Soumitra - 11 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સૌમિત્ર - કડી ૧૧

Featured Books
Categories
Share

સૌમિત્ર - કડી ૧૧

સૌમિત્ર

સિદ્ધાર્થ છાયા દ્વારા

-: પ્રકરણ ૧૧ : -


“ભૂમિ...મારી વાત તો સાંભળ?” ભૂમિની એકદમ નજીક પહોંચી ગયેલા સૌમિત્રએ એને કોણીએથી પકડીને ઉભી રાખી. ભૂમિ સાથે ચાલી રહેલો હિતુદાન પણ ઉભો રહી ગયો.

“હવે શું છે તારે?” ભૂમિનો ગુસ્સો આસમાને હતો.

“તું કેમ આમ અચાનક ત્યાં આવી?” સૌમિત્રએ પૂછ્યું.

“ઓહ..અચ્છા તો મારે ત્યાં નહોતું આવવું જોઈતું એમને?” ભૂમિએ એની આંખો ઝીણી કરીને સૌમિત્ર તરફ તીર છોડ્યું.

“અરે એમ નહીં, પણ એવું કશું નહતું.” સૌમિત્રએ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો.

“જે હતું એ મેં જોઈ લીધું. મિસ યુનિવર્સીટી એ બે મીઠા શબ્દો કહ્યા એટલે તમે લટુડા પટુડા થતા હતા એ મેં જોયું ઓકે?” ભૂમિ ગુસ્સામાં સહેજ જોરથી બોલી.

હિતુદાને બંનેને ધીમેથી બોલવાનો ઈશારો કર્યો.

“અરે પણ એને મારી સ્ટોરી ગમી એટલે વખાણ કરતી હતી બસ.” સૌમિત્ર હવે ધીરેથી બોલ્યો.

“અને એના વખાણ એટલાબધા ગમી ગયા કે એમણે લાંબો કરેલો હાથ તમારે પકડી જ રાખવો હતો.” ભૂમિએ હવે સૌમિત્રને કોર્નર કરી લીધો.

“અરે પણ કોઈ સામેથી હાથ આપે તો..” સૌમિત્ર ચોખવટ કરવા માંગતો હતો.

“જો સૌમિત્ર, તારે કોઈજ ચોખવટ કરવાની જરૂર નથી. આજથી મારી સાથે વાત કરવાની જરૂર નથી.” આટલું કહેતાની સાથેજ ભૂમિ સૌમિત્રની વિરુદ્ધની દિશા તરફ ફરી અને ચાલવાનું શરુ કર્યું.

“અરે પણ બેના..આમ ..” હવે હિતુદાનથી ન રહેવાયું એ પણ બોલ્યો.

“હિતુભાઈ, તમે પ્લીઝ તમારા ફ્રેન્ડનો પક્ષ ન લ્યો, આપણા બેય વચ્ચે બહેન-ભાઈનો સંબંધ ચાલુ રહેશે એના મારા અને સૌમિત્રના છૂટા પડવાની કોઈજ અસર નહીં પડે. વ્રજેશભાઈને પણ કહી દેજો કે એમની સાથે પણ મને કોઈજ વાંધો નથી.” ભૂમિ હિતુદાન તરફ જોઇને બોલી રહી હતી.

“એટલે તને વાંધો મારી સાથે જ પડ્યો છે.” સૌમિત્ર બોલ્યો.

“એ તારે જે સમજવું હોય તે સમજી લે.” ભૂમિ સૌમિત્ર તરફ જોયા વગર જ બોલી.

“પણ એમાં આટલી હદે કેમ જાય છે? એવું કશું જ સિરિયસ નથી થયું યાર! તું સમજ.” સૌમિત્રએ હવે છેલ્લો દાવ માંડ્યો.

“મારે જે સમજવું હતું તે મેં સમજી લીધું છે. અત્યારે મારે ઘરે જવું છે.” આટલું કહીને ભૂમિ ફરીથી કોલેજના પાછલા દરવાજા તરફ ચાલવા લાગી.

સૌમિત્ર હવે કશું જ ન બોલ્યો. ખરેખર તો એ હજી પોતાને અને નિકિતાને વાત કરતા જોઈ ગયેલી ભૂમિને જોઇને અનુભવેલા આઘાતમાંથી બહાર પણ આવ્યો ન હતો અને ત્યાં ભૂમિએ એની સાથે ઝઘડો કરી દીધો. આમ ડબલ આઘાતને લીધે સૌમિત્રને સમજાઈ નહોતું રહ્યું કે તે ભૂમિને કેવીરીતે સમજાવે કે એ આરીતે એક નાની વાત માટે તેને મોટી સજા આપી રહી છે.

==::==

“ઈર્ષા છે દોસ્ત.. ઈર્ષા. જેમજેમ આ ઈર્ષાની અસર ઓછી થતી જશે તેમતેમ ભૂમિને ખ્યાલ આવશે કે તેણે તારી સાથે ખોટું કર્યું છે.” વ્રજેશ સૌમિત્રને કહી રહ્યો હતો.

“પણ ત્રણ દિવસ થયા વ્રજેશ. મારી સામે જોઇને રસ્તો બદલી લે છે.” સૌમિત્રના ચહેરા પર નિરાશા હતી.

“યે ઈશ્ક નહીં આસાં બસ ઇતના સમજ લીજે સૌમિત્ર ભાઈ..” વ્રજેશે નિરાશ સૌમિત્રના ખભે હાથ મુકીને એને સમજાવવાની કોશિશ કરી.

“પણ આમાં તો ભૂમિ જ ખોટી સે વીજેભાય. આમાં સોમિતરનો કાંય વાંકગનો નથ્ય. હું ન્યા જ હતો. ઓલી સોમિતર પોતાની પાંહે આવે એવું બધું બોયલે રાખતી’તી. સોમિતર તો એની વારતા ઈને કેમ ગયમી ઈમાં જ રસ દેખાડતો’તો. આ માંણા આ વખતે હાવ એટલે હાવ નીર્દોસ સે.” હિતુદાને સૂર પુરાવ્યો.

“જો ભાઈ ગઢવી, પ્રેમમાં આવું જ હોય. કોણ કેટલું જેલસ ફીલ કરે છે એના પર આધાર છે. ભૂમિને ભલે સૌમિત્રથી ગુસ્સે થવાનું કોઈજ દેખીતું કારણ નહોતું પણ આ જેલસીની ફીલિંગ અજીબ હોય છે. મગજના બધા જ દ્વાર બંધ કરી દે છે.” વ્રજેશ નિશ્વાસ નાખતા બોલ્યો.

“તો હવે?” સૌમિત્રએ ઉપાય પૂછ્યો.

“હવે કશું નહીં સૌમિત્ર, બસ રાહ જો. ભૂમિના પ્રેમ પર અત્યારે ઈર્ષા કન્ટ્રોલ કરી રહી છે. જે દિવસે ભૂમિ આ ઈર્ષાને પોતાની પીઠ પરથી ધક્કો મારીને નીચે પાડી દેશે ત્યારે એ સામેથી તારી પાસે આવશે.” વ્રજેશે ઉપાય બતાવ્યો.

“પ્રેમ આટલો નબળો? એને મારા પર જરાય વિશ્વાસ નહીં પડ્યો હોય? માત્ર આટલી નાની બાબતે ગુસ્સે થઇ જવાનું? ના વ્રજેશ, કદાચ એનો નહીં પણ મારો પ્રેમ કાચો પડ્યો હશે. નહીં તો એનો મારા પરનો વિશ્વાસ મજબૂત હોત.” સૌમિત્રની આંખ ભીની થઇ ગઈ.

“અરે આમ કાં રોવસ? કાંય નય થાય. હું એને હમજાવી દઈસ. તું હુકામ ચ્યન્તા કરસ? મને ભાય કીયે સે, મારું તો માનસે જ.” હિતુદાન સૌમિત્રની નજીક આવીને બેઠો અને એનો ખભો દબાવ્યો.

“એવી ભૂલ જરાય ન કરતો ગઢવી.” અચાનક વ્રજેશ બોલ્યો.

“લે કાં? સોમિતરને મદદ તો કરવી ને? આપણે એના ભાયબંધ સીંયે.” હિતુદાને વ્રજેશની વાતને કાપી.

“એક્ઝેક્ટલી! એટલે જ તું ભૂમિને સમજાવવાની કોશિશ ન કરતો. એ પણ અત્યારે આપણને સૌમિત્રના ફ્રેન્ડ જ માનતી હશે એટલે તું એનો ભાઈ થઈને સમજાવવા જઈશ તો એ એવું જ માનશે કે તું સૌમિત્રની વકીલાત કરવા આવ્યો છે કારણકે તું એનો ખાસ એનો મિત્ર છે!” વ્રજેશે. સમજાવવાની કોશિશ કરી.

“પણ ક્યાં સુધી યાર? આ ત્રણ દિવસ મેં કેવીરીતે કાઢ્યા છે એ હું જ જાણું છું.” સૌમિત્ર બોલ્યો.

“એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!” વ્રજેશે થોડીવાર અગાઉ બોલેલી લાઈન્સ પૂરી કરી, એના ચહેરા પર સ્મિત હતું.

“ક્યાંક એને ઈગો તો નહીં નડે ને? કદાચ ગુસ્સો ઉતરી ગયો હોય પણ એ એવું ઈચ્છતી હોય કે હું પહેલા એની સાથે વાત કરું??” સૌમિત્રએ વ્રજેશને પૂછ્યું.

“અત્યારે કશું જ વિચાર નહીં સૌમિત્ર. જેમ ચાલે છે એમ ચાલવા દે. આજે શુક્રવાર થયો ને? સોમ-મંગળ સુધી રાહ જો, પછી આપણે મળીને કશુંક વિચારીએ છીએ.” વ્રજેશે ફરી સલાહ આપી.

==::==

“ભાઈ, આજે બુધવાર થયો. હજી એ એમની એમ જ છે.” સૌમિત્રની ચિંતા વ્યાજબી હતી.

“હા વીજેભાય, હવે કાંક કરવું પડે. અઠવાડિયું થય ગ્યું.” હિતુદાને સૌમિત્રની ચિંતામાં પોતાનો સૂર પુરાવ્યો.

“હમમ.. વિચારીએ કે શું કરવું. મારા ખ્યાલથી...” વ્રજેશ હજી બોલવા જ જતો હતો.

“સૌમિત્ર, તને કર્ણિક સર બોલાવે છે, ગુજરાતી ડીપાર્ટમેન્ટમાં.” અચાનક જ કૃણાલ આ ત્રિપુટીની સામે આવીને ઉભો રહ્યો.

“મને? મારું શું કામ પડ્યું એમને? ગુજરાતી મારો સબજેક્ટ નથી યાર, તારી સાંભળવામાં ભૂલ થઇ હશે.” સૌમિત્ર બોલ્યો.

“અરે ના બે, તને જ બોલાયો છે યાર. એમણે મને એમની સ્પેશિયલ સ્ટાઈલમાં જ કીધું કે પેલા સિદ્ધહસ્ત લેખક અને અદભુત વક્તૃત્વશક્તિના માલિક એવા શ્રી સૌમિત્ર પંડ્યા જો આપને આપણી વિદ્યાપીઠના પ્રાંગણમાં દ્રશ્યમાન થાય તો એમને તુરંત ગુજરાતી વિભાગમાં પધારવા માટેનો મારો સંદેશ જરૂર પહોંચાડશો.” કૃણાલ હસી રહ્યો હતો.

“ઓહ..તો તો મારે જવું જ પડશે.” સૌમિત્ર એના બંને મિત્રો તરફ જોઇને બોલ્યો.

વ્રજેશ અને હિતુદાને પોતપોતાના માથા હલાવીને સૌમિત્રને જવાનું કહ્યું.

==::==

પ્રોફેસર જયદેવ કર્ણિક માત્ર બત્રીસ વર્ષના હતા અને સૌમિત્રની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. યુવાન વિચારોવાળા હોવાથી કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓમાં એકસરખા લોકપ્રિય હતા પછી ભલેને કોઈનો વિષય ગુજરાતી હોય કે ન હોય. વિદ્યાર્થીઓ સાથે જાણીજોઈને બને તેટલું શુદ્ધ ગુજરાતી બોલીને વાતાવરણ હળવું રાખતા અને તેમની સાથે કાયમ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતા. કોલેજની મોટાભાગની સાહિત્યિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં તે કોઈને કોઈ રીતે સામેલ રહેતા. સૌમિત્ર પણ કોલેજના ગાર્ડનથી પ્રોફેસર્સ રૂમ તરફ જતા વિચારી રહ્યો હતો કે અચાનક જ કર્ણિક સરને એમનું શું કામ પડ્યું હશે?

“આવો બંધુ આપની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો.” સૌમિત્રના પ્રોફેસર્સ રૂમના એકદમ ડાબા ખૂણે આવેલા ડીપાર્ટમેન્ટ ઓફ ગુજરાતીના પાર્ટીશનમાં ઘૂસતાં વેંત જયદેવ કર્ણિક બોલ્યા.

“હા મને કૃણાલે હમણાંજ મેસેજ આપ્યો.” સૌમિત્ર ભૂમિના ગુસ્સે થવાના આટલા ટેન્શન વચ્ચે પણ કર્ણિક સરને એક સ્મિત આપી શક્યો.

“હા બંધુ, મારે તમને એ બાબતની જાણકારી આપવી હતી કે દર વર્ષની જેમજ આ વર્ષે પણ આપણી કોલેજમાં ટ્રેડીશનલ ડે કોમ્પિટિશન એટલેકે પરંપરાગત પોષાક અંગેની એક સ્પર્ધા આવનારા સોમવારે યોજવાનો નિર્ણય ગઈકાલે મોડી સાંજે અધ્યાપક મંડળની એક બેઠકમાં લેવામાં આવ્યો છે.” જયદેવ કર્ણિક એમની પ્રખ્યાત સ્ટાઈલમાં બોલવા લાગ્યા.

“જી સર, પણ મેં ક્યારેય એમાં ભાગ લીધો નથી.” સૌમિત્રને હવે કોઈ સ્પર્ધામાં કોઈ ફોર્સ કરે તો પણ ભાગ નહોતો લેવો અને એમાંય ભૂમિ જ્યાંસુધી તેની સાથે ન બોલે ત્યાંસુધી તો એ કોઇપણ આવી પ્રવૃત્તિમાં ધ્યાન આપી શકે એમ ન હતો.

“બંધુ તમારે એમાં ભાગ લેવાનો પણ નથી.” કર્ણિક સરના ચહેરા પર સ્મિત હતું.

“તો?” હવે સૌમિત્ર કન્ફયુઝ થયો.

“બંધુ તમારે એમાં એક સ્પર્ધક તરીકે નહીં પરંતુ મારી સાથે એક નિર્ણાયક તરીકે તમારું પ્રદાન આપવાનું છે.” કર્ણિક સર બોલ્યા.

“એટલે?” સૌમિત્રનું કન્ફયુઝન વધ્યું.

“બંધુ આપણી વિદ્યાપીઠની એક પરંપરા રહી છે કે આવી કેટલીક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પણ નિર્ણય લેવાની ભૂમિકાનો ભાગ બને જેથી તેમને ભવિષ્યની એક તાલીમ મળે, ઉપરાંત જો વિદ્યાર્થીઓનો સર્વસ્વીકૃત પ્રતિનિધિ પણ નિર્ણાયક મંડળમાં સામેલ હોય તો સ્પર્ધામાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓને પણ અંતિમ નિર્ણય પ્રત્યે વિશ્વાસનો અનુભવ થાય.” કર્ણિક સરે સૌમિત્રને સમજાવ્યું.

“ઓહ...પણ મને એ બધું નહીં આવડે સર.” સૌમિત્રનું ટેન્શન એટલું મોટું હતું કે તેને આ પ્રકારની પ્રવૃત્તિ ન કરતા ભૂમિને કેમ મનાવવી તેના પર વિચાર કરવાનો સમય જોઈતો હતો.

“બંધુ, તમને તો કદાચ લખતા પણ નહોતું આવડતું, પરંતુ તમે લખ્યું અને એવી તો સુંદર રજૂઆત કરી કે તમારી લઘુકથાનો અમે ઉલ્લેખ કરીને તેને આપણા સામાયિકમાં વિશેષ સ્થાન આપ્યું.” કર્ણિક સરે સૌમિત્રને લાજવાબ કરી દેતી દલીલ કરી.

સૌમિત્રને તરતજ ભૂમિ યાદ આવી ગઈ. તેણે જ સૌમિત્રને ફોર્સ કર્યો હતો કે ભલે તેને લખતા ન આવડે પણ તેનામાં અભિવ્યક્તિની કળા ઠાંસીઠાંસીને ભરી છે અને એટલેજ તેણે શોર્ટ સ્ટોરી કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ. એટલું ઓછું હોય એમ સૌમિત્રએ જ્યારે પરિણામ જોયું અને પોતે નથી જીત્યો એવું કહ્યા પછી પણ ભૂમિને વિશ્વાસ હતો કે સૌમિત્રની શોર્ટ સ્ટોરી મેગેઝિનમાં ન છપાઈ હોય એવું બને જ નહીં. સૌમિત્રને એ પણ યાદ આવી ગયું કે આ જ શોર્ટ સ્ટોરીને લીધે પેલી નિકિતા તેના લખાણથી આકર્ષાઈ અને તેને એકાંતમાં બોલાવ્યો અને ભૂમિ ગુસ્સે થઇ ગઈ.

ફક્ત બે થી અઢી સેકન્ડ્સમાં આ આખી ઘટના સૌમિત્રની આંખ સામેથી પસાર થઇ ગઈ.

“હા, સર પણ હું જ કેમ? આઈ મીન.. હું હજી કહું છું કે મને ન ફાવે, કોઈ બીજાને શોધોને? મને ખરેખર નહીં આવડે.” સૌમિત્રને હવે અહીંથી નીકળવું હતું.

“જુવો બંધુ, આપણી વિદ્યાપીઠના વિદ્યાર્થી મંડળના અધ્યક્ષ શ્રીમાન શક્તિસિંહજી ઝાલા એ પણ મને તમારું નામ જ સૂચવ્યું છે અને કહ્યું છે કે ભાઈ સૌમિત્રની લોકપ્રિયતા આપણી વિદ્યાપીઠમાં એટલીબધી છે કે જો એ નિર્ણાયક મંડળમાં હશે તો અંતિમ નિર્ણય પ્રત્યે કોઈને પણ દલીલ કરવાનો મોકો જ નહીં મળે. હું ઘણી સ્પર્ધાઓમાં નિર્ણાયક રહ્યો છું, સ્પર્ધાના આગલા દિવસે આપણે અહીં જ એ ચર્ચા જરૂરથી કરીશું કે એક નિર્ણાયકની કઈ જવાબદારીઓ હોય છે અને તમારે તેને કેવીરીતે સૂપેરે પાર પાડવી.” કર્ણિક સરે હવે સૌમિત્ર માટે કોઈજ દલીલ બાકી રાખી ન હતી.

“ઠીક છે સર, તમે આટલું બધું કહો છો અને શક્તિસિંહજીએ પણ કહ્યું છે તો મારે હવે ના પાડીને તમારા બંનેનું અપમાન નથી કરવું.” સૌમિત્રએ હથિયાર હેઠા મૂકી દીધા.

“અતિસુંદર અને યોગ્ય નિર્ણય લીધો તમે બંધુ. આ સાબિત કરે છે કે તમારી નિર્ણયશક્તિ સર્વથા યોગ્ય છે.” કર્ણિક સર હસ્યા.

“થેન્ક્....ધન્યવાદ સર.” ગુજરાતી પ્રોફેસર એવા કર્ણિક સર સામે ગુજરાતી જ બોલવું જોઈએ એવો વિચાર અચાનક જ સૌમિત્રને આવ્યો એટલે એણે એણે થેંક્યું અડધે મુકીને તેમને ધન્યવાદ કહ્યા.

“હવે આપને મારી એક વિનંતી છે કે આ બાબતની જાણ તમે બહાર કોઈને પણ નહીં કરો. તમારા અત્યારથી જાહેર કરી દેવાથી કે તમે આ સ્પર્ધાના નિર્ણાયક મંડળમાં સામેલ છો, કેટલાક સ્પર્ધકો તેમની અનેક યાચિકાઓ તેમજ પ્રલોભનો દ્વારા તમારા પર વણજોઈતું દબાણ લાવી શકે છે. આશા છે તમે મારી વાત બરોબર સમજી શક્યા હશો.” કર્ણિક સરે સૌમિત્રને ચેતવણી આપી.

“ચોક્કસ સર, પણ વ્રજેશ ભટ્ટ અને હિતુદાન ગઢવી મારા ખાસ મિત્રો છે એમને તો મારે જણાવવું જ પડશે. એ લોકો કોઈને નહીં કહે પ્રોમિસ.” સૌમિત્રએ મંજૂરી માંગી.

“ઠીક છે, તમને જે યોગ્ય લાગે તે કરી શકો છો પરંતુ વસ્તુસ્થિતિની ગંભીરતા જરૂરથી સમજશો. તો શનિવારે આપણે કોલેજનો સમય પૂર્ણ થાય પછી અહીં મળીએ છીએ. અધ્યાપિકા કુમારી મીનળ પરમાર પણ આ નિર્ણાયક મંડળમાં આપણા સાથીદાર છે એટલે આપણે ત્રણેય અમુક સમય સાથે બેસીને સ્પર્ધાના નિયમો તેમજ અન્ય કાર્યપદ્ધતીઓ અંગેની વિસ્તૃત અને વિષદ ચર્ચા કરી લઈશું.” કર્ણિક સર પોતાની ખુરશીમાંથી ઉભા થતા બોલ્યા.

“ઠીક છે સર, હું સમયસર આવી જઈશ.” સૌમિત્ર પણ પોતાની ખુરશીમાંથી ઉભા થતા બોલ્યો.

“નિર્ણાયક મંડળમાં તમારું સ્વાગત છે શ્રીમાન સૌમિત્ર પંડ્યા!” આટલું કહીને જયદેવ કર્ણિકે એમનો હાથ લંબાવ્યો જેને સૌમિત્ર એ પકડી લીધો.

==::==

ભૂમિ સૌમિત્રને સતત અવોઇડ કરી રહી હતી. સૌમિત્રની સામે એ ખુદ ન આવી જાય એનું એ ધ્યાન રાખતી હતી અને જો એ બંને ટકરાઈ પણ જાય તો પણ નીચું જોઇને પોતાનો રસ્તો બદલી નાખતી. સૌમિત્રને ભૂમિ તેની સાથે વાત કરવાનો એકપણ મોકો આપતી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી તો ભૂમિએ પોતાનો ઘેર જવાનો રસ્તો પણ બદલી નાખ્યો હતો. હવે તે કોલેજના પાછલા દરવાજેથી નહીં પરંતુ આગલે દરવાજેથી જતી, કારણકે તેને ખ્યાલ હતો કે સૌમિત્ર એ જ રસ્તેથી કોલેજ આવ-જા કરે છે. વ્રજેશ અને હિતુદાન સાથે ભૂમિ પહેલાની જેમજ વાતો કરતી, પરંતુ સૌમિત્રની ગેરહાજરીમાં. હિતુદાનને ખુબ ઈચ્છા થતી કે તે સૌમિત્ર અને ભૂમિ વચ્ચેનું આ ‘શીતયુદ્ધ’ કોઈરીતે સમાપ્ત કરે પણ તેને વ્રજેશે એમ કહીને રોકી રાખ્યો હતો કે બહુ જલ્દીથી એ દિવસ આવશે જ્યારે સૌમિત્ર અથવા ભૂમિ બે માંથી એક જણાએ તો સામે ચાલીને કોઈક એકને તો બોલાવવા જ પડશે. સૌમિત્રને ભૂમિ સાથે વાત કરવી હતી પણ ભૂમિ જે રીતે એને અવોઇડ કરી રહી હતી તે એને ન ગમ્યું. સૌમિત્ર આ બે-ત્રણ દિવસમાં એ બાબતે સ્પષ્ટ થઇ ગયો હતો કે એણે એવી મોટી ભૂલ નથી કરી કે ભૂમિએ તેની સાથે આવું કઠોર વર્તન કરવું જોઈએ, એટલે એ હવે ભૂમિ એને સામેથી ક્યારે બોલાવે છે એની રાહ જોઈ રહ્યો હતો. પણ હા, સૌમિત્રનું હ્રદય અંદર અંદરથી ભૂમિને યાદ કરીને ખુબ રડતું હતું.

ટ્રેડીશનલ ડ્રેસ કોમ્પિટિશનના વિજેતાની જાહેરાત કોલેજના હોલમાં રાખવામાં આવી હતી અને સ્પર્ધકો માટે સ્ટેજની બાજુમાં જ ખુરશીઓ મૂકવામાં આવી હતી. હોલ અત્યારે ખાસ ભરાયેલો નહોતો કારણકે કોમ્પિટિશનના જજીસને એક અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. સ્ટેજ પરથી જે સ્પર્ધકનું નામ બોલવામાં આવે એને હોલની બરોબર બાજુમાં આવેલા રૂમમાં જઈને જજીસ સામે પોતે પહેરેલા ડ્રેસનું પ્રદર્શન કરવાનું હતું અને પોતાની ઓળખાણ આપવાની હતી. જજીસને તેમના ડ્રેસીઝ જોઇને તેમને દસમાંથી માર્કસ આપવાના હતા. એક પછી એક સ્પર્ધકો આવતા હતા અને પ્રોફેસર જયદેવ કર્ણિક, પ્રોફેસર મીનળ પરમાર અને સૌમિત્ર તેમને યોગ્ય લાગે એટલા માર્કસ આપતા જતા હતા.

“તમામ સ્પર્ધકોએ ખુબ મહેનત કરી છે.” એક સ્પર્ધક બહાર જતાં જ પ્રોફેસર કર્ણિક બોલ્યા.

“હા સર, પેલા મેહુલ સુથારનો ડ્રેસ મને ખુબ ગમી ગયો, અદ્દલ કાઠીયાવાડી દેખાય છે.” સૌમિત્રએ પોતાનો અભિપ્રાય આપ્યો.

“અરે બંધુ, હજી તો સાત સ્પર્ધકો જ આવ્યા છે અને તમે તમારો વિજેતા અત્યારથી જ પસંદ કરી લીધો?” કર્ણિક સર હસ્યા.

“હા, સર એટલીસ્ટ...એટલે વિદ્યાર્થીઓમાં તો કદાચ જ હવે કોઈ મેહુલને ટક્કર મારી શકે એવો આવે. વિદ્યાર્થીનીઓમાં જોઈએ, હજી એમનો વારો બાકી છે.” સૌમિત્ર કર્ણિક સર સાથે બોલતી વખતે ખાસ ધ્યાન રાખી રહ્યો હતો કે તે અંગ્રેજી શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરે.

“હા બસ હવે ચાર વિદ્યાર્થીઓ બાદ વિદ્યાર્થીનીઓનો જ વારો છે. અને બંધુ આપને મારી એક વિનંતી છે કે પરંપરાગત પોષાકમાં સજ્જ થયેલી વિદ્યાર્થીનીઓના પોષાકને તમારે મત આપવાનો છે એના ચહેરાની સુંદરતાને નહીં.” કર્ણિક સરે સૌમિત્ર સામે હસીને કહ્યું.

સૌમિત્ર પણ કર્ણિક સરની મજાક સમજી ગયો અને એણે વળતું સ્મિત આપ્યું. ચાર વિદ્યાર્થી સ્પર્ધકોએ પોતપોતાના ડ્રેસીઝ દેખાડ્યા બાદ હવે વિદ્યાર્થીનીઓ એક પછી એક રૂમમાં આવતી ગઈ અને જજીસ એમને એમના માર્કસ આપવા લાગ્યા.

“હવે આપણે ટોટલ કરી લઈએ અને પછી બહાર જઇને એનાઉન્સમેન્ટ કરીએ? બધા રાહ જોતા હશે.” સ્પર્ધકોના લિસ્ટમાં લખેલા તમામ સ્પર્ધકોએ પોતાના ટ્રેડીશનલ ડ્રેસીઝ બતાવી દેતા પ્રોફેસર મીનળ બોલ્યા.

“અરે ના, એક સ્પર્ધકે અમુક કારણોસર હજી બે શનિવારે જ પોતાનું નામ લખાવ્યું છે એમને આવવા દો, પછી આપણે ગુણોની ગણતરી કરીએ.” કર્ણિક સરે માહિતી આપી.

“કેમ મોડી એન્ટ્રી? ડેડલાઇન પતી જાય પછી કોઈને પણ એન્ટ્રી ન અપાય કર્ણિક સર.” પ્રોફેસર મીનળે એમનો વાંધો નોંધાવ્યો અને દલીલ કરી.

“એ વિદ્યાર્થીનીનો પોષાક તૈયાર થવામાં અઢળક સમય વ્યતીત થયો છે એમણે મને પહેલેથી જ કહી દીધું હતું કે એ સ્વયં પોતનો અભ્યાસ અને ગૃહકાર્ય સમાપ્ત કર્યા બાદ મળતા સમય દરમ્યાન પોતાનો પોષાક તૈયાર કરી રહ્યા છે એટલે એમણે મારી પાસે બે દિવસ વધારે માંગ્યા હતા. મારે તમને અને બંધુ સૌમિત્રને આ વિષય બાબતે માહિતગાર કરવા જોઈતા હતા પરંતુ અન્ય મહત્ત્વના કાર્યોમાં કાર્યરત હોવાને લીધે હું આ બે-ત્રણ દિવસ અત્યંત વ્યસ્ત રહ્યો આથી એમ ન કરી શક્યો, આથી હું આપ બંનેનો ક્ષમાપ્રાર્થી છું.” આટલું બોલીને કર્ણિક સરે સૌમિત્ર અને પ્રોફેસર મીનળ સામે પોતાના બંને હાથ જોડ્યા.

“અરે ઇટ્સ ઓકે સર, મને ખબર નહીં કે એ સ્ટુડન્ટે જાતે મહેનત કરીને ડ્રેસ બનાવ્યો હશે. તમે સારું કર્યું કે એને બે દિવસ વધારે આપ્યા. આપણે એની મહેનત અને ટેલેન્ટને આટલું માન તો આપવું જ જોઈએ.” પ્રોફેસર મીનળે હસીને જવાબ આપ્યો.

સૌમિત્રએ તો કશું બોલવાનું હતું જ નહી કારણકે એ વિદ્યાર્થી હતો અને એણે પોતાના પ્રોફેસર્સનું ડિસીઝન કોઇપણ સમયે સ્વિકારવાનું જ હતું.

“મે આય કમ ઇન સર?” ત્યાંજ રૂમના બારણા પર ટકોરા વાગ્યા અને એક અવાજ સંભળાયો.

“જી કુમારી ભૂમિ આપ અંદર આવી શકો છો.” કર્ણિક સરે સહેજ મોટા અવાજે બહાર દરવાજાને ટકોરા મારનારને આવકારી.

કર્ણિક સરના મોઢેથી ભૂમિનું નામ બોલાવાને લીધે સૌમિત્ર સડક થઇ ગયો એને મનમાં એક સેકન્ડમાં સવાલ આવી ગયો કે ભૂમિ એટલે ક્યાંક એની ભૂમિ તો નહીં? અવાજ પણ ભૂમિ જેવો લાગતો હતો ખરો.

ત્યાંજ રૂમનું બારણું ખુલ્યું અને સૌમિત્રની જ ભૂમિ અંદર આવી. સૌમિત્ર રીતસર ડઘાઈ ગયો. એ ભૂમિ સામે જોઈ રહ્યો અને સૌમિત્રને જજની પેનલમાં જોઇને કદાચ ભૂમિને પણ આશ્ચર્ય થયું.

છેલ્લા દસેક દિવસથી એકબીજાને જાણીજોઈને અવોઇડ કરી રહેલા સૌમિત્ર અને ભૂમિનો સામનો આજે અચાનક જ થઇ જતા સૌમિત્રને ખ્યાલ નહોતો આવી રહ્યો કે તે કેવું રિએક્શન આપે. તો સામે પક્ષે ભૂમિ પણ લગભગ સ્થિર થઇ ગઈ હતી. સૌમિત્રને અંદરોઅંદર વિચાર આવ્યો કે તે હવે ભૂમિના ડ્રેસને કેવીરીતે જજ કરી શકશે? અને ભૂમિને મનમાં કોઈ બીજોજ વિચાર આવી રહ્યો હતો જે જરાય પોઝિટીવ નહોતો.

આગળ શું કરવું તેની સૌમિત્ર અને ભૂમિ બંનેને ખબર નહોતી પડી રહી અને તેઓ આમને આમ એકબીજાને ટગર ટગર જોઈ રહ્યા હતા.

-: પ્રકરણ અગિયાર સમાપ્ત :-