kashunk shodhi to juo in Gujarati Short Stories by Vrajesh Shashikant Dave books and stories PDF | kashunk shodhi to juo

Featured Books
Categories
Share

kashunk shodhi to juo

“ મનુષ્યનું કાર્ય કુદરતના નિયમોનું પાલન કરવાનું છે. કુદરતનો ક્રમ છે – તેજ, અંધકાર અને ફરી તેજ. સૂર્ય તેજનું પ્રતિક છે. રાત્રિ અંધકારનું પ્રતિક છે. સૂર્ય પ્રકાશ લાવે છે અને તેના જવાથી રાત્રિ અંધકારમય બની જાય છે. તેજ અને અંધકાર સતત આવતા-જતાં રહે છે. આ જ કુદરતનો ક્રમ છે..”

એકધારું બોલતા ક્ષણેક માટે અટકીને ગુરુ વિશ્વાત્માએ ઊંડો શ્વાસ લીધો. આંખો ખોલી. શિષ્યો મંત્ર મુગ્ધ બનીને ગુરુના શબ્દો સાંભળી રહ્યા હતા.

ગુરુની વાણી અટકતા જ શિષ્યો પણ ધ્યાન ભંગ થયા. સૌ ગુરુના વચનો પર વિચારતા રહ્યા. અચાનક જ પુરુરવા પૂછી બેઠો,” સૂર્યના પ્રકાશમાં મન સ્વસ્થ અને નિશ્ચિંત રહે છે પરંતુ રાત્રિ આવતા જ અંધકારમાં મન સતત દર અનુભવે છે. આવું શા માટે? રાત્રિના અંધકારને કેમ દૂર કરી શકાય? “

ગુરુએ પુરુરવા તરફ જોયું. તે જાણતા હતા કે પોતે જે કઈ કહે છે તે સત્ય છે, પણ તેઓ એ નહોતા જાણતા કે આવું કેમ બને છે? તેનું માનવું હતું કે વિશ્વમાં બનતી દરેક ઘટનાને કારણ હોય જ છે. માત્ર તેને શોધવાનું હોય છે.

તેની પાસે પુરુરવાના પ્રશ્નનો ઉત્તર ન હતો.

પુરુરવા એક આદર્શ શિષ્ય હતો. સ્વસ્થ –સશક્ત-ચતુર અને ગુરનો પ્રિય ! પુરુરવાની વિશિષ્ટતા જ એ હતી કે તે દરેક કર્યાના કારણને શોધવા પ્રયત્ન કરતો- સફળ થતો. માટે જ તે શ્રેષ્ઠ હતો. બાકી શિષ્યો તો ઘણા હતા- બંસી, વિદીક્ષા , વસુમિત્ર, વિનાયક, વિણા, અનંત, ત્રિયા, આનંદ અને... પેલો ભાર્ગવ પણ !

ગુરુએ શાંત ચિત્તે કહ્યું,” વત્સ, હું પણ આ પ્રશ્નના ઉત્તરને જાણતો નથી. હું તેને જાણવા માંગુ છું. ઘણા પ્રયત્નો કર્યા છતાં હજુ સુધી એના રહસ્યને પામ્યો નથી. શક્ય છે કે આપનામાંથી જ કોઈ એનો ઉત્તર શોધી કાઢે. મને વિશ્વાસ છે – એ કામ પુરુરવા જ કરી શકશે. “

ભાર્ગવ ક્રોધિત થઈ ઉઠ્યો,” ગુરુદેવ, આપને પુરુરવા પ્રત્યે વધુ પક્ષપાત છે. આપને અમારા સૌ તરફ લાગણી નથી, અમારામાં વિશ્વાસ નથી....”

વિશુધ્ધ શાંતિ સાથે હાથ ઊંચો કરી ગુરુએ તેને શાંત કર્યો. પરંતુ ભાર્ગવ હજુ પણ ક્રોધિત જ હતો,” આપે આપના જ્ઞાનને આપવામાં પક્ષપાત કર્યો છે, પુરુરવાને.......”

ગુરુએ તેને વચ્ચે જ અટકાવ્યો,” વત્સ ! જ્ઞાન એ તો સૂર્યના પ્રકાશ જેવુ છે. સર્વત્ર સમાન વિસ્તરે છે. તેને પ્રાપ્ત કરવાનો આધાર તેને ગ્રહણ કરનાર પર જ છે. પુરુરવા માત્ર સાંભળીને સ્વીકારી લઈ બેસી નથી રહેતો. તે આગળ ને આગળ વિચારે છે. કશુક નવું કરવાનો પ્રયત્ન કરે છે. તે નવું મેળવે પણ છે. માટે જ તે શ્રેષ્ઠ છે. તેનામાં જ્ઞાન માટેની અપાર ભૂખ છે.......”

આનંદ વચ્ચે જ બોલી ઉઠ્યો, “ મને પણ ખૂબ ભૂખ લાગી છે. ગુરૂમાતાએ ફળો તૈયાર રાખ્યા જ હશે....”

આનંદ સદૈવ ગંભીર પ્રસંગે પોતાના આનંદી સ્વભાવથી વાતાવરણને હળવું બનાવી દેતો. સૌ ફળો ખાવા લાગ્યા.

બાદમાં સૌ નદીના વહેતા પાણી તરફ ગયા. સૌએ પાણી પીધું. પ્રકૃતિના રસને પીવા સૌ જંગલ તરફ વળ્યા.

ત્રિયા અને પુરુરવા નદી કિનારે જ બેઠા રહ્યા. પુરુરવાના ચહેરા પર વહેતી નદીને પામવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી – ત્રિયા !

અને બંનેથી દૂર ઉભેલા ભાર્ગવનાં હ્રદયમાં વહેતી હતી ઇર્ષ્યાની લીલી નદી.

સમય વીતવા લાગ્યો. ગુરુ અને પુરુરવાએ અનેક રહસ્યો શોધ્યા. પરંતુ, રાત્રિના અંધકારને દૂર કરી ના શક્યા.

સમયના પ્રભાવે વૃક્ષો ઊજડવા લાગ્યા. ફળો લેવા હવે જંગલમાં દૂર-દૂર જવું પડતું હતું. સૌની દિશા નિશ્ચિત હતી. ત્રિયા અને પુરુરવાએ પણ એક દિશા નક્કી કરી લીધી હતી. માત્ર ભાર્ગવને જ કોઈ કામ ના સોંપાયું.

ત્રિયા-પુરુરવા ખૂબ દૂર નીકળી ગયા. પણ હ્રદયથી નજીક આવી ગયા. આકાશ વરસવા લાગ્યું . બંનેના દિલમાં પણ વરસાદની સુગંધ ખીલવા લાગી. બંને જંગલમાં પાણીના અસિમ જંગલ વચ્ચે અટવાઈ ગયા. રાત પડતાં સલામત ગુફામાં છુપાઈ ગયા. ગુફાની બહાર એક નદી વહેવા લાગી અને ગુફાની અંદર નદી સાગરમાં સમાઈ ગઈ.

પાણીનું તોફાન પોતાનું કામ કરી જતું રહ્યું. જંગલની સમર્ગ આકૃતિ જ બદલાઈ ગયી. તેઓ બંને પોતાના સમુદાયથી તદ્દન વિખૂટા પડી ગયા.

ઘણા સૂર્યો ઉગીને આથમી ગયા. ગરમીના દિવસો આવી ગયા. સૂર્યએ ધરતીના તમામ તત્વોને બાળવા માંડ્યુ. પવન પણ જંગલને ડરાવતો-ધમકાવતો આરપાર નીકળી જતો અને તેથી સમગ્ર જંગલ જાણે કોઈના બેસણામાં આવ્યું હોય તેમ સુષ્ક હતું- મૌન હતું.

ત્રિયા-પુરુરવા સમય સાથે તાલ મેળવવા પરિસ્થિતિને ચકાસવા લાગ્યા. જંગલમાં બંનેના પગ, મન, હ્રદય, સમય અને પવન સતત ચાલતા રહ્યા.

સાંજનો રંગ વીતી ગયો હતો. રાત્રિ તેના બાહુપાશમાં અંધકારને લપેટીને વ્યાપી ગઈ હતી જંગલના વ્યક્તિત્વમાં. અચાનક એક અવાજ આવ્યો. ગઢ અંધકારમાં પ્રકાશ ફેલાઈ ગયો. બંને ચોંકી ગયા. પણ તરત જ આવનાર સમયનો સામનો કરવા તૈયાર થયા.

તેઓ પ્રકાશ તરફ આગળ વધ્યા . જેમ જેમ પ્રકાશની નજીક જતાં ગયા તેમ તેમ પ્રકાશ અને સાથે સાથે ગરમી પણ વધવા લાગી. રાત્રીમાં પણ બધુ સ્પષ્ટ જોઈ શકાતું હતું. પુરુરવાને આશ્ચર્ય થયું. તેનું મન તે નવા પ્રાણીને જોઈ અનેક સવાલોમાં અટવાયું.

તેણે જોયું કે પ્રકાશ અને ગરમી આપતું પ્રાણી એક વૃક્ષના જાડા થડમાથી બહાર આવતું હતું. તેનો રંગ પીળો હતો. પવનની આવ-જાવ પર તે વધતું-ઘટતું હતું. સાથે સાથે પ્રકાશ અને ગરમી પણ વધતાં-ઘટતા હતા. અચાનક એક બીજું ઝાડ તે ઝાડ પર પડ્યું.

નવા પડેલા ઝાડમાથી પણ એજ રીતે પેલું પ્રાણી બહાર આવવા લાગ્યું. પુરુરવાએ તેને અનેક રીતે તપાસીને નક્કી કરી લીધું કે એ પ્રાણી હિંસક નથી., ભયાનક નથી. સામેથી હુમલો પણ નથી કરતું. તે પોતાનું સ્થાન પણ છોડી નથી શકતું. સવારના સૂર્યપ્રકાશમાં તેનું તેજ ઘટી જાય છે. તે પ્રાણીના સંપર્કથી બીજા વૃક્ષોમાં પણ તે ફેલાય છે.

પુરુરવા સતત આ પ્રાણીને તપાસતો રહ્યો. દિવસો જતાં વરસાદ આવવા લાગ્યો. પેલું પ્રાણી વરસાદના પાણીથી મૃત્યુ પામ્યું. પુરુરવાએ તેના મૃત્યુને પણ નીરખ્યું. ત્રિયા ખુશ થઈ.

આમ જ સમય વીતવા લાગ્યો. વરસાદ- ઠંડી- ગરમીના ચક્રો ફરવા લાગ્યા. પુરુરવાએ પેલા પ્રાણી વિષે ઘણું જાણી લીધું હતું. તેણે તેને પ્રકટ કરવાનું, તેનો ઉપયોગ કરવાનું, તેણે વશમાં કરી શાંત કરવાનું શીખી લીધું હતું. તેને હવે ખબર પડી ગઈ હતી કે તે પ્રાણી નથી પણ કુદરતનું જ એક રહસ્ય છે. ત્રિયાએ તેને નામ આપ્યું- ‘ અગ્નિ’ ! એક અગ્નિએ બીજા અગ્નિને નામ આપી દીધું.

આમ, યુગો પહેલા ત્રિયા અને પુરુરવાએ શોધ કરી- અગ્નિની !

સમયનું ચક્ર ફરી ચકરાવો લઈ ગયું. વર્ષો જતાં ત્રિયા અને પુરુરવા , ગુરુ વિશ્વાત્મા અને સમગ્ર પરિવારને મળ્યા. પુરુરવાએ પોતાની નવીન શોધ- અગ્નિની જાણ સૌને કરી.

તેણે અગ્નિ પ્રકટાવી રાત્રિના અંધકારથી ડરતા સૌને ડર મુક્ત કર્યા. સૌ ખુશ થયા. એક તરફ અગ્નિ બળતો હતો અને આ તરફ ભાર્ગની ઈર્ષ્યા !

તે લાલચોળ થઈ ગયો. સૌને કહેવા લાગ્યો,” પહેલા આ અગ્નિ વિષે જાણી તો લો ! માત્ર અંધકાર દૂર થાય તેથી ખુશ થવાની જરૂર નથી. તેના લીધે થતી તકલીફો પણ જાણો. પછી જ કશું કહી શકાય. “

“ બરોબર છે, ભાર્ગવ. ચાલો હું તમને અગ્નિના ફાયદા- નુકશાન જણાવું “એમ કહી પુરુરવાએ સૌને અગ્નિના રહસ્યો જણાવ્યા. અગ્નિથી પ્રકાશ ઉપરાંત ગરમી પણ મળે છે. હિંસક પ્રાણીઓથી રક્ષણ મળે છે. તે વાતાવરણ શુધ્ધ કરે છે. ફળોને અગ્નિમાં ગરમ કરવાથી તે વધુ મીઠા લાગે છે.”

અગ્નિ વિષે સાંભળી ભાર્ગવ વધુ ને વધુ ઇર્ષ્યામાં બળવા લાગ્યો. તે સત્યને સમજતો તો હતો પણ ઇર્ષ્યાને કારણે સત્યને સ્વિકારી નહોતો શકતો.

સૌ નિશ્ચિંત બની અગ્નિના રક્ષણમા સૂઈ ગયા. પરંતુ ભાર્ગવનું મન તેને નિંદ્રાથી દૂર અને પેલા અગ્નિની નજીક લઈ ગયું. તે અગ્નિની પાસે પહોંચી ગયો. તેણે અગ્નિનું પૂરેપુરું નિરીક્ષણ કર્યું. તે તેની વધુ નજીક ગયો. તેણે અગ્નિનો તાપ અનુભવ્યો. અગ્નિને પકડવા જતાં હાથમાં પીડા થવા લાગી. પીડાને કારણે દુખી થવાને બદલે તે ખુશ થયો. તેને એક ખામી હાથ લાગી ગઈ હતી.

તેણે એક મોટી સૂકી ડાળી લઈ અગ્નિમાં નાંખી. ડાળીમાં પણ અગ્નિ પ્રકટવા લાગ્યો. તે વિચારતા વિચારતા અગ્નિ સામે જોવા લાગ્યો. કશુય સમજમાં ન આવતા તેણે ગુસ્સામાં હાથમાં રાખેલી બળતી ડાળીનો દૂર ઘા કર્યો. તે એક વૃક્ષ પર પડી. થોડીવારમા જ તે વૃક્ષ અગ્નિથી નાશ પામ્યું. તે ખુશ થયો. તેને હાથ બીજી ખામી લાગી ગઈ.

ખુશ થતો થતો તે અગ્નિ વાળી ડાળી હાથમાં લઈને જંગલ તરફ જવા લાગ્યો. એક હિંસક પ્રાણી તેના પર તૂટી પડ્યું. બચાવ કરવા તેણે અગ્નિ વાળી ડાળી વડે તેના પર પ્રહાર કર્યો. પેલુ પ્રાણી પરાસ્ત થઈ ગયું. તે અગ્નિમાં બળીને મૃત્યુ પામ્યું. પોતાના વિજય પર ભાર્ગવ ખુશ થયો. તે સૂર્યના ઉગવાની પ્રતિક્ષા કરવા લાગ્યો.

સૂર્ય ઊગ્યો. ગુરુએ સૌને ભેગા કર્યા. ગુરુ કશું બોલે તે પહેલા જ ભાર્ગવ બોલવા લાગ્યો.’ ગુરુજી, પુરુરવાએ અગ્નિના લાભો તો ઘણા બતાવ્યા. હું તેની ખામીઓ જાણું છું. તે હું આપ સૌને જણાવીશ. ત્યારબાદ આપ પણ કહેશો કે અગ્નિની શોધ કરીને પુરુરવાએ બહુ મોટી ભૂલ કરી છે.”

શાંત ચિત્તે ગુરુએ કહ્યું,’ ભાર્ગવ, દરેક વાતને સારી અને ખરાબ એમ બે બાજુ હોય છે. માટે અગ્નિને પણ ખામીઓ હશેજ. તું તે જાણે છે તો અમને બધાને તું તે ખામીઓ બતાવ.”

ભાર્ગવે પોતાનું કહેવાનું ચાલુ કર્યું,’ અગ્નિમાં હાથ નાંખવાથી હાથ બળી જાય છે. હાથનો નાશ પણ થઈ શકે છે. અગ્નિ પોતાના સ્વભાવથી શરીરને તાપ આપે છે તેથી શરીરને કષ્ટ સહેવું પડે છે. “

અગ્નિથી બળેલા વૃક્ષ તરફ ઈશારો કરી તે આગળ બોલ્યો. ,” જુઓ,આ વૃક્ષ કેવું હરેલું ભરેલું હતું ગઈ રાત સુધી. પણ અગ્નિને કારણે તે નષ્ટ થયું. અગ્નિ આખા જંગલને બાળી શકે છે. જંગલનો નાશ કરી શકે છે. જંગલ નાશ પામે તો આપણું જીવન કેટલું કષ્ટમય થઈ જાય તે તો આપ સૌ જાણો જ છો.”

સૌ ભાર્ગવની વાતોથી પ્રભાવિત થયા. ગુરુ, ત્રિયા અને પુરુરવા તટસ્થ ભાવે બધુ જોતાં રહ્યા. ભાર્ગવનો આત્મવિશ્વાસ વધી ગયો. તેણે અગ્નિથી મૃત્યુ પામેલા પેલા પ્રાણી તરફ ઈશારો કરી કહેવા માંડ્યુ,’ અગ્નિનો પ્રયોગ પ્રાણીને ડરાવવાના શસ્ત્ર તરીકે પણ કરી શકાય છે. તે પ્રાણી અગ્નિને કારણે જ મૃત્યુ પામ્યું છે. કદાચ મારી સામે ઉપયોગ કરવા જ પુરુરવાએ આ અગ્નિ નામના શસ્ત્રની શોધ કરી છે.”

અચાનક સૌ એક સાથે ચિત્કારી ઉઠ્યા,” ભા....ર્ગ....વ ......”

સૌના ચિત્કારથી ભાર્ગવ ડઘાઈ ગયો.

ગુરુએ તેને ઉદ્દેશીને કહેવા માંડ્યુ, “ભાર્ગવ, ખામીઓને બદલે લાભને સ્વીકારવાનો પ્રયત્ન કર. સત્યને સ્વીકાર. આ અગ્નિ એ માંનવે કરેલી પહેલી મોટી શોધ છે. તું તે જાણે છે પણ એ સ્વીકારી નથી શકતો કારણ કે તેની શોધ પુરુરવાએ કરી છે. પણ માત્ર તે કારણે અગ્નિની શોધને ઠુકરાવી ના શકાય.”

“તમારે સૌએ તેનો સ્વીકાર કરવો હોય તો કરો. પરંતુ મારૂ તો માનવું છે કે અગ્નિની ખામીઓ ઘણી છે. અગ્નિ એ માનવના પતનનું કારણ બનશે. તે વિનાશક છે. તેને લીધે બધુ જ નાશ પામશે. માટે અગ્નિની શોધને ભૂલી જાઓ. અહીં જ તેને અટકાવી દો.”

“ભાર્ગવ”, ક્રોધિત ગુરુના શબ્દો વાતાવરણમાં પડઘાયા,” તારી આ નાદાની માફીને યોગ્ય નથી. તારા આ વ્યવહાર માટે તું મારા શ્રાપનો ભોગ બનીશ. તું ક્યારેય સત્યને- લાભને સમજવા છતાં સ્વીકારી નહિઁ શકે. તું ક્યારેય કશુય નવું શોધી નહિ શકે. તું માત્ર ખામીઓ જ નિહાળી શકીશ. સત્યને જોવાની દ્રષ્ટિ જ તારી પાસે નહીં હોય. “

પુરુરવાએ ગુરુને શાંત કર્યા. તેણે ભાર્ગવ વતી ક્ષમા માંગી અને શ્રાપમાથી મુક્તિનો ઉપાય માંગ્યો.

શાંત ગુરુએ કહ્યું,” જે લોકો કાઇ શોધી નથી શકતા તે જ લોકો અન્યની નિંદા કરે છે. લાભને બદલે ખામીઓ જ શોધ્યા કરે છે. નકારાત્મક જ રહે છે. છતાં જો ભાર્ગવે મારા શ્રાપમાથી મુક્ત થવું હોય તો તેણે કશુક નવું શોધવું પડશે. જ્યારે તે નવી શોધ કરશે ત્યારે તે આ શ્રાપમાથી મુક્ત થશે.”

યુગો વહેતા ગયા. પુરુરવાઓ દરેક યુગે નવી શોધો કરતાં રહ્યા. દરેક શોધ પર ભાર્ગવો ટીકાઓ કરતાં રહ્યા. સમય જતાં તેઓ પણ તે શોધના ગુલામ બની ગયા. પરંતુ, ક્યારેય કશું જ નવું તો શોધી જ ના શક્યા.

ગુરુનો શ્રાપ હજુ પણ પ્રવર્તી રહ્યો છે .

ગુરુના શ્રાપમાથી મુક્ત થવા, “ હે ભાર્ગવો ! કોશિશ તો કરો ! કશુંક શોધી તો જુઓ !”

********