Nani nani Vartao - 2 in Gujarati Short Stories by Archana Bhatt Patel books and stories PDF | નાની નાની વાર્તાઓ - 2

Featured Books
Categories
Share

નાની નાની વાર્તાઓ - 2

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : નાની નાની વાર્તાઓ - 2

શબ્દો : 1489

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

નાની નાની વાર્તાઓ - 2

1.

સમુદ્રની વચ્ચે આવેલા એક નાના ટાપુ પર અહંકાર , લાલચ , હતાશા , આનંદ અને પ્રેમ રહેતા હતા. એકવાર સમુદ્રનું પાણી ટાપુ પર આગળ વધવા લાગ્યુ. બધાને થયુ કે હવે આ ટાપુ નહી બચે આથી ટાપુ પર રહેતા દરેક સલામત જગ્યાએ જવાની તૈયારી કરવા લાગ્યા. પ્રેમને ટાપુ સાથે ખુબ લગાવ હતો આથી એ ટાપુના એક એક ખુણે આંટો મારવા ગયો અને બધી જગ્યાને એણે ખુબ વહાલ કર્યુ.



પાણી હવે તો ઘુટણ સુધી આવી ગયુ. પ્રેમ સલામત જગ્યાએ જવા માટે તૈયાર થયો પણ એમની પાસે હોડી નહોતી. હવે શું કરવું એની ચિંતામાં પ્રેમ માથે હાથ મુકીને બેઠો હતો ત્યારે જ અહંકાર પોતાની હોડી લઇને ત્યાંથી નીકળ્યો.પ્રેમે હોડીમાં બેસવા દેવા વિનંતી કરી એટલે અહંકારે કહ્યુ , " મારી હોડી તો સમૃધ્ધિથી છલોછલ ભરી છે. બેસવા માટેની કોઇ જગ્યા જ નથી માટે હું તને મારી સાથે નહી લઇ જઇ શકુ."


થોડીવારમાં લાલચ ત્યાંથી પોતાની હોડી લઇને નીકળી એટલે પ્રેમે એમને પણ પોતાની સાથે લઇ જવા માટે વિનંતી કરી. લાલચે કહ્યુ , " હું તને મારી સાથે લઇ જવા માટે તૈયાર છુ પણ તું મને શું આપીશ ? " પ્રેમે કહ્યુ , " હું આ છેલ્લી ઘડીએ ટાપુના કણ-કણને પ્રેમ કરવામાં વ્યસ્ત હતો એટલે હું બીજુ કંઇ મારી સાથે લઇ શક્યો નથી આથી તને કંઇ આપી શકુ તેમ નથી." લાલચને સમજાઇ ગયુ કે આ તો લુખ્ખો છે એટલે એણે પણ પોતાની હોડી ભગાવી મુકી.

હવે શું થશે એવા વિચારમાં ડુબેલા પ્રેમને કોઇના ગાવાનો અવાજ સંભળાયો. એણે જોયુ તો આનંદ પોતાની હોડી લઇને જતો હતો. પ્રેમે ખુબ બરાડા પાડ્યા પણ આનંદ તો પોતાની મસ્તીમાં હતો આથી એને પ્રેમનો અવાજ સંભળાયો જ નહી. થોડીવારમાં હતાશા રડતા રડતા નીકળી એનો રડવાનો અવાજ એટલો ઉંચો હતો કે એને પણ પ્રેમનો અવાજ ન સંભળાયો.

પ્રેમને થયુ હવે એમનું મોત નિશ્વિત છે.પ્રેમ રડવા લાગ્યો બરાબર એ જ સમયે એક અજાણ્યા માણસે આવીને પ્રેમને કહ્યુ , " અરે ભાઇ , રડવાનું બંધ કર ચાલ મારી હોડીમાં બેસી જા." પ્રેમના જીવમાં જીવ આવ્યો. એ કુદકો મારીને હોડીમાં બેસી ગયો. કાંઠે પહોંચ્યા પછી એ એવા તો આનંદમાં હતો કે પોતાનો જીવ બચાવનાર એ ભલા માણસનું નામ પુછવાનું ભુલી જ ગયો.


પ્રેમ પોતાના મિત્ર જ્ઞાનના ઘરે ગયો અને આખી ઘટના જ્ઞાનને સંભળાવી. જ્ઞાને કહ્યુ , " તને બચાવનાર કોણ હતુ એની મને ખબર છે " પ્રેમ કહે , " યાર જલ્દી મને એનુ નામ કહે એ મહાપુરુષ કોણ હતા ? " જ્ઞાને કહ્યુ , " તને બચાવનાર સમય હતો. કારણકે માત્ર સમય જ જાણે છે કે પ્રેમ શું છે અને એનું શું મહત્વ છે ! "


મિત્રો , અહંકારની અવળચંડાઇમાં , લાલચના લગાવમાં , આનંદના અતિરેકમાં કે હતાશાની હૈયાવરાળમાં પ્રેમની સંભાળ લેવાનું ચુકાય ન જાય એ જોજો.

2.

પોતાને પડતા દુખોથી પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સુતા પહેલા ફરીયાદ કરી રહ્યો હતો કે પ્રભુ મને જ કેમ દુખો આપે છે મારા ગામના બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે.


એ રાત્રે સુતા પછી આ ભાઇને એક સ્વપ્ન આવ્યું. સ્વપનમાં એણે જોયુ કે એક બહુ જ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઇ રહ્યા છે.


તમામ લોકોને પોતાના દુખોની પોટલી સાથે લઇને આવવાની સુચના મળી હતી આથી બધા પોતાની સાથે દુખોની પોટલી પણ લાવ્યા હતા પરંતુ સ્વપ્નું જોઇ રહેલા આ માણસને આશ્વર્ય થયુ કે તે જેને સુખી ગણતો હતો તે બધા પાસે પણ દુખોની પોટલી હતી અને વળી બધાના દુખોની પોટલી સરખી જ હતી.

વધુ આશ્વર્ય ત્યારે થયુ જ્યારે એમણે મંદિરના પુજારી, મસ્જીદના મૌલવી, ચર્ચના પાદરી, ગામના સૌથી અમિર નગરશેઠ વગેરેને પણ પોતાની દુખની પોટલી સાથે ત્યાં આવેલા જોયા.


બધા ભેગા થઇ ગયા એટલે આકાશવાણી થઇ કે હવે તમે બધા તમારા દુખની પોટલી દિવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો. બધા જ પોતાનું દુખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટીં પર પોતાના દુખની પોટલી ટાંગી આવ્યા.

થોડા સમય પછી ફરી આકાશવાણી થઇ કે હવે તમારે જે કોઇની પણ દુખની પોટલી ઉપાડવી હોય તે ઉપાડી શકો છો બધાને પોતાના દુખની પોટલી બદલવાની છુટ છે..

સપનું જોઇ રહેલા માણસને થયું કે નગરશેઠની પોટલી જ ઉપાડી લઉં! પણ તુંરંત વિચાર આવ્યો કે એ પોટલીમાં કેવા પ્રકારનું દુખ છે એ મને ક્યાં ખબર છે??

મારી પોટલીમાં રહેલા દુખથી કમસેકમ હું પરિચિત તો છુ અને મારા પોતાના દુખ સાથે ઘણા લાંબા સમયથી પરિચિત હોવાના કારણે હવે એનો બહું ડર પણ નથી લાગતો પોતાપણું લાગે છે.

લાંબું વિચાર્યા વગર જ એ દોડ્યો અને બીજા કોઇ પોતાના દુખની પોટલી લઇ જાય એ પહેલા એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવી ચાલતો થયો અને હા! બાકીના બધા લોકોએ પણ એમ જ કર્યુ...

આપણે બીજાના હસતા ચહેરા જોઇને વધુ દુખી થઇએ છીએ પણ દરેક હસતા ચહેરાની પાછળ પણ વિષાદ હોય છે એ દેખાતો નથી ચહેરો તો આપણો પણ હસતો જ હોય છે પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જોઇ નથી શકતા..

3.

એકવાર એક રાજા પોતાના મંત્રી અને સૈનિક સાથે જંગલમાં શિકાર માટે કરવા માટે નિકળ્યો. અનાયાસે ત્રણે ભુલા પડી ગયા અને જુદા પણ પડી ગયા. કોઇ રીતે બહાર નિકળવાનો રસ્તો મળતો નહોતો. આ જંગલના મધ્યભાગમાં કોઇ અંધ તપસ્વિ પોતાનો આશ્રમ બનાવીને નિવાસ કરતા હતા.

સૌ પ્રથમ રાજા આ આશ્રમ પાસેથી પસાર થયો. એણે તપસ્વિને જોયા એટલે ત્યાં ગયા અને કહ્યુ, " મહાત્માજી હું રસ્તો ભૂલી ગયો છું મારે નગરમાં જવું છે આપ મને રસ્તો બતાવશો? " તપસ્વિએ રાજાને નગર તરફ જવાનો રસ્તો બતાવ્યો. રાજા આભાર માનીને જતો રહ્યો.

થોડીવાર પછી મંત્રી ત્યાંથી પસાર થયા એણે તપસ્વિને જોયા એટલે એ પણ એમની પાસે આવ્યો અને કહ્યુ, " સાધુ મહારાજ , હું રસ્તો ભુલી ગયો છુ મને નગર તરફ જવાનો રસ્તો બતાવો." તપસ્વિએ કહ્યુ , " થોડીવાર પહેલા જ તમારા રાજા પણ આવ્યા હતા એ આ તરફના રસ્તેથી જ ગયા છે. આપ પણ એ રસ્તે જાવ એટલે નગર આવી જશે."

હવે પેલો સૈનિક પણ આ આશ્રમ પાસેથી નીકળ્યો એ પણ તપસ્વિ પાસે ગયો અને કહ્યુ , " બાવાજી , મારે નગર તરફ જવું છે મને રસ્તો નથી મળતો મારી સાથે આવીને મને નગર સુધી પહોંચાડો." પેલા તપસ્વિએ કહ્યુ , " જો ભાઇ , હું તો અંધ છુ એટલે સાથે નહી આવી શકું , થોડા સમય પહેલા તમારા રાજા અને મંત્રી આ રસ્તેથી જ ગયા છે ભાઇ સૈનિક તું પણ એ રસ્તેથી જ નગર તરફ જઇ શકીશ."

રાજા, મંત્રી અને સૈનિક ત્રણે નગરમાં પહોંચી ગયા સાથે મળીને જંગલની વાત કરતા હતા ત્યારે ખબર પડી કે કોઇએ પેલા તપસ્વિને પોતાનો પરિચય આપ્યો નહોતો છતા પણ એ અંધ તપસ્વિ રાજા , મંત્રી અને સૈનિકને કઇ રીતે ઓળખી શક્યા ?"

આ રહસ્ય જાણવા ત્રણે જંગલમાં ગયા અને પેલા તપસ્વિને મળીને વાત કરી કે આપ તો અંધ હતા અને અમે કોઇએ અમારો પરિચય આપ્યો નહોતો છતા તમે અમને કેમ ઓળખી ગયા?

પેલા તપસ્વિએ હસતા હસતા કહ્યુ કે તમે મને જે રીતે બોલાવ્યો અને મારી સાથે વાત કરી એ પરથી જ મને તમારા સ્થાનનો પરિચય મળી ગયો હતો.

તમે કેટલા મોટા કે નાના છો એ તમારા દેખાવ પરથી નહી તમારા વર્તન અને વાતો પરથી ખબર પડે છે!

4.

એક યુવાન એક પુસ્તક વાંચી રહ્યો હતો. પુસ્તકમાં સ્વર્ગ અને નરકનું વર્ણન હતું. સ્વર્ગનું વર્ણન વાંચીને યુવાનને ખુબ આનંદ થયો અને નરકનું વર્ણન વાંચતા જ એ દુ:ખી દુ:ખી થઇ ગયો. એણે મનમાં જ નક્કી કર્યુ કે ગમે તેમ થાય મારે નરકમાં તો જવું જ નથી બસ આજથી એવા જ કામ કરવા છે કે સ્વર્ગમાં જવા મળે.

વિચારમાંને વિચારમાં એને ઉંઘ આવી ગઇ. ઉંઘમાં એને એક સપનું આવ્યુ. દેવદુતો એમના ઘરે આવ્યા અને કહ્યુ , " અમે તને સ્વર્ગમાં લઇ જવા માટે આવ્યા છીએ." યુવાન તો રાજી રાજી થઇ ગયો. દેવદુતોની સાથે એ તો સ્વર્ગ તરફ ચાલ્યો. સ્વર્ગ વિષેનું જે વર્ણન એણે સાંભળ્યુ હતુ એ સ્વર્ગને પોતાની આંખોથી જોશે એ કલ્પના જ એને રોમાંચિત કરી રહી હતી.

એક વિશાળ પ્રવેશદ્વાર આવ્યુ જેના પર લખ્યુ હતુ , " સ્વર્ગમાં આપનું સ્વાગત છે." દરવાજો ખુલ્યો અને યુવાન જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ મુંઝાતો ગયો. અહિંયા ફુલોના બગીચાને બદલે વેરાન રણ જેવું વાતાવરણ હતુ. લોકોના ચહેરા પર આનંદને બદલે ઉદાસી હતી. ક્યાંય કોઇ જગ્યાએ સંગીત કે નાચનું નામોનિશાન ન હતુ.

યુવાને દેવદુતને કહ્યુ , " ભાઇ, તમે મને ખોટી જગ્યાએ લાવ્યા છો આ સ્વર્ગ નહી નરક છે. તમે મને ઉલ્લુ બનાવો છો." દેવદુતોએ કહ્યુ , " અરે ભાઇ તને ઉલ્લુ બનાવવાથી અમને શું ફાયદો અમે તને સ્વર્ગમાં જ લાવ્યા છીએ બહાર દરવાજા પર પણ લખેલું હતુ તે એ વાંચ્યુ પણ હતુ છતાય તને વિશ્વાસ ન આવતો હોય તો એકવાર નરકની મુલાકાત પણ લઇ લે બાજુમાં જ છે."

યુવાને નરકની મુલાકાત લેવાનું નક્કી કર્યુ અને એ દિશામાં આગળ વધ્યો. જેમ જેમ નરક નજીક આવતુ ગયુ તેમ તેમ એને સુગંધિત વાતાવરણની અનુભૂતિ થવા લાગી. નરકમાં દાખલ થતા એ ફાટી આંખોએ જોઇ જ રહ્યો. સુંદર મજાના બગીચાઓ, નદીઓ અને પહાડો , આનંદથી નાચતા-કુદતા માણસો.

આ બધુ જોયા પછી યુવાને ભગવાનને ફરીયાદ કરી , " તમે શાસ્ત્રોમાં સ્વર્ગ અને નરકનું વર્ણન જુદુ આપો છો અને વાસ્તવિકતા કંઇક જુદી જ છે આવું કેમ ? " ભગવાને કહ્યુ , " સ્વર્ગ અને નરક તે જેવું વર્ણન વાંચેલુ બિલકુલ એવુ જ હતુ પણ કેટલાક એવા લોકો સ્વર્ગમાં આવ્યા જેણે સ્વર્ગની ઓળખ બદલી નાંખી અને કેટલાક એવા લોકો નરકમાં આવ્યા કે એણે નરકની સિકલ બદલી નાંખી."

મિત્રો , આપણે બધાએ સાંભળ્યુ છે કે જે માણસ સારો હોય એ સ્વર્ગમાં જાય અને જે માણસ ખરાબ હોય એ નરકમાં જાય જ્યારે વાસ્તવિકતા એ છે કે સારો માણસ જ્યાં જાય એ સ્વર્ગ બની જાય અને ખરાબ માણસ જ્યાં જાય એ નરક બની જાય.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888