ગ્રહણ
(પ્રકરણ = ૫)
“...વાય... સે મી વાય...??? તેં મારી સાથે આવું....????” ક્ષિતિજને બોચીએથી પકડીને હચમચાવતાં અને ત્રાડ પાડતાં ધરતી બોલી.
આટલાં વર્ષો પછી પહેલી વાર ધરતીનો સ્પર્શ અને એપણ આવી રીતે.... ક્ષિતિજના ગળે ડૂમો બાઝી ગયો... એણે ગળા નીચે થૂંક ઉતારીને હળવો ખોંખારો ખાધો અને ભારે સંયમતાથી બોલ્યો, “ધરતી, કારણ… એ તો ફક્ત એટલું જ હતું કે, શાળાના દિવસોથી જ હું તમને ખૂબજ પસંદ કરતો હતો. પસંદ શું...?? દિલોજાનથી ચાહતો હતો. શાળા પછી કૉલેજમાં પણ એ જ હાલત.. પણ મારા મિતભાષી સ્વભાવને કારણે હું મારા પ્રેમનો ક્યારેય એકરાર ન કરી શક્યો. યુ નો વન સાઈડેડ લવ... પણ, જ્યારે આખી કૉલેજમાં તમારા અને આકાશના સંબંધોની છડેચોક ચર્ચા થવા લાગી ત્યારે મારા રોમેરોમમાં તમને પામવાની તલબ ઊઠી અને ખબર નહીં પણ કેમ...?? મારા જીવનની એક એવી નબળી પળે હતાશા અને નિરાશા વચ્ચે ઘેરાયેલો હું, ન કરવાનું કામ કરી બેઠો એનો મને ત્યારે પણ પારાવાર પસ્તાવો થયો હતો અને આજે પણ એટલો જ પસ્તાવો થઈ રહ્યો છે. એટલે જ એ પસ્તાવાને.....”
“એટલે જ એ પસ્તાવાને પરિણયમાં ફેરવી દીધો એમ જ ને...??? એક લાચાર, બિચારી, દુ:ખિયારી અને સગર્ભાનો સ્વીકાર કરીને મારા માતા-પિતા અને દુનિયા સામે પોતાની મોટાઈનો ઢંઢેરો પીટ્યો. કેમ ખરુંને.... મિ. ક્ષિતિજ...???? અરે!! મેં તો મારા હ્રદયમાં તારી ‘દેવ’ રૂપી છબિને અંકિત કરી હતી. પણ... મને ક્યાં ખબર હતી કે, જેને હું દેવ સમજું છું એ તો ‘દાનવ’ નીકળશે. આજ સુધી હું આકાશને કાયર સમજતી રહી. નો ડાઉટ એ તો કાયર છે જ પણ તમે.. તું તો એનાથી પણ ચારગણો કાયર છે ચારગણો... આઈ હેટ યુ... ના.. ના... આઈ હેટ માય સેલ્ફ..... કારણકે, તને ઓળખ્યા વગર જ મેં મારી આખી જિંદગી તારા જેવા હૈવાન સાથે વેડફી નાખી. અને આખી જિંદગી તને આકાશનું સ્થાન ન આપી શકવાનો વસવસો કરતી રહી પણ તું તો કોઈ સ્થાન પામવાને લાયક જ ક્યાં છો. હં... ઉં...” ક્ષિતિજના દયામણાં ચહેરા સામે તુચ્છકારભરી નજર નાખતાં ધરતી બોલી.
“મારા માતા-પિતાને એમ કે, તું એક કુંવારી માતાના સંતાનને પોતાનું નામ અને પિતાનો પ્રેમ આપીને ઉપકાર કરી રહ્યો છે પરંતુ.. એમને બિચારાને ક્યાં ખબર હતી કે, તું માત્ર ને માત્ર નાટક જ કરી રહ્યો છે... મારા ઉદરમાં પાંગરતા તારા જ પાપને અપનાવવા માટે જ તે આ બધો ખેલ રચ્યો હતો નહિં....???
ક્ષિતિજથી ડૂસકું નખાઈ ગયું. એની આંખમાંથી સરેલા આંસુએ એના ગાલના ખંજનને પણ ભરી દીધું. તે મહામહેનતે બંને હાથ જોડતાં બોલ્યો, “ધરતી, હું તારી માફીને લાયક તો નથી જ પરંતુ એક મરતા માણસની આખરી ઈચ્છા સમજીને મને માફ કરી શક્તી હોય તો....”
“માફી.... માય ફૂટ... જેને તું લાયક છે જ નહિં એની અપેક્ષાએ ક્યારેય ન રાખજે. અને કદાચ એવુંય બને કે, તારા મગરમચ્છના આંસુઓથી પીગળીને એક વખત ભગવાન તને માફ કરી પણ દે પરંતુ... હું તો તને ક્યારેય માફ નહિં કરી શકું. કમસેકમ આ જન્મમાં તો નહિં જ.... અને કદાચ ન કરે ને નારાયણ એવું બનશે તો એ દિવસ મારા માટે અંતિમ દિવસ બની રહેશે. સો નો એંડ નેવર....” ભીષ્મ પ્રતિજ્ઞાના ભાવ સાથે ધરતી બોલી ગઈ.
“જો ધરતી, મારાથી જે ગુનો થઈ ગયું તેની ભરપાઈ તો મેં આજીવન તમારી સાથે એક છત નીચે રહેવા છતાં તમારા સ્પર્શથી વંચિત રહીને કદાચ કરી દીધી.... પણ.. પાપનો બોજ મારા હ્રદય પર હમેંશા જ રહ્યો જ હતો. ખેર, પાપ કરીને મેં મારો આ ભવ તો બગાડયો પણ તમારી માફી મારો આવતો ભવ જરૂર સુધારી દેશે. જો તમે મારા ગયા બાદ મારી છબિ ઉપર તમારા હાથે મારા મનપસંદ ગુલાબના ફૂલનો હાર પહેરાવશો તો મારા આત્માને અવશ્ય માફી અને મુક્તિ બંને મળશે અને આ જ મારી અંતિમ ઈચ્છા છે.... અને મને પૂરેપૂરો વિશ્વાસ પણ છે..” થંભી રહેલા શ્વાસને પરાણે ધપાવતો ક્ષિતિજ આજીજીભર્યા સ્વરે બોલી રહ્યો.
“મોમ… મોમ....” આઠેક દિવસ પહેલાનો આ પ્રસંગ ધરતીના હ્રદયમાં ઊંડો ઘા પાડી ગયો હતો અને આજે ફરી એ વાત યાદ આવતા એના ઘા તાજા થઈ ગયા હતા.
“મોમ, તને કહુંછું. ક્યાં ખોવાઈ ગઈ છો. આ જો માસીબાએ ડેડના કપડાનો ઢગલો કાઢ્યો છે. તું જોઈ લે એમાં કોઈ જરૂરી વસ્તુ રહી તો નથી જતી ને... આવતીકાલે સવારે વહેલા જઈને આ કપડાં બ્રાહ્મણને આપી આવીશ પછી જ હું હૉસ્ટેલ માટે જવા રવાની થઈશ. ઈટ’સ ઓકે, મોમ...??”
“હં... હા.. હા...”
“એક કામ કર તું સ્ટાર્ટ કર. હું આપણાં બંને માટે કડક કોફી બનાવી આવું પછી સાથે બેસીને કામ પૂરું કરશું.” જતાં-જતાં ધરતીના ગાલે બચી ભરીને નીશા બોલતી ગઈ. “ આમેય આ ગ્રહણને કારણે વાતાવરણ કેવું થઈ ગયું છે નહિં..?? જો કે હવે ગ્રહણ એના મોક્ષની તૈયારીમાં તો જ છે...”
“મોક્ષ... હં.. ઉં...” હ્રદયમાં કડવાશ અને આંખમાં ભિનાશ સાથે ધરતી એ કપડાના ઢગલાને તાકી રહી. આમાંથી મોટાભાગના કપડાં પોતાની પસંદગીના હતા એ યાદ આવતાં એક કટાક્ષ સભર હાસ્ય ધરતીના મુખ પર આવી ગયું. ક્ષિતિજની જેમ એની દરેક યાદને પોતાનાથી દૂર હડસેલવા માટે એણે કપડાંના ઢગલાને ઉપાડીને દૂર ફેંક્યો એ સાથે જ એક આછા બ્લુ રંગની ફાઈલ ઊડીને ધરતીના પગ ઉપર પડી.
“અરે!! આ શું....??? આ તે વળી કેવી ફાઈલ છે...???” ધરતી સ્વગત બબડતા બોલી.
ધરતીએ ફાઈલ ઉપાડી અને ઝડપથી એની અંદરનું લખાણ વાંચવા લાગી. “ફાઈલમાં નામ તો એ પાપીનું જ છે પણ આટલી જૂની મેડીકલ ફાઈલ...?? પચ્ચીસ વર્ષ જૂની...???” મનોમન બબડતાં એ જેમ જેમ પાનાં ઉથલાવતી ગઈ તેમ તેમ તેમાં રહેલું લખાણ એની ચોધાર આંસુએ રડતી આંખો દ્વારા ઝાંખુ પડતું ગયું.
“એટલે... એનો અર્થ એવો કે... ક્ષિતિજને પહેલેથી જ ખબર હતી કે, એ... કયારેય પિતા બનવા માટે સક્ષમ હતો જ નહિં... એટલે... એટલે.. નીશા... નીશા.. એના પાપની નહિં પણ મારા પ્રેમની નિશાની છે...??? હે ભગવાન!! આ શું થઈ રહ્યું છે મારી સાથે...????” ધરતી હબક ખાઈ ગઈ. એને લાગ્યું કે, એના પગ તળેથી જમીન સરકી રહી છે. ક્ષિતિજની છબિને સથવારે એ માંડમાંડ સ્થિર ઊભી રહી શકી. એ સાથે એના મનોમસ્તિષ્કમાં વિચારોનું ઘમાસાણ યુધ્ધ ફાટી નીકળ્યું.
“મને તો એમ કે પોતાના સંતાનનો અધિકાર મેળવવા માટે જ ક્ષિતિજે મારી સાથે લગ્નનું નાટક કર્યુ હતું પણ.... ક્ષિતિજે જે સંતાનનો ખરાં દિલથી સ્વીકાર કર્યો એ તો એનું છે જ નહિં, ને એની એને તો પહેલેથી ખબર પણ હતી. હે મારા પ્રભુ!! મારે કોને દેવ કહેવો અને કોને દાનવ...??? કોને મહાન ગણું ને કોને કાયર..??? કોણ સજાને લાયક છે અને કોણ માફીને...??? એ વ્યક્તિ કે જેણે મારી આબરૂના લીરેલીરાં તો કર્યા પણ પછી મને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું..?? કે પછી એ કે, જેણે મને અખૂટ પ્રેમ તો આપ્યો પણ ત્યારબાદ મારી લાગણીની પરવા કર્યા વગર જ મને મુશ્કેલીઓના મહાસાગરમાં એકલીઅટૂલી મૂકીને ભાગી છૂટયો..?? હું શું કરું...??? ક્ષિતિજની અંતિમ ઈચ્છાનું માન રાખું કે પછી મારી મનોદશાનું..???” અસમંજસભરી સ્થિતિમાં ધરતી અભિમન્યુની જેમ વિચારોના ઘોડાપુરના સાતે કોઠા એક્લી અટૂલી ભેદતી રહી.
“મો..મ..” ઉતાવળી ચાલે આવેલી નીશાના પગ ત્યાં જ ખોડાઈ ગયા. પોતાના પિતાના કપડાંને જોઈને નીશાનું લાગણીસભર મન એની પરોક્ષ હાજરીનો અનુભવ કરી રહ્યું હતું પણ પોતાની માં ને એનો અણસાર ન આવી જાય તે માટે એ સાધારણ રહેવાનો ડોળ કરતાં બોલી. “મોમ, તું ડેડના કપડાં સાથે વાતોએ વળગી ગઈ છો કે શું..?? આ જો, નીશા’સ સ્પેશ્યલ કડક કૉફી હાજર છે અને જો બહાર ગ્રહણ પૂરું થઈ ગયું છે, સૂરજનો આછેરો અજવાસ આવી રહ્યો છે એટલે વરસાદ આવે એવું લાગે છે. તો ચલ, અગાસીમાં બેસીને કૉફી પી લઈએ. મજા આવશે આવા સુપર્બ ક્લાઈમેટમાં. આ કામ આપણે રાત્રે કરી લઈશું મોમ... ચલ ને...” કપડાંના ઢગલાને પોતાની બાહુપાશમાં લઈને ટેબલ પર ફાટી આંખે માથું ઢાળીને બેઠેલી ધરતીને ઢંઢોળતાં નીશા બોલી.
“મો......મ........મ.....” નીશાનો અવાજ ફાટી ગયો. એના હાથમાં રહેલી ટ્રે જમીન પર પટકાઈ ગઈ. નીશા પોતાની મોમ ધરતીના નિર્લેપ અને નિષ્પ્રાણ ચહેરાને જોઈ રહી.
બહાર મેહુલિયો અનરાધાર વરસી પડ્યો અને ક્ષિતિજની છબિ પર ચડાવાયેલા તાજા ગુલાબના હારની મહેકને મહેકાવતો ગયો.....
(સંપૂર્ણ......)