Doast Mane Maf Karis Ne - Part-17 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne - 17

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Dost Mane Maf Karis Ne - 17

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૭

યાદોના દીપ જલશે ?

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૭. યાદોના દીપ જલશે ?

“કોઈ મારૂં ન થયું, કોઈ સંબંધો ન તૂટયા,

ડાળખી સાવ લીલી રહી,અને પર્ણો ન ફૂટયા.”

અરૂપે મંગળવાર શરૂ કર્યા હતા. તારાબહેન કહે તે મુજબ કોઈ દલીલ વિના તે કરતો રહેતો. માને કે ન માને પણ ઈતિ માટે તે જરૂર કરશે. તારાબહેન કહેતા,

’ સાહેબ, ઘણીવાર મોટા મોટા દાકતરો ના પાડી દે ત્યારે કોઈ ચમત્કારની જેમ ચપટી ધૂળ પણ કામ કરી જાય.‘

ઈતિના મમ્મી પણ આવું કશુંક કહેતા હતા. અરૂપ બધું સ્વીકારતો રહે છે... કરતો રહે છે.

‘ તારાબહેન, તમે મંગળવાર ગણજો હોં. અને તમે આપેલા પેલા દાણા ઈતિને ખવડાવી દીધા છે. હવે તો ઈતિને સારૂં થઈ જશે ને? મમ્મી, મારી..આપણી ઈતિ સારી થઈ જશે ને ? કહેતાં અરૂપનો અવાજ ગળગળો થઈ જાય છે. તારાબહેનને સાહેબની દયા આવે છે. બહેનની માંદગીએ સાહેબને કેવા હલબલાવી નાખ્યા છે. નીતાબહેન અરૂપને પોતાની રીતે સધિયારો આપતા રહે છે.

હવે રોજ સવારે અરૂપ વહેલો ઉઠી જાય છે. ઈતિની જેમ જ તુલસીકયારે પાણી રેડી, દીવો કરી ભાવથી નમી રહે છે. બગીચામાં એક આંટો મારે છે. પરંતુ બીજી કોઈ ગતાગમ પડતી નથી. ઈતિ અહીં બીજું શું કરતી તેની તેને જાણ કયાં હતી? પંખીઓને કે સસલા, ખિસકોલીને તો અરૂપ અપરિચિત લાગે છે. તેને જોઈને દોડીને ભાગી જાય છે. એક નિઃશ્વાસ સાથે અરૂપ ફકત તેમને જોઈ રહે છે. હજુ આ બધાને પ્રેમ કરતાં એ શીખ્યો નથી. પરિચયની કેડી ધીમે ધીમે પાંગરી રહી છે. વિશ્વાસ જનમવો બાકી છે. પ્રકૃતિ તરફથી હોંકારો મળવો હજુ બાકી છે.

ઈતિમાંથી જે કશુંક બાદ થઈ ગયું હતું. એ હવે અરૂપમાં ઉઘડતું હતું કે શું ? ફૂલમાંથી ખુશ્બુ બાદ થાય પછી ફૂલ ખીલેલું તો દેખાય પણ એનું સત્વ, એનું પુષ્પત્વ કયાં ? એ હોવા છતાં ગેરહાજર જ રહે છે. પાનખર વિના જ પર્ણ ખરી પડયાં હતાં. યાદોના સઘળા દીપ ઓલવાઈ ગયા હતા અને હવે અંધકારે જાણે ડેરો જમાવ્યો હતો. અરૂપના અનેક પ્રયત્નો ઈતિના અંતરમાં પડઘાયા વિના જ બૂમરેંગની જેમ પાછા ફરતાં હતાં.

ઈતિને તો હવે દરિયો પણ કયાં યાદ આવતો હતો ? પરંતુ અરૂપને હવે દરિયો જરૂર યાદ આવી ગયો. જીવનના સમીકરણો બદલાઈ રહ્યા હતાં.

‘ મમ્મી ચાલો, આજે આપણે બધા દરિયે જીએ. ઘણાં સમયથી જવાયું નથી. મજા આવશે.’

ઈતિ સામે નજર કરતાં અરૂપે નીતાબહેનને કહ્યું. નીતાબહેને જમાઈની વાતમાં તુરત સાથ પૂરાવ્યો.

‘ચાલ ઈતિ, ઘણાં સમયથી હું પણ બહાર નીકળી નથી. જલદી તૈયાર થઈ જીએ.’

ઈતિ કશું સમજી ન હોય તેમ મૂઢની માફક મમ્મી સામે જોઈ રહી.

નીતાબહેને ફરીથી કહ્યું, ’દરિયાની હવા ખાવાની મને તો આદત થઈ ગઈ છે. ચાલ જરા ફ્રેશ થઈ જવાશે.’

ઈતિએ ઉભા થવાની કોઈ ચેષ્ટા દર્શાવી નહીં.

શું કરવું તે નીતાબહેનને સમજાયું નહીં. તેણે થોડા મૂંઝાઈને અરૂપ સામે જોયું.

અરૂપે કશું બોલ્યા સિવાય ઈતિનો હાથ પકડી તેને પ્રેમથી ઉભી કરી.

ફરી એકવાર ચાવી દેવાઈ અને કઠપૂતળી ચાલી.

સામાન્ય સંજોગોમાં તો ઈતિ દરિયાને દૂરથી જુએ ત્યાં જ તેના પગને જાણે પાંખ ફૂટે. અને તે નાના બાળકની જેમ દોડી જાય. દરિયો તો ઈતિનો પ્રથમ પ્રેમ. દરિયા સાથે તેની અને અનિકેતની કેટકેટલી યાદો સંકળાયેલી છે. અરૂપને કદાચ તેથી જ દરિયે આવવું ગમતું નહીં. રવિવાર આવે અને દરિયે ન આવવું પડે માટે તેના અનેક પ્રોગ્રામ અગાઉથી બની જ ગયા હોય. ઈતિ કશું બોલ્યા સિવાય તેને અનુસરતી રહેતી. અનિકેત સાથે જોડાયેલી દરેક વાતથી ઈતિને દૂર રાખવાના કેટકેટલા પ્રયત્નો આટલા વરસો સુધી અરૂપે કર્યા હતા. આજે કાળની એવી તો થપાટ લાગી હતી કે તે આખો બદલાયો હતો. સમયની એક ફૂંકે પહેલાના અરૂપને અદ્રશ્ય કરી દીધો હતો અને હવે જાણે નવા જ અરૂપનો જન્મ થયો હતો.

આજે દરિયાએ પણ અરૂપનું કોઈ અલગ જ સ્વરૂપ જોયું. દરિયો એટલે ફકત ખારૂં પાણી જ નહીં... એ અરૂપને સમજાયું હતું. દરિયાને જોઈ ઈતિને બદલે આજે અરૂપને પાંખો ફૂટી હતી. ઈતિનો હાથ પકડી તે રેતીમાં દોડયો હતો. હાંફતા હાંફતા તે નીચે ભીની રેતીમાં બેઠો હતો અને હાંફતી ઈતિને પણ નીચે બેસાડી હતી.

’ ઈતિ, ચાલ, આપણે સરસ મજાનો બંગલો બનાવીએ. તારો વધારે સારો બને છે કે મારો ? આપણી હરિફાઈ...ચાલ કમ ઓન..ઈતિ,

ઈતિના હાથ પકડી રેતીને અડાડતા અરૂપે ઉમેર્યું

’ જોકે મને તો બંગલો બનાવતા યે કયાં આવડે છે ? મને શીખડાવીશને ?’

કહી જવાબની રાહ જોયા સિવાય અરૂપે ભીની રેતી ભેગી કરવી શરૂ કરી.

ઈતિ એકાદ ક્ષણ અરૂપ સામે,અરૂપના રેતીવાળા હાથ સામે અને પછી રેતીના ઢગલા સામે જોઈ રહી. તેની આંખો અનાયાસે મીંચાઈ ગઈ.

અરૂપે ઈતિનો હાથ પકડી ભીની રેતીને અડાડયો.

’ઈતિ, તું તો બંગલો બનાવવામાં એક્ષપર્ટ છે. બંધ આંખોએ પણ બંગલો બનાવી શકીશ. ચાલ..’

ઈતિના આંગળા અભાનપણે રેતીમાં ફરી રહ્યા. બંગલો તો ન બન્યો. પણ તેના આંગળા ભીની રેતી પર આડાઅવળા લીટા કરતા રહ્યા.

અરૂપ માટે તો એ આશ્વાસન પણ કયાં ઓછું હતું ? તે બંગલો બનાવતો રહ્યો. સામે દૂર આસમાનમાં... કોઈ ચિત્રકાર મનમાની તસ્વીર ન આલેખી શકયો હોવાથી ગુસ્સે થઈને, રંગો વેરીને ચાલી જાય તેમ વેરાયેલ સૂર્યકિરણોએ આકાશમાં એક અનોખી રંગછટા ઉભી કરેલી હતી. એનું અદભૂત પ્રતિબિંબ સમુદ્રના આછા નીરમાં પણ ઉભરતું હતું. જાણે કોઈ ઝળહળતું ઝૂમ્મર તૂટીને એના ટુકડા પાણીમાં ન વેરાઈ ગયા હોય! સૂર્યના કિરણોની લાલાશ દરિયાના પાણીમાં ઘેરાતી હતી. સાંધ્યરંગો ઈતિ અને અરૂપના ચહેરા પર ચમકી રહ્યા હતા. પાણીમાં ડૂબતા પહેલાં સૂરજ જાણે આકાશમાં પોતાની હયાતિના હસ્તાક્ષર કરતો હોય તેમ ક્ષિતિજે લાલ,પીળા રંગોની આભા ઉભરતી હતી. દૂરથી કાળા ટપકા જેવી દેખાતી કોઈ હોડી જલદીથી પાછા ફરવાની ઉતાવળમાં તેજ ગતિએ કિનારા તરફ ધસી રહી હતી. વૃક્ષોના પાણીમાં ઉભરતા લીલાછમ્મ પ્રતિબિંબથી પાણીનો રંગ પણ લીલેરી ઝાંય પકડતો હતો. સંતાકૂકડી રમતા સૂરજે છેલ્લીવાર ડોકુ બહાર કાઢી ઈતિ સામે કરૂણાભરી નજર નાખી જાણે ઈતિની હાલત જોવાતી ન હોય તેમ પાણીમાં અંતિમ ડૂબકી મારી ગયો. અસ્ત થતાં સૂરજની તેજલીલા થોડીવાર સૂર્યના હોવાની સાક્ષી પૂરાવતી રહી.

અરૂપના પ્રયત્નો પર કાળદેવતાની નજર ઠરી હતી કે શું ? તેને અરૂપની દયા આવી હતી કે શું ? ઈતિના આંગળા પહેલીવાર જાતે રેતીમાં ફરતા હતા.કોઈ રેખાઓ રેતીમાં ઉગતી હતી કે ઈતિના અંતરમાં ?

સૂરજદાદા અહીં ભલે અસ્ત પામી ગયા હતા. પરંતુ બીજે કયાંક ઉગવાની તૈયારી હતી જ. અહી ન દેખાય તેથી તેના અસ્તિત્વનો ઈન્કાર થોડો થઈ શકે ? એમ તો અનિકેત ઈતિના જીવનમાં વરસોથી કયાં દેખાયો હતો ? પરંતુ તેથી તેનું અસ્તિત્વ નહોતું એમ કેમ કહી શકાય ?

ઈતિના હાથ ભીની રેતીમાં ઝાંખીપાંખી કોઈ રેખાઓ આંકતા રહ્યા.. અરૂપ ઈતિ સાથે વાતો કરતા કરતા બંગલો બનાવતો રહ્યો.

ઈતિની મમ્મી બાજુમાં બેસી અરૂપને બંગલો બનાવવવામાં મદદ કરવા લાગી ગયા.’ ‘અરૂપ બેટા, જો આમ કરીશ તો વધુ સરસ લાગશે. તને ખબર છે અનિકેતને યે બંગલો બનાવતા નહોતું આવડતું. તે તો ઈતિ બનાવે તેમાં ખાલી સલાહ સૂચના જ આપ્યા કરે. અને ઈતિનો બંગલો જ જોયા કરે. મારી ઈતિ બંગલો બનાવે ને સૌ બે ઘડી જોઈ રહે હોં.’

ઈતિ, જો તો ખરી આ અરૂપે પણ સરસ મજાનો બંગલો બનાવ્યો હોં. ‘

ઈતિ તો બંધ આંખે ન જાણે શું જોઈ રહી હતી ? કે પછી ફકત અંધકાર..કશું દેખાતું નહોતું ? સ્મૃતિઓના પાના ભૂંસાઈ ગયા હતા કે શું ? કશું ઉઘડતું નહોતું. બંધ આંખે કયારેક જે આખી સૃષ્ટિ જોઈ શકતી ત્યાં આજે અંધકાર... સંપૂર્ણ અંધકાર...! જીવન કોઈ એક બિંદુએ સ્થગ્િાત થઈ ગયું હતું. આગળ કે પાછળ... કયાંય પણ નજર કરવાની ક્ષમતા ગુમ થઈ ગઈ હતી.

‘અરે, ઈતિ, તારે હીંચકા ખાવા છે ? યાદ છે તું ને અનિ નાના હતા ત્યારે હીંચકા માટે કેવા ઝગડતા હતા ? અનિકેત તને કેવા જોશથી હીંચકા નાખતો હતો અને તું ગભરાઈને ચીસો પાડી ઉઠતી. અરૂપ બેટા, તને ખબર છે? ઈતિ નાની હતી ને ત્યારે સાવ બીકણ હતી. અને અનિકેત તેને ડરાવવાનું કયારેય ચૂકતો નહીં. બંને વચ્ચે ઈટાકિટ્ટા... રિસામણા, મનામણા ચાલ્યા જ કરતા. ઈતિનો વાંક હોય ને તો પણ અમારા આ બેનબાની છાપ જ એવી કે ઈતિ તો બહું ડાહી..એ તોફાન કરે જ નહીં. અને ઠપકો તો અનિકેતને ભાગે જ આવે. અરે, સુલભાબહેન... અનિકેતની મમ્મી પણ તેને જ ખીજાય. મારી ઈતિ તો બધાની લાડલી ને ચાગલી. અને બધા અનિકેતને ખીજાતા હોય ત્યારે આ બેનબા છાનામાના અનિકેતને અંગૂઠો બતાવતા ઉભા હોય. ઈતિનું ટીખળ બીજા કોઈને દેખાય નહીં. અને અનિકેતની પીપૂડી તો સાંભળે જ કોણ ? સાચુંને ઈતિ ? ‘

બોલતા બોલતા નીતાબહેન અનિકેતની યાદથી ગળગળા થઈ ગયા. ઈતિ મટકુ પણ માર્યા સિવાય મમ્મી સામે જોઈ રહી હતી. શું સાંભળતી હતી એ સમજવાનો પ્રયત્ન કરતી હતી કે શું ?

’ અને, અરૂપ, અનિકેત જરાક કંઈક કરે ને ત્યાં બધાની આંખે ચડી જાય. અને સૌ તેને જ કહે,

’તું જ એવો છે..તેં જ કંઈક તોફાન કર્યું હશે. ઈતિ તો બહું ડાહી છે. ‘

અનિકેતને વારંવાર આવું સાંભળવું પડતું. પણ હું તો મારી દીકરીને ઓળખું ને ?એના પરાક્રમની મને તો જાણ હોય ને ?

મારે સુલભાબહેનને કહેવું પડતું,’ તમે નકામા અનિને ખીજાવ છો..આ મારી દીકરી કંઈ ઓછી નથી. તેણે જરૂર કશુંક કર્યું જ હશે.આમ પણ અનિકેતને ચીડવવો એ તો ઈતિનું મનગમતું કામ. ખરૂંને ઈતિ ? સળી કરીને પોતે દૂર ભાગી જાય અને અનિ બિચારો ફસાઈ જાય. ‘

ત્રાંસી આંખે ઈતિ સામે જોતા જોતા નીતાબહેન એકધારા બોલી રહ્યા હતા. અરૂપની નજર તો ઈતિ સામે જ ખોડાયેલી હતી.ઈતિના હાવભાવનું સૂક્ષમ નિરિક્ષણ તે કરી રહ્યો હતો. અને ઈતિ ?

ઈતિના કાન પર કોઈ શબ્દો અથડાતા હોય... કોઈ ઝાંખી યાદ ઉભરી આવતી હોય તેમ વચ્ચે વચ્ચે એકાદ નાનો આછો ઝબકાર તેના ચહેરા પર છવાઈ જતો. અને ફરી પાછો ગાઢ અંધકાર.

અને એ અંધકારે અરૂપ ફરી પાછો હતાશાની ગર્તામાં ધકેલાઈ જતો. પણ ના..ના એમ હતાશ થયે કેમ ચાલશે ?

રાત સુધી એમ જ અરૂપ અને નીતાબહેન આડીઅવળી વાતો કરતા રહ્યા. તેમની વાતોમાં અનિકેત ડોકાયા કર્યો અને ઈતિની આંખોમાં વીજળીના ક્ષણિક ઝબકારની આવનજાવન ચાલુ રહી. અરૂપ આશા નિરાશા વચ્ચે ઝૂલતો રહ્યો. નીતાબહેન દીકરીની હાલતથી દુઃખ અનુભવતા રહ્યા.

‘ ઈતિ, ચાલ, આજે તો આપણે પણ ફરી એકવાર નાના બની જીએ અને હીંચકા ખાઈએ.

ઈતિનો હાથ પકડી અરૂપ તેને હીંચકા પાસે લઈ ગયો. અને ઈતિને હીંચકા પર બેસાડી તે ધીમેધીમે હીંચકા નાખવા લાગ્યો. ઈતિના હાથ મજબૂતીથી હીંચકાની સાંકળ પકડી રહ્યા. જાણે કશુંક છૂટી જતું હોય અને પોતે બાંધી રાખવા માગતી ન હોય ! અરૂપે ધીમે ધીમે હીંચકાની ગતિ વધારી. ઈતિએ આંખો બંધ કરી દીધી. અરૂપના મનમાં હતું કે ઈતિ ડરની મારી હમણાં ચીસ પાડી ઉઠશે.પરંતુ તે આશા પણ ઠગારી નીકળી.

‘ ઈતિ, આજે જમવા કયાં જશું ? સામાન્ય રીતે અરૂપ કોઈ મોટી હોટેલ જ પસંદ કરતો. ઈતિને તો બહાર ભૈયાજી પાસે ઊંભી પાણીપૂરી અને જાતજાતની ચાટ ખાવી બહુ ગમતી. પરંતુ અરૂપને એવું કયારેય ગમતું નહીં.

આજે અરૂપે સામેથી જ કહ્યું

’ ઈતિ, તારા પેલા ફેવરીટ ભૈયાજીની ચાટ ખાવા જીશું ને ? અને ગાડી એક ખૂમચાવાળા પાસે ઉભી.

ઈતિ, તારે કઈ ચાટ ખાવી છે ? ‘

પરંતુ મેન્ટલી રીટાર્ડેડ બાળક શું જવાબ આપે ? પ્રશ્ન સમજાય તો જવાબની અશા રાખી શકાયને ? નીતાબહેન જમાઈની કાળજી જોઈ રહ્યા હતા. દીકરીનો કેટલો ખ્યાલ રાખે છે. ઈતિ નશીબદાર છે. માની ઈશ્વરનો આભાર માની રહ્યા.

અંતે નીતાબહેને જ ઈતિની ફેવરીટ આલુ ચાટ અને પાણીપૂરી મગાવી. અરૂપે પણ હસતા હસતા અને સિસકારા બોલાવતા બોલાવતા પાણીપૂરીની મજા માણી. તે ઈતિના મોંમાં મૂકતો ગયો અને પોતે ખાતો ગયો.

‘ અરે, બાપ રે, ઈતિ, આ તો બહું તેજ છે. અરે, ભૈયાજી જરા કમ તેજ બનાઈયે..’

જોકે ઈતિને તીખી તમતમતી જ ભાવતી હતી એનાથી અરૂપ અજાણયો નહોતો જ. કદાચ ઈતિ ભૈયાજીને કોઈ સૂચના આપે તેમ માની અરૂપ કહેતો રહ્યો. કોને ખબર છે... કયારે, કઈ નાની સરખી વાત ઈતિની ચેતના જગાડી શકે. તે કોઈ તક છોડવા નહોતો માગતો. પરંતુ હજુ અરૂપના પાપનું પ્રાયશ્વિત પૂરૂ નહોતું થયું. કયારેય થશે કે કેમ એ પણ શંકા હતી. પરંતુ અરૂપ પોતાના તરફથી કોઈ કચાશ નહીં જ રહેવા દે. પાપ કર્યું છે તો સજા પણ ભોગવશે જ.

તે રાત્રે ઈતિ પોતાની જાતે નીતાબહેનની સાડીનો છેડો પકડી નાનપણમાં સૂતી હતી એમ જ ટૂંટિયુ વાળીને સૂઈ રહી.નીતાબહેન પુત્રીને માથે સ્નેહથી હાથ ફેરવી રહ્યા. પુત્રીની આ દશા જોઈ તેમના દુઃખનો પાર નહોતો. શું કરવું તે તેમને પણ સમજાતું નહોતું.

કશુંક કરવું જોઈએ. પણ શું ? શું ઈતિ હમેશા આમ જ..? દીકરી ઉપર આ કોની નજર લાગી ગઈ છે ? સૂઝે એટલી માનતા તે મનોમન માનતા રહ્યા. પુત્રી પર કોઈનો ઓછાયો પડી ગયો છે કે શું ? નહીતર આવી ડાહી દીકરી આમ...? અનિકેતના જવાનું દુઃખ જરૂર થાય પણ આમ કોઈ આ હદે ભાંગી પડે ?

નીતાબહેનને કયાં જાણ હતી કે આ કંઈ અનિકેતની વિદાયનું જ દુઃખ નહોતું. આ તો વરસોનો વિશ્વાસ તૂટયાની કરચો હતી જે ઈતિને અંદર સુધી ખૂંચી ગઈ હતી. જેનામાં પૂરી શ્રધ્ધા રાખી પૂર્ણ સમર્પણ કર્યું હતું તેનું આવું સ્વરૂપ અચાનક નજર સમક્ષ ઉઘડતાં અવાચક બની ગયેલ ઈતિની બધી ઈન્દ્રિયો સાન ભાન ગુમાવી બેઠી હતી. એક ક્ષણમાં ઈતિની આસપાસ, ચારે તરફ ફકત અંધકાર... ઘોર અંધકારનું પૂર ફરી વળ્યું હતું. અને એ પૂરમાં ડૂબી ગયેલી ઈતિ હવે બહાર આવી શકતી નહોતી.

કયારેય આવી શકશે ખરી ? અંધકારનું આ પૂર કયારેય ઈતિના જીવનમાંથી ઓસરી શકશે ખરૂં ?

અરૂપ બાજુના રૂમમાં સૂતા સૂતા મનમાં ને મનમાં સવાલ કરતો રહ્યો. ઈતિ તેની મમ્મી સાથે સૂવે તો કદાચ કોઈ વાત કરે એમ માની તે અલગ સૂતો હતો. જોકે તેનો જીવ તો ઈતિ આસપાસ જ મંડરાતો હતો. બાકી તેના પ્રશ્નોના જવાબ તો કાળદેવતા સિવાય કોણ આપી શકે ? કાળદેવતાને હૈયા જેવું, દયા, માયા જેવું કશું હશે તો ખરૂં ને ?

પ્રશ્નો..પ્રશ્નો.. અનેક અનુત્તર પ્રશ્નોએ અરૂપની આંખોની ઉંઘ હરી લીધી હતી.