Life in Gujarati Philosophy by Jitesh Donga books and stories PDF | લાઈફ: એક અનંત અલ્ગોરીધમ!

Featured Books
Categories
Share

લાઈફ: એક અનંત અલ્ગોરીધમ!

લાઈફ: એક અનંત અલ્ગોરીધમ!

લાઈફ!

આ શબ્દને સમજવા માણસ ગાંડો થતો હોય છે હેને? ખુબ સવાલો કરે છે, બરાડા પાડે છે, ક્યારેક શાંત તો ક્યારેક બાવરો બનીને પણ આ લાઈફને સમજવા ખુબ ભાગતો રહે છે.

જન્મ થાય છે, અને એક દિવસ મોત થાય છે. આ બંને ઘટના આપણા હાથમાં નથી એવું માણસ માને છે, જે કદાચ સાચું છે. સાથે સાથે માણસ એમ પણ માને છે કે વચ્ચેની ઘટનાઓ તેના હાથમાં છે!

વેલ...કદાચ હોઈ શકે, અને કદાચ આપણે અત્યારે જે કઈ પણ ચોઈસ કરીએ છીએ, આપણું દિમાગ જે કઈ પણ વિચારે છે એ બધું જ કોઈ અગૂઢ શક્તિ દ્વારા જ ફિલ-અપ થઇ રહ્યું હોય, અને એવું ના પણ હોય શકે

જગતના સૌથી મોટા ફિલોસોફરો પણ અંતે તો બગોવાયેલા જ હોય છે. માણસ ક્લુંલેસ જ હોય છે, છતાં આપણે આ જન્મ અને મૃત્યુની વચ્ચેનો મસાલો ભર્યા કરીએ છીએ.

એક ફિલોસોફી એ કહી રહી છે કે માણસે ખુશ રહીને જીંદગી પસાર કરવી જોઈએ.

એક રસ્તો પોતાનું પેશન શોધીને તેને અનુસરીને કામ કરતા રહેવું અને મરી જવું એ પણ છે.

એક રસ્તો છે લાગણીઓના સંબંધોને પુરા માણીને મરવું.

એક રસ્તો છે પોતાનું મન પડે એમ કરી લેવું,

તમને લાગશે કે આ લેખક શું મંડી પડ્યો છે, પરંતુ તમને કહી દઉં કે આપણી દરેક ફિલોસોફીનું હાર્દ એ હતું કે અંતે તો આપણે મરવાના જ છીએ રાઈટ? તો પછી આપણે શા માટે ખુશ રહીને ન મરીએ?

પછી આ માનવજાતે એ અલ્ગોરિધમ આગળ ચલાવ્યા. કે ભાઈ આપણે મરવાના જ છીએ તો એ પહેલા આપણે શું-શું કરી શકીએ? કોઈએ જાણ્યું કે પોતાનું ગમતું કામ શોધી લેવું અને ખુશી મેળવી લેવી, કોઈએ જાણ્યું કે રૂપિયો કમાવો અને ખુશ થવું, કોઈએ જાણ્યું કે પ્રેમ કરવો અને ખુશ રહેવું.

પણ...પણ...પણ...ખુશ રહેવું એ આ બધામાં કોમન ટર્મ હતું. કારણકે એ સિવાય માનવજાત પાસે કોઈ રસ્તો હતો નહી.

એટલે માણસે ખુશ થવા માટે ખુબ જ વલખા માર્યા, હજુ પણ મારી રહ્યો છે. ખુબ બધી ફિલોસોફી જન્મ પામવા લાગી કે ભાઈ ખુશ રહેવા શું કરવું જોઈએ, અને કઈ રીતે તમારે દુઃખ ને દુર કરવા જોઈએ. જે પ્રખર વિચારકો હોય એમણે અમુક રસ્તા બતાવ્યા કે આ રીતે તમે જીવન ને વધુ બેટર બનાવી શકો, અને આ રીતે તમે તમારા પીડા અને કાળા દિવસો માંથી બહાર આવી શકો.

પછી એ પ્રાર્થના હોય કે પ્રેમ હોય કે પૈસા હોય...શા માટે તમે એની પાછળ પડો છો એ પૂછવામાં આવે તો જવાબ એક જ મળે કે ભાઈ જયારે તમે એ પામો છો ત્યારે એવી લાગણીઓ જન્મે છે જે તમને બતાવે છે કે સાલું જીવવાનું મજા આવે છે.

‘મજા’ આવે છે!

આ મજા...ખુશી એ આપણા અસ્તિત્વનું અંતિમ બની ગઈ. જો મજા ન હોય તો મજા શોધવા માટેના વલખા શરુ થયા. માણસ આખા દિવસના દરેક કલાકને કઈ રીતે વાપરવી એ શીખવા લાગ્યો, કઈ રીતે સફળ થવું એના ફોર્મ્યુલા આવવા લાગ્યા, અને કઈ રીતે જીવનને ખુશ રહીને પસાર કરવું તેના પાઠ આપણે નવી પેઢીઓને ભણાવવા લાગ્યા.

કેમ?

શા માટે ખુશી જ બધું છે?

આવો એક માત્ર અંતિમ કેમ?

કેમ મોત આવે એ પહેલા તમે આ લાગણી પાછળ હાથ ધોઈને પડો છો?

કારણ ખુબ સીધું છે: બીજી એક પણ લાગણી આપણા દિલને ભાવતી નથી, આપણને દુઃખ આંસુ પીડા અને સંઘર્ષ ભાવતા નથી,જયારે એ બધા આવે છે ત્યારે એકલું લાગે છે, અને આજુબાજુથી બીજા માણસો ભાગવા લાગે છે. દરેકને દુઃખ જેવી લાગણીઓની એલર્જી હોય છે, કારણકે એ ડાર્ક છે. અંધારું છે. ત્યાં ખુશી નથી.

હા...દુઃખ માંથી પણ આજકાલ માણસ ખુશી તરફ ભાગવાના રસ્તાઓ શોધી ચુક્યો છે: જેમકે દુખી હોય ત્યારે કોઈ આર્ટ ક્રિયેટ કરે છે, પ્રેમ કરે છે, અથવા રખડે છે એટલે ખુશ થાય છે, પછી ફરી પોતાના પાટે ચડે છે.

તો એ આખિર એ મામલા ક્યાં હે?

મોજ શા માટે?

એકવીસમી સદીના માણસનો તો ધર્મ બની ગયો છે મોજમાં રહેવાની ઝંખના પાછળ ઝૂરતા રહેવું.

અરે ભલા માણસ....માણસને ખુશ થવા કારણો શોધતા રહેવાની શી જરૂર છે? અને ધારો કે કોઈ કારણથી માણસ ખુશ પણ થાય છે, તો ઠીક છે, કારણો જરૂરી છે,

પણ દુઃખ થી આટલા ભાગવાનું કેમ?

કેમ તમે જયારે દુઃખ આવે ત્યારે એનું આહવાન નથી કરતા?

કેમ આ માનવજાત દુઃખને ‘આવી જા આવીજા...સરખું થી આવીજા’ એવું નથી કહેતી?

જગત આખું બેલેન્સ પર ચાલે છે, તમે દુઃખને ન બોલાવો તો પણ આવે છે, અને સુખને ગમે તેટલી પકડી રાખો તો પણ એ જ્યારે સમય થાય ત્યારે છટકીને ભાગી જાય છે. મતલબ મેં લેખના પહેલાના થોડા વાક્યોમાં કહ્યો એવો જ છે: કદાચ આપણા હાથમાં કશું જ છે નહી!

હા..જીવન અને મોત વચ્ચેનું જે ચોઈસ-થિંગ છે એ પણ પૂરું આપણા હાથમાં નથી, જોકે એનો મતલબ એ છે કે યાતો તમે એને સાક્ષી ભાવે નિહાળતા રહો, અને ....

અને?

અને?

ખુશ રહો.

હાહાહા...

અને ફરી ખુશ રહેવાની વાત આવી, અથવા તમે ચોઈસ કરતા જાવ, અને દુઃખ આવે તો એને પણ ભેંટો, મોજ થી ભેંટો, અને સુખ આવે તો એને પણ મોજથી ભેંટો.

ક્લુંલેસ થઇ ગયાને?

હા...આપણે બધું જ પામવાનું છે. એ સત્ય હોઈ શકે, માત્ર ખુશી પાછળ ન ભાગીને દુઃખ આવે તો એને પણ સ્વીકાર કરવાનું છે, ફોગટનું ખોટું રડવા બેસવાનું નથી. સાચું રડવાનું છે.

અંતે એક વાત સિદ્ધ થાય છે જે કહેવા માટે જ આ લેખ લખ્યો છે:

‘સાર્થકતા’ થી જીવવું.

બસ...જ્યારે હાથમાં કશું જ નથી, સુખ આવે છે- છટકી જાય છે, દુઃખ આવે છે- તમે છટકવા પ્રયત્નો કરો છો, અથવા કહો કે ન્યુટ્રલ બનીને સાક્ષી ભાવે બધું જ જોતા રહો છો...પણ...એ સુખની કે દુઃખની ક્ષણ ખરેખર સાર્થક કરી?

સાર્થક મતલબ?

બસ તેને પુરા ઊંડાણથી સ્વીકારી?

અંતે તો આપણા સુખ-દુઃખ બધું જ આપણી ચોઈસનું પરિણામ છે રાઈટ?

તો પછી જે કઈ પણ હાલની સ્થિતિ છે, જે કઈ પણ ભોગવવાનું આવ્યું છે એને કેમ આપણે બસ સાર્થક નથી જીવતા?

આ સાર્થક કરવું એટલે શું? એ મોમેન્ટને, એ ક્ષણને, પુરા ખંતથી...પુરા દિલ સાથે, પૂરો જીવ રેડીને...પુરા આત્માના ઊંડાણથી જીવવી. કોઈ ક્ષણે દુઃખ આવે તો એને પણ જીવવું-પામવું, અને સુખ આવે તો તેને પણ.

આ સાર્થકતા એક એટીટ્યુડ છે, એક લોહીમાં ભેળવી દીધેલો વિચાર છે. એક જાગૃતતા છે. તમે સભાન પણે તમારા મન-અને-આત્મ ને કહી દો છો કે બેટા...આ ક્ષણને સાર્થક બનાવ, આવતીકાલનું નક્કી નથી.

હા..પછી તમે જીવનના કોઈ મિશન પાછળ, કોઈ સ્વપ્ન પાછળ હજારો ક્ષણો ઘસાઈ રહ્યા છો, અને ન ગમતા રસ્તાઓ ઉપર પણ સંઘર્ષ આવે છે તો પણ અંતે જો પેલું સ્વપ્ન સાકાર થાય તો એ સાર્થકતા હશે.

હા...એક સાર્થક ક્ષણ માટે કદાચ..ખેર...હજુ એક સવાલ થાય કે ભાઈ...આ સાર્થકતા પાછળ શા માટે પડવાનું?

તો છેલ્લો જવાબ હશે: સાર્થકતા થઇ તો કઈંક ખુશી મળશે!
ખુશી!

અને પછી હું ફરી પૂછીશ: તો નિરર્થક ક્ષણોનો શું વાંક? આમેય ક્યાં સમય આપણા હાથમાં છે?

તો તેનો છેલ્લો જવાબ?

.................................. (એ કોઈને ખબર નથી! જીવો.) આ સવાલ સાધુડો પેદા કરે છે, નરસિહ અને મીરાં પેદા કરે છે.

ક્રમશ:_...