Tran Hath no Prem - 16 in Gujarati Love Stories by Shailesh Vyas books and stories PDF | Trun haathno prem-ch.16

Featured Books
Categories
Share

Trun haathno prem-ch.16

પ્રકરણ ૧૬

ત્રણ હાથનો પ્રેમ

લેખકઃ

શૈલેશ વ્યાસ

email : saileshkvyas@gmail.com

mobile : 9825011562


સ્વદેશ ગાડી સાણંદ તરફ ચલાવી રહ્યો હતો. સુદર્શના તેની બાજુમાં ચૂપચાપ પોતાના વિચારોમાં ખોવાયેલી બેઠી હતી. બંનેના મનમાં એક જ વિચાર ધોળાઈ રહ્યો હતો. આપણે મોડા તો નહી પડીએ ને? ગઈ કાલનો આખો દિવસ તેમણે એળે જવા દીધો હતો. સુદર્શનાને રહી રહીને પોતાના ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. નજીવા કારણસર તેણે રફિકના અબ્બા ને મળવાનું ટાળ્યુ હતુ. રાધામાસીની તબિયત નજીવી જ બગડી હતી. કાંઈ મોટી તકલીફ તો હતી જ નહી. સુદર્શનાની ચિંતાનું મુળ કારણ ભૂતકાળના બે બનાવો હતા. રફિક અને સલમા ને મળવામાં તેઓ થોડાકજ મોડા પડયા હતા અને બંને જણાની હત્યા થઈ ગઈ હતી. ભગવાન કરે આ વખતે આવુ ન થાય કારણ કે આ વખતે તો તેઓ એક દિવસ મોડા હતા. વળી આ વખતે તો તેણે સ્વદેશની ઈચ્છા વિરુધ્ધ જઈને મોડુ કર્યુ હતુ. સૌથી વધારે દુઃખ તેના મનમાં સ્વદેશની અવહેલના કરી તેનુ હતું.

સ્વદેશ નું ધ્યાન ગાડી ચલાવવામાં હતું. એટલે સુદર્શનાના મનમાં ચાલતી ગડમથલ તથા ચહેરા ઉપરની ચિંતાની છાયા પ્રત્યે તેનુ ધ્યાન ન હતું.

લગભગ અડધો એક કલાક પછી તેઓ સાણંદ પહોંચી ગયા. હવે તેમણે મુબારક સોસાયટી ગોતવાની હતી. સ્વદેશે ગાડી એક પાનવાળાના ગલ્લા પાસે ઉભી રાખી મુબારક સોસાયટી વિશે પૂછ્યું. પાનના ગલ્લા વાળાએ માહિતી આપી. ‘‘સાહેબ, ગામ આખુ પાર કરીને નિકળીજાવ, ત્યાં છેવાડે મુબારક સોસાયટી છે, સામે પાણીની ટાંકી આવશે, તેની પાછળની બાજુ છે.’’ પછી સારા ઘરની વ્યક્તિઓ જોઈ કહ્યુ ‘‘સાહેબ પણ સંભાળીને જજે હો બહુ સારી જગ્યા નથી’’ આટલુ ધીરે થી કહીને તે અન્ય ગ્રાહક ના પાનમાં કાથો ચૂનો લગાવવા માંડયો.

સ્વદેશે ધીરે ધીરે ગાડી આગળ લીધી. રસ્તામાં એક બે જગ્યાએ પાણીની ટાંકી અને મુબારક સોસાયટી ની પૃચ્છા કરતા કરતા તેઓ સાણંદના છેવાડે પહોંચી ગયા. સામે પાણીની ટાંકી જોઈ તેની પાછળના રસ્તા ઉપર લીધી. ત્યાં એક બે જુની પુરાણી સોસાયટીઓ તો હતી પણ ક્યાંય કોઈ નામનું બોર્ડ ન હતુ. ત્યાં એક બે સ્કુટર પર ટોળે વળીને બેઠેલા યુવકો ને તેણે પૂછયું. ‘‘ભાઈ, મુબારક સોસાયટી કઈ?’’

એક છેલબટાઉ યુવાને પહેલા સુદર્શના ભણી જોઈ અને પછી સામે આવેલી સોસાયટી સામે આંગળી ચીંધી કહ્યું. ‘‘આ મુબારક સોસાયટી છે’’

‘‘થેંક્યુ’’ કહીને સ્વદેશે સુદર્શનાને કહ્યું. ‘‘શું લાગે છે?’’ પહેલા હું અંદર તપાસ કરી આવુ? તો ત્યાં સુધી તું અહિંઆ બેસ’’.

‘‘ના, ના’’ સુદર્શનાએ અસહમતિ દર્શાવી ‘‘આ જગ્યાએ એકલુ બેસવુ બરાબર નથી, સાથે જ અંદર જઈશું’’

‘‘ભલે, કહીને સ્વદેશે ગાડી લોક કરી અને બંને જણા મુબારક સોસાયટીમાં પ્રવેશ્યા. ત્યાં એક ઘરની બહાર બે ત્રણ મુસ્લીમ સ્ત્રીઓ વાતો કરતા કરતા શાક સમારતી હતી. સુદર્શનાએ તેમને પૂછયું.’’

‘‘ આ જમાલ હુસૈનભાઈ ક્યા રહે છે?’’

સ્ત્રીઓ સુદર્શના સામે જોઈ રહી. સ્વદેશ અને સુદર્શના ને કાંઈ સમજ ના પડી. ‘‘તમને ખબર નથી લાગતી’’ એક સ્ત્રીએ કહ્યુ. ‘‘પણ જમાલ હુસૈન તો ગઈકાલે રવિવારે રાતે જ ગુજરી ગયા’’

‘‘શુ?’’ સ્વદેશ અને સુદર્શનાના માથે વિજળી પડી હોય તેમ બંને ચોકી ઉઠયા.

‘‘પણ અચાનક? કેમ કરતા?’’ સ્વદેશે ઉતાવળ થી પૂછયું. ‘‘આજકાલ તો ભાઈ બધુ અચાનક જ થઈ જાય છે’’ પેલી સ્ત્રીએ ડહાપણ ડહોળ્યુ. ‘‘હમણા સાજા નરવા હોય ને બે ઘડી પછી તો ખેલ ખલાસ’’

સ્વદેશને આ સ્ત્રી ઉપર મીડ ચડતી હતી. પણ નમ્રતા થી પૂછયા વગર છુટકો જ ન હતો.

‘‘પણ થયુ શું? આજે તો અમને મળવા બોલાવ્યા હતા.’’

‘‘તો તો તમારે થોડુ છેટુ પડી ગયું ગઈ કાલે રાત્રે લગભગ બે વાગે તેમને જબરજસ્ત હૃદય હુમલો થયો. રફિક તો હવે છે નહી.’’ રફિકનું નામ લેતા પેલી સ્ત્રીએ મોઢું બગાડયુ ‘‘પણ તેમની દીકરી ઝુબેદા એ ગભરાયા વગર તરત જ ૧૦૮માં ફોન કરી એમ્બ્યુલંસ બોલાવી લીધી અને અમને આજુબાજુવાળા ને જગાડયા. તેમને આઈ.સી.યુમાં દાખલ કર્યા હતા અને બંને તેટલી બધી સારવાર આપી પણ અલ્લાહના દરબારમાં’’ તેણે ઉંચુ જોઈને બંને હાથ ઉપર કર્યો. ‘‘આપણુ ક્યા ચાલે છે ઘણી જહેતમ કરી પણ ડોક્ટરો તેમને બચાવી ન શક્યા.’’

આ સ્ત્રીની વાત સાંભળી બંને જણ ચિત્રવત્ત થઈ ગયા. તેમના બંનેના મોંઢામાંથી ‘‘શુ’’ શબ્દ નિકળવા નો પ્રયત્ન કરતો હતો પણ અવાજ ગળામાંજ સ્થિર થઈ ગયો.

ઘોર નિરાશા થી બંનેએ એકબીજા ની સામે જોયુ. નસીબ તેમની મશ્કરી કરી રહ્યુ હતુ. જાણે કહેતુ હોય કે તમે ગમે તેવી ઝડપ કરો પણ હું તમારા કરતા એક ડગલુ આગળ ને આગળ જ રહીશ.

સુદર્શના ને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો. આમ વાંક તેનો જ હતો. સ્વદેશે રાધામાસી પાસે જવાની ના પાડી હતી પણ પોતે જીદ કરીને લઈ ગઈ હતી. તેણે માફી માંગતી નજરે સ્વદેશ સામે જોયું. સ્વદેશે તેના મનના ભાવ સમજી તેના ખભા ઉપર પ્રોત્સાહન રૂપે હાથ મૂક્યો.

‘‘હવે?’’ સુદર્શનાએ પૂછયું.

‘‘જોઈએ’’ તેણે જવાબ આપ્યો. પછી પેલી સ્ત્રીને પૂછયું. ‘‘તેમનું ઘર ક્યું?’’ અત્યારે તેમના ઘરે કોણ મળશે?’’

‘‘ઘર તો આ છેવાડે આછા લીલા રંગનુ છે તે છે. ઘરે તો કોઈ નહી હોય. સગાવહાલા તો બધા અંતિમવિધી કરીને નિકળી ગયા છે.’’

‘‘તો જમાલહુસૈન નું કોઈ અંગત નું સગુ નથી’’ સ્વદેશે પ્રશ્ન પૂછયો.

પેલી સ્ત્રીએ મોઢું બગાડયું. ‘‘એક રફિક હતો પણ તે મવાલી, ગુંડા જેવો હતો. તેની તો હત્યા થઈ ગઈ’’ પછી અચાનક કાંઈક યાદ આવતા તેણે કહ્યું. ‘‘પણ હમણા અડધો કલાક પહેલા જમાલ હુસૈન ની દિકરી ઝુબેદા ને મે ઘરમાં જતા જોઈ હતી., કદાચ કોઈ સામાન લેવા આવી હશે. તમારે મળવુ હોય તો જલ્દી જાવ. પછી એ પણ નિકળી જશે.’’

સ્વદેશ અને સુદર્શનાના ચહેરા ઉપર એક આશાની લહેર આવી ગઈ. ‘‘તો તો આપણે ઉતાવળ કરવી પડશે’’ સ્વદેશે કહ્યું. અને પેલી સ્ત્રીને ‘‘ખૂબ ખૂબ આભાર’’ કહી બંને જણાએ છેવાડાના લીલા રંગના મકાન તરફ ઉતાવળે પગલા ઉપાડયા.

લીલા રંગનું મકાન જુનુ પૂરાણું હતું. બહારની દિવાલો ના રંગના પોપડા ઉખડી ગયા હતા. ઝાંપો પણ થોડો તૂટલો હતો. ઝાંપો ખોલી બંને અંદર પ્રવેશ્યા. અંદર નો ખંડ તદ્દન ખાલી હતો. કોઈ જ રાચરચીલુ કે દિવાલ ઉપર કોઈ વોલપીસ કે ફોટોફ્રેમ વિ. કશું જ ન હતું. ઘરમાં કોઈ હોય તેવુ લાગતુ ન હતું. શું ઝુંબેદા નીકળી ગઈ હશે? ત્યાંજ અંદર બાથરૂમમાં થી ફલશ થવાનો અવાજ આવ્યો. બંને જણા તે બાજુ જોઈ રહ્યા. થોડી ક્ષણોમાં સફેદ સલવાર, કમીઝ અને દુપટ્ટામાં એક ૧૮/૧૯ વર્ષની યુવતી હાથ પોંછતા, પોંછતા બહાર આવી, પણ અચાનક જ બે અજાણી વ્યક્તિઓને જોઈ અચકાઈ ને ઉભી રહી ગઈ.

થોડાક ગુસ્સા અને નારાજગીના ભાવ સાથે તેણે પૂછયું. ‘‘કોણ છો તમે, અંદર કઈ રીતે આવ્યા?’’ ગભરાટમાં તેણે બે પગલા પાછા લીધા.

સુદર્શનાએ તેને હિંમત આપતા સૂરમાં કહ્યું. ‘‘તમે ગભરાવ નહી. અમે જમાલહુસૈનભાઈ ને મળવા આવ્યા હતા પણ અમને હમણા જ જાણ થઈ કે તેઓ હવે આ દુનિયામાં નથી. વી આર સોરી’’ તમે જ ઝુબેદા છો?

ઝુબેદા આશ્ચર્યચક્તિ થઈ આ યુગલને જોઈજ રહી. સાવ અજાણ્યા છે પણ પોતાના અબ્બા ને મળવા આવ્યા હતા, અને મારૂ નામ પણ જાણે છે? ‘‘પણ તમે છો કોણ?’’ મારા અબ્બાને અને મારૂ નામ તમે કેવી રીતે જાણો છો? ‘‘તેણે ચિંતાતુર સ્વરે પૂછયું.’’

‘‘તમે અમને શાંતી થી ગભરાયા વગર સાંભળો તો હું તમને વિગત જણાવું’’ સુદર્શનાએ કહ્યુ. ‘‘આ સ્વદેશ છે અને હું સુદર્શના છું અમે તમારા અબ્બાને મળવા આવ્યા હતા. સલમાએ આખરી ક્ષણોમાં તેમને મળવાનું કહ્યુ હતું.’’

સલમા નું નામ સાંભળતા જ ઝુબેદાનો ચહેરો ઉગ્ર થઈ ગયો ‘‘તો તમે જ છો જેને મળવા સલમા ગઈ હતી અને પોતાનો જીવ ખોયો.?’’

‘‘હા, મળવા તો મને જ આવી હતી. પણ હું ત્યાં પહોંચુ એ પહેલા જ કોઈ હત્યારાએ તેના ઉપર હુમલો કરી દીધો હતો અમે તેને બચાવવાની ઘણી કોશીશ કરી પણ અમે એને બચાવી ન શકયા’’ સુદર્શનાએ નિર્મળ અવાજે કહ્યું.

સુદર્શનાના અવાજમાં રહેલી કુમાશ અને સચ્ચાઈ નો રણકાર સાંભળી, ઝુબેદાના ચહેરા ઉપર મૃદુતા અને આંખોમાં પાણી ભરાઈ આવ્યા. પણ થોડી જીદમાં તેણે કહ્યું ‘‘પણ મારા ભાઈ રફિકની હત્યાનું કારણ પણ તમે જ છો ને?’’ તેના અવાજમાં થોડી કઠોરતા હતી.

‘‘ખરેખર તો આ બધા બનાવો ની પાછળનું મુળ કારણ જ અમને તો રફિક લાગે છે’’ સ્વદેશે કહ્યું. સૌ પહેલા તો કોલેજમાં આ સુદર્શનાનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી આ સુદર્શનાનો ગાડીનો એકસીડંટ થયો હતો, જેની પાછળ રફિકનો જ હાથ હતો એવી એમને પાક્કા પાયે ખાતરી છે. આ એકસીંડટનું પરિણામ જો ‘‘કહીને સ્વદેશે સુદર્શનાનો કૃત્રિમ હાથ આગળ કર્યો’ કમકમા આવ્યા હોય તેમ ઝુબેદાએ આંખો મીચી દીધી. આવી સ્વરૂપવાન યુવતીનો એક હાથ કપાઈ જાય તો એની વેદના કેવી હોય તે એક સ્ત્રી તરીકે તે સમજી શકતી હતી. ‘‘અમે રફિક ને મળવા ગયા હતા. પણ અમે પહોંચીયે એ પહેલા જ તેનુ ખૂન થઈ ગયુ હતુ’’ સ્વદેશે જણાવ્યું. ઝૂબેદાની આંખોમાં થી આંસુ સરી પડયા. ‘‘મે અને અબ્બાએ ભાઈજાનને ખોટા રસ્તા છોડવાનું ઘણી વાર કહ્યુ હતુ પણ તેઓ ક્યારેય માન્યા જ નહી’’

સુદર્શનાએ આગળ કહ્યું ‘‘પછી સલમા એ છેલ્લે અમને કહ્યુ કે જે માહિતી આપવાની છે તે રફિકના અબ્બા પાસે છે એટલે અમે અહિ આવ્યા હતા, તમારા અબ્બાને મળવા.. પછી અચાનક જ તેણે ઝુબેદાને પૂછયું ‘‘જમાલહુસૈન ભાઈએ તને કશુ જણાવ્યુ છે કે એ માહિતી શુ છે અને કયા છે?’’

જવાબ આપતા પહેલા ઝુબેદા થોડી અચકાઈ પછી તેણે કહ્યુ ‘‘ના આ બધુ એટલુ અચાનક બની ગયુ કે અબ્બા મને કશું કહી શક્યા ન હતા. અબ્બા પાસે શું હતુ કે કયા હતુ એની કોઈ જ જાણ મને નથી.’’

સ્વદેશ અને સુદર્શનાએ નિરાશામાં માથુ ધુણાવ્યુ. સ્વદેશે ખંડમાં ચારેતરફ નજર ફેરવી ‘‘પણ ક્યાંક મૂકી હોય તેવુ બને, અહિનુ રાચરચીલુ કયા છે?’’

ઝુબેદાએ ધીમા સ્વરે કહ્યું. ‘‘આ મકાન તો ભાડાનું હતુ. જરૂર પૂરતુ ફર્નીચર પણ ભાડે જ લાવેલા. અબ્બા હવે છે નહી અને હું પણ અહિંઆ એકલી નથી રહેવાની એટલે બધુ પાછુ આપી દીધુ છે. ઘર પણ મકાન માલીક એકાદ કલાકમાં આવીને કબજો લઈ લેશે’’

માત્ર સ્ત્રીસહજ કુતુહલવશ સુદર્શનાએ પૂછયું. ‘‘તો પછી તું ક્યાં જઈશ ક્યા રહેવાની છું?’’

ઝૂબેદાએ નિરાશાજનક સ્વરે કહ્યુ ‘‘મારે તો હવે મારા મામુજાનને ત્યા રહેવુ પડશે, મારૂ તો બીજુ કોઈ નથી’’

‘‘તો તો બહુ જ સરસ’’ સુદર્શનાએ પ્રોત્સાહન સ્વરે કહ્યુ. ‘‘મામા તો બે વખત મા કહેવાય આપણને વધારે સાચવે’’

‘‘પણ મામા તો કંસ જેવા પણ હોય અને શકુની જેવા પણ હોય, તમારા મહાભારતમાં હોય છે ને એવા’’ ઝુબેદાએ ચિંતાતુર સ્વરે કહ્યું.

‘‘કેમ કેમ?’’ સુદર્શનાએ ચિંતીત થઈ પૂછયું.

‘‘મામા, મામીને હું બોજ લાગુ છું ઘણા વખત થી તેઓ અબ્બા ઉપર દબાણ લાવતા હતા કે મારા નિકાહ એમના એક ઓળખીતા સાથે કરાવવા’’ ઝુબેદાએ દુઃખી અવાજે કહ્યું.

‘‘તો એમા ખોટું શું છે? નિકાહ તો તારે એક દિવસ કરવાના જ છે ને? મામા મામીએ ઠેકાણુ તો સારૂ જ શોધ્યુ હશે ને તારા માટે’’

‘‘એ જ મોટી મોંકાણ છે. મામા પૈસા ના લોભમાં એક સાઈઠ વર્ષના બુઢ્ઢા જોડે મારા નિકાહ કરાવવાની ફિરાકમાં છે. વળી બુઢ્ઢાની બે બીબીઓ તો હયાત છે. મામા એ કહ્યુ કે અબ્દુલ હુસૈન આ નિકાહ થાય તો દોઢ લાખ રૂપિયા આપવા તૈયાર છે. જેમાંથી અડધા એ અબ્બાને આપશે. પણ અબ્બાએ એને ચોખ્ખી ના પાડી દીધી હતી. પણ હવે અબ્બા નથી એટલે એ મને ગમે તેમ કરી પેલા અબ્દુલ હુસૈનને વળગાડી દેશે’’ ઝુબેદાએ દયનીય ચહેરા અને સ્વર સાથે કહ્યુ.

સ્વદેશે અને સુદર્શનાએ એકબીજા સામે જોયુ અને ટેલીપથી થી એક સરખો નિર્ણય લીધો. સ્વદેશે હકારમાં માથુ હલાવ્યુ. સુદર્શનાએ પોતાનુ પર્સ ખોલી ૨૦૦૦૦ ની નોટો બહાર કાઢી ‘‘જો અમને તારા અબ્બા પાસે થી માહિતી મળે તો અમે લાખ રૂપિયા આપવા માટે સાથે લાવ્યા હતા. હવે અબ્બા પણ નથી અને માહિતી તારી પાસે પણ નથી એટલે આ પૈસા અમારે પાછા લઈ જવા પડશે. પણ તારી વાત સાંભળી, અમને બંનેને લાગે છે અમારે તને બનતી મદદ કરવી જોઈએ’’ કહેતા કહેતા સુદર્શનાએ ઝુબેદાના ખભા ઉપર હાથ મુક્યો ‘‘તુ મારી નાની બહેન જેવી છો એટલે આ રૂપિયા રાખ, ૨૦૦૦૦ છે તારા કામમાં લાગશે’’

એક અજાણી યુવતીનો પોતાના પ્રત્યેની લાગણી અને ભાવ જાણી ને ઝુબેદાની આંખમાં પાણી આવી ગયા. કોઈ સ્વાર્થ વગર, માત્ર તેની વ્યથા સાંભળી, પોતાના ભાઈના કરતુત ને કારણે જેણે પોતાનો હાથ ખોયો છે, છતા તેની બહેન પ્રત્યેની ઉદારતા જોઈ તે ગળગળી થઈ ગઈ. તેણે પૈસા વાળો સુદર્શનાનો હાથ પાછો છેલ્યો. તમે આટલો પ્રેમ દર્શાવ્યો એજ ઘણુ છે. પણ આ પૈસા મારે કોઈ કામ નહી આવે.

‘‘કેમ’’ આશ્ચર્યથી સુદર્શનાએ પૂછયું.

‘‘હું આ પૈસા લઈને જઈશ એટલે મામા મામી મારી પાસેથી લઈ લેશે અને પોતાના માટે, ઘર માટે કે દારૂ જુગારમાં ઉડાડી દેશે. તમારા પૈસા ખોટા રસ્તે જાય તેવુ હું નથી ઈચ્છતી’’ ઝૂબેદાએ ચોખવટ કરી.

અચાનક જ સુદર્શનાએ પૂછયું. ‘‘તારે તારા પગ ઉપર ઉભુ થવુ છે?’’ નોકરી કરવી છે?

‘‘જરૂર, સારી અને સુરક્ષિત નોકરી મળે તો જરૂર કરૂ, તો મારે મામા મામીને તાબે ન થવુ પડે’’

‘‘તો એક કામ કર’’ સુદર્શનાએ પર્સમાંથી એક વીઝીંટીંગ કાર્ડ કાઢી તેને આપતા કહ્યું. ‘‘આ મારી ફેકટરીનુ નામ સરનામું છે. અહીંથી સીધ્ધી ત્યા જતી રહે, મારુ નામ આપજે ત્યાં અમારા ફેકટરી મેનેજર વસોયા સાહેબ છે. હુ તેમને ફોન કરી દઉ છું, તને અમારા પેકીંગ ડીપાર્ટમેંટમાં નોકરીએ રાખી લેશે. પેકીંગ ડીપાર્ટમેન્ટમાં સ્ત્રીઓજ કામ કરતી હોય છે અને કામ બહુ ભારે નથી હોતુ પગાર માટે પણ હું કહી દઈશ’’

‘‘તમારો ખૂબ ખૂબ આભાર ‘‘આપા’’ ઝૂબેદા એ કહ્યુ તેણે ‘‘આપા’’ શબ્દ વાપરી સુદર્શના વિશે આભાર અને સંમાન વ્યક્ત કર્યા હતા. સ્વદેશ અને સુદર્શનાએ આ વાતની નોંધ લીધી.

‘‘પણ આ રહેશે ક્યા?’’ સ્વદેશે પૂછયું. ‘‘મામા તો નોકરી કરવા નહી દે’’

‘‘એનો પણ ઉપાય કરી દઈએ’’ ‘‘સુદર્શનાએ કહ્યુ.’’ જો અમારે ત્યાં કામ કરતી અપરણિત યુવતીઓ માટે અમે એક લેડીઝ હોસ્ટેલ ચલાવીએ છીએ. હું ત્યાં પણ જણાવી દઉ છું તને એકાદ રૂમમાં ગોઠવણ કરી આપશે.

ભાવાવેશમાં આવી ઝુબેદા, સુદર્શના ને વળગી પડી ‘‘ખરેખર તમારૂ દિલ ખૂબજ ઉદાર છે. રફિકભાઈના આવા કૃત્ય છતા તમે મારી આટલી મદદ કરો છો. અલ્લાહ તમને હંમેશા ખૂશ રાખે’’

‘‘રફિકના કરતુતનો બદલો તારા ઉપર થોડી ને વળાય છે. રફિકે જે કર્યુ તેનો જવાબ તો તેણે કયામત ના દિવસે ઉપર આપવો પડશે, આવું જ માનો છે ને તમે તમારા મજહબમાં?’’

‘‘હા’’ ઝૂબેદાએ નીચી નજરે સ્વીકૃતીમાં માથુ હલાવ્યુ

‘‘તારો કોઈ વાંક નથી એટલે તને સજા શુ કામ થાય’’ સ્વદેશે કહ્યું.

સુદર્શનાએ ઝુબેદાના ગાલ ઉપર આંગળી મુકી ‘‘ચાલ અમે જઈએ, અમારૂ કામ તો અધુરૂ જ રહ્યુ.’’ સ્વદેશે પણ ટાપશી પુરી’’ તમારા અબ્બા પાસે ની માહિતી વગર અમને ખબર નહી પડે કે આ હત્યાઓ કોણ કરાવે છે અને ભવિષ્યમાં તારી આ ‘‘આપા’’ ઉપર ફરી કોણ અને ક્યારે હત્યાનો પ્રયાસ કરાવશે.’’

ઝુબેદા ચૂપચાપ, એકીટશે આ બંનેની વાત સાંભળી રહી. તેના મગજમાં ધમસાણ મચી રહ્યુ હતુ. શું નિર્ણય લેવો તે સમજી શકતી ન હતી.

‘‘ચાલ, અમે જઈએ, તું ફેકટરી પહોંચી જજે’’ કહી સુદર્શના અને સ્વદેશે પીઠ ફેરવી અને દરવાજા તરફ ડગ ભર્યા. સ્વદેશે ઝાંપો બહારની બાજુ ઠેલ્યો અને બંને એ મકાનની બહાર પગ મુકવા પગ ઉપાડયા.

ત્યાંજ પાછળ થી એક અવાજે તેમના પગ સ્થિર કરી દીધા. ‘‘એક મિનીટ આપા’’ બંનેએ પાછળ ફરીને જોયુ તો ઝુબેદા તેમના તરફ જોઈ રહી હતી. અને તેના ગાલ ઉપરથી આંસુની ધાર વહી રહી હતી.

સુદર્શનાએ તેની પાસે જઈ તેનો હાથ પોતાના હાથમાં લીધો. ‘‘રડવાનું નહી, હિંમત રાખવાની તારે’’ પોતાના અબ્બાની યાદમાં રડતી હશે તેવુ ધારી સુદર્શનાએ તેને હિંમત બંધાવી.

‘‘ના, ના, રડવુ તો એટલે આવ્યુ કે તમારા જેવા ખૂદાઈ ખિદમતગાર પાસે હું જૂઠુ બોલી’’

‘‘તુ શું જૂઠુ બોલી?’’ સુદર્શનાએ વાત ન સમજાતા પૂછયું.

ઝુબેદા એ આંખો લુંછી અને ખૂલાસો કર્યો. ‘‘તમારે જે માહીતી જોઈએ છે તે મારી પાસે છે.’’

‘‘શુ, સાચુ કહે છે?’’ સ્વદેશ અને સુદર્શના સુખદ આશ્ચર્ય થી બોલી ઉઠયા. બંને ના ચહેરા ઉપર ખુશીની લહેર દોડી ગઈ.

‘‘હા, અબ્બાના ઈંતેકાલ પહેલા થોડો સમય તે ભાનમાં હતા અને હું એકલીજ તેમની પાસે હતી. ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે તમે આવશો પૈસા લઈને ને મારે તમને માહિતી આપવી’’

‘‘તો પછી તે આપી કેમ નહી’’ સુદર્શનાએ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછયું.

‘‘મને એમ હતુ કે જે લોકોને કારણે રફિકભાઈજાન, અને સલમાની હત્યા થઈ અને આ બધા કારણોસર અબ્બાને હાર્ટએટેક આવ્યો, તેઓ માત્ર સ્વાર્થી, નિષ્ઠુર અને લાગણીહીન હશે એટલે મે નક્કી કર્યુ હતુ કે આ માહિતી હુ તેમને નહી આપુ, પૈસાનુ મારે મન કોઈ મહત્વ ન હતુ કારણ કે પૈસા તો મામા મામી જ લઈ લેવાની હતા. એટલે હું જૂઠુ બોલી કે માહિતી મારી પાસે નથી?’’

‘‘તો હવે કેમ તારો વિચાર બદલાઈ ગયો?’’ સ્વદેશે પૂછયું.

‘‘મે જોયુ કે વાંક તમારો ક્યારેય હતો જ નહી, ઉલટું તમે તો હિચકારા કૃત્ય નો ભોગ બનેલા છો’’ તેણે સુદર્શના ના કૃત્રિમ હાથ તરફ ઈશારો કરતા કહ્યું. ‘‘પણ સૌથી વધારે અસર તો મારા ઉપર તમારા વ્યવહારને લીધે થઈ. કોઈપણ જાતના સ્વાર્થ વગર તમે મારી મદદ કરવા તૈયાર થયા ત્યારે મને લાગ્યુ કે આ લોકો તો ખુદાના ખિદમતગાર જેવા છે ભવિષ્યમાં એમની સાથે કાંઈ ખોટુ ન થા એ માટે મારે તમને મારી પાસેની માહિતી આપવી જોઈએ. એટલે મે તમને રોક્યા’’ ઝુબેદાએ લંબાણપૂર્વક સ્પષ્ટતા કરી.

સ્વદેશ અને સુદર્શના ઝુબેદા સામે તાકી જ રહ્યા. સારા કર્મોનુ ફળ ઈશ્વર આપે જ છે.

‘‘એક મિનીટ’’ કહીને ઝુબેદા એ પોતાની બેગ ખોલી. તેમા તેના કપડા, પર્સ વિ. અન્ય વસ્તુઓ બહાર કાઢી છેક નીચેથી એક દુપટ્ટામાં વિંટાળેલી એક વસ્તુ બહાર કાઢી સુદર્શના તરફ લંબાવી ‘‘લો, આ ડાયરી છે. રફિકભાઈની, એમા તમારી જોઈતી માહિતી તમને મળશે.’’

સ્વદેશે હાથ લંબાવી ડાયરી હાથમાં લીધી, ખરેખર એને ડાયરી કહેવાય નહીં, નાની સાઈઝના મોબાઈલ જેટલી ૧૫/૨૦ પાનાની કાચા લાલ પૂઠાંની ચોપડી હતી સરકારી કે અન્ય ખાનગી ઓફિસોની બહાર ચાની લારીવાળા પોતાના કાયમી ગ્રાહકોને પહોંચાડેલી ચાની નોંધ રાખતા હોય છે. અને મહિનાના અંતે હિસાબ કરતા હોય છે તેવી લાલ કાચા પૂઠાની ચોપડી હતી.

સ્વદેશ અને સુદર્શનાની છાતીના ધબકારા વધી ગયા. શું માહિતી હશે આ નાનકડી અમથી ચોપડીમાં? સુદર્શનાએ સ્વદેશને આંખોના ઈશારે ચોપડી ખોલીને અંદર જોવા કહ્યું અને સાથે સાથે જોવા સ્વદેશની લગોલગ આવી ગઈ.

૧૫/૨૦ પાનાની ચોપડી ખોલતા જ બંને એ જોયુ કે આ કોઈ હિસાબની હોય તેવી ચોપડી હતી પણ તેમા હાથે થી લખાયેલી નોંધો સાંકેતીક, ટુંકાક્ષરી મા હતી. જેમ કે પહેલા પાને પ્રથમ નોંધ હતી. ૧૭/૫-મન/દિલ/૪૦,૦૦૦. પછી આખી લાઈન ઉપર લીટી મારી લાઈન છેકી નાંખી હતી. એજ પ્રમાણે દરેક પાના ઉપર ૮-૧૦, ૮-૧૦ નોંધો હતી.

સ્વદેશ અને સુદર્શનાના મનમાં એક જ વિચાર ઝબુક્યો. રફિક જેની સોપારી લેતો હશે તેની નોંધ સાંકેતીક રાખતો હશે જેથી કોનુ કામ ક્યારે કરવાનું છે અને કેટલી રકમ લેવાની છે તે ભૂલી ન જાય. આ ચોપડીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો પડશે. સુદર્શના અને પરિખ કુટુંબને લગતી માહિતી આ સાંકેતીક લીપી ને ઉકેલી એકઠી કરવી પડશે.

‘‘સુદર્શના એ ઝુબેદાના હાથ પકડી લીધા’’ થેક્યું. થેંક્યુ સો મચ’’

‘‘અલ્લાહ તમારી પૂરી મદદ કરે’’ ઝૂબેદા એ હાથ હલાવી બંનેને વિદાઈ આપી.

સુદર્શને ગાડી અમદાવાદ તરફ લઈ લીધી.

‘‘આ ચોપડી તારી પાસે સાચવીને રાખજે’’ તેણે સુદર્શના ને સૂચના આપી. ‘‘આ છેલ્લી કડી છે.’’

‘‘એની તું ચિંતા ન કર. હું એને જીવની જેમ જાળવીશ’’

સુદર્શનાએ ચોપડી પોતાના પર્સમાં અંદરના ચેઈનવાળા ખાનામાં ગોઠવી કહ્યું.

‘‘તને શું લાગે છે?’’ સ્વદેશે પૂછયું. ‘‘ગાડી ઉભી રાખી એકવાર ચોપડી જોઈ લેવી છે?’’

‘‘જો ચોપડીમાં બધુ સાંકેતીક અને ટુંકાક્ષરી રીતે લખેલુ છે. રસ્તામાં મઝા નહી આવે. આપણે રાત્રે મારા રૂમમાં બેસીને જરૂર પડયે ડીક્ષનેરી કે ઈન્ટરનેટ ઉપર સાંકેતીક શબ્દો શું હોય શકે તે ગોતવુ પડશે, એમા સમય જોઈશે અને શાંતી અને એકાગ્રતા પણ જે અહિંઆ રસ્તામાં આપણને નહિ મળે’’

‘‘ઠીક છે પણ ઘરે પહોંચી ને હમણા આ વાત કોઈને કહીશ નહી, આપણે બાવળા ગયા હતા તેમ જ ચાલુ રાખજે’’ અને પછી યાદ આવતા કહ્યું ‘‘તું વસોયા સાહેબને ફોન કરી ઝુબેદા માટે જણાવી દે નહીંતર તેને પાછી કાઢશે’’

‘‘સારૂ કર્યુ તે યાદ કરાવ્યું’’ કહીને સુદર્શનાએ ફોન જોડી વસોયા સાહેબને ઝુબેદા વિષે સૂચનાઓ આપી દીધી.

ગાડી અમદાવાદ ભણી જઈ રહી હતી. પણ બંનેના મન ચારેબાજુ ધુમી રહ્યા હતા.

- શું રહસ્ય મળશે આ ચોપડીમાંથી?

- શું ખરા ગુન્હેગાર વિષે માહિતી મળશે?

- શું કોઈએ એકલાએ આ કૃત્ય કરેલુ કે સાથે અન્ય કોઈ પણ જોડાયેલા છે?

બંને જણા પ્રાર્થના કરી રહ્યા હતા આ ચોપડીમાંથી રહસ્ય બહાર નીકળે અને સુદર્શના ઉપર ના ભય, અને ઘાતના વાદળો વિખરાય જાઈ. પણ મોટો પ્રશ્ન એ હતો કે ‘‘આ ચોપડી ખરેખર રહસ્ય ઉકેલવાની હતી કે કોથળામાંથી બિલાડુ નીકળવાનુ હતું.’’

(ક્રમશઃ)

વધુ રસિક ભાગ આવતા અંકે