Sanvedna no taar - 5 in Gujarati Motivational Stories by Jyoti Bhatt books and stories PDF | સંવેદના નો તાર - 5

Featured Books
Categories
Share

સંવેદના નો તાર - 5

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : સંવેદના નો તાર - 5

શબ્દો : 1396

સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા

પૂજ્ય પ્રેમભાવની કૂંપળો

પ્રિય સંવેદના,


કુશળ હોઈશ.


નિરંતર તને યાદ કરતો તારી યાદમાં વ્યથિત એવો હું કુશળ કેમ હોઈ શકું ? હા શારિરીક કુશળતાને જ જો કુશળતા કહેવાતી હોય તો જરૂર હું કુશળ છું.


બાકી તો જ્યારથી તારા નિર્વિકાર પ્રેમને પિછાણતો થયો છું ત્યારથી જાણે અજાણ્યે એક પ્રકારના પૂજ્યભાવની, પ્રેમભાવની કૂંપળો મારામાં ફૂટેલી હું અનુભવી શકું છું.


પ્રેમનૉ એક અદ્રષ્ટ એવો પ્રવાહ છે જે મને સતત તારી આસપાસ જ વીંટળાયેલો રાખે છે.
એવું નથી કે હું દુઃખી છું, જરૂર પૂરતાં બધાં જ સુખો મને સાંપડ્યા છે અને હવે હદથી વધારે સુખની મને જિજિવિષા નથી. પરંતુ સાચું કહું તો તારાં સાનિધ્યમાં મારાં વ્યક્તિત્વનું આગવું મૂલ્ય હું સદાયે અનુભવતો રહું છું. અને તેથી જ કદાચ તું મને અનહદ ગમે છે.


તારાં સહવાસમાં મને માના ખોળામાં સૂતેલાં બાળક જેવી શાંતિ અને સુખ મળે છે. માટે જ તો સતત તને મળવાનાં પ્રયત્નો કરતો રહું છું. મારાં ઉરમાં માત્ર એક જ તમન્ના છે કે હું સદાયે તને પ્રેમની એક પૂજનીય મૂર્તિ ગણીને સદૈવ તારી પૂજા કરતો રહું.


મારી પૂજાનો તું શું અર્થ લઈશ તેની મને નથી ખબર પરંતુ મારાં મનથી તો એક ભક્તનો ઈશ્વર સાથેનો નાતો એ જ પૂજા તેમ માનું છું.


કદાચ તું કોઈ પત્થરનો ટુકડો હોત તો સદૈવ મારી પાસે જ રાખી મૂકત જેથી સતત તારું ધ્યાન ધરી તારી પૂજા કરી શકું. પરંતુ, અફસોસ.. હે મારી પરમ સખી! મારી આ લાગણીને સમજવાનાં પ્રયત્ન કરજે, બની શકે તો તારા ગાંડા ઘેલાં મિત્રને તારી ભક્તિમાં વધુ ને વધુ તરબોળ થવા દેજે.


સ્થૂળ રૂપે ભલે તું મારાથી જોજનો દૂર હોય, તું મને મળે કે ન મળે પરંતુ સૂક્ષ્મ રૂપે તો હું સદૈવ તને મારી આસપાસ, મારાં હૃદયનાં એકેએક ધબકારે, મારાં શ્વાસોચ્છ્વાસમાં ને મારી નસોમાં વહેતાં લોહીનાં એકે એક બૂંદમાં અનુભવી શકું છું.


મારો વર્તમાન તું છે, કેવળ તું જ. કદાચ તું મને મળવાનું છોડી દે, મારી સાથે વાત કરવાનું બંધ કરી દે, તો મારો હૃદયધબકાર ઘડિયાળમાં ચાવી ખૂટવાથી અટકતા કાંટાની જેમ અચાનક જ બંધ પડી જાય. વધુ તો શું કહું ?

-
લિ.


તારો જ મિત્ર સંવેદન.

2. પ્રેમનો અદ્દભૂત્ત અને અમોઘ એવો મંત્ર


પ્રિય સંવેદના,

તારો પ્રેમસભર પત્ર મળ્યો, ઉગતી ઉષાનાં કોમળ સોનેરી કિરણો સાથે જ તારી યાદ સતાવે છે. હર ઉષાએ સ્મૃતિ આકાર લે છે ને નિશા તારા દર્શન કરાવે છે. સ્મૃતિ અને સૂર્યમાં જો કોઈ તફાવત હોય તો તે એટલો જ કે તારી સ્મૃતિનો પળ માટેય અસ્ત નથી.


સુમધુર એવાં આપણાં ભક્તિભાવનાં સ્મરણોને વીણીવીણીને શબ્દોનાં દોરમાં તેને ગૂંથી રહ્યો છું. પ્રસંગો રૂપી પુષ્પો પોતાની સુવાસ તેમાં પ્રસરાવી રહ્યાં છે. પ્રેમથી ભરેલી, સ્નેહથી શોભતી, મધુરતાનાં મ્હેંકથી મહેકતી,પૂજાનાં રંગે રંગાયેલી, શબ્દોરૂપી દોરામાં પરોવાયેલી પ્રસંગોનાં પુષ્પની માળાને આજની આ શુભ ઘડીએ હું તુજને અર્પણ કરી રહ્યો છું. એ માળા, એ પુષ્પો મારી ભક્તિનું, મારાં પ્રેમનું પ્રતિક છે, તેને ક્યારેય કરમાવા ન દઈશ.


સંવેદના ! ન જાણે કેમ, તારા પ્રતિ મને આટલો ભક્તિભાવ કેમ છે ? તારા નામ માત્રથી જ મારું અતૃપ્ત મન શાંતિ પામે છે. ભારાં અંધારા જીવનને અજવાળનાર તું જ છે કેવળ તું જ. મારું ભીતર તારા થકી જ ઝળહળે છે. તારા નામ માત્રથી મને જીવન પ્રત્યે એક પ્રકારની અડગ અને અસીમ શ્રધ્ધા જાગી ઊઠે છે.
જેમ ભક્ત ઈશ્વરનું શરણું લીધા પછી નચિંત બની જીવી શકે છે તેમ તને સર્વાત્મભાવે ચાહ્યા પછી હું મારાં દરેક ધબકાર માટે નચિંત બની ગયો છું. તને મને પ્રેમનો મંત્ર શીખવનાર ગુરૂ કહું ? મારાં પ્રત્યે અવિચળ ને અપાર મમતા રાખનાર માતા કહું ? મારા પ્રત્યે અત્યંત પ્રેમ ધરાવનાર પિતા કહું ? કે પછી મારાં દરેક સુખદુખમાં સહભાગી થનાર મારી મિત્ર કહું ?


મને વ્યક્તિ તરફથી સમષ્ટિ તરફ દોરી જનાર તું જ છે.


પ્રેમનો અદ્દભૂત્ત અને અમોઘ એવો મંત્ર તેં જ તો મને શીખવ્યો છે.


જે તારા હૃદયની વિશાળતાની સાબિતી છે, તારી એ વિશાળતા, સૌને સમાનભાવે જોવાની - સમજવાની તારી દ્રષ્ટિએ જ મારાં જીવનને એક નવો અર્થ પૂરો પાડ્યો છે. તારા સહવાસ પછી જ મારામાં નિઃસ્વાર્થપણું હું જગાવી શક્યો છું.


ઊંચ - નીચ, જાતિ - પરજાતિ, સ્ત્રી - પુરુષનાં ભેદભાવ તારી ડિક્ષનરીમાં નથી તે જાણ્યા પછી મને થાય છે કે ઈશ્વરે સાક્ષાત આવવાની જરૂર જ નથી

.
ઈશ્વર કંઈ સારું કરવા ઈચ્છે ત્યારે કોઈને કોઈ વ્યક્તિને તે મનુષ્યરૂપે ધરતી પર મોકલે છે.
તને પણ હું ઈશ્વરે મોકલેલ દૂત તરીકે જ પિછાણું છું. પ્રેમની એક એવી દેવી કે જેનાં દિલમાં બધાને માટે સમભાવ છે. દરેક પ્રત્યે જેને હમદર્દી છે ને દરેક ને જે કોઈક ને કોઈક રૂપે કંઈક ને કંઈક આપીને પ્રેમનો એક નવો જ સંદેશ આપે છે જે પૂજા રૂપે સૌ સ્વીકારે છે અને હું પણ તેમાંનો જ એક છું ને...!


લિ.
તારો જ મિત્ર સંવેદન.

3. મંદિરમાં પ્રતિષ્ઠિત દેવ

પ્રિય સંવેદના,


હમણાંથી મારી માનસિક પરિસ્થિતિ ડામાડૉળ બની ગઈ છે. હું ખૂબ જ દ્વિધામાં છું. મારી મનાવ્યથા તને કહી પણ નથી શકતો તેમ જ સહી પણ નથી શકતો. જે સંવેદનાના નામ માત્રથી મારાં હતાશ જીવનમાં
આશાનાં બુંદ મળતા હતાં તે જ સંવેદનાનું નામ, તેનો વિચાર માત્ર મને અંદરખાનેથી આખો ને આખો હચમચાવી મૂકે છે. જે સંવેદનાને ઈશ્વરરૂપે જોઈ, જેનાં નમનાં પૂજ્યભાવથી મારાં મનને આનંદ મળવા લાગ્યો તે જ સંવેદનાના નામથી મારાં મનોભાવોમાં અચાનક એક પરિવર્તન આવ્યું.
મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલ દેવને માણસ જોઈ શકે છે પરંતુ સ્થૂળ રૂપે તેને ક્યારેય પામી શકતો નથી એ યથાર્થતા હું ભૂલી ગયો અને જાણે અજાણ્યે મારી તારા પ્રત્યેની લાગણીએ એક ઝંખનાનું રૂપ લીધું.એક એવી ઝંખને કે જેનો વિચારમાત્ર મારા માટે પાપરૂપ ગણાય. પરંતુ, મારી એ ઝંખનાને અવ્યક્ત જ રહેવા દઈ તારો દોષિત બનવા નથી માંગતો.


માણસ પાપ કરે છે. કદાચ જાણ્યે અજાણ્યે તેનાથી પાપ થઈ જાય છે. પરંતુ મોડે મોડે તેને પોતાની ભૂલ સમજાય અને તેનું એ પ્રાયશ્વિત કરે તો તેણે કરેલાં પાપની સજા તેને ક્યારેય ભોગવવી પડતી નથી. આવું તો તેં જ મને એકવાર શિખવેલું ને ?


મનોમન તારી પૂજા કરતાં કરતાં જ અચાનક જ તને પામવાની ઝંખનાનું બીજ મારામાં સળવળવા લાગ્યું. આવું ન જ થવું જોઈએ. જેને ઈશ્વરની સમકક્ષ ગણીએ તેને માટે ક્યારેય કોઈ નિમ્ન ભાવના ન જ પ્રગટવી જોઈએ. છતાં મારા મનોજગતમાં ક્યાંક કોઈક જગ્યાએ મેં તને સ્થૂળ રૂપે ઝંખી જેનું પ્રાયશ્વિત કરવા હું તયાર છું.


અચાનક જ હું એવું અંદરથી માનવા લાગ્યો હતો કે મારાં મનમાં તારા માટે કોઈ વિશિષ્ટ ભાવે આવકાર લીધો છે. મારાં ભાવજગતમાં કેન્દ્રસ્થાને તું જ વણાયેલી છે, તારા આત્માને, તારા વ્યક્તિત્વને ચાહતાં ચાહતાં અચાનક જ હું તને ચાહવા લાગ્યો છું, એવું છ્યારે મને લાગ્યું ત્યારે મનોમન મેં ગ્લાનિ અનુભવી. મારાથી તારા માટે આવું શાથી વિચારાઈ ગયું તેવાં પ્રશ્નો ઉદ્દભવ્યા.


જાણું છું કે તું ઈશ્વરને આધીન રહીને કર્મ કર્યે જાય છે, તેને દરેક માટે સરખી જ લાગણી છે. તારી દ્રષ્ટિમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. તારા મનમાં નાના મોટાને કૉઈ ભેદ નથી. તું દરેકને સમાનભાવે ચાહે છે. કોઈ એક માટે કોઈ એક વિશેષભાવ તારા માટે ન જ સંભવી શકે તે મારા ખ્યાલ બહાર નથી જ. એ વિશેષ ભાવ, એ માયા એ જિજિવિષાએ બધી જંજીરો તને ન પરવઠે, તું તો મુક્ત રીતે જીવનારી, દરેક પ્રત્યે સમભાવ રાખનાર એક જીવાત્મા. તને કોઈ પ્રકારનો વિશેષ ભાવ ન જ ખપે તે હું સારી રીતે જાણું છું.


તું તો નિરાશ બનતી જિંદગીને પ્રેરણાના પીયૂષ પાઈ પાઈને આશાવાદી બનાવનારી, હતોત્સાહ અને નિરુત્સાહ બનેલા જીવનને અનેરો ઉત્સાહ પૂરો પાડતી મસીહા... તેને જ તારું કર્તવ્ય અને તારો ધર્મ માનીને જીવે છે. તેને હું મારા માટે કોઈ વિશેષ ભાવ કેળવવાનું કઈ રીતે કહી શકું ?


ફરી એકવાર મારાં જીવનને એક નવો માર્ગ ચીંધવાનો સમય પાકી ખયો છે. મારી ઝંખનાનાં ઊંડા પાતાળ સુધી તને લઈ જવાની મારી કલ્પનાને ડામવા માટે ફરી એકવાર ધર્મનાં ઉપદેશની જરૂર પડી છે. તારા માટે મારાં મનમાં જે પણ ભાવ જનમ્યો તેનાં માટે પ્રાયશ્વિત કરવાનો સમય પાકી ગયો છે. ફરી એકવાર તારા અગાધ અને અખૂટ જ્ઞાનમાંથી મને થોડું જ્ઞાન આપ, જેથી મારાં અંતરની આંખો ખૂલે અને ઊભી થયેલી અણસમજમાંથી હું બહાર આવી શકું.


તારા સુધી પહોંચવા માટે અંતરની આંખો અને ભીતરની ભીનાશ જોઈએ, સંવેદનાથી સભર હૃદય જોઈએ, અને સર્વ પ્રત્યે સમભાવ અને સહૃદયતા જોઈએ. તારા હૃદયની વિશાળતા, સરળતા, અને સાહજિકતા પાસે મારી આ કલ્પના માત્રથી હું વામણો પૂરવાર થયો છું.


કૂવામાંનાં દેડકાંની જેમ મારું જ્ઞાન સીમિત છે, મારી સમજણશક્તિ અને મારી લાગણીઓ પણ એ કૂવામાંનાં દેડકાંની છેમ બંધિયાર છે, એ હું કબૂલ કરું છું. તારા જેવું વિશાળ હૃદય અને નિખાલસતા મારી પાસે નથી અને કદાચ તેથી જ મારાં હૃદયમાં પાપે પ્રવેશ કર્યો તેનું મને અનહદ અને ભારોભાર દુઃખ છે.


બની શકે તો મારા આ પાપ બદલ મને માફ કરજે, ને મને સર્વ અને સમભાવે ને સહજભાવે ચાહવાનો એકવાર ફરી ઉપદેશ આપી પ્રાયશ્વિત કરવાની તક આપી ભારાં અંતરની આંખો ખોલવાની મને દ્રષ્ટિ આપ કે જેથી ફરી તને ઈશ્વરનાં દૂત તરીકે ઈશ્વરની સમકક્ષ માનોને તારી પૂજા કરી શકું. મારાં જ્ઞાનના સાંકડા સીમાડાઓનો વ્યાપ વધારી તેને વિશાળ બનાવવાની દ્રષ્ટિ મને આપ.


આખર તો તું જ મારો મિત્ર, તું જ મારો ઈશ્વર ને તું જ મારો મસીહા છે. મને આમાંથી ઉગારી લે, સંવેદના અને જ્ઞાનનો એવો અખૂટ ભંડાર આપ કે જેથી મારી સમજણ શક્તિનો વ્યાપ વધે. એ... જ...


લિ.


તારો જ મિત્ર સંવેદન


નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843