એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 1
વ્રજેશ દવે “વેદ”
જૂન મહિનાના પહેલાં શુક્રવારની રાત્રે 16/17 વર્ષની બે આંખો પહેલી વખત અમદાવાદનાં રેલ્વે સ્ટેશનને જોઈ રહી હતી. નીરજાની આંખોમાં સપનાઓ હતા. તે સપનાઓને પૂરા કરવા તે નીકળી પડી હતી સેંકડો કિલોમીટર દૂરના, કદી ના જોયેલા પ્રદેશને મળવા.
તેની સાથે હતી બીજી બે આંખો. એટલી જ ઉમરની. વ્યોમાની આંખો. નીરજાની ખાસ દોસ્ત વ્યોમા.
આ ચાર આંખોએ પહેલી વાર રેલ્વે સ્ટેશન જોયું. રેલ્વે ફાટક પાસે ઊભેલી પપ્પાની કારની બારીમાંથી અનેક વખત વહી જતી, દોડી જતી ટ્રેનને જોઈ છે. પણ ક્યારેય ન તો સ્ટેશન જોયું હતું કે ન તો ટ્રેનમાં મુસાફરી કરી હતી.
જ્યારે જ્યારે મુસાફરી કરી છે ત્યારે ત્યારે કાર કે પ્લેનમાં જ કરી છે. બસ, આજ કારણે નીરજાએ જીદ પકડી હતી કે તે ટ્રેનમાં જ જશે અને તે પણ ખૂબ દૂર દૂર જતી ટ્રેનમાં, લાંબામાં લાંબા અંતરની ટ્રેનમાં. વ્યોમાએ નીરજાની જીદને ટેકો આપ્યો હતો એટલે જ તેઓ અત્યારે રેલ્વે સ્ટેશન પર હતા.
રેલ્વે સ્ટેશનને જોઈને તેની આંખોમાં કૌતુક અને વિસ્મયના ભાવો આવી વસ્યા. ફિલ્મોમાં ટ્રેનના અનેક દ્રશ્યો જોયા છે. પણ અહીં સ્વયમ સ્ટેશન પર હોવાનો અહેસાસ અનેરો હતો. રોમાંચકારી હતો.
શુક્રવારની રાત્રે નવ વાગ્યે અમદાવાદ રેલ્વે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 3 પર ગાડી નંબર 15635, ઓખાથી ગૌહાટી જતી દ્વારકા એક્સપ્રેસ થોડી જ ક્ષણોમાં આવી પહોંચશે, એવી ઉદઘોષણાથી બંનેના મનમાં ઉત્સાહની લહેર દોડી ગઈ.
ટ્રેન આવશે. કલ્પનાની વાસ્તવિક યાત્રા શરૂ થશે. એક પડકાર ભરી, અજાણી, અનિશ્ચિત રાહ પર પ્રયાણ થશે. રસ્તામાં અનેક સંભાવનાઓ આવી મળશે. આવા વિચારોથી બંને ખુશ હતી. પણ, બંનેના માતાપિતાઓના ચહેરાઓ પર વ્યગ્રતા અને ચિંતાઓ ઊગી નીકળી હતી.
ટ્રેનની સિટી વાગી. તે બંનેને આ અવાજ જરાય કર્કશ ન લાગ્યો, ઊલટું મુરલીધર શ્યામના હોઠેથી વાગતી બંસરીનો મધુર ધ્વનિ લાગ્યો. રાસ રમવા માટે ગોપીઓને ઉશ્કેરતો અવાજ.
ટ્રેન પ્લેટફોર્મ પર દાખલ થઈ, ધીમી પડતી ગઈ, રોકાઈ ગઈ. સામે જ કોચ નંબર S/8 આવી ઊભો. નીરજાએ ફરીથી ટિકિટ તપાસીને પોતાની સીટ નંબરની ખાત્રી કરી લીધી.
“મને પાકું યાદ છે, એસ/8 માં 23 અને 24 આપણી બર્થ છે. સાઈડની ઉપર અને નીચેની બર્થ.” વ્યોમા ઉત્સાહભેર બોલી ગઈ.
“તને કેમ ખબર કે તે બર્થ સાઈડની જ છે?“ નીરજાએ સવાલ કર્યો.
“પૂરું હોમવર્ક કરીને આવી છું. ભલે યાત્રા ન કરી હોય, પણ જાણી બધું રાખ્યું છે.”
“કોણે કહ્યું તને આ બધું?”
“હજુ તો આ શરૂઆત છે, નીરજા. ટ્રેનમાં પૂરા 58 કલાક આપણે યાત્રા કરીશું ત્યારે ગૌહાટી પહોંચીશું.”
“હા યાર. પૂરા 58 કલાક ટ્રેનમાં ! કેવી મજા પડશે?”
બંને ચડી ગઈ ટ્રેનમાં. સામાનને સીટ નીચે ગોઠવી દીધો.
સામાનમાં વ્હીલ લાગેલી એક નાની બેગ અને પીઠ પર લટકાવી શકાય તેવી એક એક બેગ. ખાસ બીજું કાંઇ જ નહીં. તેઓએ ક્યાંક વાંચેલું કે ‘less luggage, more comfort‘
સામાન ગોઠવાઈ ગયો. સીટ પર બેઠક લેવાઈ ગઈ. વડીલોની અસંખ્ય સૂચનાઓ પણ અપાતી ગઈ. બંનેમાંથી કોઈએ ભાગ્યેજ તેમાંની એકાદ પણ સાંભળી હશે. છેલ્લા દસ દિવસથી આવી સૂચનાઓ સતત અપાતી રહી હતી. હવે તો એ બધી યાદ પણ રહી ગઈ હતી, અને એ પણ એ જ ક્રમમાં.
25 મિનિટનો હોલ્ટ ક્યારે પૂરો થઈ ગયો તેની ખબર ના રહી. સિગ્નલે પીળો રંગ છોડી લીલા રંગને ધારણ કરી લીધો. ટ્રેનની સિટી વાગી, માતા-પિતાના હ્રદયમાં એ ચીસ બનીને ખૂંચી ગઈ, તો બંને કિશોરીઓના મનમાં, વહેતા ઝરણાંના લયબદ્ધ અવાજની જેમ સંગીત રેલાવવા લાગી.
એક જ ઘટના કેવા જુદા જુદા અને વિરોધાભાસી ભાવોને જગાડી ગઈ. તેમાં ઘટનાનો શું વાંક? તે તો નિરપેક્ષ બનીને ઘટી ગઈ. તેને શું ખબર કે તેના ઘટવાથી કોના દિલમાં શું થશે?
ટ્રેન ગતિમાન થઈ. ચાલવા લાગી. ગતિ વધતી ગઈ. પરસ્પર હાથ હલાવી વિદાય આપી દીધી. કોઈએ હસીને તો કોઈએ ભારી મને. ટ્રેન આંખની સીમા બહાર નીકળી ગઈ, વ્યોમા અને નીરજા પણ.
********
થોડીવારમાં બંને ટ્રેનમાં સેટલ થઈ ગઇ. ટ્રેનના ડબ્બાની અંદરની એક એક વસ્તુથી આંખ પરિચિત થઈ ગઈ. સાથી યાત્રીઓએ સુવા માટેની તૈયારી કરી લીધી. લાઇટો બંધ થવા લાગી. કોરિડોરની ઝીણી લાઇટો અને બાથરૂમ પાસેની લાઇટો સિવાય તમામ બંધ થઈ ગઈ.
બધા જ સૂઈ ગયા. પણ આછા અજવાળામાં બંને જાગતી રહી. સપના ભરેલી આંખો, સપનાના રસ્તા પર જાગતી જાગતી યાત્રા કરવા લાગી. જે આંખમાં સપના ભરેલા હોય, ત્યાં નિંદ્રા ક્યાંથી હોય?
બંનેએ બારી બહાર જોવા માંડ્યુ. ખુલ્લી બારીમાંથી વહેતી ટ્રેનમાં પવન આવવા લાગ્યો. ગમવા લાગ્યો. બહાર ઘણું બધું ઝડપથી વહી જવા લાગ્યું.
આઠમનો ચંદ્રમા પોતાની ચાંદની પાથરી બેઠો હતો. ક્યાંય સુધી ચાંદનીમાં વહી જતાં આકારોને જોયા કર્યું. મૌન, બસ મૌન રહીને જ !
બહારનું અદભૂત વાતાવરણ તેઓને આકર્ષી રહ્યું હતું. જૂન મહિનાની ગરમીમાં, ચાંદની રાત્રે, ટ્રેનની બારીમાંથી વહેતો ઠંડો પવન શરીરને સ્પર્શતો હતો. યૌવન તરફ આગળ વધવા મથતું શરીર અજાણી લાગણીને અનુભવવા લાગ્યું.
પવનનો મૌન સ્પર્શ ! ગમવા લાગ્યું. મૌન બનીને માણવા લાગ્યા પવનના મૌન સ્પર્શને. કોઈ કાંઇ જ બોલવા નહોતા માંગતા. પાંપણને ઝુકાવવાની પણ ઈચ્છા ન હતી.
વાળની લટોને પવન ગાલ પર લહેરાવતો રહ્યો. પણ તેઓને તેની પરવા ન હતી. બહાર પથરાયેલી ચાંદનીમાં સરકતી જતી ધરતી અને આકૃતિઓને જોતાં રહ્યા, માણતા રહ્યા.
ક્યાંય સુધી આમ જ જોયા કર્યું. ગાડીએ બ્રેક મારી. તાદાત્મ્ય ભંગ થયો, દ્રશ્ય ભંગ પણ. બંનેએ એકબીજા સામે નજર મિલાવી અને હસી પડી. ચહેરાઓ પર આનંદની અનુભૂતિ ઉપસી આવી.
બારી બહાર નજર કરી. નડિયાદ સ્ટેશન પર ટ્રેન આવી ગઈ હતી. જીંદગીની પહેલી ટ્રેન યાત્રાનું પહેલું સ્ટેશન. એક સુખદ ઘટનાનો આનંદ છવાઈ ગયો, બહાર વ્યાપેલી ચાંદનીની જેમ.
બહાર ચાંદની એમ જ પથરાયેલી હતી. તે પણ ઊભી રહી ગઈ, ટ્રેનની જેમ. નીચે ઉતરી ચાંદનીમાં નહાવાનું મન થઈ ગયું. ત્યાં તો ટ્રેન ચાલવા લાગી. ચાંદની પણ.
“વ્યોમા, આ ટ્રેનનો ડબ્બો ઉપરથી ખુલ્લો હોય તો કેવું સરસ?”
“કેમ?” વ્યોમાની નજર પ્રશ્નાર્થ લઈને આવી.
“આ બારીમાંથી તો કેટલી જોઈ શકાય, આ ચાંદનીને?”
“મતલબ?”
“આપણે તો આખે આખી ચાંદનીને માણવી છે, પણ આ બારી ખૂબ જ નાની છે. અને તેની બહાર જેટલી દેખાય છે, એટલી જ ચાંદની માણી શકાય છે. પણ જો ડબ્બો ઉપરથી ખુલ્લો હોત, તો ખુલ્લા ડબ્બાની કોઈ સીટ પર બેસીને ખુલ્લા આકાશને જોઈ શકાત. ચારે તરફ ફેલાયેલી ચાંદનીને જોઈ શકાત, પી શકાત, માણી શકાત”
“અત્યારે તો દોઢ બે ફૂટની બારીમાંથી દેખાતી ચાંદનીને માણવી પડે છે, એક નાના ટુકડામાં. એમ જ ને?”
“હા વ્યોમા, એમ જ. આ બધી સુંદર વાતો કે વસ્તુઓ કેમ નાના નાના ટુકડાઓમાં જ હોય છે? ખૂબ જ થોડો અહેસાસ થાય અને ગાયબ. આવું કેમ છે, હેં વ્યોમા?”
“નાના નાના ટુકડાઓમાં જ હોય છે, થોડા સમય માટે જ હોય છે, આ સુંદરતા. અને હા, એટલે જ તો તે સુંદર છે. વિશેષ છે, કીમતી છે.” વ્યોમા જીવનની ફિલસૂફી વ્યકત કરવા લાગી.
“એ બધી જ્ઞાનની વાતમાં મને રસ નથી.“
“તો નીરજાને શેમાં રસ છે?”
“મને તો રસ છે, આ ટ્રેનના એક એવા ડબ્બામાં જેને ઉપર છત ન હોય. ઉપરથી સાવ ખુલ્લો, ઘુંઘટ વિનાની સ્ત્રી જેવો હોય. ટ્રેન સાથે તે પણ વહે. રાત્રે ઠંડી હવામાં ખુલ્લા આકાશને જોઈ શકાય, ચાંદની હોય, તો ચાંદનીને અને ચાંદની ન હોય તો અંધકારના સામ્રાજ્યને. ઢળતી સંધ્યાને, બપોરના તપતા સૂરજને, સૂર્યાસ્તની લાલીમાને, વહેલી સવારે ઊગતા સૂરજને, આકાશમાં દોડતા વાદળોને જોઈ શકાય, અનુભવી શકાય. વરસતા વરસાદમાં પલળી શકાય, twilight ને માણી શકાય. આંખના કેમેરાથી મન અને હદયના કેનવાસ પર ઉતારી શકાય.... અને એ બધુંય પૂરેપુરું, ક્યાંય કોઈ કટ નહીં. પૂર્ણ રૂપે, સંપૂર્ણ રૂપે.” એક શ્વાસે બોલીને નીરજા જરા અટકી,” વહેતી ટ્રેનના ખુલ્લા ડબ્બામાં તું ઊભી હોય, તોફાની પવન તારા તનને સ્પર્શીને વહેતો હોય, તારી આંખ પર, તારા ગાલ પર તારી લટોને રમાડતો હોય, હાથમાં કોઈ મજાનું પુસ્તક હોય, કોઈ મધુર સંગીત વાગતું હોય....”
“ને બસ ટ્રેન ચાલતી રહેતી હોય...” અને બંને ખડખડાટ હસી પડ્યા. સૂઈ ગયેલી ટ્રેનમાં તરુણીઓનું હાસ્ય આંટો મારીને ખુલ્લી બારી બહાર નીકળી ગયું. વાતાવરણમાં ભળી ગયું.
17 નંબરની બર્થ પર સૂતેલા મુસાફરને એ હાસ્ય કર્કશ લાગ્યું. તેનાથી ના રહેવાયું. તેણે જરા કડક અને રુક્ષ ભાષામાં કહ્યું,”યદિ આપ સોના નહીં ચાહતે હો તો આપકી મરજી, પર દુસરોંકો સોને દો. ટ્રેનકી ડીસીપ્લિનકો સમઝો. ઔર ચૂપચાપ રહો.” કહીને તે ફરી નિંદ્રાધીન થઈ ગયો.
બંને ચૂપ થઈ ગઈ. પણ એ તો થોડી વાર માટે જ. ફરી હસી પડી, પણ આ વખતે કોઈને પણ ખબર ના પડે તેમ. એકબીજા સામે જોઇને હસી. ચારેય આંખોમાં આનંદ, કૌતુક, કુતૂહલ, વિસ્મય અને તાજગી તરવરતા હતા. તેમાં ક્યાંય નીંદરનો અવસર ન હતો.
ફરી કોઈ પ્લૅટફૉર્મ દેખાયું. ઓહ, આ તો વડોદરા. સમય ચકાસી લીધો. રાત્રિના 11.15 થયા હતા. ફોન વડે ઘેર વાત કરી લીધી અને બધું કુશળ છે, તેવો સંદેશ આપી દીધો. નીરજાએ નોંધ્યું કે મમ્મી નોર્મલ હતા, પણ પપ્પા હજુ પણ થોડા નારાજ લાગ્યા.
નીરજાને લાગ્યું કે તેણે પપ્પાની વાત માની લેવી જોઈતી હતી. જીદ ન કરી હોત તો ચાલત. વ્યોમાને પણ અંદરથી કશુંક ખૂંચવા લાગ્યું.
પણ... હવે તો સફર શરૂ કરી દીધી છે. હવે કાંઇ પરત ના જવાય... હવે તો મંઝીલ મેળવીને જ અટકવું છે.
બંનેના મનમાં કશુંક ચાલવા લાગ્યું. ટ્રેન પણ વડોદરા છોડીને ચાલવા લાગી. બંનેની આંખોમાં ફરી નવા ભાવ આવી ગયા. મૌન થઈ ગયા. સૂઈ જવાની તૈયારી કરવા લાગ્યા.
મનમાં વિચારો ચાલતા રહ્યા. ટ્રેન પણ ચાલતી રહી, રાત આખી. વિચારો અને ટ્રેનની દિશા એક જ હતી. મંઝીલ તરફ.
ટ્રેનમાં યાત્રા શરૂ કરતાં પહેલાં કેટકેટલી ઘટનાઓ બની ગઈ ? કેટલાય સંઘર્ષો જીતવા પડ્યા?