mari mavaladi in Gujarati Magazine by Rekha Vinod Patel books and stories PDF | મારી માવલડી

Featured Books
Categories
Share

મારી માવલડી

આ તો વાત છે માના પ્રેમની ,સાથ અને સહકારની, લાગણીઓ નાં પ્રવાસની ,ગુંથાતા અહેસાસની, બે શરીરના એક શ્વાસની.
આ માનો ખોળો એટલે શિયાળાની ગરમાહટ ભરેલી સવાર, માથા ઉપર ફરતો માનો હાથ એટલે બળબળતા બપોરે શીળી છાય.

આજે જ્યારે મા વિશે થોડું લખવાનો મોકો મળ્યો છે તો ઓછામાં માત્ર એટલુજ કહી શકાય કે " મા સાથે નો સાચો સબંધ એજ છે કે જો તે ઉદાસ હોય તો તેની એ ઉદાસી આપણા મન સુધી પહોચી જાય" . કારણ આપણાં જન્મની સાથે માત્ર આ એકજ વ્યક્તિ જે દરેક ઈચ્છા, તૃષાને સમજી જતી હતી અને તેને પૂરી કરવામાં દિવસ રાત જોતી નહોતી.
ગમે તેટલી નીંદર વહાલી હોય પણ એક મા કદી બાળકને ઊંધમાં પણ રડવા દેતી નથી.આજે એજ માને જ્યારે આપણી જરૂર પડે છે ત્યારે આપણે આપણા હાથ કેમ કરીને પાછાં ખેંચી શકીએ.
"
આજ સુધી મા વિષે ઘણાય લેખ લખાયા છે ,જેમાં મા અને માના પ્રેમની વાતો આલેખાઈ છે. કારણ મા વિષે લખવું એ નાના બાળક માટેનો પણ સાવ સહેલો વિષય છે , આજ કારણે નાનપણ માં સહુથી પહેલો નિબંધ હંમેશા "મા " ઉપર લખવાનો હોય છે . નાનપણથી એક બાળક જેટલું તેની માને સમજતો હોય છે તેટલું તે બીજા કોઈ વિષે જાણતો નથી માટે આજ સુધી સેંકડો આર્ટીકલ મા માટે આલેખાયા છે .

મારી મા એટલે પ્રેમીલાબેન નવનીતભાઈ પટેલ જે રાજસ્થાનમાં જન્મ્યા ત્યાંજ મોટા થયા ,પરણીને ગુજરાત આવ્યા ત્યારે તેમની માટે ગુજરાતી ભાષા સાથે ગુજરાતના ગામડાંનું જીવન સાવ અલગ હતું. છતાં મારા આઘુનિક વિચારસરણી ઘરાવતા પિતાની સુઝબુઝ અને પ્રેમના કારણે ઝડપથી ગુજરાતી વાંચતા લખતા શીખી ગયા. અમને ત્રણ ભાઈ બહેનોને આંતરિક સૂઝસમજ આપવામાં મારા માતા પિતા બંનેનો ફાળો ખુબ મહત્વનો છે . દુઃખને સ્પર્શ્યા વિના જ અમે મોટા થઇ ગયા તેનું કારણ તેમની શીળી છાયા અને પ્રેમ માત્ર છે .

આજે પણ બાળપણને યાદ કરું ત્યારે માના પાલવ સાથે ગૂંથાએલી સઘળી વાતો આંખ સમક્ષ આવી જાય છે . મારું મૂળ વતન વાલવોડ જે નાનું ગામ હતું ,ત્યાંની સ્કુલ પણ નાની જેમાં કેળવણી માટે ખાસ કઈ વઘારે નાં કહી શકાય . મમ્મીને શરૂઆત થી અમને ભાઈ બહેનોના ભણતરમાં વધારે રસ. કદી ઘરનું આગણું એકલા છોડયું નહોતું તે માએ ઘરમાં બધાની નાં હોવા છતાં " હું એકલી ભાદરણ રહીશ પણ બાળકોને ત્યાંજ રહી ભણાવીશ" ની તેમની જીદના કારણે અમે નાનપણથી બહાર નીકળી શક્યાં પરિણામે શિક્ષણ સાથે આચાર વિચાર પણ વધુ તંદુરસ્ત બની શક્યાં .

મારી મમ્મીની એક ખાસિયત એ હતી કે તેમને મન નાના મોટા બધાજ સરખા હતા , અમારે ત્યાં કામ કરતાં રઈબેન ની દીકરી જ્યારે પરણી ત્યારે હું બાર તેર વર્ષની હોઈશ . મમ્મી કહે રેખા આપણે રઈની દીકરીના લગ્નમાં જવાનું છે ""
મમ્મી આપણાં થી ત્યાં કેમ જવાય? હું નહિ આવું " મેં જવાબ વાળ્યો હતો . ત્યારે મમ્મીએ કહેલી વાત આજે પણ યાદ છે "
કેમ નાં જવાય ? શું તે આપણા જેવી માણસ નથી? , જો બેટા કામ ઉપર થી માણસ ને નાં પારખવા તેના સ્વભાવ ઉપરથી તેમની સારા ખોટા કે નાના મોટાની તુલના કરવી" . અને ત્યારબાદ અમે તેમની દીકરીને આશીર્વાદ આપવા આપવા ગયા હતા .


જીવનનાં પ્રથમ જરૂરી પાઠ મા સહુ પહેલા શીખવે છે ,સાવ સાચી વાત છે . આવી એક વાત અહી યાદ કરું તો , અમારું પહેલું ભાડાનું ઘર ગામ બહાર રોડ ઉપર હતું જ્યાં અમારા ઘરની સામેની ખાલી જગ્યામાં કાંસકી વેચનારા ,ગધેડાં રાખનારાં વણઝારા જેવા ગરીબોની વસ્તી હતી. નાનપણમાં બહુ નવાઈ લાગતી જ્યારે મમ્મી તેમને ઘરે બોલાવી તેમના જાતે માપ લઇ તેમને ચણીયા કાપડાં સીવી આપતાં અને તે પણ સાવ મફતમાં , હું ગુસ્સે થતી કે આ શું બધું કરો છો ,પપ્પા પણ ક્યારેક કહેતા શું આખો દિવસ સંચા ઉપર બેસી રહે છે" .
ત્યારે તે જવાબમાં કહેતા " જુઓ મારો થોડો સમય તેમને કેટલી બધી મદદ કરાવી જાય છે ,અને આમ પણ અહી સમય પસાર કરવા આનાથી બીજું કોઈ સારું કામ નથી દેખાતું કહી હસીને સંચો ચલાવવા બેસી જતા.
હું નાનપણ થી મારા મારા પિતાને જોઈ આગળ વધતાં શીખી છું , પરિણામે કોઈનું દુઃખ નાં જોઈ શકું તેવું સંવેદનશીલ હૈયું મને તેમની ભેટ સ્વરૂપે મળ્યું છે.


મારા લગ્ન પછી ચાર દિવસમાં સાવ ટુંકી માંદગીમાં મારા પપ્પાનું નિધન થયું ત્યારે મમ્મીની ઉમર માત્ર 42 વર્ષની હતી . પપ્પા અમારા ઘરનો મોભ હતા ,તેમના ગયા પછી મારા નાના ભાઈ અને બહેનની જવાબદારી મમ્મીને માથે આવી પડી . ત્યાર પછી હંમેશા ખુશ રહેતી મમ્મીનાં જીવનને બદલાઈ જતા બહુ નજીક થી જોયું અને અનુભવ્યું છે, તેમાંય આજે જ્યારે હું મમ્મીની ઉંમરે પહોચી છું ત્યારે તેમની મનોવ્યથા બરાબર સમજી શકું છું , અને ત્યારની જવાબદારી સાથેની એકલતાએ તેમને કેટલાં હંફાવ્યા હશે તે વગર અનુભવે સમજી શકું છું . તે દુઃખને શબ્દોમાં મુકવું અશક્ય બને છે.

આજે જ્યારે હું મા છું ત્યારે બાળકો માટેના કર્તવ્યનો અને પ્રેમનો અહેસાસ હું જાતે અનુભવી શકું છું. આજે હું સમજી શકું છું કે દુનિયામાં જો કોઈ પણ વ્યક્તિનું મહત્વ સહુ થી વધારે હોય તો તે માનું છે. મા ક્યારેય કોઈ અહેસાન ગણાવતી નથી છતાં તેના આપણી ઉપરના અહેસાનનો બોજ કદી ઉતારી શકાય તેમ નથી . એક ગર્ભમાં રહેલું બાળક જે માનાં શરીરનો અંશ છે અને તે માતાએ ખાઘેલા ખોરાક દ્વારા પોષણ મેળવે છે , તેનાજ ગર્ભમાં એ પોતાનો કચરો ઠાલવે છે . તે બાળકના જન્મ બાદ માતા પોતાના બાળનું ખુશી ખુશી લાલનપાલન કરે છે તેની દરેક ઈચ્છા ,જીદ પૂર્ણ કરે છે અને આ જગતના પડકારો સામે ઝઝૂમવા ને લાયક બનાવે છે .
એ મા માટે તેમના બાળકો તેમનું સર્વસ્વ હોય છે હવે જ્યારે મા પાસે કરવા કોઈ નથી રહેતા ત્યારે આપણી પાસે તે માની એકલતા માટે સમય નથી આ આજની કરુણતા છે જે ચારે તરફ જોવા મળે છે .

આપણે કહેતા હોઈયે છીએ કે માનો પ્રેમ નિસ્વાર્થ છે ,પણ હકીકતમાં સાવ એવું નથી હોતું. પાછલી ઉંમરમાં મારો દીકરો કે દીકરી મારા ઘડપણની લાકડી બનશે આ એક ભાવના દરેક માતા પિતાના મનમાં વ્યક્ત કે અવ્યક્ત રહેલી હોય છે. જેને કારણે વૃધ્ધાવસ્થામાં તેઓ બાળકો પાસે સમય હુંફ માંગતા હોય છે. પાછલી અવસ્થામાં તેની પાસે કરવા જેવું કોઈ કામ રહેતું નથી ત્યારે શરીર અને મનથી કૃશ થયેલી મા આપણી પાસે સમય અને પ્રેમ અવશ્ય માગે છે.

આપણે જોતા સાંભળતાં આવ્યા છીએ "જનરેશન ગેપ " . હા આ દરેક સબંધોમાં ઓછા વત્તા અંશે આ ગેપ જરૂર રહેવાની પરંતુ તેને માત્ર વિચારો સુધી સીમિત રાખવી જોઈએ. તે પ્રેમમાં અને ખાસ કરીને માતા પિતા સાથેના વ્યવહારમાં નાં આવે તે જોવાની ફરજ આપણી જ બની રહે છે. આજના આધુનિક જીવનમાં દરેક વ્યક્તિ દોડતી રહે છે પરતું આ દોડમાં તેને નાં ભૂલી જવા જોઈએ જેમણે આપણને દોડતા શીખવ્યા છે અને તે પહેલી વ્યક્તિ એ મા છે.

આજે આપણે આપણા સંતાનોની માંગણીઓ અને ઇચ્છાઓ પૂરી કરતા ક્યારેક થાકી જઈએ છીએ ત્યારે વિચારવું રહ્યું કે તે વખતમાં પૈસાની અને સ્વતંત્રતાની અછતમાં એ માને બાળકોની નાની નાની ખુશીઓ પૂરી કરવા કેટલી મથામણ કે અગવડતાનો સામનો કરવો પડ્યો હશે !
જ્યારે શરીર સાથ નથી આપતું ત્યારે તન સાથે મન પણ ઘરડું બને છે તેવા વખતે તેમના દુઃખને વહેચવા કોઈ સાથી નથી હોતું અને કદાચ બની શકે તેમનો સ્વભાવ પણ ચીડિયો બન્યો હોય પણ આજ સમયે આપણે ફરજ બજાવવાની છે, એકલા પડેલા માં બાપને સ્નેહ અને ધીરજ થી સંભાળવાની . "બસ આટલું કરીશું તો આપણો જન્મારો સુધરી જશે બાકી દાન ઘર્મનો કોઈ અર્થ નહિ સરે".

"
માની એકલતા એ આજના સમાજની કરુણતા છે"

મોટા થઇ ગયેલા તે સંતાનો જ્યારે સમયની અછતને આગળ મૂકી ઘરડી માને નજર અંદાજ કરે કે પછી ઘરમાં જુના ફર્નિચરની જેમ સજાવીને ખૂણામાં રાખી મુકે ત્યારે આંખ સાથે મન ગ્લાની થી ભરાઈ જાય છે . માત્ર ખાવા પીવાનું આપવાથી કે તેને રાખવાથી આપણી જવાબદારીઓ પૂરી થઇ જય છે તેવું વિચારવું યોગ્ય નથી .

જે બાળકો માટે રાત દિવસ એક કરતી મા તેની એકલતામાં બાળકો તરફ થી બે પ્રેમના શબ્દો કે તેમના ફાજલ સમયના એકાદ ટુકડા માટે ઝંખના કરતી જોવા મળે છે ત્યારે એકજ વિચાર મનમાં ઝબકી જાય છે શું આપણે અપનાવેલો રસ્તો યોગ્ય છે ? કારણ આજ રસ્તે આપણા બાળકો પણ વધવાના છે.

બાળપણમાં આપણી બીમારીમાં મા માત્ર દવા અને ડોક્ટર ની સહુલીયત આપીને એકલા નહોતી છોડી દેતી , જરૂર પડે બાળક શાંતિથી સુઈ જાય તે માટે તે આખી રાત જાગતી ,તેની ચિંતા કરતી, તેની માટે ભગવાન પાસે પ્રાર્થના કરતી... તો હવે જ્યારે આપણી મા બીમાર હોય ત્યારે તેની સાથે ઓરમાયું વર્તન શા માટે?

મા ગરીબની હોય કે અમીરની પણ મા માજ હોય છે , છતાં ગરીબાઈમાં ઉછરતા બાળકો માટે માનો પ્રેમ,હુંફ ઉત્તમ રમકડાં બરાબર હોય છે જેને લઈને તે એનું મન બહેલાવી શકે ખુશ રહી શકે છે. મા એક ઉત્તમ શિક્ષક બની બાળપણ થી જીવનના પહેલા પાઠ ભણાવવાની શરૂઆત કરતી હોય છે , સામાન્ય રીતે જોતા એક શિક્ષિત અને સંસ્કારી મા બાળકોની ઉત્તમ પરવરીશ કરી શકે છે. ત્યારે સામે છેડે અછતમાં ઘેરાએલી એક અભણ મા પણ બાળકોમાં નાનપણ થી જગત સામે ઝઝુમવાના જીવનમાં આવતા પડકારો ઝીલવાના પાઠ ભણાવતી હોય છે , ટુંકમાં જરૂરીયાત પ્રમાણે ભાવ સાથે ભાગ ભજવે તેવી કુશળ ગુરુ તે મા જ છે

હવે જ્યારે આપણે સ્ત્રીને પુરુષ સમોવડી ગણીએ છીએ ત્યારે જો કોઈ માને દીકરો નાં હોય કે દીકરો અને તેની વહુ માને સાચવી શકે તેવા નાં હોય તો તે ફરજ દીકરીએ પૂરી કરતા અચકાવું જોઈએ નહિ. કારણ મા તો જેટલી દીકરાની તેટલીજ દીકરીની પણ ગણાય છે.

જ્યારે પણ કોઈ માને દુઃખ પડે તો સહુ પહેલા દીકરીનું મન કોચવાય છે આવા સમયે દરેક દીકરીએ સાસુ સામે એક નજર અવશ્ય નાખી લેવી જોઇયે જેથી આપણે સમજી શકીએ કે આપણે આવી સ્થિતિમાં કઈ જગ્યાએ ઉભા છીએ . શું આપણા ઘરમાં રહેલી એક મા ખુશ છે ? સ્ત્રીઓ નાં હાથમાં કુટુંબની સાચી ખુશી રહેલી છે અને તેને જાળવી રાખવી આપણી ફરજ પણ છે.

મારું બહુજ ભારપૂર્વક માનવું રહ્યું છે કે વૃદ્ધ તેમાય જીવનસાથી વિના એકલી પડેલી માતા નો અણગમો કદી ના કરવો ,કારણ તમારી પાસે તો આખું જગ છે જ્યારે તેમની માટે તમેજ જગ આખું છો. તમને મળતી દુનિયાની વિશાળતામાં તમે મોજથી મહાલી શકો છો ,જ્યારે તેની નાની દુનિયામાં તમેજ સર્વસ્વ બાકી રહ્યા છો .
માના પ્રેમને પૈસા સાથે ના તોલી શકાય ,એમણે જીવનભરની કમાણી તેમનું સુખ તેમનો સમય તમારીજ પાછળ વાપર્યો છે હવે તેને માત્ર રૂપિયા પૈસા આપી વળતર સમજી ચૂકવી દેવું યોગ્ય નથી. તેમને હવે બદલામાં પૈસા નહિ તમારા પ્રેમની જરૂર છે આ વાત યાદ રાખવી અત્યંત જરૂરી છે.


ભૂલતા નહિ આજે જ્યાં તે ઉભા છે કાલે ત્યાંજ તમારો વારો છે,હાથે કરી તમારા પગ ઉપર કુહાડી નાં મારો. કારણ તમે પણ આજ અને કાલની ક્ષિતિજ રેખા ઉપર ઉભા છો .આ રેખાની પેલે પાર જનરેશન ગેપ ધરાવતા તમારા સંતાનો તમને બરાબર નિહાળી રહ્યા છે . એક માની આજ સુધારીશું તો આપણી કાલ જરૂર સુધરશે.


આનો એક દાખલો હું વર્ણવું તો ............

હું થોડો સમય પહેલા મારી મમ્મી અને મારી સત્તર વર્ષની દીકરી શિખા સાથે મોલમાં ગઈ હતી , જ્યાં સમયના અભાવે મેં મમ્મીને કહ્યું "તમે શાંતિ થી પાછળ આવો ત્યાં સુધી હું અને શિખા શોપિંગ પતાવી દઈએ" . આમ કહી હું દીકરી સાથે ઝડપથી આગળ ચાલી. ત્યારે મારી દીકરીએ મને જે કહ્યું તે સાંભળતાં હું અવાક બની ગઈ "
મોમ ધીસ ઇસ નોટ ફેર ,તું બાને એકલા મુકીને આગળ ચાલે છે . જ્યારે તું ઓલ્ડ થઈશ ત્યારે હું તને આવું કરીશ તો તને ગમશે ? " અને મારા પગ ત્યાંજ થંભી ગયા.

બહુ જરૂરી છે આ યાદ રાખવું કે આપણાં બાળકો આપણને અનુસરી રહ્યા છે.


દરેક સબંધોને એક મર્યાદા હોય છે એક સીમારેખા હોય છે જ્યારે માની મમતાને કોઈ સીમા હોતી નથી તો આપણો પ્રેમ માત્ર મધર્સ ડે કે જન્મદિવસ પુરતો સીમિત ના રહે તે જોવાની આપણી ફરજ બની રહે છે. બાળકોનો થોડો સમય થોડી હુંફ માના ચહેરાને અને મનને આનંદથી ભરી દે છે. "કાલે જ્યારે મા પાસે નહિ હોય ત્યારે તેની અવગણના બહુ રડાવશે માટે આજ થી શરૂઆત કરીએ કે માના દરેક દિવસને ઉત્સવ બનાવવા આપણાં આખા દિવસ માંથી ઓછામાં ઓછી દસ મિનીટ તેને આપીએ" ....એક દીકરી...

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)