Ek Adhuri Varta in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | Ek Adhuri Varta

Featured Books
Categories
Share

Ek Adhuri Varta

એક અધૂરી વાર્તા

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


એક અધૂરી વાર્તા

પ્રિય કેતન,

આશ્ચર્ય જ થાય છે ને, આ સંબોધનથી ? અરે, આ પત્રથી પણ આશ્ચર્ય જ થશે. થાય જ ને, એક સાવ અજાણી છોકરીનો પત્ર અને પાછું પ્રિય કેતનનું સંબોધન !

સૌપ્રથમ સ્પષ્ટતા કરી દઉં કે હું કૃતિ મહેતા, ભૂલી - હું કુમારી કૃતિ મહેતા, ઉંમર વર્ષ વીસ... આ પત્ર પૂરી ગંભીરતાથી લખી રહી છું. આમાં મજાક-મશ્કરીને સહેજ પણ સ્થાન નથી.

હવે મૂળ વાત પર આવું. હા... એ પહેલા એક આડવાત, કેતન, આપણે અજાણ્યા તો ના કહેવાઈ, મને કહો - તમે ગયા રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ ક્યાં હતા ? ટાગોર બાગની મધ્યમાં આવેલા ગુલમહોરની નીચેની બેઠક પર જ ને ? યાદ આવ્યું, સામે જ ફૂવારો હતો - જેની શીતળ જળ-સિંકરો આછી આછી ભીંજવતી હતી, તમને અને મને. હું તમારાથી બે ફૂટ દૂર... એ જ બેઠક પર બેઠી હતી.

એમ તો તમે મને તીરછી નજરથી - જોઈ પણ હતી. પાસે કોઈ વિજાતીય પાત્ર હોય તો દૃષ્ટિ એ તરફ જાય જ એ કાંઈ નવાઈની વાત નથી. એમ તો મેં પણ તમને આ જ રીતે તીરછી નજરથી... સમજી ગયા ને ? આવું તો થાય. ના થાય તો વિચિત્ર ગણાવું જોઈએ. આ વયે તો આમ થવું જ જોઈએ.

મારી દૃષ્ટિમાં કુતૂહલતા હતી. મને તમે રીતભાતવાળા, સારા યુવક જણાયા હતા. બાકી તો આ સ્થિતિમાં કોઈ યુવક સખણા ન રહે. તમે પણ મારા વિશે વિચાર તો કરતા જ હશો. કેવા... એ વિશએ તમને નથી પૂછતી.

અચાનક તૃપ્તિ આવી ને આપણી આ લીલામાં વિક્ષેપ પડ્યો. આપણું અનુસંધાન તૂટી ગયું. અમે ગપસપ કરતાં રહ્યાં અને ત્યાં જ તમે સરકી ગયા.

ખાલી સ્થાન પર જરાક ધ્યાન ગયું પણ ખરું. પરંતુ પછી તો તૃપ્તિની વાતોમાં તમે સાવ ભૂલાઈ ગયા.

તૃપ્તિ ખૂબ જ વાચાળ. કોઈ પણ વ્યક્તિને સહુ પ્રથમ તો તેની વાતોથી આકર્ષી શકે. તૃપ્તિની એ આવડત બીજી ત્રીજી મુલાકાતમાં અણગમામાં ફેરવાઈ જાય.

લોકોને કાયમ તેના વિશે જાણવાની, સાંભળવાની ધીરજ રહે ખરી ? બસ એ તો તેની આવડતોની, તેની મમ્મીની મોટાઈની કે તેની આન્ટીના બંગલાની જ વાતો કર્યા કરે..!

તૃપ્તિને સમજ પણ ના પડે કે તે સામી વ્યક્તિને થકવાડી રહી છે. પેલી બોર થાય છે...

આવી વ્યક્તિની મને ભારે ચીડ... તમે મને એકલસૂડી કહી શકો... કોઈ આપણા સરખા સ્તરની વ્યક્તિ ના મળે - બહેતર છે કે એકલાં એકલાં આમ ગુલમહોરની છાયામાં બેસી રહેવું.

કેતન, આપણે શાંત બેઠાં જ હતાં ને ? અને છતાં પણ એકમેકને અવલોકી તો લીધાં જ.

આ તૃપ્તિ આમ તો મને ના જ ગમે. સાથે ભણીએ એટલે સાથ તો નિભાવવો પડે, સહી લેવી પડે.

અરે, કેતન... પેલી કહેવત છે ને કે... ગરજે ગધેડાને પણ...? હા, એવું જ થયું આ તૃપ્તિ બાબતમાં મારે રીતસર... તેને કાલાવાલાં કરવા પડ્યા.

તેણે એ સાંજે, વાતવાતમાં કહ્યું હતું કે તે તમને ઓળખે છે. ‘તારી પાસે કેતન હતો ને ?’ તેણે બાગમાં કહ્યું હતું.

પણ મેં રસ લીધો નહોતો. હા - તમારા શુભ નામની જાણ થઈ હતી, એ સમયે.

પણ ખ્યાલ નહોતો કે મારે તમારા વિશે જાણવાની અને તમને આ પત્ર લખવાની તાત્કાલિક જરૂર પડશે.

ટાગોર બાગમાંથી ઢળતી સાંજે ગઈ ત્યાં સુધીમાં તો, કેતન, તમે લગભગ વિસરાઈ ગયા હતા. હા... રાતે તમે ફરી યાદ આવ્યા હતા. કદાચ યાદ ના પણ આવત પરંતુ મમ્મીએ આ કાર્ય ગંભીરતાપૂર્વક આરંભ્યું હતું.

કૃતિ... બાગમાં ગઈ હતી ?... પેલા ગુલમહોર નીચે બેઠી હતી ? તારી સાથે પેલો છોકરો કોણ હતો ?... તે તને ઓળખે છે ?... હં... શું નામ કહ્યું... કેતન ?

મમ્મીની ઊલટતપાસ શરૂ થઈ ગઈ. એકના એક પ્રશ્નો વારંવાર ફેરવી ફેરવીને પૂછવા લાગી. મને ખ્યાલ આવી ગયો કે તેના મનમાં શંકા જાગી હતી કે... આપણે તો પંખીડા... હતા, ટાગોર બાગમાં મળતાં હતાં... કેતન... મમ્મી કેટલી ભોળી ? આપણે તો બે ફૂટનું અંતર રાખીને બેઠાં હતાં. કોઈ પ્રેમમાં પડેલાં એવું અંતર રાખે ખરાં ? મને તો મમ્મીની વાત પર હસવું આવી ગયું.

‘મમ્મી... એ કેતનને હું ઓળખતી પણ નથી... હા... મને તેની રીતભાત ગમી. મને પરણવાની ઇચ્છા થાય તો હું આવા છોકરા પર જ કળશ ઢોળું...’

મેં નિખાલસતાથી આમ કહ્યું, પણ મમ્મી તો થીજી જ ગઈ. તેના ચહેરાનો રંગ ઊડી ગયો.

‘ના - કૃતિ તું એ કેતન સાથે... લગ્ન ન કરી શકે.’ તે હોઠ ભીંસીને બોલી, કાંઈક બેચેની સાથે.

મને તો મમ્મી સમજાતી જ નહોતી.

પપ્પા તો સરળ, તેમને જો કહું કે મારે તારી સાથે લગ્ન કરવા છે તો તે ના પાડે નહિ. મને સમજવા પ્રયત્ન કરે.

પણ મમ્મી તો...

અરે, જ્યારે હું તમને ઓળખતી પણ નથી અને નામ પણ અકસ્માતે જ જાણવા મળ્યું ત્યારે હું માનતી હતી - એ મુજબ તમને કેવી રીતે પ્રેમ કરું, કેવી રીતે પરણું ? અને તે મને એ માટે મનાઈ ફરમાવી રહી હતી.

એ સમયની તેની વિહ્‌વળતા મને સમજાણી નહિ.

અને કેતન, હું પણ જીદ્દી તો ખરી જ. એક તો વાહિયાત આક્ષેપ અને ઉપરથી મનાઈહુકમ :

‘તું તેને ના પરણી શકે.’

અરે, સાવ મોં-માથા વિનાની. ભાઈ - શા માટે પરણી ના શકું ? છે કાં કારણ ? બસ... તમારી જુનવાણી, જર્જરિત દૃષ્ટિ. હું ઇચ્છું તો તને શા માટે પરણી ના શકું ? મને કોણ રોકે ? અલબત્ત તારી ઇચ્છા હોવી જોઈએ.

અને કેતન મન તો માંકડા જેવું જ છે. જ્યાં જવાની ના પાડો ત્યાં જ પહોંચી જાય.

મને એ રાતે તારા જ વિચારો આવ્યા. તું મને ગમવા લાગ્યો. મન ઢળવા લાગ્યું. ‘મમ્મી શા માટે ના પાડે..?’ એક જબરદસ્ત પ્રતીકાર જન્મ્યો ભીતરમાં.

અને બીજી સવારે જ તૃપ્તિના શરણમાં પહોંચી ગઈ.

‘કૃતિ... જવા દે ને કેતનની વાત.’ તેણે વાતને વળ ચડાવ્યો, ‘કેમ શું છે એ કેતનમાં...?’ મારી કુતૂહલતા તીવ્ર બની.

‘સારો છોકરો છે, સંસ્કારી છે... નોકરી પણ ઠીક ઠીક છે. મારી સોસાયટીમાં રહે છે. સાવ એકાકી છે. કવિતા પણ લખે છે. મને મૃણાલ કહેતી હતી...’

‘તો પછી...?’ મારી જિજ્ઞાસા રણની તરસ સમી બની ગઈ. આટલાં બધાં જમા પાસાં તો પણ તૃપ્તિ...

‘કૃતિ... એ અનાથાશ્રમમાં ઉછર્યો છે. કોણ મા, કોણ બાપ...?’ તૃપ્તિએ ઘટસ્ફોટ કર્યો.

‘હા... એનું શું છે ?’ મેં વિચારી લીધું. ‘આમાં કેતનનો શો દોષ...? કોઈની ભૂલની સજા... આ નિરપરાધીને શા માટે ?’ મન આક્રોશ કરવા લાગ્યું.

તૃપ્તિએ મને તારું સરનામું આપ્યું, કાંઈક કચવાતા મને કેતન, મમ્મી અને તૃપ્તિના પ્રતીકારે, મને મજબૂત બનાવી દીધી.

કેતન, આ વિષયમાં હું પૂરેપૂરી ગંભીર છું. મને તારામાં રસ છે. આવતા રવિવારે આપણે મળીએ એ જ ગુલમહોરના વૃક્ષની નીચે. હું સાંજે છ વાગે પ્રતીક્ષા કરીશ. આપણે આપણા વિચારોની આપલે કરીએ. મારી ઇચ્છા અને તારી ઇચ્છા ભેળવીએ. સંભવ છે કે આપણે પતિ-પત્ની બની પણ જઈએ.

- કૃતિ

• • •

મંત્રીશ્રી,

‘મમતા’ અનાથાશ્રમ.

સૌ પ્રથમ મારો પરિચય આપી દઉં. હું સુનયના મહેતા. એક બેતાલીસ વર્ષની ગૃહિણી છું. એક પુત્રીની માતા છું.

પ્રશ્ન જ એવો છે કે મારી અંગત વાતો તમારી પાસે ઉખેળવી પડે છે અને તમારો કિંમતી સમય પણ લેવો પડે છે.

આજથી બરાબર બાવીસ વર્ષ પહેલાં એ તારીખ પણ મને યાદ છે. સપ્ટેમ્બર માસની પાંચમી તારીખ હતી. પરોઢનો સમય હતો. વરસાદી રાત પછીનો ઉઘાડ હતો.

બસ. એ સમયે જ... હું મારા... જન્મ આપેલા પુત્રને તમારી સંસ્થામાં મૂકી ગઈ હતી, ચૂપ...ચાપ... લપાતાં છૂપાતાં...(...) મથામણમાં હતી એ સમયે. સાથે મારી દુર્બળ માતા પણ હતી. અમન બંનેને એ જ સૂઝયું હતું. અંતિમ ઉપાય તરીકે. કુંવારી માતા બનવું પડે એ કેટલી મોટી પીડા હતા ?

બસ, મારા પુત્ર પર છેલ્લી દૃષ્ટિ પાથરીને મેં તેને તમારે હવાલે કરી દીધો. એ સમયે હું રડી પણ ના શકી. અને એ લાચારીએ મને જીવનભર, આજપર્યંત રડાવી છે.

બહેનશ્રી, મેં અભાગણીએ સાથે એક ચિઠ્ઠી પણ લખી હતી, જેવા લખાયા એવા ગડબડિયા અક્ષરોમાં.

હું અને મા ઝાડના થડ પાછળ ઊભાં રહ્યાં. તમારામાંના ‘કોઈએ... બહાર આવીને મારા રડતા બાળકને હાથમાં લીધું અને કહ્યું. હા... કોઈ મૂકી ગયું છે... સવાર સવારમાં !’

બસ... મેં... તથા માતાએ વાટ પકડી હતી.

‘જોજે... ક્યાંય બકી જતી. પરાક્રમ કર્યું છે તે !’ માતાએ ચેતવણી આપી હતી.

આટલાં વર્ષો વીતી ગયાં એ વાતને. પતિ મળ્યા. મળી શકે તેનાથી સારા મળઅયા. સુખના સાધનો પણ અઢળક મળ્યાં. ના મળ્યો પુત્રને ઉછેરવાનો, ચુમવાનો... લ્હાવો. અને પેલા કાયર પુરુષનો પત્તો પણ ના મળ્યો. એકાંતમાં રડતી રહી. યાદ કરતી રહી મારા જ સર્જનને.

શું કરતો હશે ? કેવડો થયો હશે ? કેવું હશે મુખ ? ચહેરો... દેખાવ... અને નામ તો કેતન જ પાડ્યું હશે કે વળી... અન્ય કોઈ... ?

આવા અનેક વિચારો આવતા અને સમેટવા પણ પડતા. મારી પુત્રી કૃતિને જોતી અને મારી પાંપણ પર પુત્ર તરવરતો.

બહેન... હું તો લાગણીમાં સરી ગઈ.

હવે સમસ્યા એ થઈ કે... મેં થોડા દિવસ પહેલાં... અહીંના ટાગોરબાગમાં... એક બાંકડા પર એક વીસ-બાવીસના યુવાનને જોયો, સાવ નિકટથી જોયો. પાસે મારી સગી-પંડની પુત્રી કૃતિ બેઠી હતી. એ યુવાનને જોતાવેંત જ મારી ભીતર કશું ઘૂંટાવા લાગ્યું. મને તરત જ થઈ આવ્યું કે આ મારો કેતન તો નહિ હોય ? પણ એ ક્યાંથી હોય ? એ તો સંસ્થામાં જ હોય ને ? અને પાસે મારી કૃતિ પણ બેઠી હતી.

બહેન... તપાસ કરી તો એનું નામ પણ કેતન ! શી દશા થઈ હશે મારી ?

પુત્રીને ફેરવી ફેરવીને એ છોકરા વિશએ જ પૂછ્યા કર્યું.

એકાંત મળતાં તમારી સંસ્થાને ફોન જોડ્યો. વિગતો આપી... અને એ કેતન વિશે વિગતો માગી. બહેન... રીતસર કાલાવાલા કર્યાં. કહ્યું કે હું તેની કમનસીબ મા હતી, પણ કશું ના વળ્યું.

હવે આ પત્ર લખી રહી છું.

તમારી સંસ્થામાં આવેલ બાળકને તમે પુખ્ત થયા પછી તો થોડું રાખો ? તમારી જવાબદારી પણ ક્યાં સુધી હોય ? મને લાગે છે કે મારો કેતન પણ હવે મુક્ત થયો હશે, પગભર થવા યોગ્ય બન્યો હશે...

આપની સંસ્થામાં આપ જે અનાથ મુક્ત થાય - તેનો એક ફોટોગ્રાફ પણ રાખો છો - એ જાણવા મળ્યું. તો તો પછી મારા કેતનનો ફોટો પણ આપની પાસે હશે જ. મને ફોટો મળી શકે ખરો...?

તમે મને પત્રનો જવાબ આપી શકો ખરા ? અને મળવા આવું તો ?

બહેનશ્રી... મારે પુત્રને મળવું છે. તેને અજાણ્યા થઈને મળવું છે. તેના પ્રતિની બધી જ જવાબદારીઓ નિભાવવી છે. એવી હોંશ કઈ જનેતાને ના હોય ?

અને એક એથી પણ અગત્યની બાબત. મારી કૃતિ ખૂબ જ જીદ્દી છે... મને લાગે છે કે તે... એ કેતનના પ્રેમમાં પડે અને કશું એવું પગલું ભરે... એ પહેલાં જ મારે જાણી લેવું છે કે મારો કેતન અને એ કેતન એક તો નથી ને ? મારી પીડા સમજો છો ને ?

આપની સદાયની ઋણી,

- સુનયના મહેતા

(મનાંકન)