ઈશ્વરની ચોરી
રામપુર ગામ આમ તો ભારે ભક્તિભાવવાળું, પણ આજે ગામના મુખ્ય ચોકમાં આવેલ મંદિરનું વાતાવરણ રોજ સવારની જેમ શાંત અને ભક્તિમય નહોતું. આજે ભારે અવરજવર અને અફડાતફડી હતાં. કારણ બહુ મજબૂત હતું : ઈશ્વરની મૂર્તિ ઉપર રાખેલું છત્ર ગઈ રાતે કોઈ ચોરી ગયું હતું. ગઈ રાત્રિએ ભારે વરસાદ અને વાવાઝોડાનો કોઈ નાસ્તિક વ્યક્તિએ ગેરલાભ લઈ લીધો હતો. આમ તો છત્ર કંઈ સોના કે ચાંદી મઢેલું નહોતું. પણ ભક્તોમાં એટલી બાબત આશ્વાસનરૂપ બને એમ ક્યા હતી! બંધ મંદિરના ઘુમ્મટ નીચે ઈશ્વરને છાંયો પૂરું પાડતું છત્ર આજ ગુમ હતું, ઈશ્વર જાણે છત્રછાયા વિનાના થઈ ગયા હતાં !!
આવા અક્ષમ્ય અપરાધની જાણ થતાં મંદિરના પુજારી-દાદા આઘાતથી બેહોશ થઈ ગયેલા. ગામના સરપંચ અને શાખ ધરાવતા અન્ય સૌ પોતપોતાનાં મહત્વનાં કાર્યો છોડી દોડી આવેલા. મંદિરની પરસાળમાં મિટિંગ જામી હતી અને ઉગ્ર ચર્ચા દ્વારા માહોલ ગરમાયેલો હતો. કોઈકે મંદિરમાં કેમેરા લગાવવાનું સૂચન કર્યું તો કોઈકે ઈશ્વરની મિલકતોને સાચવવા માટે ચોકીદાર રોકવાની ભલામણ કરી. કોઈએ પૂજારી પર શંકા કરી તો કોઈએ મંદિરનાં તાળાં તાત્કાલિક બદલાવી નાખવાની સલાહ આપી. આખો દિવસ આ ધમાલ ચાલી. સાંજનું અંધારું ઘેરાવા લાગ્યું ત્યાં સુધી ચોરનો તો કોઈ પત્તો ન લાગ્યો પણ મંદિરની મૂર્તિમાં વસેલ ઈશ્વર આ તમામ ભાગદોડથી કંટાળી ગયા. આજ આખો દિવસ એમને એક ઘડીનો આરામ મળ્યો નહોતો. એમણે વિચાર્યું કે આજે રાત્રે કોઈને ખબર ન પડે એમ ચુપચાપ મંદિરમાંથી નીકળી જવું અને છત્ર લઈ જનાર વ્યક્તિને શોધી કાઢી છત્ર પાછું યથાસ્થાને મૂકી દેવું. આમ તો ઈશ્વર પોતાની દિવ્ય શક્તિ અને ત્રિકાળજ્ઞાનનો ઉપયોગ કરી આ કાર્ય પોતાના સ્થાને જ રહીને કરી શકે તેમ હતા પણ તેમણે વિચાર્યું કે આ બહાને અહીંથી જરા બહાર નીકળી ચોરને શોધવા ગામમાં આંટો મારી આવવાનો રોમાંચ ગુમાવવા જેવો નથી.
જ્યારે આખુંય ગામ નિંદ્રાની પછેડી ઓઢી પોઢી ગયું હતું ત્યારે અડધી રાત્રીના સમયે મંદિરમાં રહેલી ઈશ્વરની મૂર્તિમાં ચેતન આવ્યું. જરા પણ અવાજ ન થાય એ રીતે પ્રભુ ગર્ભગૃહ છોડી બહાર આવ્યા. ગઈ રાતની ઘટના પછી આજે પૂજારી અને અન્ય બેચાર વ્યક્તિઓ મંદિરના પરસાળમાં જ ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. ભગવાન મંદિરની બહાર નીકળ્યા. બે હાથ ફેલાવી આળસ મરડતી વખતે તેમણે વિચાર્યું કે નક્કી ચોર ગામની વ્યક્તિ તો નહિ જ હોય, નહિ તો આ ગામવાસીઓએ અત્યાર સુધીમાં તેને પકડી જ લીધો હોત.
ભગવાન મસ્તીથી ચાલતા ચાલતા ગામની ભાગોળે પહોંચ્યા. હળવો વરસાદ શરૂ થયો ત્યારે પ્રભુએ વિચાર્યું કે એક લાંબા અર્સા બાદ આજે કુદરતી વર્ષામાં ભીંજાવાનો મોકો મળ્યો છે. ગામ પૂરું થયા પછી એક નાનું જંગલ શરૂ થતું હતું. ભગવાન જંગલમાં પ્રવેશ્યા. વરસાદ વધી રહ્યો હતો. ભગવાનને યાદ આવ્યું કે છેલ્લી ત્રણેક રાતથી ગામમાં વીજળીના ભારે કડાકા-ભડાકા સાથે વાવાઝોડું અને વરસાદ વરસી રહ્યાં હતાં. ધોધમાર વરસાદમાં જંગલમાં ઝબૂકતા આગિયા અને લીલીછમ ધરા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. જરા આગળ વધતાં એક નાનું ખુલ્લું મેદાન આવ્યું. મેદાનના છેડે એક નાની નદી પણ ખળખળ વહી રહી હતી. અચાનક ભગવાને જોયું કે મેદાનની મધ્યમાં તેમનાં ચોરાયેલાં છત્ર જેવી જ કોઈ વસ્તુ જમીનમાં ખોડાયેલી હતી. ભગવાન ખુશ થઈ ગયા. એ દબાતે પગલે આગળ વધતા મેદાનના મધ્યભાગે પહોંચ્યા.
એક ઘટાદાર વૃક્ષની બાજુમાં જમીનમાં ખૂંપેલું છત્ર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પવનને કારણે જરા જરા ઝૂલી પણ રહ્યું હતું. નજીક પહોંચતા ભગવાનને વૃક્ષ નીચે બેઠેલી બે ધૂંધળી આકૃતિઓ પણ દેખાઈ. એક પછાત જેવું લાગતું દંપતી વૃક્ષ નીચે પલળતું બેઠું હતું અને ઠંડા પવનને કારણે ધ્રુજી રહ્યું હતું. ભગવાને જોયું કે ભીની જમીનમાં ખોડેલા તેમનાં છત્ર નીચે એક સાવ નાનું બાળક ડાબા હાથનો અંગુઠો મોઢામાં નાખી ઘસઘસાટ ઊંઘતું હતું. બાળકને ભીંજાતું અટકાવવા તેના પર પાંદડાં ઓઢાડેલા હતાં, છતાં બાળક તોફાની વરસાદમાં જરાજરા ભીંજાઈ રહ્યું હતું.
ભગવાને સાધુનો વેષ ધારણ કર્યો અને દંપતી પાસે પહોંચ્યા. તેજોમય સાધુને જોઈ બંને ઊભા થયા. ભગવાને જરા કડક અવાજે પૂછ્યું :
“કોણ છો તમે ? અને આવા સમયે અહીં ઘનઘોર જંગલમાં શું કરો છો ? આ બાળક તમારું છે ? શા માટે એને આવી હાલતમાં રાખ્યું છે ?”
“મહારાજ... હું એક કઠિયારો છું. ગામમાં રહેતો હતો. આ મારી પત્ની અને બાળક છે. હું લાકડાં કાપી, ગામમાં વેચી ગુજરાન ચલાવતો હતો. બે દિવસ પહેલાં ગામના કેટલાક લોકોએ અફવા ફેલાવી કે અમારા ઘરમાં ભૂતોનો વાસ છે. ને એ બહાના હેઠળ માથાભારે લોકોએ અમારું ઘર સળગાવી દીધું. હકીકતમાં મહારાજ, તેમને રોજ રાતે દારૂ પીવા માટે કોઈક એકાંત સ્થળની જરૂર હતી. ત્યારપછી અમે અહીં જ ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા. ગઈકાલ સાંજે જે ઝંઝાવાતી વરસાદ આવ્યો એમાં ઝૂંપડી ઊડી ગઈ, અમે ફરી બેઘર બની ગયાં મહારાજ... ” જોડેલા બે હાથે તૂટક અવાજથી કઠિયારાએ વાત આગળ ચલાવી.
“અમે તો સહન કરી લઈએ આ કુદરતનો પ્રકોપ, પણ આ અમારું બચ્ચું ક્યાં જાય ? ને વળી અહીં જંગલી જનાવરોનો ડર પણ ખરો... તો મહારાજ... કાલે મારે એક પાપ કરવું પડ્યું. ગઈરાત્રે બાજુના ગામના મંદિરમાંથી હું ભગવાનના માથે રહેલું આ છત્ર ચોરી લાવ્યો.” ભગવાન સાંભળી રહ્યા હતા. “આપ સાધુ-મહારાજ તો ઈશ્વરની નજીક રહો છો... તો મને આ પાપના પ્રાયશ્ચિતનો ઉપાય બતાવો મહારાજ... વરસાદ બંધ થયે હું તરત જ આ છત્ર પાછું મંદિરમાં મૂકી આવીશ તેની ખાતરી આપું છું...”
ઈશ્વરનું કોમળ હૃદય દ્રવ્યું. તેમણે કઠિયારાને આશ્વાસન અને હિંમત આપ્યા. વરસાદ ધીમો પડી અટકી રહ્યો હતો. ભગવાને કાષ્ઠ એકઠાં કરી નવી ઝૂંપડી બનાવવાનું કઠિયારાને સૂચન કર્યું અને એ કાર્યમાં મદદરૂપ થવાની પણ તૈયારી દર્શાવી. કઠિયારાની પત્નીને છત્ર નીચે બાળક પાસે બેસાડી બંને જંગલના ગીચ વિસ્તાર તરફ લાકડાં ભેગાં કરવા ચાલી નીકળ્યા. વરસાદ અટકી ગયો હતો અને ભડભાંખળું થવાની તૈયારી હતી ત્યારે સાધુ સ્વરૂપે રહેલા ભગવાન અને કઠિયારાએ નવી ઝૂંપડી બનાવવાનું કાર્ય શરૂ કર્યું. ઘણા સમયથી મંદિરની બહાર ન નીકળેલા ભગવાનને આજે આ કાર્ય રોમાંચક લાગ્યું. એક સામાન્ય માનવીની જેમ પરિશ્રમ કરી તેમણે કઠિયારાનું નાનું એવું ઘર તૈયાર કર્યું અને તેમાં ઘાસની સુંદર પથારી પણ બનાવી. પોતાના કોમળ હાથથી ઊચકી તેમણે સ્નેહપૂર્વક બાળકને તેમાં સુવાડ્યું. સદા ઘંટારવથી ટેવાયેલા ભગવાનના કર્ણ બાળકના કિલકિલાટથી ભરાઈ ગયા ત્યારે તેમની નાજુક આંખો પણ જરા ભીંજાઈ.
કાર્ય પૂર્ણ થતાં ઈશ્વરે કઠિયારાને આશીર્વાદ આપી ફરી ગામમાં જવાનો વિચાર કર્યો પણ ઉપવનનું સુંદર કુદરતી વાતાવરણ છોડી સ્વસ્થાને જવાની તેમને ઈચ્છા ન થઈ. ગળગળા બનેલા કઠિયારાને ભેટી ઈશ્વર જંગલના ઊંડાણ તરફ ચાલતા થયા ત્યારે ક્ષિતિજે સૂર્ય ડોકાઈને ભગવાનને પ્રણામી રહ્યો હતો અને બીજી તરફ મંદિરના પરસાળમાં પુજારી ફાટી આંખે ચીસ પાડી કહી રહ્યો હતો, “અનર્થ થઈ ગયો... અનર્થ થઈ ગયો... આજે તો ઇશ્વરની મૂર્તિ જ કોઈ ચોરી ગયું....”
-સાકેત દવે.