Dairy milk silk in Gujarati Short Stories by Asha Rathod books and stories PDF | ડેરીમિલ્ક સિલ્ક

Featured Books
Categories
Share

ડેરીમિલ્ક સિલ્ક

" ડેરીમિલ્ક સિલ્ક "

agrathod12@gmail.com

" પાપા, પાપા એક બાઈટ"

"ના, બેટા તારા માટે જ છે તું ખા."

"ના, ના, ના, એક એક "

શનિવાર અને રવિવાર મારી કંપની માં વિક એન્ડ ની રજા હોઈ છે તેથી દરેક શનિ - રવિ હું મારી ઢીંગલી સાથે રહેવાનું જ પસંદ કરું છું. અત્યારે સાંજે ૬ વાગ્યે એને બારે ગાર્ડનમાં ચક્કર મરાવી ઘરે લઇ જતો હતો ત્યાંજ દર વખતની જેમ આ વખતે પણ તેની ફેવરેટ શોપ પર સ્ટોપ આવ્યો. મારી ૩ વર્ષ ની ઢીંગલીએ જીદ કરીને ડેરીમિલ્ક સિલ્ક લેવડાવી. ચોકલેટ લઈને અમે ઘરે પહોચ્યા. અને હું મારું કામ કરવા બેઠો. આમ તો જો કે હું ભાગ્યે જ ઓફીસનું કામ ઘરે કરું છું પણ આ વખતે મારા પ્રોજેક્ટની ડેડલાઈન નજીક છે અને મારે હજી થોડું વર્ક આઉટ કરવાનું બાકી છે તેથી હું મારા બેડ ઉપર પીઠ પાછળ તકિયું રાખી પગ લાંબા કરીને લેપટોપ પર મારું કામ કરતો હતો પણ અને હવે એ મને લેપટોપ પર મારું કામ નથી કરવા દેતી અને જબરદસ્તી મને ચોકલેટ ખવડાવે છે.

ઘણી વખત સમજાવી છે કે ડેરી મિલ્ક સિલ્ક નહિ બીજી કોઈ પણ ચોકલેટ લઇ લે. સિલ્ક માં આખા હાથ, ફ્રોક અને મોં બધું ચોકલેટ વાળું બગડી જાય છે પણ એમ મારી “કુહુ” માની જાય તો તો જોઈએ પણ શું?

"બેટા હમણાં નહિ, પાપા ને થોડું કામ કરવા દે, તું ખા મારે નથી ખાવી"

"ના, ના, ના પછી નહિ, હમણાં જ, અત્યારે જ." મારી ટેણી એ ફરી જીદ કરી.

"ok ચાલ લાવ હું લઇ લવ" મેં તેને સમજાવતા કહ્યું

"ના, ના હું જ ખવડાવીશ. " કહેતા કહેતા મારા લાંબા કરેલા પગ ઉપર બેસી ગઈ અને એ માથું હલાવતા હલાવતા બોલતી હતી

"ok પહેલા ઉભી તો રહે , જો તેના રેપર માં ચોકલેટ ચોંટી ગઈ છે તે હું કાઢી આપું." મેં લેપટોપ બાજુ પર મુક્યું અને તેને સરખી બેસાડી.

"ના ના હું જાતે જ કાઢીશ" ફરી તેને માથું હલાવી ના પાડી...

આમ વારે વારે માથું હલાવવાથી તેની ગરદન થી નીચે સુધી કપાવેલા તેમજ આગળથી કપાળ પર લટ રહે એ રીતે સેટ કરેલા વાળ વિખાઈ ગયા અને એ વિખરાયેલા વાળ મારી ટેણી ને વધુ ક્યુટ બનાવી ગયા.

તેના બંને હાથ, ગાલ તેમજ તેને ગોઠણ સુધી પહેરેલું પિંક ફ્રોક પણ થોડુક ચોકલેટ વાળું થઇ ગયું હતું.

એને એક હાથે ચોકલેટ પકડી રાખી ને બીજા હાથની એક આંગળી થી તેમાંથી ચોકલેટ કાઢવા લાગી. એની ટચુકડી આંગળી ચોકલેટવાળી થઇ ગઈ અને સીધી એણે મારા મોં માં મુકવાની ટ્રાય કરી પણ તેના હાથ મારા મોં સુધી ના પહોચવાને લીધે અને હું નીચે નમું એ પહેલા તો એના હાથે મારા હોઠ ને દાઢી પણ ચોકલેટવાળા ભરી મુક્યા. હું તેને સમજાવતો રહ્યો અને એ મને જીદ કરી કરી ને આમ જ ચોકલેટ ખવડાવતી રહી. જ્યાં સુધી ચોકલેટ પૂરી ના થઇ ત્યાં સુધી એના આવા પ્રયત્નો ચાલુ જ રહ્યા. તેની નાજુક નાજુક ટચુકડી આંગળી ચોકલેટના રેપર માં નાખે, થોડી ઘણી ચોકલેટ આવે એ મારા મોં માં નાખે અને ફરી એજ ક્રિયા કરી ને બીજી વખત પોતાના મોં માં નાખે, અડધી પોણી કલાકની મહેનત બાદ એક સિલ્ક પૂરી થઇ શકી. પણ આ અડધા કલાકમાં તો એનું આખું મોં, ફ્રોક તેમજ મારા ગાલ, દાઢી અને મારા સફેદ કુર્તાએ પણ સિલ્ક નો સ્વાદ ચાખી લીધો હતો.

ચોકલેટ પૂરી થયા પછી અચાનક શું થયું કે એ મારા બંને ખભા પર પોતાના ચોકલેટથી લથબથ હાથ મૂકી ઉભી થઇ. મારા સફેદ કુર્તામાં એના હાથની છાપ કોઈ વિદાઈ થતી કન્યાએ કરેલા કંકુ ના થાપા જેવી જ દેખાતી હતી .

એ ઉભી થઇ ને મારી નજીક આવી અને મારા ગાલ પર ચોટેલી ચોકલેટ ચાટવા લાગી એના નાજુક નાજુક ને પોચા પોચા હોઠનો સ્પર્શ મારા ગાલ ને થતો રહ્યો ને મારો ગાલ હવે ચોકલેટ ને બદલે તેના મોં ની લાળવાળો થતો રહ્યો ને મારી ટેણી એની ચોકલેટનો સ્વાદ માણતી રહી.......

અને મને યાદ આવી ગયો સિમલામાં મનાવેલા હનીમુન ની સાથે ઉજવેલો મારો જન્મદિવસ.

તે દિવસે મારી જાન, મારી સ્વીટહાર્ટ, મારી લવર, મારી લાઈફ જે કહું તે મારી “ કેના” મારા માટે ગીફ્ટ ની સાથે ડેરીમિલ્ક સિલ્ક લઇ આવી હતી. મને ચોકલેટ ખાતા ના આવડી કે પછી ચોકલેટ જ એવી હતી કે હાથ બગડી જાય એતો રામ જાણે પણ મારા બંને હાથ ના આંગળા અને મારું મોં ચોકલેટ વાળું ભરાઈ ગયું હતું. મારા આવા નાના બાળકની જેમ બગડેલા મોં જોઇને કેના ખડખડાટ હસી પડી હતી. બ્લુ જીન્સ ઉપર પહેરેલા ટેંક ટોપ સાથે ટ્રાન્સપેરન્ટ શર્ટમાં એ અદભુત લાગતી હતી. હું બાઘાની જેમ એને જોતો હતો અને હસવાનું કારણ પૂછ્યું ત્યારે એ મને હાથ પકડીને અરીસા પાસે લઇ ગઈ અને મારું ચોકલેટ વાળું મોં જોઇને હું પણ હસી પડ્યો હતો. ધીમે ધીમે એ મારી નજીક આવતી ગઈ ને હું એક એક ડગલું પાછળ ખસતો ગયો ત્રણ ચાર ડગલા પાછળ ખસ્યો ત્યાં જ મારા પગ પલંગ સાથે ટકરાઈ ગયા ને હું પલંગ ઉપર બેસી ગયો એને મને હળવેથી સુવાડી દીધો. ધીરે ધીરે મારી ઉપર આવી ને મારા મોં પર ચોંટેલી ચોકલેટ ચાટવા લાગી.એ તેની ચોકલેટ નો સ્વાદ માણતી રહી અને હું તેના શેમ્પુ કરેલા વાળ ની સુગંધ માં ખોવાઈ ગયો હતો.

મને અનહદ પ્રેમ કરતી હતી મારી કેના. તો પછી શું કામ મને છોડીને જતી રહી.??

લગ્ન ના ૨ વર્ષ પછી ઘરમાં નવા મહેમાન ના આવવાની ખબરથી અમે બંને કેટલા ખુશ હતા. એક એક દિવસ ગણી ગણી ને કાઢ્યા હતા એક દિવસ એવો ના હતો કે કેના એ એની પ્રેગનેન્સી દરમિયાન થયેલ અનુભવ એની ડાયરીમાં ના લખ્યો હોઈ. અને ૯-૯ મહિનાની રાહ જોયા બાદ અંતે એ દિવસ આવી ગયો હતો કે જયારે અમે બે માંથી ત્રણ થવાના હતા.પણ અચાનક ઉભા થયેલા એ પ્રોબ્લેમને લીધે તાત્કાલિક કરેલા એ ઓપરેશને મારી કેના ને મારાથી છીનવી લીધી.

હું ક્ષણભર મારી "કુહુ" ને જોતો રહ્યો. કુહુ ના રડવાનો અવાજ આવ્યો, પહેલી વખત એને આંખો ખોલી અને બીજી તરફ મારી કેનાની આંખો હંમેશા માટે બિડાઈ ગઈ. કુહુ ના જન્મ ની ખુશી માનવું કે કેના ના ગયા નો શોક !!!

એ દિવસની યાદ થી આજે પણ આંખોમાં આસું આવી ગયા.

કુહ પોતાના હાથેથી મારા આસું લૂછતાં કહી રહી હતી, "પાપા ડોન્ટ ક્રાય", "પાપા ડોન્ટ ક્રાય."

એની કાલીઘેલી ભાષા મારા હદય ને સ્પર્શી ગઈ ને બાકી રહેલા આસું પણ વહી ગયા. મેં કુહુ ને ગળે લગાવી લીધી.

કુહુ દરરોજ દિવસ માં એક વાર તો એવું વર્તન કરે જ છે કે મને કેના ની યાદ આવી જાય, એ પણ કેનાની જેમ જ જીદ કરીને ડેરીમિલ્ક સિલ્ક જ લેવડાવે છે કોઈ પણ વસ્તુ પહેલા મને ખવડાવીને પછી જ પોતે ખાઈ છે, કેનાની જેમ જ કારણ ખબર હોઈ કે નાં હોઈ પણ હું ઉદાસ હોવ તો એ પણ માયુસ થઇ જાય છે, મારા ગુસ્સા માં પણ કેના ની જેમ જ મને હસાવી જાય છે.

મારી કેના કે પછી મારી કુહુ?

મારી પાસે જ છે.

"લવ યુ બેટા"

"લવ યુ છોઓ ઓ ઓ ઓ ઓ ઓઓ મચ પાપા"