Sadagatu sapnu in Gujarati Short Stories by Dr.Shivangi Mandviya books and stories PDF | સળગતું સપનું

Featured Books
Categories
Share

સળગતું સપનું

સળગતું સપનું ......

હાલ, બેન હવે આયા રેવામાં કાય માલ નથી , પડતા મુક આ બધાને , હાલ આપણે ગામ , બવ વેઠી લીધા તે આ દખ ,હવે આ આહુડા ના વહાવ , હાલ મુક આ ખૂણાને ,એક બે જોડી લૂગડાં લઇ કે બીજું કાય લેવું’ય નથી , હાલ બેન હાલ જ્યાં આજ તારી જેઠાણીને બેસીને રોવાનું હતું , આજ જેણે ખૂણો પકડવાનો હતો એ તો એય ને તારા ધણી હારે લીલાલહેર કરતી હશે અને તું આયા રિબાય છે , હાલ તું ક્યાં સુધી આયા આમ રિબાય રિબાય ને મરીશ, હાલ બેન હવે મારી આગળ થા હવે હું તને આયા મરવા માટે નહિ મૂકીને જાવ. કંચનના પિતરાઈ ભાઈએ કહ્યું.

ના ભાઈ, મારે નથી આવું , હું આવું પછી મારા આ અપંગ કાનાનું શું? બાપતો હજી ભાઈની ચિતા ઠરી નથી અને ભાભીને લઈને ભાગી ગયો છે અને હુય જો રોષ કરીને તારી હારે હાલી નીકળું પિયર તો પછી મારા આ કાનાને કોણ સાચવે ભાઈ ? અને પિયરમાં હું કેટલા દી અળખામણી થાવ ભાઈ આ તો તારી મહેરબાની છે ભાઈ કે હજી તું મારી ભાળ લે છે અને મારી રાખડીની લાજ રાખે છે પણ ભાઈ હું તારી ઉપર કેટલા દી બોજ બનું? લગન પેલા’ય હું માં બાપ વિનાની નોધારી હતી અને હવે લગનના આઠ વરહ (વર્ષ) પછી પણ હવે ધણી વગરની નોધારી લગન પેલા તે મને ને જીવલીને સાચવ્યા હતા હવે હું મારા દીકરાને સાચવીશ ભાઈ એના ઓથે જિંદગી જીવાય જાહે, આંખ માંથી ચોધાર આશુ વેહતા હતા તોય કંચનના શબ્દોમાં આશા અને દીકરાનો પ્રેમ છલકતો હતો.

પણ આમ ક્યાં સુધી રહીશ બેન?

રામ રાખે ત્યાં સુધી

બહુ સમજાવ્યા પછી પણ કંચન તેના ભાઈ સાથે પછી પિયર ના ગઈ કદાચ કોઈએ ગળથૂથીમાં પાયું હશે કે એક છોકરીની ડોલી માવતરથી અને આથી સાસરેથી જ ઉઠે

ભાઈ થોડા ઘણા રૂપિયા આપીને પોતાને ગામ પાછો ફર્યો અને અને કંચન પોતાની નાની એવી ઓરડીમાં દીવાની જ્યોતની જેમ ધ્રુજતી સળગતી રહી .

ગમે તેવો હતો તો’ય ધણી હતો, ભલે મારતો કૂટતો તો’ય આયા (અહીં ) રહ્યો હોય તો શું જાત એનું? શું કરું? શું ન કરું? ભાઈને તો પાછો મોકલી દીધો પણ હવે કેમ પૂરું કરીશ? હું તો છાશ ને રોટલો ખાય લઈશ , ઉપવાસ પણ કરી લાયસ પણ મારા કાનનું શું? એને શું ખવડાવીશ? કેમ ભણાવીશ? શું મારા કાનાને પણ મારી જેમ જ મારી મારીને જીવવું પડશે , જો મારી મારીને જ જીવાડવા હોઈ શું કામ તું જનમ દેતો હોઇસ હે ભગવાન! સતત અવ વિચારોના વમળમાં ફાંસીને ક્યારે સ્વર પડી ગયી ખબર ન રહી કંચન ને.

મા, બાપુ હવે ક્યારેય નઈ આવે ? ઓલો લખમણ કેતોતો કે એ આપણને રોતા મૂકી ક્યાંક વયા ગયા છે , હવે એ નઈ આવે આવે ને મા, બિચારી કંચન દીકરાને કઈ હૈયાધારણા આપે એ પહેલા કંઈજ મા ને શાંત્વના પાઠવતા કહી દીધું કે , સારું થયું મા , બાપુ જતા રયા, હવે એ આપણને બેય ને મારશે તો નય ,હવે આપણે બેય શાંતિથી જીવીશું , આવું જયારે છ વર્ષના કાનાને કીધું ત્યારે કંચન હચમચી ગઈ અને કઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર તે કામ ગોતવા નીકળી ગઈ બસ એ એટલું જ બોલી શકી કે હું હમણાં આવું છું તું ઘરની બહાર નીકળતો નહિ

કામ ગોતતા ગોતતા પાચ છ દિવસો લાગ્યા , ત્યાં સુધી ભાઈએ આપેલા પૈસામાં ગુજરાન ચાલ્યું કંચનને એક બંગલામાં ઘરકામ કરવા એક શેઠની એ રાખી . ઘર નું ગુજરાન ચાલે એટલુ કંચન કમાઈ લેતી , ટકનું લઈને ટકનું બંને મા દીકરો ખાતા, દરરોજ સવારે છ વર્ષના દીકરાને તૈયાર કરી ઓરડીના આંગણે બેસાડી પોતે કામ કરવા જતી અને બપોરે આવી દીકરાને જમાડી પાછી ચાલી જતી તો સાંજે ઘરે આવતી .

એક દિવસ ગૌરવ બહાર બેઠો હતો (ગૌરવએ કંચનનો દીકરો કાનો, કંચન ગૌરવને કાનો કહીને બોલાવતી) અને શેરીના વંઠેલા તોફાની છોકરાઓએ ગૌરવને હેરાન કર્યો અને ધક્કો દીધો ,અને અને હાથ ભાંગ્યો ,પાડોશી તેને સરકારી દવાખાને લઈ ગયા. x rayમાં હાથનું ફ્રેકચર આવ્યું અને બે દિવસનું રોકાણ થશે એવું ડોકટરે કીધું . કંચનને તો જયારે સાંજે ઘરે આવી અને કાનને ના જોયો ત્યારે આજુબાજુમાં પુછતાછ કરી ત્યરે ખબર પડી અને હાફડી ફાફડી થતી તે જલ્દી જલ્દી દવાખાને ગઈને છોકરાને સલામત જોઈને જીવ માં જીવ આવ્યો , પણ કેહવાય છેને કે જે થાય છે એ સારા માટેજ થાય છે એમ હાથનું ભાંગવું અને અપંગ પણાનું જાવું. જન્મજાત રહેલી ખોટનો પણ ઈલાજ થયો સરકારી દવાખાનાના ડોક્ટરોની સારવાર અને નિષ્ઠાથી ગૌરવને નવું જીવન મળ્યું જોકે હજી થોડી ખોટ હતી પણ હવે તે એકલો ચાલી શકતો, હવે ગૌરવને કોઈના પણ ટેકાની જરૂર નહોતી.

હવે કંચને નક્કી કર્યું હતું કે એ હવે પોતાના દીકરાને ક્યારેય એકલો નહિ મુકે , એટલે તેને પોતાના શેઠાણીને પોતાની આખી આપવીતી જણાવી અને શેઠની હા જ પાડે એટલે એને વધારે ઉમેર્યું કે મારો કાનો બહુ ડાહ્યું , એ તોફાન નઈ કરે , એ તમારું કઈ નુકશાન પણ નહિ બસ એ ખાલી અહી શાંતિથી બેસશે અને મારી નજર સામે હશેતો મને પણ નિરાંત રહેશે ,કંચનની વાત સાંભળી શેઠાણી તરત માની ગયા અને કહ્યુ કે સારું કાલથી લઈ આવજે . આજ બપોરે લઈ આવું ? ડરતા ડરતા કંચને કહ્યું . હા , તું તારે લઈ આવજે બસ !

હાલ, કાના જલ્દી જમી લે આજ તારે મારી હારે આવવાનું છે.

ક્યાં મા?

હું જ્યાં કામ કરું છું ને તે બંગલે , હાલ હવે એકેય સવાલ બગર જામી લે મોડું થશે નહિ તો.

જમીને ઘરનું થોડું કામ કરી ને બને મા દીકરો ચાલી નીકળ્યા

છ વર્ષની જીંદગીમાં પહેલી વાર ગૌરવને ભાન થયું કે બધા એક નાનકડી ઓરડીમાં નથી રહેતા હોતા. દુનિયામાં મોટા મોટા આલીશાન મકાનોમાં પણ રહેતા હોય છે.

મા, આ બંગલોતો જો આપણી આખી શેરી અહી રહી શકે છે કેમ? કેટલી ઓરડીઓ છે અંદર અંદર અને અપડે તે બસ ચાર દીવાલજ. મા, આવુય ઘર હોઈ આયા કેટલા લોકો રહે છે?

ગૌરવ આ આલીશાન મકાનથી અંજાય ગયો હતો

આયા ચાર જણા રયે છે શેઠ, શેઠની, શેઠના બા અને શેઠનો દીકરો.

બસ, ચાર જ જણા અને આવડું મોટું મકાન

હા, બેટા બધા થોડા આપણી જેમ એક ઓયડીમાં આયખું કાઢે.

મા, હુય મોટો થઈને બંગલો બનાવીશ જોજે અને અપને બેય એમાં રેશું હો!

કાલી ઘેલી ભાષામાં એક સપનું જોવાણું અહી અને કંચન પણ આ સપનાની સવારીએ ચડી ગઈ પણ વાસ્તવિકતાનું ભાન થતા એ તરત પાછી નીચે ઉતારી ગઈ

બે દિવસ પછી કંચનને શેઠની એ પૂછ્યું, કેટલા વર્ષનો છે તારો કાનો

છ વર્ષનો

તારે એને ભણાવો ગણવો નથી

પોતાના દીકરાને ભણાવા ગણાવાના કઈ મા ને અભરખા ના હોઈ? પણ જેટલું કમાઉ છું એતો પેટનો ખાડો પૂર્વમાં વપરાય અને બીજા છૂટક ખર્ચા કેમ ભણવું હું આને?

તારો પગાર હું આજથી વધારી દઉ છું અને જો તારે બીજા કામ બાંધવા હોઈ તોય હું ભલામણ કરીશ, તારા છોકરાને ભણાવજે .

જો અહી કોઈ મોર્ડન વ્યક્તિ હોત તો thankyou અથવા thankyou very much કહીને આગળ વધી ગયું હોત પણ કંચનતો ભોળી હતી એને આવા કોઈ વહેવાર આવડતા નહોતા પણ શેઠાણી, હું તમારો ઉપકાર મરીશ ત્યાં સુધી નહિ ભૂલું , મારીશ ત્યાં સુધી આ ઘરની સેવા કરીશ , તમારી મનની સારી મુરાદો પૂરી કરે ભગવાન! તમારી ચડતી દેરી આમજ ચડતી રયે. આવતો કેટલાય દુવઓની ભેટ આપી.

ગૌરવને ભણવા બેસાડ્યો અને કંચન પાછી સપનાની સવારીએ ચડી ગઈ , મારો કાનો ભણી ગણીને મોટો માણસ બનશે એને મારી જેમ જીવતર નહિ ખેડવું પડે.

વર્ષોના વાણા વીત્યા . ગૌરવે દસમું પાસ કર્યું, ખાલી પાસ કરવા ખાતર નહિ પણ ગૌરવે કંચનનું ગૌરવ વધાર્યું અને સમગ્ર જીલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને સરકાર તરફથી થોડીઘણી શિષ્યવૃતિ પણ મળી અને આગળ ભણવા ગામથી દુર તાલુકાની શાળામાં મોકલ્યો . ગૌરવની ગાડી આગળ ચાલતી ગઈ અને એને એન્જીનીયરીંગમાં એડમિશન મળ્યું

અહી ગામમાં કંચન હજી ઘર કામ કરી પૈસા કમાઈ શક્ય એટલી કરકસર કરીને પોતાના દીકરાને મોકલતી પણ કેટલું મોકલાય બીચારીથી?

તો બીજી બાજુ ગૌરવ પણ કોઈ દિવસ કંચન પાસે કઈ માંગતો નહિ અને કોલેજેથી છૂટે એટલે તરત છોકરાઓને ભણાવવા નીકળી જતો અને આમ તે થોડું ઘણો કામે લેતો. જયારે બીજા છોકરાઓ રજાઓમાં મોજ મસ્તી કરતા હોઈ ત્યારે ગૌરવ ચોપડા ફંફોળતો હોઈ. પોતે પણ ભણતો અને બીજાને પણ ભણાવતો.

બધા વર્ષમાં શ્રેષ્ઠ પરિણામ સાથે પાસ થતા ગૌરવને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ અને પાછુ સાથે સારો પગાર ગાડી અને મકાન પણ ઓફર થયા.

ગૌરવે પોતાના ગામ ફોન કર્યો. પોતાના ઘરેતો ફોન હતો નહિ તેથી જયારે ગૌરવને એની મા સાથે વાત કરવાનું મન થતું ત્યારે તે પોતાના પાડોશીને ફોન કરતો આજે પણ એવું જ કર્યું . ફોન લગાડ્યો , હેલ્લો હું ગૌરવ બોલું છું , મા ને બોલાવી આપો ને .

કોણ કાનો? સામેથી જવાબ મળ્યો

હા, કાનો મા હોઈ તો બોલાવી આપોને .

એ કંચન, તારા કાનનો ફોન છે ,આલ્લે જલ્દી આવ.

મારા કાનનો! કંચન દોડતી આવી.

હેલ્લો, મા હું ગૌરવ, પગે લાગુ.

સુખી થા દીકરા. કાના કેટલા દા’ડાથી તને જોયો નથી. હવે કે’દી તું આવશ ? દીકરા એક આટો મારી જા. ઓ મારા જીવને પણ શાંતિ થાય.

મા હું કાલ જ આવું છું પણ આટો મારવા નઈ

હજી તો ગૌરવ આગળ બોલે એ પેહલા તો કંચન કા કાના તું સાવ પાછો આવી જાસ? ન્યા કાય વાંધો પડ્યો , તને ઠીક નથી ? શું થયું કે તો ખરો. બધું એક શ્વાશે કંચન બોલી ગઈ

મા, મને તો બોલવા દઈશ તો બોલીશને હું. કઈ થયું નથી હું કાલે તને લેવા માટે આવું ચુ મારી ગાડી લઈને!
શું તું મને તેડવા અવશ? એય તારી ગાડીમાં? મસ્તી રેવા દે કાના.
હા, મા અહી અમે એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ છે . અને કંપની વાળાએ ઘર અને ગાડી બંને આપ્યા છે. અને ઘર પેલા તારા શેઠાણી જેવુજ આલીશાન છે. હવે તારે કઈ કામ કરવા નહિ જવાનું, હવે તારે ખાલી જલસા જ કરવાના છે. મેં કીધું તું ને તને કે હું મોટો થઈને એવા ઘરમાં તને રાખીશ જો મેં એવું કરી દેખાડ્યું, હવે ઓરડીમાં આયખું નઈ કાઢવું પડે.

હા દીકરા એ કાળી ઘેલી ભાષામાં બોલાયેલા શબ્દો તો તારા હતા પણ ત્યારથી એ સપનું મારી આંખમાં તરવરતું હતું અને કેટલીય વાર એ સપનાની સવારી ચડતી અને પળવારમાં પાછી નીચેય ઉતરતી કોને ખબર હતી કે તારા બોલ તું સાચા કરીશ!

મા, કાલ તૈયાર રેજે હું તને લેવા આવીશ.

હા, કાના હું અત્યારથી જ તૈયારી કરું છું પણ પેલા હું શેઠાણી પાસે જી આવું એને ઉપકાર માની આવું, ધન્યવાદ કહી આવું . જો એ ના હોત તો તું ભણવાની શરૂઆત ના કરી શક્યો હોત . એ આપણા માટે ભગવાન કેવાય. કાલ હું તારી રાહ જોઇસ આવજે.

કંચને જે સપનું જોયું હતું તેને ખંખેરી નાખવા છતાં ક્યાક તેની આંખના કોઈ એક ખૂણે દરરોજ સળગતું હતું . કામ કરવા જાતી ત્યારે બંગલામાં પગ મુકતાની સાથે જ એના કાનના શબ્દ એના કાનમાં પડઘાતા હતા, “ મા, જોજે એક’દી હુંય આવો બંગલો બનાવીશ”

આજ એનું આ સ્વપ્ન હકીકત બનવા જઈ રહ્યું હતું અને એને સપનાને કાલથી જીવવાની હતી. કાંચનનો એક નવો જન્મ થવાનો હતો એ પેહલી વાર કોઈ ગાડીમાં બેસવાની હતી.

કેટલાય વિચારો કંચનના મનમાં રમી રહ્યા હતા.કાલને જીવવાની તૈયારી એને આજ પળે કરી લીધી હતી.

હરખઘેલી થઈને કંચને પેલા બંગલાની વાત પકડી અને એની વિચારોની આતુરતાયે પણ માજા મૂકી. ઈ કેટલીય વાતો વાગોળતી જતી હતી એનો ભૂતકાળ અખો એની સામેથી પસાર થઇ ચુક્યો હતો અને સાથે ભવિષ્યની કલ્પનાઓ પણ એના મનમાં રમતી હતી આજુબાજુ શું થાય છે એની કાય એને ભાન નહોતી એતો બસ એની મસ્તીમાં મશગુલ હતી.

કાલ મારો કાનો મને તેડવા આવશે , એય એની ગાડી લઈને, હું કાલે પેલી વાર ગામની બાર નીકળીશ, મેં ક્યાં કઈ જોયું છે બસ પિયર અને આ ગામ સિવાય કેવું શેર હશે એ , કેવા લોકો રેતા હશે? બે ગામની બારની દુનિયા કેવી હશે? કેવું ઘર , અરે ઘર નઈ બંગલો કેવો હશે? કેવા રંગની ભીતો હશે? આંગણ કેવું હશે? મારે ન્યા લીપવું તો નઈ પડે. કેવી શેરી હશે? માણાહ કેવા હશે? એ તો સારા જ હોઈને ભાઈ ! અપને સારા તો સૌ સારા!

એ બંગલામાં રસોડુય અલગ હશે કા? કેવી રસોઈ બનવાની મજા આવશે.

બસ અવાજ વિચારોથી ઘેરાયને ચાલતી ગઈ

બીજે દિવસે ગૌરવ આવ્યો. ગાડી શેરીમાં આવતાની સાથેજ બધા અચંબિત થાય ગયા હતા અને બસ થોડી વાર ગાડીને તો થોડીવાર એમાંથી ઉતરતા એના કાનને જોતા હતા.

ઓરડી બંધ હતી, ગૌરવે ખખડાવ્યું પણ અંદરથી કઈ અવાજ ન આવ્યો પણ થોડોક ધક્કો લાગ્યો ત્યાં દરવાજો ખુલી ગયો.અંદર કોઈ હતું નહિ. ગૌરવે આસપાસ પૂછ્યું તો જવાબ મળ્યો કે, તારા ફોન પછી એ એના શેઠાણીને ત્યાં જાય છે એવું કહીને નીકળી હતી પછી કોઈએ કંચનને જોઈ નથી અમને એમકે એ અનાદર બધી તૈયારી માં વ્યસ્ત હશે .

ગૌરવ બંગલે ગયો તો ત્યાંથી જવાબ મળ્યો કે કંચન કાલે ગઈ પછી પાછી આવીજ નથી.

ક્યાય કંચન નો ભાળ મળી નહિ , આખું ગામ ગૌરવ ફરી વળ્યો પણ કાલ સાંજની કોઈએ કંચનને જોઈ નહોતી . ત્યાં કોઈએ એને કહ્યું કે કાલે કોક બાઈનું એકસીડન્ટ થયું હતું, રસ્તાની વચોવચ હાલતી તી, બિચારા ટ્રકના ડ્રાઈવરે કેટલાય હોર્ન માર્યા પણ કઈ સંભાળતી જ નહોતી, પણ એ બાઈ કોણ હતી એ વરતાણી નહોતી . બિચારો ગૌરવ તરતજ હોસ્પિટલ પહોચ્યો અને પુછતાછ કરી અને હોસ્પિટલ સ્ટાફે બીનવાસી લાશ ગણીને રાખવામાં આવેલી તે મોર્ગ રૂમમાં ગૌરવને લઈ ગયા .જે છોકરો પોતાની મા ના સપના સાકાર કરવા આવ્યો હતો તે આજે લાશ પરખવા ગયો અને જોતાજ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. જેને આજે તે એક નવી દુનિયા બતાવાનો હતો તે આજે એક જુદી દુનિયામાં કઈ સરનામાં આપ્યા વગર ચાલી ગઈ હતી. જે પહેલી વાર ગાડીમામા બેસવાની હતી એને આજે અર્થીમાં સુવડાવી પડી અને જે નવા બંગલાના જુદા રસોડામાં પેલી વાર ચૂલો સળગવાની હતી એની આજે ચિતા સળગશે અને બંગલામાં રેહવાનું સપનું સળગતું જ રહેશે

દીકરાએ મા ના અંતિમસંસ્કાર કર્યા અને અગ્નિદાહ દેતી વખતે એટલું જ બોલી શક્યો કે , “મારી મા નું સપનું સળગતું જ રહી ગયું”. અને એના આંસુડા એ માજા મૂકી. ચિતા સળગી અને કંચનનો સપનું પણ સળગી અને રાખ થઈ ગયું . શહેર ની વાટ પકડવાની વેળાએ આજે કંચનએ એક બીજી જ દુનિયાની વાટ પકડી.