Savajne Bachavava Savadh Thavanu chhe in Gujarati Magazine by BHARATSINH PARMAR books and stories PDF | સાવજને બચાવવા સાવધ થવાનું છે

Featured Books
Categories
Share

સાવજને બચાવવા સાવધ થવાનું છે

સાવજને બચાવવા સાવધ થવાનું છે !

-ભરતસિંહ પરમાર

શક્તિપુંજ સમ દેહ ભયો, ભયો શૌર્ય માર્તંડ,

સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી,ભયી તવ ત્રાડ પ્રચંડ,

રક્ષક તું રેવતા ચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન,

સ્મરતા શૌર્ય નિપજે, જેહી ઉપજાવે સ્વમાન,

જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા,

નિશિત દંત ,નખ,ત્રાડ હી શસ્ત્રા ,

કરભીર ગિર અદ્રીએ શોભે,

તુજ દર્શનથી ત્રિલોક થોભે.

જેના દર્શનથી ત્રિલોક શોભે એવા સિંહ, વનના રાજાનું આપણા ગુજરાતમાં હોવું એ આપણા માટે આશિર્વાદ સમાન છે. તાજેતરમાં જાહેર થયેલી રાજકોટ આઇપીએલની ટીમનું નામ હોય કે અન્ય કોઇપણ વાત, ગુજરાતની ઓળખને ચાર ચાંદ લગાવે છે આપણા સાવજ !

ગીરના જંગલમાં સિંહોની સંખ્યા જે સાવ ઓછી થઇ ગઇ હતી તે હવે ૫૦૦ ના આંકડાને વટાવી ગઇ જે ખરેખર એક શુભ સમાચાર છે. છતાંપણ આપણે ગુજરાતનો જનસમુદાય સિંહ વિશે, ગીરના જંગલ અને અભ્યારણ્ય વિશે અને આપણી આ પ્રાકૃતિક સંપદાથી કેટલા પરિચીત છીએ એ પ્રશ્ન મોટો છે.

ગીર એ એક રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય છે જેને ગીરનું જંગલ અથવા તો સાસણ-ગીર તરીકે આપણે ઓળખીએ છીએ. સૌરાષ્ટ્રમાં આવેલા આ વન્યજીવના અભયારણ્યની સ્થાપના ઇ.સ. ૧૯૬૫માં કરવામાં આવી હતી. ૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય એમ કુલ મળીને ૧૪૧૨ ચો.કી.મી. ના વિસ્તારમાં તે ફેલાયેલ છે. સરકારી આ આદેશ પહેલા જ લગભગ છ દસકા પહેલા જ જુનાગઢના નવાબે સને ૧૯૦૦થી ગીરના જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને "રક્ષિત" જાહેર કર્યા હતા. નવાબની આ પહેલ પાછળની ઘટના પણ ઇતિહાસમાં માનભેર નોંધાઇ છે. નવાબની આ ઉમદા પહેલ સિંહોનાં રક્ષણમાં એ સમયે ખુબ જ મદદરૂપ સાબિત થયેલી કારણ કે સિંહોની વસ્તી વધતી જતી શિકારની પ્રવૃતીને કારણે તે સમયે માત્ર ૧૫ જેટલી જ રહી ગઇ હતી.

પુરા એશિયા ખંડમાં માત્ર અને માત્ર ગીરના આ અભ્યારણમાં સિંહો જોવા મળે છે અને એટલે જ અહીંના સિંહોને એસશિયટીક લાયન કહેવામાં આવે છે. સરકારના 'સિંહ પ્રજનન કાર્યક્રમ' અંતર્ગત ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ થી વધારે નસ્લને રક્ષણ આપવામાં આવ્યું છે.

એશિયાઇ સિંહોને માફક આવતો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે. ગીરનું જંગલ માત્ર સિંહો માટે જ શ્રેષ્ઠ પુરવાર થયું છે એવું નથી. ગીરના જંગલમાં ૨૩૭૫ જેટલી પ્રાણીની પ્રજાતિઓ ધરાવતો પ્રદેશ છે જેમાં ૩૮ સસ્તન, ૩૦૦ પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે. આ પ્રજાતિઓમાં માંસાહાર કરતી પ્રજાતિઓ એટલે મુખ્યત્વે એશિયાઇ સિંહ, દીપડો, જંગલી બિલાડી, ચટ્ટાપટ્ટાવાળો તરસ, શિયાળ, ભારતીય નોળિયો, જબાદીયુ, રતેલ, રણ બિલાડી (Asiatic Wildcat) અને કાંટાળી-ટીપકાળી બિલાડીનો સમાવેશ થાય છે. જો કે સિંહ સિવાયની અન્ય પ્રજાતિઓનું અસ્તિત્વ ખુબ જ ઓછું જોવા મળે છે.તો શાકાહારી પ્રજાતિમાં મુખ્યત્વે ચિત્તળ, નીલગાય (બ્લુબુલ), સાબર, ચારસિંગા કાળિયાર, ચિંકારા અને જંગલી ડુક્કરનો સમાવેશ થતો જોવા મળે છે.

તો આ માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ ઉપરાંત નાના સસ્તન પ્રાણીઓમાં શાહુડી અને સસલાં સામાન્યરીતે વધુ માત્રામાં જોવા મળતા હોય છે. સરીસૃપો પ્રજાતિમાં મુખ્ય છે મગર (અને આડવાત એ છે કે મગરની સંખ્યા ગીરમાં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં પણ વધુ છે). અન્ય સરીસૃપ પ્રાજાતિઓમાં ભારતીય તારક કાચબા અને ઘો પણ ગીરમાં જોવા મળી આવે છે. આ ઉપરાંતમાં ગીરના ગાઢ જંગલ વિસ્તારમાં અને છોડવાઓમાં સાપ મળી આવે છે તો ઝરણાઓને કિનારે અજગર પણ જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ ૧૯૭૭માં આયોજિત ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો અને ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરાયેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં મોકલવામાં આવ્યા હતા.

સિંહની વસ્તીમાં પણ ગીરમાં વૈવિધ્યતા જોવા મળે છે. ગીરના નર એશિયાઇ સિંહ ઉપરાંત બાળ એશિયાઇ સિંહ કે જેને આપણી દેશી ભાષામાં પાઠડા સિંહ કહેવામાં આવે છે તે અને માદા એશિયાઇ સિંહ એટલે કે સિંહણનો સમાવેશ થાય છે.

જુનાગઢનું સક્કરબાગ સિંહ પ્રજનનનું અતિ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. સક્કરબાગમાં એશિયાઇ સિંહોના વર્તુણકના અભ્યાસ ઉપરાંત પણ કૃત્રિમ વીર્ય દ્વારા સિંહોના સંવર્ધનનું કાર્ય પણ કરવામાં આવે છે. આશરે ૨૦૦ જેટલા સિંહોનું સંવર્ધન કરીને જુનાગઢના આ સક્કરબાગે તેને અન્ય પ્રાણીબાગોમાં પણ મોકલ્યા છે. અહીં સંવર્ધિત થતા શુધ્ધ એશિયાઇ સિંહો વિશ્વભરના પ્રાણી સંગ્રહાલયોમાં રહીને દુનિયાને એમની પ્રજાતિ વિશેનું જ્ઞાન આપવાનું મહામુલું કામ કરે છે.

સિંહ, ગીર અને ગીરનો વૈભવ એ પ્રકૃતિએ આપણને આપેલી મહામુલી ભેટ છે. આપણે પ્રકૃતિ શિબીરના માધ્યમથી આપણને મળેલી આ સંપદાને સમજવાની છે. ગીર એ ફરવા જવાના સ્થળથી પણ વિશેષ પ્રકૃતિના વૈભવથી પરિચીત થવા, એમાંથી કાંઇક શીખવા અને જીવનને વધારે સૌદયપુર્ણ બનાવવાનું સ્થળ છે.

સિંહ દર્શન માત્રથી રોમાંચ જરૂર મળે છે પણ સિંહ દર્શનની સાથોસાથ સિંહના જીવન વિશે જાણીને, એની ભૌગોલિક પરિસ્થિતી, ગીરની અન્ય વન્ય સંપતિ, ગીરના જંગલમાં જોવા મળતી મહામુલી ઝાડ-છોડ સંપતિને સમજવા માટે માત્ર મુલાકાત કરીને પાછા ફરવાને બદલે તેને સમજીને, માણીને અને જાણીને પાછા ફરવું વધુ લાભદાયી છે.

(લેખક શ્રી ભરતસિંહ પરમાર સાહસ પ્રવૃતિના તેમજ નેચર સ્ટડીના એક્સપર્ટ છે.)