Hunf sagpanni in Gujarati Short Stories by Gopali Buch books and stories PDF | હુંફ સગપણની.

Featured Books
Categories
Share

હુંફ સગપણની.

બી પ્રેક્ટીકલ !

"આશરો"વૃધ્ધાશ્રમની ઠસ્સાદાર કૅબિનમા બેઠેલી સાલ્વીએ દરવાજો ખુલવાના અવાજથી ફાઈલ વચ્ચેથી માથુ ઊંચુ કર્યું.ધિરજલાલને જોઈ એના ચહેરા પર અણગમો પથરાયો.

"આવુ કે"?કહેતા તો ધિરજલાલ અંદર આવી જ ગયા.

"તમે અંદર આવી જ ગયા છો"કહેતા સાલ્વી ફરી ફાઈલમા વ્યસ્ત થઈ ગઈ.

"મૅડમ,તમે જાણૉ છો કે મે ચોરી નથી કરી.હુ એવુ ન કરુ.મારી પાસે બધુ જ છે તો હુ શુ કામ એવુ કરુ ?મૅડમ ,મારી ફાઈલમા ડિસઑનૅસ્ટીના ખાનામાં થયેલી તમારી સહી મને આ આશરો છોડાવશે."

"હમ્મ્"સાલ્વીએ ઊંચુ જોયા વગર જ કહ્યું.

"મારે મારા દીકરા ભેગા નથી રહેવુ.એ લોકો મને સારી રીતે નથી રાખતા.હુ અહી જ રહેવા માગુ છુ.હુ ક્યાં જઈશ ?"ધિરજલાલના અવાજમા અધિરાઈ આવી અને સાલ્વીના હોઠ કટાક્ષભર્યા સ્મિત સાથે વંકાયા.એ ચૂપ રહી.

"મે ચોરી નથી કરી.ડૉન્ટ સાઈન પ્લિઝ.તમે કહેશો તો હુ આ વૃધ્ધાશ્રમમા વધુ દાન આપવા પણ તૈયાર છુ."સાલ્વીએ જાણે હોઠ ભીડી જ લીધા હતાં.સાલ્વીનું મૌન જોઈ ધિરજલાલ વધુ અકળાયા.

"સાલ્વી પ્લિઝ,બી પ્રૅક્ટીકલ"

"મૅડમ કહો સાલ્વી નહી.બહાર બેસો.ફાઈલ મળી જશે"સાલ્વીએ ઉગ્રતા સાથે કહ્યું.

ધિરજલાલના ગયા પછી સાલ્વી વિચારે ચડી. પોતે પણ તો આમ જ કરગરી હતીને !સાલ્વી ભુતકાળની દુનિયામા સરી પડી.ચાર મહિનાનો ગર્ભ ઊછરી રહ્યો હતો પેટમા અને ધિરજ ઍબોર્સન માટે મો પર પૈસા ફેંકી ચાલતો થયો હતો ત્યારે એણે પગ પકડી લીધા હતા ધિરજના .

"ધિરજ,પ્લિઝ.હું ક્યાં જઈશ ?આ આપણા પ્રેમની નિશાની છે ધિરજ.મારે આપણા સંતાનને મારવુ નથી.સમાજ મને નહિ સ્વિકારે.કુટુંબે તો ત્યજી જ દીધી છે.ધિરજ,જરા મારો તો વિચાર કર"

"તુ જાણે છે ને કે હુ પરણેલો છુ ? બે દિકરાનો બાપ છુ.બી પ્રૅક્ટિકલ સાલ્વી"

"એ તને હવે યાદ આવ્યુ? તે વચન આપ્યુ હતુ કે તુ લગ્ન કરીશ મારી સાથે"

"એ શક્ય નથી.સમાજ શું કહે ?ઍબોર્શન કરાવી નાખ.બાકી તારી મરજી."આમ જ કહીને થોડા પૈસા રીતસર ફેંકીને ધિરજ ચાલ્યો ગયો હતો.

ચાર મહિનાના ગર્ભ સાથે શરુ કરેલી સંઘર્ષમય સફરમાથી સાલવી પસાર થવા લાગી.કુટૂંબનો તિરસ્કાર,સમાજના મેણાટોણા,પુરૂષોની મદદ કરવાના બહાને નજીક આવવાની લોલુપવૃત્તિ,વાસનાભુખી નજર,વારંવાર બદલવાં પડતાં ઘર અને નોકરી અને આ બધી પરીસ્થિતીનો સામનો એકલે હાથે કરતાં કરતાં એણે ધૈવતને આપેલો જન્મ અને તેનો કરેલો ઊછેર એમ ભુતકાળનાએક પછી એક પાના સાલ્વીના માનસપટ પર ખુલતાં ગયાં.

ધિરજના ચાલી ગયા પછી ફુટપાથ પરથી આજે એક વૃધ્ધાશ્રમની ઑફિસમા ડાયરૅક્ટરની પોસ્ટ પર પહોચવા સુધીના તમામ સંઘર્ષમાથી સાલ્વી ફરી પસાર થઈ ગઈ. એસી કૅબિનમા પણ સાલ્વીને પરસેવો વળી ગયો.

એને ધૈવત યાદ આવી ગયો.કેટલીય વાર ધૈવતની માસુમ આંખોમા એણે ક્યારેય નહી પુછાયેલો'પપ્પા'વિશેનો પ્રશ્ન વાચ્યો હતો.એ ધૈવત કે જેના માટે જ એ જીવતી હતી.એનો અને માત્ર એનો એકલીનો જ વ્હાલસોયો દિકરો ધૈવત.અમૅરિકાથી પી.ઍચ.ડી.ની ડીગ્રી મેળવી ભારત પાછો આવી રહ્યો હતો.

'હા,મારો અને માત્ર મારો એકલીનો જ દિકરો ધૈવત'.એનું માતૃહ્રદય ચિત્કાર કરી ઉઠ્યું.મે એને એકલે હાથે ઉછેર્યો.એની ઘણી જરુરિયાતો હું નથી પુરી કરી શકી.કેટલીએ વાર સ્કુલમા ફી મોડી ભરાવાને કારણે એણે ક્લાસમા બધા વચ્ચે માનહાનિ સહન કરી છે !કેટલી સુની સાંજો એણે મારી સાથે વિતાવી છે!સોસાયટીમા બાપ સાથે ક્રિકેટ રમતા છોકરાઓને જોઈને કેટલા મૌન આંસુ એના ઓશિકામાથી મને મળ્યા છે !સ્કુલની પેરેન્ટ મિટિંગમા એ બીજા મિત્રોના મા-બાપને અને મને એકલીને જોઈ રહેતો એ નજર હજી સાલ્વીની આંખોમા જડાયેલી છે.આ બધાં ડંખ હજી સાલ્વીને કળે છે. એનો આત્મા ચીખી ચીખીને કહે છે કે ધૈવતની મા પણ અને બાપ પણ હું જ છું.

એક ઊંડા શ્વાસ સાથે સાલ્વી ભુતકાળની ભયંકર યાદોની સફરથી ફરી પોતાની કૅબિનમા ફાઈલ વચ્ચે જાણે પ્રવેશે છે.

"ડીસઑનૅસ્ટી તો તમે કરી જ છે ધિરજલાલ.ગુનેગાર તો તમે છો જ.હું જાણુ છું ધિરજલાલ કે તમે ચોરી નથી કરી,કોણે કરી છે એ પણ જાણુ છુ.પણ શું કરું ?મે પણ હવે મારી જાતને કહી દીધું છે કે સાલ્વી,બી પ્રૅક્ટિકલ"એમ મનોમન સંવાદ કરતી સાલ્વીએ એક ખંધા હાસ્ય સાથે ધિરજલાલની ફાઈલમા ડીસઑનૅસ્ટીના ખાનામા સહી કરી ઊંડો શ્વાસ લીધો.

ગોપાલી બુચ.

2)

“ દો રુપિયે”

ટીના મર્સિડીઝ કારના ડાર્ક બંધ કાચમાથી ટ્રાફિક સિગ્નલ પર કપડું લઈ ગાડી સાફ કરી રહેલા છોકરાને એક ચીડ સાથે જોઈ રહી.એ જ છોકરાને મર્સિડીઝનો ડ્રાઈવર રમેશ બહુ જ પ્રેમ અને અનુકંપાથી જોઈ રહ્યો હતો.

ટીના-૩૫ વર્ષની અદોદળી પણ ઠસ્સાદાર ગૃહિણી પોતાના એકલોતા ડૉબરમેનને વરસાદી વાતાવરણમા મર્સિડીઝ કારમા લટાર મરાવા નીકળી હતી.

"અલ્લેલે...માય ડાર્લિંગ બેબી,સો...ક્યુટ ટોમી ! સી, હાઊ લવલી રેઈન ! વૉટ એન એટમોસફીઅર ! આર ઉ એન્જોઇંગ ?"ટીના રસ્તામા સતત એના પૅટ ડોગ સાથે વાતો કરતી રહી હતી.કુતરુ કદાચ અંગ્રેજી ભાષા જ જાણતું હતું !

ગાડીનો ડ્રાઈવર એક અકળામણ સાથે સામેના કાચમાથી ટીના અને એના ટોમીને જોઈ રહ્યો હતો.એને જલ્દી સિગ્નલ ખુલે એની રાહ હતી.

રમેશને ટીના પર ગુસ્સો આવતો હતો.ઘરમા રમેશ નો પાંચ વર્ષનો દિકરો તાવથી ધગધગતો હતો તેને દવાખાને લઈ જવા રમેશને રજા નહોતી આપવામા આવી કારણ માત્ર એટલું જ કે ડોબરમેન ટોમીને વરસાદમા લોંગડ્રાઈવમા જવુ ખુબ ગમતું.જેને ટીનામૅમ અગત્યનું કામ કહેતાં હતાં.

પેલા કાર સાફ કરતા છોકરાને જોઈ રમેશને થોડુ વહાલ પણ ઉભરાયુ.રમેશ બે ઘડી પોતાનો ગુસ્સો ભુલી ગયો ,ત્યાં તો ટીનાનો કડક ,સત્તાવાહી અવાજ કાને અથડાયો.,"રમેશ,ગાડી ઉભી રાખી જ છે તો ટોમીને ટોઈલૅટ કરાવી લે જે."

"જી"કહેતા રમેશ મનોમન ધુંધવાયો.એ મેડમની આજ્ઞાનુ પાલન કરવા ટૉંમીને લઈ નીચે ઉતર્યો.એ જ વખતે પેલો કાર સાફ કરનારો છોકરો જરા કારની નજીક સરક્યો,”મેડમ કાર સાફ કરદુ? બારિશકી બજહ સે ખરાબ હુઈ હૈ"એણે આશાભરી નજરે ટીના સામે જોયુ.

“ઓહ માય ગોડ!સો ડર્ટી!કરી દે."છોકરો મોટી ગાડીની મોટી નોટની આશા સાથે મન દઈ ગાડી સાફ કરવા લાગ્યો.

ડ્રાઈવર પણ કુતરાને- સોરી ડોબરમેનને ટોયલેટ કરાવી આવી ગયો હતો.

ઓહ્હ...સ્વિટી ,કમ ઈનસાઈડ માય બોય,ભીનો થઈશ તો સિક થઈ જઈશ.રમેશ ,તુ જરા કાર સરખી સાફ કરાવી લે"ટીના મેડમ બોલ્યા.રમેશે એક તિરસ્કારભરી નજર કુતરા તરફ નાખી એને કારમા બેસાડી દીધો.

ગાડી સાફ થઈ ગઈ.ટીના એ આટલી મોટી ગાડી સાફ કરવા બદલ બે રુપિયાનો સિક્કો છોકરાના હાથમા પકડાવ્યો.છોકરાએ નિરાશાથી ટીના સામે જોયુ."

મેડમ...." છોકરો કાંઇ પણ બોલે એ પહેલાં જ "બરાબર હૈ"કહેતા ટીના ૫૦૦ રુપિયાના બિસ્કીટના પેકેટમાથી કુતરાને બિસ્કીટ ખવરાવવા લાગી.એણે રમેશને ગાડીનો કાચ બંધ કરવા કડક સુચના આપી.

"મેદમ,આધી ચાય ભી નહી આતી દો રુપિયેમે.પાંચ દે દો"છોકરો કરગર્યો.બહાર વરસાદ વધતો જતો હતો.છોકરો ધ્રુજતો હતો.રમેશને પાછો પોતાનો દિકરો યાદ આવ્યો.

છોકરો હજી પણ ભારે વરસાદમા કરગરતો હતો.સિગ્નલ ખુલ્યુ,ગાડી સ્ટાર્ટ થઈ.કાચ બંધ થયા.છોકરો લગભગ ગાડી પાછળ દોડ્યો.ટીના ફરી કુતરામા બીઝી થઈ ગઈ.

છોકરો મેડમ્...મેડમ કરતો પાછળ દોડતો આવતો હતો.હજી જરાક જ આગળ ગયા ત્યા જ જોરદાર બ્રેક મારવાનો અવાજ આવ્યો.રમેશે ગાડી ધીંમી કરી.સામેના કાચમાથી પાછળ જોયુ.એને પોતાની જ જાત માટે ધૃણા થઈ આવી.આંખો ભીની થઈ ગઈ.પાંચ રુપિયા માટે પાછળ દોડી રહેલા છોકરાને પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે........

ગોપાલી બુચ