3 Vartano trikon in Gujarati Short Stories by Dhaval Soni books and stories PDF | ૩ વાર્તાનો ત્રિકોણ

Featured Books
Categories
Share

૩ વાર્તાનો ત્રિકોણ

૩ વાર્તાનો ત્રિકોણ

1) ચુલબુલી

એક મસ્ત પતંગિયા જેવી પરાણે વહાલી લાગે એવી છોકરી... નામ એનું ચુલબુલી! ઉંમર હશે ચારેક વરસની. તેનું સાચું નામ તો કઈક અલગ જ હતું, પણ બધા લાડમાં એને ચુલબુલી જ કહેતા.

આંખોમાં હમેંશા વિસ્મયનો દરિયો જ ભર્યોભર્યો ને હોઠો પર કાયમ માછલી સમી ચંચળતા જોવા મળે, અને દિલમાં થનગનતો રોમાંચ તો પાછો આભને આંબે એટલો. તેના પગની ઘૂઘરીઓ કાયમ રણકતી રહે અને એ ઘુઘરીઓ જેવો તેનો મધુર અવાજ પણ આખા ઘરમાં કિલકિલાટ કરતો હોય. આખો દિવસ એ મધમીઠું બોલતી રહે. ચકળવકળ થતી તેની આંખો કશુંક નવું શોધતી જ રહેતી હોય. કંઈ પણ નવું જુએ કે તેની આંખોમાં આશ્ચર્યના ઢગ ખડકાતા રહેતા ને ચહેરો પ્રશ્નાર્થચિહ્ન બની જતો. બસ પછી તો શું કહેવું, કુતુહલતાથી પહોળા થઈ જતા તેના હોઠમાંથી સવાલો ના સવાલો નીકળતા રહેતા, જ્યાંસુધી તેના મમ્મી જવાબો દેતા થાકી ના જાય ત્યાંસુધી. તેની આંખોમાં અચરજના પંખી ઉડતા રહેતા ને નાનકડો કંઠીલો અવાજ એ પંખી પાછળ પીંછાની જેમ ખરતો રહેતો.એનો ગોળમટોળ ચહેરો અને માસુમ ભોળપણ જોઇને કોઈને પણ એના પર વ્હાલ આવી જતું. એ હતી પણ એટલી વહાલી!

ઘરમાં આવતા પંખી જોઈને એ એની પાછળ પકડવા દોડતી, આંગણામાં ગાય આવે તો એની મમ્મીનો સાડલો પકડીને એને હેરાન કરતી, કોઈ મહેમાન ઘરમાં આવે ને એ મમ્મીની ઓથમાં છુપાઈ જતી…રાત્રે આકાશમાં તારાઓ જોઇને એ એની મમ્મીને એ સવાલો પૂછ્યા કરતી. એના દરેક સવાલનો જવાબ એના મમ્મી પાસે હાજર જ રહેતો. એ જેટલા તોફાન કરતી એટલી એ વધારે ને વધારે એની મમ્મીને ગમતી, એના મમ્મી એને વહાલ કરતા, રાત પડ્યે એને વાર્તા સંભળાવતા અને જયારે એ વાર્તા સંભાળતી સુઈ જતી ત્યારે એના તોફાન અને એનું ભોળપણ યાદ કરી એના મમ્મીની આંખમાંથી આંસુ ખરી પડતું.

"મમ્મી શું મારે પણ પપ્પા છે?" ને ઘણાવર્ષો પછી પહેલીવાર એ ચુલબુલીના સવાલનો કોઈ જવાબ તેના મમ્મી પાસે નહોતો, રૂંધાઇ ગયેલા ગળામાંથી ના નીકળી શકેલું ડૂસકું પછી આખીરાત એક તસ્વીર પર આંસુ પાડતું રહ્યું. એ તસ્વીરમાં ખભા પર નાની બાળકીને તેડીને એક પુરૂષ જાણે તેને સાંત્વના આપતો રહ્યો.

હવે એ ચુલબુલીના સવાલો ધીરેધીરે ઓછા થવા લાગ્યા પણ એની આંખોમાં વિસ્મયનો દરિયો હજી એમ ને એમ જ હતો. એ હવે એના મમ્મીને બહુ સવાલો પૂછીને હેરાન નહોતી કરતી । એ મોટી થવા લાગી હતી. અને એક દિવસ એ બહુ ખુશ હતી. તે દિવસે એની વર્ષગાંઠ હતી એટલે એ વહેલા ઉઠી ગયેલી પણ એ એની મમ્મીને ના ઉઠાડી શકી. ઘણું મથવા છતાં કેટલાક જવાબ કાયમ માટે સુઇ ગયા હતા. એને ઘણાઘણા સવાલો કરવા હતા પણ કરે તો પણ કોને? એના ચહેરા પર કુતુહલ તો હતું પણ હોઠ એકદમ બંધ અને સવાલો બધા ધુમાડો બનીને ગાયબ થઈ ગયેલા. સફેદ કપડા નીચે સુતેલી માં ને જોઈ હતપ્રભ બનીને એ “ચુલબુલી” એની પાછળ કોઈના બોલાયેલા શબ્દો સાંભળી રહી," લ્યો આ બિચારી અનાથ છોકરીને માંડ એક મા મળી હતી, બિચારી પાછી અનાથ થઇ ગઈ."

2) બહેરા કાન

ટ્રેનની છેલ્લી વ્હીસલ વાગી, એ એના ઉપડવાનો સંકેત હતો અને બહાર ઉભેલો 'સંકેત' ચહેરા ઉપરના ગભરાટના ભાવ સાથે બોલી રહ્યો હતો, "સા'બજી પૈસા તો આપો, ગાડી ઉપડવાની છે " અને એ સાથે જ ડબ્બાની અંદરથી ખડખડાટ હસવાના અવાજ ચાલુ થઇ ગયા.”પૈસા? શેના પૈસા?" એક કરડાકી નજર ડબ્બામાંથી સંકેતની નજર સાથે ભટકાઈ.

દસ વરસનો એ છોકરો હવે રીતસરનો કરગરી રહ્યો હતો, "અરે સા'બ પૈસા આપી દો, મારો શેઠ મને મારવા લેશે, અરે સા....બ….." આંખમાં આંસુઓ સાથે એ હવે ટ્રેનની પાછળ દોડી રહ્યો હતો પણ એના રડતા ચહેરા સામે જોવાની કોઈને ક્યાં ફૂરસત હતી, ટ્રેનના ડબ્બામાં બેઠેલા એ લોકો એની હાલત જોઈને ઉલટાના હસી રહ્યા હતા. એનો રડતો અવાજ ટ્રેનની વ્હીસલમાં દબાઈ રહ્યો હતો પણ બહેરા કાનોને એની કશી પરવા ના હતી. એક હાથમાં ડોલ અને બીજા હાથમાં ગ્લાસ પકડીને એ ટ્રેનની પાછળ દોડી રહ્યો હતો અને એક ઠોકર આવતા એ પડ્યો. નાનકડા હાથમાં પકડી રાખેલી એ ડોલ છટકી ગઈ. પાણીની સાથેસાથે એ પણ ઢોળાઈ ગયો. પાણીમાં ભળીને કાદવ બની ગયેલી ધૂળ એના આખા શરીર પર ચોંટી ગઈ. તેની આંસુભરી આંખો ટ્રેનને જતાં જોઈ રહી.

ટ્રેન હવે ધીરે-ધીરે ગતિ પકડી રહી હતી અને બહાર ઉભેલો એ છોકરો પૈસા માંગી રહ્યો હતો. એને જોઈને પાકીટ સુધી ગયેલો હાથ અનાયાસે ત્યાં જ અટકી પડ્યો, આંખમાં કઈંક વિચિત્ર ચમકારો થયો. ટ્રેનની બહાર એ છોકરા સામે નજર નાખીને એ થોડું હસ્યો, ને પછી ખડખડાટ હસવા લાગ્યો. બારીની બહાર એ જ નિરાધાર ગરીબ સંકેત તેને દેખાયો, એ જ ફાટેલા કપડાં અને એ જ પંદર વર્ષ જુનું કદી ના ભુલી શકાયેલું દ્રશ્ય. ખડખડાટ હસતો સંકેત હવે પેલા ભજીયા વેચતા છોકરાને જોઈ રહ્યો,

પેલો છોકરો કઈંક મૂંઝવણ સાથે પૈસા માંગતો બારીના સળીયાને પકડીને ટ્રેનની પાછળ દોડી રહ્યો હતો, પણ હવે એનો અવાજ સંકેતના બહેરા થઇ ગયેલા કાનને સંભળાઈ નહોતો રહ્યો. ટ્રેનની અંદર ઉડી આવેલી ધૂળથી બચવા સંકેત રૂમાલથી એની આંખ લુછી રહ્યો. વર્ષો પહેલાં ચોંટી ગયેલી ધૂળ હજી સુધી નીકળી શકી ન હતી.

3) રમકડાં

તેના હાથમાં રમકડાં હતા બહુ બધા, ને છતાં એ એની સાથે રમતી નહિ, એને સાચવતી. એને વારેવારે ફૂંક મારીને એની ધૂળ ઉડાડ્યા કરતી, જેથી કરીને એ જુના ના લાગે, એકદમ નવા નક્કોર ને ચકચકાટ લાગે. એને એ બધા રમકડાં બહુ જ ગમતા પણ છતાં એ એમની સાથે રમતી નહિ, એને એ રમકડાંઓમાં એક રમકડું ખુબ ગમતું, એ એક નાનકડું ટેડીબેર હતું, એ એની સાથે વાતો કરતી અને એને આખા દિવસની દિનચર્યા કહેતી, આવડે એવી વાર્તા કહેતી, એને રાત્રે પણ એની બાજુમાં જ સુવાડતી, કદાચ એટલે એ થોડું જુનું પણ થઇ ગયું હતું પણ છતાં એ એને બહુ જ ગમતું. એને પોતાનાથી દુર કરવું એને ગમતું નહોતું છતાંએ મન અડધું-પડધુ ભરાયું હોય ન હોય ત્યાં એ એને પાછું બધા રમકડાં વચ્ચે મૂકી આવતી, પણ મૂકતાં પહેલાં એને રૂમાલથી સાફ કરવાનું એ ભુલતી નહિ. ક્યારેક દિવસે એની સાથે વાત કરવાનું મન થઇ જાય તો એની સાથે મસ્તી કરી લેતી પણ છાનામાના જેથી કોઈ જોઈ ના જાય…

આ રમકડાં જ તો તેનું સર્વસ્વ હતાં. થોડેદુર શહેર વચ્ચે ફેલાયેલી એક નાનકડી ચાલીમાં રહેતા તેનાં 'બા' સિવાય બીજું કોઈ નહોતું તેનું. પોતે આટલી મોટી થઈ ત્યાંસુધી પપ્પાને કદી જોયા નહોતાં, જેને જોયેલી એવી "મા" ને તો ગયા વરસે જ ઉપરવાળાએ પાછી બોલાવી લીધેલી. એના ગયાં પછી આ રમકડાંઓ જ એના મા-બાપ જેવા બની ગયા હતાં. એ માંડ બારેક વર્ષની હશે પણ એ એની ઊંમર કરતાં વધારે મોટી થઇ ગયેલી.

એની ચકળવકળ આંખો સિગ્નલ ઉપર જ મંડાયેલી રહેતી ને પગ રસ્તા ઉપર દોડવા માટે તત્પર રહેતા. એના ચહેરા પર હંમેશા ઉમંગ છલકાતો રહેતો. ત્રણેક મિનીટ માટે માંડ સિગ્નલ બંધ થતું પણ એ બમણી ઝડપે મોટાભાગની ગાડીઓ ફરી વળતી. બધાને પોતાની પાસે રહેલા રમકડા બતાવી એને લેવા માટે આજીજી કરતી રહેતી. મોટીમોટી ગાડીઓમાં બેઠેલા તેના જેટલી ઊંમરના બાળકોને લલચાવતી જેથી એ લેવાની જીદ કરે. મોટેભાગે એ સફળ રહેતી પણ ક્યારેક તેને નિરાશા સાથે પાછું ફરવું પડતું ત્યારે પેલી ગાડીઓમાં જતાં બાળકો પાછળ તેની નજર પીછો કરતી રહેતી. સિગ્નલ ચાલું હોય ત્યારે પેલું ટેડીબેર જાણે કે એને સાંત્વના આપતું, એટલે ફરી નવા ઉત્સાહ સાથે એ સિગ્નલ બંધ થવાની રાહ જોવા માંડતી.

દરરોજની જેમ આજે પણ ઢળતા સુરજ સાથે તેણે પણ સિગ્નલ છોડીને ચાલી તરફ ચાલવાનું શરૂ કર્યું. બા એ કહેલું કે અંધારૂ થાય એ પહેલા ઘરે આવી જવાનું. એ અબુધ બાળાને એની પાછળનો કાંઈ હેતુ સમજાયો નહોતો પણ બા એ કહેલું એટલે બીજા એના સરીખા બાળકો સાથે એ પણ રસ્તામાં રમતીકુદતી ઘરે વહેલાસર પહોંચી જતી. એક વળાંક આગળ એના જીવનનો વળાંક બદલાઈ જશે એ એને ખબર ના હતી. આગળ જતાં બીજા બાળકો અચાનક આંખ સામેથી ગાયબ થઈ ગયા, ચારેકોર અંધારું અને શ્વાસમાં દારૂની સાથે કશીક વિચિત્ર દવાની ગંધ પણ ભળી. ગળામાંથી નીકળેલી ચીસ ખુલ્લા થવા મથતા હોઠ આગળ આવીને પાછી વળી ગઈ. ક્ષણભરમાં તો કોઈ મજબુત હાથોમાં પારેવડું તરફડી ઊઠ્યું. આંખો ખુલી ત્યારે બધી ઘટનાઓ કોઇ ફિલ્મની માફક યાદ આવી ને આખાય દેહમાં એક કંપારી છુટી ગઈ. છુટવા માટે હાથપગનો વ્યર્થ સહારો લીધો પણ ડૂસકાંઓ - આંસુઓ પણ થીજી જાય એવા દર્દ સાથે એક પડછંદ કાયાના પડછાયા હેઠળ એની નગ્ન છાયા તરફડિયા મારતી રહી. દૂર તેનું મનગમતું ટેડીબેર મોઢું ફેરવીને આ બધાનું મૂક સાક્ષી બની રહ્યું.