Jat janavvanu tane in Gujarati Love Stories by Parul H Khakhar books and stories PDF | જત જણાવાનું તને

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જત જણાવાનું તને

Name:Parul Khakhar

Email:parul.khakhar@gmail.com

'જત જણાવાનું તને કે તું બધું જાણે સજન,

અલ્પ અક્ષર જોઇને ઓછુ રખે આણે સજન.

શબ્દનું તો પોત તારાથી અજાણ્યું ક્યાં હતું,

છે જ એવા અટકીને ઉભે ખરે ટાણે સજન.

કોઇ બીજાને કહું તો એ નકી હાંસી કરે,

આ વિતક તારા વિના તો કોણ પરમાણે સજન.'

કવિશ્રી રાજેન્દ્ર શુક્લની આ યાદગાર પંક્તિઓ ભલભલાને અભિભૂત કરી દે તેવી છે.લગભગ દરેકનાં જીવનમાં આ ક્ષણો આવી જ હોય કે જ્યારે પ્રિયપાત્રને પત્ર લખવા બેઠા હો અને કશું જ ન સુઝે. જે વ્યક્ત કરવું હોય તે શબ્દમાં ઉતારી ન શકાય પણ એ સિવાયનું ઘણુ બધું લખાઇ જાય અને અંતે ડૂચ્ચો વાળેલા કાગળોથી ડસ્ટબીન છલકાઇ જાય.આ સમયે કવિઓ બહુ કામમાં આવે. આમ તો કવિઓને વેવલા કહીને ઉતારી પાડવામાં આવતા હોય છે પણ પ્રેમપત્રો લખતી વખતે એ સાક્ષાત ઈશ્વરનો અવતાર લાગવા લાગે.પત્રોનો જમાનો ભલે ચાલ્યો ગયો હોય પણ વોટસએપમાં ય કાવ્યો અને શાયરીની બોલબાલા આજેપણ કાયમ છે.છોકરો સી.એ. અને છોકરી એન્જીનીયર હોય એને શબ્દોની રંગોળી પુરતા ક્યાંથી આવડે?એણે તો ઉછીની શાયરીઓથી જ પોતાની વાત કહેવી પડે ને? છોકરો ગુગલ પર સર્ચ કરે અને આવી ઘરેણા જેવી પંક્તિ જડી આવે, ફટાફટ મોકલી દે,

'સાવ કોરો જોઇને માયા થઇ કાગળ ઉપર,

યાદ કોઇ સળવળી ને અવતરી કાગળ ઉપર.

મેં વિચાર્યુ- શું લખું તો શાખ કાગળની વધે?

નામ મેં તારું લખી નાંખ્યું પછી કાગળ ઉપર.'

આહા...કેવી સરસ વાત કહી છે કવિ એ ! પેલી વાંચનારી ભલે ને ફ્રેન્ચ કે ચાઇનિઝ શીખવાના ક્લાસ કરતી હોય પણ આવું વાંચીને બે ઘડી ઝણઝણાટી તો અનુભવે જ એ વાતની ગેરંટી.એને પણ ગુગલ મોબાઇલવગું જ હોય ને? એ પણ જવાબમાં લખે

'કાગળમાં તારી યાદના કિસ્સા લખ મને,

જો શક્ય હો તો પ્રેમના ટહુકા લખ મને.

તારા વિના અહીં તો ધુમ્મસ છે બધે,

છે તારી ગલીમાં તડકા કેવા લખ મને.'

આજે ભલે આંગળીના ટેરવે સંદેશાની આપ-લે થાય છે પણ એક જમાનો હતો જ્યારે સંદેશા મોકલવવા કબુતરોનાં ગળામાં કે પગમાં પત્ર બાંધીને મોકલવામાં આવતા.પત્ર મોકલ્યા પછીના તમામ દિવસો પ્રેમી માટે આકરા થઇ પડતા. કબુતરોની કાગડોળે રાહ જોવાતી અને ત્યારે શમીમ હયાત જેવા કવિઓથી કંઇક આવું લખાતું.

'મેરા મહેબૂબ ના જાને કહાં કિસ હાલ મે હોગા,

ગલે મે ખત નહી હોતા કબુતર રોઝ આતે હૈ.'

એક સમય એવો પણ હતો જ્યારે કાલિદાસ જેવા મહાન કવિએ પોતાની લાગણી પ્રિયતમા સુધી પહોંચાડવા વાદળોને દૂત બનાવ્યા અને 'મેઘદૂત' નામનું આખુ મહાકાવ્ય રચી નાંખ્યું.આ કેવી અદભુત કલ્પના કહેવાય ! હજારો માઇલ દૂર બેઠેલો પ્રિયતમ વાદળોને સંબોધીને કાવ્ય લખે અને એ વાદળો પ્રિયતમાના ઘરની છત પર વરસી પડે અને પ્રિયતમા કવિના લાગણીભીના શબ્દોથી ભીંજાતી રહે, તરબતર થતી રહે.

પછી તો વાદળો પણ ગયા અને કબુતરો પણ ગયા અને કાસિદ એટલે કે પોસ્ટમેન યાની સંદેશાવાહકનો જમાનો આવ્યો.બે પાત્રોના લાગણીભીના સંદેશાઓ હાથોહાથ પહોંચાડનારો આ દેવદૂત પ્રેમીજનો માટે પ્રાતઃસ્મરણીય બની ગયો.કાસિદની બોલબાલા વધી ગઇ ક્યારેક તો એવું પણ બનતું કે પત્રોની આપ-લે કરતા કરતા છોકરીઓ પોસ્ટમેનના પ્રેમમાં પડી જતી. પેલો મૂળ પ્રેમી રાહ જોતો રહી જતો અને બેનબા પોસ્ટમેનમાં પ્રેમ ભાળી ગ્યા હોય !હશે, ચાલ્યા કરે આપણે બહુ મન પર ન લેવું રાજાને ગમી તે રાણી ની જેમ રાણીને ગમ્યો તે રાજા . આપણે કેટલા ટકા?

પ્રેમમાં પડેલાઓની વાત જ નિરાળી હોય છે કોઇ એકપક્ષીય પ્રેમી પોતાનો પ્રસ્તાવ પત્રમાં લખીને મોકલી તો દે પણ જવાબની રાહ જોયા વગર બીજો પત્ર પણ લખીને તૈયાર રાખે કારણકે એને ગળા સુધીની ખાતરી હોય છે કે પેલી ના જ પાડવાની છે.એના જેવા બબુચકને હા પાડી દે એવી મુરખ તો નથી જ એ વાત એ જાણતો હોય છે. અને તેથી જ કોઇ શાયરે લખ્યુ છે.

'કાસિદ કે આતે આતે એક ઔર ખત લિખ રખુ,

મૈ જાનતા હું ક્યા વો લિખેંગે જવાબ મે.'

પ્રેમની અને પ્રેમપત્રોની વાતો ખુટે નહી એટલી છે. કોઇ પ્રેમી અણનમ ખેલાડીની માફક અનેક પત્રો લખી મોકલે, એક પણ પત્રનો જવાબ ન આવે ત્યારે હારીને પોસ્ટમેનને પકડીને પુછી બેસે

'નામાવર તુ હી બતા તુને તો દેખે હોંગે,

વો ખત કૈસે હોતે હૈ જિનકા જવાબ આતા હૈ.'

પેલો પોસ્ટમેન માથુ ખંજવાળે કે સાલ્લુ કોઇ દિવસ પત્ર ખોલીને તો જોયુ જ નથી કે એવુ તે શું હોય છે પત્રોમાં કે જેનો જવાબ આવતો હોય? ખરી મજા તો ત્યારે આવે કે ખુદ પોસ્ટમેન પ્રેમમાં પડે અને પત્રોની રાહ જોયા કરે. એ વખતે એના મનમાં ચાલતી વિહવળતાને કોઇ કવિએ કેમ નહી લખી હોય? ક્યારેક એવું પણ બનતુ હશે ને કે પોસ્ટમેનથી રોન્ગનંબર લાગી જાય એકનો પત્ર બીજાને આપી દે અને રામાયણ શરુ થાય. એકનો પ્રેમ બીજાને મળી જાય એ પ્રેમમાં પાગલ બની જાય અને પેલો પત્રના જવાબની રાહમાં વલોપાત કરતો રડતો બેસી રહે.આવી ખતરનાક સીચ્યુએશન માટે મે એક શેર લખ્યો હતો,

'બતા નામાવર વો પતા તો સહી થા?

કિસી ઔર કો તો ના દી બેકરારી?'

ક્યારેક એવું પણ બને કે કોઇ હોંશીલો પ્રેમી પોસ્ટમેન પર આધાર ન રાખતા પોતે જ પ્રેમપ્રસ્તાવ લઇને રુબરુ જ જઇ ચડે.નક્કામા જવાબની રાહમાં ઉજાગરા કરવા એના કરતા હા-નાનો ફેંસલો ત્યાંને ત્યાં જ કરવો સારો એવુ વિચારીને 'યા હોમ' કરીને કુદી પડે.હાથોહાથ પત્ર આપ્યા પછી શું બને છે એ જાણો આ શેરમાં કવિએ કમાલ રીતે વર્ણવ્યુ છે.

'વો ખત કે પુર્ઝે ઉડા રહા થા,

હવાઓ કા રુખ બતા રહા થા.

અર્થાત ‘હવાની દિશા બતાવવા માટે એણે પત્રોના ટૂકડા કરી હવામાં ઉડાડી દીધા’. બિચારાને કેવો આઘાત લાગ્યો હશે? હવાઓ કા રુખમાં વાવઝોડા જેવી ફિલીંગ આવી હશે ને? જો કે આવી નખચડેલીઓનું કાંઇ નક્કી નહી. કોઇ પત્રના ટૂકડા કરે તો કોઇ રણચંડી વળી પત્ર લઇ આવનારના જ કરી નાંખે કંઇ કહેવાય નહી.કદાચ આવી હોનારતોને કારણે જ પત્રો હાથોહાથ આપવાને બદલે કાસિદને હાથે મોકલવાની પ્રથા શરુ થઇ હશે.શું કહો છો?

મિત્રો, હસી મજાક બાજુ પર મુકીએ અને એવા પ્રેમપત્રોની પણ વાત કરીએ જે આખરી ખત બનીને રહી ગયા હોય.પ્રેમીનો પત્ર મળે ત્યારે પ્રેમિકા ઘર અથવા દુનિયા છોડીને ચાલી ગઇ હોય. સરનામુ ખોટુ પડે અને પત્ર પાછો આવે. આવી જ કોઇ કરુણ ઘટના સંદર્ભે કવિ અશોક ચાવડાએ લખ્યુ છે

'તારુ સરનામું લખેલું ક્યારનું બદલાયું છે,

પત્ર તારા લગ કહે કેવી રીતે પહોંચાડવો.

પત્ર આખો થાય પુરો તો ય પણ મારી પ્રિયે,

પત્ર પાછો આ જ હાથેથી લખેલો ફાડવો.'

પોતે લખેલો પત્ર પોતે જ ફાડવો પડે એ કેવી લાચારી હશે? પ્રેમપત્રો માત્ર રસપ્રચુર લાગણીઓ વ્યક્ત કરવા માટે નથી હોતા, એમાં વિષાદની પણ ખુશ્બુ હોય છે, વિયોગનો પણ રંગ હોય છે.જોજનો દૂર રહેતા પ્રેમી જનો ઝૂરીઝૂરીને દિવસ-રાત કાઢતા હોય ત્યારે પત્રો જ એનો એકમાત્ર સહારો બને છે.આવી જ કોઇ ક્ષણો વિશે કવિ 'મેઘબિંદુ' કહે છે.

' નામ તમારુ લખ્યું હજું ત્યાં આંસૂ આવ્યા આગળ,

ઝળઝળિયાની ઝાંખપ વચ્ચે ક્યાંથી લખીએ કાગળ?'

પત્રોનો ઈતિહાસ બહુ દિલચશ્પ છે. પત્રો એ માત્ર પત્રો જ નથી લાગણીનો દસ્તાવેજ છે. એમાં લખેલા શબ્દો એ માત્ર સફેદ કાગળ પર લખાતા કાળા અક્ષરો જ નથી પણ રોમ રોમ દીવા પ્રગટાવે તેવી સંવેદનાઓના પ્રતિક હોય છે.પ્રેમીઓની વાત બાજુ પર મુકીએ અને કૃષ્ણને યાદ કરીએ તો ગોપીઓનું પેલુ ગીત યાદ આવ્યા વગર ન રહે

'હું તો કાગળિયા લખી લખી થાકી ,

કાનુડા તારા મનમાં નથી'

ભક્ત હજારો પત્ર ઈશ્વરને લખતો રહે. કોઇ દુઃખના વર્ણન લખે તો કોઇ ઘરે આવવાનુ ઈજન આપે. કોઇ ધનની માંગણી કરે તો કોઇ સુખનો આભાર માને.જેવી જેની કક્ષા, એવો એનો પત્ર.ઈશ્વર કોઇના પત્રનો જવાબ આપતા નથી એ પણ હકીકત છે તેથી જ કવિ રમેશ પારેખ લખે છે

' કાગળ હરિ લખે તો બને,

અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને.'

કેવી ઊંચી વાત કરી દીધી કવિએ! આપણે તો લખીલખીને થાકીએ પણ ખરી મજા તો ત્યારે છે જ્યારે હરિ કાગળ લખે.અને આ જ કવિ એમ પણ કહે

'દેખી રે મૈને કાગળ કી ચતુરાઇ,

સૌ અક્ષરની બાહર રહી તી એ વાતો બતલાઇ.'

મિત્રો,આપણી લાગણીઓના ઘોડાપુરને વ્યક્ત કરવાનું માધ્યમ શબ્દો અને એ શબ્દોને વ્યક્ત કરવાનું માધ્યમ એટલે કાગળ.એટલે જ કવિ કાગળને ચતુર કહે છે.ક્યારેક તો કોરો કાગળ પણ ઘણુંબધું કહી જતો હોય છે, શરત એટલી કે વાંચનારમાં સમજણ હોવી જોઇએ. દરેક લિપિ ઉકેલવી દરેકના બસની વાત નથી.આજે પત્રોની જ વાત નીકળી છે તો પેલો 'આંધળી માનો કાગળ' કેમ ભુલાય ?ગામડામાં રહેતી આંધળી ડોશીનો દીકરો પૈસા કમાવા શહેરમાં જાય છે અને માને પત્રો લખવાનું વચન આપતો જાય છે. શહેરની હાડમારીઓ એનો સમય છીનવી લે છે. માને પત્ર લખવાનું રહી જાય છે ત્યારે આંધળી મા કોઇ પાસે પત્ર લખાવીને પોતાની વેદના ઠાલવે છે.આ પત્ર વાંચીને આંખમાં ભીનાશ ન ફેલાય તો જ નવાઇ!

આપણા સુપ્રસિદ્ધ લેખક 'ધૂમકેતુ' એ 'પોસ્ટઓફિસ' નામની એક અમર વાર્તા લખી છે જે કાળના અનેક પ્રવાહો ચાલ્યા ગયા તે છતા તરોતાજા છે. વાર્તાના મુખ્ય પાત્ર અલી ડોસાની દીકરી દૂર દેશાવરમાં રહે છે, ક્યારેય પત્ર નથી લખતી તેમછતા લાગણીશીલ બાપ રોજ સવારે પોસ્ટ ઓફીસ જાય અને પત્ર આવ્યો કે નહી એની તપાસ કરે. ત્યાં કામ કરતા લોકોની મજાકનું સાધન બની ગયેલો એ બાપ આખરે મૃત્યુના દરવાજે જવા લાગ્યો ત્યારે એક ભલા માણસને પોતાની જિંદગીની તમામ કમાણી એટલે કે ત્રણ ગીની( ત્રણ તોલા સોનુ) આપતો જાય છે અને કહે છે મારી મરિયમનો કાગળ આવે તો મારી કબર પર મુકી જજો. અલી ડોસો બે ચાર દિવસમાં અલ્લાને પ્યારો થઇ જાય છે અને ત્રણેક મહિના પછી દીકરીનો પત્ર આવે છે જે વાંચવા બાપ જીવતો નથી રહ્યો. સાસરે ગયેલી દીકરી મરિયમના પત્રની રાહમાં ઝુરતા અલીડોસાની વ્યથાકથા વાંચીને ભાગ્યે જ કોઇ સ્વસ્થ રહી શકે.આપણે વિચારે ચડી જઇએ કે શું નિર્જીવ કાગળ પર રેલાતી કાળી શાહીનું આટલું મહત્વ?

મિત્રો, પત્ર કે સંદેશો ઇમેઇલથી જાય કે વોટસએપથી એનું મહત્વ નથી. મહત્વ તો એમાં રહેલી લાગણીઓનું છે. અને તેથી જ જ્યારે પ્રિયપાત્રનો મેસેજ મળે કે,

'વાંચુ તારો જુનો કાગળ, ત્યાં તો ઘરમાં દરિયા ખળખળ,

રોજરોજ સપના આવે છે, મતલબ એક જ જલ્દી તું મળ.'

આ વાંચતા જ કોણ એવું હોય કે જે મળવા બેચૈન ન બની જાય ? જાણે દોડીને મળવા પહોંચી જવાનું મન થઇ આવે.અને જ્યારે માઇલો દૂર રહેતા હોય ત્યારે 'મિસ્કીન' સાહેબની આ પંક્તિઓ યાદ કરવા સિવાય બીજું શું કરી શકાય?

'સાવ મધરાતે ય કંઇ ઝબકીને કાગળ વાંચીએ,

રેત પરની માછલીની જેમ વિહવળ વાંચીએ.

શું હશે જે વાંચવું છે ને હજું આવ્યું નથી,

થઇ ગયો કાગળ પુરો ને તો ય આગળ વાંચીએ.'

મિત્રો, પત્રમાં સમાયેલા લાગણીભર્યા શબ્દોની આ ઝરમરમાં જે ભીજાયા હોય તેને જ પત્રનું મૂલ્ય સમજાય.લખનારના હૃદયમાંથી નીકળીને વાંચનારના હૃદય સુધી પહોંચે એ જ ખરો પત્ર.એટલે જ પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમે પોતાના પ્રિયજન માટે લખેલા પત્રોનું સંકલન કરી 'સુનેહડે'(સંદેશાઓ) નામની બૂક પબ્લીશ કરી. આ બૂકને અકાદમીનો એવોર્ડ જાહેર થયો ત્યારે અમૃતાજી કહે છે જેના માટે લખ્યા એણે જ ન વાંચ્યા હવે આખી દુનિયા વાંચે તો ય શું?

ખૈર...આપ પણ આવા રંગબિરંગી પત્રો વડે પ્રિયપાત્રના હૃદયના દરવાજા પર ટકોરા મારો અને એની દુનિયામાં પ્રવેશ મેળવો એવી દિલથી દુઆ.આપણે તો લખી જ નાંખવાનો બિન્દાસ, જવાબમાં ભલે ને પેલી લખે કે

'શબ્દોને શોભે નહી કાગઝી વસ્ત્રો સજનવા,

હવેથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા.'

તો ચાલો પત્રો અને નક્ષત્રોની મદદથી મનકી બાત કહી જ નાંખીએ.ખરુ ને?

----પારુલ ખખ્ખર