Shikshanna sambharna in Gujarati Comedy stories by Jasmin Bhimani books and stories PDF | શિક્ષણના સંભારણા

Featured Books
Categories
Share

શિક્ષણના સંભારણા

શિક્ષણના સંભારણા

નથુરામ શર્મા જેવા વિદ્વાન માણસ જે ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા એવા નાનકડા જુનાગઢ જિલ્લાના લિંબુડા ગામમાં મારો જન્મ થયો હતો. મામાના આગ્રહ્નાનાં લીધે જ પપ્પાએ મામાના ગામમાં માધ્યમિક શાળામાં ઇગ્લીશ અને P.T. શિક્ષક તરીકે નૌકરી પસંદ કરી હતી. મામાના ગામમાં જ રહેવાનું હોવાથી આખા ગામનો હું ભાણો ! એકનો એક દિકરો, આખા ગામનો લાડકવાયો અને પપ્પા માસ્તર હોવાને લીધે આખુ બાળપણ તોફાન અને મસ્તીમાં જ વિત્યુ હતુ.

જે ઘરમાં કોઇ શિક્ષક હોય તે ઘરના છોકરાઓ પ્રત્યે સમાજની અપેક્ષા થોડી વધુ પડતી હોય છે એટલે જ ગામના લોકો એવું કહેતા કે “ માસ્તરનો સોકરો હોશિયાર હોય એમા શું નવાઈ!” હું પણ પહેલેથી જ ભણવામાં ખુબ હોશિયાર હતો પણ વાંચવામાં લેસન કરવામાં સાવ ડાંડ! આજે પણ મમ્મી-પપ્પા એમ કહે જો તે રમત-ગમત, મસ્તી મજાકને રખડવા તથા ભાયબંધો પર થોડુ ઓછુ ધ્યાન આપીને ગંભીરતા થી ભણવા પર ધ્યાન આપ્યુ હોત તો આજ તું ડોકટર હોત. માત્ર ચાર માર્કસ ઓછા આવવાનાં લીધે હું ડોકટર ના બની શક્યો પણ એનો મને કોઇ જ રંજ નથી . અલબત એન્જીનિયરીંગના પહેલા એક માસ પછી ડેન્ટલમાં એડમીશનનો લેટર પણ આવ્યો હતો પણ મને હંમેશા લાગતું કે ડોકટર બનવા માટે રોજ સોળથી વીસ કલાક પોતાની બધી જ હોબીઓ છોડીને વાંચન પર ધ્યાન આપવું પડે એટલે મેં દાંતના દાકતર બનવાનો ઇન્કાર કર્યો ;)

પિતાશ્રી શિક્ષક હોવાના લીધે બાળમંદિર તથા પ્રાથમિક સ્કૂલનાં બધા શિક્ષકોને ભલામણ પહેલેથી જ કરી દીધેલી કે મારા છોકરાનું ધ્યાન રાખજો. બાળમંદિરમાં નાસ્તો, રમકડા અને રમત ગમતોના લીધે મજા પડતી અને મને રસ પડ્યો, પણ જ્યારે ચોપડાનો ભાર લદાયો ત્યારે ટેન્શન વધ્યું. પહેલા ધોરણના ભણવાના સમયે મારી નવી નકોર સ્ટીલની ટકડી લઇ હું ભાગી જતો ત્યારે એક તરફથી મમ્મી વેલણ લઈ અને એક બાજુથી મામાનો છોકરો ગામની બીજી બાજુથી શોધખોળ કરી મને પકડી પાડતા અને ધરાર સ્કૂલે મોકલતા. ભણવામાં હંમેશા પહેલો નંબર આવવા છતા મારા બેફિકર અને મસ્તીખોર સ્વભાવને લીધે હું હંમેશા સ્કૂલરૂમને ખૂણામાં ટેકો દઈ છેલ્લે બેસતો જે ક્રમ કોલેજ સુધી જાળવી રાખ્યો! સ્કૂલમાં તે સમયે બેન્ચો નહતો નીચે જ બેસવું પડતું. કદી મોનિટર ના બન્યો મને એ બધુ બોજ સમાન અને જવાબદારી ભર્યું લાગતું. પ્રાથમિક શિક્ષકો કમને પપ્પાની શરમથી ક્યારેક જ મારતા, નહિતો પપ્પા શિક્ષક છે એટલે તને જવા દઉં છું એમ કહી ને છોડી મુંકતાં.

પહેલા ધોરણમાં એકડા શિખવાડતા ત્યારે હું ચોગડે ચાર પછી છગડે છ જ બોલતો ! પાંચડો યાદ જ ના આવતો , થેન્કસ ટુ મમ્મી કે જેણે આટલી ઉંમરમાં પહેલી વખત તે દિવસે લમધાર્યો ત્યારે જઈને પાંચડો ચોગડા અને છગડાની વચ્ચે ગોઠવાણો! ૧ થી ૭ ધોરણ સુધી ત્યારે સ્કૂલમાં વિષયવાર માર્કસ ન આપતા પણ ક્લાસમાં કેટલામો નંબર આવ્યો એ જ કહેતા. જેમાં હું હંમેશા પ્રથમ નંબરે જ રહેતો, પપ્પા પ્રિન્સીપાલને મળી મારા પેપરો તપાસી જેમાં ઓછા માર્કસ આવ્યા હોય એ વિષયનું વાંચન ફરજિયાત કરાવતા. જેવું વેકેશન શરૂ થાય તે જ દિવસથી હું મારા જુનાગઢ રહેતા મામાને ઘરે ઉપડી જતો.

પ્રાથમિક શિક્ષણમાં રોજ શાળાએથી તોફાનોની ફરિયાદ આવવાના લીધે પપ્પાએ વિચાર્યુ કે જો આ માધ્યમિક શાળામાં મારી પાસે ભણશે તો મને પણ નહી ગાંઠે! કોઇ મારા સહ્શિક્ષકની મસ્તી કરશે તો અમારે સ્ટાફમાં મનદુખ થશે .આના લીધે ભારે લાડકોડ્થી મમ્મીની અસહમતી હોવા છતા એકના એક છોકરાને ગામથી ૬૦ કી.મી. દૂર બોર્ડિંગ સ્કૂલ ધોરાજીમાં ૮ થી ૧૨ ધોરણનો અભ્યાસ કરવા મુકી ગયા. ત્યારેના સમયે ધોરાજીની એ.ઝેડ.કનેરિયા સ્કૂલ અને વેલજી વશરામ પટેલ બોર્ડિંગનું શિક્ષણ ગુજરાતભરમાં પંકાયેલ હતું. એ સમયે પણ પ્રવેશ પરિક્ષા લેવાતી જેમાં હું કદાચ ત્રીજા નંબરે ઉતીર્ણ થયો એટલે ત્યા બોર્ડીંગમાં રહીને અભ્યાસ કરવાનો મને મોકો મળ્યો. ત્યારે મને ખબર નહોતી આ એજ જગ્યા છે જ્યાં મારો શિક્ષણ જ નહિ પણ સર્વાંગી વિકાસ થશે!

જેમ જેમ બોર્ડિંગનાં દિવસો વિતતા ગયા એમ એમ મને એવું લાગવા મંડ્યુ કે શિક્ષણ એટલે માત્ર શાળામાં પહેલો નંબર લાવી સારા પ્ર્રોફેશનમાં જઈ ખુબ પ્રતિષ્ઠા કમાવું એટલું જ નહી પરંતુ શિક્ષણ એટલે ભણતર સિવાયનાં પાસામાં પણ પારંગતતા લાવવી. આ બધુ બોર્ડિંગમાં મને આશાનીથી મળી ગયું સવારના પાંચ વાગ્યે ઉઠવાની સૂચના આપવા માટેનો બેલ સંભળાતો…,બ્રસ કરી ખાખી ચડ્ડી , સફેદ સ્પોર્ટસશૂઝ અને અરધી બાયનું ગંજી પહેરી શિસ્તબધ્ધ મેદાનમાં ચાર ગ્રુપ પાડેલા હોય એમાં આપણા જ ગ્રુપમાં ઉભા રહીને ઠુઠવાતા પ્રાર્થના બોલવી! ત્યારબાદ પાંચેક કિલોમીટર જેટલું જોગીંગ કરવું દોડવું , ત્યારબાદ ન ભાવવા છતા એક પવાલું દૂધ અને સાંજની વધેલી ભાખરી ખાવી (જો આ ના ખાય તો ૧૨ વાગ્યા સુધી ભુખ્યા રહેવું પડતુ એ ટાઇમમાં ઘરેથી લાવેલ નાસ્તો વધારે સમય ન ટકતો) ૮ વાગ્યાની આસપાસ નાહવું તથા જાતે જ કપડા ધોવા, લેસન કરવું વગેરે પ્રવૃતિઓ કરવાની રહેતી.

પહેલા વર્ષે આઠમાં ધોરણમાં સાબુથી માથું ધોવાની અણઆવડતના લીધે ઘણી વખત સાબુ માથામાં રહી જતો જેના કારણે માથામાં ટોલા પડતા. વાળ ઓળીએ તો પણ કાંસકામાં ચડી આવે એટલા ટોલા!! આ ટોલાઓના નિકાસ માટે તે જમાનામાં ઔષધીઓનું શંસોધન નહોતુ થયુ. પણ બે-ત્રણ મહિને જ્યારે શનિ-રવિ કે કોઇ રજાના કારણસર ઘરે જવાનુ થતુ ત્યારે મમ્મી આખી રાત ટોલા વિણતી!! અને કઈ રીતે ન્હાવું એનો બોધપાઠ પણ આપતી. મારા માનસપટ પર હજી એ દ્રષ્ય તાજા છે કે જ્યારે ઘરથી વેકેશન કે રજા પૂરી થતા હું બોર્ડિંગમાં પાછો જતો તે દુખ કોઇ પિયરથી સાસરે જતી પરણિત સ્ત્રીના દિલની વેદના કરતા કમ નહોતુ. હું રડતો મમ્મી પણ આંસુ સારતી…પપ્પા મક્કમ થઈ મમ્મીને કહેતા “ હાલ હવે સવાર ના ૬ ને ૨૦ થઈ બાંટવા-ધોરાજી બસ આવતી જ હશે , બધુ યાદ કરીને ભરી દિધુને ? હું આને એકલો પાદર મુંકીને આવુ તું કામ કર” રસ્તામાં પપ્પાનાં આંખોના ખુણા ભીના થતા મેં જોયા હતા પણ ઘરથી પાદર સુધી સુનમુન અમે પહોંચી, તે મને બસમાં બેસાડી બાજુની સીટના કે જે ધોરાજી જતા હોય એવા પ્રવાસીને આજીજી કરી મને ધોરાજી ત્રણ દરવાજે ઉતારવાનું કહી, પહોંચીને તરત જ પોસ્ટકાર્ડ લખવાની સલાહ આપી બસ જ્યારે ઉપડે પછી જ જતા! હું પણ એનો કહ્યાગરો સુપુત્ર જેવો બોર્ડિંગના દરવાજા પાસે પહોંચુ એવો જ પહેલેથી જ લખેલ પોસ્ટકાર્ડ્ને લાલ પેટીમાં પધરાવીને જ બોર્ડિંગમાં પ્રવેશ કરતો. ( મને ટપાલ લખવાની હંમેશા આળસ થતી એટલે ફ્રી પડતો ત્યારે એક જ ફોર્મેટની “હું સકુશળ પહોંચી ગયો છું અને મારી કોઇ પણ જાતની ચિંતા કરતા નહી એવી તૈયાર સ્ક્રીપ્ટની ટપાલમાં જે તે દિવસની તારીખ નાંખી પોસ્ટ કરી દેતો) . ઘરેથી આવ્યા પછીના શરૂઆતનાં બે-ચાર દાહ્ડા નિરસ ગુજરતા.

પ્રાતઃવિધી તથા લેસન વાંચન પૂર્ણ કરી ૧૧ થી ૧૧;૩૦ વચ્ચે જમવાનો બેલ પડતા જ બોર્ડીંગ્નાં ત્રણેય માળે અને ૪૮ રૂમો માંથી જલારામ બાપાની જગ્યામાં હરિહરનો સાદ પડેને ભુખ્યા બાવાનું ધણ તુટી પડે એમ આશરે ૨૫૦ જેટલા છોકરાઓ થાળી વાટકા અને ચમચી વગાડતા તુટી પડતા! રસોડાની નજીક બેસવાથી ગરમ રોટલી અને ગરમાગરમ કઠોળ (બપોરે ૫ વર્ષ સુધી રોજ કઠોળ જ ખાધા) ખાવાની લહાયમાં રીતસરની પહેલા બેસવાની હોડ જામતી. જમવા બેસવાની લોબીમાં સામેની દિવાલ પર લખેલ સુવિચારો ૨૫ વર્ષ પછી પણ યાદ છે! ** પેટને પુંછીને જમો જીભને નહિ ** અનાજ નો બગાડ એ માનવ દ્રોહ છે ** જમીને થાળીઓ જાતે જ રાખ અને ડિટરજન્ટ પાવડરમાં સાફ કરવાની થતી , એ બાજુ જવાનાં રસ્તે જ ગૃહપતિજી ડઢાણિયા સાહેબ ઉભા રહેતા અને જે કોઇની થાળી માં કઇ વધ્યું હોય તો ધમાકાવી ત્યા જ બેસાડીને ધરાર થાળી સફાસટ કરાવતા. એનો ફાયદો એ થયો કે આજ પણ થાળી માં જેટલું જરૂરી હોય એટલું જ લેવાની ટેવ પડી. કોઇની થાળી માં કોઇ વસ્તુ વધેલી જોઉ તો આજ પણ ચિડ ચડે.

બપોરે ૧૨-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધીનો ૮ થી ૧૦ ધોરણમાં સ્કૂલ ટાઇમ હતો, ૧૧ અને ૧૨ ધોરણ વાળા વિધ્યાર્થીનો સ્કૂલસમય ૮-૦૦ થી ૧-૦૦ નો હતો. બપોરે જમીને બધા સફેદ શર્ટ અને આર્મી બ્લૂ કલરનાં સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ ધજ્જ થઈને હાથમાં જેતે પિરિયડ પ્રમાણેનાં ચોપડા ઉલાળતા ૧૦૦ ફૂટ જ દૂર એવી સ્કૂલમાં પહોંચી જતા. કોઇપણ બુધ્ધિનો લઠ્ઠ પણ બોર્ડિંગના વિધ્યાર્થીઓ અને શહેરમાંથી આવતા વિધ્યાર્થીઓ વચ્ચેનો ફરક અમારા લઘર વઘર વાળ , ઇસ્ત્રી કર્યા વગરના મેલાઘેલા જાતે જ ધોયેલા કપડા, ફાટેલા, બટન વગરના શર્ટ, ગોઠણથી કે પાછળથી ફાંટેલા પેન્ટ કે કોલરની અંદર ભરાવેલ નેપકીન ( કોલરની અંદર નેપકીન એટલા માટે રાખતા કે શર્ટનાં કોલર કાળા નાં થાય અને હાથ કે ગરમી લુંછવામાં પણ કામ આવે) અને પગમાં સ્લિપર, ચપ્પ્લ કે પીટીનાં સ્પોર્ટસ શુઝ જે હાથવગુ હોય ઇ પહેરતા! ( સ્કૂલ માત્ર બજરંગ શાળા હતી આઇ મીન ‘નો છોકરીઓ’ …એટલે કદાચ અમે લોકો એટીકેટીમાં ફરતા નહી) . બોર્ડિંગનાં વિધ્યાર્થીઓ આ બધી બાબતોને લઇને શહેરી વિધ્યાર્થીઓ કરતા નોખા તરી આવતા… પણ હા અમે ભણવામાં ચોક્કસ શહેરી વિધ્યાર્થી કરતા આગળ રહેતા!! બુધવારે યુનિફોર્મ ઓફ દિવસ હોય અમે યુનિફોર્મને નિરમા પાવડરમાં આખી રાત પલાળીને સવારે ચોખ્ખા પાણીમાં છબછબાવીને જોરથી આટીઓ વાળી, જાટકીને સુકવી નાંખતા! મને ત્યારે એમ જ હતું કે કપડા આમ જ ધોવાય! ( તે જમાના માં એરિયલ ડિટર્જન્ટની શોધ નહોતી થઈ )

બપોરે સ્કૂલની શરૂઆત વર્ગ પ્રમાંણે સ્કૂલ પટરાંગણમાં પાથરેલી રેતીમાં બેસીને પ્રાર્થના કરવાથી થતી . ( આ સમયે ઉપરોક્ત બતાવેલ નેપકીન રેતીમાં બેસવા માટે કામ આવતુ ) પ્રાર્થના પછી રોજ નિયમીત પ્રેરક પ્રસંગ સારા શુધ્ધ ઉચ્ચારુ છોકરાઓ દ્વારા માઇક પરથી બોલાતો. ( અત્યારે ક્યાંક ગાંધીજી , વિવેકાનંદજી , અબ્રાહમ લિંકન કે આઇન્સ્ટાઇનના જીવનનાં કોઇ પ્રસંગ વાંચીએ કે સાંભળીએ ત્યારે એવું લાગે કે આ બધું તો અમે ૧૩-૧૭ વર્ષની ઉંમરે જ સાંભળ્યુ હતુ ) રાષ્ટ્રગીતથી પ્રાર્થનાની પુર્ણાહુતિ થતી અને બધા પોતપોતાના ક્લાસમાં ગોઠવાતા. હું હંમેશા છેલ્લી પાટલીએ જ બેસતો.

ગુજરાતભરમાં જે સ્કૂલ ભણવા માટે પ્રખ્યાત હોય એ સ્કૂલનાં શિક્ષકોનું તો કહેવું જ શું!! ગુજરાતીના અમારા શિક્ષકની જમણા હાથની પહેલી આંગળી અડધી કપાયેલી હતી એટલે જ્યારે એ જમણા હાથની આંગળીઓ બતાવીને કહેતા કે ઋતુઓ કેટલી હોય ? ત્યારે પાછળની બેન્ચ પર સાહેબને દેખાય નહી એમ હું બોલતો “અઢી!!” આખા ક્લાસ માં હાસ્યનું મોજુ પ્રસરી જતું! અમે આ શિક્ષકનું ડુગલી એવુ નામ પાડ્યું તું. કારણ કે જ્યારે એ કોઇ પણ વિષય-વસ્તું સમજાવતા હોય ત્યારે તેનું આખું શરીર લોલકની જેમ ડોલતું!!

ફિઝીક્સ વિષય અમને ભાલોડિયા સાહેબ ભણાવતા એનો દેખાવ જ વૈજ્ઞાનિક જેવો હતો , બધા વાળ સફેદ, મોટા કરોડો નંબરવાળા ચશ્મા, ઘોઘરો અવાજ વિષયમાં જ રચ્યા પચ્યા રહેવાનાં એના વલણથી બીજા શિક્ષકો કરતા એ અલગ જ તરી આવતા. એની પર્સનાલિટીનાં લીધે જ કોઇ એની મજાક-મસ્તી કરવાની હિંમત ન કરતું, પરંતુ એને ફીઝીક્સ સિવાયના વિજ્ઞાનના સિલેબલ્સ બહારનાં બીજા વિષય વિષે વાત કરવાની હમેંશા ઉત્કંઠા રહેતી. જ્યારે અમને લોકોને એના પિરીયડ દરમિયાન કંટાળો આવતો ત્યારે અમે બ્લેક હોલ, બરમુડા ટ્રાયેંગલ, આઇન્સ્ટાઇન, E=MC(Suqare), એવું બબડતા....બસ પત્યું , વિષય અને ભણતરને કોરાણે મુકી ઉપરોક્ત ચોપડી બહારના મુદા પર એના સમગ્ર જ્ઞાનને અમારી સામે નીંચોવી નાંખતા...ક્યારે પીરિયડ પુરો થઈ જાય એ પણ ખબર ન પડતી!!

હિન્દી વિષય અમારૂ ડઢાણિયા સાહેબ લેતા, એમનો પરિવાર ગામડે રહેતો અને પોતે અમારી સાથે બોર્ડિંગમાં રહેતા. બેઠી દડીના ૧૦૦ કિલો આસપાસના વજનનાં, N.C.C. ના ઉચ્ચ સ્થાને શોભાવતા અને શખ્ત કસરતનાં કારણે કસાયેલ ભારે શરીરના, પહાડી અવાજવાળા ડઢાણિયા સાહેબ મારા ગુરૂશ્રેષ્ઠ હતા. એનો એવો નિયમ કે જ્યારે પિરીયડ લેવા ક્લાસમાં પ્રવેશે ત્યારે ડાબી બાજુનાં ખુણામાં બ્લેકબોર્ડ પર ત્રાસા અક્ષરમાં "हिन्दी" એવું લખતા. લખતા લખતા સફેદ ખાદીનાં રૂમાલથી પોતાનો ચહેરા પરનો પરસેવો લુંછતા રોજ પુછે "શું ચલાવવાનું છે આજ ?" ...ત્યારે હું નીચી મુંડી કરી બોલતો "હિન્દી!!".....અને એનો મગજનો પારો આસમાને ચડી જતો અને બરાડતા " ગાંગડાવ એ તો મને પણ ખબર છે કે હિન્દી જ ચલાવવાનું હોય ...પણ કયો પાઠ ચલાવવાનો એ તો બકો " બધા સુનમુન થઇ બેસી રહેતા. એની વકતવ્યની છટ્ટા અને વિષયવસ્તું પરની પકડ અને છણાવટ આજ સુધી મેં કોઇમાં જોઇ નથી એવી હતી અને છે!!! તેમને હું આજે પણ મારા લાઇફ ચેન્જર અને ગુરૂ માનું છું, એવી એક પણ ગુરૂપુર્ણિમાં આજ સુધી ગઈ નથી કે મેં એને એ પવિત્ર દિવસે ફોન કરીને આશિર્વાદ ન લીધા હોય. નવાઇ તો એ વાત ની લાગ છે કે આ એજ શિક્ષક હતા જેમણે ૮ થી ૧૨ સુધી મને ખુબ ધમકાવ્યો, જાહેરમાં હાંસીપાત્ર બનાવ્યો, ઇગ્નોર કર્યો!! એમણે ક્યારેય એ જાણવાની કોશિષ પણ ન કરી કે હું સ્કૂલમાં હંમેશા ૧ થી ૩ નંબરે જ આવતો. રોજ બોર્ડિંગમાં આખો દિવસ તોફાન મસ્તી કરતો જ જોતા, એમણે ક્યારેય મારા હાથમાં ચોપડી જોઇ નહી હોય!! બારમાં સાયન્સનાં અગત્યનાં વર્ષે પણ હું આખો દિવસ ધિંગા-મસ્તી કરતો, ક્રિકેટ વોલીબોલ ને બીજી રમતો રમતા એ મને જોતા! એ અવારનવાર કહેતા કે " જસ્મીન તું બારમાં નાપાસ થઈશ" હું પણ હસ્તા મોઢે નીચુ જોય એને કોન્ફીડન્શથી કહેતો " સર, બારમાંના રિઝલ્ટની પહેલી કોપી તમને આપીશ" બારમાં ધોરણમાં ૭૮% આવ્યા તા ;). બોર્ડિંગમાં જ રહેવાના કારણે ડઢાણિયા સર અને મારો ભેટો દિવસમાં ૪-૫ વખત તો થતો જ, કડક સ્વભાવના હોવા છતા એણે ક્યારેય કોઇ વિધ્યાર્થી પર હાથ ઉપાડ્યો નહોતો, ૨૫૦ જેટલા વિધ્યાર્થી ઓ સામે માત્ર એની કટાક્ષ કે વ્યંગબાણ જ મારવા કરતા પણ અસહ્ય લાગતા...એટલા બધા અમારી વચ્ચેના કિસ્સા છે કે આખી બૂક લખાઇ જાય!! મને ગમતા એક બે કિસ્સા અત્રે રજુ કરૂ છું. ડઢાણિયા સાહેબનું સરકાસમ (ક્ટાક્ષ) જોરદાર હતું. બોર્ડીંગમાં ભણ્યા હશે એને બોર્ડીંગની વંડી ઠેકી છાનુમુના પિકચર જોવા જવાનુ કે બહારનો નાસ્તો કરવા જવાના આનંદથી અજાણ નહી જ હોય... અમે પણ એક શર્દ રાતે અમુક મિત્રો ઘોરાજીની એ બ્લુ સ્ટાર ટોકીઝમાં “શોલે” પિક્ચર જોવા ઉપડ્યા ...અમને ખબર નહોતી કે અમારા ફિલ્મ શોખીન ગૃહપતિ પણ તે દિવસે ફિલ્મ જોવા આવશે! અમારૂ ધ્યાન નહોતુ પણ એણે અમને જોઇ લીધા. સવારે અમારા નામના વોરંટ આવ્યા ને ઓફિસનું તેડુ! અમે બધા નિર્દોષ હોવાનો ડોળ કરતા લાઇનબધ્ધ ઓફિસમાં નીચી મુડી કરી ઉભા રહ્યા, સાહેબે પ્રેમથી પુછ્યુ "કાલે રાતે કેટલા વાગ્યા સુધી વાંચ્યું ? " "સર ૧૧ વાગ્યા સુધી વાંચી ...પેલો ઉંઘ પહેલા બોલવાનો સંસ્કૃત શ્લોક બોલી સુઇ ગયા હતા" મેં બનાવટી સ્મિત પ્રકટાવી કહ્યુ ગૃહપતિજી ખંધુ હસ્યાને એની આગવી છટ્ટા થી બોલ્યા " જબ હમ નહિ સુધરેં હે તો તુમ કયા સુધરોગે હેંઇઇઇ " એ કયારેય મારતા નહી પણ એના આવા કટાક્ષના ઉજરડા ૨૦ વર્ષ પછી આજેય શિયાળામાં કવે છે! સ્પોર્ટસમાં હમેંશા મોખરે રહેવાનાં કારણે બોર્ડિંગમાં મને વ્યાયામ ટીમનો લિડર બનાવવામાં આવ્યો! મારા લિડરશીપની શરૂઆત જ રોજ સવારના ૫ વાગ્યેનાં દિવસ ઉગતા જ થતી . શિયાળાની એ કડકડતી ઠંડીમાં ચડી-ગંજીને સ્પોર્ટસ શુઝ પહેરીને પાંચેક કિલોમીટર જેટલું રોજ્જે દોડવાનું ! સવારે વહેલા ઉઠવાની મને આજે પણ તકલીફ પડે છે. જો મારે સવારે ૪-૫ વાગ્યે ક્યાંક વહેલા ઉઠીને ટ્રેન કે બસ પકડવાની હોય તો સુઇને વહેલા ઉઠવા કરતા હું આખી રાત જાગુ!!! સવારના ૫ વાગ્યે એ કડકડતી ઠંડીમાં ઉઠીને પ્રાર્થનામાં જવાનો મને ખુબ કંટાડો આવતો. ABCD એવા ચાર ગ્રુપમાં વિધ્યાર્થીઓનું ઇન થ્રી ( ત્રણ ત્રણ વિધ્યાર્થીઓ ની લાઇન ) કરી બોર્ડિંગના પટણાંગણમાં બધાને ઉભા રખાતા. આ દરેક ગ્રુપના એક એક લિડર હોય અને મુખ્ય લિડર તરીકે હું સેવા બજાવતો. પ્રાર્થના પહેલા નિયમ એવો હતો કે દરેક ગ્રુપના પેટા લિડરો જે તે ગ્રુપની નિશ્વિત હોય તે સંખ્યા ગણતા. ABCD ચાર ગ્રુપનાં વિધ્યાર્થીઓ મેદાનમાં લાઇનબધ્ધ ઠુઠવાતા શરીરે ઉભતા અને પેટા લિડરો , હું અને ડઢાણિયા સાહેબ એમની સામે લાંબા નાનકડા ઉંચા સ્ટેજ પર ઉભા રહેતા. વિધ્યાર્થીઓની સંખ્યાની ગણત્રી પુરી થયા બાદ પ્રાર્થના અને રાષ્ટ્રગીતનું ગાન થતુ. ક્યારેક બેલ મોડો વાગવાના લીધે કે પ્રાર્થનામાં મોડુ થવાના લીધે સંખ્યા ગણવા પહેલા ડઢાણિયા સાહેબ પોતાની કાંડા ઘડિયાળ જોઇ એટલું જ બોલતા “ જસ્મીન આવી ગ્યો ? “ બાજુમાં ઉભેલો હું ઉભા ઉભા ઝોંકા ખાતો જવાબ આપતો “ હાં સાહેબ , અહિયા જ છું !” એટલે એ બધા સામે નજર ફેરવી એટલું જ બોલતા કે “ તો હવે સંખ્યા ગણવાની જરૂર નથી , બધા હાજર જ હશે “ ….. અને આખા મેદાન માં હાસ્યનું મોજુ ફરી વળતુ.
ધોરણ ૧૧-૧૨માં સ્કૂલનો સમય સવારનાં ૭-૦૦ થી ૧-૦૦નો હતો, રાત્રે મોડે સુધી વાંચન તથા જાગરણના લીધે મને ક્લાસરૂમમાં નિંદર આવતી. પહેલો પિરીયડ રોજ ગણિતનો હોય અને અમારા ગોટી સાહેબ કડક સ્વભાવના હતા, આમ પણ મને ગણિત પ્રિય એટલે જોંકા ન આવતા....પણ જેવો પહેલો પિરીયડ પુરો થતો ઇંગ્લીશના બીજા પિરીયડ દરમ્યાન સખત ઉંઘ આવતી...હું બેન્ચ પર આડુ માંથુ નાંખીને સુઇ જતો. અઠવાડીયા સુધી મને ખબર જ ન પડી કે અમારૂ ઇંગ્લીશ કોણ લે છે!! એકાદ અઠવાડિયા બાદ પ્રાર્થના વખતે સ્ટેજ પર ખુણામાં બેઠેલ એક યુવાન ખુબસુરત મેડમને જોઇ મેં મારી બાજુમાં બેઠેલ રમલાને જોરથી ઠોહો મારીને પુછ્યું " રમલા, ઓલી લાલ સાડીમાં હિરોઇન જેવી ખુંણામાં બેઠી ઇ કોણ સે ? " રમલા એ કતરાઈ ને કીધું " ગાંગળા ઇ આપણા હેતલ મેડમ છે, અઠવાડીયા થ્યા આયવા ને આપણું ઇંગ્લીશ લ્યે સે, ક્યાં ધ્યાન હોય છે તારૂ આખા પિરીયડમાં ?" મેં માત્ર સ્માઇલ કરી બોચિયા રમલા સામે આંખ મારી. ( બોચિયો એટલે માત્ર ભણવામાં જ ધ્યાન આપતો બીજી કોઇ ઇતર પ્રવૄતિમાં જેને રસ ન હોય એવો વિદ્યાર્થી ) જિંદગીમાં મને પહેલીવાર મારા નિંદરપ્રેમ પર ધૃણા જાગી, તે દિવસથી મારી સ્કૂલની ઉંઘ પર પુર્ણવિરામ લાગી ગયું અને ઇંગ્લીશ ટીચર પર ...સોરી વિષય પર પ્રેમ જાગ્યો!

P.T. મારો સૌથી પસંદીદા વિષય હતો, મારા પિતા P.T.ટીચર હતા અને નિવૃત થયા ત્યા સુધી સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની ગામમાં નીકળતી પ્રભાત ફેરીથી માંડીને સ્કૂલનાં વિશાળ મેદાનમાં થતા વિવિધ સાંસ્કૃતિક પ્રોગામોમાં આયોજનની અગવાઇ કરતા. મને આજ પણ યાદ છે ૫૫ વર્ષની ઉંમર સુધી તો એ સળગતી રિંગમાંથી કુદવાના કાર્યક્રમમાં પણ હિસ્સો લેતા!! એવી એની સ્ફુર્તિ. દરેક ગેમમાં એની રૂચિ અને આવડત મને વારસામાં જ મળેલી જેથી જ કોલેજકાળ સુધી હું ક્રિકેટ, વોલીબોલ, ચેસ, કેરમ, ફુટબોલ જેવી દરેક આઉટડોર અને ઇનડોર ગેમમાં અવ્વલ રહેતો. કોલેજમાં તો ક્યારેક ક્લાસ ભર્યા જ નહોતા એટલે જ્યારે કોલેજમાં ઇન્ટર ક્લાસ કોમ્પીટીશન માટે ક્રિકેટ ટીમનું સિલેકશન થવાનું હોય ત્યારે મારા ક્લાસનો કેપ્ટન મને ડઘાઇ ને ગ્રાઉન્ડ પર પુછતો "તું અમારા સેમેસ્ટરમાં છે ? , તને કોઇ દિવસ ક્લાસમાં તો જોયો નથી!!" ત્યારે હું કહેતો "આલે મારૂ આઇ કાર્ડ..કેપ્ટન બનવામાં મને જરાકેય રસ નથી એટલે તું અમારી ટીમનો કેપ્ટન છે...નહિ તો તારા જેવા ને મારી ટીમ માં બાયવીકી પણ ના રાખું". P.T. ટીચર ગોવાણી સાહેબને મારી દરેક રમત માં પારંગતતા અને રૂચિનાં લીધે હંમેશા આદર રહેતો.

અમારા પ્રિન્સીપાલ હાંસલિયા સાહેબ એકદમ પ્રોફેશનલ હતા , એ કોઇ વિષય તો અમારો ન લેતા પણ પ્રાર્થના વખતે જ ક્યારેક કયારેક નાનકડું પ્રવચન કરતા, એ પણ કોઇ માહિતી કે સુચના આપવી હોય ત્યારે જ !! તે સમયે પણ વિકાસવર્તુળ ટ્રસ્ટ દ્વારા સામાન્ય જ્ઞાન, વકતૃત્વ સ્પર્ધા, પેઇન્ટીંગ જેવી અવનવી સ્પર્ધાઓ થતી રહેતી. જેમાં અસંખ્ય સર્ટીફીકેટો મળેલ જેનું આજે કોઇ અસ્તિત્વ કે હયાતીના સબુતો મારી આગળ નથી !! આ બધી સ્પર્ધાઓમાં મને ખુબ રસ હતો અને ૧ થી ૩ નંબરો પણ આવતા.

હું મારા શિક્ષકોનો ઉલ્લેખ કરૂ અને એમાં ઉકાણી સાહેબનું નામ આવે ત્યારે ચહેરા પર જોરદાર સ્મિત આવી જાય!! એ અમારૂ બારમાં સાયન્સના મેથ્સનું ટયુશન લેતા. દોઢસો માર્કસના ગણિતની એ સમયે ફી માત્ર ૩૦૦ રૂપિયા હતી. એમના જેવી ગણિત પર પક્કડ અને ટીચિંગ સ્ટાઇલ ગુજરાતભરમાં કે ભારતભરમાં કોઇપણ ગણિત શિક્ષક પાસે નહી હોય. પોતે બાર પાસ પણ નહોતા, બારમાં ધોરણમાં ત્રણ વર્ષ પહેલા જ ફેલ થયેલ પણ ગણિત વિષયમાં ૧૫૦માંથી ૧૪૯ માર્ક્સ આવેલ!! કોઇ પણ મુંજવતો દાખલો એની પાસે લઇ જઈને સમજાવાનું કહીએ એટલે પહેલા તે અમારા સામે એનું એવરગ્રીન હંમેશનાં માટે રહેતું ટીપીકલ સ્માઇલ પ્રગટાવે, પછી એ દાખલો કઈ બુકમાં કેટલામાં પેઇજ પર છે અને એનો જવાબ નોટબુકમાં નીચે લખી પછી જ આખો દાખલોએ રીતે સમજાવતા કે ક્યારેય ભુલાઇ જ નહી!! ( મી. ભીમાણી, ફાધર વાલેસ ના જમણી બાજુના ૪૭માં પાના નંબર પર આ દાખલો છે! પાનું ઉથલાવીશ એટલે ૪૮માં પાના પર આ એનો જવાબ હશે...આવું કહેતા) એની યાદશક્તિ એટલી અદ્ભુત હતી કે સવારે વાંચેલા ૧૫ મીનીટના છાપાની હેડલાઇન ૨૪ કલાક પછી પુછો તો પણ આબેહુબ અક્ષરસહઃ પાના નંબર આપી કહી આપે!! મને યાદ છે અમારો ટ્યુશનનો એ પહેલો દિવસ ...નાનકડા રૂમની ૮ થી ૯ બેન્ચ પર અમે ૧૬ જેટલા બાર સાયન્સના સ્ટુડન્ટસ ગોઠવાયા, રૂમમાં પ્રવેશ કરી એમણે પોતાનો ટુંકો, ચોખ્ખો અને કોઇ પણ બાબત છુપાવ્યા વગર ( હું બાર ફેલ છું એવુ પહેલા જ કહ્યુ!! ) નું ટુંકુ લેકચર આપ્યું. ત્યારબાદ એક પછી એક સોળેય વિધ્યાર્થીઓના પુરા નામ, ગામના નામ, પિતાનાં પ્રોફેશનની જાણકારી મેળવી, ત્યારબાર એક મીનીટ અમારા બધા સામે વારાફરતી જોઇ મનમાં કશુંક બોલતા જતા...એક મીનીટ બાદ એણે એની વિચક્ષણ યાદશક્તિથી અમારા બધાનાં નામ કહી દિધા!! આવા એ વખતના ૧૫ જેટલી ટયુશન બેન્ચનાં ૩૦૦ જેટલા સ્ટુડન્ટસના નામ એમને કંઠસ્ત હતા!! આજ પણ એમની સામે જઈએ તો તરત આળખી કાઢે! એક બેઠકે ત્રણ કલાકના સળંગ ગણિતના ટયુશન છતા પણ એના ક્લાસમાં ક્યારેય કંટાળો ન આવતો. હમઉમ્ર, હોવાનાં લીધે તથા સ્વભાવે મસ્તીખોર હોય જાતજાતનાં કિસ્સા, ટુંચકાઓ, જોક્સ કહીને ફ્રેશ કરી દેતા. મને એનું એક ક્વોટ આજે પણ યાદ છે "કિસ એટલે હ્રદયનું પહોળું થવું અને હોઠનું સંકોચાવું!"દરેક ચેપ્ટર પુરૂ થયે એક સામટી તેમની ૧૪-૧૫ બેન્ચો ના ૩૦૦ જેટ્લા વિધ્યાર્થીઓની ટેસ્ટ લેતા. બોર્ડિંગમાં રહેતા છાત્રો પાસે વ્હિકલ ( તે સમયે સાયકલ જ હતી ) ન હોવાના લીધે બધી ટેસ્ટ અમારી સ્કૂલમાં જ દર રવિવારે રજા હોવાનાં કારણે સ્કૂલ ખાલી હોય લેવાતી. એ સમયે પણ એ એટલા બધા આધુનિક હતા કે દરેક પ્રશ્ન પેપરોનાં નામ અલગ અલગ રમુજ પમાડે એવા કે નજીકના તહેવારોને સંગત રાખતા ( પ્રશ્નો ટનાટન , પ્રશ્નો દિવાળી , પ્રશ્નો હોળી લાઇક ધેટ ) . પ્રશ્નપેપર એક્ચ્યુલ પરિક્ષામાં મળે એ ટાઇમ કરતા પણ ઓછી સમયમર્યાદા રાખતા અને એ સમય નું ચુસ્ત પાલન કરતા..જેવો ટાઇમ પુરો થયો બધાનું પેપર લઈ લેતા. નિયમ બધા માટે સરખો રહેતો. પુરા માર્ક્સ , સુઘડ હેન્ડ રાઈટીંગ , છેકછાક ન હોય એવી ઉતરવહી પસંદ કરી બેસ્ટ ઉતરવહી દરેક ચેપ્ટરની ટેસ્ટ માં સિલેકટ કરતા અને જે વિધ્યાર્થી ની ઉતરવહી પસંદ થઈ હોય એને બેસ્ટ ઉતરવહીનું ૧૦ રૂપિયાનું ઇનામ આપતા. ગણિત મારો ફેવરીટ વિષય હોય હું હમેંશા મારી ઉતરવહી ટાઇમ પહેલા લખીને મારી સામે જ ચેક કરે એવો આગ્રહ રાખતો અને પરિક્ષાખંડમાં જ એને કહેતો કે “ સાહેબ, આયા જ પેપર જોય લ્યો અને માર્ક્સ આપી દ્યો , એકલા જોવો તયે તમે કડા કરો સો…ફુલ સ્ટોપ કે બીજી જીણકીક ભુલોને લીધે મારો અરધો મારક કાપી લ્યો સો , તમે હમેંશા સીટી વારા સોકરાઓ અને સોકરીઓની નાની ભુલો અવગણો સો અને બેસ્ટ ઉતરવહીમાં એ લોકો નું જ નામ આવે એવો આગ્રહ રાખી અમને બોર્ડિંગના વિધ્યાર્થીઓ ને અન્યાય કરો સો “ એની લાલ પેનથી પરિક્ષા ખંડમાં જ મારૂ પેપર ચેક કરી મને પુરા ગુણ આપી પ્રથમ પાના પર “ બેસ્ટ ઉતરવહીમાં તમારૂ નામ છે “ આવું જ્યાં સુધી ન લખે ત્યા સુધી ખસતો નહિ. દરેક પેપર પુરૂ થયા પછી બધા છોકરા છોકરીઓને ગ્રાઉન્ડમાં બેસાડીને આગલના ચેપ્ટરની બેસ્ટ ઉતરવહી , એગ્રીગેટ બેસ્ટ બેન્ચ તથા અવનવા ઇનામો ની જાહેરાત કરતા. બજરંગ દળ જેવી અમારી સ્કૂલમાં છોકરીઓની સામે મોટા ભાગની પરિક્ષામાં બેસ્ટ ઉતરવહીમાં મારૂ નામ સાંભળીને ૧૦ રૂપિયાનું ઇનામ જીતવાનો આનંદ જ અનેરો હતો!! આજે ઉકાણી સાહેબ ટ્યુશન કરતા નથી પણ રાજકોટમાં જ એક પ્રખ્યાત બિલ્ડર છે અને અવારનવાર અમે મિત્રોની જેમ મળીએ છીએ …અને અમારા ભુતકાળના કિસ્સા વાગોળીને મન ભરી હસીએ છીએ. ખરેખર મળવા જેવો માણસ!૫ વાગ્યે સ્કૂલ પુરી થયા પછી ૫-૦૦ થી ૭-૦૦ અમારો રમવાનો ટાઇમ હતો, બોર્ડિંગના જ વિશાળ ગ્રાઉન્ડમાં બધા પોતપોતાની રૂચિ પ્રમાણેની ક્રિકેટ, વોલીબોલ, અને બીજી અવનવી રમતો રમતા. ફરી પાછુ ૭-૩૦ ટકોરે લોખંડનો બેલ ગાજી ઉઠતો અને અમે અમારા થાળી વાટકા ખખડાવતા રોજ્જે બનતું બટેટાનું શાક-ભાખરી, પવાલુ એક દૂધ અથવા છાસ ( બે માં થી એક જ ) આરોગવા લાઇનસર બેસી જતા. પાંચ વર્ષ સુધી બપોરે કઠોળ અને સાંજે બટેટાનું શાક ખાધા પછી આ બે વસ્તુ અપકે પડી ગ્યા!! ભાખરીને ચોરી ( આઇ મીન ભુક્કો કરી ) એમા બટેટા અને ડોલ ના ઉપર ના ભાગ પર રહેલો તીખ્ખો રસો નાંખી ખાવાની મજા જ કઈ ઓર હતી!!ફરી પાછું રાત્રે ૯-૦૦ વાગ્યે સેન્ટર હોલમાં પ્રાર્થના બોલાતી, એ સમયે બધા સ્ટુડન્ટોની સગા-વહાલા દ્વારા આવેલ ટપાલોની વહેંચણી થતી. એ વખતે પરબીડીયા કોઇ મોકલતા નહોતા માત્ર પોસ્ટકાર્ડ જ !! બધી ટપાલો ગૃહપતિશ્રી વાંચતા, જો કોઇ ટપાલમાં અજુગતુ, ક્ષોભીલું લાગે તો બધા વચ્ચે જ જે તે વિધ્યાર્થીનું નામ લઈ એને ધમકાવતા, જાહેરમાં હાંસીપાત્ર બનાવતા. બોર્ડિંગમાં પણ રોજ એક પ્રેરક્પ્રસંગ વંચાતો, ડઢાણીયા સાહેબ દ્વારા પ્રેરક્પ્રસંગનું પોસ્ટમોર્ટમ પણ કરાતું. જેને લીધે હિંમત, પ્રેરકતા અને જ્ઞાન મળતું. પ્રાર્થનામાં જ રોજ એક વિધ્યાર્થી દ્વારા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો પુંછવાનો શિરસ્તો હતો. જેથી નાનપણથી જ જનરલ નોલેજ પાક્કુ થયું તથા ૨૫૦-૩૦૦ લોકોની હાજરીમાં વાંચન અને બોલવાની કળા ખીલી. આમ આખા દિવસના ભારથી ૧૦ વાગ્યે ફરજીયાત લાઇટ બંધ કરીને સુઈ જવું પડતુ.શિક્ષણ એટલે માત્ર ભણતર કે સારા ગુણે પાસ થઈને સારા પ્રોફેશનમાં જવું માત્ર નહિ પરંતુ સર્વાંગી વિકાસ. રમત ગમત, જનરલ નોલેજ, નવા મિત્રો બનાવવા, વકતવ્ય વિકસાવવું, લિડરશીપ કેળવવી, સ્વાવલંબન થવું, જે બધું મને મારી બાળપણથી લઈ ને યુવા થયા સુધીમાં મુક્ત વાતાવરણ મળ્યું. આજના ફાસ્ટ અને કોમ્પીટીશન વાળા યુગમાં માતા-પિતા પોતાના સંતાનોને બારમાં ધોરણમાં હોય તો ઘર બહાર પગ પણ નથી મુક્તા , જાણે પરિક્ષા બાળકોની નહિ પોતાની કેમ ન હોય!! વિધ્યાર્થીઓના આપઘાતમાં કારણરૂપ એક અને માત્ર એક પરિબળ ભાગ ભજવે છે...એ છે પેરેન્ટસની મહત્વાકાંક્ષા. અમારા જમાનામાં પેરેન્ટસો ક્યારેય પણ કોઇ પણ પ્રકારનો ફોર્સ કે અમારા પરત્વે મહત્વાકાંક્ષા ન સેવતા અને અમને અમારી રીતે પ્રોફેશન પસંદ કરવાનું મુક્ત વાતારવરણ આપતા....કાશ આવું મુક્ત વાતાવરણ ફરી પાછુ આવે!!

આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર ( સર જુકાવીને )… જયશ્રી ક્રિષ્ણ.