવેટ થાય છે! મને કેટલા બધા યુવાનોના ફોન આવે છે. કહે છે: કે તમારા જીવનની સ્ટ્રગલવાળી પોસ્ટ કે તમારો મોટીવેશન વાળો લેખ વાંચીને મને નોકરી છોડી દેવાનું કે ભણવાનું છોડી દઈ તમારી જેમ ખુશીવાળી લાઈફ જીવવાનું મન થાય છે!
વોટ ધ ફક? ગાંડા થયા છો? પહેલા તો મૂળ વાત: ફેસબુકમાં દેખાતો માણસ રીયલ લાઈફમાં ‘મોટેભાગે’ મળીને ‘પૈસા પડી જાય’ એવો જ હોય છે. ફેસબુક એક માસ્ક છે. અહી ‘મોટાભાગના’ લાઈક્સ અને પ્રસિદ્ધિ પામેલા માણસો ખરેખર ‘લાઈક્સ’ માટે પોતાની કહાનીઓ અને વાતોને ‘ફિક્શન’ બનાવીને જોરશોરથી લખતા હોય છે. ‘સત્ય’ તે એકલો જાણે છે! સત્ય એ છે કે અહી મોટીવેશનના ફુવારાઓ છોડતા માણસો ખુદની જિંદગીઓમાં ખરે સમયે હારેલા હોય છે. કોમન-સેન્સ વાપરો તો ખબર પડશે કે તેમણે લાઈફમાં કશું ‘નક્કર’ ઉકાળ્યું હોતું જ નથી. (આ માણસોમાં હું પણ આવી ગયો) એમણે લખેલા શબ્દો ‘પોર્ન’ જેવા હોય છે (જે થોડીવાર ઉત્સાહિત કરી દેશે, અને પછી બધું જનુન ગાયબ!) મહેરબાની કરીને તેમની ‘પ્રભા’માં આવીને ખુદના હૃદયનો અવાજ સાંભળવાનું બંધ ન કરશો. મારો કિસ્સો કહું: મેં કોલેજમાં ચેતનભગત વાંચેલો, પછી એમ જનુન ચડ્યું કે અંગ્રેજીમાં લખીને એના જેવો પ્રસિદ્ધ લેખક બનું. એની એવી તે અસર થઇ કે હું ખુદ ‘કુલ’ દેખાવા ખાતર અંગ્રેજી બ્લોગ લખતો થયો, અને હું ના ચાલ્યો! ખુબ નિરાશ થયો. આવું જ જય વસાવડા અને બક્ષીને વાંચીને થયું. એમના શબ્દોના વિશ્વ આખો દિવસ મારા દિમાગમાં ઘર કરી રહેતા. (અલબત, એમણે કહેલી ફિલોસોફી ખોટી નથી હોતી, પરંતુ સત્ય એ છે કે મારે ‘જયભાઈ કે બક્ષી’ નથી બનવાનું. કોઈ એક અવાજથી મારી જીંદગી નક્કી નથી કરવાની. એમના શબ્દો મને જરૂર સફળતા પામવામાં મદદ કરે, પરંતુ ‘માત્ર’ એ કહે એ સાચું માનીને જીવનના ડિસીઝન ન લેવા એ મને ખબર જ નહી. મારી પહેલી બુકમાં પણ બક્ષીની અદાઓના પડઘા પડે છે! આતે કેવું જનુન! હજુ હમણાં સુધી હું મારી જાતને જય વસાવડા જેવી બનાવવા મથતો! આ ખોટું છે. ભલે એમના શબ્દો યોગ્ય રાહ દેખાડતા છતાં.)
સોલ્યુશન: મારી વિશ્વમાનવ વાંચીને સંજય છેલે કહેલું: ‘લોકલ ગુજરાતી અવાજને અનુસરતો નહી, ગ્લોબલ માણસ બનજે.’ એમની વાત સાચી હતી. આજે જ્યારે મને ઘણા અનુસરવા લાગ્યા છે ત્યારે એમને વહેલી તકે આ વાહિયાત ‘પ્રભા’ માંથી બહાર નીકળવાના રસ્તા કહી દઉં. કદાચ કોઈ ફેસબુક સેલીબ્રીટી જેવા દેખાતા જીતેશ કે જય કે કોઈ પણ બીજા વ્યક્તિના ‘જેવા’ બનવાના ચક્કર માંથી બહાર આવે.
૧) ફેસબુક-વોટ્સએપના મોટીવેશનથી દુર રહો પ્લીઝ. ફેસબુકનો વધુ ઉપયોગ નિરાશા આપશે. જીવન ‘ખાલી’ લાગશે, અને ખુદ પાછળ રહી ગયાનો પરપોટો પેદા થશે. (આ બધાને લીધે પછી તમે કોઈ પ્રખ્યાત માણસની પોસ્ટ્સને આંધળા બની ‘ફોલો’ કરશો. મરશો.)
૨) નવરા પડ્યે ખુબ વાંચો. ગ્લોબલ લિટરેચર વાંચો. માત્ર ગુજરાતી લેખકો નહી, જગતભરના વિચારો વાંચો. ખાસ તો- નોવેલ્સ વાંચો. કાલ્પનિક દુનિયા તમને તમારી પોતાની જાત શોધતા શીખવશે. કહાનીઓ તમને બીજી હજાર જીંદગીના અનુભવ દેશે. એ અનુભવ તમને પોતાની જાતને ખોદીને શોધવામાં મદદ કરશે (ફેસબુક પર વેંચાતું મોટીવેશન નહી કરે. ક્યારેય નહી.) કોઈએ ન વાચ્યું હોય એવું શોધી-શોધીને વાંચો. (જાપાનીઝ લેખક હારુકી મુરાકામીનું ક્વોટ છે: ‘જો બધા વાંચે છે એવું જ તમે વાંચશો, તો તમે બધા જેવા જ બની જશો!’ )
૩) ભલા માણસ...મને અમુક ફોન એવા આવે છે કે “તમે કોલેજ પછી 12 નોકરીઓ છોડી દીધી અને પછી ફૂલટાઈમ લેખક બની ગયા, હવે તો ખુશીની લાઈફ હશે ને?” લો બોલો. વળી આ અનુયાયીઓને પોતાની નોકરી પણ છોડવી છે! સાહેબ...12 નોકરી છોડતી વખતે જીતેશ દોંગાની શું હાલત હતી એ ખબર છે? ખિસ્સામાં રૂપિયો ન હોય ત્યારે ક્રિયેટીવીટી મરી જાય, મોટીવેશનના પુસ્તકો કામ ન આવે, બક્ષી યાદ ન આવે. આવા સમયે મદદ કરે ખુદની ‘બાઉન્સ બેક’ થવાની તાકાત. આ તાકાત કેમ લાવવી? ખુદની અંદર જવાબો શોધીને. સતત પોતાની જાત સાથે વાત કરીને. પરીસ્થિતી પ્રમાણે બુદ્ધિ અને શાણપણ વાપરીને. જગતને જાણ્યું હોય તો આ હાલતમાં માત્ર તમારા માટે કઈ ફિલોસોફી યોગ્ય છે એ તમારું હૃદય જ બોલશે. કોઈ જીતેશ દોંગાના જીવનથી લીધેલું ઇન્સ્પીરેશન કામ નહી આવે.
૪) ફેસબુકમાં કોઈ પોતાની નિષ્ફળતાઓ નહી લખે, તમને મારી સફળતા દેખાશે, મારા આંસુ નહી. એટલે મારી પોસ્ટ કે વાતને આંધળા બનીને અનુસરતા પહેલા યાદ રહે: માણસનું સ્ટ્રગલ ખુબ લાંબા સમયની પ્રોસેસ હોય છે, એને જ્યારે એ ૨૦ લીટીના લેખમાં લખે ત્યારે અંધારા નહી જ દેખાય, અજવાળામાં તમે અંજાઈ જશો. યોગ્ય વાત એ છે: કોઈ કશું શેર કરે તે સારું હોય તો બિરદાવો, પણ ફેન ના બનો. રીયલ બુક્સ વાંચો. ખુબ વાંચો. ખુદના રસ્તા ખુદ બનો. ખુદના પાયોનીયર ખુદ બનો. તમારા સવાલ પેદા થયો તે બધી જ ઘટનાઓ સમયે સાક્ષી તમે જ હતા તો જવાબ તમને ખબર જ હોય. જાતને સમજો.
૫) અહી જેટલા માણસોના હજારો લાઈક્સ ભરેલા પેજ/પ્રોફાઈલ દેખાય છે એ હજારો કલાકોની મહેનત કરીને કમાયા છે. થોડી-થોડી વારે પોતે મુકેલી પોસ્ટની લાઈક્સ અને કોમેન્ટ્સ જોવા આવતા નથી, કામ કરે છે. ક્ષણને જીવે છે. અને કડવું સત્ય એ છે કે આવા હજારો-લાખો લાઈક્સ વાળા જગતની વસ્તીના 0.5% જ છે, અડધોઅડધ વસ્તીને તો FB શું એ ખબર પણ નથી, એટલે બીજાની ચહેરા પહેરેલી જિંદગીઓ જોઇને ફસાવા કરતા ‘સર જુકાઓ, કામ કરો.’ અને મોજથી બધું શેર કરો, પણ મોજ-ખાતર જ. સીરીયસ બનીને કોઈના ભક્તના બનવું.
કડવું સત્ય: આ ઈંટરનેટ જ્ઞાનનો અખૂટ ભંડારો છે, અને માણસ આને ખોલીને ફેસબુક કે વોટ્સએપમાં મથતા રહીને સપાટી પર તરતો રહે છે. આમાં જ અડધો દિવસ (i.e) અડધી લાઈફ બગડી નાખે છે. અહી માણસ પોતાના ફોટાને પણ પાંચ વાર એડિટ કરીને મુકે છે તો પોતાની વાતોને કેટલીવાર એડિટ કરતો હશે? વિચારો.