Doast Mane Maf Karis Ne - Part-16 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne - 16

Featured Books
Categories
Share

Dost Mane Maf Karis Ne - 16

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૬

બદલાતો અરૂપ

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૬. બદલાતો અરૂપ

“ હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે

નિગૂઢ પાનખર તણો એ સ્પર્શ આસપાસ છે..”

પૂર્વાકાશે હજુ પણ રોજ એ જ સૂર્ય ઉગતો હતો અને સાંજે સૂર્યાસ્તની સરહદ પર આછેરા તારલાઓ મૌન બની ઝળૂંબી રહેતા. ચેતનવિહિન, ઉલ્લાસવિહિન દિવસો અને અનાથ શિશુ સમી રાતો એકલી-અટૂલી ઉભી ઉભી અશ્રુજળનો છંટકાવ કરી રહેતી. કોઈ જખમી મનુષ્ય દર્દથી ચિત્કારતો હોય તેમ પવન સૂસવાટા કરતો રહેતો. અને રોજ સવારે કેલેન્ડરનું પાનુ ઈતિની પથરીલી શૂન્યતા અને અરૂપના નિશ્ફળ પ્રયત્નોનું સાક્ષી બની ફાટતું રહેતું.

જયાં કદી સંબંધોના મોજા ઘૂઘવતા હતા ત્યાં આજે સાવ સૂક્કો, કોરો પટ... જયાં કોઈ કદી ચાલ્યુ હતું તેની છાપ, તે પગલા પણ અદ્ર્‌શ્ય થયા હતા. દૂર દૂર સુધી ઝાંઝવાનો અણસાર પણ નહીં. સમયની ગૂઢ લિપિ કોણ ઉકેલી શકયું છે? માટીમાં મળી ગયા બાદ પણ દરેક બીજના નશીબમાં કૂંપળ બનીને ફરીથી પાંગરવાનું કયાં હોય છે ?

ઈતિ સૂતી હોય ત્યારે અરૂપના મનમાં વિચારોનું તુમુલ યુધ્ધ ચાલતું રહેતું. આજે પણ તે આવા જ કોઈ વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં તારાબહેન આવ્યા. આજે તે ખુશ દેખાતા હતા.

આવીને તેણે અરૂપના હાથમાં કાગળની એક નાની પડીકી આપી.

’ આ શું છે તારાબહેન ? ‘

’ સાહેબ માતાજી માની ગયા. મેં તેમને બહેનની બધી વાત કરી પહેલાં તો તેમણે બહેનને લઈને જ આવવાનું કહ્યું. પરંતુ મેં તેમને સમજાવ્યા અને ખોળો પાથરી આજીજી કરી ત્યારે કહ્યું,

ઠીક છે... તું આટલું કહે છે તો મારે કરવું જ રહ્યું.

’ આ દાણા તેણે આપ્યા છે. અને બહેનને ખવડાવવાના છે. સાહેબ, ગમે તેમ કરીને બહેનને ખવડાવી દેજો. અને હા, સાહેબ, દસ મંગળવાર કરવાના તેમણે ખાસ કહ્યું છે. બહેન તો કેમ કરી શકશે ? પણ મેં માતાજીને પૂછી લીધું છે તેને બદલે કોઈ પણ કરે તો ચાલે. બહેનને બદલે હું કરીશ. તમે ચિંતા ન કરો. બહેનને જરૂર સારૂં થઈ જશે.’

તારાબહેનની લાગણી જોઈ અરૂપ ગળગળો થઈ ગયો. તેણે કહ્યું,

’ તારાબહેન, તમારે મંગળવાર કરવાની જરૂર નથી. હું જ કરીશ. શું કરવાનું છે... કેમ કરવાનું છે તે મને સમજાવજો. ‘

એક ડૂબતા માણસે તરણુ પકડી લીધું. અને આમ પણ અરૂપ તારાબહેનની શ્રધ્ધા તોડવા નહોતો માગતો.

તારાબહેન ખુશ થતાં પોતાના કામમાં પરોવાયા. હવે ઈતિને જરૂર સારૂં થઈ જશે. તેમ તેનું મન કહેતું હતું.

અરૂપ સંપૂર્ણપણે ઈતિમય બની ગયો હતો. પ્રેમનો સાચો અર્થ..મર્‌મ તે હવે સમજયો હતો. કાળને તો તે રીવર્સ ગીયરમાં ફેરવી શકે તેમ નહોતો. કે અનિકેતને પાછો લાવી શકે તેમ નહોતો. પરંતુ જે કંઈ તે કરી શકશે તેમાં હવે કોઈ કચાશ નહીં જ હોય. અરૂપ ડોકટરો, સાયકોલોજીસ્ટ પાસેથી પણ માર્ગદર્શન મેળવતો રહ્યો. ઈતિને ગમે તેમ કરીને હસાવવી કે રડાવવી તે જરૂરી હતું. અરૂપ, જે કયારેય અનિકેતની વાત ભૂલથી પણ ઉચ્ચારતો નહીં, તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહીં.

કોઈ પરિવર્તનની એન્ધાણી આપ્યા સિવાય, સીધા સપાટ દિવસો કાચબાની ગતિએ વહ્યે જતા હતાં. ઈતિમાં ખાસ કોઈ ફરક, કોઈ સુધારો પડયો નહોતો. તેની મૌનની દીવાલ તૂટી નહીં. કલાકો સુધી તે હીંચકા પર બેસી દૂર દૂર સુધી શૂન્ય નજરે જોઈ રહેતી. અરૂપ કહે તેમ મૌન રહીને કર્યા કરતી. અરૂપ તેના હાથને સ્પર્શતો તો જાણે પથ્થરનો હાથ. કોઈ નિર્જીવ વસ્તુનો સ્પર્શ કર્યો હોય તેવો અહેસાસ અરૂપને થતો. મંદબુદ્ઘિના બાળકને કહીએ અને તે કોઈ વિરોધ વિના કે સમજયા વિના કર્યા કરે તેમ ઈતિ કર્યે જતી. અરૂપ થાકયા વિના અગણિત વાતો કરતો રહેતો. ઈતિ થોડા દિવસ તેની મમ્મી પાસે જાય તો કદાચ તેના મનનો ભાર થોડો હળવો થઈ શકે તેવું વિચારી અરૂપે તેને મોકલવાના કે પોતે સાથે જાય તે માટે તેવા ઘણાં પ્રયત્નો અરૂપે કરી જોયા. પણ વ્યર્થ. તેની કોઈ વાતનો પ્રતિભાવ તે ન જ મેળવી શકયો.

અંતે અરૂપે ફોન કરી તેની મમ્મીને થોડો સમય અહીં સાથે રહેવા બોલાવ્યા.

‘ ઈતિ, જો તો ખરી, કોણ આવ્યું છે ? ‘ અરૂપે ઉત્સાહથી બૂમ પાડી.

ઈતિ એમ જ હીંચકા પર બેસી રહી. કુતુહલથી તેની આંખો ફરી નહીં. તેની જિંદગીમાં એક અણધાર્યો શૂન્યાવકાશ સર્જાયો હતો. અને શૂન્યાવકાશમાં કોઈ પડઘા કેમ પડી શકે ? કોઈ આવે કે જાય ઈતિને કોઈ ફરક કયાં અનુભવાતો હતો ? તેને જગત આખા સાથે કોઈ લેવા દેવા, કોઈ સંબંધ કયાં રહેવા પામ્યો હતો ? કોઈ એક બિંદુ પર આવીને જીવન સ્થગ્િાત બની ગયું હતું. જયાં કોઈ હલચલને અવકાશ નહોતો રહ્યો.

‘ઈતિ,’

ફરી એકવાર અરૂપે પ્રયત્ન કરી જોયો.

ઈતિ તરફથી કોઈ જવાબ ન મળતા અરૂપ ઈતિની મમ્મીને આવકારવા ઊંભો થયો.

ઈતિ, બેટા, ‘

અવાજ સાંભળી ઈતિની આંખોમાં એકાદ સેકન્ડ આછો ચમકારો દેખાયો. અને ફરીને પાછી એ જ સ્થિરતા... તે એકીટશે મમ્મી સામે જોઈ રહી. જાણે તેને ઓળખવા મથી રહી.

‘ બેટા, તને જોવાનું બહું મન થયું હતું. તું ન આવી એટલે હું જ આવી ગઈ. બિટ્ટુ, તું મમ્મીને યે ભૂલી ગઈ ? ’

કહેતા નીતાબહેન ઈતિને ભેટી પડયા. દીકરીની પરિસ્થિતિની વાત તો અરૂપે તેમને કરી જ હતી. આજે નજરે જોઈ તેમની આંખો છલકી રહી.

ઈતિ જાણે ગૂંગળાઈ ગઈ હોય તેમ અસ્વસ્થ બની ગઈ. અરૂપ ધ્યાનથી ઈતિના વર્તનનો ફેરફાર જોતો રહ્યો. ઈતિની થોડી અસ્વસ્થતા પણ તેને ખુશ કરી ગઈ. કંઈક... કંઈક સંવેદના તો તે અનુભવી શકી. એક ઝબકારો જાગ્યો કે શું ? તેને આશા જાગી... હવે ઈતિમાં થોડો ફરક જરૂર પડશે. એક મા પાસે દીકરીનું હૈયુ ઠલવાશે. બસ... પછી તો તે પહોંચી વળશે. એકવાર ઈતિની ચેતના જાગવી જોઈએ. બાકીનું તે સંભાળી લેશે.

નીતાબહેન પુત્રીને માથે પ્રેમથી હાથ ફેરવતા રહ્યા. ઈતિના ચહેરા પરની એકાદ બે રેખા ફરકી... પણ મૌનની દીવાલ તો અકબંધ જ રહી. હોઠ ન જ ખૂલ્યા.

ઈતિ અને અનિકેતની વહાલયાત્રાના શૈશવથી સાક્ષી હોવાથી નીતાબહેન સમજી શકયા કે અનિકેતના મૃત્યુનો આઘાત જીરવવો ઈતિ માટે આસાન તો ન જ હોય. પરંતુ આટલી હદે..? ઈતિની આ હાલતની તો તે કલ્પના પણ નહોતા કરી શકયા. અરૂપે જયારે ફોન કરી તેમને રહેવા બોલાવ્યા હતા ત્યારે તેમના મનમાં હતું જ કે અનિકેતના જવાનો આઘાત ઈતિ માટે ખૂબ દુઃખદાયક હશે જ. અને એમાંયે અંત સમયે મળી ન શકાયું તેનો રંજ પણ હશે જ. એ ખ્યાલ તેમને હતો જ. પરંતુ ઈતિની આવી હાલતની તો તેમને કલ્પના સુધ્ધાં નહોતી. અરૂપનું આદર્શ જમાઈ અને આદર્શ પતિ તરીકેનું તેમના મનમાં જે ચિત્ર વરસોથી હતું તેમાં અરૂપ માટે તો બીજી કોઈ કલ્પના શકય જ કયાં હતી? ઈતિની આ અવસ્થા જોઈ તેમને ઈતિની સાથે સાથે અરૂપની પણ એટલી જ ચિંતા થઈ. જમાઈ ધંધાપાણી છોડી ઈતિની પાછળ... તેને સાજી કરવા માટે આટલું કરી રહ્યો છે એ જોઈ નીતાબહેનને અરૂપ માટે માન વધી ગયું.

’ બેટા, તું વધુ પડતી ચિંતા ન કરીશ. હું ધીમેધીમે અનિકેતની વાતો કરી તેને બોલતી કરી દઈશ. બહું નાનપણથી બંને સાથે રમીને મોટા થયા છે તેથી થોડું વધારે થાય. અને તેમાં છેલ્લે તમારે અચાનક બહારગામ જવાનું થયું અને મળી ન શકાયું તેથી તેને કદાચ વધુ આઘાત લાગ્યો લાગે છે. બચપણની માયા જ એવી હોય.પણ બધું બરાબર થઈ જશે. બેટા, તું વધુ પડતું ટેન્શન ન લેતો.’

નીતાબહેન જમાઈને સધિયારો આપતા રહ્યા.

અરૂપ ફિક્કુ હસ્યો. શું બોલે તે ? આ સધિયારો તેને મૃગજળ જેવો લાગ્યો છતાં આભાસી તો આભાસી જળ તો ખરૂં ને ? તે આશા છોડી દે કે હિમત હારી જાય તે કેમ ચાલે ?પોતાની પાસે દિલના દરવાજા બંધ કરી દીધેલ ઈતિ કદાચ મા પાસે ખૂલી પણ જાય. એ આશાએ જ તેણે નીતાબહેનને અહીં તેડાવ્યા હતા. ભલે ઈતિ બધી સાચી વાત કહી દે... ભલે પોતે બધાની નજરમાં નીચો પડી જાય પણ તેની ઈતિ સાજી થાય એ જ મોટી વાત હતી તેને માટે.

ડોકટરોએ તેને કહેલું કે આઘાતને અંતિમ બિંદુએ..પરાકાશ્ઠાએ પહોંચેલ માનવીને એક નાનો સરખો ધક્કો પણ ગાંડપણની કક્ષાએ પહોંચાડી શકે. મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી ન બેસાય તે માટે કોઈ પણ પ્રકારની સંવેદના અનુભવવી, કોઈ પણ રીતે બહાર આવવી, વ્યકત થવી જરૂરી હતી. હસવું રડવું, ગુસ્સો, નફરત... કંઈ પણ... આ બધિરતા વધુ સમય ચાલી તો? અરૂપ આગળ વિચારી ન શકયો. તેના મગજમાં ઘણની માફક સતત આ એક જ પ્રશ્ન વાગતો રહ્યો હતો. શું કરૂં ? શું કરૂં તો ઈતિ ફરી પાછી...

પણ કશું કરવા જતાં કશુંક આડુઅવળુ થઈ જાય તો ? તે વિચાર પણ સતાવતો હતો. મનમાં સતત એક ભયનો ઓથાર... કંઈ પણ કરવા તૈયાર અરૂપને કોઈ દિશા, કોઈ દરવાજો દેખાતા નહોતા. સામાન્ય સંજોગોમાં નાસ્તિક ગણાતો અરૂપ આજે પૂરેપૂરો આસ્તિક બની અનેક માનતાઓ માની ચૂકયો હતો. ડૂબતો માણસ તરણુ પકડે તેવી તેની હાલત બની હતી. કયાંકથી કોઈ દરવાજો નહીં ખૂલી શકે ? તેના પાપની આવડી મોટી સજા ? અને ગુનેગાર તો પોતે હતો. સજા પોતાને હોય. ઈતિને શા માટે આ સજા? કે પછી ઈતિને સજા એ જ તેની સૌથી મોટી સજા હતી કે શું ? જેથી તે પોતાની જાતને કયારેય માફ ન કરી શકે..જીવનભર વલોપાતની આ આગમાં જલતો રહે. તેને બધું મંજૂર હતું. પરંતુ ઈતિની આ દશાના મૂક સાક્ષી બનવું અઘરૂંપ. બહું અઘરૂં બન્યું હતું તેને માટે.

તે રાત્રે ઈતિની બાજુમાં તેની મમ્મી સૂતી હતી.મમ્મીનો વહાલભર્યો હાથ પુત્રીના વાળમાં ફરી રહ્યો હતો.

‘ઈતિ, તને ખબર છે ? અનિકેત આવ્યો ત્યારથી મારી સાથે રોજ આખો દિવસ તારી જ વાતો કર્યા કરતો હતો. એકની એક વાત મારે તેને કેટલીયે વાર કહેવી પડતી. બિચારાના મા-બાપ એક અકસ્માતમાં ભગવાને છીનવી લીધા અને પોતાને આ જીવલેણ વ્યાધિ વળગ્યો.

અને ઈતિ, અનિકેતનું શરીર તો સાવ દુર્બળ થઈ ગયેલું. મારાથી તો તેની સામે જોવાતું નહોતું. તેને યે ખબર હતીકે તે હવે વધારે જીવવાનો નથી. છતાં આખો દિવસ હસતો જ રહેતો.મારા ખોળામાં માથુ રાખીને સૂતા સૂતા તમારા બાળપણની કેટલીયે વાતો કર્યા કરતો. તું તેને કેવી હેરાન કરતી. એકવાર તે માંદો પડયો હતો ત્યારે કેવી ખીજાઈને દવા પીવડાવતી હતી. ઈતિ, તેને તો બધું... બધું જ યાદ હતું હોં.

અરે, હા, ઈતિ, એક વસ્તુ તો તને આપતા ભૂલી જ ગઈ. અનિકેતે તને આપવા માટે રાખી હતી. પોતાને હાથે તને આપશે એમ કહેતો હતો. પરંતુ કમનશીબે એ દિવસ જ ન આવ્યો. ખેર ! એક મિનિટ થોભ તને આપુ...’

થોડી ક્ષણો નીતાબહેન ઈતિ સામે જોઈ રહ્યા. પરંતુ ઈતિ કશું પૂછે..કશું બોલે એ આશા ઠગારી નીવડી. તેણે મમ્મીની વાતનો કોઈ પડઘો પાડયો નહીં કે કશું પૂછયું નહીં. કોઈ આતુરતા તેની કીકીઓમાં ચમકી નહીં. એક છૂપો નિઃશ્વાસ નાખી નીતાબહેન ઉભા થયા અને પોતાના થેલામાંથી પીળી પડી ગયેલ એક નોટબુક લઈ આવ્યા અને ઈતિના હાથમાં પકડાવી.

ઈતિ નોટબુક સામે જોઈ રહી. પરંતુ ઓળખાણનો કોઈ અણસાર તેની આંખોમાં ઉપસ્યો નહીં કે ન તેણે પાના ફેરવવાની કોઈ ઉત્સુકતા દર્શાવી. બસ... એકીટશે નોટ સામે જોઈ રહી.

ઈતિ, જો તો ખરી... અનિકેતે આમાં તારા કેટલા બધા ચિત્રો દોર્યા છે. ‘

કહેતા નીતાબહેને એક પછી એક પાના ફેરવતા ગયા. સૌથી છેલ્લે ડાંસ કરતી ઈતિનો મોટો, ખૂબ સરસ સ્કેચ હતો. ઈતિના ચહેરા પરની એક એક રેખા તેમાં એવી તો સરસ ઉપસી હતી.

‘ઈતિ, આ તો જો... અનિકેતે આ ચિત્રમાં તો કમાલ કરી છે. એક એક ભાવ કેવા સરસ ઉપસાવ્યા છે. અને તે પણ ખાલી પેન્સિલથી.

ઈતિની આંખો ચકળવકળ થતી રહી. એ કાળી રેખાઓ સામે તે જોઈ રહી. એ રેખાઓ પરિચિત છતાં અપરિચિત કેમ લાગતી હતી ? તેને કશું સમજાતું કેમ નહોતું ? ઈતિના ચહેરા સામે જોઈ તેના ભાવ ઉકેલવાની મથામણ કરતાં નીતાબહેનને થોડો ડર લાગ્યો. તેમણે ઈતિના હાથમાંથી સ્કેચબુક લઈ લીધી અને બંધ કરી.

ઈતિ, લે, થોડું પાણી પી લે. સારૂં લાગશે. ‘

અને નીતાબહેને ઈતિને પાણી પીવડાવ્યું. થોડું પોતે પીધું. અને ઈતિની બાજુમાં સૂતા સૂતા તેને માથે હાથ ફેરવતા બોલી રહ્યા.

‘ ઈતિ, તને ખબર છે..? તારા લગ્નના ફોટા તો અનિકેત કેટલી વાર જોયા કરતો. તું કેવી બદલાઈ છો, લગ્ન પછી કેવી લાગે છે..એ બધી વાતો સતત પૂછતો રહેતો. આગલે દિવસે પૂછી હોય તો પણ બીજે દિવસે ફરી પાછો એ જ વાતો મને પૂછ્‌યા કરતો. પછી તારી જેમ ખીજાઈને મારે સૂવડાવી દેવો પડતો. તારી બીક બતાવું એટલે ડાહ્યો થઈને ચૂપચાપ સૂઈ જતો. જોકે થોડી જ વાર હોં. અને વળી પાછા એના પ્રશ્નો ચાલુ થઈ જતા.

અને ઈતિ, અનિકેત ત્યાં અનાથ બાળકોની કોઈ સંસ્થામાં સેવાનું કામ કરતો હતો. નામ તો હું ભૂલી ગઈ. પરંતુ તેના મમ્મી પપ્પાના અવસાન બાદ અનિકેતે ભણવાનું પણ છોડી દીધું હતું. અને સંસ્થામાં જ રહેતો હતો અને આખો વખત એમાં જ કામ કરતો હતો. એના ફોટા પણ ઘણાં લાવ્યો હતો. તારે જોવા છે ? પછી નિરાંતે બતાવીશ હોં. અને, તારા લગ્નના આલ્બમ જોતાં તો તે ધરાતો જ નહોતો. મને કહેતો,

’ આંટી, ઈતિ આવે એટલી વાર છે. તેને ચીડવવાની કેવી મજા આવશે ! ‘ સાસરે નહીં જાઉં ‘ એમ કહેતી હતી ને ?કેવી સાસરે ચાલી ગઈને ? અને લગ્નમાં શું કર્યું હતું,કેમ કર્યું હતું. બધી વિગત પૂછતો રહેતો. મને કહે, ‘ એમ ટૂંકમાં નહીં. આંટી, મારે ઈતિના લગ્નની બધી વાત નિરાંતે સાંભળવી છે. ‘

હું લગ્નની બધી વાતો તેને કર્યા કરતી.અને તે થાકયા વિના સૂતો સૂતો સાંભળ્યા કરતો.

વળી કયારેક કહેતો,

‘ આંટી, આ લગ્નના ફોટામાં તેની આંખોમાં જે ચમક દેખાવી જોઈએ તે મને કેમ દેખાતી નથી ? તે બહું રડી હતી ? હું નહોતો આવ્યો એટલે ? સાસરે જતી વખતે મને યાદ કરતી હતી કે નહીં ? અને હવે તેને સાસરૂં એટલે શું એ સમજ પડી કે નહીં ? ‘

તારી મશ્કરી કરતો અનિકેત કેટલું હસતો હતો ? અને ઈતિ, તે તો અરૂપને પણ ઓળખતો હોય તેમ બધી વાતો કરતો હતો. જોકે તેની તબિયતને લીધે મેં બહું પૂછયું નહીં. દવા પીવાની તો ના જ પાડતો હતો. પણ તારી બીક બતાવીને હું તેને પીવડાવતી હતી. કે ઈતિને કહી દઈશ હોં..! પછી ભલે આવીને તને ખીજાય. પણ જોને તું યે આવી શકી નહીં. છેલ્લી મિનિટ સુધી તે તારી રાહ જોતો રહ્યો. તેની આંખો દરવાજા તરફ જ મંડાઈ રહેતી. જરાક અવાજ થાય અને તેને બારણું ખખડવાના જ ભણકારા વાગતા.

‘ આંટી, જુઓને ઈતિ આવી ? ‘

તને છેલ્લીવાર જોવાની, મળવાની તેની હોંશ અધૂરી જ રહી. ખેર! શું થાય ? બેટા, સૌ કિસ્મતના ખેલ છે. નસીબમાં લખેલું મિથ્યા થોડું થાય છે ? ‘

નીતાબહેન એકધારૂં બોલતા રહ્યા .

ઈતિની આંખના ખૂણે એક મોતી ચમકી રહ્યું. બહાર આવવાને બદલે પાંપણમાં જ થીજી ગયું. અરૂપે નીતાબહેનને કહી રાખ્યું હતું કે ઈતિ રડે એ બહું જરૂરી છે. તેથી નીતાબહેન અનિકેતની વાતો કરી તેને રડાવવા મથી રહ્યા હતા. ધ્રુસકે ધ્રુસકે રડાવવા મથતા નીતાબહેનને પાંપણમાં થીજી ગયેલું એક બુંદ કેમ દેખાય ? અનિકેતની છેલ્લી પળોની, તેની મૃત્યુની વાત કરતાં નીતાબહેન પોતે રડી પડયા. ઈતિની આંખો ચકળવકળ ફરતી રહી. જાણે કશું શોધવા મથતી ન હોય ?

ઈતિનું આ બહાવરાપણું જોઈ નીતાબનહેન ગભરાઈ ગયા. મૌન પુત્રીને માએ પોતાના પાલવમાં નાનકડા શિશુની જેમ ઢબૂરી દીધી.

દૂર-દૂર આકાશમાં દેખાતા બે ચાર તારાઓ સાવ નિસ્તેજ લાગતા હતા. ચન્દ્ર પણ સાવ ફિક્કો ફસ...! તારા અને ચન્દ્રના શણગારવિહિન રજની કોઈ વિધવાના સૂના કપાળ જેવી સૌભાગ્યવિહિન બનીને ધીમા પગલે ચૂપચાપ સરતી રહી.

ઈતિના ચહેરા પરની જડતાની એકાદ બે રેખાઓ હળવી થઈ હતી કે પછી એ પણ એક ભ્રમ માત્ર ?