Safaltano Paryay in Gujarati Biography by Ravi Yadav books and stories PDF | સફળતાનો પર્યાય Shahrukh Khan

Featured Books
Categories
Share

સફળતાનો પર્યાય Shahrukh Khan

સફળતાનો પર્યાય "શાહરૂખ ખાન"

"અબ્દુલ રહેમાન" આ વ્યક્તિને કેટલા લોકો ઓળખે છે ? હા એ જ વ્યક્તિ કે જે આજે કરોડો દિલોની ધડકન છે. વર્લ્ડનો બીજા નંબરનો સૌથી અમીર એન્ટરટેઇનર બોલીવુડનો બાદશાહ, કિંગખાન “શાહરૂખ ખાન”

કોઈ પણ પ્રકારના ફિલ્મના બેકગ્રાઉન્ડ વગર જ પોતાની ટેલેન્ટના સહારે આજે મુંબઈ જેવી માયાવીનગરીને જેણે પોતાની બનાવી લીધી છે એવો આ માણસ ખરેખર એક પાક રૂહ છે જેણે પોતાની મહેનત અને લગનથી સફળતાને પોતાની બનાવી છે અને એ જ સફળતાને સારી રીતે પચાવી પણ જાણી છે. આજે શાહરૂખ ખાન એટલે સફળતાનું બીજું નામ બોલવામાં આવે છે એનું કારણ ફક્ત સારી એક્ટિંગ નહિ પરંતુ પોતાનો સ્વભાવ, દરેકને સન્માન આપવાની ટેવ, પોતાની આવડત, બોલવાની કોઠાસૂઝ બધું જ ભાગ ભજવે છે.

એક એવી વ્યક્તિ જેને નાનપણથી આર્મીમાં જોડાવાનો શોખ હતો અને આર્મી સ્કુલમાં એડમીશન પણ લીધું પરંતુ નસીબ કંઈક બીજે જ ખેંચી રહ્યું હતું. પરિવારમાં એક માત્ર દીકરો હોવાના કારણે ઘરના લોકોના પ્રેશરથી આર્મી છોડી દીધું. પરંતુ સ્પોર્ટ્સ પ્રત્યેનો લગાવ પણ એટલો જ હતો જેના કારણે ભણવાનું હંમેશા બાજુમાં રહી જતું. શાહરૂખના પિતા ફ્રીડમ ફાઈટર હતા અને વકીલ પણ હતા પરંતુ વકીલની પ્રેક્ટીસ સારી નાં ચાલતા, બીજા ઘણા બધા બીઝનેસમાં ટ્રાય કરી પરંતુ ક્યાય પણ મેળ નાં પડ્યો. અંતે દિલ્હીની "નેશનલ સ્કુલ ઓફ ડ્રામા"માં પોતાની કેન્ટીન ખોલી અને જામી પડી. શાહરૂખ પણ પિતા સાથે ત્યાં જતો અને ત્યાં ભણવા આવતા અત્યારના મોટા મોટા એક્ટરોની સંગત શાહરૂખ પર અસર કરવા માંડી. એ લોકોને નાસ્તો કરાવતા કરાવતા પ્રેક્ટીસ દરમિયાન ક્યાંક ને ક્યાંક આ બાળકમાં પણ એક્ટિંગના ગુણો આવવા લાગ્યા. પરંતુ હજુ પણ પોતાનું લક્ષ્ય નક્કી તો નહોતું જ.

૧૫ વર્ષની ઉમરે જ જેના માથા પરથી પિતાનો પડછાયો ઉઠી ગયો. ઘરનો એક માત્ર પુરુષ હોવાના કારણે હવે તેના માથે ઘરની જવાબદારી પણ આવી ગઈ હતી. તેની બહેન અને તેની માં બંને થઈને શાહરૂખને ભણાવવા અને મોટો કરવા ખુબ મહેનત કરતા.

દિલ્હી થીયેટર એક્શન ગ્રુપના થીયેટર ડાયરેક્ટર "બેરી જોન" પાસેથી એક્ટિંગ શીખવાની શરૂઆત થઇ. પરદા પર પહેલો રોલ આવ્યો ટીવી સીરીયલ "દિલ દરિયા"માં અને ત્યારબાદ કર્નલ કપૂરની સીરીયલ "ફૌજી" દ્વારા એમની એક્ટિંગની સરાહના થઇ. એ બાદ બીજી ઘણી સીરીયલમાં શાહરૂખ ખાન એક્ટિંગ કરતો નજરે જોવા મળ્યો. જેમ કે "વાગલે કી દુનિયા", "સર્કસ". આ બધી સીરીયલ દરમિયાન એક્ટ્રેસ હેમા માલિનીની નજર શાહરૂખ ખાન પર પડી અને તેમને પોતાની ફિલ્મ "દિલ આશના હે" માટે દિવ્યા ભારતીની સામે રોલ આપ્યો. નસીબના બળિયા અને મહેનતુ શાહરૂખની લાઈફનો સિતારો એવો ચમક્યો કે એક જ દિવસમાં પાંચ ફિલ્મો સાઈન કરી. પરંતુ તેમની પહેલી ફિલ્મ રીલીઝ થઇ, ૧૯૯૨ માં આવેલી રિશી કપૂર અને દિવ્યા ભારતીની સાથે કરેલી "દિવાના" અને પહેલી ફિલ્મથી જ ખુબ જ સરાહના મળી અને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો.

૧૯૯૩માં આવેલી ફિલ્મ "બાઝીગર"માં હીરોનો રોલ હારીને વિલનનો રોલ કરીને જીત મેળવી અને બની ગયો બોલીવુડનો સૌથી મોટો બાઝીગર. એ પછી "અન્ઝામ" અને યશ ચોપરાની સુપરડુપર હીટ ફિલ્મ "ડર" એ શાહરૂખની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા.

ત્યારબાદ એક પછી એક સુપરહીટ ફિલ્મો "કરણ અર્જુન", "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે", "કોયલા", "પરદેસ", "દિલ તો પાગલ હે", "કુછ કુછ હોતા હે", "વીર-ઝારા", "કભી ખુશી કભી ગમ", "ઓમ શાંતિ ઓમ", "માય નેમ ઈઝ ખાન", "મોહબ્બતે", "દેવદાસ", "સ્વદેસ", "રબને બના દી જોડી" એ શાહરૂખને આખી દુનિયામાં ફેમ મેળવી આપ્યું. ઇંગ્લેન્ડના મેડમ તુસાદ મ્યુઝીયમમાં એમનું પુતળું પણ મુકવામાં આવેલું છે જે કોઈ મોટા ઓનરથી ઓછું નથી.

હંમેશા દરેક સ્ત્રીની રીસ્પેક્ટ કરવી, એની મર્યાદા જાળવવી, પોતાનું કામ બેસ્ટ આપવું, અને સૌથી મોટો ગુણ હોય તો એ છે પોતાની જાતને હંમેશા એક લેવલથી પણ ઉપર જોવી. પોતે જ બેસ્ટ છે એવું માનવું, બોલવું અને સાબિત પણ કરવું એ શાહરૂખનો પ્લસ પોઈન્ટ છે. શાહરૂખ પાસે જે માર્કેટિંગ સ્કીલ છે એના જેવું ટેલેન્ટેડ બોલીવુડમાં આજ સુધી કોઈ નથી થયું એ બેશકપણે સ્વીકારવું પડે. શાહરૂખનું હાજર જવાબીપણું અને સેન્સ ઓફ હ્યુમર એટલી હદે ઉપર છે કે તે ગમે તેનું મોઢું બંધ કરાવી શકે છે. પોતે પોતાની જાત પર પણ હસી શકે છે. શરીરમાં થયેલી ઢગલો ઇન્જરી, થોડા થોડા ટાઈમે શરીરની તકલીફો છતાય અટક્યા વગર કામ પ્રત્યે સમર્પિત રહેવું એ નાની વાત નથી. પોતાના બાળકો માટે ઝઘડો પણ કરી લે છે અને જાહેરમાં સ્વીકારતા પણ અચકાતો નથી કે તે એની ભૂલ હતી. કોઈના બાપથી પણ નહિ ડરનાર એ માણસ આટલો પાવરફુલ અને સકસેસ હોવા છતાય ડાઉન ટુ અર્થ રહેવામાં માને છે.

શાહરૂખની લવસ્ટોરી પણ ઘણી ઈન્ટરેસ્ટીંગ છે. શાહરૂખ જ્યારે ૧૮ વર્ષનો હતો અને ગૌરી ૧૪ વર્ષની હતી ત્યારે પહેલી વાર કોલેજના એક ફંક્શનમાં મળ્યા હતા. એ દરમિયાન પહેલી મુલાકાતમાં જ ફોન નંબરની આપ-લે અને ત્યારબાદ થયેલો પ્રેમ. પરિવારના મનાવવામાં ઘણો સમય લાગ્યો પરંતુ આખરે ફિલ્મ "દિલ આશના હે" ના સેટ પર બંને પરણી ગયા. અને આજે હેપીલી મેરીડ કપલ છે અને આર્યન, સુહાના અને અબ્રામના માતા-પિતા છે. પોતાના બાળકો પ્રત્યે ખુબ જ સંવેદનશીલ એવો શાહરૂખ પોતાનો જેટલો પણ સમય ફ્રી મળી શકે એટલો પોતાના બાળકો સાથે જ વિતાવવો પસંદ કરતો હોય છે.

અત્યારસુધીમાં ૧૪ ફિલ્મફેર એવોર્ડ જેમને હસ્તગત કર્યા છે એવો શાહરૂખ ખાન કે જેમના આ રેકોર્ડને બોલીવુડમાં હજુ સુધી કોઈ નથી તોડી શક્યું. ૨૦૦૫માં ભારત સરકાર દ્વારા શાહરૂખને "પદ્મશ્રી" નો ખિતાબ પણ મળેલ છે. વધારામાં ફ્રાંસ ગવર્મેન્ટ દ્વારા પણ શાહરૂખ ખાનને "ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ" નો ખિતાબ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સ્કોટલેન્ડની "યુનિવર્સીટી ઓફ એડીનબર્ગ" દ્વારા ડોક્ટરની ઓનરેબલ ડીગ્રી આપીને સન્માન કર્યું. ફ્રાંસના સૌથી મોટા નાગરિકનો એવોર્ડ "નેશન ઓર્ડર ઓફ ધ લેજીઓન ઓફ ઓનર" પણ શાહરૂખખાનને અપાયેલો છે જેનાથી સપ્ષ્ટપણે ખ્યાલ આવે કે દેશમાં જેટલી ચાહના છે એના કરતા વધારે ચાહના દેશની બહાર પણ છે. વિદેશોમાં કોઈ પણ જગ્યાએ બોલીવુડનું નામ જો લેવામાં આવે તો ત્યાના લોકલ નાગરીકો દ્વારા "શાહરૂખ ખાન"ને જ યાદ કરવામાં આવે છે. એનાથી મોટી સફળતા બીજી શું હોઈ શકે ?

અત્યારસુધીમાં ઘણીવાર શાહરૂખ કોન્ટ્રોવર્સીમાં આવી ગયેલો છે પરંતુ એનાથી એને કશો જ ફર્ક નથી પડતો કારણ કે સુરજ સામે ધૂળ ઉડાડવાથી સુરજ ક્યારેય ઝાંખો નથી પડતો. કોઈ પણ દ્વારા કરવામાં આવતી બદ્ત્મીઝી શાહરૂખથી સહન નથી થતી અને ગુસ્સે થઇ બેસે છે અને મીડિયા તેને ઘણાબધા અર્થ કાઢીને ઉછાળી મારે છે. પરંતુ સફળતાની સાથે બોનસમાં આવતા ઇનામો સ્વરૂપ ગણીને શાહરૂખ પોતાના કામ દ્વારા લોકોના મોઢા ચુપ કરાવતો રહે છે.

હમણાં હમણાં સેક્યુલર લોકો દ્વારા તેને દેશદ્રોહી પણ કહેવામાં આવે છે. તેની ફિલ્મોનો બહિષ્કાર કરવામાં આવે છે. પરંતુ એ માણસ પોતાના દેશ પ્રત્યે કેટલો લગાવ ધરાવે છે એ કોઈ નથી કહી શકતું. ફિલ્મ "વીર ઝારા", "ચક દે ઇન્ડિયા", "સ્વદેસ", "પરદેસ", આવી ઘણી ફિલ્મોમાં શાહરૂખ પોતાના દેશ માટે ગૌરવ થઇ આવે એવી ફિલ્મો કરી છે પરંતુ કહેવાય છે ને કે "કમળો હોય એને પીળું જ દેખાય"

છેલ્લા ઘણા સમયથી આવી રહેલી એની બકવાસ ફિલ્મોનાં કારણે ક્રિટીક્સ લોકોને એની ફિલ્મોમાંથી રસ ઉતરી ગયો છે પરંતુ ૧.૫ મહિના બાદ આવી રહેલી એની ફિલ્મ "ફેન" ફરીવાર પાછો ઓરીજનલ શાહરૂખ સાથે મુલાકાત કરાવશે એવું લાગી રહ્યું છે. Let's See. Wait and watch.

શાહરૂખના પિતા દ્વારા શાહરૂખને અપાયેલી એક શિખામણ :- "બેટા તુમ્હારી ઉમર મેં હમ પહાડ પર નંગે પૈર ચઢ જાતે થે, અગર ચઢ સકો તો ચઢ જાઓ ઓર અગર નાં ચઢ પાઓ તો કોઈ બાત નહિ, ક્યોકી જો કુછ નહિ કરતે વો કમાલ કરતે હૈ."

(અમુક લોકો આ આર્ટીકલ વાંચીને અહિયાં પણ સેક્યુલારિઝમની કમેન્ટ કરવા આવશે, દેશદ્રોહી બોલવા આવશે. જે એવું બોલવા આવે એ બધાય અઠ્ઠે મારે. આપણે તો શાહરૂખની ફિલ્મો જોઈશું જોઈશું અને જોઈશું જ. જે થાય એ તોડી લ્યો.)