૧... તંત્રી સ્થાનેથી : ........... ..... ... નીવારોઝીન રાજકુમાર
૨ ... હરતા ફરતા : નિબંધ ‘મારું પ્રિય પ્રાણી વાઘ’ ...... અશ્વિન મજીઠિયા
૩ ... ટૂંકી વાર્તા :લોહીની અંદરનો ઘુઘવાટ ....... યોગેશ પંડ્યા
૪ ... પુસ્તક એકમિત્ર : ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા ....... નિમિષ વોરા
૫ ... અવનવું :અઘ્દ્-ઈરાની લગ્ન ........ વત્સલ ઠક્કર
૬ ... પ્રાસંગિક :મારી ચકલી ક્યાં ગઈ ......... નીતા કોટેચા
૭ ... ધારાવાહિક નવલકથા : મિ. લોર્ડ [પ્રકરણ-૨] ........ ઈરફાન સાથીયા
૮ ... રસથાળ :બો-ટાઈ પાસ્તા વિથ વેજીટેબલ્સ ....... અજય પંચાલ
ઇન્સટન્ટ અથાણાનો મસાલો બનાવવાની રીત ....... મીના મજીઠિયા
૯ ... અવસર :મોરારીબાપુનો અસ્મિતા-પર્વ ........ હેલી વોરા
રંગો, સંબંધો અને દહન :
આપણને સૌને યાદ હશે, આપણે નાના હતા ત્યારે હોળી વિષયે જાણવા, સમજવા મથતા. ભક્ત પ્રહલાદની વાર્તા સાંભળી હતી. પણ એથી વધુ તો હોળીના વાતાવરણ પર તથા આરોગ્ય પર થતા ફેરફારો વિશે જાણી બહુ પ્રભાવિત થતા. નાના બાળકોને ગળામાં પતાસાનો હાર પહેરી હોળી આજુબાજુ પ્રદક્ષિણા લેતા જોઈને નવાઈ યે લાગતી. પૂછતાં જણાતું, કે એમની પહેલી હોળીની થોડી ઝાળ કે ગરમી લગાડવાથી આખું વરસ તંદુરસ્તી સારી રહે. પણ હવે તો એવું ચોક્કસ લાગે છે, કે છાણા સળગાવીને કરેલી હોળીથી જ ફાયદો થાય, બાકી લાકડા બાળવાથી સ્વાસ્થ્ય પર કોઈ સારી અસર નહીં થતી હોય..!
યાદ આવે છે કે, બાળપણમાં ઘર પાસે ખેડૂતવાસ હતો એમાંથી નાની છોકરીઓ આવીને એકબીજાના હાથ પકડી બિહુ ડાન્સ જેવા ડાન્સ કરતી. આવા ઘણા ગીતો પણ ગાતી, અને હોળી માટે ફાળો ઉઘરાવતી- ”આસ્લી દેજો પાસ્લી દેજો.. મોટા ઘરનું ભાણું(?) દેજો, નહીં દે નહીં દે એને બાડુડો જમાઈ”- એવા ગીતો ગાતી અને અમે વાંરવાર એ ગીતો ગવડાવીને જ ખુબ હસતા હસતા ફાળો આપતા.
ધીમે ધીમે દેખાદેખીની હોળી- બીજા કરતા પોતાના વિસ્તારની હોળી મોટી દેખાડવાની રસાકસીમાં લાકડા અને એવા સામાનની ચોરી પણ થવા લાગી. હા, એ પ્રથા હજુ ચાલુ જ છે.
કહેવાય છે, કે હોળીના દિવસથી ગરમી શરુ થાય. માનસિક તૈયારી હોય જ કે હવે ગરમ કપડા કડવો લીમડો અને થોડા લવિંગ નાખી સાચવીને મૂકી દેવાના છે. અને એસી, પંખાનાં આશરે જવાનું છે. ગ્લોબલ-વોર્મિંગના કારણે આમ તો વાતાવરણમાં ભારે ફેરફારો થઈ રહ્યા છે, અને દરેક ઋતુ ધીમે ધીમે પાછળ ખસેડાઈ રહી છે, પણ તોય...હોળી પછી ગરમી આવે એની કોઈ ફરિયાદ જ ન હોય, એ પાકું..!
પણ જો હોળી- પ્રેમ, શાંતિ, શક્તિ, આનંદ, પવિત્રતા, એકતા, બંધુતા, ભાઇચારો એવો સરસ સંદેશ આપતી હોય તો નકારાત્મક વિચારો, સંબંધો, ટીકા, નિંદા, વલણો, ભાવો, અભિપ્રાયોનુ દહન થાય, તો જ સાચું હોલિકા-દહન થાય. બાકી આ મોંઘવારીના જમાનામાં ફક્ત એક રીવાજ રૂપે..એક પ્રથા રૂપે દર વર્ષે લાકડા અને છાણા બાળ્યા કરવાથી શું વળે?
રહી વાત રંગોના તહેવાર ધુળેટીની, તો વાત જ અનોખી છે. આપણા જીવનમાં આપણે લાગણીઓના અનેક રંગોથી રંગાતા હોઈએ છીએ. સ્નેહની પીચકારીથી રંગાઈ જવું..તરબતર થવું કોને ન ગમે? ધુળેટીમાં વપરાતા દરેક રંગ પણ પ્રતિકાત્મક હોય છે.
જુઓને, ધુળેટીમાં વપરાતા ગુલાલ જેવા કેટલાક રંગો, જે બહુ સહેલાઈથી આપણા પર લાગી જતા હોય છે, પણ કોઈ ઝાઝી તકલીફ વગર ધોવાઈય જતા હોય છે. જાણે કે સાવ નિખાલસ મિત્રતાના રંગો. એટલે રોજબરોજ આપણા જીવનમાં આવતા અને જતા, પણ સ્પર્શી જતા સંબંધો. ઝાઝી અપેક્ષાની પળોજણ ન હોય, એટલે જ્યારે મળે ત્યારે સીધા દિલને ગમી જાય..એવા સંબંધો હોય. એટલે વિસરાઈ જવાનો ડર તો રહે જ નહીં.
તો કેટલાક રંગોને ખુબ ઘસી ઘસી..તેલ ચોપડી..ખુબ પાણી વેડફી શરીર પરથી ઉતારવા પડે છે. એટલે કે એવા સંબંધો, કે જે આપણા જીવનને કોઈને કોઈ રીતે બહુ વધુ અસર કરી જતા હોય છે, અને પ્રયત્નપૂર્વક દૂર કરવા પડે છે. આપણે વેડફાઈ ગયા હોય તેવું લાગ્યા કરે, એવા હોય છે સંબંધો…!
તો વળી કેટલાક રંગોને ઉતરતા દિવસોના દિવસો લાગી જાય છે. એટલે કે, એવા સંબંધો, જે આપણે ધારીએ..પ્રયત્ન કરીએ તો પણ જલ્દી વિસરાતા નથી. એ સંબંધોમાં થયેલી તકલીફ એમ ઝટ ભુલાતી નથી. જેટલીવાર યાદ આવે, એટલી વાર દુઃખ સિવાય કશું જ યાદ ન અપાવે, એવા સંબંધો..!
અને એવા પણ કેટલાક રંગો હોય છે, જે લાગતાવેંત આંખો કે ચામડીમાં બળતરા ઉભી કરે છે, પણ કશું સમજાય, એ પહેલા તો એ નુકશાન કરી ચુક્યા હોય છે. અદ્દલ એવા સંબંધોની જેમ જ, કે જે શરુ થતાંવેંત તકલીફ આપવાનું શરુ કરે છે. પણ એની અસરમાંથી બચવું બહુ આકરું છે.
તો વળી કેટલાક રંગો ઉતારવામાં આપણા શરીરમાં ઉઝરડાઓ પડી જાય છે, કે પછી એ રંગોની એવી તો આડઅસર થાય છે, કે જીવનભર એક ખરાબ સંભારણા સિવાય બીજું કોઈ નામ ન આપી શકાય. એટલે કે એવા સંબંધો, જે પૂરા થયા પછી પણ કાયમ આપણા મનને..આત્માને પીડા આપ્યા કરે છે. એવી પીડા કે જે લોકો સામે કહી પણ ન શકાય અને લોકોને સમજાવી પણ ન શકાય..!
આ આખું રંગપુરાણ સમજતા એવું જ લાગે, કે આપણે તો રોજબરોજ આપણા સંપર્કમાં આવતા.. આપણને સ્પર્શી જતા સંબંધો જ રાખવા જોઈએ, જ્યારે લાગે..એટલે કે જ્યારે મળે ત્યારે તરોતાજા અને સોહામણા લાગે, કોઈ પણ બળતરા કે તકલીફ વગર.. સાવ સરળ, સુંદર નિસ્વાર્થ અને નિર્દોષ સંબંધો.
પરાણે લગાડેલા રંગોની વાત ફરી ક્યારેક, પણ હાલ તો મિત્રો, આ હોળી-ધૂળેટી તમારા જીવનના બધા જ દુઃખો, તકલીફો સળગાવી તમને ગુલાલ જેવા નિર્દોષ સંબધોમાં રંગી નાખે, એવી રંગારંગ શુભેચ્છાઓ સાથે અમે આ બીજો અંક આપણા હાથમાં મુકીએ છીએ. આશા રાખીએ કે આપણે આ પસંદ આવશે. આપનાં અભિપ્રાયોની સતત અપેક્ષાઓ સાથે..
.
શબ્દાવકાશ ટીમ વતી,--
નીવારોઝીન રાજકુમાર
*મારું પ્રિય પ્રાણી, વાઘ*
વાંચક-મિત્રો માસુમ ભૂલકાઓના નિર્દોષ નિબંધો વાંચવા પણ એક લ્હાવો હોય છે. જો કે એ લ્હાવો તો ફક્ત તેમના શિક્ષકોને જ પ્રાપ્ત થતો હશે, આપણે તો ફક્ત કલ્પના જ કરવી રહી, કે આ અબુધ બાળકો, જયારે પોતાની કલ્પનાઓના ઘોડા મનફાવે તે દિશામાં દોડાવતા દોડાવતા, પોતાની પેનને પણ એટલી જ ઝડપથી ચલાવતા હશે, ત્યારે ત્યાં જે લેખન-કાર્ય નિર્માણ થતું હશે, તે કેટલું નિર્દોષ હાસ્યજનક બની રહેતું હશે.
થોડા સમય પહેલા આવા જ રમુજી નિબંધોની કલ્પના કરીને જ કોઈક એક ફળદ્રુપ ભેજાએ એક એવો ટુચકો પ્રચલિત કરી મુક્યો હતો, કે એક બાળકને ક્યાંકથી કોઈક એકદમ ભરોસાપાત્ર ટીપ મળી, કે ‘મારો મિત્ર’ નામનો નિબંધ પરીક્ષામાં પુછાવાનો છે.
એટલે આ વિદ્યાર્થી તો ફક્ત તે જ નિબંધ ગોખીને પરીક્ષા આપવા ગયો, અને તેના અચંબા વચ્ચે તેણે જોયું કે ‘મારો મિત્ર’ને બદલે ‘મારા પિતા’ નામનો નિબંધ પૂછાયો હતો. પણ આ બાળક ગભરાયો નહીં. તેણે હિંમત ન હારી, બલ્કે, એક યુક્તિ અજમાવી. પોતે ગોખેલો ‘મારો મિત્ર’ નિબંધ જ તેણે જેવો ગોખેલો હતો, તેવો ને તેવો જ, તેણે લખી નાખ્યો, ફક્ત એટલો જ ફરક કર્યો કે તે નિબંધમાં જ્યાં જ્યાં ‘મિત્ર’ શબ્દ હતો ત્યાં ત્યાં ‘પિતા’ શબ્દ લખી નાખ્યો. અને પછી જે નિબંધ લખાયો તેને વાંચી વાંચીને શિક્ષક તો હસી હસીને બેવડ વળી ગયા હશે.
ખેર, આ તો થઇ ગોખેલા નિબંધની વાત. પણ ધારો કે કોઈ નાનકડો વિદ્યાર્થી કોઈ પણ તૈયારી વગર પરીક્ષામાં જાય અને પછી પ્રશ્ન-પત્રમાં પુછાયેલ નિબંધના વિષયને પોતાની નિર્દોષ કલ્પનાઓના રંગે રંગીને લખી નાખે, ત્યારે ફરી પાછું ઉપર જણાવ્યું તેના કરતા ય એટલો વધુ રમુજી નિબંધ લખાઈ જાય, કે જે વાંચીને ફક્ત હસવું જ ન આવે, પરંતુ તે બાળકના આ અબુધ પરાક્રમ પર વ્હાલ પણ ઉપજી આવે.
તો જુઓ, પ્રસ્તુત છે આવું જ એક ઉદાહરણ.
ધારો કે આઠમાં ધોરણના છોકરાને ‘મારું પ્રિય પ્રાણી- વાઘ’ પર નિબંધ લખવાનું કહેવા આવ્યું હોય, અને કોઈ પણ તૈયારી વગર તે બાળક આ નિબંધ લખે, તો કેવું હાસ્ય તેમાંથી નીપજી શકે.
.
પ્રશ્ન: મારું પ્રિય પ્રાણી -વાઘ" આ વિષય પર નિબંધ લખો. [માર્ક ૧૦]
.
કલ્પેશ માંકડ (
ધોરણ ૮મું બ)
.
=મારું પ્રિય પ્રાણી વાઘ=
વાઘ મારું પ્રિય પ્રાણી છે. વાઘના શરીર પર પટ્ટા હોય છે. વાઘના શરીર પર પટ્ટા ભલે હોય તોય તે પટ્ટો પહેરતો નથી, કારણ..વાઘ એક પ્રાણી છે, અને માટે તે પેન્ટ પહેરતો નથી. કોઈ પણ પ્રાણી પેન્ટ પહેરતા નથી. ફક્ત માણસ જ પેન્ટ પહેરે છે. પેન્ટ ઢીલું હોય તો જ પટ્ટો પહેરવો પડે છે, નહીં તો પટ્ટાની કોઈ જ જરૂર નથી હોતી.
નાનપણમાં જો હું નાપાસ થતો, તો મારા પપ્પા મને પટ્ટાથી મારતા, પણ હવે નથી મારતા. ધારાવી (મુંબઈ)માં પટ્ટા ખુબ જ સસ્તા અને સરસ મળે છે, પણ મને ચામડાના પટ્ટા કરતા વાઘના પટ્ટા વધુ ગમે છે.
વાઘને ચાર પગ હોય છે પરંતુ હાથ એક પણ નથી હોતો. તે છતાં ય કોઈ તેને ‘અપંગ’ કે ‘લુલો’ કહીને ચીડવતું નથી..કારણ કે તે વાઘ છે.
વાઘને અંગ્રેજીમાં 'ટાયગર' કહેવાય. મારા એક મિત્ર બંટીના કુતરાનું નામ પણ ટાયગર છે. પણ મારા મિત્રનો એ કુતરો વાઘ નથી. કારણ..તેના શરીર પર પટ્ટા નથી, અને તેને વાઘની જેમ ત્રાડ નાખતા પણ નથી આવડતું. તે એક-સરખો બસ ભસતો જ રહે છે. ‘ભો..ભો, -ભો..ભો..ભો,‘ આ તેની ભસવાની સ્ટાઈલ છે.
અમારા પાડોસમાં રમેશ નામના એક મરાઠી અંકલ રહે છે. તેમનું આખું નામ રમેશ પાંડુરંગ વાઘ છે. હું અને બંટી તેમને વાઘકાકા કહીને બોલાવીએ છીએ.
અમારી સોસાયટીની મીટીંગમાં જો વાઘકાકા હાજર ન હોય તો બધા કહે છે કે –‘અરે, કોઈ વાઘને બોલાવો..!’
કારણ..સાચા વાઘને જોઈને તો બધાની હવા ટાઇટ થઇ જાય છે. સાચા વાઘથી તો બધા ગભરાય છે, પણ વાઘકાકાથી કોઈ નથી ગભરાતું, કારણ તેઓ એકદમ સીધા-સાદા છે.
વાઘકાકા, આય લવ યુ.
વાઘકાકા પ્યોર શાકાહારી છે. પણ ઓરિજીનલ વાઘ તો એકદમ ‘નો-શાકાહારી’ હોય છે. ઘણા લોકો કહે છે કે ચિકન-ટીક્કા, ચિકન-લોલીપોપ, ચિકન-ફ્રાઇડ, ચિકન ફ્રાઇડ-રાઈસ આ બધી આઇટમ એકદમ ટેસ્ટી હોય છે. પણ મેં તે ચાખી નથી, કેમ..કે મારી મમ્મીને ખબર પડે તો તે ખીજાય.
સાચા વાઘની મમ્મી નથી ખીજાતી તો પણ વાઘને આ બધી આઇટમ ટેસ્ટ કરવા નથી મળતી, કારણ કે તે જંગલમાં રહે છે, ત્યાં ચિકન ના મળે, અને એટલે જ તે બીજી ડીશીસ પર હાથ મારે છે. મતલબ કે, પગ મારે છે, કારણ..વાઘને હાથ નથી હોતા.
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. અમુક લોકો વાઘનો શિકાર કરે છે એ મને નથી ગમતું, કેમ કે ટીવીવાળાઓ કહે છે કે દુનિયામાં વાઘની સંખ્યા ઘટતી જાય છે.
મેં એકવાર એક એસએમએસ વાંચેલો કે –‘દુનિયામાં છોકરીઓની સંખ્યા પણ ઘટતી જાય છે, તો વાઘની પહેલા આપણે છોકરીઓને બચાવવી જોઈએ કારણ..બાઈક પર પાછળ બેસાડવા છોકરી જોઈએ, વાઘ
નહીં.’
હા આ વાત તો સાચી છે, પણ તોય મને લાગે છે કે વાઘને પણ બચાવવા જોઈએ કારણ તેના શરીર પર પટ્ટા હોય છે, જે ખુબ જ મસ્ત હોય છે.
તો ચાલો, આપણે બધાં પ્રતિજ્ઞા લઈએ, કે આજથી આપણે કોઈ વાઘનો શિકાર નહિ કરીએ.
જય હિન્દ.
જય મહારાષ્ટ્ર.
.
ખેર, આ નિબંધ જો સાચે જ લખાયો હોય, તો તેને તપાસનારે આ કલ્પેશભઈને કેટલા માર્ક્સ આપ્યા હશે તે તો ફરી પાછો કલ્પનાનો જ વિષય છે, પણ હા.. આ નિબંધ વાંચતા વાંચતા તે શિક્ષકના ચહેરા પર પણ ચોક્કસપણે તેવું જ હાસ્ય ફરકી ઉઠ્યું હશે, કે જે અત્યારે આપના ચહેરા પર દેખાય છે. ☺
-- અશ્વિન મજીઠીયા
*લોહીની અંદરનો ઘુઘવાટ*
ભગલા રાતે (હજામે) જ્યારે મોટા બાપુને સમાચાર આપ્યા, કે ‘‘વીડવાળું પચ્ચીસ વીઘાનું કટકુ તો સંગુભાએ કબજે કરી લીધું છે. એટલું જ નહીં, પણ એ વાડીની ફરતે ફેન્સીંગ બાંધી ખુંટાય મારી દીધા છે. દસ બાર દિવસ પહેલાં હળિયુ બળિયુ હંકાવીને કાલે વાવણી ય કરી દીધી છે બાપુ..! હવે એ કટકું તમારા હાથથી ગયું સમજો...”
સાંભળતા જ મોટાબાપુના ત્રેપન કરોડ રૂંવાટા સણેણાટ કરતા બેઠા થઇ ગયા- “સંગ્રામની આ હિંમત..! આવવા દે એને મારી સામો. દિકરો હોય તો શું થઇ ગયું? મારી ખાનદાની ને આબરૂનું છડેચોક લીલામ કરી નાખ્યું, ને આ રાજપરાની શેરીઓમાં ક્યાંય હાલવા જેવું રહેવા નથી દીધું એ કપાતરે તો..! એને તો મારી વંશવાળીમાંથી જ કાઢી નાંખ્યો છે, અને એ ઉઠીને મારા નામે ચોપડે ચડેલું કટકુ હાથવગે કરી ગયો? ખબરદાર સંગ્રામ આજ ફેંસલો થઇ ગયો સમજ. કાં તું નહીં ને કાં હું નહીં.” -ગુસ્સાથી થરથર કાંપતો વનરાજ બોડ ફરતે આમથી તેમ આંટા મારે એમ આજ ગઢની અંદર મોટા બાપુ ભીતરમાં ભડકો થઇને સળગતા નફરતની જ્વાળામાં શેકાતા હતા. એટલામાંજ ઘોડી ઉપર સજ્જ થઇને મોટો પુત્ર પ્રતાપ આવી પહોંચ્યો. મોટા બાપુએ રાડ નાંખી-
“પ્રતાપ...”
“જી બાપુ...” -પ્રતાપ ઘોડીનું ચોકડું હાથમાં લઇને નજીક આવ્યો.
“પ્રતાપ, ઓલ્યા કપાતરે શું ધારી છે, તને ખબર છે? એણે વીડવાળુ કટકુ દબ્બી દીધું.”
“હા બાપુ...” -પ્રતાપે ધીમેથી કહ્યું- ‘મને કાલે ખબર પડી, પણ જવા દો ને. ભલે ને મથતો. એના પરસેવે કમાય છે ને બાપુ, અને ગમે તેમ તોય...”
“નહીં...” -બાપુનો અવાજ ફાટી ગયો- “ઇ કપાતરને તો હું કયારેય મારા આ આંગણામાં કે વાડીમાં ખેતરમાં કે વીડમાં ટાંટિયો નહીં મુકવા દઉં. ઇ જેવો ટાંટિયો મુકશે, ઇ ભેળો એને ભાંગી નાંખીશ. કહી દે એને ફોન કર...” “હા બાપુ,” -પ્રતાપ ઘોડીને બાંધવા ઢાળિયા હેઠે લઇ ગયો. પણ મોટા બાપુની ધીરજ નહીં રહી. એ અષાઢી વાદળા જેમ ગર્જી ઉઠ્યા-
“મેં તને કીધું ને કે તું એને ફોન કર...”
પ્રતાપે મોબાઇલ હાથમાં લીધો. આમતેમ સ્વીચ દબાવી પણ લાગ્યો નહીં. તેણે લાચારીથી કહ્યું- ‘ફોન લાગતો નથી.”
‘નહીં લાગે. મને ખબર છે તારી...” -કહી ઝડપથી ઘોડી પાસે ગયા. ઘોડી છોડીને કુદકો મારીને ઘોડીએ ચડ્યા. જતા જતા મોટેથી ત્રાંડ્યા-
“આજ એને ખબર પડી જાશે કે બાપની સામે પડવામાં શું ખોવું પડે છે? આજ તો ઇ નહીં કે હું નહીં.” -કહેતા ઘોડીને ડાબો માર્યો. ઘોડી ઝાડ થઇને ભાગી.
પ્રતાપ ‘હં..હં... બાપુ’ કરતો રહ્યો, પણ મોટા બાપુ પાદર વટી ગયા હતા. તો પેલો ભગલો હજામ દારૂ ને દેતવા ભેગા કરીને ભાગી છુટ્યો હતો!
.
વાતમાં કંઇ નહોતુ. આજથી એકવીસ બાવીસ વરસ પહેલાં સંગ્રામ મીલટ્રીમાં જોડાયો હતો. ત્યારે એ રાજપરાનું ગૌરવ ગણાયું હતું. મોટા બાપુ પણ મુછે વળ દઇને ગામની સોંપટ નીકળતા હતા. હવે સંગ્રામ ધીરેધીરે કરતા કાશ્મિર, યુ.પી., દહેરાદુન, લેહ, એમ.પી. અને ત્યાંથી છેલ્લે રાજસ્થાનમાં પોસ્ટીંગ થતા આવ્યો હતો અને એક દિવસ અચાનક એક રાજસ્થાની છોકરી સાથે આંખ મળી ગઇ. કૌશલ્યા રાઠોડ પણ જેમતેમ નહોતી. એની રગમાંય અસ્સલ રાઠોડી લોહી ઉછળતું હતું. અને સંગ્રામે સિવીલ મેરેજ કરી લીધા.
મોટાબાપુને આ વાતની ખબર પડી. તેમને આ જરાય ગમ્યુ નહોતુ, એટલે સંગ્રામ કૌશલ્યાને લઇને ગઢમાં આશિર્વાદ લેવા આવ્યો ત્યારે બાપુ ન બોલવાનું બોલી ઉઠ્યા હતા.
સંગ્રામ હતપ્રભ થઇ ગયો હતો અને કૌશલ્યા રડી પડી હતી, કારણ કે સંગ્રામને કાંઇ કહેવામાં બાકી રાખ્યુ નહોતું.
આજે છ-છ મહિના થયા. બાપ-દિકરા વચ્ચેનો ગજગ્રાહ ઔર મજબુત થતો ગયો. રેશનકાર્ડમાંથી તો ઠીક, વંશાવલીમાંથી સંગ્રામ બાદ થઇ ગયો હતો. એટલે હવે સંગ્રામ મોટાબાપુ સામે પડયો.
મારતી ઘોડીએ જ્યારે મોટાબાપુ વીડવાળા કટકે આવ્યા ત્યારે ત્યાં કોઇ નહોતું. મોટાબાપુની આંખનો રંગ બદલાઇ ચુક્યો હતો. એમણે વાડી ફરતે આંટો માર્યો, પણ શેઢો બાંધીને ત્યાં કરેલી ફેન્સીંગ જોઇને કાળજે હડહડતું તેલ રેડાયું. ગુસ્સામાં આવીને ફેન્સીંગ તોડી નાંખી.
બીજે દિવસે સંગ્રામને ખબર પડી. એ સવારના પહોરમાંજ ગઢમાં આવ્યો ત્યારે મોટા બાપુ ઉઠીને ન્હાઇ ધોઇ સુરજ દેવને જળ ચડાવતા હતા.
“ચંદુભા...!” -સંગ્રામે આવીને રાડ નાંખી.
અને એના પ્રચંડ અવાજને કારણે પ્રતાપ, વચેટ ભાઇ સજ્જન, પડખે રહેતા કાકા સોમભા વગેરે દોડી આવ્યા. સંગ્રામની આંખો લાલચોળ હતી.
“ચંદુભા..” આજ એણે બાપુનુ સંબોધન પડતુ મુકીને માટાબાપુને ‘ચંદુભા‘ નામથી બોલાવ્યા હતા.
ગઇકાલે જે ઘટના ઘટી ગઇ તેની પ્રતાપને ખબર પડી ગઇ હતી. સમય પારખી એ સંગ્રામને બાવડું પકડીને એક કોર લઇ ગયો, કે મોટાબાપુ વચમાં પડ્યા-
“પ્રતાપ તું મૂક એને. મૂકી દે મારે જોવું છે કે એ શું કરી લે છે..!”
“હા હા... જોવું છે ને? પણ હું તમારી જેમ પીઠ પાછળથી ઘા નથી કરતો. આજ ચેતવણી આપવા આવ્યો છું કે હવે પછી એ મારી જમીનમાં પગ મૂકયો ને, તો તે દિ તમારી લાશ ઘરે આવશે સમજ્યા ચંદુભા.”
“હવે માર્યા ને ખાધા. નમાલા..! મનેય જોટાળી ચલાવતા આવડે છે અને મારી જોટાળી તો લાશ સરખુંય તારૂં શરીર રહેવા નહીં દે. અને તને કહી દઉં છું કે તારા બીસ્તરા પોટલા ઇ જમીનમાંથી ઉપાડી લેજે, નહીંતર મને ઉખાડતા આવડે છે. ઇ જમીન મારી છે મારી, ચંદુભાની..! સુવાંગ..! સમજ્યો? હાળા શિયાળિયા સાવઝ ક્યારે થઇ ગયા? ને કુતરા ઘરધણી થઇ ગયા?”
‘તમારી દાટીએ હું ભાગી જાઉં એવો કાયર નથી. મારા ધામા હવે ત્યાં જ રહેશે. ચોવીસે કલાક..! તમારી નજર સામે તમારી જ છાતી ઉપર હવે હળ હાંકવું છે. સાંભળી લેજો. હિસાબ ચુકતે કરવો હોય તે દિ‘ આંયા કોઇને પુછવા વાર નહીં રાખતા કે હું બાઝવા જાઉં..?” -કહેતો સંગ્રામ નીકળી ગયો.
આજે બે દિવસનો ઘૂઘવાટ હૈયામાં ઘૂમરાતો હતો. ‘મારૂ કાં મરૂ‘ નું ઝનુન પળેપળે બેવડાતું જતું હતું. એમાં ભગલાએ રાતે આવીને ઉંબાડિયું ચાંપ્યું-
“મોટાબાપુ ગજબ થયો.”
“શું થયુ વળી બોલ બોલ....”
“સગુભાની જમીન ઉપર તમે જે થાંભલા કાઢી નાંખ્યા‘તા ને? ઇ થાંભલા આજ તો બીજા દસ વીઘા સુધી લંબાઇ ગયા છે. આમને આમ તો તમારૂં બસો વીઘાનું વીડ કબજે નો કરી લે ક્યાંક.”
“હેં? થાંભલા પાછા ખોડ્યા એણે? અને એ પણ પાંત્રીસ વીઘા લગી?”
“હા બાપુ. આનું કઇંક કરવુ પડશે. દરદ ને દુશ્મન ઉગતા જ ભંડારી દેવા સારા..’ -અને મોટાબાપુની છાતી થડક ઉથડક થવા લાગી.
આજ જોટાળી હાથમાં લીધી ને ઘોડીએ પલાણ નાંખ્યા. એમની લાલચોળ આંખો સામે સંગ્રામનો ચહેરો જ દેખાતો હતો. બકડદમ બકડદમ કરતાં વાડીએ પૂગ્યા. ત્યારે સંગ્રામ ટ્રેકટર મૂકીને ઝાંપલી પ્ધોર આવતો હતો. મોટાબાપુએ જોયું ભગલા રાતની વાત સોળ આના સાચી હતી.
મોટાબાપુએ જોટાળી ખભેથી ઉતારી. કાળનું ખુન્નસ એની કંપતી આંગળીઓમાં લોહીની હારોહાર દોડતું હતું-
“ખબરદાર...!”
બેખબર સંગ્રામ અટકી ગયો.
“હું આજ હિસાબ ચૂકતે કરવા આવ્યો છુ.”
“હું તૈયાર જ છું ચંદુભા. કરી લો ઘા. પહેલો ઘા રાણાનો...”
સંગ્રામ અને મોટાબાપુની આંખોમાંથી તણખા ઝ્રર્યા. સંગ્રામે કહ્યું-
“કરી લો. ચાંપો જામગરીને કરો ભડાકો.”
“હજી સમજી જા. તને જીવતદાન આપું છું.”
“હું માંગણ, યાચક, ભીખારી નથી ચંદુભા, અને હું કાયર પણ નથી. આવા ખેલ તો આ દેશની રક્ષા કરતા કરતા ઘણાય ખેલી લીધા છે. યુધ્ધના મોરચે મિશાઇલના ને ટેન્કના નાળિયા ખભે ઝીલી ઝીલીને ખભા પાણા જેવા થઇ ગયા છે, ત્યાં આ તમારી રમકડા જેવી બે નાળીથી હું બી જાઉં? બાકી, આ જમીન હું છોડીશ નહીં. ઇ મારો હક્ક છે અને મારો હક્ક ઝુટવવાની કોશિષ મહેરબાની કરીને નહીં કરતા.”
“આ જમીન તારા બાપની છે?”
“હા, આ જમીન મારા બાપની છે અને મારો બાપ મારી સામે ઉભો ઇ છે. એના ખુનનો હું બનેલો છું અને મારા બાપનું ખુન જે દિ‘ દીકરાના ખુન લેવાનો પ્રયાસ કરશે, તે દિ‘ આ દિકરાનું ખુને ય ઓછુ નહીં ઉતરે સમજ્યા? અને એ ખુનના હક્ક હિસ્સાથી આ જમીન વાવી છે. ક્યાંય ધરમની જગ્યામાંથી ભીખ માગીને નથી વાવતો. જમીન મારા હ્ક્કની છે કારણ કે મારા બાપની છે. અને એનો હું દિકરો છું.”
પણ મોટાબાપુના હાથમાંથી બેનાળી હેઠી પડી ગઇ ને તેમની છાતી ગજગજ ફુલી રહી.
એ ઠેકડો મારીને નીચે ઉતર્યા. જે હાથ બેનાળી પકડીને સંગ્રામની સામે દુશ્મન બનીને તકાઇ રહ્યા હતા એજ હાથ બાપનું વહાલ બનીને દિકરા સામે લંબાઇ રહ્યા હતા.
“મારું લોહી...” -કહેતા એ સામા દોડ્યાને સંગ્રામને બાથમાં લેતા, અંદરનો ઘૂઘવાટ આંસુ બનીને આંખથી નીતરી રહ્યો.
--
યોગેશ પંડ્યા
*
૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા*
પુસ્તક: ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા
લેખક: જુલે વર્ન
પ્રથમ આવૃત્તિ: જુન ૨૦૧૭ (ત્યારબાદ ૫ પુન:મુદ્રણ થઇ ચુક્યા છે)
ગુજરાતી અનુવાદ: દોલતભાઈ બી. નાયક
ગુજરાતી અનુવાદ પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
મિત્રો, જરા વિચારો અત્યારે તમને કોઈ કહે કે જાવ હું રૂપિયા આપું તમે ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછા આવી જાવ. તો બીજી સેકન્ડે આપણે વિઝાની લાઈનમાં ઉભા હોઈએ, કેમ કે આ કોઈ મોટું કામ થોડું છે યાર? એય ને મેપમાં પ્લાન કર્યો, એજન્ટની મદદ લીધી, વિઝા વિગેરેની પ્રોસેસ કરી અને નીકળી ગયા. ૮૦ દિવસ તો બહુ થઇ ગયા. હવે જરા ટાઈમ મશીનમાં બેસી ૧૮૭૩માં જાવ, ત્યારે કે જયારે પ્લેનની શોધને હજુ પુરા ૩ દાયકા બાકી હતા તે સમયમાં કોઈ કહે કે, ‘જા ભાઈ ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ, બધો ખર્ચો મારો’ તો આપણે તેને પાગલ જ સમજીએ.
પણ જુલે વર્ન જેનું નામ. આ લેખકે ૧૮૫૦-૧૯૦૦ના સમય દરમિયાન એવી એવી સાહસિક કથાઓ લખી છે કે એકવાર જો તેની બૂક હાથમાં આવી જાય તો પછી એકી બેઠકે વાંચ્યા બાદ જ તમારો છુટકારો થાય. આ લેખક વિષે વાંચન શોખીનોએ સાંભળ્યું જ હશે અને જો ના સાંભળ્યું હોય તો આપણે આ મહાન વ્યક્તિ વિષે શાંતીથી ક્યારેક ચોક્કસ જાણીશું. પણ આજે વાત કરીએ માત્ર તેની બૂક “TOUR DU MONDE EN QUATRE-VINGITS TOUR “ (ફ્રેંચ નામ છે જેનું ઈંગ્લીશમાં નામ છે- “AROUND THE WORLD IN EIGHTY DAYS”). લેખકશ્રી દોલતભાઈ બી. નાયકે તેમનું ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને આપણા સહુ પર એક મોટો ઉપકાર કર્યો છે. ગુજરાતીમાં આ પુસ્તકનું નામ છે ’૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’.
ફીલીયાસ ફોગ નાયકનું આવું વિચિત્ર નામ અને તેની આદતો પણ વિચિત્ર. લંડનનો બર્લિંગટન ગામનો રહેવાસી. વાર્તાની શરુઆતમાં જ નાયકની એન્ટ્રી અને તેની આદતોનું ખુબ ઉત્તેજના જગાવતું વર્ણન છે. તેની તેના મિત્રો સાથે વાતવાતમાંજ એક શરત લાગે છે ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરવાની. અને શરુ થાય છે એક રોમાંચક સફર.
માત્ર એક નાની હેન્ડબેગ, ૨૦ હજાર પાઉન્ડ જેટલી માતબર રકમ, જરૂરી વિઝા તેમજ પાસપોર્ટ અને નવા જ રાખેલા નોકર ‘જીન’ સાથે શરુ થાય છે ૨ ઓકટોબર ૧૮૭૨ બુધવારની રાત્રે એક અનોખી સફર. યાદ રહે મિત્રો અગાઉ કહ્યું તેમ આ સમયમાં આકાશમાં કઈ ઉડી શકે તેવું યંત્ર વિષે વિચારવું પણ ગજા બહારની વાત હતી. જે કઈ સાધનો હતા તે ટ્રેન, સ્ટીમર અને જે તે દેશના લોકલ ટ્રાન્સપોર્ટ. જુલે વર્ન હોય અને કઈ સસ્પેન્સ ના હોય તેવું તો બને નહિ. જી હા, અહી પણ એક ડીટેકટીવ આપણા ફોગની પાછળ લાગેલો છે જે વાર્તાને વધુ મજબુત રીતે જકડી રાખવામાં મદદરૂપ થાય છે.
જુલે વર્નને ભારત તરફે વધુ લાગણી હોય તેવું તેની ઘણી વાર્તાઓમાં દેખાઈ આવે છે. અહી પણ આઝાદી પહેલાનું ભારત આબેહુબ ઝીલાયું છે. તે સમયે હિન્દુસ્તાનમાં બંધાઈ રહેલા ગ્રેટ પેનન્સ્યુલર રેલમાર્ગનું કામ પૂરું થયેલું હતું. હા, આ ૧૯૭૨ના સમયગાળા દરમિયાન ભારતમાં રેલનું હજુ આગમન થયેલું. સુએઝથી ‘મોંગોલિયા’ નામના જહાજમાં મુંબઈ બંદરગાહે પગ મુકતાં જ અસલ સફરની શરૂઆત થાય છે. કેમકે સાવ નવા બંધાયેલ રેલ્વે ટ્રેક પર તેમને છેક મુંબઈથી કલકત્તા જવાનું હોય છે જ્યાંથી તેમને આગળની સ્ટીમર મળે. આ મુંબઈથી કલકત્તા સુધીની સફર દરમિયાન નાયકને ઘણા સારા-નરસા અનુભવો થાય છે. મંદિરનું વર્ણન હોય કે હાલમાં બહુ ગાજતો ટોપિક લોકોની ‘અસહિષ્ણુતા’ બાબતના અનુભવો હોય, સતી પ્રથા જેવા રીવાજો હોય કે કલકત્તા કોર્ટમાં કાવાદાવાના પ્રસંગો હોય સૌ પ્રસંગોમાં આપણે પોતાને સાંકળી શકીએ એટલી બારીકાઈથી તેણે તે સમયના ભારતનું નિરૂપણ કર્યું છે. હા, ખુબ આશ્ચર્ય અને આનંદ તો ત્યારે થાય જયારે તેમાં સર જમશેદજી જીજીભાઈને બ્રિટીશ સરકારે સર બેરોનેટનો ખિતાબ આપી સામ્રાજ્યના સહુથી મોટા સન્માનને પાત્ર ગણ્યા હતા, તેવો ઉલ્લેખ વાંચવા મળ્યો. અને અહીં ભારતથી જ કથાનું એકમાત્ર સ્ત્રી-પાત્ર ‘ઔડા’નું પણ આગમન થયું.
ત્યારબાદ મહાકાય દેશ ચીન અને સાવ નાના જાપાનની મુસાફરી પણ થાય અને તેના અનુભવો પણ વાંચવા મળે. પાછો પેલો ડીટેક્ટીવનો પીછો તો ખરો જ. જેનાથી નાયક કે તેનો નોકરની હવે તેની સાચી ઓળખ જાણ્યા વિના દોસ્તી પણ થઇ ગઈ હતી.
અમેરિકાની પશ્ચિમના સાનફ્રાન્સિસ્કોથી પૂર્વના ન્યુયોર્કને જોડતી રેલ્વે લાઈનની સફર દરમિયાન કયા સંજોગોમાં આ રેલ્વે લાઈન ચાલુ કરવામાં આવી તેનું પણ વર્ણન હોય, તો મોર્મન ગુરુના મુખે મોર્મનોનું મહાપુરાણ પણ આવે.
આ લેખકની બીજી ખાસિયત છે કે હમેશ વાર્તામાં વિજ્ઞાન તો હોય જ. અહીં પણ અમેરિકાના ‘એકીસન બો’ નામના સ્ટેશનની આગળ એક નબળા પુલ પરથી ટ્રેન પસાર કઈ રીતે કરી શકાય તે પણ કર્નલ અને ડ્રાઈવરની વાતચીતમાં જાણવા મળે, અને છતાં પુલ પરથી છેલ્લો ડબ્બો પસાર થતાં જ અઘટિત ઘટના બને. આ તેવો સમય હતો જયારે અમેરિકામાં રેડ ઇન્ડિયન આદિવાસીઓ એ યુરોપી સંસ્કૃતિના આક્રમણ સામે હિંસક પ્રતિરોધ કર્યો હતો. અને એજ વિદ્રોહ અહી આપણા નાયકને પણ નડે છે. સ્ટીમર, ટ્રેન, સ્લેજ ગાડી, પગપાળા, હાથીની સફર, ટગ બોટ, વિગેરેની રોમાંચક સફર દરમિયાન આપણે રોમાંચ તો મળે જ છે સાથે વિવિધ પ્રદેશો તેમજ મશીનો વિશેની જાણકારી પણ મળે છે. ગુલામીની જંજીરમાં જકડાયેલી એશિયા-આફ્રિકાની પ્રજા કે તેમની પ્રજાનું જ ભિન્ન ભિન્ન મનોદશાનું વર્ણન આબેહુબ ઝીલાયું છે.
આ રોમાંચક સફર પૂરી થાય છે ખરી? જો પૂરી થાય છે તો કેટલા દિવસમાં પૂરી થાય છે? શરત કોણ જીતે છે? ડિટેકટીવ શા માટે નાયકની પાછળ પડ્યો હતો? ઔડા કોણ હતી? સતી બનતા રોકવા માટે કે રેડ ઇન્ડિયનો સામે નાયકે શું કર્યું? નાયકને કલકત્તાની કોર્ટમાં કેમ જવાની જરૂર પડી?
આ બધા પ્રશ્નોનો જવાબ વાંચવા તમારે પણ વાંચવી જ રહી જુલે વર્નની અદ્ભુત કથા ’૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’
--
નિમિષ વોરા
*અઘ્દ્ : ઈરાની લગ્ન*
ઈરાન કે પર્શિયા કે ફારસ, આપણે માટે આજની તારિખમાં થોડો વધારે પડતો અજાણ્યો પ્રદેશ બની ગયો છે, પણ ઈરાની સભ્યતાનો આપણી પોતાની સભ્યતા પર સદીઓ-યુગોથી પ્રભાવ રહ્યો છે. મને યાદ છે કે અમિષે પોતાની શીવત્રયી વાર્તાઓમાં પણ ઈરાનના પ્રદેશનો ઉલ્લેખ કર્યો હતો, જે અસ્થાને પણ ન હતો.
આજનુ ઈરાન ૧૦૦% મુસ્લીમ દેશ છે પણ હંમેશથી એ મુસ્લીમ દેશ નહોતો, ઈસ્લામ અપનાવ્યા પહેલાની આખા દેશની સંસ્કૃતિ જરથોસ્તી વિચારધારાથી પ્રભાવીત હતી. આખા દેશનો ધર્મ પણ જરથોસ્તી જ હતો
ઇસુની ૭મી સદીમાં અરબસ્તાનના ઝનૂની ઈસ્લામિક આક્રમણકારીઓ સામે શાંત પ્રકૃતિના ઈરાનીઓ ટકી ના શક્યા, અને માત્ર ૭૦ વર્ષ જેવા નાનકડા સમયગાળામાં જ આખુ ઈરાન ઈસ્લામિક બની ગયુ. પણ, બાકી દુનિયાના મુસ્લિમો અને ઈરાની મુસ્લિમોમાં પાયાનો ફરક એ હતો કે એમણે ક્યારેય ઈસ્લામિક ખિલાફતની આણ નીચે પોતાને આવવા ન દીધા. એમનો ઈસ્લામનો ફીરકો પણ બાકીના મુસ્લિમોથી અલગ હતો.
દુનિયાના જે ભાગોમાં ઈસ્લામ અપનાવાતો જતો હતો, ત્યાં ધર્મની આડમાં અરબસ્તાનની સંસ્કૃતિનો ફેલાવ પણ થતો જતો હતો. પ્રજાને માત્ર મુસ્લિમ બનાવવાનુ જ નહી પણ જીતાયેલા પ્રદેશની પ્રજાને બળપૂર્વક કે પછી સમજાવટથી, કે પછી કળથી ઈસ્લામના નામ હેઠળ અરબી પરંપરાઓ માનવા મજબૂર કરાતા હતા. પણ, ઈરાનની પોતાની સાંસ્કૃતિક પરંપરાના મૂળ એટલા ઉંડા હતા અને એમની સાંસ્કૃતિક પ્રગતિ ભટકતી અરબી પ્રજાની સરખામણીએ ઘણી ઉચ્ચ કક્ષાની હતી, માટે તેઓ અરબી સંસ્કૃતિ ન અપનાવી શક્યા. અને કદાચ એટલે જ એમણે ઈસ્લામના એ ફિરકાને અપનાવ્યો જેના અરબી મુસ્લિમો કટ્ટર વિરોધી હતા. આજે, દરેક ઈરાની મુસ્લિમ શીયા છે અને બાકીની લગભગ તમામ મુસ્લિમ દુનિયા સુન્ની વિચારધારામાં માને છે.
આજે આપણે ઈરાનને પારંપરિક લગ્નવિધીની વાત મારી એક વાર્તાની નાયિકાના શબ્દોમાં માણીએ એ સમય ૧૯૭૦ની આસપાસનો છે. તો હવે એના જ શબ્દોમાં પારંપરિક લગ્નવિધીની વાત.
મારા મંગેતર જવાદના કુટુંબે પારંપરિક "ખાસ્તેગારી" વિધીનુ આયોજન કર્યુ અને વિધીવત્ મારો હાથ માગ્યો, મારા કુટુંબે "અઘ્દ્-કોનૂન"ની પારંપરિક વિધીનુ આયોજન કર્યુ. નજીકના સગા-સંબધીઓ અને મિત્રોની સાથે અમે બધા જ પારંપરિક "શોફ્રેહ્-અઘ્દ" સમક્ષ ભેગા થયા.
ઈરાની લગ્નોની વિધી સદીઓ પુરાણી ઝોરોસ્ટ્રીઅન પરંપરામાંથી ઉતરી આવી છે; જો કે ઈસ્લામના આવવાથી એમાં કેટલાક પાયાના ફેરફાર આવ્યા, પણ લગ્ન વિધી આજે પણ ઝોરોસ્ટ્રીયન પરંપરા મુજબ થાય છે. જેમાં સૌ પ્રથમ ખાસ્તેગારી(Khastegari)ની વિધી આવે. છોકરો જ્યારે પરણવા લાયક થાય અને પોતાની ભાવિ જીવનસંગીની પર પસંદગી ઉતારે, ત્યારે છોકરા-છોકરીના કુટુંબો એકબીજાને છોકરીના ઘરે મળે. આ મુલાકાત માત્ર એકબીજાને સમજવા પુરતી જ સિમિત રહે. આ મુલાકાતમાં વિધીવત્ રીતે સગાઈ ન થાય.
પછીની વિધી હોય છે "બીજી ખાસ્તેગારી (Second Khastegari)". આ સમયે મુરતિયો અને તેના કુટુંબી વિધીવત્ રીતે છોકરીના ઘરે જઈને માંગુ નાખે, કે છોકરીનો હાથ માગે. જુના જમાનામાં છોકરીના રાંધવાના, ઘર સજાવટના, ભરત ગુંથણના કે મહેમાનોની આગતા-સ્વાગતા કરવાના ગુણોની નોંધ લેવાતી. આજના જમાનામાં તેનુ મહત્વ નથી રહ્યુ. તેના બદલે છોકરીનુ ભણતર એની હોંશીયારી, મુશ્કેલ સમયમાં રસ્તો કાઢવાની એની સૂઝ, અને ખાસ તો, ભવિષ્ય અંગેના તેના વિચારો..એ બધા પર વધારે ધ્યાન અપાય છે.
એ જ રીતે મુરતિયાના કુટુંબીઓ તેના વિષેની વાતો કન્યાના કુટુંબીઓને જણાવે, જેમ કે તેનુ ભણતર, તેની કારકિર્દી વગેરે વગેરે. છોકરીના ઘરવાળા મુરતિયાને સહજ રીતે જ પુછે કે, શુ એ તેમની દિકરીને માટે ઘર બનાવી શકશે? પૈસે ટકે સુખી રાખી શકશે? સાથે સાથે ઘરમાં પારંપરિક ધાર્મિક રીતરીવાજો કેવી રીતે પળાય છે, તેની પણ ચર્ચા થાય.
ત્યાર પછીની વિધી આવે બાલે બોરોન (Bale Boroun). સામાન્ય રીતે આ વિધી મુરતિયાને ઘરે કરવામાં આવે. બંને કુટુંબો પોતાના સગા-વહાલામાં કન્યા-મુરતિયાએ એકબીજાને પસંદ કરી લીધા છે તેની જાણ કરે. અને મુરતિયાના કુટુંબ તરફથી કન્યાને ભેટ-સોગાદો અપાય. પારંપરિક રીતે આવી વિંટી ભેટમાં અપાય છે.
ત્યારબાદ આવે મજલિસ-એ-નમ્ઝાદી (Majless e Namzadi). આ ખરેખરી સગાઈની વિધી હોય છે, અને એનુ આયોજન કન્યાના કૌટુંબિક ઘરે કરવામાં આવે. કન્યા અને મુરતિયો કુટુંબીઓની હાજરીમાં મહેર - "પ્રેમની ભેટ"નો સ્વીકાર કરે, અને લગ્નની તારિખ પણ ત્યારે જ નક્કી થઈ જાય. ક્યારેક આ વિધી લગ્નના એકાદ વર્ષ પહેલા પણ કરવામાં આવે.
મજલિસ-એ-નમ્ઝાદીની ઉજવણી એટલે શિરિની ખોરોન (Shirini Khoron)ની વિધી દ્વારા પુરી થાય. ફારસી ભાષામાં શિરિની એટલે મિઠાઈ અને આ વિધી એટલે -મોં મીઠુ કરવુ, ઈરાનની ટ્રેડિશનલ મિઠાઈઓને જેમ કે, બામિયે (ગુલાબજાંબુ જેવી મિઠાઈ), નુન-એ-બિરંજી(ચોખાના લોટના બિસ્કીટ), આજિલ (સૂકોમેવો) એવુ બધુ મહેમાનોને પીરસવામાં આવે.
તબાગ બરાન (Tabag Baran): લગ્નના કેટલાક દિવસો પહેલા મુરતિયાના ઘરના લોકો નવા વસ્રોમાં સજ્જ થઈ સરસ રીતે સજાવેલા મોટા સૂંડલા જેવા પાત્રમાં કન્યા માટે ભેટસોગાદો લઈને જાય. આ પાત્રને તબાગ કહેવામાં આવે અને પારંપરિક રીતે મુરતિયાના કુટુંબીઓએ તે માથે ઉંચકીને લઈ જવાના હોય. જો કે, આજકાલ તબાગ-બરાનની વિધી ગ્રામ્ય પ્રદેશો પૂરતી સિમિત રહી ગઈ છે, અને કોઈ માથે ઉંચકવાની પરંપરા પણ નામશેષ થઈ ગઈ છે.
ત્યારબાદ આવે લગ્નની વિધી. જેમાં સૌથી વધારે મહત્વ હોય છે સોફ્રેહ્ અઘ્દનુ (Sofreh Aghd) - જે વાસ્તવમાં એક મોટી ચાદરમાં સજાવીને મુકેલી કન્યાને લગ્નમાં આપવાની વસ્તુઓ હોય છે. એમાં વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમકે, સાત ઔષધી [ખસખસ, ચોખા, સબ્ઝી-ખોસ્કા (એન્જેલિકા નામની ઔષધી), મીઠુ, રાઝિયાને (કાળી જીરી), ચાની પત્તી, અને ગુગળ], સાત મિઠાઈ [નઘોલ, બકલાવા, ટૂટ, નૂન-એ-બિરંજી (ચોખાના લોટના બિસ્કીટ), નૂન-એ-બદામી (બદામના બિસ્કીટ), નૂન નોખોદ્ચી (ચણાના બિસ્કીટ) અને સોહન અસલી (કેસરવાળી બદામની પાપડી - સોનપાપડી)], સૌભાગ્યનો અરીસો અને બે મીણબત્તીના સ્ટેન્ડ [સુહાગરાતે નવોઢાનો ચહેરો ઘુંઘટથી ઢંકાયેલો હોય છે, પતિ જ્યારે રૂમમાં પ્રવેશે છે ત્યારે તે સૌ પહેલા પોતાની પત્નીના ચહેરાનુ અરીસામાં દેખાતુ પ્રતિબિંબ જુએ છે], પવિત્ર બ્રેડ [લગ્ન માટે આવી ખાસ બ્રેડ બનાવવામાં આવે છે; જેના પર પવિત્ર શબ્દો ઉપસાવેલા હોય], નાન-ઓ-પનિર-ઓ-સબ્ઝી [પારંપરિક ઈરાની રોટી, ઘરનુ બનાવેલુ પનિર અને લીલા શાકભાજી], પ્રજનન ક્ષમતાના પ્રતિક [સજાવેલા ઈંડા, બદામ, અખરોટ, હેઝલ-નટ વગેરે], દૈવી ફળો [દાડમ, દ્રાક્ષ અને સફરજન], ઈરાની ગુલાબ [ગુલાબ, ગુલાબ જળનુ પાત્ર અને ગુલાબનુ અત્તર; અત્તરનો ઉપયોગ લગ્નમંડપના વાતાવરણને મઘમઘતુ રાખવા માટે થાય છે], શાખ-એ-નબત [ખડી સાકરનો કટોરો], મધ [મધનુ હોવુ ખાસ જરૂરી છે; લગ્નની વિધી પતે કે તરત જ વરવધુ ટચલી આંગળી તેમાં બોળીને એકબીજાને મધ ચટાડે છે], એસ્ફાન્ડ (એક જાતનુ ઘાસ), [એસ્ફાન્ડ અને ગુગળને અંગારા પર નાખી તેનો ધૂપ કરવામાં આવે છે; જેનાથી દુષ્ટાત્માઓ દૂર રહે અને વાતાવરણમાં પવિત્રતા રહે એવી માન્યતા છે], નાણા-સિક્કા [સમૃધ્ધીના પ્રતિક તરીકે સોના-ચાંદીના સીક્કા મૂકવામાં આવે છે], પવિત્ર પુસ્તક [અવેસ્તા, કુરાન, બાઈબલ કે તોરાહ વરવધૂની સમક્ષ મુકવામાં આવે છે. કેટલાક લોકો બીજા પુસ્તકો જેમ કે ભક્તકવિ રુમિનુ પુસ્તક દિવાન-એ-શમ્સ-એ-તબરિઝી કે પછી હાફિઝનુ પુસ્તક દિવાન, કે ફિરદોસી લિખિત શાહનામા પણ વાપરે છે.], જા-યે નમાઝ [નમાઝ પઢવા માટેની આ શેતરંજી કે નાનો ગાલિચો વચ્ચો વચ ખોલીને જ મુકવામાં આવે છે; જે નવવિવાહીત જોડાને કાયમ નમાઝ પઢવાની યાદ અપાવે છે. તેની સાથે તસ્બી નામની માટીના મણકાની જપમાળા પણ રાખવામાં આવે છે]
આવી રીતે સજાવેલા સોફ્રેહ-અધ્દની સામે વરવધુને લગ્નની વિધી માટે એકબીજાની નજીક બેસાડાય છે અને બંનેના માથા ઉપર કન્યાપક્ષની કુંવારિકાઓ એક રેશમી કપડુ ધરી રાખે છે. અને જ્યાં સુધી કાજીની વિધી ચાલુ રહે ત્યાં સુધી આ પ્રસંગ માટે ખાસ બનાવેલા ખાંડના પતાસાને ભાંગી-ભાંગીને એમને માથે વરસાવવામાં આવે છે. આ કામ કુટુંબની જ કોઈ એવી સૌભાગ્યવતી સ્ત્રી દ્વારા કરવામાં આવે છે, કે જેનુ લગ્નજીવન ઘણુ સફળ હોય. માન્યતા એવી છે કે આને લીધે નવવિવાહીતો પર સાકર જેવી મીઠાશ હંમેશા વરસતી રહે. પણ, સાકરનો ભૂકો વરવધૂના માથા પર સીધો પડવાને બદલે પેલા કપડામાં એકઠો થાય છે.
પછી આવે છે - મુખ્ય વિધી : અઘ્દ (વિવાહ). લગ્નનો કૉન્ટ્રાક્ટ કરવાની વિધી સામાન્ય રીતે અઘ્દની વિધી પહેલા જ પતાવી દેવામાં આવે છે; કોન્ટ્રાક્ટમાં સહી કરવાની સાથે જ વરપક્ષ કન્યાને મહેરની રકમ (દહેજ) આપવા સંમત છે, તે વાત નક્કી થઈ જાય છે. પારંપરિક અને અતિધાર્મિક લોકો માટે લગ્ન-વિધી કરાવનાર કાજી, અઘ્દ સમયે કુરાનની કેટલીક આયાતોનુ પઠન કરે છે; તો આધુનિક લોકો માટે, કે પછી લગ્ન કરાવનાર કાજી પણ જો આધુનિક વિચારધારા ધરાવતો હોય, તો તે કવિ રુમી, કવિ હાફેઝ કે પછી સાદીની રોમાન્ટીક કવિતાઓનુ પઠન પણ કરે.
‘અઘ્દ’ સમયે કાજી વર-વધુ બંનેને અલગ-અલગ રીતે પૂછે છે કે તમને આ સંબંધ મંજૂર છે? જેમાં પહેલા વરને પુછવામાં આવે છે, અને તેનો જવાબ મળ્યા બાદ વહુને પણ આ જ પ્રશ્ન કરવામાં આવે છે. એ સમયે કન્યા વરને સતાવવા માટે ટીખળ કરે છે; અને એ જવાબ આપવામાં વિલંબ કર છે. આ ટીખળમાં કન્યાની બહેનપણીઓ પણ તેને સાથ આપે છે. પહેલીવાર જ્યારે કાજી પુછે કે "તમે ફલાણા-ઢીંકણાને પતિ તરીકે સ્વીકારો છો?" ત્યારે કન્યા ઇરાદાપૂર્વક મૂંગી રહે છે, અને થોડી વારે એકાદી બહેનપણી બોલે - "કન્યા તો બગીચામાં ફૂલ તોડવા ગઈ છે." બીજી વાર કાજી એનો એ જ પ્રશ્ન દોહરાવે છે - "તમે ફલાણા-ઢીંકણાને પતિ તરીકે સ્વીકારો છો?" કન્યા હજુ પણ મૂંગી રહે છે, અને બીજી બહેનપણી બોલી ઉઠે છે કે - "કન્યા તો ગુલાબજળ લેવા ગઈ છે". પણ ત્રીજીવાર જ્યારે કાજી પૂછે કે કન્યા તરત જ જવાબ આપે- "મારા માતાપિતા અને વડીલોની સંમતિથી સ્વીકારુ છુ."
પારંપરિક રીતે લગ્ન-પ્રસંગનો ખર્ચ વરનુ કુટુંબ કરે છે; અને કન્યાપક્ષ તેની સામે ઘરનુ રાચરચિલુ અને બીજો ઘરનો સામાન વર-કન્યાને આપે છે. જો કે, આજકાલ મોટાભાગના આધુનિક કુટુંબો લગ્નપ્રસંગનો અને બાકીનો ખર્ચ પણ સરખે ભાગે વહેંચી લેતા હોય છે.
પતાખ્તી (Patakhti) લગ્ન બાદ નવોઢા વરના ઘરમાં પ્રવેશ કરે ત્યારે આ પ્રસંગ ઉજવાય છે. પારંપરિક રીતે પતાખ્તી માટે નવોઢાને ફૂલોથી સજાવવામાં આવે છે, અને વરના ઘરને પણ એવી જ રીતે ફૂલોથી સજાવે છે. પતાખ્તી વખતે બધા સગાવહાલા વરવધૂને મળે છે અને ભેટ-સોગાદો આપે છે; તે સમયે નાસ્તો-મીઠાઈનો જ રિવાજ છે, જમણનો નહી. પતાખ્તી પ્રસંગે બધા ભેગા થઈને મોટાભાગની રાત નાચવા-ગાવામાં વિતાવે છે.
-- વત્સલ ઠક્કર
* મારી ચકલી ક્યાં ગઈ? *
"સવારનાં આપણી નીંદર તો આ ચકલીઓની ચીં ચીંથી જ ઉડવાની" તુષારે નિંદરમાં બબડાટ કર્યો. "
તમને એની ચીં ચીંમાં સંગીત નથી સંભળાતું ને, એટલે તમને એ નથી ગમતું" મીનુ એનો હાથ પકડીને ખેંચીને બાલ્કની માં લઇ ગઈ.
તુષાર બોલતો રહી ગયો "અરે સુવા દે ને" પણ મીનું ન માની.
બાલ્કનીમાં પહોચીને ત્યાની ઠંડી હવાથી જ જાણે તુષાર ફ્રેશ થઇ ગયો. ત્યાં મીનુએ આકાશ તરફ આંગળી ચીંધી ને કહ્યું "તુષાર ક્યારેક તો સવારની મજા માણ, આ પક્ષીઓનો કલરવ, આ ઝાકળનાં બિંદુ, જો આ થોડો થોડો ઉજાસ, અને જો પેલા બે કબુતર કેવા ચાંચમાં ચાંચ પરોવીને પ્રેમ કરી રહ્યા છે. કુદરતને પણ થોડું માણ, ફક્ત મશીનોમાં જીવીશ તો મશીન જેવો જ બની જઈશ"
તુષાર પણ જાણે થોડી ક્ષણો માટે આ સોહામણી સવારમાં ખોવાઈ ગયો તેણે મીનુને કહ્યું"
હા મીનુ, તું સાચું કહે છે, આવી સવાર તો મેં ક્યારેય નથી માણી"
ત્યાં આકાશમાં એને ચકલીઓ દેખાઈ. આગળ બે જાણે લીડર હોય, એની પાછળ ત્રણ એની પાછળ ચાર પાછી એની પાછળ ત્રણ અને એની પાછળ બે, કેટલી શિસ્તથી ઉડતી હતી અને કેટલા વ્યવસ્થિત નંબરથી, આ શિસ્ત અને નંબરમાં ઉડવાનું કોને શીખવ્યું હશે એમને,
ત્યાં એક ચકલી એમના ઘરની પારી પર આવીને બેઠી. તુષારને લાગ્યું જાણે એ ચકલી એને ગુસ્સા થી જોઈ રહી હતી.
તુષારે મીનુને પૂછ્યું, "આ મારી પર ગુસ્સો કરે છે કે શું?"
મીનુ ખડખડાટ હસી પડી, અને કહ્યું, "મને એમની ભાષા તો નથી આવડતી પણ મને એટલું ખબર છે કે એ મને મળવા આવી છે, કારણ અમારો આ રોજનો ક્રમ છે."
આટલું બોલી મીનુ અંદર ગઈ ત્યાંથી ચકલી માટે ચણ અને નાની ડીશમાં પાણી લઇ આવી. અને ત્યાં મુકીને તેણે તુષારને કહ્યું, "ચાલ હવે આપને અંદર જઈએ, આપણી સામે એ નહિ ખાય, આપણે અંદરથી છુપી રીતે જોઈશું."
તુષારને મીનુની આ બધી વાતોથી અચરજ થઇ રહ્યું હતું. તુષાર એની સાથે અંદર ગયો, અને બાલ્કનીનાં પડદાને હટાવીને ચુપચાપ જોતા રહ્યા. જેવા તેઓ અંદર ગયા, ચકલીએ માથું નમાવીને બે ત્રણ વાર અંદર નજર કરી, કે કોઈ આવતું તો નથી. પછી આજુ બાજુ જોયું પછી એની ખાતરી થઇ ગયા પછી એને ચણ ચણવાનું શરુ કર્યું. વચ્ચે વચ્ચે ચાંચને પાણીમાં બોળીને પાણી પી લેતી.
તુષારને મીનુની આ દુનિયા માટે બહુ આશ્ચર્ય અને અભિમાન પણ થયું. એણે વિચાર્યું કે ઘરની સ્ત્રીઓ ઘર સંભાળવા ઉપરાંત કેટકેટલી પોતાની બનાવેલી દુનિયામાં જીવતી હોય છે. તુષારે નક્કી કર્યું કે એ પણ હવે રોજ વહેલો ઉઠશે.
તેણે મીનુને કહ્યું, "તે મને ક્યારેય આ વિષે કહ્યું જ નથી."
મીનુએ જવાબ આપ્યો, "તને સમય જ ક્યા હોય છે? સવારે ઉઠે ત્યારે ઓફીસની દોડાદોડી અને રાતના આવે ત્યારે પક્ષીઓ સુઈ ગયા હોય. આ બધું માણવું હોય તો વહેલું ઉઠવું પડે. તારા નસીબમાં કૂતરાનાં ભસવાના જ અવાજો લખ્યા છે, તો હું શું કરું?"
તુષારે હસીને કહ્યું, "કાલથી હવે એ ચકલી તારી જ નહિ, મારી પણ. કાળથી હું એને પાણી પીવડાવીશ"
બીજા દિવસથી એને રોજ ચકલીની હાજરી આપવાનું શરુ કર્યું. ધીરે ધીરે ચકલીની આંખોમાંથી ગુસ્સાનું સ્થાન પોતાપણાએ લીધું.
દિવસો વિતતા ગયા. તુષાર વધારે ને વધારે પક્ષીઓની દુનિયામાં પોતાનો સમય વિતાવવા લાગ્યો. સમય જતાં એને જોબમાંથી દુબઈની બદલી મળી. તુષાર અને મીનુને એમની ચકલીઓની ચિંતા થઇ. પણ દુબઈ જવું પડે એમ જ હતું. ઘર બંધ કરીને તેઓ દુબઈ રવાના થયા. જતા વખતે એક તપેલીમાં પાણી મૂકી ગયા અને એક થાળીમાં ચણ મૂકી ગયા.
તુષારનો જોબ તો દુબઈથી ન્યુજીલેન્ડ, ત્યાંથી ઓસ્ટ્રેલીયા, અને ત્યાંથી લંડનમાં બદલી થતો રહ્યો અને છેલ્લે લંડનમાં તેઓ સ્થાઈ થયા. વર્ષો વીતી ગયા. તુષાર દાદા બની ગયો. અને મીનુ એનો સાથ છોડીને પ્રભુ-ધામમાં પહોચી ગઈ હતી .
વર્ષો પછી પાછું ભારત આવવાનું થયું. તુષાર એના પૌત્રને સાથે લઈને આવ્યો હતો. વર્ષોથી એ એના પૌત્રને પોતાની મીનુની અને ચકલીઓની વાતો કરતો. એના પૌત્રને તો ભારત આવવાનું એક જ ઉદ્દેશ્ય હતું કે બાલ્કનીમાં આવવા વાળી ચકલીઓને પડદા પાછળથી છુપી રીતે જોવું.
જ્યારે એ પોતાનાં પૌત્રને લઈને ઐરપોર્ટથી બહાર નીકળ્યો, ત્યારે પણ રાત હતી અને ચારે બાજુ કુતરાનાં ભસવાના અવાજો હતા. એને મીનુની વાત યાદ આવી ગઈ, કે તારા નસીબમાં કુતરાના ભસવાના અવાજો જ લખ્યા છે.
ઘર એક સગાએ સાફ કરાવી રાખ્યું હતું. ઘરે જઈને તે અને તેનો પૌત્ર સોહામણી સવારની રાહમાં સુઈ ગયા. સવારના પાંચ વાગ્યામાં તે ઉઠી ગયો. ચણ તો હતું જ નહિ, પણ પાણીની પ્લેટ ભરીને તે મીનુંને યાદ કરીને બાલ્કનીમાં ગયો. ત્યાં ચકલીઓની રાહમાં ઉભો રહ્યો. કેટલી વાર થઇ ચકલી આવી નહિ.
તુષારે વિચાર્યું ચકલીઓએ નવું ઘર ગોતી લીધું લાગે છે. એકાદ બે દિવસમાં અહિયાં પણ આવશે. પોતે રોજ રાહ જોશે. તુષારે આકાશ તરફ જોયું, ત્યાં પણ ચકલી ન દેખાણી.
નિરાશ થઈને તે રૂમમાં ગયો. તે વિચારતો હતો, કે તે પોતાનાં પૌત્રને શું સમજાવશે?
થોડીવારમાં છાપું આવ્યું. તુષાર છાપું ખોલીને વાંચવા બેઠો. વાંચતા વાંચતા એની નજર એક સમાચાર પર પડી, કે 20 માર્ચ ચકલી બચાવો દિવસ છે, તો ચોક્કસથી આ વિષય પર વાર્તા કે કવિતા મોકલશો.
તુષારનું હ્રદય ધ્રવી ઉઠ્યું કે આટલા વર્ષો, એ ચકલીઓ એની સાથ બધા દેશમાં રહી, પણ ભારત આવ્યા પછી એને આ સમાચાર પહેલા વાંચવા મળ્યા, કે ચકલી લુપ્ત થઇ રહી છે...બચાવો."
હવે એ કોને પૂછે કે "મારી ચકલી ક્યાં ગઈ..?"
-- નીતા કોટેચા
*ધારાવાહિક નવલકથા –પ્રકરણ ૨*
પૂજારીઓની વચ્ચે ઘેરાયેલી એ આક્રૃતિ ચારેય મિત્રોની વધુ નજદીક આવતી જતી હતી. તેને બ્લુ રેગ્ડ ફંકી ડેનિમ અને વ્હાઇટ બોડી ફીટ ટી-શર્ટ પહેરેલુ હતું. ટી-શર્ટની પાછળ ગોગલ્સ લટકાવેલા હતા. મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ વાન, ચહેરો એટલો આકર્ષક નહોતો પણ પૈસાના કવચને કારણે પ્રભાવી લાગતો હતો. એ જેમ જેમ નજદીક આવતો ગયો વાતાવરણમાં તીવ્ર પરફ્યૂમની સુગંધ વધતી ગઇ. "
કેમ સુનિલ તું અંહી?" બાંકડા પર બેઠેલા ચારેય મિત્રો ઉપર એની નજર પડતા એક કટાક્ષભર્યા હાસ્ય સાથે એની જીભ બોલી ઉઠી.
સુનિલે તરત ઉભો થઇને એટલી જ શાલિનતા સાથે જવાબ આપ્યો,"સર,આજે ગુરુવાર છે અને ગામડેથી મિત્રો આવેલા હતાં એટલે દર્શન માટે આવ્યા હતાં.""
ઓહ,આઇ સી.. એન્જોય એન્જોય" કહેતા જઇને સુનિલનાં ખભે હાથ ટપારીને એક વિશિષ્ઠ અદાથી એ બાઇક પર ગોઠવાઇ ગયો. ડેનિમના પાછળથી નીકળતી સ્ટાયલીશ ચેઇનમાંથી ચાવી ઇગ્નીશન માટે નાંખી.ટી-શર્ટની પાછળ લટકાવેલા ગોગલ્સ આંખો પર ચઢાવ્યા. જમણો અંગુઠાએ એક હરકત કરી અને વાતાવરણમાં મોન્સટર એંજીનનો અવાજ ગુંજી ઉઠ્યો. વરુરુરુમમમમ વરુરુરુમમમમ...આઠે આંખો ડબલ એકઝોસ્ટ પાઇપમાંથી નીકળતા ધુમાડાને દુર સુધી અદ્રશ્ય થતા જોઇ રહી.
સુનિલનાં મોઢા પર વિજેતા જેવો સંતોષ હતો. કેમકે ગામડીયા મિત્ર સામે મોટા માણસ સાથે ઓળખાણ હોવાનો પરચો અપાઇ ચૂક્યો હતો. નહિ તો મિત્રો દ્ધારા ગપ્પીદાશનું બિરૂદ મળવાની તૈયારી હતી કારણ કે એ કહેવાનો જ હતો કે, "આ જેની બાઇક છે તેને એ બહુ નજદીકથી ઓળખે છે", પણ ગામડીયા મિત્ર આદત મુજબ "ઓછા ગપ્પા હાંક" કહી હસી નાંખતા. પણ આતો પાક્કુ સબૂત આપી ગયો. "
યાર અંધારામાં એને ગોગલ્સ ચઢાવ્યા?"
એક મિત્રએ શાંતિભંગ કર્યો.
બાકીનાં ત્રણ મિત્રો માટે માહિતિના ભંડાર સમા સુનિલે તરત જવાબ વાળ્યો."
એને ફોટોક્રોમેટીક લેન્સ કહેવાય. એના કાચ ઉપર પ્રકાશ પડે તો એ ઘટ્ટ રંગના થઇ જાય. અને અંધારામાં સાદા રંગનાં થઇ જાય.""
આતો આપણે પણ લેવા જોઇએ, કેટલાના આવતા હશે?"એક મિત્રએ અચરજ સાથે પૂછ્યું. "
સામાન્ય રીતે બસ્સો રૂપિયામાં મળી જાય. પણ આ પાર્ટી મોં-બ્લાના પહેરે છે. જે પંદરથી વીશ હજારના હશે જ." સુનિલનાં પ્રત્યુત્તર પર કિમંત પૂછનાર મિત્રની આંખો થોડી પહોળી થઇ ગઇ."
કંઈ નહિ યાર, આપણે બધા બે-બે રૂપિયા આજથી ગલ્લામાં નાંખવાના શરૂ કરીએ. મહિના પછી આપણા ચારેયના મળીને 240રૂપિયા થઇ જશે એટલે આપણે પણ એક જોડી એવા ચશ્મા વસાવી લઇશું"
ગણત્રીમાં હોંશિયાર મિત્રએ સધિયારો આપતો જવાબ વાળ્યો."
યાર, સુનિલ તું કયાંથી જાણે છે આ પાર્ટી વિશે આટલું બધું?"
એક મિત્રએ બીડી સળગાવતા જઇને સવાલ પૂછી જ નાંખ્યો."
દોસ્ત, તું બીડી અહીં ના સળગાવ. આ શહેર છે. હવે નિયમ બની ગયો છે. જાહેર સ્થળોએ ધૂમ્રપાન દંડપાત્ર બને છે. યાર, આપણે આપણા પૈસા આમ ધૂમાડામાં ઉડાવી દઇએ છીએ. વ્હેલો બૂઢાપો નોતરીને ટી.બી.નો ઇલાજ કરાવવામાં જ આપણી બચતો વપરાઇ જતી હોય છે . પછી આપણે ભગવાનને દોષિત ઠેરવીને કાયમ ફરિયાદી બનીયે એનો શું મતલબ?"
સુનિલે લાગ જોઇને ભાષણ આપી જ દીધું."
તું છોડી દે છુપાઇને બીડી પીવાનું એટલે અમારી પણ બંધ" એક મિત્રએ ટીખળ કરીને વાતાવરણ થોડું હળવું કર્યું. ચારેય મિત્રો હસવા લાગ્યા. અને ફરી એજ સવાલ.." તું આ પાર્ટી વિશે કઇ રીતે આટલું બધું જાણે છે?"
મિત્રોમાં ઉત્સુકતા અને તાલાવેલી વધે એના પહેલા સુનિલે જવાબ આપવાનું મુનાસીબ સમજ્યું.
" યાર, આ મારો શેઠીયો સમીર છે. હું એની ઓફીસમાં એકાઉન્ટન તરીકે ત્રણ વર્ષથી કામ કરું છું. એની રગ રગથી વાકેફ છું. આ બહુ મોટી નોટ છે. આમ બે પાંચ મિનિટમાં એની ગાથા પુરી નહિ થાય. એટલી આરામથી એની વાતો તમારી બાટલીમાં નહિ ઉતરે.""
ઉતાવળ કોને છે ભીડુ? આમ પણ આપણી છેલ્લી બસ તો નીકળી ગઇ હશે. એટલે જે બસ મળે એ પકડીને દશ- બાર કીલોમીટર ચાલવુ પડશે તોજ ઘરે પહોંચાશે નહિતર બસસ્ટેશન પર રાતપાળી કરવી પડે. પણ ઘરે નહિ પહોંચીયે તો ઘરવાળા ચિંતા કરશે. અને બાપૂ ફાડી ખાશે.. એટલે દોસ્ત રાત છે અને આપણે છે.. તું તારા સમીરશેઠની ગાથા સંભળાવ."
મગફળીનું પડીકુ લઇ આવેલા મિત્રએ ચારે જણની વચ્ચે પડીકુ ખુલ્લુ મુક્યું. ગરમ તાજી શેકાયેલી મગફળીની સોડમ વાતાવરણમાં ફેલાતી હતી. ભૂખ્યા થયેલા મિત્રો મગફળી પર રીતસર ટુટી પડ્યા હતા. અચરજભર્યા છ ડોળા અને કંઇક સાંભળવા ઉત્સુક છ કાન સુનિલ સામે તાકીને સુનિલની જીભ હલે તેની રાહ જોતા સુનિલનાં મોઢા સામે જોઈ રહ્યા. સુનિલ બાંકડાના ટેકા ઉપર બેસી ગયો. બાંકડાની બેઠક પર બે મિત્રો ગોઠવાયા. સુનિલની બરાબર સામે જ બાંકડાને ચોંટીને એક મિત્ર ગોઠવાઇ ગયો. વચ્ચે રૂમાલ પાથરીને મગફળીનું ખુલ્લુ મુકાયેલુ પડીકું અને તેના ફરતે ચાર મિત્રો ગોળમેજી પરિષદ જમાવીને બેઠા હોય એવું લાગતું હતું. ધાન ભૂખ્યા અને વાત ભૂખ્યા થયેલા મિત્રો સામે મગફળીને અંગુઠા-આંગળી વચ્ચે દબાવતા જઇને વાત શરૂ કરી."
આ મારો શેઠિયો નસીબનો ભારે બળિયો નીકળ્યો. માલદાર બાપ હોય એટલે માણસ આમ જ ભાગ્યશાળી ગણાય. સમીરનું કિસ્મત વધુ ચમક્યુ એનાં માલદાર બાપનાં મ્રુત્યુ પછી. રસિકલાલ એટલે કે સમીરનાં પિતાજી એક બહુરાષ્ટ્રીય બેંકમાં મેનેજર હતાં. વર્ષોનાં અનુભવને કારણે તેમનામાં મુડીનાં રોકાણની સારી એવી કોઠાસુઝ હતી. તેમને અનેક બ્લુચીપ કંપનીઓનાં શેરમાં પોતાનું રોકાણ કરી રાખ્યું હતું. જેનાં પ્રિમિયમની તેઓ ફીક્સ ડીપોઝીટ કરી દેતા. સતત વીસ વર્ષથી તેમની આ રોકાણની નિતિના કારણે ડીપોઝીટો ની મૂડી વધતી જઇને લાખોમાં થઇ ગઇ હતી. મુળ એક રૂપિયા જેવી નજીવી કિંમતે ખરીદેલા શેરનું મુલ્ય પ્રતિશેર હજાર રૂપિયા ઉપર થઇ ગયું હતું. તમને લાગતું હશે કે એ તો વર્ષો પહેલાંની વાત હશે? પણ ના આ માત્ર વીસ વર્ષમાં કરેલી બચતની વાત છે." બચતનું મહત્વ સમજાવવામાં સફળ રહ્યો હોય તેમ સુનિલે મોઢું હલાવતા જઇને એક શિક્ષકની માફક ત્રણેય મિત્રો પર એક નજર નાંખી. ત્રણેય મિત્રો એ હમમમ કહેતા જઇને હકારમાં ડોકું હલાવ્યું. મગફળીના છોતરા નીચે નંખાતા જોઇને ફરી સુનિલે ટકોર કરી. "ભાઇઓ, આ ભગવાનનું સ્થળ છે. કમ સે આ જગ્યાએ તો આપણે કચરો ન જ કરવો જોઇએ. પડીકાનું રદ્દી કાગળ વચ્ચે ગોઠવતે જઇને કહ્યું કચરો આમા ભેગો કરો. આપણે સામે કચરાપેટીમાં નાંખી દઇશું. નીચે બેઠેલા મિત્રએ જમીન પર વેરાયેલા ફોતરા ભેગા કરીને કાગળમાં નાંખવા લાગ્યો. ગામડીયા દોસ્તોને એક બીજો પાઠ ભણાવવામાં સફળ રહ્યો હોય તેમ શિક્ષક સુનિલનાં ચહેરા પર હાશકારો હતો. તેને જાતે કચરાનુ પીંડલુ વાળ્યુ અને સામે મંદિરનાં પરિસરની બહાર ગોઠવાયેલી કચરાપેટીમાં નાંખી આવ્યો. હેન્ડપંપ તરફ જઇ રહેલા ત્રણે મિત્રોને મંદિરની પરબ તરફ આવવા બૂમ પાડી. ત્રણમાંથી એક મિત્ર પાસે આવતા જ બોલી ઉઠ્યો, " યાર, હવે ચોખ્ખા પાણી પર ભાષણ ના કરતો દોસ્ત." ચારેય મિત્રો એક સાથે હસી પડ્યા. કુલરનું ઠંડુ પાણી પીને મોઢા પર પાણીનો છંટકાવ કરીને ચારેય મિત્રો બાંકડા તરફ પ્રયાણ કરવા લાગ્યા. શુદ્ધ પાણીની સમજણ સ્વયંમભૂ સમજી ગયેલા મિત્રોને સુનિલે પાણીનાં વ્યય ન કરવા પર એક નાનું ભાષણ બાંકડા પર ફરી ગોઠવાતા સુધીમાં આપી જ દીધું.. અને ફરી તેને સમીરશેઠ શૌર્યગાથા શરૂ કરી.
[
ક્રમશઃ]
--
ઇરફાન સાથિયા
*બો-ટાઈ પાસ્તા વિથ વેજીટેબલ્સ*
મિત્રો, આમ તો ભારતમાં બહુ જ ઓછા પુરુષો કિચનમાં રસોઈ કરવા માટે ઘૂસે છે. મોટેભાગે વિક એન્ડમાં હું મારા બાળકો અને પત્ની માટે ઇટાલિયન પાસ્તા બનાવું છું. પાસ્તા બનાવવાના એટલા સહેલા છે કોઈપણ વ્યક્તિ થોડી ઘણી બીજાની મદદ સાથે આ બનાવી શકે છે. પાસ્તા બનાવતા પહેલા બધી જ સામગ્રી તમારી પાસે હાજર છે કે નહિ તે તપાસી લો. બધી સામગ્રી તપાસી દીધા પછી ડુંગળી, લસણ, લીલા મરચા વિગેરે કાપીને તૈયાર રાખો. શરૂઆતમાં કદાચ તમને જો આ કુકિંગ પૂરેપૂરું ના ફાવે તો પહેલા તમારી પત્ની, માતા અથવા બહેનને કિચનમાં ડુંગળી, લસણ, કેપ્શીકમ , મશરૂમ, રીંગણ અને ઝુકીની (ગલકુ) ગોળ આડા પૈતામાં કાપવામાં મદદ કરો. યાદ રાખો કે આવું કરો ત્યારે એપ્રન પહેરવાનું ભૂલતા નહિ. આમ કરવાથી તમારો આત્મ વિશ્વાસ વધશે, કિચનમાં તમારો વટ પડશે અને તમારા પણ કપડા ગંદા નહિ થાય. અને હા પિકચર્સ લેતા રહેવાનું ભૂલતા નહિ. મારી જેમ જ ફેસબુક પર અપલોડ કરીને પોસ્ટ મુકવામાં એ કામ લાગશે.
.
બો-ટાઈ પાસ્તા વિથ વેજીટેબલ્સ:
બો ટાઈ પાસ્તા Bo-tie Pasta 500 Gms
ઓલીવ ઓઈલ Olive Oil 8-10 spoons
ગાર્લિક સોલ્ટ Garlic Salt As needed
પાર્શ્લી Parsley 2 spoon
ક્રશ્ડ રેડ પેપર Crushed Red peppers 1 spoon
મોઝારેલા ચીઝ Mozzarella Cheese grated 250 Gms
ડુંગળી Onions 1 pc
રીંગણ Egg-Plants 2-3 pc
ગલકુ Zucchini 2 pc
મશરૂમ Mushrooms 250 Gms
લીલાં તીખા મરચાં Green Chillies 5-6 pc
કેપ્સીકમ પેપર્સ Capsicum peppers 4-5 pc
મીઠું Salt As needed
વાટેલાં કાળા મરી Black Peppers Powder 1 spoon
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લઈને ગરમ કરવા માટે મુકો. એ પાણીમાં બે ચમચી ઓપ્લીવ ઓઈલ, ગાર્લિક સોલ્ટ, પાર્શલી અને રેડ ક્રશ્ડ પેપર્સ નાંખીને પાણીને બોઈલીંગ પોઈન્ટ સુધી ઉકાળો. પાણી બરાબર ગરમ થાય એટલે એમાં બો-ટાઈ પાસ્તા ઉમેરીને એ બરાબર બફાઈ જાય ત્યાં સુધી રાખો. આ ક્રિયા મધ્યમ આંચ પર થવા દેવી. બો-ટાઈ પાસ્તાનો આકાર શર્ટ પર બંધાતી બો-ટાઈ જેવો હોય છે. પણ જો એ પાસ્તા ના હોય તો બીજા કોઈ પણ પાસ્તા વાપરી શકાય.
પાસ્તા બફાવાની ક્રિયા ચાલુ હોય ત્યારે બીજા એક કઢીયામાં ચાર ચમચી તેલ ગરમ કરો. કાપેલી લાલ ડુંગળી નાંખીને ડુંગળીનો રંગ આછો ગુલાબી થાય ત્યાં સુધી એને સાંતળો. ડુંગળીનો રંગ ગુલાબી થઇ જાય એટલે એમાં ઝીણું કાપેલું લસણ અને ઝીણા આડા સમારેલાં જીણા લીલા મરચાં ઉમેરો. ત્યાર પછી એમાં ગોળ કાપેલા રીંગણ, ઝુકીની (ગલકાં) ઉમેરીને લગભગ ચાર પાંચ મિનીટ સાંતળો. પછી એમાં અલગ અલગ રંગના આડાં સમારેલાં કેપ્શીકમ મરચાં નાંખો અને છેલ્લે આડાં કાપેલા મશરૂમ નાંખો. લાલ, લીલા, પીળા રંગના કેપ્શીકમથી બધા વેજીટેબલ્સ બહુ જ રંગબિરંગી લાગશે. અલગ અલગ કલરનું ફૂડ બાળકોને વધુ પસંદ આવે છે. આ સાંતળેલા શાકભાજીને પુરેપુરા ચઢવા દેવાની જરૂર નથી. થોડી કચાશ રહે એ જરુરી છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલાં કાળા મરી ઉમેરો.
આ દરમ્યાનમાં પાસ્તા પર ધ્યાન આપતા રહો. ધ્યાન રાખો કે પાસ્તા માફકસરના જ ચઢે પણ પાસ્તા વધુ પડતાં ચઢી ના જાય. વચ્ચે હળવાં હાથે પાસ્તા હલાવવા જેથી એ ચોંટી ના જાય. પાસ્તાના પાણીમાં ઓલીવ ઓઈલ નાખવાથી પાસ્તા જલ્દીથી ચોંટતા નથી. પાસ્તા ચઢી જાય ત્યાર પછી એને સાંતળેલા શાકભાજીમાં ઉમેરી દો. બરાબર હલાવીને પાસ્તા અને શાકભાજી મિક્સ કરો.
એક પેણીમાં પાસ્તા સોસ નાખી એને ગરમ કરો. પાસ્તા સોસ બજારમાં તૈયાર મળે જ છે. જો પાસ્તા સોસ તૈયાર ના મળે તો ટામેટાને જીણા કાપીને બ્લેન્ડરમાં એને એકદમ લીક્વીડ થઇ જાય ત્યાં સુધી મિક્સ કરો. એક વાસણમાં થોડું ઓલીવ ઓઈલ ગરમ કરો. એમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. એમાં ઝીણું કાપેલું લસણ નાંખો. એમાં લીક્વીડ ટોમેટો પ્યુરી ઉમેરી એને ગરમ કરીને એમાં ગાર્લિક, કાળા મરી, કેજુન, ઓરગાના, બેઝલ લીફ, ઇટાલિયન મિક્સ હર્બ લીલું મરચું, રેડ ક્રશ્ડ પેપર્સ અને અડધી ચમચી ખાંડ નાંખીને લગભગ દશ મિનીટ માટે ગરમ કરીને પણ પાસ્તા સોસ બનાવી શકાય.
ત્યારબાદ પાસ્તાને એક ડીશમાં કાઢી લો. એમાં પાસ્તા સોસ રેડો અને ઝીણી સમારેલી મોઝેરેલા ચીઝ ભભરાવો. જો આપની પાસે માઈક્રોવેવ ઓવન હોય તો એમાં પંદર વિશ સેકંડ માટે ડીશને ગરમ કરો જેથી ચીઝ થોડી મેલ્ટ થઇ જાય. ગરમાગરમ પાસ્તાને ગાર્લિક બ્રેડ સાથે પીરસો. જો આ પાસ્તા સાથે રેડ વાઈન પણ લેવામાં આવે તો સોનામાં સુગંધ ભલે. પણ ગુજરાતમાં દારુબંધી હોવાથી રેડ વાઈનની જગ્યાએ પેપ્સી, કોક કે અન્ય ઠંડા પીણાં કે સાદા પાણીની મજા પણ માણી શકાય છે.
ઇટાલિયન બો ટાઈ પાસ્તા તમારા ફેમીલી સાથે આરોગો.
ગાર્લિક બ્રેડ રેસીપી:
બજારમાં મળતી ઇટાલિયન બ્રેડ, મલ્ટી ગ્રેઇન બ્રેડ (અથવા તો કોઈ પણ બ્રેડ) ને નાના લંબગોળ ટુકડામાં કાપી નાંખો. એના પર બટર ચોપડો. એના પર ગાર્લિક સોલ્ટ, પાર્શલી, રેડ ક્રસ્ડ પેપર, અને શરેડેડ માઝારોલા ચીઝ ભભરાવો. પ્રી-હીટેડ ઓવનમાં 200 ડીગ્રી ફેરનહાઈટ ટેમ્પરેચરમાં પંદરેક મિનીટ માટે મૂકી રાખો. બ્રેડ બ્રાઉન અને ટોસ્ટેડ જેવી થાય એટલે એને બહાર કાઢી ગરમાગરમ પાસ્તા સાથે પીરસો.
રોસ્ટેડ પોટેટોઝ રેસીપી:
એક પેણીમાં બે ત્રણ ચમચી ઓલીવ ઓઈલ ગરમ કરો. એમાં બટાકાના ઉભા કાપેલાં મોટા ટુકડાં નાંખો. એની પર ગાર્લિક સોલ્ટ, રેડ ક્રસ્ડ પેપર્સ, ઇટાલિયન સીઝનીંગ, પાર્શલી નાંખી બરાબર હલાવીને મિક્સ કરો. પોતેતોઝ થોડા ચઢે (બહુ ચઢાવવાની જરૂર નથી. થોડાં કાચા રહેવાં જોઈએ) એટલે એને પણ પ્રી-હીટેડ ઓવનમાં 200 ડીગ્રી ફેરનહાઈટ ટેમ્પરેચરમાં પંદરેક મિનીટ મૂકી રાખો. પોટેટોઝ આછાં બ્રાઉન અને થોડાં ટોસ્ટેડ થાય એટલે બહાર કાઢી પાસ્તા સાથે પીરસો.
જો તમને આ રેસીપી ગમે તો તમારો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં. તમારો સારો પ્રતિભાવ મળશે તો બીજી ઘણી ઇટાલિયન, મેક્સિકન વેજ કે નોન વેજ રેસીપીઝ આ મેગેઝીનમાં વાંચવા મળશે.
-- અજય પંચાલ (USA)
*ઇન્સટન્ટ અથાણાનો મસાલો બનાવવાની રીત*
અત્યારની આ સિઝનમાં જયારે બધાં મરી-મસાલા બજારમાં તાજા જ મળતા હોય છે, ત્યારે તેમાંથી આખું વરસ ચાલે એટલા પ્રમાણમાં એક સ્વાદિષ્ટ વઘારેલો મસાલો [સંભાર] બનાવી શકાય છે . આ મસાલો બારે માસ તાજો જ રહે છે, અને જોઈએ ત્યારે તેને કેરી, ગાજર, ગુંદા, કાચું પપૈયું, ટીંડોરા, કુમળી વાલ-પાપડી, લાંબા લીલા મરચા વગેરેમાં ભેળવીને એક ઈન્સટન્ટ અથાણું બે-પાંચ મીનીટમાં જ બનાવી શકાય છે.
.
=સામગ્રી=
૧ કિલો મરચાની ભૂકી
અડધો કિલો રાઈની દાળ
પા કિલો મેથીની દાળ
દસ ગ્રામ હીરા-હિંગ [હરસ-કણી]
૪૦૦ ગ્રામ તેલ
૨૦ ગ્રામ આખા ધાણા
૧૦ ગ્રામ આખા મરી
૬૦૦ ગ્રામ [તડકામાં સુકાવેલું] ટાટા મીઠું
=રીત=
એક મોટું તપેલું લેવું. તેમાં તપેલીમાં કિનારીએ કિનારીએ અડધો કિલો રાઈની દાળ પાથરી દેવી.
પછી તેની ઉપર પા કિલો મેથીની દાળ પાથરી દેવી.
દસ ગ્રામ હીરા-હિંગને મિક્સરમાં વાટી લેવી.
પછી તેમાંથી અડધી હિંગ તાપેલીમાંના રાઈ-મેથીની દાળના થર ઉપર પાથરી દેવી
૪૦૦ ગ્રામ તેલ ગેસ ઉપર ધીમા તાપે એક કડાઈમાં [વઘાર કરી શકાય તેટલું] ગરમ કરવું.
પછી તેમાં ૨૦ ગ્રામ આખા ધાણા અને ૧૦ ગ્રામ આખા મરી નાખવા અને ધાણા ગુલાબી રંગના થાય ત્યાં સુધી ખમવું.
પછી તેમાં [તેલમાં] અડધી વધેલી બાકીની હિંગ નાખી એ ધાણા, મરી અને હિંગવાળું તેલ, તાપેલીમાંના રાઈ મેથીની દાળ પર રેડી, તપેલીને થાળી ઢાંકી દેવી. થાળી ઢાંકીને પંદર મિનીટ રહેવા દેવું, જેથી રાઈ-મેથીની દાળ ગરમ ગરમ તેલમાં સરખી રીતે [ સંતળાઈ] ભળી જાય. જરૂર જણાય તો થાળી ઢાંકેલ તપેલીને ખોલ્યા વગર હલાવવી.
તપેલીની સામગ્રી ઠંડી થઇ જાય એટલે તેમાં એક કિલો મરચાની ભૂકી નાખવી.
પછી ૬૦૦ ગ્રામ [તડકામાં સુકવેલું] મીઠું નાખી બધું મિશ્રણ સરખી રીતે હલાવીને મિક્સ કરવું.
વ્યવસ્થિત મિક્સ થઇ જાય એટલે કાંચની [ધોયેલી, તડકમાં તપાવેલી, સ્વચ્છ] બરણીમાં દબાવી દબાવીની ઠાસોઠાંસ ભરી દેવો.
.
આ મસાલો, અંદાજે બે વર્ષ સુધી એવો ને એવો, તાજો અને સ્વાદિષ્ટ રહે છે.
પછી આખા વરસ દરમ્યાન સીઝન પ્રમાણે મળતા ગાજર, ગુંદા, કાચી કેરી, કાચું પપૈયું, ટીંડોરા, કુમળી વાલ-પાપડી, લાંબા લીલા મરચા વગેરેને સુધારીને તેમાં જોઈતા પ્રમાણમાં આ વઘારેલો મસાલો, કાચું તેલ, ચપટી એક ખાંડ અને ચપટી હિંગ નાખી, બધું સરખું રીતે ભેળવી એક ઇન્સટન્ટ તાજું અથાણું બનાવી શકાય.
પાપડીના [બાફેલા] લોટ સાથે, ઢોકળા સાથે, કે થેપલા અથવા મુઠીયા સાથે આ મસાલાને ચટણીની જગાએ પણ લઇ શકાય છે. લસણની બાધ હોય તેવા લોકો આ મસાલાને લસણની ચટણીની જગ્યાએ બારે માસ ખાઈ શકે છે.
--મીના મજીઠિયા..
*મોરારીબાપુનો અસ્મિતા-પર્વ*
ઉનાળાના એંધાણ આવી પહોચ્યા છે. હવે લગભગ ૬ માસ સુધી ચાલતી ગરમીની સીઝન શરુ થઇ રહી છે. અકળાવનારી ગરમી અને શેકી નાખતા તાપ સાથે શરુ થશે લગ્ન, સગાઈઓ અને જ્ઞાતિ પાટોત્સવોની રંગત. આ ઉનાળામાંય સપ્તપદી તો એટલી જ યાદગાર હોય છે...એટલી જ ડિવાઈન....એટલી જ સુંદર. પણ આપણે દર વખતે ફેરા તો ફરવાના હોય નહિ. કોઈ અંગત સબંધી હોય તો ઠી,ક બાકી આપણે તો એ ય..ને ટાઈમ-પાસ કરવાનો. સાલું ભારત આટલો ગરમ પ્રદેશ છે, તોય આપણા લગ્નપ્રસંગો માટેનો ડ્રેસ કોડ કેમ આવડો ભયંકર ગરમ હશે, એ મને સમજાતું નથી. તાપમાન મસ્ત ૪૦ને ઓવરટેક કરી ગયું હોય તો ય આપણે સિલ્કની અને નેટની સાડીઓ અને ચણિયાચોળીઓ પહેરી પહેરીને આંટા મારવાના. [બોયઝ અને જેન્ટ્સ લોકોએ શેરવાની અને ઈડો-વેસ્ટર્ન એમ વાંચવું.] અને સાડી અને ચણિયાચોળી ઉપર ટેકી ઓર્નામેન્ટ્સ ન પહેરીએ, તો આ સાડી અને ચણિયાચોળીને માઠું લાગે. એટલે જેટલા કલાકના લગ્ન એટલા કલાકની આપણી જેલ પાક્કી. ઠંડા જ્યુસ, છાશ, પાણી અને આઈસ્ક્રીમ એ ગરમીના પ્રસંગોમાં મહેમાનોનાં આરાધ્ય દેવો છે. બધું કામ તો પેલા કેટરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટવાળા સંભાળે, આપણે તો ઠાલીઠાલી વાતો કરવાની, હસવાનું અને સેલ્ફી લેવાના. છેલ્લે બાકી, પેટ તણાય ત્યાં સુધી એકેએક વાનગીઓનો લાભ લઇ અને ઘરે આવીને માટલું ભરીને પાણી પેટમાં પધરાવી દેવાનું. પછી કયા કાકાના જાગવાના હોશ હોય? એટલે ઊંઘી જવાનું, અને બિચારું લીવર બરાબરનું ધંધે લાગ્યું હોય, ને મગજ પરાણે લોહીનું લશ્કર એની મદદ માટે મોકલ્યા કરે, એટલે આપણા રામ સુસ્તીની મજા લે.
આવા પ્રસંગોમાં ગમતા લોકોને મળવાની મજા, ન ગમતા લોકોને મળવાની સજા અને બિનજરૂરી લોકો સાથે વાર્તાલાપ કરવાનો કંટાળો. સામાજિક દ્રષ્ટીએ પ્રસંગો તહેવારો બુસ્ટરનું કામ કરે છે. પણ માનસિક, અધ્યાત્મિક અને બૌધિક દ્રષ્ટીએ પણ બુસ્ટર હોય..એવો એક મારો ફેવરેટ પર્વ છે, કે જે આ જ તહેવારોની સીઝનમાં આવે છે, અને એ છે હનુમાન-જયંતિ પર આવતો ‘અસ્મિતા-પર્વ’. પરમ પૂજ્ય મોરારીબાપુના સાંનિધ્યમાં એમના વતન તલ-ગાજરડા, [મહુવા તાલુકા]માં દર વર્ષે ત્રણ દિવસ માટે યોજાતો આ પર્વ, મને વિશેષ પ્રિય છે એના બહુ તાર્કિક કારણો છે.
એનું એક સૌથી મહત્વનું કારણ છે સ્વયં મોરારી બાપુ. એમના વિષે કંઇક લખવા માટે મારું ગજું નાનું નહિ..પણ બહુ જ નાનું પડે. એમને આદર પણ કરી શકાય, અને પ્રેમ પણ. એ જેટલા પરિપક્વ છે, તેટલા જ હૃદયથી ખુલ્લા પણ. યુવા વિચારો (યુવાનોના વિચારો અને જેનાં વિચારો યુવાવસ્થામાં છે, તે બંનેની વાત કરું છું) માટે જગ્યા છે. તેઓ વિદ્વાન છે, અને સહજ પણ. બસ એક ધારાની માફક વહી જતી કથામાં મને કઈ સવિશેષ ગમતું હોય, તો એ કે તેઓ આપણને જરાય વાર આનંદથી વિમુખ નથી કરતા. તેઓ એમ નથી કહેતા કે, “હવેનો જમાનો ખરાબ છે, તમે બધા ખરાબ છો. યુવાનો બધા રાહ ભૂલેલા છે. એકઝેટલી વર્ષો પહેલા જેવી રીતે જીવાતું હતું એમ જ જીવો. દુઃખ સહન કરો. રોજ ધૂપ , દીવા, હોમ, હવન, તંત્ર, મંત્ર તો કરવા જ પડે નહી તો તમે પાપી.”
સાલું એક કથા સાંભળ્યા પછી આપણે નિર્લજ્જ, પાપી, નકામા, બેકાર, અધમ હોઈએ એવી ગિલ્ટીથી ઉભરાઈ જતા હોઈએ અને મગજ ઉપર દસેક કિલોનો પથ્થર પડી ગયો હોય છે. પણ આવી હાલત બાપુની કથા સાંભળ્યા પછી નથી થતી. મન હળવું થાય અને મગજ પાસે કંઈક વિચારવાનું આવે, તેમ જ હૃદય આનંદિત થાય એવી સરસ કથા કહે છે, બાપુ.
બાપુની એક બીજી વાત જે મને ખાસ આકર્ષે છે, તે એ છે કે, તેઓ જેવું બોલે છે એવું જ જીવે પણ છે. સાદાઈના સંદેશા આપીને લાખો કરોડોની મિલકતમાં તેઓ આળોટતા નથી. અને રસથી ભરેલું તેમનું વ્યક્તિત્વ છે..નીચોવાઇ ગયેલા લીબુંની કડવી છાલ જેવું નહિ. રામાયણને સદીઓ પુરાણી માઈથથી આગળ લઇ જઈને સાંપ્રત અને જીવંત રાખી છે, આ આપણા સહુના બાપુએ,
તો હવે વાત કરીશ એમના સાનિધ્યમાં ઉજવાતા પર્વ, ‘અસ્મિતા પર્વ’ની.
જેમ શરીરને ખોરાકની જરૂર છે તેવી જ રીતે મન અને દિમાગને પણ ખોરાકની જરૂર હોય છે. ત્રણ દિવસમાં ધરાઈને જમી લેવું હોય તો અસ્મિતા પર્વ અચૂક જોજો. આ એવો કાર્યક્રમ છે જેને કોઈ પબ્લીસીટીની જરૂર નથી. એને હું કાર્યક્રમ નહિ લહાવો કહીશ. કોઈ ઝાકઝમાળ નહિ; કોઈ આંખ આંજી દેતી રોશની નહિ; કોઈ તેજ સાજ સજાવટ નહિ; બિલકુલ લાઉડ નહિ, બસ સરળ અને સહજ હૃદયથી હૃદય સુધીની વાતો.
એવી જગ્યા, જ્યાં ભાતીગળ સંસ્કૃતિની વાતો થાય..તો અનેક ભાષાઓની કવીતાઓની અને સાહિત્યની ય વાતો થાય. જ્યાં ફિલ્મોની ય વાતો થાય, અને રેડીઓની પણ. જ્યાં પ્રેમથી છલકતી ગઝલો ય ગવાય, અને અહિયાં સંગીતના વિશેષજ્ઞ સંગીતની ચર્ચાય કરે. કોઈ મુદ્દા સામે નાકનું ટીચકું ન ચડાવવામાં આવે. પરિપક્વ વક્તાઓ અને શ્રોતાઓ પણ પરીપક્વ....!
યુવા બેન્કર, ઉમદા પ્રોગ્રામ હોસ્ટ અને સાથે ગુજરાતી કવિતાઓના શોખીન, તેમજ સ્વયં કવિ..એવા મિલિન્દ ગઢવી, કે જે અસ્મિતા-પર્વમાં હોસ્ટીંગ કરી ચુક્યા છે, તેમની સાથે ઓનલાઈન વાતચીત દરમિયાન તેમણે બહુ સરળ અને સરસ અનુભવો કહ્યા છે. બાપુ સાથેનો પોતાનો અનુભવ તેઓ એક જ વાક્યમાં સચોટ રીતે કહે છે, “મૂંગા માણસના મોઢામાં મુકેલી સાકર જેવો અનુભવ”
વા..ઉ વા..ઉ વા..ઉ !
અને અસ્મિતાપર્વ માટે તેઓ કહે છે, “આ તો રસિકો ભાવકો, શ્રાવકો અને પ્રેમીઓનો દરબાર..!” ત્યાં શું વાતો કરી..બધા વિદ્વાનો સાથેનો અનુભવ કેવો રહ્યો..એ બાબતે મિલિન્દ કહે છે, “બાપુ પાસે વિદ્વતા લઇને જવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઓશો કહે છે તેમ, પંડિતો તો ઘણા હોય..ડોલરના ડઝન મળી રહે. પંડિતાઈનું પ્રદર્શન કરવા બાપુ સામે જવાનો કોઈ સવાલ જ નથી. બસ, ત્યાં બધા સાથે ઈન્ટરેકટ કરીએ, ડીબેટ કરીએ, ડિસ્કસ કરીએ અને એકબીજા પાસેથી ઘણું શીખીએ. મને તો બહુ પ્રેમ મળ્યો છે બધા તરફથી. એક ખુબ સુંદર પ્લેટફોર્મ છે.”
પ્રોગ્રામ બાબતે કેવી તૈયારીઓ હોતી હશે..શું માહોલ હશે..જેવા સવાલોના જવાબમાં મિલિન્દભાઈ કહે છે, “ત્યાં બેક-સ્ટેજ જેવું કઈ હોતું જ નથી.” મતલબ કોઈ તૈયારીપૂર્વકનો દેખાડો નથી.
પ્રોગ્રામની એક અદ્ભુત વાત ખબર છે તમને? મહાન વક્તા એવા બાપુ, સમગ્ર કાર્યક્રમમાં ફક્ત એક જ વાર કાર્યક્રમના અંતે..હનુમાન-જયંતિના દિવસે જ બોલે. ત્યાં સુધી ફક્ત સાંભળે. ને બીજા આપણે મહાન હોઈએ કે ન હોઈએ..વક્તા હોઈએ કે ન હોઈએ, પણ બોલવા તો જોઈએ જ. અને સાલું જેટલું વધુ બોલીએ તેટલું ઓછું સાંભળીએ. જબરું કે’વાય નહિ?
દિવસ દરમિયાન વિદ્વાન વક્તાઓને સાંભળવાના, અને મોડી સાંજથી સાંસ્કૃતિક કાર્યક્રમો..! ભારતના સંગીત અને નૃત્યના અનેક ઉત્કૃષ્ટ કલાકારો આ પ્લેટફોર્મ પર પરફોર્મ કરી ચુક્યા છે. ત્યારબાદ અપાય હનુમંત- એવોર્ડ..જેમાં ફિલ્મી કલાકારો, આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો અને પ્રતિભાઓનું અહી સન્માન થાય છે.
ત્રણ દિવસ ટીવી બંધ કરવાની તમને ઈચ્છા નહિ થાય, આઈ બેટ..! (તેનું લાઇવ ટેલિકાસ્ટ આસ્થા ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવે છે.) અને ત્રણ દિવસના અંતે ઘણું બધું પામશો એ પણ નક્કી.
હકીકતે એક દંભથી તદ્દન મુક્ત, મનને આનંદથી ભરી નાખતો આ એક પર્વ, માણવા જેવો ખરો.
-- હેલી વોરા...
આ અંક આપને કેવો લાગ્યો?
તમારા અભિપ્રાયોની રાહમાં છીએ, ‘શબ્દાવકાશ’ એ તમારું પોતાનું મેગેઝીન છે.
અમારો સંપર્ક અમારી ટીમ દ્વારા કે ઈમેઈલ દ્વારા તમે કરી શકો છો.
હવે પછીના અંકોમાં આપ સહુ પણ આપના લેખ-વાર્તા વગેરે અમને મોકલી શકો છો. kathakadi.online@gmail.com આ છે અમારી email-id. આપનું લેખન-કાર્ય આપ અમને અહીં ઈમેઇલ કરી શકો છો.
આવો લખીએ..
શબ્દવકાશ ટીમ વતી:
-જાહ્નવીબેન અંતાણી
-અજય પંચાલ
-ઈરફાન સાથીયા
-નિમિષ વોરા
-અશ્વિન મજીઠિયા
-નીવારોઝીન રાજકુમાર
*****