Mane odakhi Hu vasant in Gujarati Magazine by Paru Desai books and stories PDF | મને ઓળખી હું વસંત!

Featured Books
Categories
Share

મને ઓળખી હું વસંત!

મને ઓળખી? હું વસંત !

વાચક મિત્રો, યાદ કરો કે તમે છેલ્લે સૂર્યોદય કયારે નિહાળ્યો હતો? સુર્યાસ્ત કયારે માણ્યો હતો? વાસંતી વાયરાના સ્પર્શમાં રોમાંચ અનુભવ્યો હતો? ગુલમહોરના લાલચટ્ટક-પીળા-કેસરિયા લહેરિયા ફૂલોને આંખમાં આજ્યા હતા? લીમડાની કૂણી કુંપણ ની મહેક થકી શ્વાસને સુગંધિત કર્યા છે ક્યારેય? કોઈક જ એવું હશે જેણે જિંદગીને આ રીતે ભરપૂર માણી હશે.

“રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો,

તરૂવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો.”

શિશિરની ગાત્રો ધ્રુજાવતી ઠંડી પછી મદમસ્ત વાતાવરણને સથવારે વસંત રાણી રૂમઝૂમ કરતા આવી ચુક્યા છે. હેમંત,શિશિર,વસંત,ગ્રીષ્મ,વર્ષા અને શરદ એમ દરેક ઋતુઓને પોતાનું આગવું રૂપ –સૌંદર્ય છે જ પરંતુ વસંતનો વૈભવ તો નોખો-અનોખો. અરે! એટલે જ તો ઋતુરાજ કહેવાય. પ્રકૃતિ માણસને તાજગી બક્ષી જીવનમાં ઉમંગ ભરવાનો મોકો આપતી રહે છે.પ્રકૃતિ વર્ષમાં બે વાર ખીલી ઉઠે છે.વસંતમાં ભેજનું પ્રમાણ નહીવત હોય છે વળી,ન બહુ ઠંડી કે ન ગરમી અને વરસાદ પડવાની તો કોઈ બીક જ નહિ. કુમળો તડકો, ગુલાબી ઠંડી ‘ને ચારેય તરફ મહોરી ઉઠેલા ચમકીલા,પીળા, ગુલાબી,લાલ, કેસરી, સફેદ,જાંબલી રંગબેરંગી ફૂલોની રંગત પ્રકૃતિ ને યૌવન નું બિરુદ અપાવે. પહાડી પ્રદેશોમાં ફરવા જવાની ઉત્તમ મોસમ.આંબાવાડીમાં મંજરીઓનો મઘમઘાટ, આમ્રકુંજ માં ટહુકતી કોયલ અને જંગલમાં તો કેસરી પીળા ફૂલ સાથે કાળા ડીટા વાળા કેસુડાના સૌદર્યનું સામ્રાજ્ય ફેલાયેલું હોય. શહેરના રસ્તા પર ગુલમોરના લાલ-પીળી ઝાંય વાળા કેસરી ફૂલો, આસોપાલવ –પીપળા કે સપ્તપદીના ઝીણા ઝીણા પાન નવજાત બાળ જેવા રતુંમડા ચમકીલા લાગે અને આ જોઇને યાદ આવી ગઈ આ પંક્તિ ,

“અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યા, જંગલ-જંગલ ઝાડ,

‘ને જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલોને લાગી છાય’

શિશિર-ગ્રીષ્મને જોડતી ખુશનુમાં વસંત પૂરબહારમાં ખીલી હોય ત્યારે ભમરાનો ગુંજારવ અને પક્ષીઓનો કલરવ વાતાવરણને સંગીતમય બનાવે. પતંગિયા અને મધમાખીઓ ફૂલોના સૌદર્યને માણવા ભમતા રહે છે. વાસંતી હવા ફુંકાય ત્યારે લાગે કે વાસંતી વાયરો પણ ઝંખે છે આ ગુલમહોરની ઝુલતી ડાળીઓનો સ્પર્શ. પણ શું ગગનચુંબી એપાર્ટમેન્ટ અને ગીચ રેસિડેન્શિયલ બંગલોઝ ના કોન્ક્રીટ જંગલમાં વસતા શહેરીજનોએ વસંત ને માણી? યંત્રવત જિંદગીની ઘરેડમાં જીવી જતો માનવી આખી વસંત ઋતુ ક્યારે આવે અને ક્યારે જાય એ જાણતો જ નથી. અગાસી કે આંગણામાં ૫ મિનીટ ઉભી કુમળા તડકા કે ગુલાબી ઠંડી માણવાનો સમય નથી. રસ્તા પર ટ્રાફિકમાંથી સ્કુટર કે કારને ચીરતા ધુમાડા શ્વાસમાં ભરતા શહેરીજનો વસંતે વેરેલા સૌદર્યને માણતા જ નથી. વસંતના સૂર્યોદય અને સુર્યાસ્ત પણ જો આંખમાં ભરી લઈએ તો રાત-દિવસ ઉત્સાહ-ઉમંગ થી છલકાય જાય. પણ ના, રવિવારે કે રજાને દિવસે કોઈ ગાર્ડન, શહેર નજીકના નદી-કિનારે ફરવાને બદલે મલ્ટી પ્લેક્ષમાં ઘુસી જઈ ખુશી મેળવવા ફાંફા મારે છે. એક જમાનો એવો પણ હતો લોકો વસંત માં પ્રવાસ પીકનીક કરીને વર્ષ આખાનો થાક ઉતારી રીફ્રેશ થઇ જતા. પણ આજ તો આ આધુનિક માણસ પાસે ફૂલો ની સુવાસ ઝીલવાની કે પ્રકૃતિના સૌદર્યને માણવાની ફુરસદ કે દ્રષ્ટિ કઈ જ નથી. જાણે માનવ એ પ્રકૃતિ સાથે તો છૂટાછેડા જ લઇ લીધા છે.

વસંત તો છે પ્રેમરાગની ઋતુ. પૌરાણિક કથા અનુસાર જગતના કલ્યાણ અર્થે પ્રભુ શિવના તપોભંગની આવશ્યકતા વર્તાઈ. ત્યારે એ કાર્ય કામદેવે પોતાને શિર પર લીધું. તેઓ જાણતા હતા કે તપોભંગથી યોગી ક્રોધિત થશે પણ તે જ એક માત્ર ઉપાય હતો. આ કાર્યમાં તેમના પતિ રતિ એ સાથ આપ્યો. ત્યારે આ કામ અને રતિ મિત્ર તરીકે વસંતે પણ પોતાનું પૂર્ણ સૌદર્ય રેલાવ્યું. કૈલાસ મહેકી ઉઠ્યો. કામદેવે પણછ પર તીર ચડાવ્યું. કામદેવનું તીર પણ એવું જ સુકોમળ. સુવાસ થી મઘમઘતા તીર દ્વારા શિવજી ના નેત્રો ખુલ્યા અને ક્રોધ ની અગનજ્વાળા માં કામદેવ ભસ્મ થયા. રતિ વિલાપ કરવા લાગ્યા. હવે જો કામ જ ન રહે તો આ જીવ જગતની લીલા જ અટકી પડે. વળી કામદેવે તીર જ એ હેતુ થી ચલાવ્યું હતું કે ભગવાનનું તપ છૂટે અને માતા પાર્વતી તરફ નજર મંડાય. જેથી તેઓના સહજીવન થકી કાર્તિકેયનો જન્મ થાય. ભગવાન કાર્તિકેય જ સુર સેનાના સેનાપતિ થઇ ને દાનવોનો વધ કરે. જો કામનો જ નાશ થાય તો આ બધું ન બને. શિવજી ભોળા છે તેમણે પ્રસન્ન થઈ કામદેવને વરદાન આપ્યું કે આજ પછી તમે પ્રાણીમાત્રની સાથે જ ધબકશો. વસંત પંચમી એ પતિ પત્ની કામદેવ અને રતિ ની પૂજા કરે છે. વસંત આખી જ ભારતીય સંસ્કૃતિની વેલેન્ટાઇન ઋતુ છે.

જે પ્રકૃતિને પ્રેમ કરી શકે એ જ ‘સ્વ’ ને પ્રેમ કરી સમગ્ર જીવસૃષ્ટી ને કોઈપણ જાતના દ્વેષ કે ઈર્ષા વગર ચાહીને ખુશ રાખી શકે. વસંત એ તો યૌવન ની ઋતુ છે. એકલતાને ઓગળીને પરસ્પરના પ્રેમ માં પરોવાની પળ છે. વસંત તો છે વ્હાલ વરસવાની મોસમ. આ પ્રેમ નો ઉત્સવ છે અને એ તો મનમોહક જ હોય. હા, કોઈ પ્રેમ નો અસ્વીકાર કરે તો કઈ અકળાઈ જઈ ને નિરાશ નહિ થવાનું. કે નહિ નફરત ની આગ માં અન્યને કે ખુદને નુકસાન પહોચાડવાનું. કારણકે કે ઘણી વ્યક્તિઓ જરૂરિયાત મુજબ લાગણી ના સંબંધો રાખે છે તે પ્રેમ કરી શકે નહિ એમ માની ને એ ચાહે કે ન ચાહે તો પણ આપણે તો તેને નિસ્વાર્થભાવે ચાહી શકીએ ને! કારણકે અસ્વીકાર પ્રેમી કે પ્રેમિકાનો હોય છે પ્રેમ નો નહિ. તો બીજી તરફ મા સરસ્વતી નું પૂજન પણ વસંત પંચમી એ કરી સદબુદ્ધિ ની યાચના કરાય છે. બાળક ને આ જ દિવસ થી અક્ષ્રર જ્ઞાન આપવાની શરૂઆત કરાય છે. એટલે કે આ દિવસ થી શાળામાં દાખલ કરાય છે. વિદ્યાર્થી ઓ પુસ્તકનું પૂજન અને મંત્ર દ્વારા માં સરસ્વતીની કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના કરે છે.

શિશિરની ઠંડીને કારણે સૂકા થઇ ખરી પડેલા પાંદડાથી ડાળીઓ નિર્જીવ બની જતી હોય છે ત્યારે વસંતના આગમન સાથે જ લીલાં પણ નવો જન્મ લઇ ડાળખી નો શણગાર સર્જે ત્યારે સહજ પ્રશ્ન થાય કે યે કૌન ચિત્રકાર હે?

‘મલયાનિલોની પીંછીને રંગો ફૂલોના લઇ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?’

કુદરત વસંત દ્વારા જીવનમાં પોઝીટીવ થીંકીંગનો અણમોલ સંદેશો આપે છે. જેમ પાનખર પછી વસંત આવે જ છે તેમ માનવજીવનમાં દુઃખ,વ્યથા,તકલીફ,સમસ્યાનો અંત થઇ સુખ-શાંતિ આવે જ, પાનખર છે તો વસંતનું મહત્વ છે. રાતનો અંધકાર દૂર થઇ દિવસનો ઉજાસ આવે જ છે. જીંદગીમાં આશાનો દીપ ઝળહળતો રાખી સતત ઊર્જાવાન બનવાનો બોધ પ્રકૃતિ વસંતઋતુ આપીને પરોક્ષરીતે આપે છે. જીંદગી તો હકાર ની કવિતા છે એવો ભાવ આ પંક્તિ આપે છે.

પતઝડ મહીયે જો તમે ધારો તો વસંત છે! એ ધારણાના સત્યમાં યારો વસંત છે. માનવજીવનમાં પણ પાનખર પછી વસંત આવે જ છે એ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા જ સુખદુઃખને અપનાવતા રહી જીવનને હર્યું ભર્યું રાખવા પ્રેરણા આપે છે.

વસંત રંગોની પણ ઋતુ છે. ઠાકોરજીને નિત્ય શૃંગાર, આરતી સમયે કેસરનું જળ,અબીલ,ગુલાલ અને બીજા રંગોથી (હોળી સુધી) રંગવામાં આવે છે. વસંતમાં આવતા તહેવારોમાં એટલે જ ધૂળેટી રંગોથી રમીને ઉજવાતી હશે. વસંત ગીતો, હોરી ગીતો ગાઈને સમૂહ નૃત્ય કરીને વસંતપંચમી,હોળી, ધૂળેટીની ઉજવણી થાય છે.

આવી સોહામણી વસંત ના રંગે રંગાવાને બદલે આધુનિકતાના રંગે રંગાયેલા યંત્ર માનવને મોલના શો કેસ માં પીળા વસ્ત્રો સાથે “સ્પ્રીંગ સીઝન ઓફર” લખેલું જોઇને અથવા તો સોશ્યલ સાઈટ પર ઈમેજીસ જોતા પ્લાસ્ટિકયા સ્મિત ફરકાવતા માનવીને ઋતુઓની રાણી એ વ્યથા વ્યક્ત કરતા પૂછવું પડે કે મને ઓળખી? હું વસંત.

પારુલ દેસાઈ

રાજકોટ

parujdesai@gmail.com