Safadta in Gujarati Motivational Stories by Pravina Mahyavanshi books and stories PDF | “ સફળતા ”

Featured Books
Categories
Share

“ સફળતા ”

“સફળતાનો વિચાર ન કર્યાં કરો,પ્રયાસ કરો એ પણ લગાદાર”

સફળતા માટે જ કેમ આપણે સીધુ વિચારી રહ્યા છીએ,સફળતાના બેસિક પાયાઓ તો જાણી લઈએ.હા સફળ બધાને થવું છે પણ કેવી રીતે? એવા પ્રશ્નોનાં ગુંચવણમાં જ હંમેશા આપણે પડી રહેતા હોય છે.

અમેરિકાના મહાન વૈજ્ઞાનિક થોમસ અલ્વા એડીસન(સન ૧૧,ફેબ્રુઆરી ૧૮૪૭ થી ૧૮,ઓકટોબર ૧૯૩૧) વિષે તો જાણ્યું જ હશે.પોતાની અડધી જિંદગી અંધારામાં સંઘર્ષ કરી, વિદ્યુત બલ્બનો ઉજવળ આવિષ્કાર કર્યો. એમના સિદ્ધીનું કારણ,અસંખ્ય પ્રયાસો પછી પણ અસફળતા પ્રાપ્ત થાય છે,તો પણ પોતાની જાણવાની જિજ્ઞાસા અને સફળ થવાની રમતમાં એવા તેઓ રમતા રહ્યા કે ,પ્રસિદ્ધિનાં મહાન શિખર સુધી પહોંચીને જ રહ્યાં.

સફળતા એમને એમ તો નહી જ મળે.સફળ થવા માટે આપણે પ્રયત્નો તો કરીએ છીએ પણ લગાદાર નથી કરતા.જો આપણા પ્રયાસો જીતમાં ન ફેરવાય અને બે ચાર હારથી પડીભાંગી જઈને આપણે આગળ જવાનું ટાળી દેતા હોય છે,ત્યારેજ ખરી મહેનત અને ધૈર્યનાં કસોટીની શરૂઆત થાય છે.

૧૬ નવેમ્બર ૧૯૮૯, ભારત પાકિસ્તાન ટેસ્ટ મેચ રમાતી હતી.ત્યારે આપણા મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકર બેટિંગ કરી રહ્યાં હતાં.તે દરમિયાન સચિનને ફાસ્ટ બોલર દ્વારા નાક પર જોરથી બોલ વાગતાં નાકથી લોહી ગળવા લાગે છે,આ અસ્વસ્થ અવસ્થામાં પણ સોળ વર્ષના સચિન હિમ્મત નથી હારતા અને કહે છે “મેં ખેલેગા,મેં ખેલેગા !

સફળ થવા માટે પણ એક દિશા જરૂરી છે.ધ્યેય જ નથી તો મંજિલ સુધી પહોંચવાનું કઠિન બની રહેશે. જીવનમાં કોઈપણ એક લક્ષ્ય તો જરૂર બનાવજો.ઘણાં બધા લક્ષ્ય બનાવામાં પડશો તો મન વ્યાકુળ બની રહેશે.પ્રાધાન્ય એજ ઉદ્દેશ્યને આપો જેમાં તમને દ્રઢપણે વિશ્વાસ હોય.પોતાની આત્મા,મહેનત,હિંમત અને લગની પર દ્રઢપણે વિશ્વાસ રાખનાર,અને સાથે ઉમંગથી ભરપૂર કામનું આનંદ લેતાં વ્યક્તિઓ જ ઈતિહાસનાં પાનાં રચી નાખે છે.

ડૉ.અબ્દુલ કલામનાં સફળતા માટેના એકદમ ઉત્તમ સવાલ જવાબ જાણીએ :

૧)સફળતાનું રહસ્ય શું છે ?

: સાચો નિર્ણય

૨)તમે સાચો નિર્ણય કેવી રીતે લો છો ?

: અનુભવથી

૩)તમે અનુભવ કેવી રીતે પ્રાપ્ત કરો છો ?

: ખોટા નિર્ણયથી

સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ શોટકટ રસ્તો નથી હોતો.કાર્ય સિદ્ધ કરવા માટે વચ્ચે વચ્ચે આવતી અઘરી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે .આવી પરીક્ષા ઘણી આવશે પણ એમાં ઉતીર્ણ થઈ આગળ વધવું જ પડશે તો જ તમે તમારી સાચી દિશા સુધી પહોંચી શકશો.સફળતા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા રાખી દો.હું આટલા વર્ષ સુધી આટલી સિદ્ધિ મેળવીને જ રહીશ.પોતાની જાત સાથે જ્યાં સુધી સફળતા માટેની કબૂલાત નહી કરશો ત્યાં સુધી સફળ થવાશે જ નહી. જે ક્ષેત્રમાં તમે જવા માંગતા હોય ત્યાં સોસિઅલ મિડિયા દ્વારા તે ક્ષેત્રના મિત્રો બનાવો કે ગ્રૂપમાં જોડાવો,બીજી કોઈ મદદ તો નહી પરંતુ જાણવા જેવી શીખવા જેવી કે પછી સફળતા માટેની તકો કે માહિતી તો મળતી જ રહેશે.

સાચો હોય કે ખોટો નિર્ણય, પણ આ બંનેમાંથી શીખવાનું ઘણું બધું મળી રહેશે.અનુભવથી માર્ગદર્શન કેળવી યોગ્ય નિશાન તાકીને,લગાદાર પ્રયાસોથી સફળતા નિશ્ચય મળશે. ડૉ.અબ્દુલ કલામજી કહે છે કે “આપણે પ્રયત્નો કરવાનું ક્યારે પણ ન છોડવું જોઈએ.અને સમસ્યાઓથી ક્યારેય હાર માણવી ન જોઈએ.”

રવીન્દ્રનાથ ટાગોરજી કહે છે માત્ર ઊભા રહી પાણી જોવાથી તમે સમુદ્ર પાર નહી કરી શકો.એટલે કે જે તે કાર્ય કરવું હોય એને ક્રિયામાં રૂપાંતર કરો.સૂતાં બેઠતા તો બધાને જ સપના ને નવાં નવાં વિચારો માથે ચડે પણ જો એને સાચી દિશામાં વાળી સાચું પગલું ના લેવાય ત્યાં સુધી એ માથે જ રહે છે.રોજની સૌ આઈડિયા તો દિમાગમાં ચાલતી રહેશે પણ એક પણ આઈડિયા પર આપણે કામ નહી કરીશું તો આટલો બધો વિચારનો ફાયદો શું?

ત્રણ પ્રકારના લોકો હોય છે.જે હતાશ વ્યક્તિ હોય એ ભૂતકાળમાં જીવે છે.કરતાં કઈ ન હોય પણ વ્યર્થમાં હતાશ થઈ જીવન ગુજારી નાંખે છે.બીજા ચિંતિત લોકો હોય છે ,આખા દિવસ રાતની ચિંતામાં જ પડ્યા હોય છે,જેમ કે આખી દુનિયાનો તણાવ આજ લોકો માથે લઈને ફરતા હોય છે,એમ ભવિષ્યમાં જીવતા હોય છે. ત્રીજા સ્વસ્થ વ્યક્તિ હોય છે જે ના ભવિષ્ય ના ભૂતકાળનો વિચાર કર્યાં વગર મજામાં જિંદગીને માણે છે.જે વર્તમાનમાં જીવવા માંગતા હોય છે.

યાદ રાખજો જયારે જયારે કોઈ વ્યક્તિ તમારા કાર્ય કે સપના ને લઈને તમારા પર શંકા,ખોટા મત બાંધે કે હસે ત્યારે સમજી લેજો આ તમારી સફળ વાર્તાના ભાગરૂપે આવતા અવરોધો છે જેના પર ધ્યાન હટાવી નાંખી આગળ એના દ્વારા જ તમે જોશ અને હોશથી વધુ પ્રયાસોથી આગળ વધી શકો છો.

આ ડાયલોગ આજકાલ વધારે ફરતો થઈ રહ્યો છે, “સબ સે બડા રોગ ક્યાં કહેગે લોગ”. આ કથન દ્વારા એક નાની વાર્તા અહીયા ટાંકવા માગું છું.

મેળામાંથી ખરીદેલો ગધેડો લઈ પિતા પુત્ર પોતાના ગામડે જઈ રહ્યા હતા. ત્યાં પિતાપુત્રને પગપાળા ચાલતાં જોઈ એકજણે કીધું,” કેવાં પિતાપુત્ર છે ગધેડાને છુટો કરીને પગપાળા ચાલી રહ્યાં છે આ સાંભળી પિતાપુત્ર બંને ગધેડા પર બેસી જાય છે.ગામડાથી થોડે દુર આ ત્રણેની સવારી જોતા બીજાએ કીધું કેવાં પિતાપુત્ર છે ગધેડાનાં જીવનો પણ વિચાર નથી કરતા.આ સાંભળી પિતા ગધેડા પરથી ઉતરી ચાલવા લાગે છે,થોડે દૂર પુત્રને ગધેડા પર બેસેલો જોઈ એક બેન કહેવા લાગ્યા, હાય હાય ! કેવો પુત્ર છે, પિતાને બેસાડવાના બદલે પોતે બેઠો છે ,આ સાંભળી પુત્ર નીચે ઉતરી પિતાને બેસવા કહે છે .હવે ગામડે આવતા આવતા ત્યાં તો ત્રીજો માણસ કહેવા લાગ્યો કેવાં પિતા છે પુત્રને બેસાડવાના બદલે પોતે બેઠો છે.બંને નીચે ઉતરી ચાલવા લાગે છે ,હવે પોતાનું ગામડું આવતા જ પિતાપુત્રએ ગધેડાને વાંસથી ઉલટો બાંધી આગળ એક ખબ્બે વાંસને પિતા ઉચકે છે અને પાછળ એક ખબ્બે પુત્ર ઉચકે છે.પોતાના ગામડે પહોંચતા જ લોકોની ટોળકી જોર જોરથી હસવા લાગે છે ,વાળ સફેદ થયેલા એક ડોસાએ પૂછ્યું ,કેમ ભાઈ ગધેડો હતો જ તો તમે બંને બેસીને કેમ નહી આવ્યા? ત્યારે પિતા આખી ઘટના જણાવે છે.

આ વાર્તા તો આપણે નાના બાળકોને સંભળાવીએ છીએ છતાં આપણે આ વાર્તાનાં બોધ પર કામ નથી કરતા.

વાત વાત પર ટોકવાનું આવશે,હસવાનું આવશે પણ તમને જ વિશ્વાસ છે કે તમે જે રસ્તા પર ચાલી રહ્યા છે તે જ તમને સફળતાનાં સાચા ધ્યેય સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યો છે તો તમે જરા પણ ચિંતિત ન થતા કે મનને દુઃખી નહી કરતા.તમે બસ પ્રયાસોમાં પડી રહેજો ફળની ચિંતા જરા પણ નહી કરતા પછી જુઓ સિદ્ધિ તમારી મુઠ્ઠીમાં હશે.

જો પરિવાર કે જીગરી દોસ્તો આપણા દ્વારા થતાં લગાદાર પ્રયત્નોને પ્રોત્સાહન આપતા હોય, કે નિષ્ફળ થાય ત્યાં પણ પ્રેરિત કરતા હોય તો કાર્યને સફળ બનાવવું અઘરું નથી લાગતું,પરંતુ જ્યાં પરિવારનો પણ સાથ ન મળતો હોય ત્યાં શું કરવું ?ત્યાં એટલું જ યાદ રાખજો દોસ્તો લોકોને આપણા પ્રયાસોમાં નહી પરંતુ આપણી સફળતામાં જ રસ હોય છે.તો જેણે જે કહેવું હોય તે કહેવા દે ત્યાં આપણાને બે વાતો યાદ રાખવી પડે,ક્યાં તો તમે ધીરજ રાખી ચૂપચાપ સાંભળી લો એમાં જ ભલાઈ માની લો ,નહી તો આંખોમાં આંખ પરોવીની વિશ્વાસથી કહી દો હું આ બનીને જ દેખાડીશ.

સફળતા માટે આટલું યાદ રાખજો :

  • કલ્પના કરવા કરતા એ વિચારોને નાના નાના કદમથી શરૂઆત કરો.
  • તમારી જાત પર ભરોષો રાખો,આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે.
  • તમારી ક્ષમતાને જાણો.
  • સફળ થવા પહેલા કેટલી વાર અસફળ થવું પડે છે.
  • ભય રાખવા કરતા આશા રાખવી જરૂરી છે .
  • પ્રયત્ન કરવાનું ક્યારે પણ ન છોડવું જોઈએ.
  • જીત નિર્ધારિત ન થઈ તો શું અનુભવ તો મળવાનો જ ને .
  • મુશ્કેલીઓ ઘણી આવશે ,કાર્યને અધવચ્ચે છોડવાનો વિચારો પણ ઘણા આવશે પણ છોડતા નહી.
  • તકો સામે જ ઉભી હોય છે એને ઝડપી લો.
  • સમયનો સદુપયોગ કરજો.
  • સકારાત્મક વલણ રાખો.
  • નાના નાના પ્રસંગોપાતમાં સહભાગી થઈ ખુશી મેળવો.
  • સંકલ્પ જ મનુષ્યનું મોટું બળ છે.
  • જેમ સફળતા માટે પોતાને શ્રેય આપે છે એવી રીતે અસફળતા માટે પણ પોતાનો દોષ કાઢવો.
  • વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો.
  • ધ્યાન કરવાનો રોજ નિત્યક્રમ બનાવજો.
  • ઈશ્વરને કે જે શક્તિને માનતાં હો, એનો દિલથી આભાર રોજ માનો.
  • --પ્રવિણા--