ષોડશી
ગિરીશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
ષોડશી
પત્રમાં વિગતવાર સૂચના આપી હતી. સામાન્ય રીતે લલિતાના પત્રો ટૂંકા જ રહેતા. અને લગભગ એક જ ઢંગના. અક્ષરો સરસ હતા એ વીણાએ સહર્ષ નોંધ્યું હતું. લખવાનો ખાસ મહાવરો પણ ક્યાં હતો, બસ એ ભલી અને સીવણકામનું મશીન.
વહેલી સવારે, બપોરે કે મોડી રાતે - લલિતાના મશીનની ઘરઘરાટીથી આખું ઘર ગજાતું હોય. મશીન કંઈ એમ ચાલે ? સાથોસાથ લલિતાના હાથ-પગ પણ ચાલતા હોય.
નાની હતી ત્યારે વીણાને આ ઘરઘરાટી ખૂબ ગમતી. એ ઘરઘરાટી હાલરડાની ગરજ સારતી. તે એ મીઠો અવાજ સાંભળતાં સાંભળતાં સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જતી.
લલિતા લોકોનાં વસ્ત્રો સીવતી. સ્ત્રીઓ અન બાળકોનાં. લોકોને એ સસ્તાં પડતાં. વળી એ પણ સંતોષ મેળવી લેતાં કે એક વિધવા સ્ત્રીને મદદરૂપ પણ બની શક્યાં.
આખો ખંડ - તૈયાર વસ્ત્રો, કાપડના વિવિધ વીંટા તથા કાપડના લીરાઓથી ભર્યો હોય. અને એ ઢગલાની વચ્ચે હોય લલિતા અને તેનું મશીન.
વીણા... તૈયાર થયેલ સરસ વસ્ત્રોને જોયા કરતી. તેને પ્રશ્ન થતો : મા આવાં સરસ કપડાં બનાવે છએ પણ તેને તો જૂના વસ્ત્રો પહેરાવે છે. એમ કેમ ? તે મોટી થઈ પછી તેના પ્રશ્નોનો ઉકેલ મળી ગયો.
‘મા... આપણે કેમ ગરીબ છીએ ?’ તેણે એક વાર લલિતાને મૂંઝવણમાં મૂકી હતી.
‘બાપુ નથી એટલે ? પણ ભગવાન બાપુને શા માટે લઈ ગયા ? મારે અને તારે બાપુની જરૂર ન હોય ?’ પછી વીણાને ખ્યાલ આવી ગયો કે અમુક સવાલોના જવાબો તો તેની માને પણ આવડતા નહોતા.
એ ઉંમરે તેને એ ખબર પડી કે માને થાક લાગતો હતો. મશીન ચલાવી ચલાવીને. અન એ મશીન ચલાવ્યા વગર પણ છૂટકો નહોતો.
તેણે વીણાને લખ્યું હતું : એસ.ટી. બસ લગભગ પાંચ વાગે ટાવર ચોકમાં પહોંચશે. એ સ્ટોપે જ ઊતરી જવાનું. રિક્ષા નહીં કરવાની. કોઈને કશી પૂછપરછ પણ નહીં કરવાની.
જમણી બાજુના રોડ પર જવાનું ડાબી બાજુની ત્રીજી જ ગલી. ત્યાં એક પાનનો ગલ્લો છે. પાછળ એક જર્જરિત મકાન છે, માળવાળું. ત્યાં એક પાટિયું લટકે છે. અક્ષરો ભૂંસાઈ ગયા છે. બસ એ જ આપણી પંચ-હાટડી શેરી.
અને જમણી બાજુનું ચોથું મકાન. ડેલીબંધ, અગાશીવાળું. એ જ આપણું નવું ઘર - સવિતાનિવાસ. આ પત્ર તેણે એટલી બધી વાર વાંચ્યો હતો કે હવે પેલી સૂચનાઓ લગભગ ગોખાઈ ગઈ હતી.
તે ગયા વૅકેશનમાં ઘરે ક્યાં આવી હતી ? તેની ઇચ્છા કાંઈ પ્રવાસે જવાની નહોતી. તેને તો માને મળવું હતું, વળગી પડવું હતું, અને શાળા, હૉસ્ટેલ, અભ્યાસ, શહેર, સખીઓ, શિક્ષકો વિશે અનેક વાતો કહેવાની હતી.
લલિતાએ ખૂબ આગ્રહ કર્યો હતો, વધારાના પૈસા પણ મોકલાવ્યા હતા : ‘બેટા... ફરી આવ. તને મજા પડશે. જાણવાનું મળશે. અને આ પૈસા પણ તને ભલા માણસે જ મોકલ્યા છે.’
વીણા ભાવભીની થઈ ગઈ હતી. મા કેટલું કરતી હતી ? તેને શહેરમાં મોકલવાનો નિર્ણય પણ માનો જ હતો. બાર વર્ષની નાની વયની પુત્રીને દૂરના શહેરમાં, હૉસ્ટેલમાં રાખીને અભ્યાસ કરાવવાનો વિચાર સરસ તો હતો, પણ કપરો હતો. તેણે ના પાડી હતી. ‘મારે ભણવું જ નથી. તને મદદ કરીશ ઘરકામમાં, સીવણકામમાં, ગાજબટનના કામમાં.’
લલિતાએ એ ક્ષણે આંચકો અનુભવ્યો હતો. તે જાણે મીણની પૂતળી બની ગઈ હતી. સિલાઈકામ પણ ક્યાં પૂરતું મળતું હતું ! હાથ-પગ અને હૈયાનો થાક વધતો જતો હતો. ભવિષ્ય એક પ્રશ્નાર્થ બનીને સામે ડોકાતું હતું.
તેણે બાર વર્ષની પુત્રીને સમજાવી હતી. નવાં વસ્ત્રો, યુનિફૉર્મ, નવી સ્કૂલ બૅગ, ચમ્પલ, સૅન્ડલની લાલચ દેખાડી હતી.
‘બેટા... એક ભલા માણસે તારા અભ્યાસ માટે બધો જ ખર્ચ આપવા તૈયારી બતાવી છે. તારું ભવિષ્ય...’
‘પણ તારા વિના એકલી જ...?’ બાર વર્ષની વીણા ખરે હચમચી ગઈ હતી.
‘બેટા, તારા સારા ભવિષ્ય માટે આ બધું કરું છું. ત્યા હૉસ્ટેલમાં તારા જેવડી છોકરીઓ પણ રહેતી હોય, ભણતી હોય. એક વાર તું જા. પછી તને ગમશે.’
લલિતાએ માંડ માંડ સમજાવી હતી. એ સિવાય છૂટકો જ નહોતો. તેનું હૈયું લાગણીથી ભીનું બની જતું હતું. તે માંડ માંડ તેનાં આંસુ ખાળતી હતી. તેને તેની જાત પર ઘૃણા જન્મતી હતી.
પણ વીણા માની ગઈ. તેણે કદાચ માની લાચારી ઓળખી લીધી હતી. તેણે લલિતાને ધરપત આપી હતી : ‘મમ્મી... હું જઈશ. તું મારી ચિંતા ન કરીશ.’
તેણે પહેલી વાર ગામ અને ઘર છોડ્યાં, મા છોડી. પણ ગજબની મક્કમ રહી. જાણે કે તે જિંદગી જીવતાં શીખી ગઈ !
મા સાથે તે સહેરમાં આવી. બધી જ વ્યવસ્થા તો અગાઉથી થઈ ગઈ હતી. વીણાના અચરજનો પાર નહોતો. શહેરનો તેને ડર પણ લાગ્યો. ઓહ આવી ઇમારતો, આવા રસ્તા આ ટ્રાફિક ! ‘બેટા... હિંમત ન હારતી. કાંઈક મેળવવા માટે સાહસ કરવું પડે. ઈશ્વર તારી સાથે જ હોય છે. એ આપણને મદદ કરે છે !’
લલિતાએ સલાહ આપી, ભલામણો કરી બધી વ્યવસ્થા વિગતથી જોઈ લીધી.
‘ના, વીણાને મુશ્કેલી પડે તેમ નહોતું.’ તેણે સંતોષથી શહેર છોડ્યું.
એ પછી તો વીણાના પત્રો આવવા લાગ્યા. પત્રોમાં અવનવી વાતો આવવા લાગી. હૉસ્ટેલ, સ્કૂલ, શિક્ષકો, સખીઓ, અભ્યાસ, વાતાવરણ... અને શહેર વિશે તે લખતી થઈ. લલિતાને શાંતિ થઈ. મોટી ચિંતા ટળી ગઈ. જોકે તેને પણ પુત્રી વિના ક્યાં ગમ્યું હતું ?
સીવણકામનો સંચો હવે એક અવાવરુ ખૂણામાં પડ્યો હતો. એક નવીન પ્રકરણ શરૂ થયું હતું.
વૅકેશનમાં વીણા આવી ત્યારે તે લાગણીથી ભીની ભીની હતી. વિયોગ પછીનું મા જોડેનું પહેલું મિલન હતું. પુરાણા ઘરમાં તે પંખીની જેમ ફરી વળી, જૂની ઓળખાણો તાજી કરી.
લલિતાને પુત્રીમાં ખાસ્સો તફાવત લાગ્યો.
‘મમ્મી... મને તારી ખૂબ ચિંતા થતી હતી. ક્યારેક રડી પડતી હતી...’ તે સાચે જ રડી હતી.
વૅકેશન પૂરું થતાં તે શહેરમાં જવા તૈયાર થઈ ગઈ હતી. ઘર જેવો જ સંગાથ હતો. તે જરા પણ ઢીલી થઈ નહોતી.
‘વાહ ! દીકરી તૈયાર થઈ ગઈ !’ લલિતાએ સંતોષનો શ્વા લીધો હતો. પુત્રી ધાર્યા કરતાં પણ સમજદાર સાબિત થઈ હતી.
પછીના પત્રોનું સ્તર બદલાયું હતું. ભાષા, લખાવટ બદલાયાં હતાં. વિષયો પણ બદલાયા હતા.
‘મમ્મી... મેં ડીબેટમાં ભાગ લીધો. થોડો ડર લાગ્યો, ક્ષોભ પણ થયો, પણ બોલાયું સરસ.’
‘ટીચરે ખુશ થઈને ગાલ પર વહાલની ટપલી મારી. મારી સખીઓ પણ ખુશ થઈ...!’
‘મમ્મી... આજે આખા ક્લાસમાં મારી પ્રશંસા થઈ. શેની, તને ખબર છે સરસ રીતભાતની. જોકે તને પૂરો ખ્યાલ નહીં આવે. ટૂંકમાં તારી દીકરી પ્રગતિ કરે છે. તેં જે જહેમત ઉઠાવી છે મારા માટે, એ ફળી છે.’
લલિતા વધુ કાંઈ સમજી શકતી નહોતી. તેને માત્ર એટલી ખબર હતી કે ઈશ્વરે તેની સામે જોયું હતું.
સમય પસાર થતો જતો હતો. તે ખુશ હતી, ને નાખુશ પણ હતી.
વીણા વૅકેશનમાં આવતી. ઘર ખુશીથી તરબોળ બની જતું.
એક વાર વીણાએ પૃચ્છા કરી હતી, ખૂણામાં પડેલા અવાવરુ સીવણમશીન બાબત.
‘મમ્મી... તને મુશ્કેલી નથી ને ? સિલાઈકામ તો મળે છે ને ?’ તેણે ચિંતાથી પૂછ્યું હતું. લલિતાને સહેજ થડકારો થયો હતો. એક પળ ચહેરો ઝંખવાઈ ગયો હતો.
‘બેટા, તું આવી એટલે કામ પતાવી દીધાં છે અને નવાં હાથ પર લીધાં પણ નથી. તારી સાથે વાતો કરવાની, શાંતિથી રહેવાની હોંશ પણ હોય ને ?’
તે આટલું બોલીને પુત્રીના ભાવો ઉકેલવા મથી રહી હતી.
ના, પણ તે માની ગઈ હતી.
એ પછીના વૅકેશનમાં તે આવી ત્યારે ખાસ્સી મોટી થઈ ગઈ હતી. ઊંચી પણ થઈ ગઈ હતી. શરીર પણ ભરાયું હતું.
‘ઓ, કેટલું ગજું કાઢ્યું પુત્રીએ ?’ તે હેબત ખાઈ ગઈ હતી.
પુત્રી પંદરમા વર્ષમાં વિહરતી હતી.
તે હવે અવનવા સવાલો પૂછતી હતી :
‘મમ્મી... તને એકલું નથી લાગતું ?’ ‘મમ્મી, મને પેલી ભલી વ્યક્તિ વિશે કેમ કહેતી નથી - જે આપણને મદદ કરે છે ? મારે મળવું છે એ અંકલને ! એ આ ગામમાં જ છે કે ક્યાંય...?’
લલિતા બેચેન થવા લાગી. આવી યુવાનીને આંગણે ઊભેલી પુત્રીને કેટલું કહેવું ?
પત્ર મળ્યો ત્યારે વીણા આશ્ચર્યામં પડી ગઈ. મમ્મીએ જૂનું ઘર શા માટે બદલાવ્યું હશે ? સરસ હતું એ જૂનુંં ઘર. વિશાળતા પણ કેટલી ? તેને તેની સમજણ જેટલી પરિચિતતા હતી એ મકાન સાથે.
આસપાસમાં તેની સખીઓ પણ ખરી. આખી શેરી સાથે આત્મીયતાભર્યો સંબંધ. ફળિયાની કરેણ સાથે સખી જેવો જ નાતો. લલિતા પાસે ન હોય તો અચૂક ત્યાં હોય. વળી એ ઘર સાથએ તો તેના મૃત પિતાને પણ સંબંધ. ઘરમાં જ તે મૃત્યુ પામ્યા હતા. એ સમયે તે સાવ નાની, દુનિયાને ન સમજવા જેટલી નાની.
આ બધી સમજ તેને પછી મળી. અને કેટલીક સમજ તો છેક શહેરમાં આવ્યા પછી મળી. શા માટે મમ્મીએ જૂનું ઘર બદલાવ્યું હશે ? સિલાઈકામ નહીં મળતું હોય ? મકાન-માલિકને મકાન જોઈતું હશે ?
કારણ જાણવા તે તલપાપડ થઈ ગઈ. મમ્મીએ બીજી બધી વિગતો લખી હતી, પણ આ કારણ જણાવ્યું નહોતું. વીણાએ ઈશ્વરને પ્રાર્થના કરી કે તેની મમ્મીને કશી મુશ્કેલી ના હોય.
આવી સ્થિતિમાં લલિતા તેને આવી સરસ રીતે ભણાવતી હતી. તેનો આટલો વિકાસ તેની મમ્મીને આભારી હતો. અને પેલા ભલા માણસ, જેમના વિશે પણ તે જાણવા ઇચ્છતી હતી.
તે બસમાંથી ઊતરી, ટાવર ચોકના બસ સ્ટોપ પર. અનેક નજરો તેના પર ખોડાઈ ગઈ હતી. વીણાએ આસપાસ નજર ફેરવી કોઈ પરિચિતને ઓળખવા. પણ કોઈ એવો ચહેરો મળ્યો નહીં.
અને લલિતા તો ક્યાંથી હોય ?
તે નિયત દિવસ કરતાં વહેલી આવી હતી. માના પત્રથી તે બેચેન બની ગઈ હતી. આટલી વિહ્વળતા તેણે ક્યારેય અનુભવી નહોતી. લગભગ ગોખાઈ ગઈ હતી એ વિગતો પર તેણે નજર ફેરવી. આ ચોકમાં તે પહેલી વાર જ ઊતરી હતી. પત્રમાં લખ્યા મુજબ તેણે પગ ઉપાડ્યા. હવે સામાનનો તેને ભાર નહોતો લાગતો. એક હાથમાં બગલથેલો અને પર્સ અને બીજા હાથમાં ચામડાની બૅગ લઈને સરળતાથી ચાલવા લાગી. તડકામાં તીખાશ હતી. પ્રસ્વેદ પણ વળ્યો હતો, પણ એ લૂછવાનો સમય નહોતો.
તેને તો માને મળવું હતું, માને મન ભરીને જોવી હતી.
અઢળક વાતો કરવી હતી. નવું મકાન નિહાળવું હતું. અને એ બદલવાનું કારણ પણ જાણવું હતું.
લાંબા ડગ ભરતી - તે આગળ ધપી. અંતે એ શેરી આળી. હા, એ જ હતી ત્યાં પાનનો ગલ્લો હતો. પાછળ માળવાળું જર્જરિત મકાન હતું અને એક ભૂંસાયેલા અક્ષરોવાળું પાટિયું પણ હતું.
પાનના ગલ્લા પાસે પાંચછ વ્યક્તિઓ ઊભી હતી. બસ આ જ પાંચ-હાટડી શેરી. તેણે બરાબર વિચાર્યું હતું.
અચાનક કોણ જાણે શું થયું કે તે પાનના ગલ્લાવાળાને પૂછી બેઠી, લલિતાએ તો આવું ન કરવાની સલાહ આપી હતી.
‘આ જ પંચ-હાટડીવાળી શેરી ને ?’
‘ેહા - હા - બસ, આ જ શેરી.’ એકસામટા ચારપાંચ સ્વરો આવ્યા. એ સૌની નજરમાં તે અજાણી છોકરી હતી. એ વીણા સમજી ગઈ.
‘ક્યાં જવું છે ? કોના ઘરે ?’
સહજ રીતે આનુષંગિક પ્રશ્ન પુછાયો.
‘સવિતા-નિવાસ...’ તેણે એકાક્ષરી જવાબ વાળ્યો.
‘હા, હા, બસ ચોથું મકાન... ચાલ્યા જાઓ...’
એક અવાજ આવ્યો. તે આગળ વધી.
તેની પાછળ જ એ દબાયેલો - પણ વીણા બરાબર સાંભળી શકે તેવો અવાજ આવ્યો :
‘ખરેખર તો આખી શએરીમાં એ એક જ હાટડી છે.’ અને એ સૌ હસી પડ્યા. વીણાના પગ થંભી ગયા. તેનું હૃદય. જોરજોરથી ધડકવા લાગ્યું. એક એક શબ્દ તેને વાગવા લાગ્યો.
તેને ખૂણામાં પડેુલં અવાવરુ મશીન દેખાયું. કેટલાંય વૅકેશનથી તે યથાવત્ પડ્યું રહેતું.
સોળ વર્ષની વીણા બધું જ સમજી ગઈ.
(અખંડઆનંદ)