વિષય:- આદીલ કે સાહીલ..??
"તું હમ્મેશ ની જેમ આજે પણ આવ્યો'તો મારા સપનાં માં.." આશકા પથારી માં આંખ ખોલતાં ની સાથે જ આદીલ ને પોતાની તરફ જોઈ રહેલો જોઈ ને તેના તરફ વ્હાલ થી ખેંચાઈ ને બોલી.
"અચ્છા, આજે શું હેરાન કરી મેં તને.." આદીલ આશકા ના વાળ માં લપસ્તા બોલ્યો.
"હેરાન..??
તને ખબર છે ને આદી.. હું હેરાન થવા બની જ નથી. તું કોશિશ કરી શકે, પણ હેરાન નહીં."
"આશી.. તને હેરાન કરી ને હું શું કામ મારા જ પગ પર કુહાડી મારુ અને આમ પણ તને જોઈ ને વ્હાલ જ ઉભરાય.. માત્ર વ્હાલ.. મારી ઝમકુડી.." કહેતાં આદીલે આશકા ને પોતાની બાહો માં જકડી લીધી. આશકા ઝબકી ને જાગી ગઈ. આજે ફરીવાર આદી નું સપનું.. આશકા એ પોતાના હામ્ફેલા શ્વાસ ને લાઈનબદ્ધ કર્યા. ખૂબસૂરતી વધારી રહેલા પરસેવા ના બુંદ ને રીજેક્ટ કરતાં તેણે બાજુ માં સુતેલા સાહીલ પર એક નજર નાંખી. લગ્ન ને એક વર્ષ થવા આવ્યું હોવા છતાં પણ આશકા હજુ આદીલ ને ભૂલી નહોતી શકી. આશકા રીતસર ની રડી પડી. તેનું મન આદીલ ને બાંગો પોન્કારી રહ્યું હતું. કેમ આટલો પ્રેમ કરું છું હું તને આદી.. મને ત્યારે પણ ખબર હતી કે તું મારો ક્યારેય નથી થવાનો.. અને આજે પણ ખબર છે કે મારા જીવન ની હકીકત ક્યારેય મને તારા સુધી નહીં પહોંચાડે.. તો પણ આટલો પ્રેમ કેમ જન્મે છે આદી.. જેટલી તારા થી દૂર જવાનો પ્રયત્ન કરું છું ને હું તારા માં વધુ ને વધુ ગૂંચવાતી જાઉં છું.. સાહીલ ખુબ જ સારો પતિ અને દોસ્ત છે પરન્તુ મારે તો પ્રેમી જોઈએ છે આદી.. જે મને જીવાડી શકે, મારા વિચારો ને જીવાડી શકે.. સાહીલ મારી ઘણી કાળજી લે છે પરન્તુ એ પ્રેમ એ હૂંફ એ વ્હાલ એ રમતિયાળ શબ્દો અને પછી છેલ્લે વધુ પ્રેમ મેળવવા ના બહાને રીસાઈ જવું.. હવે એ બધું જ જાણે પાછળ છૂટી ગયું છે આદી.. મારા એવા ઘણા વિચારો છે જે સાહીલ સમજી જ નથી શકતો ત્યારે મને નાં છુટકે તું યાદ આવી જાય છે આદી.. હું ગમે તેટલો પ્રયાસ કરું તારા થી દૂર જવાનો તને ભુલાવવા નો પરન્તુ એ શક્ય જ નથી બનતું કારણ કે મારા એક એક શ્વાસ જોડે તું જોડાયેલો છે આદી.. અને તે મારા માટે લખેલી નાનકડી કવિતા..
'આશકા વહે છે તારા શ્વાસ
જ્યારથી મારા માં
ઘણીવાર
ધડકવાનું ભૂલી જાય છે
મારુ આ 'દીલ'
હવે તું જ કહે
મારી રાધા
તારા શ્વાસ ત્યજું
કે
ધડકવાનું..??'
જયારે પણ યાદ આવે ને આદી મારું હ્રદય રીતસર નું રડે છે તારી પાસે આવવા માટે..આઈ લવ યુ આદી.. આઈ લવ યુ સો મચ..
"આશી.. શું વિચારે છે તું..??" આદીલે આશકા ને પોતાની બાહોપાશ માંથી મુક્ત કરતાં પૂછ્યું
"હનઅ..???"
"ક્યાં ખોવાઈ જાય છે તું..??"
"આદી.. મારે તારી પાસે જ રેહવું છે.. ક્યાંય નથી જવું આદી.. ક્યાંય.. સાહીલ પાસે પણ નહી.." આશકા લપાઈ ને તેની છાતી માં સન્તાઈ ગઈ.
"અરે આશી...શું થઈ ગયું છે તને..?? અને આ સાહીલ કોણ છે..??"
"મારો પતિ.."
"શું બકે છે યાર તું..? હજુ ઊંઘ માં છે કે શું..?? આમ મારી સામે જો.. તો.."
"આદીલ.. ગુડ મોર્નિંગ.. જાગ હવે ચલ તારે મોડું થશે.." આશકા એ તેને ઢંઢોળ્યો. આદીલ વીજળી ની ગતિ એ બેઠો થઈ ગયો. તેના મોં પર ની રેખાએ અને પરસેવા એ આશકા ને પ્રશ્ન પૂછવા કહ્યું,
"શું થયું આદી..?? કેમ પરસેવા થી ખરડાયેલો છે..?? એ.સી પણ ઓન છે.."
"તું સાચે જ સાહીલ પાસે જતી રહીશ..?"
"આદી એજ મારું સત્ય છે.. મારે ત્યાં જવું જ રહ્યું."
"નાં જા આશી.. મને આમ નોંધારો મૂકી ને.. નહીં જીવી શકું હું.."
"આદી, મેં ઘણી રાહ જોઈ તારી.. તું વાસ્તવિકતા ને જીવી જ ના શક્યો.. આજે પણ તું એજ કરી રહ્યો છે."
"હવે સાહીલ જ મારું સર્વશ્વ છે આદી.." ડૂંસકાં નો અવાજ સાંભળી ને સાહીલ એકદમ જ અધૂરાં સ્વપ્ને જાગી ગયો. બાજુ માં બેઠી બેઠી આશકા રડી રહી હતી. સાહીલે બેઠા થઈ ને પ્રેમ થી તેનો હાથ પોતાનાં હાથ માં લેતાં કહ્યું,
"આદીલ ને મીસ કરે છે ને.." સાંભળતાં જ આશકા ના આંસુ થમ્ભી ગયાં. તેણે આશ્ચર્ય થી સાહીલ સામે જોયું તે કશું જ ના બોલી શકી.
"જો છેલ્લાં બે વર્ષ થી આવતાં સપનાં નો ક્રમ હજુ પણ યથાવત હશે તો હું સો ટકા સાચો છું." આશકા માત્ર પ્રશ્ન ભરી નજરે જોઈ જ રહી
"હા, આશકા.. મને છેલ્લાં બે વર્ષ થી વાસ્તવિક સપનાં ઓ આવે છે. મને પણ નથી ખબર તું વિશ્વાસ કરીશ કે નહીં પરન્તુ તારાં સાથે ના લગ્ન થી લઇ ને આજ સુધી માં કરેલી દરેક વસ્તુ સપનાં પછી ની હકીકત છે. પરન્તુ હવે હું મારા આ સપના ને વાસ્તવિક કરવા નથી માંગતો આશકા.. તારાં મનોમસ્તિષ્ક પર માત્ર ને માત્ર આદીલ રાજ કરે છે ને.. હું ખુદ તને કાલે આદીલ પાસે લઇ જઈશ અને એને સોંપી દઈશ.." સાંભળી ને આશકા બાઘા ની જેમ જોતી જ રહી તેના આંસુ સુકાઈ ગયાં. તેને શું પ્રતિસાદ આપવો કંઈ જ સમજાયું નહીં.
આખી રાત વિચારો અને વાંહો ઘસ્યા બાદ સવાર પડતાં ની સાથે જ બન્ને આદીલ પાસે પહોંચ્યાં. આશકા ને મૂકી ને કંઈ જ બોલ્યાં વગર સાહીલ ત્યાંથી નીકળી ગયો. આખરે તેને ખબર હતી બીજા દીવસે સવારે ફરીવાર આશકા તેની પાસે જ આવવાની હતી.