વન નાઈટ સ્ટે
દર્શન નસીત
વીતેલી ક્ષણો...
ગતાંકમાં આપણે જોયું કે અંકિતા કોલેજમાં ચાહના પટેલ નામે ફેમ મેળવવા માંગે છે અને ફેસબુક દ્વારા યશના કોન્ટેક્ટમાં આવે છે અને હવે આગળ...
બીજા દિવસે બીજા ત્રણેક છોકરાઓએ મારી પાસે આવીને ફ્રેન્ડશીપ કરવા માટેનું પ્રપોઝલ મુક્યું. પણ જે રીતે મેં યશ સાથે કર્યું હતું તેમ જ તેઓની સાથે રીપીટ કર્યું, પહેલા ના પાડી અને પછી રૂમ પર આવીને તેમના નામ સર્ચ કરીને ફેસબુક પર તેમના કોન્ટેક્ટમાં આવી.
દિવસેને દિવસે મારી નજીક આવવા ઇચ્છનારાઓની સંખ્યા હકીકતમાં અને સોસીયલ મીડિયા પર વધવા લાગી, ફેસબુકનું ફ્રેન્ડ લીસ્ટ પણ વધવા લાગ્યું, રીક્વેસ્ટ, નોટીફીકેશન અને મેસેજના ઢગલા થવા લાગ્યા. પણ મારી સાથે વાત કરનાર દરેક વ્યક્તિ મારી વાસ્તવિકતાથી અજાણ રહે તેની મેં ખાસ કાળજી લીધી.
‘અંકિતા, કદાચ આપણી કોલેજના કન્ફેશન પેજ પર કોઈએ કદાચ તારા વિષે જ પોસ્ટ કરી હોય એવું લાગે છે,’ ફેનીએ સિગરેટ હાથમાં લેતા કહ્યું. ધારા અને પૂજા બંને કાનમાં હેન્ડ્સફ્રી લગાવીને સીરીયલ જોતી હતી.
‘આ નવું કન્ફેશન પેજ વળી શું છે?’ મેં પૂછ્યું.
‘એક એવું પેજ કે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખાણ છુપી રાખીને કઈ પણ પોસ્ટ કરી શકે,’ ફેનીએ સિગરેટ સળગાવી અને ધુમાડો રૂમમાં પ્રસરવા લાગ્યો.
‘શું લખ્યું છે?’ મેં હળવેકથી પૂછ્યું.
પેલી બંનેએ પોસ્ટ સાંભળવા માટે નજર અમારા તરફ ફેરવવાની સાથોસાથ કાન ખુલ્લા કર્યા.
‘એને લખ્યું છે કે એ ખુબસુરતીનું નામ તો નથી ખબર પણ આજે સવારે લાઈટ પર્પલ એન્ડ બ્લેક ડ્રેસવાળી, ત્રણ ગર્લ્સ સાથે જતી છોકરી તેને ગમવા લાગી છે. અને વધુ ઓળખાણ આપતા લખે છે કે તે છોકરીના નાક અને હોઠની વચ્ચે મસ્ત નાજુક એવો તલ છે.’
ધારાએ મારા હોઠની ઉપર રહેલા તલ તરફ નજર ફેરવી.
‘શું વાત છે અંકિતા?’ પૂજાએ વચ્ચે ડબકું ડોળ્યું.
દસ દિવસ પહેલા જયારે કોલેજમાં આવી ત્યારે સાવ દેશી ફટકો એવું ઉપનામ મળ્યું હતું જયારે આજે ઓનલાઈન એકરાર કરવામાં મારી ખુબસુરતીના વખાણ કરવામાં આવતા હતા. આ દસ દિવસોમાં મને ફેનીએ જડમૂળમાંથી જ બદલાવી નાખી હોય એવું લાગતું હતું. દરરોજ નવા નવા લોકો સાથે કોન્ટેક બનતા, દરેક વ્યક્તિ કઈને કઈ ઈચ્છાઓ દાખવતો અને એમાય મને મળવાની ઈચ્છા દરેકને રહેતી.
‘આવતી કાલે એ અગિયાર વાગ્યે સફેદ ટીશર્ટમાં કેન્ટીનમાં તારી રાહ જોતો બેઠો હશે.’ ફેનીએ અધૂરું કન્ફેશન પૂરું કરતા કહ્યું.
‘કોણ છે એ?’ મેં પૂછ્યું.
‘હશે કોઈ. આમાં નામ તો લખ્યું ન હોય ને!’
‘શું તું કાલે મળવા જઈશ?’ પૂજા બોલી.
એને મળવા જઉં કે નહી એ તો કઈ મેં નહોતું વિચાર્યું પણ તેની પોસ્ટ પરથી મને એક નવો રસ્તો મળી ગયો હતો.
‘ફેની, મારે જો એને વળતો જવાબ આપવો હોય તો?’ મેં પૂછ્યું.
‘તો એની પોસ્ટમાં કમેન્ટ મારી દે. એને તારા નામની સાથોસાથ જવાબ પણ મળી જશે.’
‘એમ નહી, મારે આ પેજમાં પોસ્ટ કરવું હોય તો?’
‘પેજ પર જઈને કન્ફેશન બોક્ષમાં પોસ્ટ લખીને સબમિટ કરી દે.’
‘એ પોસ્ટ એડમીનને તો બતાવશેને કે કોને આ પોસ્ટ કરી છે એ?’
‘ના, એડમીનને પણ પોસ્ટ મોકલનાર વિષે કઈ માહિતી ના મળે.’ ફેની બોલી.
મારા સિવાયની ત્રણેયને પૈસેટકે કઈ વાંધો નહોતો. ફેની એકલી એવી નહોતી કે જે સિગરેટ પીતી હોય, પૂજા અને ધારા પણ ક્યારેક સાથે પીઈ લેતા, જયારે મને પોતાના રૂપિયે આવો ખોટો ખર્ચો પાલવે એમ નહોતો. મારામાં પણ બોલીચાલી, ક્લોથીંગ સેન્સમાં, ખુબસુરત ચહેરો હોવા છતા વધારાનું એક આવરણ ચડાવવા મેક અપ બધું વધવા લાગ્યું. પહેલા મહિનામાં ઘરેથી વાપરવા માટે આપેલ પોકેટ મની આવા ખોટા ખર્ચા પાછળ વેડફાઈ ગઈ, હવે આ બધા ખર્ચા કાઢવા માટે કૈક બીજો રસ્તો અપનાવવો પડે એમ હતો.
બાકીની ત્રણેય આખો દિવસ ફોન કે મેસેજ પર બોયફ્રેન્ડ સાથે વળગી રહેતી. ત્રણેયને વાપરવા માટે ઘરેથી છૂટછાટ હતી અને રખડવા, મોજશોખનો ખર્ચો તો એના બોયફ્રેન્ડસ ઉપાડી લેતા. મને થયું કે મારે પણ કોઈ એવું હોઈ કે જે મારો ખર્ચો ઉપાડી લે, મારી આસપાસ જ રહે, મારી કેર કરે, આ બધું કરવા માટે ઘણા લોકો હાજર જ હતા પણ દરેકને મારે ફેસબુક પરથી કોન્ટેક્ટમાં રહેલો ચાહનાનો ઓરીજીનલ ચહેરો બતાવવાનો હતો.
મેં કન્ફેશન પોસ્ટ તૈયાર કરી, ‘હેલ્લો, હું ચાહના છુ. મને એક છોકરો ગમેં છે અને હું એની સાથે કેટલાય દિવસોથી ચેટ કરું છું, એ મને ગમે છે અને કદાચ મને એ પણ તેને કહી નથી શકતી. પણ આવતી કાલે હું તેને મળવા માટે કેન્ટીનમાં અગિયાર વાગ્યે રાહ જોઇશ.’
મેં પોસ્ટ જેવી સબમિટ કરી કે પેજ એડમીને થોડી જ વારમાં પોસ્ટ અપડેટ કરી.
મારે તો કોઈને મળવું નહોતું બસ એમ જ લોકોની વચ્ચે નામ ફેરવતું કરવાનું હતું. આ પોસ્ટ વાંચીને બીજા વિચારશે કે ચાહનાને ક્ન્ફેસન પોસ્ટ કઈ રીતે મુકવી એ પણ ખબર નથી પડતી પણ એ લોકોને ક્યાં ખબર હોવાની કે આમ કરીને બીજા કન્ફેસન કરતા વધુ ખ્યાતી મળવાની હતી !
પોસ્ટ પર ધડાધડ કોમેન્ટ અને લાઇક આવવા લાગી અને સાથોસાથ મારી સાથે ચેટ કરતા રસીયાઓ મેસેજ કરીને પૂછવા લાગ્યા કે હું ક્યાંક એમની વાત તો નથી કરતી ને? અને બધાને મારો એક જ સરખો જવાબ હતો કે કદાચ એ કન્ફેસન એના માટે પણ હોય શકે છે.
આવતી કાલે કેન્ટીન હોત ફેવરીટ પ્લેસ બનવાનું હતું. પેલા છોકરાને મળવા હું જઉ એના કરતા બધાની વચ્ચે ચાહના પટેલ નામે ફેસબુકમાં બધા સાથે ચેટ કરતી છોકરીનો ચહેરો નજર સમક્ષ આવવાનો હતો.
ઘણા મને જોઇને મારી આગળ પાછળ ફરતા તો કેટલાક ફેસબુક પર મારા કોન્ટેક્ટમાં આવીને...
સવારે કોલેજ જતી વખતે પણ બે છોકરાઓ વાત કરતા હતા કે ગઈ કાલે કન્ફેસન પોસ્ટ મુકનાર કોઈ ચાહના નામની છોકરીને તેણે રીક્વેસ્ટ મોકલી તો અને પેલીએ એસેપ્ટ પણ કરી લીધી, એટલું જ નહી મારી સાથે ઘણો સમય સુધી વાત પણ કરી, બોવ સારી છોકરી છે. એવી રીતે વાત કરતી હતી જાણે કે હું એની સાથે ઘણા સમયથી વાત ના કરતો હોઉં!
‘મારે પણ જોવિ છે, કોણ છે અને કેવી છે એ તો જોઈએ.’ બીજો છોકરો બોલ્યો.
‘જે હોય તે પણ કોલેજમાં ઘણા બધા સાથે એ બોલે છે, પણ કોઈએ હજુ તેને જોઈ નથી. કદાચ આ તેની જ ચાલ હશે લોકોની સામે સાવ અલગ રીતે હાજર થવાની.’ પેલાએ કહ્યું.
‘એ તો જે હોઈ એ. જો લૂકમાં સારી નીકળે તો આપણને ક્યાં વાંધો છે અને ખરાબ નીકળે તો ક્યાં આપણા માથે ભૂંગળું લટકાવ્યું છે.’
‘કદાચ બની શકે કે કોઈ છોકરો પણ હોય!’
‘ના મને વિશ્વાસ છે કે એ કોઈ છોકરી જ હશે. કોઈ છોકરો કઈ આટલો નવરો ન હોય એ આખો દિવસ બધાની સાથે ચેટીંગ કર્યા કરે.’
‘છે તો છોકરી જ. તું પેલા યશને ઓળખેને?’
‘કોણ પેલો સેકન્ડ ફ્લોર પર રેતો છે એ?’
‘હા, એ ચાહના સાથે ફોન પર વાત કરતો હોય છે. એ બંને વચ્ચે કૈક ચક્કર ચાલતું હોઈ એવું લાગે છે.’
‘જે હોય એ. આજે તો એ જોવા મળશે એટલે બધું ઉધાડું પડી જશે કે આ કોલેજમાં ચાહનાના નામે ડીજીટલ છોકરી હકીકતમાં કોણ છે એ.’ બીજાએ પૂરી કરતા કહ્યું.
હું મારી બાકીની રૂમમેટ સાથે કેન્ટીન પહોચી. ખૂણામાં સફેદ ટીશર્ટ પહેરીને એક છોકરો બેઠેલો હતો. અને તેની બાજુમાં હાથમાં ગીફ્ટ લઈને યશ બેઠો હતો. પેલો છોકરો મને ઓળખી ચુક્યો હતો. તેણે હાથ ઉચો કર્યો. હું તેની નજીક જઈને ઉભી રહી.
‘હેલો, રવિ.’ પેલાએ હાથ લંબાવતા કહ્યું.
‘અંકિતા.’ મેં હાથ મિલાવ્યા વગર જ કહ્યું.
‘હાઉઝ યુ?’ પેલાએ પૂછ્યું.
‘ફાઈન, યશ તું કોઈની રાહ જુએ છે?’ મેં યશ તરફ ફરીને પૂછ્યું.
‘ચાહનાની,’ યશે ઉતાવળા અવાજમાં કહ્યું.
‘તું યશને ઓળખે છે?’ રવિએ ચોકી જઈને પૂછ્યું.
‘હા, હું એને મળવા જ તો આવી છુ.’ મેં જણાવ્યું.
‘એટલે કે અંકિતા તું જ ચાહના છે જેની સાથે હું કેટલાય દિવસોથી વાત કરું છુ?’ યશે અધીરાઈભર્યા અવાજે કહ્યું.
‘હા, રીયલ નેમ અંકિતા અને વર્ચ્યુઅલ નેમ ચાહના.’
મેં હાથ લંબાવ્યો. બંનેના હાથ એક બીજાને સ્પર્શ્યા. રવિ જાણે કે માન્યામાં પણ ન આવતું હોય એવી નજરે જોઈ રહ્યો. અને સાથે કૈક વિચારવા પણ લાગ્યો. દુર ઊભીને ઘટનાને નિહાળતી ધારા અંદરોઅંદર બીજું કઈક વિચારતી હોય એવું લાગ્યું.
શું અંકિતાની અને યશની મુલાકાત, મિત્રતાની શરૂઆત, પ્રેમ સુધી પાંગરશે કે પછી કઈ નવો જ આકાર લઈને ઉભી રહેશે. એ જોઈશું આવતા શનિવારે...
-દર્શન નસીત
9426664124