Bicharo in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | Bicharo

Featured Books
Categories
Share

Bicharo

બિચારો

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


બિચારો

ઘરમાં પત્નીનું આગમન થયું એની ખુશી પ્રમોદના ચહેરા પર તગતગતી હતી. તે હવે નિયમિત તૈયાર થતો હતો, સવારે દાઢી કરી લેતો હતો. મુખ પર ફરજિયાતપણે ગંભીરતા પણ આણી હતી. પરિવારજનો પણ તેની સાથે સરસ વર્તાવ કરતા હતા. આ બધું થોડા દિવસો પહેલાં ક્યાં હતું ?

વિજ્યા પણ નવીસવી હતી આ ઘરમાં. તે પણ નવાં વસ્ત્રો પહેરીને, ઝાંઝર ઝણકાવતી આમતેમ ફરતી હતી. તેના દરેક વર્તનમાં સંકોચ રહેતો હતો. લાગ મળે ત્યારે તે અચૂક ત્રાંસી નજરે પ્રમોદ ભણી જોઈ લેતી હતી. રાતે શરમાતી શરમાતી આમતેમ જોતી, ઉપરની મેડીના તેના ખંડમાં પહોંચતી ત્યારે તે મુક્તિનો અનુભવ કરતી હતી.

બસ, અહીં હવે કોણ હતું ? તે અને પ્રમોદ...! જાણે કે તે અહીંની સામ્રાજ્ઞી હતી !

દરેક રાત્રે પ્રમોદને તે નવી લાગતી. એ સમય જ એવો હતો કે હર કોઈને આવો અનુભવ થાય. વિજ્યાના ઝાંઝરનો સ્વર સાંભળીને પ્રમોદ ચૂપચાપ આંખો મીંચીને ઊંઘી ગયાનો દેખાવ કરતો. પેલી આવીને તરત જ વરસી પડે : ‘વાહ ! કેવા લુચ્ચા છો તમે ? કામ અમે કરીએ ને થાક તમને લાગે !’

વિજ્યા આ વાક્ય કે એવું કશુંક, એવી મસ્તીથી બોલે કે પ્રમોદ પાણી પાણી થઈ જાય. પછી તો જે બોલવા ધાર્યું એ પણ ભૂલી જવાય.

‘વિજુ.. બહુ થાકી ગઈ છું ?’ તે ચિંતાથી પૂછએ પણ ખરો. ‘હા... મારા પગ દબાવી દો.’ વિજ્યા મુક્ત હસીને કહેતી.

વિજ્યા રમતિયાળ હતી. પહેલી વાર મળ્યાં ત્યારે તો અપરિચિત જ હોય ને ? પ્રમોદ તેને જોવા આવ્યો હતો. સાવ નવો જ અનુભવ. અંદરાન ખંડમાં બંધ પરદા પાછળ મળવાનું થયું ત્યારે તેણે ગભરાતા પ્રમોદને અચાનક જ પૂછી નાખ્યું હતું : ‘તમે દેવદાસ જોયું ? મિલનમાં ચાલે છે. ‘માર ડાલા’ જામે છે ને ?‘

ભોગેજોગે પ્રમોદે પણ એ જોયું હતું. તે બન્નેએ દેવદાસની વાતો કરી હતી. બીજી વાત કરવાનું તો યાદ પણ નહોતું આવ્યું. પ્રમોદ માટે તો પત્નીની માફક નોકરી પણ નવી હતી. માંડ ત્રણ-ચાર મહિના થયા હતા. એ નોકરીના જોર પર વિજ્યા ઘરાં આવી હતી. ‘તમેય ઑફિસમાં થાકી જતા હશો ને ? કેટલું કામ હોય ?’ વિજ્યા ક્યારેક સહાનુભૂતિ દર્શાવતી.

રાત્રે મળતાં ત્યારે વિજ્યાના હોઠો ખૂલી જતા. ખૂબ વાતો કરકતી. તેની સખીઓની, સખીઓના વરની, કૉલેજજીવનની. પાર વિનાની વાતો. પ્રમોદ ઑફિસમાં હોય ત્યારે આ બધું યાદ આવી જતું. ફાઈલ ખોલે, માંડ મન ખૂંપાડે ત્યાં વિજ્યાનો ગૌર ચહેરો... ફાઈલમાંથી ઝળૂંબે. અને ઘર હોય ત્યારે ક્યારેય ઑફિસ જીવતી થાય, મન ચિંતામાં ડૂબી જાય !

મકવાણાસાહેબ આમ તો માયાળુ હતા પણ કામ અને શિસ્ત બાબતમાં ભારે કડક. કશું ચલાવી ના લે. અને પ્રમોદને ડરવાનું કારણ પણ એ જ હતું. તે ચીવટ રાખીને કામ કરતો તોપણ ભૂલ કરી બેસતો હતો. ‘યંગબૉય, ચીવટથી કામ કરો. ભૂલ શાની થાય ?’ સાહેબે પ્રારંભણાં તો હળવાશ રાખી હતી. તેઓ સમજાવતા હતા આ નવા છોકરાને. પ્રમોદ પણ ખિન્ન થઈ જતો હતો.

‘બી... સિરિયસ, યંગમૅન...’ સાહેબ કહેતા. પ્રમોદ ગંભીર તો થઈ જતો હતો પરંતુ ભૂલ તો થઈ જતી હતી. આજે આ ભૂલ, તો કાલે વળી બીજી ભૂલ. એમાં પણ વૈવિધ્ય આવી જતું હતું.

રાત્રે પત્ની પાસે હોય ત્યારે પણ ગંભીર થઈ જવાતું હતું. દિવસની અસર તો થાય જ ને. ઑફિસની લજ્જા ઘરે પણ કેડો મૂકતી નહોતી. તેની આ સ્થિતિ કાઈ વિજ્યાથી છાની રહે ?

‘શું થયું છે તમને આજે ?’ તે પ્રમોદની દશાને વરતી જાતી. ‘થયું છે કશુંય ઑફિસમાં ?’ પાછળ પાછળ બીજો પ્રશ્ન પણ પુછાતો. અને પ્રમોદ તરત જ ચમકી જાતો, સાવધ થઈ જતો. અરે, આ તો નહીં જાણતી હોય ને ? - એવો સવાલ પણ ઊઠતો ભીતરમાં. ક્યાંથી જાણે ? એ તો આખો દિવસ ઘરમાં જ... કામકાજમાં રચીપચી રહે છે. કોણ કહે તેને - આવી બધી વાતો ?

વિચાર આગળ વધે, જરા ધરપત પણ થાય. આ તો ખાલી જોગાનુજોગ... તેણે પૂછી નાખ્યું. બાકી તે તો સલામત જ હતો. આવી બદનામીની વાત પત્ની જાણે તો શું વિચારે ? અરે, પછી પત્ની પાસે શું માન રહે ?

પણ તેને અચાનક શૈલેશ યાદ આવી ગયો. હા... તેનો જ સહકર્મચારી. હમણાં અહીં રહેવા આવ્યો હતો. તેના ઘરથી પાંચમું જ ઘર. ખુદ પ્રમોદે જ ભાડે અપાવ્યું હતું. ઘરોબોય હતો તેની સાથે. તેની પત્ની વિભાની આવજા પણ હતી વિજ્યા સાથે.

તો શું એ વિભાએ વિજ્યાને કશું કહ્યું હશે ? જો શૈલેશે પત્નીને એ વાત કરી હોય તો આમ બને પણ ખરું. પ્રમોદ ઊંડા વિચારમાં પડી ગયો. તેને તેના આ કૃત્ય પર પસ્તાવો થયો. તેણે એક મોટી ભૂલ કરી હતી, શૈલેશને ઘર અપાવીને અને એય પાછું સાવ નજીક.

તેણે સાવધ રહીને પત્નીને પૂછ્યું : ‘હમણાં આવી હતી વિભા ?’

‘ના રે ના... એ તો હમણાં પિયર ગઈ છે, આઠ દિવસથી. પણ આમાં વિભાનું શું છે ?’ વિજ્યાએ તેને જે ઉત્તર આપ્યો એ તેની ચિંતા દૂર કરવાવાળો હતો. પણ વિજ્યાએ પૂછેલા પ્રશ્નનો શો ઉત્તર વાળવો ?

પ્રમોદ એ લોકોને ઉપયોગી થતો હતો એ રીતે શૈલેશ પણ તેને સહાયરૂપ બનતો હતો, એ તે જાણતો હતો. એ જ તેને મોપેડ પર બેસાડીને ઑફિસ લઈ જતો હતો, સાંજે ઘરે લાવતો હતો. અને ઑફિસમાં પણ મદદરૂપ બનતો હતો. તેની ભૂલો સુધારવામાં તે જ સહાય કરતો હતો. તે સાંત્વના અને સૂચનાઓ આપતો હતો. બાકીનો સ્ટાફ તો મરક મરક હસ્યા કરતો હતો - તેની દશા પર.

કોણ જાણે કેમ પણ હમણાં હમણાં પ્રમોદથી ઑફિસમાં ભૂલો થઈ જતી હતી. સાહેબ પહેલાં હળવાશથી ટકોર કરતા પણ, પછી તો ઠપકો પણ મળવા લાગ્યો.

‘પ્રમોદ આચાર્ય... કેમ આમ થાય છે ? આવું કામ ના ચાલે. ટોટલિંગ મિસટેઇક... આવું ફાઇલિંગ ? યૂ સીમ ટુ બી... પ્રમોદ આચાર્ય... તમે તારું કામ શૈલેશને બતાવીને જ મારી પાસે મૂકો.’

‘હવે ફરી ભૂલ કરશો તો... મારે તમારા વિશે વિચારવું પડશે.’ ઠપકાની તીવ્રતામાં વધારો થતો ગયો, ‘યસ સર... સૉરી સર...’ કહેતો પ્રમોદ ઑફિસમાં હાંસીપાત્ર બની ગયો હતો. શૈલેશ તેનાથી જુનિયર હતો તે પણ તેનું માન વધી ગયું હતું. ‘તમે તમારા જુનિયર પાસેથી પ્રેરણા લો. એ કેવું સરસ કામ કરે છે ! શીખો... શીખો... કાંઈક મિ. આચાર્ય.’

મકવાણાસાહેબની ચીડ વધી જતી હતી. તે નહોતા ઇચ્છતા કે તેમના હાથે આ નવા છોકરાને નુકસાન પહોંચે. આ દયાભાવ પણ ક્યાં સુધી પહોંચી શકે ! આ વાત પત્નીને કોણ કહે ? એક સ્રોત હતો - શૈલેશનો. આમ થવું માનવસહજ હતું. તે કદાચ વિભાને કહે, વિભા તો વિજ્યાને કહે જ...

અને આખો રેતીનો કિલ્લો કડડભૂસ થઈ જાય. તેનું મન બીજી દિશામાં વિચારવા લાગ્યું. પાણી આવે તે પહેલાં જ પાળ શા માટે ના બાંધવી ?

વિજ્યાના અણધાર્યા પ્રશ્ને તેને ચોંકાવી દીધો. તેણે આવેલો વિચાર સત્વરે અમલમાં મૂકી જ દીધો. શુભસ્ય શીઘ્રમ્‌...

‘વિજ્યા...’ તે ગંભીર બની ગયો. ખરેખર તો એ સમયે મગજ તીવ્ર ગતિએ ચાલી રહ્યું હતું.

વિજ્યા પણ પતિની ગંભીરતા પામી ગઈ. જરૂર છે કશુંક... પછી તો વિસ્મય, ચિંતા... સહેજસાજ આછો કંપ... બધું જ તેના નમણાં ચહેરા પર લીંપાઈ ગયું.

‘મકવાણાસાહેબને મારા કામ પર કેટલો ભરોસો છે, તને ખબર છે ?’ પ્રમોદે વિજયપતાકા લહેરાવી દીધી, પહેલા વાક્યથી જ. પેલી તો ખુશ ખુશ થઈ ગઈ, અહોભાવપૂર્વક.

‘તેમણે જ મને સોંપ્યું છે શૈલેશના કામ પર નજર રાખવાનું, હું બરાબર તપાસું, ઓ.કે. કરું પછી જ મકવાણાસાહેબ એ પેપર્સ પર સહી કરે.’ પ્રમોદે સરસ અભિનય કર્યો હતો. જોકે ભીતર તો પારેવાં ફફડતાં હતાં. કેટલું જૂઠ ? જાણે શીર્ષાસન કરી રહ્યો હતો !

જીવ થોડો ચચર્યો પણ ખરો, પરંતુ પત્ની તરફથી જે પ્રત્યાઘાતો મળ્યા એનાથી તો તેનો માંહ્યલો નાચી ઊઠ્યો હતો.

‘તે શૈલેશભાઈને કામ નથી ફાવતું ? ભૂલ થાય છે ?’ વિજયા બોલી હતી. ‘સરવાળાય ખોટા, ફાઇલિંગની ભૂલો... ડ્રાફ્ટિંગમાંય સક્કરવાર નહીં...’ વિજ્યા બોલી હતી.

પ્રમોદે... પોતે જ જે ભૂલો કરતો હતો એ યાદ કરીને મિત્રને નામે ગોઠવી દીધી, ‘શૈલેશભાઈ સાવ આવા ? મોટી મોટી વાતો કરવામાંથી ઊંચાં નથી આવતા ? અને વિભાય સફાઈ કર્યા કરે છે.’

વિજ્યા રંગમાં આવી ગઈ હતી. હવે તેને મન મિત્રપત્ની અને મિત્ર સાવ તુચ્છ હતાં, અને પતિ એક દક્ષ વ્યક્તિ, એક મિત્રઉદ્ધારક.

અને એ રાતે તે એટલી વરસી પ્રમોદ પર કે ઘડીભર પ્રમોદને લાગ્યું કે તેનો પ્રયોગ સફળ ગયો હતો. હવે શૈલેશ કે વિભાની કોઈ વાત પત્ની કાને ધરવાની નહોતી.

પછી તો એ સહજ ક્રમ જ બની ગયો. ઑફિસમાં તેને જે ઠપકો મળે, તે જે ભૂલ કરે, એ રાત્રે શૈલેશના ભાગ્યમાં લખાઈ જાય. ઘટનાનો વેશપલટો કરાવવામાં તે પારંગત થઈ ગયો. ‘વિજ્યા... આજ તો સાહેબે મારી કેટલી પ્રશંસા કરી ! મિ. આચાર્ય... તમે તો ઑફિસની એસેટ છો... તમારા વિના... શું થાય એની હું કલ્પના પણ કરી શકતો નથી. આ શૈલેશ જેવા તો... લાયાબિલિટી છે.’

વિજ્યા પોરસાતી. એ રાત પાછી મધુર બની જતી. જોકે આ તો બધું ઉપરછલ્લું. બાકી તો... તે એકલો પડતો ત્યારે દુઃખી થઈ જતો.

તે જે કાંઈ કરી રહ્યો હતો એ તો ખાલી મન મનાવવાની અને ખરેખર તો પત્નીને સમજાવવાની ક્રિયા હતી. એ તો નર્યું અસત્ય હતું, મૃગજળ જેવું. તે ભૂલ સુધારવા, સારી રીતે કામ કરવા પ્રયત્નો તો કરતો હતો પણ... ભૂલો તો થતી જ હતી. શૈલેશ બિચારો કેટલી સહાય કરતો હતો ?

વિજ્ય તો ખુશખુશાલ હતી. તે તેની જાતને ખૂબ ભાગ્યશાળી માનતી હતી કે તેનો આવો હોશિયાર, ઑફિસમાં ડંકા વગાડનાર પતિ મળ્યો હતો. તે પછી આ વાતને છોડે ?

તેણે તો સાસુને પણ આ વાત કહી. છેક તેના પિયરપક્ષમાં પણ પહોંચી ગઈ. તેણે તો વિભાને પણ ટોણો મારી દીધો, ‘મકવાણાસાહેબ... ખુશ છે તેમના પર. એ તો કામ બોલે. કદાચ પ્રમોશન પણ મળી જાય...!’

વિભા ચકિત થઈ ગઈ હતી.

કહેવત છે ને કે કૂતરાનો પણ એક દિવસ હોય છે. બસ, એવો ચમત્કાર બન્યો એક દિવસ. પ્રમોદની ફાઇલ મકવાણાસાહેબના ટેબલ પર હતી અને તે પ્રતીક્ષા કરી રહ્યો હતો, ક્યારે સાહેબ કૅબિનમાં બોલાવે અને ઠપકો શરૂ થઈ જાય. આ ફાઈલ પોતે જ તૈયાર કરી હતી અને કોઈએ તપાસી પણ નહોતી કારણ કે શૈલેશ રજા પર હતો.

સાહેબે તેને બોલાવ્યો પણ ખરો. તે શૂળી પર ચડવા તૈયાર થઈ ગયો. તેને એ સમયે હતાશાએ ઘેરી લીધો. શો અર્થ હતો, આ નોકરીનો ? અરે, આ જિંદગી જ અર્થહીન હતી જ્યાં ભૂલો જ થતી હતી ! એક વિજ્યા જ અપવાદ હતી.

‘આવો... મિ. આચાર્ય...’ મકવાણાસાહેબ હસ્યા. ચાલો... સાહેબે નવી રીત માંડી, ઠપકો આપવાની. ઉંદરને બિલાડી રમાડે એવી. તે વિચારી રહ્યો હતો.

‘વેલ... બેસો, આ ફાઇલ તમે તૈયાર કરી ?’ સાહેબે પ્રશ્ન કર્યો હતો.

‘યસ સર...’ પ્રમોદે શિશ ઝુકાવી દીધું, શિરચ્છેદ કરાવવા માટે !

‘આચાર્ય... અભિનંદન...’ સાહેબે જમણો હાથ આગળ લંબાવ્યો. સાથે સાથે તેનું વક્તવ્ય પણ ચાલ્યું.

‘બહુ સરસ... ગુડ... સરસ કામ કર્યું. વેલ ડન. એરરલેસ...’ પ્રમોદ ચકિત થઈ ગયો. તેને તેના કાન પર વિશ્વાસ ના રહ્યો કે તે જે સુણતો હતો એ સત્ય હતું કે ભ્રમણા...!

પ્રમોદની આખી દુનિયા બદલાઈ ગઈ. રોમરોમ નાચી ઊઠ્યું. એક અદ્‌ભુત ઘટના ઘટી હતી તેના જીવનમાં. રણમાં બારેય મેઘ ખાંગાં થઈ ગયા હતા. એ રાત્રે તો ખૂબ ઉતાવળો થઈ ગયો હતો.

વિજ્યા આવી ત્યારે તેનું મન વાંભ વાંભ ઊછળી રહ્યું હતું. પાણીની મટકી ટેબલ પર મૂકીને પત્ની કાયમની જેમ નજીક આવી.

તરત જ પ્રમોદે શરૂ કર્યું હતું.

‘વિજુ... આજે શું થયું, તને ખબર છે ? આજે મકવાણાસાહેબે કહ્યું કે, મિ. આચાર્ય, તમે ફાઇલ સરસ તૈયાર કરી. એરરલેસ... વેલ ડન...’ તે એકશ્વાસે બોલી ગયો. તેનો હરખ માતો નહોતો.

પત્નીએ સાંભળ્યું. તે જરા પણ ચકિત ના થઈ.

‘આવું તો કાયમ બને છે. આમાં નવું શું છે ? મને એમ કે...’ આટલું કહેતાં કહેતાં વિજ્યા પડખું ફરીને સૂઈ ગઈ.

બિચારો પ્રમોદ !

(અખંડઆનંદ (હિન્દીમાં અનુવાદ))