યોગેશ પંડયા
પ્રેમનું પારખું ...
ઈશા, તૈયાર થઈને બહાર નીકળતી હતી ત્યાં જ પ્રતિમાએ તેને કહયુ બેટા તુ કયાં જાય છે ?
'' હું, ઈશા ખચકાઈ ગઈ, પણ પાછી કૈંક ગોઠવીને બોલી, હું મારી ફ્રેન્ડ સીમરનને ત્યાં જાઉ છુ.
ના, તુ સીમરનને ત્યાં નથી જતી એ મને ખબર છે ઈશા, મને એ પણ ખબર છે કે તુ કોને મળવા જાય છે. તુ જેને મળવા જાય છે એનુ નામ કહુ તો ?
ઈશા સ્હેજ ધ્રુજી ગઈ.
રાહુલ... પ્રતિમા સોફા પરથી ઉભી થતા બોલી, રાહુલ નામ છે એનુ, અને મને એ પણ ખબર છે કે રાહુલ અને તુ, એક બીજાના પ્રેમમાં છો. બોલ ખરૂ કે નહી...
હા, મમ્મી... ઈશાની નજરો નીચે ઢળી ગઈ.
તો પછી મારી આગળ જુઠુ કેમ બોલે છે ?
આઈ એમ સોરી.. ઈશા બોલી ઉઠી.
પ્રતિમાએ તેની ચિબૂક પકડીને પૂછયુઃ અત્યારે તમે કયાં મળવાના છો ?
ઘોઘા સર્કલ...
નહી તમે ઘોઘા સર્કલ નહી મળો તમે બન્ને અહીં ઘરે જ મળશો.
નહી મમ્મી... એ ખોટુ થાય છે એ નહીં આવે...
તો આ શું સાચુ થાય છે હેં ? બોલ... પ્રતિમાએ સ્હેજ કડક અવાજે પૂછયુઃ કોણ છે રાહુલ ? કઈ જ્ઞાતિનો છે ? તેના પપ્પા શું કરે છે ? અને તમે બન્ને કયારથી એકબીજાના પ્રેમમાં છો ? બોલ...
ઈશા ચૂપચાપ ઉભી રહી, કે પ્રતિમાએ ફરીવાર પૂછયુ હું તને પૂછુ છુ ઈશા, તુ બહેરી નથી એ મને ખ્યાલ છે...
મમ્મી.... કહી એ સોફા પર બેસી પડતા રડમસ અવાજે બોલી : તુ ધારે છે એવુ કશું નથી. અમે માત્ર હજી સુધી મિત્રો જેમ જ રહયા છીએ. અમારી બન્નેની વચ્ચે મર્યાદાની જે રેખા છે એને ઓળંગવાની કોશિષ તો ઠીક, બલ્કે વિચારેય કર્યો નથી. રાહુલનું માનસ અને દ્રષ્ટિ એવા વિકૃત નથી. અને તને તો તારી દીકરી ઉપર વિશ્વાસ છે ને ?
હા બેટી... હું એટલે તો તને પૂછુ છુ. તારી ઉપર આવેલા ત્રણ ચાર ફોન છાની રીતે મે રીસીવ કર્યા છે. તમારી બન્નેની વાતો મે અમારા રૂમમાં રહેલા ફોનમાં અલગ ઈન્સ્ટ્રુમેન્ટ દવારા સાંભળી છે. હું તને એટલે તો રાહુલ વિષે પૂછી રહી છુ. બોલ એ છોકરાનું બેકગ્રાઉન્ડ જણાવ....
મમ્મી.... ઈશાની જબાન હવે ખૂલીઃ અમે બન્ને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં છીએ. રાહુલના પપ્પા એલ.આઈ.સી.માં ઓફિસર છે. તેના મમ્મી એક ગર્લ્સ હાઈસ્કુલમાં ટીચર છે. તેની એક બહેન છે. તે બી.એસ.સી. કરે છે આ એનું ફેમીલી બેકગ્રાઉન્ડ. બીજી વાત કરૂ તો એ આપણી જ્ઞાતિનો છે. આપણી જ્ઞાતિના હમણા જ યોજાઈ ગયેલા સમૂહ લગ્નોત્સવમાં એ લોકો સહકુટુંબ આવેલા. પણ હું પપ્પાના કડક સ્વભાવને લીધે તે લોકોને તારી સાથે મેળવી ન શકી. બાકી એ લોકોનો નેચર, રહેણી કહેણી... અને રાહુલના મમ્મીનો સ્વભાવ તો બહુ સરસ છે....
એટલે તુ એ લોકોના ઘરે જઈ આવી છો એમને ?
હા મમ્મી...ઈશા ઉભી થઈ ગઈ... અને રાહુલની મમ્મીને ખ્યાલ છે કે તમે બન્ને...
હા મમ્મી.. એ લોકો તો બહુ રાજી છે. એમને હું અનહદ પસંદ છુ. અને કાશ્મીરાતો મારી બેસ્ટ ફ્રેન્ડ જેવી બની ગઈ છે.
કોણ કાશ્મીરા ?
રાહુલની નાની બહેન...
અચ્છા... તો આ ચકકર છેક અહીં સુધી પહોંચી ગયુ છે... પ્રતિમાએ પોતાની કીકીને આમતેમ ઘુમાવતા કહયુ. ઈશા ધડકતા દિલે તેની સામે ઉભી હતી કે પ્રતિમાએ કૈંક વિચાર કરીને કહયુ તુ એમ કર રાહુલને અહીં બોલાવી લે...
પણ મમ્મી... એ અત્યારે ઘોઘા સર્કલ જવા નીકળી ગયો હશે.
અચ્છા, પણ તો તુ અત્યારે એને કહી દે કે મમ્મીએ તને તેડાવ્યો છે એ તને જોવા ચાહે છે...
... પણ તુ એને કંઈ કહીશ તો નહી ને ?
ના...
તુ એને ધુત્કારીશ તો નહી ને ? તુ એની ઉપર ગુસ્સે થઈશ મમ્મી... મને તારો ડર લાગે છે.
ના બેટા હું એને કશુ જ નહી કહુ બસ ? આઈ પ્રોમિસ ટુ યુ ઈશા, તને તારી મમ્મી ઉપર વિશ્વાસ નથી ?
સારૂ... તો હું એને વાત કરીશ, પછી ક્ષણેક અટકીને બોલીઃ
તો હું જાઉ ?
હા, તુ જઈ શકે છે. પણ સાંજના સાત વાગ્યે પાછુ આવી જવાનુ અને એને કહેજે, કાલે સાંજે મળવા આવે. એ શરતે તને જવા દઉ છુ...
ઓ.કે. મમ્મી થેન્કયુ... કહી, ઈશા ઝટપટ ઝટપટ સ્કુટી લઈને નીકળી ગઈ.
બીજા દિવસની સાંજે પાંચ વાગ્યે ઈશા અને પ્રતિમા, રાહુલની રાહ જોતા હતા ત્યાં જ બેલ વાગ્યો. ઈશા ઝડપથી ઉભી થઈને બારણુ ખોલવા ગઈ. રાહુલ ઉભો હતો. ચહેરા પરની એ જ મુસ્કાન, નાઝુક કપાળ પર પથરાયેલી ભૂખરી ઝૂલ્ફો, મોટી મોટી આંખો, કિલન શેવ ચહેરો...
આવ નહીં કહે...
ઓહ...ઈશા હટી જતા ટહૂકી.
વેલકમ... રાહુલ.
રાહુલ અંદર આવ્યો અને પ્રતિમાની સામે ઉભો રહયો. ઓળખાઈ જતા વાર ન લાગી. તેણે નમસ્તે કરીને કહયુઃ આઈ એમ રાહુલ.
ઓળખી ગઈ. બેસ. બેટા...
રાહુલ બેઠો, પ્રતિમાની નજર પગથી છેક માથા લગી ગઈ દીકરીની પસંદગી માટે માન થઈ આવ્યુ. રાહુલ હેન્ડસમ લાગતો હતો. વિધાનું તેજ તેના મુખારવિંદ ઉપર ચમકતુ હતુ...
ઈશા ટ્રેમાં પાણી લઈ આવી. એ ઘૂંટ પીને તેણે ગ્લાસ ટ્રેમાં પાછો મૂકયો.
... તો તમે એકબીજાને પ્રેમ કરો છો એમને ? પ્રતિમાએ રાહુલને પૂછયુ.
હા, આન્ટી હું એને ચાહુ છુ...
પ્રેમ એટલે શું ? પ્રેમની વ્યાખ્યા આવડે છે ?
ના આન્ટી... પ્રેમમાં વિવેચન કે વ્યાખ્યા નામના તત્વને સ્થાન આપ્યુ નથી. હદયમાં જે કંઈ લાગણીઓનો આર્વિભાવ ઉદભવ્યો એને અભિવ્યકત કર્યો છે. કદાચ એનુ નામ પ્રેમ પણ હોય..
તમે બન્ને કેટલા વર્ષથી પ્રેમમાં છો ? આઈ મીન આ ચકકર... હાઉ લોંગ ?
તમે જેને ચકકર માનો છો એ મારે માટે પૂજા છે. ચકકરમાં પ્રોફેશ્નલિઝમ હોય છે. પૂજામાં સમર્પણની ભાવના હોય છે. પણ એ જ પૂજામાં જયારે વાસના ભળે છે ત્યારે એ રમત બની જાય છે. અને એવી રમત રમવા હું તૈયાર નથી આન્ટી. હું એવો માણસ નથી.
તારા વિચારો બહુ સરસ છે.. પણ તુ ઈશાને કેટલે સુધી ચાહે છે ?
તેના અસ્તિત્વથી આત્મા સુધી...
વેલ... પ્રતિમા ઉભી થતા બોલીઃ પ્રેમમાં પડયા પછી ફિલ્મી ડાયલોગ આ રીતે મોઢે થઈ જતા હોય છે. પણ.. અત્યારે તમે બન્ને ફાઈનલ ઈયરમાં છો. પ્રેમના પાઠ આ રીતે ગોખતા રહેશો તો તમારે જે તમારી કારકિર્દી ઘડીને તમારી જીંદગીનું લક્ષ્ય સાધવાનુ છે એ માટેના તમામ પાઠ ભૂલી જશો. મારી એક શરત છે કે તમારે એક વર્ષ લગી એકબીજાને મળવાનુ નથી. જો તમે મળ્યા તો સમજો કે જીંદગી હારી ગયા. જો મારી શરત મુજબનું પાલન કરશો તો બાજી તમારા હાથમાં છે બોલો મંજુર છે ?
મમ્મી... ઈશા મોટેથી બોલી ઉઠીઃ ઈટ ઈઝ ઈમ્પોસીબલ મમ્મી, તુ અમારા પ્રેમને ગળે ટૂંપો દઈ રહી છે...
પણ પ્રતિમાએ તેના તરફ ધ્યાન ન આપ્યુ. તે રાહુલને પૂછતી હતીઃ બોલ શરત મંજુર છે ?
હા... શરત મંજુર છે. પણ એક મારી ય શરત છે. તે અટકી ગયો.
બોલ, બોલ અટકી કેમ ગયો ?
રાહુલ ઉભો થતા બોલ્યોઃ જે દિવસે અમારા ફાઈનલ ઈયરની ફાઈનલ એકઝામનું લાસ્ટ પેપર પુરૂ થશે તે દિવસની સાંજ અમારા એકબીજાના સાન્નિધ્યમાં ગુજરતી હશે...
સ્યોર...
એક બીજી પણ શરત છે.
વેલ, સ્ટાર્ટ....
તે દિવસની સાંજે જ તમારે મારી અને ઈશાની સગાઈ વિધિનું મુહુર્ત કઢાવી નાખવુ પડશે. બાય ધ વે, હું જયાં સુધી સર્વિસ ઉપર ન ચડું ત્યાં સુધી મેરેજની કોઈ ઉતાવળ નહી કરૂ. બોલો ઓ.કે. ?
ઓ.કે.... પ્રતિમા બોલી ઉઠી...
તો પછી હું જાઉ છુ... કહી તે ઉભો થયો કે પ્રતિમાએ તેને રોકયો
તુ કોફી પી ને નીકળી શકે છે.. કહી ઈશાને હુકમ આપ્યો :
ઈશા, ટુ કપ કોફી લાવ.
ઈશા કોફી લઈને આવી. રાહુલ કોફી પીને નીકળી ગયો.
એક વર્ષ પુરૂ થઈ ગયુ...
પણ આ એક વર્ષનો એક એક દિવસ ઈશાને માટે એક એક યુગ જેવડો લાગતો હતો. તે ભીતરથી ભડભડ બળી રહી હતી. આકરી શરત મૂકીને મમ્મી જ પોતાના અને રાહુલના પ્યાર આડે એક દિવાર બનીને ઉભી રહી ગઈ હતી... એક જોતા તો, મમ્મીએ પોતાના અને રાહુલના પ્રેમને ગળે ટૂંપો દઈ દીધો હતો. રાહુલ, કોલેજમાં મળતો તો તેની સામે જોયા વગર જ નીકળી જતો. એમાં બે ચાર શબ્દોની આપલે તો કયાંથી થાય ? ઈશા, રાહુલની પાછળ પાછળ ભમતી અને રાહુલ ભાગી છૂટતો... ઈશાના દિલમાંથી દર્દની તીણી કસક ઉઠતી. બેચાર દિવસે પ્રતિમા પોતાની શરત યાદ અપાવી દેતી... કદાચ, મમ્મી એક બીજો પેંતરો પણ કરી રહી હતી કે શું ?
રાહુલ સિવાય કોઈ અન્ય છોકરા સાથે પોતાનુ ગોઠવી નાખશે ?
ના, ...ના તો તો પોતે બળજબરી કરશે. આત્મહત્યાની ધમકી આપશે... પણ... પપ્પા આગળ પોતાનું શું ચાલશે ?
નબળા વિચારો તેના મનને ઘેરી વળતા હતા.. આજે છેલ્લુ પેપર હતુ. તેણે એ ત્રણ કલાક તો માંડ કાઢી ત્યાં જ પેપર છૂટવાનો બેલ વાગ્યો. એ રઘવાઈ બનીને બહાર આવીઃ હાય ઈશા... કહી અન્યની હાજરીની પરવા કર્યા વગર રાહુલે તેને આશ્લેષમાં લઈ લીધી... ઈશાએ પોતાની જાતને તેના સ્નેહપાશમાં બાંધી દીધી...
પૂરા ત્રણ કલાક એન્જોય કરીને એ રાત્રે નવ વાગ્યે બન્ને ઘરે પહોંચ્યા ત્યારે ઈશા ધ્રુજી ગઈ. પોતાની મમ્મી તો હતી પપ્પા પણ બેઠા હતા.
આવો... પ્રતિમા બોલી ઉઠી : વેલકમ રાહુલ... તુ આવ્યો ?
હા આન્ટી... હું આવ્યો છુ. મારી શરતની યાદ અપાવવા માટે. તમારી શરતનું મે આજની ઘડી સુધી પાલન કર્યુ છે. હવે તમારા વચન તમે પાળો છો કે નહી. એની ખાતરી કરીશ.
પ્રતિમા ખડખડાટ હસી પડતા બોલીઃ વિધા વચન હવે ભૂલી જજે રાહુલ. મારી ઈશાને પણ ભૂલી જજે રાહુલ એના માટે અમે કેનેડા નકકી કરી નાખ્યુ છે. આવતી કાલેજ મહેમાનો તેને જોવા માટે આવે છે...
રાહુલ ગુસ્સામાં આવીને ઉભો થઈ ગયો તો પછી તમારે આમ જ કરવુ હતુ એમને ? પણ હું...
તુ કશુ જ નહી કરી શકે. રાહુલ ઈશાના પપ્પા અખિલકુમાર બોલી ઉઠયાઃ મે ડી.એસ.પી. પાસે રક્ષણ માગ્યુ છે. અમારી ફરતે સીકયુરીટીની સાંકળ હશે...
એ સાંકળને તોડી નાખીશ મીસ્ટર અખિલકુમાર... હું મારી સગ્ગી આંખે મારી ઈશાને બીજા સાથે ફેરા ફરતી નહી જોઈ શકુ.
અચ્છા... પછી ? પ્રતિમા બોલી ઉઠી.
હું એને ભગાડીને નાસી છૂટીશ. પણ ઈશાને તો હું મારી જાતથી અળગી નહીં જ થવા દઉ...
લોહી વહેશે... કહી અખિલકુમારે રિવોલ્વર તાકી. રાહુલ ઘડીક ધ્રુજી ઉઠયો પણ પછી ત્રાડી ઉઠયો. વહેવા દઈશ... કારણ કે મે ઈશાને જાનથી પણ વધારે ચાહી છે. કદાચ એ કરવા જતા હું મરી જઈશ તો પણ મને વાંધો નથી.. એમ કહીને એણે ઈશાને પકડીને ખેંચીને બહાર ભાગવા ગયો ત્યાં જ અખિલકુમારે આડા ફરીને તેને પકડી લીધો : શાબ્બાશ બેટા શાબ્બાશ... હું જોતો હતો કે તુ એને કેટલી હદ સુધી ચાહી શકે છે ? તે એકવાર ઈશાને કહેલુ કે તુ કદાચ ન મળે તો તારા વગર હું મારો પ્રાણ કાઢી દઉ... રાહુલ એ વાતની મને ખબર છે. અમે તારા પ્રેમનું પારખુ કરતા હતા કે તુ ખરેખર ઈશાને પ્રેમ કરે છે કે પછી માત્ર તમારી વચ્ચે વિજાતિય આકર્ષણ જ છે... પણ અમારી કસોટીમાંથી તુ સાંગોપાંગ પાર ઉતરી ગયો છે.
હું આજે જ તમારી સગાઈનું મુહુર્ત કઢાવુ છુ. ઓ.કે. ? કહી, અખિલકુમારે રાહુલ સાથે, હાથ મેળવીને તેના નાઝુક કપાળ પર પ્રેમથી, ચુમ્મી ભરી લીધી ત્યારે પડખે ઉભેલી ઈશાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા...