Kalapina Kavyo in Gujarati Poems by MB (Official) books and stories PDF | Kalapina Kavyo

Featured Books
Categories
Share

Kalapina Kavyo


કલાપીનાં કેટલાંક કાવ્યો

અનુક્રમ

પ્રાસ્તાવિક ઉપોદ્‌ઘાત

૧.કાશ્મીરનું સ્વપ્ન

૨.હૃદયકમળની જૂઠી આશા

૩.મરણશીલ પ્રેમી

૪.કમલિન

૫.તુષાર

૬.મૃત્યુ

૭.પુષ્પ

૮.કુદરત અને મનુષ્ય

૯.મનુષ્ય અને કુદરત

૧૦.આકાશને

૧૧.નદીને સિન્ધુનું નિમંત્રણ

૧૨.પ્રિયા કવિતાને

૧૩.વિધવા બેન બાબાંને

૧૪.ચાહીશ બેયને હું

૧૫.એક ઘા

૧૬.મને જોઈને ઉડી જતાં પક્ષીઓને

૧૭.પ્રશ્ચાતાપ

૧૮.ઋણ

૧૯.એક ઈચ્છા

૨૦.એક આગિયાને

૨૧.ફૂલ વીણ, સખે!

૨૨.વૈરાગ્ય

૨૩.એક વેલીને

૨૪.એક ચિન્તા

૨૫.પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન

૨૬.જન્મદિવસ

૨૭.ભવિષ્યના કવિને

૨૮. સ્નેહશૈથિલ્ય

૨૯.ભવિષ્ય અને શ્રદ્ધા

૩૦.દેશવટો

૩૧.નિર્વેદ

૩૨.ભાવના અને વિશ્વ

૩૩.શિકારીને

૩૪.જીવનહાનિ - ચોવીસ વર્ષ

૩૫.તું વિણ-મેઘલ વાજસુર!

૩૬.ઉત્સુક હૃદય

૩૭.નવો સૈકો

૩૮.સારસી

૩૯.ગ્રામ્ય માતા

૪૦.બિલ્વમંગલ

૪૧.વીણાનો મૃગ

૪૨.‘હૃદયત્રિપુટી’માંથી

૪૩.‘હમીરજી ગોહેલ’માંથી

૪૪.હમારા રાહ

૪૫.વિના કૈં પાપ પસ્તાવું

૪૬.ત્યાગ

૪૭.એક ફેરફાર

૪૮.ઈશ્કનો બંદો

૪૯.હમારી પિછાન

૫૦.સાકીને ઠપકો

૫૧.સનમને

૫૨.સનમની શોધ

૫૩.આપની રહમ

૫૪.તમારી રાહ

૫૫.આપની યાદી

૫૬.ટિપ્પણ

૧. કાશ્મીરનું સ્વપ્ન

ક્યાંઈ છે ખૂબ ધીટ ઝાડ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,

વેલીના નવરંગથી લટકતાં સારા પટોળાં ધર્યાં;

ક્યાંઈ છે તૂટીને પડેલ ભૂખરાં પાનો વિના ઝાડવાં,

જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં. ૧

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,

નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;

ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ઘણી ડાળીને,

તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને. ર

છે ક્યાંઈ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,

કાળી તે દીસતી છવાઈ જઈને અંધારી છે તે ઘણી;

વ્હે છે જોસભરી નદી અહીંતહીં, નાળાં પડ્યાં વીખરી,

કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોો ઉડે પાણીની. ૩

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,

એવો કાશ્મીરદેશ છોડી દઈને જાઉં હવે હું ક્યાહાં? ૪

ર. હૃદયકમળની જૂઠી આશા

રે ભોળી! જલઝૂલતી કમલિની ! કાં ભૂલ? વ્હાલી સખી,

જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઉજળી?

આશા વ્યર્થ ધરે રવિ-સુકરની સંધ્યા સમે, બાપલા!

એ તો હિમપતિ શશી નીકળશે, ના ના પતિ કે હલા! ૧

આ પોચું દિલ તું સમું સુમન છે, તેણે ગ્રહી આશ’તીઃ

જાણ્યું સૂર્ય થઈ પ્રફુલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;

ના તે તે નીકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું,

જૂઠી આશ દઝાડતી સુમનને, ભૂલે ન તે ઝાળ તું ! ર

૩. મરણશીલપ્રેમી

આયુ સ્વલ્પ મનુષ્યને દઈ કર્યા પ્રેમી ઈશે કાં ભલા

શું પીવાય મુહૂર્તથમાં રસઘડા વ્હાલાંદિલે જે વસ્યા?

સંતોષે સુખમાં રહેત દિલ આ જો હોત હર્ષે ભર્યું;

માગું ના કદી દીર્ઘ આ જીવિત જો તે હોત આનન્દનું! ૧

ગાઢાં સંકટમાં પડ્યાં હૃદય કો ચીરાય ભોળાં, અહો!

ઝીણા ઘૂંઘટમાં છુપાઈ સરતો આનંદ તેઓ તણો;

આશા એ જ મનુષ્યનું જીવિત છે, તો આશ રાખું ભલેઃ

મૃત્યુ બાદ મળો અખંડ સુખનો કો દેશ સૌ પ્રેમીને! ર

આંહીં તો કદી હાસ્ય થાય પ્રિયથી, વા હસ્તમેળા બને,

જાણી ના રતિ કોઈના હૃદયની ત્યાં મૃત્યુ આવી મળે!

વ્હાલા ! દુર્લભ હર્ષ છે અતિ અહીં તો મૂલ્ય મોંઘું નકી,

તેને આદરભાવથી હૃદયમાં રાખો જીવો ત્યાં સુધી! ૩

આવે રંગીન પક્ષીઓ મધુરવાં, ભાગે વસન્તાન્તથી,

કો વેળા ત્યમ હર્ષ સૌ હૃદયમાં આવી ઉડે છે ફરી!

હોજો વિદ્યુત-સાંકળી ચળકતી પ્રેમાર્દ્ર હૈયાં વિશે!

સ્પર્શે હર્ષ જરી જ કો હૃદયને તો સર્વવ્યાપી બને! ૪

૪. કમલિની

લાડલી હું શ્વેતવરણી ઝૂલતી રહું જલ પરે,

મકરન્દ છાંટું ભૃંગ પર તે ગુંજતો મુજ પર રહે;

તેને સુવાડું રાત્રિએ મમ હૂંફવાળા હૃદયમાં,

ત્યાં પ્રેમધબકારા ઝીલે બન્ને દિલો આનન્દમાં! ૧

ફાનુસ રૂપાળા, દ્રાક્ષરસના જામ કે જાંબુ સમી;

હું તો રહું જલલ્હેરીઓની ઉપર ધીમે હીંચતી,

ક્ષણ એક મારી પાસ નાનો આગિયો ચળકી રહે,

મમ પાંખસમ્પુટ ઉપર ફેંકે નીલવરણું તેજ તે! ર

ને કુંભ અમૃતનો ભરી ઉદધિ થકી ચંદા કૂદે,

તે વાળ ખંખેરી રૂપેરી સુધા છલકાવી હસે,

સ્ફાટિક તણો ગગને ધરે ઘન પાટલો તે પર ઉભે,

ને અધર ફરકાવી લવે કંઈ મંત્ર મીઠા તે સમે! ૩

બુરખો નવો મુખ પર ધરી ડગલાં ભરે ત્રણ-ચાર ને

મૂંઝાઈ ફેંકે દૂર તે ત્યાં સ્વેદ બિન્દુડાં ખરે;

તિલ ગાલ પરનો, ધનુષ-ભ્રૂ ને શ્યામ કાજળ નયનનું;

હીરાજડિત મોટા અરીસામાં જુએ કરી ડોકિયું! ૪

કુમુદી નાના બેનડી મુજ વ્હાલ ચંદા પર ધરે,

ચંદા કુંળા કર સ્પર્શ મૃદુથી ફેરવે મુખડા પરે;

ભગિની મારી લાડકી તે જાગતી આખી નિશા,

મુજ પાસ જલશય્યા પરે નિદ્રા કને દિનમાં સદા! પ

સખી સાથે સ્નાન કરીને ચાલી ચંદા દૂર ત્યાં,

બરફગોળા પર મૂકી પગ સ્મિત કરી કંપી જરા;

તે દૃષ્ટિ ચુકાવી પડી, સરકી ગઈ, જલમાં ઢળી,

ને બાપડી ડૂસકાં ભરી રડતી રહી પ્રિય કુમુદિની! ૬

તે વળ બધી મુજ ભૃંગ ને હું તો હતાં સુખરેલમાં,

કંઈ ગોષ્ઠિના પડદા ઉઘાડી પ્રેમમાં ઘેલાં હતાં;

હૃદયનો વિનિમય થતો’તો, શાન્ત રસ દ્રવતો હતો,

ને દિવ્ય ચમકારા થતા’તા હૃદય બંનેમાં અહો! ૭

છૂટી સમાધિ હું ઉઠી સુણી હીબકતી કુમુદી આ,

પંપાળી વાંસો લ્હોઈ નીલી પર સુવાડી શાન્તિમાં;

ફરર ફર ફર ફૂંકતો ને મન્દ ગતિથી વહી જતો,

નિઃશ્વાસ વિરહિણીના સમો ત્યાં અનિલ આવ્યો શીતળો! ૮

ચડી તે પર, સુરખ સાડી ધરી, આવી ઉષા રૂડી,

અતિ શ્રમ થકી તેના અધર ને ગાલ ગર લાલી હતી;

પવન તો સરકી ગયો તે એકલી રહી ઉડતી,

તારા ઝીણાની પંક્તિ તેની આંખમાં શોભી રહી! ૯

ધ્રૂજતાં ધીમે રહ્યાં તેના સુનેરી પીંછડા,

ને શુક્રની ચોડી હતી રમણીય ટીલી ભાલમાં,

કદ રાક્ષસીનું પણ રહ્યું તેમાં હૃદય અતિ કોમળું,

‘‘તમ દંપતી સુખમાં રહો,’’ તેણે મને ભેટી કહ્યું. ૧૦

પલમાં અહીં જલમાં પડી, પલમાં ગઈ નભમાં ઉડી,

કિન્તુ સુનેરી રેશમી સાડી અહીં સરકી પડી;

ધીમે ધીમે તે દિવ્ય બાલા પીગળી ગઈ કુમળી,

ને પૂર્વમાં પલ એક રહી ગઈ શ્વેત જ્યોતિ ઝળકતી! ૧૧

ઝળહળ ઝળહળ તેજગોળો લાલ ત્યાં લટકી ગયો,

તેજસ્વી તે રવિને શિરે કંઈ મુકુટ કંચનનો રહ્યો!

હું તો ઉઠી છોડી દઈ પિયુ-ભ્રમર મારી બાથથી;

તે પર ફિદા આ શરીર, વળી હું પ્રેમ રવિ પર ધરું અતિ! ૧ર

ફિક્કા પડેલા તારલા મેંઢા સમા વીખરી પડ્યા,

ગોવાળ-રવિના માત્ર દર્શનથી ડરી ન્હાસી ગયા!

દંડ પ્રહર્યો એક તણે પ્હાડ ધુમ્મસના ઉપર,

પળ એકમાં પીગળી ગયાં ઝાકળ તણાં શિખરેશિખર!૧૩

વ્હાલમ ગયો રમતો અને ઉડતો બગીચો એકલો,

વેલી તણી વેણી અને વૃક્ષો મહીં છૂપી ગયો;

કુંજ પેલીમાં કરે છિત્કાર તમરાં, ત્યાં ફર્યો,

ને હવે નાજુક છોડના તે ગુલ ઉપર ઘૂમી રહ્યો! ૧૪

અપ્સરાઓ નિત્ય આવી સરકિનારે ખેલતી,

મુજ ભૃંગને પૂજે પીળી ચંદન તણી અર્ચા કરી;

તેઓ ફરે ફૂદડી, ઉઠે ગુચ્છા સુનેરી વાળના,

રવિકિરણમાં રવિકિરણ જેવા રેશમી તે ચળકતા! ૧પ

મેં સ્નાન સરજલમાં કર્યું, મુજ ગાત્ર ભીનાં કંપતાં,

આ મોતીડાં કે બિન્દુડાં જલનાં ભર્યાં મમ કેશમાં;

રવિ હોળતો મુજ વાળ તેને તો કર્યો મેં ભ્રાત છે,

તેની અને મારી છબી આ જલ બિલોરીમાં પડે! ૧૬

ખળક ખળકે તરંગોની લહરી શીતલ માધુરી,

ને કંઈક બુદ્‌બુદ જન્મ પામી શમી જતા પાછા વળી!

રવિકિરણથી નવરંગના શીકર જલના ઉડતા,

છંટાઈ તે મારા ઉપર મમ શરીરને શૃંગારતા! ૧૭

ઝીણી રૂપેરી માછલી કૂદી ઉડી જલમાં પડે,

રવિબિમ્બ તો ધ્રુજી રહે ને ચકર પાણીમાં બને;

રૂડા મુક્તાહારમાં હીરા તણા ચકદા સમી,

નાજુક રૂપાળી હાસ્યવદની એક પલ રહું ડોલતી! ૧૮

શંખ જ્યમ લપસી પડે કો ચોક મણિના ઉપરે!

ત્યમ હંસજોડી ધવલ કટકા ચંદ્ર જેવી ત્યાં તરે;

પાંખ જળથી આફળે ને તરંગો રહે છબછબી,

એ પૃથ્વીનાં પક્ષી નહીં, છે દિવ્ય દૈવી કો નકી! ૧૯

શી ડોક તેઓની રૂડી ડોલર તણી માલા સમી,

ને હિમપર્વતશૃંગ પરના બર્ફથી ધોળી ધણી;

છે લાલ ચંચુ લાલ કે દાડિમ તણી જેવી કળી,

તે પવનવેગે જલ પરે શી ચળકતી ચાલી ગઈ! ર૦

હવે તો મધ્યાહ્‌નેકાલે ધોમ ધખિયો વ્યોમમાં,

સૌ જગત સૂતું શાન્તિમાં ને પુષ્પ-વેલી ઢળી ગયાં;

પણે સારસયુગલ ઉતરે કુંજમાં ઉડતું ધીમે,

ને એક સમળી ચીસ પાડી શાંતિનાં પડને ચીરે! ર૧

કંઈક ફૂલથી હાસ્ય કરતો, કંઈક ફૂલ રંજાડતો,

મમ કર્ણફૂલડું હૃદયરાજા મધુર મધુકર આવિયો,

પત્ર-થાળી, દાંડલી-કર, બિન્દુજલનાં મોતીડાં,

તેને વધાવું તે થકી ને અશ્રુ છાંટું નયનનાં! રર

સંયોગની પલ ઢૂકડી વીતી ગઈ સ્વપ્ના સમી,

રવિ પશ્ચિમે ડુંગર ઉપર ઉભો રહ્યો દોડી જઈ;

લંબાવી કરકિરણો જગાડ્યાં વૃક્ષ સૌ ધંધેણીને,

ને ત્યાં ઉડાડ્યાં પક્ષીઓ કુમકુમ સમું કંઈ છાંટીને! ર૩

કોકિલ તણી કીકી સમો રસ દ્રાક્ષનો ઢોળ્યો પણે,

ને ચળકતાં ફૂલડાં ગુલાબી વેરિયાં નભમંડપે;

ત્યાં ગાર ઓછી ચોકમાં લીંપી રૂડી કેસર તણી,

પણ ભાનુ તો ડૂબી ગયો ને શાન્ત સંધ્યા રહી ગઈ! ર૪

આ આભને આસમાની પરદે કિરણ સૌ રેળી ગયાં,

ને એક બાજુ વાદળીમાં નવીનરંગી થઈ રહ્યાં;

ને પણે વાદળ ગરુડ શું કનકનું લટકી રહ્યું,

તે તો હવે રસ થઈ જઈ ઢોળાઈને પીગળી ગયું! રપ

ત્યાં વૃક્ષના ઘટ ઝુંડમાં કો બુરજ ઉભો એકલો,

તે સ્થાનમાં ઝીણો, મધુર ગંભીર વાગે શંખ કો;

તે સૌ પ્રદેશો ઉપર ડોળા ફાડતી રાત્રિ ધસી,

અંધારપડદે છાઈ લીધું વિશ્વ પ્હોળું ક્ષણ મહીં! ર૬

વાંસવૃંદો આરડે ન પવન હાંફે જોરથી,

ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી;

પણ ત્યાં ઉભું તટ પર દિસે કોઈ દબાયું દુઃખથી,

માનવ હશે! એના વિના આ સુખી જગતમાં કો દુઃખી? ર૭

દુઃખમાં પડ્યું માનવ અને દુઃખદાહ તે પછળ જુએ,

નહિ જ્ઞાન તેને ભાવિનું પણ કલ્પી દુઃખ ડરતું રહે;

કંઈ સ્વાર્થ, સત્તા, દંભ એવા બંધ તેને ફરી વળે,

સુખમય અમારી જ્ઞાતિ તેની બહાર તે તો ટળવળે! ર૮

પ. તુષાર

હું છું ઉભો ગિરિ તણા શિખરે ચડીને

કલ્લોલમાલ સમ ગીચ તુષાર નીચે;

મેદાન નીલવરણા ઉપરે ઝૂમ્યો છે;

જાણે જડ્યું સર રૂડું નભને તલે તો! ૧

મોજાં વહે ચળકતાં ભૂખરાં રૂપાળાં,

રેસા સમા રવિકરો સુરખી ભરે ત્યાં;

ઠંડી સીમરલહરી થકી ગોલ ઘૂમે,

ભૂરાં કબૂતર તણા જ્યમ ગોટ ઉડે! ર

આ મેખલા સમ ઉંચો ગિરિશૃંગ ઘેર્યો,

ત્યાં વ્હોકળા ઉપર હસ્તી સમો રહ્યો, જો!

તે ખીણમાં પથરનો કરી કોટ ઉભો,

ને વૃક્ષની ઉપર તીડ સમો પડ્યો, જો! ૩

રૂપા તણા રસ સમો જલધોધવો તે

આ ગીચ ધુમ્મસ તણા મુખમાં પડે છે!

ત્યાં પક્ષીઓ કિલકિલે પણ ના દિસે કો;

અન્ધારમાં જગત આજ પડ્યું અહો હો! ૪

ત્યાં દૂર સિંધુ ઘૂઘવે, નદ ત્યાં મળે છે,

ત્યાં એ તુષારગઢના બુરજો ઉભા છે!

ત્યાં રાક્ષસો સમ ઉડે બહુરૂપધારી -

કાળો તુષાર નભના પડદા સુધીથી! પ

ત્યાં બર્ફનો અતુલ પ્હાડ પડ્યો ઢળીને,

નીચે ધસી લઈ જતો બહુ વૃક્ષને તે;

મોટો કડાક કકડાટ થયો દિશામાં,

ને એ ડૂબ્યો ગરજતા ધૂમ સિન્ધુનામાં! ૬

૬. મૃત્યુ

મેં બાપડું રમકડું કુમળું ઉછેર્યું!

આ પ્રેમના હૃદયનો રસ પાઈ પોષ્યું;

પારેવડા સમ હતું બહુ ભોળિયું એ,

ને ગીતડું પ્રણયનું, મુજ બાલુડું તે! ૧

મારી પ્રિયાહૃદયનું ફૂલડું હતું એ,

પ્રીતિ તણું મન હતું, સુખિયું હતું તે;

પોઢ્યું હતું મુજ કને દિન એક કાલું -

સૌએ રડી કળીકળી ફૂલ તે ઉપાડ્યું ર

લોકો કહે ‘મરી ગયું’, સમજ્યો ન હું તો,

ચાલ્યાં કઈ કુસુમ, પાછળ હુંય ચાલ્યો;

જેને કહે જન ‘સ્મશાન’, તહીં ગયાં સૌ,

મારી પ્રિયા પણ હતી જનસાથમાં ત્યાં. ૩

ત્યાં કાષ્ઠના ઢગ પરે ફૂલ તે સુવાડ્યું!

લોકે કહ્યું ‘શબ’ ભલે, ‘ફૂલ’ મેં કહ્યું’તું;

મેં તો કહ્યું, ‘અરર! ભાઈ, જરાક થંભો,

આ લાડકું કઠિન અગ્નિ વતી ન બાળો!’ ૪

‘રે સાંભળો! પણ તહીં ભડકો ઉઠ્યો શું!

મૂર્ચ્છા તળે દુઃખ ભૂલી ધરણી ઢળ્યો હું;

તે ક્રૂર સૌ જન ગયાં નિજ ઘેર ચાલ્યાં,

આ એક જે મુજ હતી, રહી પાસ તે ત્યાં.’ પ

હું તો ઉઠયો, સળગતું મુજ કાળજું’તું,

ઢૂંઢ્યું, ના તોય નજરે મમ પુષ્પ આવ્યું;

ત્યાં દૂર વૃદ્ધ અવધૂત હતો ગુફામાં,

તેણે સુણી રુદન, આવી મને કહ્યું આ : - ૬

‘તારું ગયું કમલ મૃત્યુ તણે બિછાને,

ત્યાં સૌ જશે; જગત તો ભ્રમછાબડું છે;

આ પ્રેમ શો? રુદન શું? દુઃખદાહ શાને?

તું કોણ? તે સમજ, બાપ, જરા ઉભો રહે!’૭

તારું ચીરે હૃદય વ્યર્થ રડી રડીને,

તારું ગયું ન મળશે કદી પુષ્પ, ભાઈ!

સ્પર્ધા કરી જલધિ વ્યોમ ભણી કૂદે છે,

ને સૂર્ય આ લઈ ગ્રહો ફરતો ફરે છે. ૮

આવા અનેક ઉદધિ ઉછળ્યા કરે, ને

બ્રહ્માંડમાં રવિ મળી અણું શા ઉડે કૈં;

અસ્તિત્વ એ સહુ તણું નહિ હોય કો દી,

કો દી હશે નભ બધું પરિશૂન્ય આ તો! ૯

તોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ,

કોયે નવું નથી થયું : નવ થાય કાંઈ

કો દી વળી, પ્રલયનો સહુ ભોગ થાશે,

ત્યારેય બીજરૂપમાં સહુ આ સમાશે! ૧૦

ત્યારેય ન્યૂન રતિભાર નહીં થવાનું,

ને કાંઈયે અધિક હાલ નથી થયેલું;

દોરાય કો ગતિ અનન્તથી વિશ્વ આવું,

ચીલો પડેલ પણ રાહ તણો દીસે ના! ૧૧

તે માર્ગનાં પથિક તોય બધાં દીસે છે,

છે મૃત્યુ, જન્મ, જીવવું, સહુ ભાસ માત્ર;

તો મૃત્યુથી રુદન, જન્મથી હાસ્ય શાને?

વૈરાગ્યમગ્ન રહી આયુ ન ગાળ શાને? ૧ર

તે દિનથી મન વિરાગ ધરી રહ્યો છું,

ને તાહરું સ્મરણ, મૃત્યુ! કર્યા કરું છું;

તું શાન્તિનું ભુવન છે, દુઃખ-અન્ત તું છે,

પ્રેમે બળેલ દિલનો મધુકાલ તું છે! ૧૩

તું હાસ્ય છે રુદન કે હૃદયાગ્નિ રૂપે,

ને અશ્રુના ઝરણમાં સ્થલ જ્ઞાનનું છે;

તારાં સુખી ચરણમાં સહુ ઘોર ઉંઘે,

તોયે તને મનુજ કો કદીયે ન જાણે! ૧૪

અન્ધાર તું, જગત જે કદીયે ન જોશે,

અંજાય વા નયન સૌ, બહુ દિવય તું છે;

જ્યાં સૌ રડે, ખડખડી કર હાસ્ય ત્યાં તું

તારું અધિપતિપણું સહુ કાલ ચાલે! ૧પ

રે ભાઈ મૃત્યુ! ગત કાલ બધો જ તારો,

ભાવિ તણા તિમિરમાં ઉજળો તું દીવોઃ

તું, હું, પ્રિયા મુજ, સહદર શાં રહેશું,

તે મિષ્ટ કાલ સુધી સાચવ બાલ મારું! ૧૬

ર૦-૧-૧૮૯૪

૭. પુષ્પ

અહો, મીઠા આત્મા! રસિક કુમળું મોં મુજ હસે,

ફૂલેલા અંગેથી મનહર રૂડો ગન્ધ પ્રસરે;

વસન્તી વાયે છે સમીરલહરી ગેલ કરતી,

રમી તારી સાથે મધુર રવથી જાય વહતી! ૧

શિરે તારે વૃક્ષો નવીન ચળકે કૂંપળભર્યાં,

સૂતું’તું મધ્યાહ્‌ને સુખમય રહ્યાં છાંય ધરતાં;

હવે સંધ્યાકાલે કુસુમ સરખી મ્હોરકળીની,

કરે વૃષ્ટિ ધીમી તુજ પર ધરી વ્હાલ દિલથી! ર

સુનેરી દીપે છે નભ પર તરે વાદળ રૂડું,

ડૂબે નીચે પેલું ક્ષિતિજ પર ત્યાં બિમ્બ રવિનું;

તેને આલિંગે છે સુકર રવિનાં ચુમ્બન કરી,

તરે તે આકાશે ગરક મકરન્દે તુજ થઈ! ૩

રૂડો જાંબુરંગી સુરસ રસ સંધ્યા સલૂણીનો,

ધરી પ્રીતિ હૈયે તુજ પર અભિષેક કરતો;

ગુલાબી પાંખો આ, સુમન! તુજ તેજે ચળકતી,

દિસે તું સાક્ષાત્‌ પ્રણય, રતિ, ને મૂર્તિ સુખની! ૪

અરે વ્હાલા! વાશે પવન અધિકો ઉષ્ણ બળતો,

હશે આ કાલે વા તુજ તરફ એ ક્રૂર ધસતો;

તને ચિન્તા ના ના ! સુભગ તુજ હૈયું સુખભર્યું!

તને ના સ્પર્શે કો વિષમ દુઃખ આ ક્રૂર જગતનું! પ

સુખી આ સંસારે સુખમય નહીં કો તુજ સમું,

અમારે આનન્દે દિલ પર રહે છે દુઃખ છૂપ્યું;

દુઃખી જો ઓછું તો સુખ બસ થયું એમ ગણશે,

બિચારું ભોળું એ મનુજ સુખ પૂરું ન સમજે! ૬

અમારા મીઠાં તે રૂદનમય છે ગીત સઘળાં,

દુઃખે શીખેલાં એ કવિદિલ શિખાવે દુઃખ બધાં;

ન નિદ્રામાંયે છે પરમ સુખ-વિશ્રાન્તિ અમને,

બૂરાં સ્વપ્નો આવી જનહૃદયમાં કંટક ભરે!૭

ન આનન્દે તારા બિલકુલ હશે ધ્વંસ કદીયે,

ઉદાસીની છાયા તુજ દિર પરે ના રજ વસે;

કરે છે પ્રીતિ તું, સરવ તુજ પ્રેમે ખુશ રહે,

અતિતૃપ્તિની તું સમજ નહિ પડીડા પણ ખરે! ૮

સુખી આત્માનું ને પ્રણય જગ ને મૃત્યુ ભવનું,

હશે ઉંડું સાચું તુ જ હૃદયમાં જ્ઞાન વસતું;

ન જે જાણે છે કો મગજ કપટી મર્ત્ય જનનું,

નહીં તો આવું તું સુખભર રહે કેમ ખીલતું? ૯

ન જાણું તું શું છે? તુજ સમ હશે શું જગતમાં?

ન તારા જેવી મેં નીરખી ખુશબો કો કુસુમમાં;

નહીં તું પૃથ્વીનું, સમ મુજ, કહે, ક્યાં અવતર્યું?

વસ્યું’તું કૈલાસે? શિવશિર પરેથી સરી પડયું? ૧૦

ન તું સ્વાર્થી ને ના કૃપણ તુજ હૈયં જન સમું,

ગ્રહી આશા તેથી હૃદય મમ કુંળું તુજ કર્યું;

મને દે તું દીક્ષા, મધુપ તુજ વ્હાલો કર મને,

અભેદાનન્દો હું શીખવીશ પછી આ જગતને! ૧૧

ર૦-ર-૧૮૯૪

૮. કુદરત અને મનુષ્ય

પહોંચે ના કર્ણે કલકલ ધ્વનિ આ જગતના,

વહે ધીમાં ધીમાં ખળખળ અહીં શાન્ત ઝરણાં;

પડે ધોધો ગાજી મધુર જ્યમ માતંગ ગરજે,

રૂડાં બચ્ચં નાનાં ચપલ હરિણોનાં કૂદી રહે! ૧

સૂતો છું આ કુંજે, શરીર-મનમાં શાન્તિ પીગળે,

હજારો મીઠા મિશ્રિત સ્વર ભરે છે મગજને,

વિચારો આનંદી મુજ દિલ કરે છે દુઃખભર્યું,

અહો! મારું હૈયું સુખમય દુઃખોથી ઉભરતું! ર

અને આ આત્માને કુદરત ગ્રહી લે નિજ કરે;

ઉડાડી દે ઉંચો, પકડી વળી ચાંપે નિજ દિલે,

મૂકે તેને પાછો હસી મૃદુલ શેવાલ પર ને,

પછી પંપાળે છે ફરી ફરી દઈ ચુમ્બન મુખે! ૩

અરે! એ માતા છે, ભગિની મુજ કે, શાંતિ સુખ છે,

નવાં કાર્યો પ્રેરી મુજ હૃદયમાં અગ્નિ છુપવે!

નિહાળી વિચારી મુજ દિલ બની કાષ્ઠ સળગે,

અહીં આ જે રીતે જન પ્રતિ ચલાવે જન; અરે! ૪

નીલી કુંજોમાં છે સુમન મકરંદે ભભકતાં,

નીચે ઉંચે ઉડે ફૂદડી નવરંગી રમતમાં૩

અને હું ધારું છું પ્રતિફૂલ રૂપાળું હસમુખુ,

બને છે ભોગી આ અનિલ-લહરી સ્પર્શસુખનું! પ

અહો પક્ષી! એ તો કૂદી કૂદી રમે છે મુજ કને,

વિચારો તેઓના સમજી શકતો હું ન જરીયે;

અહા! કિન્‌ તેની અતિચપલ સૌ અલ્પ ગતિએ,

મને તો ભાસે છે પુલકિત થતો હર્ષ ચમકે! ૬

પ્રશાખા ગુલ્મોની વ્યજન નિજ વિસ્તીર્ણ કરતી,

ભરી લેવા હૈયું દિનકર તણાં આ કિરણથી૩

નકી હું માનું છું, તરુકુલ બધાં હર્ષમય છે,

ડૂબેલાં સર્વે છે પ્રણયમધુના મિષ્ટ ઝરણે! ૭

અરે! આ શ્રદ્ધા જો કુદરત-પ્રભુ પાથરી રહે,

અને યોજી દે છે વિભુપતિ જ આ ધર્મ સહુને;

નહીં કા રોઉં તો રુધિર દિલનું હું નીરખીને,

અહીં આ જે રીતે જન પ્રતિ ચલાવે જન, અરે! ૮

નદી જો રોશે તો રુદન કરશે પ્હાડ-પથરા,

અને ઝીણું ઝીણું રુદન કરશે પક્ષી સઘળાં;

વનોના આગારો તરુ સહુ બિચારાં ટપકશે,

ઝરાનાં હૈયાં તો છણ છણ તપીને ઉકળશે. ૯

અને આંસુ લ્હોતો પવન નદીનો મિત્ર બનશે,

નભે ઝૂમેલાં તે ઘનદલ તણાં અશ્રુ ખરશે!

કૃતિ આવી મીઠી કુદરત તણો જે ક્રમ કહે,

જનોમાં એ ના ના ! જડ સમ નહીં શું જન, અરે? ૧૦

કહું શાને હાવાં ઉદધિ જડ તે ના જડ નદી?

ગણું તિર્યંચોને હૃદયહીણ હું તો ક્યમ કદી?

ખરે હું જાણું છું જગત સહુ ચૈતન્યમય છે,

નહીં તો ક્યાંથી આ પ્ણય, કરુણાને રતિ, અરે? ૧૧

ભલે કાલિદાસે નિજ દિલ કહ્યું વાદળી કને,

પ્રિયાનો સંદેશો ઘન સહુ દીધો તે પણ ભલે;

નકી માન્યું છે આ મુજ દિલ અને એ કવિદિલે,

પહોંચાડ્યું મેઘે કવિરુદન તેની રમણીને! ૧ર

કવિ આ ભોળો તો કુદરત તણો બાંધવ હતો,

જનો તે શું જાણે? જન પર રહ્યો સ્વાર્થ લપટ્યો;

વિના અશ્રુ જોશે જનદુઃખ જનો જ્યાં સુધી અરે!

કવિતાના ભોક્તા સુખમય રસીલા નહિ બને! ૧૩

નવા રંગો ધારી સુરધનુ અહીં આજ વિરમે,

જનોથી મારે શું? કુદરત મહીં આ દિલ રમે;

રૂડી સંધ્યા રેલી સરિત સર ને પ્હાડ પર છે,

ધનુ સંકેલાયું, હિમકર તણું શૃંગ ચળકે! ૧૪

ગ્રહો-તારા સાથે ધવલ નભગંગા ખળભળે;

રૂડાં પીળાં પીછાં શશી પર ધરે વાદળી હવે;

ધકેલી તેને આ અનિલ લઈ ચાલ્યા રમતમાં,

અને પેલી ચંદા થરથર રહી ધ્રૂજી જલમાં! ૧પ

અહા! કેવા પંથે કુદરત કરે છે ગતિ અને

અરે! કેવા પંથે કુદરત તણાં બાલક ભમે!

વિચારી વિચારી મમ દિલ બને ભસ્મ સળગી,

અરેરે! જે રીતિ જન પ્રતિ ચલાવે જન અહીં! ૧૬

૯. મનુષ્ય અને કુદરત

ઘડી છોડી દેને ગડમથલ તારા જગતની,

જરા જા આજે તો નિરજન મહાજંગલ મહીં;

તરુ, પક્ષીમાંથી જરૂર મળશે કાંઈ કીમિયા,

જશે અંધાપો આ તુજ હૃદયનો ત્યાં વિહરતાં. ૧

બધુંયે સૂનું છે જન વિણ, અરેરે, વન નકી,

થજે તેનો ભોક્તા, જીવનમય થાશે સહુ પછી;

સુખી આત્મા ઉંડો નીરખી તેજને ત્યાં ઘૂઘવશે,

અને તારી સાથે રસભર બની હાસ્ય કરશે. ર

ઝૂલન્તાં વૃક્ષોથી અમર રસનાં બિંદુ ઝરશે,

વળી દૈવી વાતો ચકલી મૃગલી ત્યાં કહી જશે;

કુમારી કન્યા એ કુદરત તને ત્યાં પરણશે,

અને બંને વચ્ચે રુચિર કિરણો કૈંક વહશે. ૩

ચિદાત્માની સંક્ષા કુદરત પ્રભુની પ્રતિકૃતિ,

અરીસો તેનો આ જનહૃદયની લાગણી વળી;

પ્રતિ સૃષ્ટિલીલા કશી જનસ્થિતિનો પ્રતિધ્વનિ,

મનુષ્યોની સાથે કુદરત બની ગ્રંથિત નકી. ૪

લૂખી ઉદિ્‌ભદ્વિદ્યા, સૂકી સૂકી વળી ઔષધિ બધી,

જહીં સુધી તેની કૃતિ જનસ્વભાવે નવ મળી;

‘અહીં આ ઉગે ને તરુ વળી અહીં આ ન ઉગતું,’

કવિતા વિના એ મુજ દિલ ગણે શુષ્ક સઘળું. પ

અરે! એ સૃષ્ટિને કવિનયનથી જો ઘડીક તું,

જનોના આત્માનો કુદરતથી સંબંધ કર તું;

મજા તેની તો લે, હૃદય કર વિસ્તીર્ણ કુમળું,

અને એ ઉર્મિમાં દ્રવી પડ ઝુકાવી જિગર તું. ૬

પડી છાનો રહેજે ખળખળ વહન્તું ઝરણ જ્યાં,

અને પંખીડાં જ્યાં જલ તણી ભરી ચંચુ ઉડતાં;

મહેકન્તાં પુષ્પો લથડી પડતાં જ્યાં કળી પરે

અતિતૃપ્તિથી જયાં મધુપ સુરભે મૂર્છિત બને. ૭

અહીં, ત્યાં, ઝુંડોમાં કિરણ રવિનું કો ચળકતું,

તહીં દૂરે કાળું ખડક શિ રમાથે ઝઝૂમતું;

ગુફા પોલીમાં ત્યાં મૃગપતિ પડ્યો શાંત ગરજે,

અને શાંતિનું તો દિગવિજયી છે રાજ્ય સઘળે. ૮

મીંચાશે કૈં નેત્રો ઝરણ વહતું એ નીરખતાં,

ચમત્કારી કાંઈ જીવન વહશે એ હૃદયમાં;

પછી સ્વપ્નામાં તું અનુભવીશ કો જાગૃતિ નવી;

અને ત્યારે જોજે જનહૃદય ને સૃષ્ટિ સઘળી. ૯

ઝરામાં તું જોશે ઝરણ જનના સંચિત તણું;

અહો! કેવું વહેતું અમર ગતિથી એકસરખું!

પડ્યું કો સુકું જો ઝરણ પર એ પર્ણ ઉડતું,

તરંગોમાં આવી સરલ વહને ભંગ કરતું. ૧૦

પડે આવાં પત્રો વળી કણ પડે દ્રાક્ષરસનો,

કટુ કે મીઠો આ સમય ગણજે તું જીવિતનો;

જનોની વૃત્તિની કુસુમ વળી છે શું ન મૃદુતા?

અને મૂર્છાયેલા મધુકર ન શું પ્રેમમયતા? ૧૧

નકી મેળો મીઠો સુહૃદયજનનો પક્ષી મધુરાં,

અને વીરો શૂરા મૃગપતિ તણું ગર્જન મહા;

ગિરિનાં શૃંગો એ જનહૃદયની ટેક-દૃઢતા,

રૂડી કુંળી મીઠી કહી તુજ વળી તે પ્રિયતમા. ૧ર

ક્ષિતિજે દીસે જે સકલ નભના ગાઢ વનનાં,

ન શું એ આશાની અગર સ્મૃતિની દિવ્ય પ્રતિમા?

હજુ શું જોવું છે? સ્મિતભર દિસે છે મુખ બન્યું -

અરે! કિંતું આ શું? કુપિત વળી હૈછું ક્યમ થયું? ૧૩

કુહાડી લાગે છે તરુ ઉપર કે કાષ્ઠિક તણી,

પડી જાશે ડાળી, કૂંપળ પડશે સૌ ખરી ખરી!

મીઠાશે ખારાઈ અરર! નવ શું તું સહી શકે?

અરે! ભાવિ તો એ વિટપ સમ અંતે તુજ, સખે! ૧૪

૧૭-૮-૧૮૯૬

૧૦. આકાશને

અહો! કૈં ખેચાણો તુજ ઉદરમાં આથડી રહ્યાં,

વલોવાતા ગોળા ગણતરી વિનાના ઘૂમી રહ્યા;

ફર્યા એ કૈં કોશો અગણિત ફરીને લય થશે,

હતા જે સ્થાને ત્યાં ફરી નવ અડ્યા, વા ન અડશે! ૧

અહો! નાના નાના ટમ ટમ થતા દૂર દીસતા,

અને નાની નાની ગૂંથણી ઝૂમખાંની ગૂંણી રહ્યા;

પરન્તુ પાસેથી કદ કદી મપાઈ નવ શકે,

અને કલ્પી તેનાં મનુ નવ કદી અન્તર શકે! ર

અરે! આવા કૈંનો લય થઈ જઈ ઉદ્‌ભવ થશે,

અને તોયે એ સૌ તુજ ઉદરની મધ્ય જ હશે;

અહીં, ત્યાં, ત્યાં દૂરે, તુજ ઉદરનું મધ્ય જ બધું!

નહીં છેડો તેનું નવ ક્યું હશે સ્થાન વચલું? ૩

ભરેલું શું તારું ઉદર સઘળું પૂરણ હશે?

અરે વચ્ચે સૌ તો અગણિ સ્થળો ખાલી જ હશે;

બધાં આ બ્રહ્માંડો અણુવ તનકી તું - ઉદરમાં,

અને નાના લીટા જરૂર અજવાળાં રવિ તણાં. ૪

પછી તો અન્ધારું તુ જ ઉદર શું ફેલી જ રહ્યું!

વસે છે તું જેમાં, તુજ ઉદરમાં જે વસી રહ્યું!

જરા તે રેલે તો પ્રલય સઘળાનો થઈ જતો,

જરા સંકોચાતાં ઉદ્‌ભવ થતો આ જગતનો. પ

તમે બન્ને એવાં પણ અમ કને એવું જ કંઈ,

અમારું હૈયુંયે તમ ઉદરશું છે નકી નકી!

તમારી પાસે કૈં અમ હૃદયનું માપ ન મળે,

તમોને ના માપે જનહૃદય તે માપી ન શકે! ૬

૧૮-૪-૧૮૯૬

૧૧. નદીને સિન્ધુનું નિમંત્રણ

ઘૂ ઘૂ ઘૂ ઘૂ ગિરિ ઉપરથી ઘૂઘવી આવતી’તી,

મારે માટે હૃદય દ્વરતું ભેટવા લાવતી’તી;

સર્પાકારે વહતી વનમાં ગીત ગાતી હતી તું;

મારી છાયા સમજી નભને ઉરમાં ધારતી તું! ૧

દીઠા મારા અવર નદીથી હસ્તને ખેલતા શું?

દીઠી મારી ચડતીપડતી પ્રેમમાં તેં અરે શું?

દીઠી છાપો દિલ પર પડી સર્વ ભૂંસાઈ જાતી?

શું દીઠું કે ત્યજી દઈ મને રેતમાં તું સમાઈ? ર

મારા હસ્તો જરૂર નદીઓ અન્યથી ખેલનાર,

ખેંચાતું જે મુજ તરફ ત્યાં દિલ ખેંચાઈ જાતું;

તુંયે વ્હાલી ગિરિ પર થઈ આવતી તે ભૂલી શું?

ભૂલી કાંઈ રજ મધુ પિતા પાસથી લાવી તે શું? ૩

રે! વેળાની ચડતીપડતી કાંઈ પ્રેમેય થાતી,

કંપે છે આ, સ્થિર નવ રહે સર્વ બ્રહ્માંડ, વ્હાલી!

વીણાતારો સ્વર શરૂ કરી અન્ત્ય વિરામ પામે,

કંપે પાછા નિપુણ કરનો કંપ ને સ્પર્શ થાતાં. ૪

રે! ભૂંસાતી દિલ પર પડી છાપ એ કંપસ્પર્શે,

ભૂંસી દેવું, ફરી ચીતરવું, એ જ છે ચિત્ર આંહી!

ઓહો! આવા નીરસ રસમાં વિશવને તું વહેતાં

તારું મારું જીવિત સરખાં, પ્રેમ કાં સંભવે ના? પ

મારી થા તું ફરી ઉછળીને રેતનાં એ પડોથી,

ના છાજે આ સલિલ મધુરું ધૂળમાં રોળવાનું;

હું-સંયોગે કટુ થઈશ તું, તોય હું નાથ તારો,

રે રે વ્હાલી! નવ મળી શકે ઐક્ય કો અન્ય સ્થાને. ૬

૧ર. પ્રિયા કવિતાને

મને વ્હાલી લાગી, પ્રથમ મળતાં હું તુજ થયો,

હસ્યું તારું મોં, ને તુજ સ્મિત મહીં હું મળી રહ્યો;

તને ભેટું એવી મમ હૃદય ઈચ્છા કરી રહ્યું!

વળી તારાં નેત્રો અનુકૂલ દીઠાં ને ચળી ગયું. ૧

અરે! તું તો દેવી, જન ગરીબ હું પામર નકી,

શકું જોઈઅ એ હું ક્યમ હૃદયની તે તુજ દ્યુતિ?

ઢળ્યાં મારાં નેત્રો વળી, પ્રીય! તુંયે દૂર જ ઉભી,

પડ્યું આ હૈયું તોપણ લપટી તારા પદ મહીં. ર

સ્વીકાર્યો તેં મુજ પ્રણય ને કાંઈ હું પાસ આવ્યો,

ખોળે તારે હૃદય ધરવા કંપતું પાસ લાવ્યો;

ભેટું માની કર પણ કર્યો દીર્ઘ મેં એક, વ્હાલી!

કિન્તુ તું તો નભ તરફ, રે! ઉડતી ક્યાંય ચાલી! ૩

જોયું ઉંચે! ક્યમ ઉડી શકું? પાંખ આવી હતી ના!

‘તું ક્યાં હું ક્યાં!’ હૃદય દ્રવતું છેક તૂટી પડ્યું આ;

રે રે! ત્યારે પ્રતિકૂલ હતો સર્વ સંસાર, વ્હાલી!

મૂર્ચ્છા આવી નીરખી દિલની ભાંગતાં આશ છેલ્લી. ૪

પછી તારો જાણી મમ શિર લઈને તુજ કરે

મને તું આલિંગી! ભ્રમણ સહું ભાંગ્યું હૃદયનું?

ફર્યો ઉંચનીચે અખિલ ભુવને હું તુજ સહે,

અહો હર્ષે હર્ષે હૃદય મમ ફૂલી ધડકતું! પ

પછી ધીમે ધીમે તુજ અવયવો આ પલટતા,

મને ભાસ્યા સર્વે વધુ મધુર ગંભીર બનતા;

મને કૂંચી આપી મમ હૃદયની ને જગતની,

અને તાળું ખોલી તુજ મુખ નિહાળ્યું ફરી ફરી! ૬

આ શું? આ શું? નયન વહતાં અશ્રુનું પૂર એ શું?

હૈયું મારું પીગળી બનતું મીણ કે નીર જેવું!

ત્યાં બ્રહ્માંડે નજર કરતાં અશ્રુમાં વિશ્વ ન્હાતું!

ઓહો! વ્હાલી! પ્રલય જગનો અશ્રુથી આ થશે શું? ૭

તારાં અંગો, તુજ અવયવો, ઓષ્ઠ ને ગાલ સર્વે,

જ્યાં જોઉં ત્યાં જલમય વહે અશ્રુની ધાર, વ્હાલી!

‘જોજો વ્હાલા! મુજ સહ રહી આ જ છે માણવાનું!

એ શું બોલે ? ભવતુ! સખી તું આમ રોતાંય, વ્હાલી!’ ૮

અરેરે! શોખની ચીજો રડે ને રોવરાવતી!

હોત ના અશ્રુ તો ઓહો! પ્રેમ ને શોખ હોત ક્યાં? ૯

૧૩. વિધવા બેન બાબાંને

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!

માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું!

મૃત્યુ થાતાં રટણ કરવું ઈષ્ટનું એય લ્હાણું!

આશા રાખી મરણ પછી ને જીવવું એક લ્હાણું! ૧

સંબન્ધીના મરણ પછીના સર્વ સંબન્ધ તૂટે,

બેની! આંહીં વિરહ જ ખરો ચિરસંબન્ધ ભાસે;

તે પ્રેમી જે પ્રણયમયતા જોઈ માણે વિયોગે,

મીઠું કિન્તું ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે. ર

છે વૈધવ્યે વધુ વિમલતા, બેન, સૌભાગ્યથી કૈં,

છે ભક્તિમાં વધુ વિમલતા, બેન, શૃંગારથી કૈં;

બાબાં! તારા મૃદુ હૃદયને ઓપ વૈધવ્ય આપી,

ઉંચે ઉંચે તુજ દિલ જશે લેઈ ધીમે ઉપાડી. ૩

ના બોલું આ તુજ હૃદયનાં અશ્રુ હું લૂછવાને,

શાને લૂછું હૃદયશુચિતા આંસુડાં દાખવે જે?

વહાલી બાબાં! કુદરતકૃતિ સર્વદા હેતુવાળી,

ઈચ્છે દેવા અનુભવ પ્રભુ સર્વને સર્વ, વ્હાલી! ૪

બાપુ! આ સૌ સુખદુઃખ તણી વેઠ નાખી નથી કૈં,

આ તો બોજો કુદરત તણો માત્ર કલ્યાણકારી;

આ પ્હાડો જે પથિક સહુને આવતા માર્ગમાં ત્યાં,

ચક્ષુવાળાં શ્રમિત ન બને, કિન્તુ સૌંદર્ય જોતાં. પ

આ કુંડાળું કુદરત તણું કોઈ જોઈ શકે, તો,

ના ના જોશે કંઈ વિષમતા કિંતુ સીધાઈ લીસી;

ટૂંકી દૃષ્ટિ જનહૃદયની અલ્પ ખંડો જ જોતી,

ને તેથી આ સુઘટ સરણી દીસતી ડાઘવાળી. ૬

બાબાં! જોને નયન ભરીને આંસુથી એક વાર!

બાબાં જોને સુપ્રભ રચના વિશ્વની એક વાર!

વ્હાલા સાથે નીરખતી હતી આજ જો એકલી તું,

બાબાં! ખુલ્લું હૃદય કરી જો, એ જ ઈચ્છ્યું હરિનું. ૭

જોને, બાપુ! તુજ જિગરનો મિત્ર તો ત્યાં વિલાસે!

તારો ચ્હેરો ગત હૃદય એ ત્યાંય ઉભું વિમાસે!

એ રેલાયું ઉદધિ સઘળે કિંતુ તું બિંદુ તેનું,

આડું આવ્યું પડ નયનને, તોય એ વારિ તારું. ૮

બેની! આવાં પડ પછી પડો આવતાં જાય આડાં!

અંતે ગાઢાં પડ ચીરી દઈ પાર જાતાં સહુ ત્યાં;

તું ને મારી પ્રિય સખી તજી હુંય જાઉં કદાપિ,

એવું એ કૈં શુભ જ કરવા ઈશ ઈચ્છે કદાપિ - ૯

રે! તો સાથે તમ હૃદયનાં ગાળજો અશ્રુ બન્ને,

જે બાકી તે ભણી ઈ તમે આવજો સાથ બન્ને;

બાબાં ! તુંયે શીખીશ ફરી આ પાઠ ઔદાર્યનો, ને,

મારી ભોળી પ્રિય અબુધને દોરજે આ જ માર્ગે. ૧૦

૧૪. ચાહીશ બેયને હું

તું ને ન ચાહું, ન બન્યું કદી એ,

તેને ન ચાહું, ન બને કદી એ,

ચાહું છું તો ચાહીશ બેયને હું,

ચાહું નહીં તો નવ કોઈને હું. ૧

આ પુષ્પ છે, આ નદી છે, ઝરા છે,

આ પક્ષીઓ તો નભમાં ઉડે જે;

તેમાં વહે છે સરખો અનિલ,

અર્પે પરાગે સહુને સમાન. ર

ના એકને ને ક્યમ એકને તે

અર્પી શકે જે રજ તે ગ્રહે છે?

અર્પે સમાન નહીં તો ન અર્પે,

અર્પે નહીં તે ગ્રહશે નહીં એ. ૩

ક્યાં ચાહવું તે દિલ માત્ર જાણે,

તેમાં ન કાંઈ બનતું પરાણે;

ત્યાં બુદ્ધિના જોરની કૈં ન કારી,

બુદ્ધિ પણો માર્ગ જુદો જ કાંઈ. ૪

આ ન્યાય, આ યોગ્ય, ન પ્રેમ જાણે,

પૂરે વહેવા પડી ટેવ તેને;

ચાહું તને હું વહી તે જ પૂરે,

તેને હું ચાહું વહી તે જ પૂરે. પ

તે પૂર તે પ્રેમ જ માનજે તું,

તે ખાળતાં પ્રેમ જ ખાળશે તું;

તેને ન ચાહુેં, તુજને ન ચાહું,

તે ખાળતાં તે પરિણામ મ્હારું. ૬

જો ખાળશે એ દિલનો તું માર્ગ,

છૂટી રહેશે પછી બુદ્ધિ માત્ર;

બુદ્ધિ ગણે છે સહુને સમાન,

ત્યાં કોઈની ઉપર કૈં ન વ્હાલ. ૭

ખેંચાણમાં તું મુજને જવા દે,

ખેંચાણ બ્હારે અથવા થવા દે;

ચાહું નદી તો નવ કોઈને હું,

ચાહું છું તો ચાહીશ બેયને હું. ૮

૧ર-૬-૧૮૯૬

૧પ. એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,

છૂટ્યો તે, ને અરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં,

નીચે આવ્યું તરું ઉપરથી પાંખ ઢીલી થતામાં. ૧

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારાજથી આ,

પાણી છાંટ્યું દિલ ધડકતે, તોય ઉઠી શક્યું ના;

ક્યાંથી ઉઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઉઠે? હૃદય કુમળું છેક તેનું, અહોહો! ર

આહા! કિન્ત કળ ઉતરી ને આંખ તો ઉઘડી એ,

મૃત્યુ થાશે? જીવ ઉગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને. ૩

રે રે! કિન્તુ ફરી કદી વે પાસ મારી ન આવે,

આવે તોયે ડરી ડરી અને ઈચ્છતું ઉડવાને;

રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે. ૪

૬-૬-૧૮૯૬

૧૬. મને જોઈને ઉડી જતાં પક્ષીઓને

રે પંખીડાં, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,

શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું

ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. ૧

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,

ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે;

રે રે ! તોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી,

છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. ર

જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો. હા!

પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!

દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,

રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. ૩

૭-૬-૧૮૯૬

૧૭. પશ્ચાતાપ

રોયું, તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,

મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે. ૧

કિંતુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી?

રોતું મારું હૃદય ગિરિ શા ભાર નીચે દબાઈ;

રે રે! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઈ લાગ્યો,

એ અંગારો મુજ જિગરના મૂળને ખાઈ જાતો. ર

કેવો પાટો મલમ લઈને બાંધવા હું ગયો’તો!

તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો’તો!

એ અશ્રુ, એ જખમ, મુખ એ; નેત્ર એ; અગ એ એ,

બોલી ઉઠ્યા પરવશ થયાં હોય સૌ જેમ હેતે. ૩

‘વ્હાલા! વ્હાલા! નવ કરીશ રે! કાંઈ મારી દવા તું,

ઘા સ્નેહનારું નવ સહી શકે દર્દ તારી દવાનું;

ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે,

તારું તેનો જરૂર જ સખે પૂર્ણ માલિક તું છે.’ ૪

ત્યારે કેવાં હૃદય ધડક્યાં સાથસાથે દબાઈ!

વ્યાધિ તેની, મુજ જિગરની, પૂર્ણ કેવી ભુલાઈ!

ઘા રુઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,

તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે! પ

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે;

ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું એ ધરે છે,

માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે! ૬

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે,

તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે;

હું પસ્તાયો, પ્રભુ! પ્રણયીએ માફી આપી મને છે,

હું પસ્તાયો, મુજ હૃદયની પૂર્ણ માફી મળી છે. ૭

૭-૬-૧૮૯૬

૧૮. ઋણ

આ બ્રહ્માંડ અનન્ત મ્હેલ પ્રભુનો કૈં કાળથી છે ઉભો,

તેમાં કૈંક જરીભર્યા ચળકતા ઉડી રહ્યા વાવટા,

ને સિંહાસનથી અનેક લટકી ગોળા રહ્યા ઝૂલતા,

તે પ્રત્યેક મહીં સુરંગ રચના બારીક છે કોતરી. ૧

બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે,

આધાર સૌને સહુનો રહ્યો જ્યાં,

લે છે સહુ કૈં સહુને દઈ કૈં,

આભાર સૌનો સહુ ઉપરે છે, ર

ના રાખતું કો ઋણનો હિસાબ,

આભાર માની નવ કો રડે ત્યાં,

આનન્દમાં સૌ દઈને રહે છે,

આનન્દમાં સૌ લઈને રહે છે. ૩

ગોળા ફરે એક જ તત્ત્વના સૌ,

ખેંચાઈ એ એક જ તત્ત્વનાથી,

અર્પે-ગ્રહે છે સહુ એ જ તત્ત્વ,

જે સર્વનું તે સહુને મળે છે. ૪

આ વાદળીમાં વીજળી રમે છે,

આ સિંધુમાં આ નદીઓ મળે છે,

જુદાં થઈને સહુ એક થાય,

જે જેનું તે ત્યાં જઈને સમાય. પ

રે! માનવીનું પણ એ જ તત્ત્વ,

હું તું મહીં એક જ રક્ત ચાલે,

તો કાં ન અર્પું મુજ શીર્ષ તુને?

અર્પું કદી તો ઋણ થાય શાનું? ૬

માગે ન લોહી મુજ કાં સુખે તું?

શાને ડરે છે કંઈ માગતાં તું?

તારું ગણે ના ક્યમ સર્વ મારું?

મારું ગણે ના ક્યમ સર્વ તારું? ૭

વા વાત શાને જગમાં કરુ છું?

સંસારમાં વૈર જ નીરખું છું!

બ્રહ્માંડ આ એક જ ભ્રાતૃભાવ,

જન્મ્યો કહીંથી કટુ ભેદભાવ? ૮

તે ભેદનો આ ઋણ એક અંશ,

આભાર તેમાં કરતો પ્રવેશ,

વિદ્વેષ, ભેદો ઋણ, ઉપકાર,

એ કેમ ઉગ્યાં વિણ બીજ ઝાડ? ૯

હું થી બને જો કદી કાંઈ તારું,

તો માનજે ના ઋણમાં તને તું;

માગીશ હુંયે કદી જોઈશે તો,

તું આપજે, હું સુખથી લઈશ. ૧૦

આભાર ભૂલે બહુ લોક આંહીં,

પીડા ન તેની કદી થાય કાંઈ,

આભારનાં અશ્રુ નિશાળી કિન્તુ,

ખેર્યાં, અરે! મેં બહુ વાર આંસુ. ૧૧

૧૯. એક ઈચ્છા

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,

ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;

અપાર પડશે અને જિગર હાય! આળું થયું,

કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ! ૧

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,

અનન્ત ભભૂકા દહે, બહુ દહો, ગળું છું સુખે!

ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,

કઠિન બનજો નહીં હૃદય, એ ઈચ્છું પ્રભુ! ર

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો!

અરે! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો;

ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,

કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ! ૩

ર૪-૬-૧૭૮૬

ર૦. એક આગિયાને

તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી,

બ્રહ્માંડને પોષી રહી તે દૃષ્ટિ અહીંયે છે નકી;

તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું,

તુજ નેત્ર આગળ દીવડો કંઈ શ્રમ વિના દેખાડતું ૧

વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,

જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી;

વળી કોઈ વિસ્મિત સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,

ના સ્પર્શતી એ બીકથી, તુજ રજ રખે જાતી ખરી. ર

અદૃશ્ય ના ધનથી બને, ના ધૂમસે મેલું થતું,

તુજ તેજ, તે જ મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું;

મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જયારે ઉંઘતાં,

તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં. ૩

તું જાગજે, તું ખેલજે, તું પત્રપત્રે મ્હાલજે,

ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે!

તું કેમ એ માની શકે? આધાર તારો એ જ છે,

એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં, અરે! ૪

રે! પક્ષી કોની દૃષ્ટિએ તું એ જ ચળકાટે પડે,

સંતાઈ જાતાં નાસતાં, એ કાર્ય વૈરીનું કરે;

દ્યુતિ જે તને જિવાડતી, દ્યુતિ તે તને સંહારતી,

જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી! પ

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,

એ અમૃતે શું ઝેરનાં બિંદુ ભર્યા વિધિએ નથી?

અમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એ જ અશ્રુને અમી;

જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? ૬

૧-૭-૧૮૯૬

ર૧. ફૂલ વીણ, સખે!

ફૂલ વીણ, સખે ફૂલ વીણ, સખે!

હજુ તો ફૂટતું જ પ્રભાત, સખે!

અધુના કલી જે વિકસી રહી છે,

ઘડી બે ઘડીમાં મરતી દીસશે;

સુમહોજ્જવલ આ કિરણો રવિનાં,

પ્રસરે હજુ તો નભઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે

કંઈ કાળ જતે,

રવિ એ પણ અસ્ત થવા ઢળશે,

નમતાં શિર સૌ કુસુમો કરશે.

પછી ગંધ પરાગ નહીં મળશે!

ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!

હજુ તો ફૂટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાલ, સખે!

ભર યૌવન આ હજુ રક્ત, સખે!

ગતિ કાલની ચોક્કસ ન્હોય, સખે!

ભરતી પછી ઓટ જ હોય, સખે!

ફૂલ વીણ, સખે!

તક જાય, સખે!

ઢળતી થઈ તો ઢળતી જ થશે,

રજની મહીં ચંદ્ર ઉગે ન ઉગે,

હજુ દિવસ છે,

ફૂલડાં લઈ લે;

ફરી લે, રમી લે, હસી લે તું, સખે!

મૃગલાં રમતાં,

તરુઓ લડતાં,

વિહગો ઉડતાં,

કળીએ કળીએ ભ્રમરો ભમતા;

ઝરણું પ્રતિ હર્ષભર્યું કૂદતું,

ઉગતો રવિ જોઈ ન શું હસતું?

પછી કેમ વિમાસી રહ્યો તું, સખે!

ફૂલ વીણ, સખે! ફૂલ વીણ સખે!

હજુ તો ફૂટતું જ પ્રભાત, સખે?

ર૬-૮-૧૮૯૬

રર. વૈરાગ્ય

દરદ પર કરે છે ઔષધે કાંઈ કાર,

જરૂર જરૂર એ તો પૂર્વનું ઓળખાણ;

પ્રણયી જિગર અર્પે ત્યાંય કૈં વ્હાલ ઉંડું,

હૃદય સતત ઘૂમે એમ ખેંચાણ તેનું. ૧

અમુક અમુક તત્ત્વો વિશ્વમાં સૌ જનોમાં,

પ્રતિ જન હૃદયે કો એકધારા વહે છે;

પૃથિવી પર વસે તે એક છે માનવી આ,

અવયવ જન સર્વે માત્ર તેના જ ભાસે. ર

મુજ રસ પણ ચાલ્યો એ જ ધારા મહીં, હા!

મધુર મધુર લાગ્યું ઐક્ય એ માનવીમાં;

અગણિત લઈ બિંદુ ધોધ તે ચાલતો’તો,

મળી ભળી ગળી હુંયે બિંદુ તેનું બન્યો’તો. ૩

પણ રસ વહી જાતાં ક્ષારને સ્પર્શતાં, ત્યાં

અતિ કટુ સહુ થાતાં કૈં જ વેળા ન લાગી;

ક્યમ ગતિ પલટી આ? કૈં જ હું જાણતો ના!

ભમિત ઉર થયું હા! વેદના તીવ્ર જાગી! ૪

દરદ પર કરે ના ઔષધિ કાંઈ કાર,

નથી નથી કંઈ મ્હારે પૂર્વનું ઓળખાણ;

હૃદય મુજ થયાં તે સ્વપ્નમાં સૌ થયાં’તા!

વીખરી સહુ ગયાં એ સ્વપ્ન ઉડી જતામાં! પ

નથી નથી મુજ તત્તવો વિશ્વથી મેળ લેતાં,

હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!

જગત સહ મળે છે ચર્મ ને હાડકાં આ!

રહી જગ તણી ગ્રંથિ માત્ર આ સ્થૂલ સાથે. ૬

પ્રથમ નઝર લાગી, ભવ્યતા કાંઈ જાગી,

મુજ નયન મહીંથી સ્નેહની સેર ચાલી;

વિપુલ વિશદ લાગી સ્નિગ્ધ વાત્સલ્યવાળી

કુદરત વહતી આ ઐક્યનો તાર ઝાલી. ૭

ફૂદડી ઉડતી ત્યાં એ હર્ષની ઘોળ ઉડી,

રમતમય વિહંગે કાંઈ લાવણ્ય લાગ્યું;

તરું પર ઢળનારી પુષ્પિતા એ લતાની,

નસ નસ મહીં માન્યું પ્રેમ ઔદાર્યલ્હાણું. ૮

નહિ નહિ પણ એવી વિશ્વની આર્દ્ર વૃત્તિ,

ઘડમથલ અહીં સૌ જીવનાર્થે મચેલી;

પ્રણય, રતિ, દયા, કે સ્નેહ ને ભ્રાતૃભાવ,

અરર! નહિ સહુ એ સ્વાર્થના શું વિભાગ? ૯

જનહૃદય પરેથી મોહ ઉઠી ગયો’તો,

અરર! કુદરતેથી એ જ ખારાશ આવી;

પલપલ નયનોથી આંસુડાં સારતો’તો,

અરર! જિગરમાંથી રક્તની નીક ચાલી. ૧૦

કદી કદી દિલ રોતું કોઈને જોઈ રોતું

કદી કદી દિલ મ્હારું છેક પોષાણ થાતું;

નીરખી નીરખી આવું વિશ્વ રોઉં કદી હું,

નીરખી જગ કદી આ હાસ્યમાં ડૂબતો હું. ૧૧

પવન સૂસવી વ્હેતો કોઈ ખંડેર માંહી,

હૃદય ત્યસ હસે છે - હર્ષ તો કૈં જ છે ના.

હિમજલ ટપકે છે વૃક્ષની ડાળીઓથી,

રુદન ત્યમ કરું છું - દર્દ તો કૈં જ છે ના. ૧ર

કદી મન ગમતું એ - કોણ જાણે હસું કાં?

કદી મન ગમતું એ - કોણ જાણે રડું કાં?

મુજ હૃદય મહીં છે દૂર કો મર્મસ્થાન,

સુખદુઃખ વિણ તે તો છેક વૈરાગ્યવાન. ૧૩

હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે;

વિશ્વની મિષ્ટતા કિન્તુ રે રે! ત્યાં જ સમાઈ છે. ૧૪

ર૪-૯-૧૮૯૬

ર૩. એક વેલીને

ધીમે ધીમે કૂંપળ કૂંપળે પત્ર પત્રે વળીને,

ટીશી ટીશી તરુવિટણમાં ગૂંથણી કાંઈ ગૂંથે;

મીઠી વેલી! તુજ વળ દીસે નિત્ય નિત્યે નવીન!

ત્હારું હૈયું વધુ વધુ સદા સ્નેહમાં થાય લીન! ૧

ન્હાની ન્હાની તુજ ગતિ સમો રાહ આ ઝિન્દગીનો,

તોફાની કે ભભક રવિની કોઈ દી માત્ર ભાસે;

તારી પાસે ગણગણ થતાં જન્તુઓ નિત્ય ગુંજે,

મારી પાસે જગત સઘળું નિત્ય ગુંજ્યા કરે છે. ર

પર્ણો તાજાં ચડી, ખરી ચડે એકની એક ડાળે,

ને આલમ્બે તરુવર તણો નિત્યનો એક ત્હારે;

ટેકો મ્હારે મુજ હૃદયની એક મૂર્તિ પરે છે,

તે પાસેથી સુખદુઃખ સદા જાય ચાલ્યાં ઝપાટે. ૩

તું પત્રો ના તુજ કદી ગણે, હુંય મ્હારાં ગણું ના,

કિન્તુ તેનો કુદરત મહીં કાંઈ છૂપો હિસાબ;

ક્યાં? શા માટે? પ્રભુ વિણ નકી કોઈ જાણી શક્યું ના,

ઉંડાં કાવ્યો, ફિલસૂફી વળી કાંઈ શંકા જ માત્ર! ૪

તુંમાં હુંમાં - અરર! પણ આ કાંઈ જુદું જ ભાસે,

ત્હારા મ્હારા પથ મહીં દીસે ભિન્નતા એક ઉંડી;

તું ચાલે છે સતત ગતિએ, કૂદતો ચાલતો હું,

ધક્કા મારે કુદરત મને, દોરતી માત્ર તુંને. પ

હું ચોંટું છું મુજ જિગર જ્યાં એક દી શાન્તિ પામે,

નિઃશ્વાસો સૌ જનહૃદયના ભૂત કાલે વિરામે;

નિર્માયો છે તુજ જીવનને એકલો વર્તમાન,

ઉંચે જાવું તુજ હૃદયને એટલું માત્ર ભાન. ૬

ર૭-૧૧-૧૮૯૬

ર૪. એક ચિન્તા

શયનો ફૂલનાં કરમાઈ ગયાં,

અનિલો સુરભિ સહુ લેઈ ગયાં;

અહ! કંટકની જ બિછાંત રહી;

બસ કંટકની સહુ વાત રહી! ૧

અમી-નિર્ગળતું ઝરણું અટક્યું,

વિષનો પરિવાહ વહ્યો જ, પ્રભુ!

સઘળા પલટાઈ સહાઈ ગયા;

ભવ એક મહીં ભવ લાખ થયા. ર

મુજ નેત્ર તણું સહુ હીર બળ્યું,

મુજ વ્યર્થ ગયું સઘળું ગણવું;

પણ એ નયનો, મૃદુ એ નયનો,

હજુ શું રડતાં જ હશે નયનો? ૩

૧૬-૮-૧૮૯૭

રપ. પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન

તારા બહુ ઉપકાર, રસીલી, તારા બહુ ઉપકાર;

તું ઉરનો ધબકાર, રસીલી, તું અશ્રુની ધાર. ૧

આ દિલડાનું ઝેર હળાહળ તું વિણ કો ગળનાર,

બહુ દુખિયો પણ દુઃખ શું રોશે? રોતાં ન મળે પાર. ર

રોતો ત્યારે ખોળે તારે શીર્ષ હતું, દિલદાર!

સહુ ત્યજી ચાલ્યા, તું સુખણી થા, જીવીશ વિણ આધાર. ૩

વીત્યાં સાથે તું વીતી જા, વીત્યાં સ્વપ્ન હજાર;

મારાં આંસુ તારાં ગીતો! પણ ક્યાં હવે સુણનાર? ૪

કોણ દબાવી જિગર નિચોવે? મારો હું જ પુકાર;

આ દિલ સખ્ત થયું, તું કોમલ; તારો ના અહીં કાર. પ

કેમ હસાયે, કેમ રડાયે, દિલનો તૂટ્યો તાર!

તૂટ્યું વીણા કેમ બજાવું, એ બસૂરો ઝણકાર! ૬

આંખ ગઈ છે, ક્યાં છે આંસું? શું ગાશે સુનકાર?

વિશ્વે છે ના શું એનું એ? છે ક્યાં એ રસધાર?

હવે તો ક્યાં છે એ મળનાર? ૭

તું રસહેલી, હું રસહીણો! ભેટું છેલ્લી વાર!

પણ હજુ લેજે કદી કદી સાર! ૮

હું ડૂબનારો, તું તરનારી; તરતાને તું તાર!

અરેરેરે! ડૂબતાનો તજ પ્યાર! ૯

ર૯-૧-૧૮૯૭

ર૬. જન્મદિવસ

ત્રેવીસ વર્ષ મહીં સ્વપ્ન અનેક વીત્યાં,

વીતી અનેક દુઃખનીય પરમ્પરા ત્યાં;

શું એટલો જ ઈતિહાસ હશે અમારો?

શું લ્હાણ કાળની મળી બસ એટલી જ? ૧

યોો બધા મુજ બહુ પણ જીર્ણ ભાસે,

ને આ હવે હૃદય વૃદ્ધ થતું દીસે છે;

બેચાર જન્મદિવસો વહી કાળ જાશે;

ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે. ર

મેં પ્રેમમાં તડફતાં મમ શાન્તિ ખોઈ,

આનન્દની મધુર પાંખ ન ક્યાંય જોઈ!

હૈયું કહે, ‘જીવિત એમ જશે જ રોઈ’,

શું લ્હાણ કાળ ધરશે બસ એટલી જ? ૩

ક્યાંયે ન શું અનુભવો મુજ સંકળાશે?

શું મૃત્યુ પાછળ નહીં ગતિ કાંઈ થાશે?

મૃત્યુ જ કાજ ઉર શું દુઃખ આ સહે છે?

તો ઝિંદગી ન જીવવા સરખી દીસે છે! ૪

આજે જ ઝેર અધૂરું કરી કાં ન પીવું?

સાચું જ હો મરણ તો ક્યમ આમ રોવું?

શું જે પછી અનુભવો કડવા સહીને?

આ ઝિંદગી ન જીવવા સરખી, અરેરે! પ

આ ઝિંદગી દુઃખભરી મુજને મળી કાં?-

માગી હતી નવ, અને નવ રાખવી છે!

શ્રદ્ધા રહી રસ મહીંય કશી મને ના,

અન્ધાર-મૃત્યુ મધુરું મધુરું દીસે છે! ૬

અન્ધાર-મૃત્યુ મધુ, તો કડવો ઉજાસ,

ને સ્વપ્ન ના જીવિત, તો નકી સ્વપ્ન મૃત્યુ;

છે રાત્રિનો દિવસ કે દિનની નિશા છે?

શું હું હઈશ બસ એક જ સ્વલ્પ સ્વપ્નું? ૭

કે હું અનન્ત્‌ યુગનો તરનાર યોગી,

જાનાર જે હજુ અનન્ત યુગો તરીને;

તે આમ આજ દુઃખને દિનને ગણન્તો

આંહીં પડ્યો, અરર! ચેતનહીન છેક? ૮

હું સ્વપ્નનો અનુભવી નવ જાણતો કૈં,

શંકા પરંતુ મુજને મુજ સ્વપ્નમાં કૈં;

જીવી શકું ન સુખથી, મરીયે શકું ના;

જાણી શકું જગત છે અથવા નહીં આ. ૯

યોગ્ય ના નીરખવું નીરખે છે,

યોગ્ય ના નીરખવું નીરખે શેં?

ઝિંદગી સમજ તો જીવજે, ને

મૃત્યુનો અનુભવે સુખથી લે! ૧૦

૧ર-ર-૧૮૯૭

ર૭. ભવિષ્યના કવિને

ઉઠ ઉઠ ! રસઘેલા! ગીત ગા કાંઈ તાજાં,

જગત મુખ વિકાસી જોઈ તુંને રહ્યું છે;

જલધિ ફરી વલોવી રત્ન કૈં કા તાજાં,

કૂદી કૂદી ઉછે તે ઉર્મિઓ અર્પવાને. ૧

કમલવન તણાં તો ગીત પૂરાં થયાં છે,

નિજ ગીત ગવરાવી તૃપ્ત છે શીતરશ્મિ;

મધુર ફૂલની પ્રીતિ જાણતાં સૌ થયાં છે,

નવીન રસ તણાં તું ગીત ગા, ગીત ગા કૈં. ર

અગર કૂદી કૂદીને બેસી જા ચન્દ્રપીઠે,

મધુર રસ તહીંનો પૃથ્વી આ જાણતી ના;

નવીન મધુ-સુધાની ધાર ત્યાંથી કરદી દે,

નવીન જીવન વિશ્વે પૂરતાં ગીત ગા ગા. ૩

નકી નિજ કવિ શોધે વિશ્વના સૌ પદાર્થો,

નિજ રસ કથવાને રાહ જોતાં સહુ છે;

અગણિત યુગ વીત્યા, ગાઈ ચાલ્યાં હજારો,

પણ વદન હજુ કૈં છેક અતૃપ્ત ભાસે. ૪

છલકી વહી જતો કો મસ્ત થા પી મદિરા,

મચવ જિગરમાંહી ઈશ્કની ધૂન ઉંડી;

ઉઠ ઉઠ ! શિખરો સૌ સ્વર્ગનાં તોડ જૂનાં,

જનહૃદય મહીં તું ઉર્મિઓ અર્પ તાજી. પ

ન કદી મધુરતાનો હોય જો ધોધ તુંમાં,

સખત સખત ભોળાં વજંર શાં ગીત ગા તો;

પછી રસ યુગ સુધી પૂરશે પૂરનારા;

તુજ જીવન પેરે કો જીવશે લાખ જીવો. ૬

ર૮-ર-૧૮૯૭

ર૮. સ્નેહશૈથિલ્ય

ત્હને ચાહું કેવું? ક્યમ કહી શકું તે - પ્રિય! ત્હને?

શશીને ના કહેતી નિજ પ્રણય કો દી કુમુદિની!

અરે! ખૂંચે ત્હોયે તુજ હૃદયની આ શિથિલતા!

નહીં દોષો ત્હારા - પણ નસીબની વાત સઘળી! ૧

કદી વેળા જાતાં તુજ હૃદય કૈં આર્દ્ર બનશે,

કદી ત્યારે તો આ મુજ હૃદય શૈથિલ્ય ધરશે૩

વિરાગી ના લૂછે પ્રણયી રસીલાં સ્નિગ્ધ નયનો,

પછી શું એ અશ્રુ મુજ ઉર પરે કાર કરશે? ર

અરે! આ પ્રીતિમાં મુજ હૃદય રોકી નવ શકું,

ન પ્રીતિમાં પાછું હૃદય મમ વાળી શકીશ વા;

વહી જાતી પ્રીતિ - અરર! કદી એ ના અટકતી;

નહીં ભીની થાતી - અરર! રડવાથી શિથિલતા. ૩

રડે મ્હારી પ્રીતિ તુજ હૃદયની આ શિથિલતા,

કદી તુંયે રોશે મુજ હૃદયનું એવું જ કંઈ;

દીસે નિર્માયેલો પ્રથમ રડવાને શિથિલને,

છતાં તું માટે એ ક્રમ વધુ જરી કોમલ હજો. ૪

૩-૩-૧૮૯૭

ર૯. ભવિષ્ય અને શ્રદ્ધા

ના ના ભવિષ્ય મુજ કાજ હવે દીસે છે,

ભૂતો જ નેત્રપડદા થઈને ઢળે છે;

ને એ જ અશ્રુ મહીં એ જ ભર્યાં બળાપા. ૧

ના મામલા પ્રણયના પણ એ જ જાગે,

નિદ્રા ન લે હૃદય શાન્ત સૂઈ વિરાગે;

આ પીંજરું દરદનું હજુ તોડવાને,

વાયુ તણી સૂસવતી લહરી ન આવે. ર

ભવિષ્યે ના ભાળું મુજ હૃદય માટે પગથિયાં,

ભવિષ્યે ભાસે છે દરદમય એ ભૂતમયતા;

ન પંપાળે કોઈ મુજ હૃદય-સાથ હૃદયથી,

રહ્યા ભૂતે કોઈ-કંઈ ઉડી ગયા છે નજરથી ૩

ગઈ ઉડી તેવી મુજ જિગર પાંખો નવ ધરે,

ફરી પાછું જાતાં મુજ જિગર ત્રાસે થરથરે. ૪

થાકી જતાં હૃદય આ વહતું નથી કૈં,

ગાવા મૃદુ લહરીઓ ગ્રહતું નથી કૈં;

લાગે મુને જીવિત આ કડવું થતું કૈં,

હું એકલો અરર! એ ખટકે ઉરે છે. પ

આશા દીસે જિગરને વનમાં જવાની,

જ્યાં તે અભંગ ઝરણું નિજ નાચ નાચે;

પ્રત્યેક બિંદુ શશીમાં શશી જ્યાં બને છે,

જે સ્થાનનો હૃદયને સહવાસ જૂનો. ૬

આવા દુઃખી કલુષ વિશ્વ થકી જળેલું -

જે કોઈ ના મધુર મૂર્તિ મહીં ઠરેલું;

પંપાળનાર કરથી હતભાગી હૈયુંજેને

ન કોઈ ઉરથી ધરનાર આંહીં. ૭

જેનું પડ્યું શયન કંટકથી ભરેલું

તે આજ કાંઈ સુખમાં વહવા જ ઈચ્છે,

ઈચ્છે શશી ઝરણમાં ગરકાવ થાવા,

શું એટલુંય શકશે દુખિયાં કરી ના? ૮

જેના મૃદુ કર વતી દ્રવતી શિલાઓ,

જેના ભર્યા નયન ભવ્ય પ્રભાપ્રવાહે;

સૌંદર્યનું ઝરણ નિત્ય વહાવનારો

તે શાંત શું ન કરશે મમ દગ્ધ હૈયું? ૯

હું એ જ છું કુમુદડું શશીનું સદાનું,

એ એ જે વિશ્વ પર અમૃત ઢોળનારો

સૌ ઔષધિ ઉપર અમૃત સિંચતો જે

તે પોષશે જ મુજ શીય કટુ લતાને. ૧૦

જેનું અમીઝરણ ભેદ વિના વહે છે,

જે અર્પતા ભ્રમણમાં નવ કલાન્ત કો દી

જેને બન્યાં જીવિત અર્પણ એકરૂપેદૃષ્ટિ

પ્રસાદ મુજનેય મળી રહેશે. ૧૧

ઝાંખી મહત્ત્વ પરિપૂર્ણ તણી થઈ જ્યાં,

જે લક્ષ્યથી જીવનમાં જીવવું મળ્યું છે;

જે પેખતાં જીવિત દીર્ઘ સદાય થાતું -

આજેય તે જ કરશે મમ શાંત હૈયું. ૧ર

છે રાત્રિની ઝળક આજ નવીન કાંઈ,

આ મેઘમાળ મહીં ચંદ્ર નવીન ભાસે;

છે તો નહીં સખી કને રસ અર્પવાને,

તોયે શશાંક રજની હસતાં દીસે છે. ૧૩

માર્ચ,૧૮૯૭

૩૦. દેશવટો

ઝરમર અધરે વરસે મોતી,

ફૂલડાં આંખડીને ખૂણેથી,

એ મુખડાનું વાસી દિલડું,

દેશવટે ઉદાસી રે!

પાળેલું પોષેલું પંખી,

રણવગડામાં મરતું ઝંખી,

નાગ ગયો હૈયામાં ડંખી,

તલફે પ્રેમ-પ્રવાસી રે!

ર૬-૩-૧૮૯૭

૩૧. નિર્વેદ

હવે મારાં દર્દો રસમય પ્રવાહી નવ બને,

ઉરે જામી જામી પડ પર હજારો પડ ચડે;

અરે! નિશ્વાસો એ દખલ કરનારા થઈ રહ્યા,

હવે તૂટું તૂટું મુજ જિગરના થાય પડદા. ૧

ગયા એ અશ્રુના મધુર સઘળા ભાવ શિશુના,

હતા તે ના ભાસે રુદન કરવાને મૃદુ સખા;

ન દેખું સંસારે નયનજલ માટે સફલતા,

કહી દૃષ્ટિ નાખું? સહુ ગમ ભરીને કલુષતા! ર

કવિતા ગાવાને મુજ હૃદયને ના મન રહ્યું,

તહીં ગાતાં પૂરું કદી પણ નથી અંતર ઠર્યું;

જનોની ભાષામાં જગતવિષનો ગંધ પ્રસર્યો,

ન શબ્દે કો પૂરો કદી પણ મળ્યો માર્દવભર્યો. ૩

ન ભાવે, તારાને ઉદધિ નહીં, વા આ તરુ નહીં,

ભરી ભાસે ત્યાંયે કપટ-ચતુરાઈ જન તણી;

ન કોઈ ઠેરે છે મૃદુ હૃદયની વાત સુણવા,

ભરેલી છે વિશ્વે કઠિન સઘળે ગ્રામ્યમયતા. ૪

ગયો આંહી ને ત્યાં ગરલ નિજનાખી સરપ કો,

વિસામાને માટે જરીય અપવાદે નવ ઠર્યો;

નશા ઝેરીમાં આ જગત સઘળું છે લથડતું,

ન અર્પાતું પૂરું-કંઈ કંઈ બધે ખાનગી રહ્યું. પ

મને તે આ શાને રુધિર-નસ-અસ્થિમય ઘડ્યો?

અરે! એવામાં શું રુદન કરતો આ રસ કર્યો?

ન જાણું ક્યાં બેસું? સમજણ નહીં, ક્યાં શિર ધરું?

અરે ના જાણું હું ક્યમ, શું, કરવું આ ઉર તણું? ૬

૧૮૯૭

૩ર. ભાવના અને વિશ્વ

ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અને

ઉર ઠલવવા શોધ્યાં પુષ્પો, ઝરા તરુઓ વને;

ઉર ઠલવવા પાળ્યાં પંખી, સુણ્યાં મૃદુ ગાયનો,

ઉર ઠાલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં, અહો! ૧

અહીંતહીં બધી લીલા લૂખી જહીં નવ એ બન્યું,

જગત સઘળું નીલું ના ના વસન્ત મહા ગમ્યું;

રમણીયપણું આ સંસારે અતૃપ્ત બધું દીસે,

જગત ઉપરે સ્વપ્ને કોઈ ઠર્યું ન ખરું દીસે. ર

કમલકલીએ ભોગી ભૃંગો લપી શમણે ઢળ્યા,

કમલદલનાં મીઠાં સ્વપ્ને અનેક રમી રહ્યા;

કમલવનમાં ઉગ્યે ભાનુ ફરી ફરતા બન્યા,

પણ ગણગણી રોવાથી ત્યાં અધિક નથી ઠર્યા. ૩

રવિ નવ ઉગે દ્‌હાડે જે ત્યાં હતો રજની મહીં,

ઝરણ ધરતાં લાલી સ્વપ્ને ઘરે નવ તે અહીં;

હૃદય ઠલવ્યું ઝીલી લવા હતો કર કોઈ ત્યાં,

નયન ઉઘડ્યું, ખોવાયો એ ભળી જઈ વ્યોમમાં. ૪

જગત સઘળું ઘૂમી શોધ્યું, ફરી ન કદી મળે!

મધુર કર એ વિશ્વે પાછો ફરી ન કદી ઢળે!

નયન ઉઘડ્યું ને બેતાલું બસૂર બધું બન્યું!

નયન ઉઘડ્યું, વંઠ્યું મીઠું રહ્યું કટુ આંસુડું! પ

નયન નીરખી રોવા લાગે અહીં સહુ સ્થૂલતા,

રમત કરતાં લાવણ્યે એ સુસૌષ્ઠવહીનતા;

અમર રસનાં બીબાં આવાં બધાં વરવાં, અરે!

ઝળહળ થતું તેની છાપો મલિન અહીં પડે! ૬

અધર લલના મીઠો મીઠો ધરે અધરે ભલે,

કુમકુમ ભરી હથેલીથી જડે ઉરથી ભલે;

સ્તનતટ પરે રોમાંચોનાં ભલે વન ઉગતાં,

પરિશ્રમભર્યા સ્વેદે છિદ્રો બલે સહુ ઉઘડ્યાં. ૭

પણ રસ મહીં એવાંથી એ પ્રવેશ નહીં મળે,

કંઈક રડવું મ્હારે, તેને, રહ્યું જ રહ્યું ખરે;

હૃદય ધડક્યાં, બોલ્યાં, ગાયાં, રડ્યાં, બથમાં ભર્યા,

પણ રસ તણાં ખુલ્લાં નેત્રે ન દર્શન સાંપડ્યાં! ૮

શરીરપટનાં આત્મા માટે ન આવરણો ઘટે,

રસમય થતા આડા સ્થૂલો તણા પડદા ચડે;

જગત સઘળું ન્હાનું અનન્ત વિહારને,

પણ રમતમાં ટૂંકી વાડે દડા અટકી પડે. ૯

સ્થલસમયને છોડી ક્યાં એ ન દેહ ઉડી શકે

ફડીફડી થતી પાંખો માટે ન દ્વાર મળી શકે;

અમર રસને એથી બીજો ન વાહક વા મળે,

નવ અહીં મળે સ્વપ્ને છે તે અખંડિત ના રહે. ૧૦

હૃદય ઠલવી ત્હોયે ક્યાં ક્યાં જતાં જન બાપડાં,

હૃદય ઠલવ્યું ત્યાં ત્યાં ભાસે બન્યાં સપનાં ખરાં;

હૃદય રમતું આહ્‌લાદોમાં ઘડી વિષમાં ચડી,

અમર રસની જાણે લ્હેરી તહીં જ થતી ખડી. ૧૧

અધર લલના દે ત્યાં ભાસે અનંત સુવાસ કો,

સ્તનતટ તણી ગાદી ભાસે અભંગ કુમાસ કો;

નયનઝરણે જાદુ ભાસે અખંડ નવીનતા,

અલક અલકે ઝાંખી દેતાં પ્રભુત્વ નવાં નવાં. ૧ર

કલમ લઈને જાણે એને સદા ચિતર્યા કરું,

કવિત લવતાં જાણે એને સદાય કથ્યા કરું;

પણ ત્રુટિત એ! ત્હોયે મીઠી તહીં રસધાર છે,

અમર રસનાં એવાં બિંદુ અહીં ઉપકાર છે. ૧૩

પણ અમરતા વિશ્વે સ્થૂલે કદી નવ સમ્ભવે,

ચપલ પલમાં આત્માને ના કશીય મજા મળે;

સ્મિત અહીં કરો તો તો જૂની સ્મૃતિ વીસરી જશો,

સ્મરણ ધરતાં રોવું એમાં ન અન્ય ઈલાજ કો. ૧૪

ભ્રમર કમલે બિડાતા છો અને ઉડતા ભલે,

અનિલલહરી પુષ્પોનું કૈં ભલે ગ્રહવા મથે;

ક્ષણિક શમણે લે સૌ લ્હેરો ભલે ઉપભોગની,

રસમય થવું શારીરીને બને જ બને નહીં. ૧પ

ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના, અને

ઉલ ઠલવવા ખાલી શોધ્યાં ઝરા, તરુઓ વને;

ઉર ઠલવવા પાળ્યાં પંખી બધા જ વૃથા નકી,

ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં! ૧૬

ર૭-૧ર-૧૮૯૭

૩૩. શિકારીને

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું;

ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું. ૧

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરું;

ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં : વિશ્વ સૌંદર્ય કુમળું. ર

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;

તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે. ૩

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;

પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. ૪

સૌંદર્યો વેડફી દેતાં ના, ના, સુંદરતા મળે;

સૌંદર્યો પામતાં પ્હેલાં સૌંદર્ય બનવું પડે. પ

સૌંદર્યે ખેલું એ તો પ્રભુનો ઉપયોગ છે;

પોષવું, પૂજવું એને, એ એનો ઉપયોગ છે. ૬

રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું;

બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું! ૭

૩૪. જીવનહાનિ-ચોવીસ વર્ષ

ફૂટી ગયેલ ઘટની ઘટમાળ જેવાં,

મારાં ફર્યા વરસ : જીવનબાગ સૂક્યો!

એકેય બિંદુ નવ ચોવીસ ચક્રમાંથી;

વા કોઈએ ન ઘટમાળ સમારનારું! ૧

સેવા બજી ન પ્રભુની કશી કોઈ દી યે,

બાકી રહી સહુય ચેતનહીન આશા!

તેમાં પરંતુ ઉરને ફરિયાદ ના કૈં,

જાયે ગુલાબ કહીં કંટકને રડીને? ર

મારું સદાય સહવું સહું છે સહ્યું મેં,

માળી તણો કર સુખે જ્યમ પુષ્પ રહેતાં;

મારી ગરીબ કવિતા બસ કાંઈ રોતી,

તેવી પ્રભુ પણ ક્ષમા સહનારને દે! ૩

હું વિશ્વનો નહી જ કૈં ઉપયોગ જાણું,

કો ખેદમાં ગતિ તણું ઉર મૌન ધારે;

મારો હિસાબ વિધિ પાસ કશો ન લાંબો,

જીવ્યો, મરીશઃ જ્યમ તારક ત્યાં ખરે છે. ૪

સવા તણી ગરજ છે વિભુને ન મારી,

નૌકા તણી ગરજ ના જ્યમ સિન્ધુ રાખે;

સૂઇ ઉભા રહી પ્રકાશની રાહ જોવી,

તેમાંય એ જ હરિની બજતી જ સેવા. પ

આ શુષ્ક પાનખર શી મુજ દગ્ધ આશા,

તેને પરંતુ હજુ છે ફરિયાદ કાંઈ;

ફિક્કાશ આ રુધિરની રડવી નથી કૈં,

એ પ્રેમનો તરફડાટ બધો ગયો છે. ૬

જે સર્વદા સહજપ્રાપ્ય તજી દઈને,

જે લાધવું કઠિન ત્યાં નિજ તીર તાકે,

તે પ્રેમને ઘટિત અશ્રુ બધાંય આ છેઃ

તેમાં કશીય ફરિયાદ કરી ન છાજે. ૭

કિંતુ વસન્ત સમયે સહુ પુષ્પ ખીલે,

તોફાન સિંધુજલનાં શરદે શમે છે;

જ્યાં શાંતિનો સમય માનવીઓ ગણે સૌ,

ત્યાં દર્શને ન હજુ શાંતિતણું હું પામ્યો! ૮

બાલ્યો ગઈ જ, ગત યૌવન છે થયું, ને

મૃત્યુ તણાય પડઘા શ્રવણે સુણાતા;

તોયે રહે તરસમાં મરતો બપૈયો,

ને પીંજરા હૃદયને ફરિયાદ રોવી! ૯

૯-પ-૧૮૯૮

૩પ. તું વિણ-મેઘલ વાજસુર!

મે’ની જોતાં વાટ, ઉન્હાળો ઉડી ગયો!

પણ ના લીલી ભાત, ત્હારી દેખું-વાજસુર! ૧

બીજાંને મે’ આજ, સચરાચર જામી પડ્યો;

પણ ચાતકની જાત, તરસી-મેઘલ વાજસુર! ર

સ્વાતું ગોતે છીપ, બીજો મે’ ખપનો નહીં;

ખપનો એ જ અદીઠ, રાખીશ કાં તું? વાજસુર! ૩

અણખપિયાંની જાત, ઝાઝી જગમાં સામટી;

જેથી ઠરતી આંખ, તે મે’ આઘો-વાજસુર! ૪

હવન કરું કે હોમ? ઉજેણી જોશું કરી!

પણ તુજ સામે જોમ, શું પામરનું ?-વાજસુર પ

દેખાડીશ દુકાળ? ઘેંશું પીને જીવશું!

જપશું ત્હારી માળ, તો એ-આપા વાજસુર! ૬

ના છે કાંઈ ખેડ-મેઘલજી! અમ લોકની;

તોયે ત્હારી મ્હેર, લીલા લ્હેર જ વાજસુર ૭

અબઘડીયે તું આવ! ‘આજ-કાલ’ કર મા હવે!

મન ખેતર સોસાય, તું વિણ-મેઘલ વાજસુર! ૮

સપ્ટે., ૧૮૯૮

૩૬. ઉત્સુક હૃદય

અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે,

પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?

હશે ત્યારે શું શું. મુજ હૃદય ધારી નવ શકે,

અહીંનું અત્યારે અનુભવી થવા વ્યર્જ જ મથે. ૧

ઉડું? ના ઉડાતું; ઝડપું ક્ષણ તે? તે નવ બને!

અને હાવાં હૈયું પલપલ અધીરું ટમટમે!

નિશા ગાળી! એ તો રુદન કરતાં એ ગઈ વહી,

ઉષાની આ વેળા ચકવી-ચકવાને વધી પડી. ર

ગઈ છે સૌ ચિન્તા, અનુકૂલ વિધિયે થઈ ગયો,

અમારાં ભાવીને વણકર વિધાતા વણી રહ્યો;

પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,

દીધો નિર્મી તેનો મધુર કર મારા કર સહે. ૩

હવે તો જાણે એ કુસુમપદને ચુમ્બન કરું,

ભરાઈને પ્યાલે અધર-પરવાળે જઈ ઠરું!

હવે તો એ પાસે મુજ જિગર કૈં તાંડવ રચી,

રહ્યું નાચી રાચી ઉદધિ રસનામાં રહ્યું મચી! ૪

સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી,

હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;

દીસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ!

જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા! પ

છૂપી ક્રીડા પેલી રવિકર અને વાદળી તણી,

છૂપી ક્રીડા પેલી ગ્રહ-ઉપગ્રહોની રસિકડી;

ન રાખે કો છૂપું મુજ હૃદયથી આજ જરીયે,

જહીં દૃષ્ટિ નાખું અનહદ તહીં આદર મળે! ૬

છતાં ‘લે!લે’ એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,

મને દેતાં દેતાં પવનલહરી કૈં ખસી જતી;

નકી પી દારૂને કુદરત વિનોદે ચડી દીસે,

પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે. ૭

સદા હું પૂજું તે મુજ તરફ છે જેટલી વળી,

અહો! મારી પાસે કુદરત દીસે તેટલી ઢળી;

પ્રિયાને પામન્તાં કુદરત બધી પામીશ નકી,

જહીં ઈષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની. ૮

છતાં હાવાં હૈયું પળપળ અધીરું ટમટમે,

સ્મૃતિનું ચિત્રે આ હૃદય પર કો ના સ્થિર રહે;

હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને,

તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે? ૯

વહે હૈયું મારું : અધિક નદ કોઈ નવ વહ્યો,

અને આ દા’ઢો તો ગતિ નિજ તજી સ્થિર જ થયો;

ઉડી જાણે જાશે મુજ રુધિર આ એક ભડકે,

ઉડું? ના ઉડાતું? ઝડપું ક્ષણ તે? તે નવ બને! ૧૦

૬-૧ર-૧૮૯૮

૩૭. નવો સૈકો

લક્ષ્મી તણાં અમર પદ્મની આસપાસ,

ફૂટી ખીલી ખરી જતી કંઈ પાંખડીઓ;

વર્ષો તણાં શતક તેમ અનન્તતામાં

ફૂટી ખલી ખરી જવા વહતાં હજારો. ૧

ફૂટે, ખીલે, ખરી પડે કંઈ પાંખડીઓ,

ક્ષીરાબ્ધિનું કુસુમ એક જ લ્હેર મ્હાણે;

ત્યાં ભૃંગ જેય ચકચૂર સુધા મહીં તે,

આ પાંખડી ફૂટી ખરી ન ગણે, ન જાણે. ર

આત્મા અધિપતિ મધુપ અનન્તતાનો,

આત્મા અમીઝરણના રસનો વિહારી;

આત્મા ગણે નહિ જ તે યુગને-ક્ષણોને,

ક્યાં દેશકાલ? સઘળે જ વસન્ત જામી! ૩

ક્યાં શીત ઉષ્ણ? સઘળે જ વસન્ત છાઈ,

ફેલે પરાગ સહુ એક જ ભૃંગ કાજે;

તેને ક્યું નવલ છે ફૂલ અર્પવાનું?

આશિષ આ ઉછળતી પણ કોણ માટે? ૪

એ ભૃંગના જ સહુ વારસ છો અહીંયાં,

એ પદ્મની મધુરતા બધી વારસો છે;

ગુંજો ઉડો સુખથી સૌ જ પ્રવાસમાં આ,

યાત્રા પવિત્ર રમણીય સ્થલે સ્થલે છે. પ

વ્હાલાં સખા, સખી, સહોદર, બાલ ભોળાં;

લક્ષ્મી તણા કુસુમના મધુનાં વિહારી!

ઈચ્છું કયું નવીન હું સુખ સૌ તમોને,

આ બેસતું શતક વર્ષ તણું બતાવી? ૬

જાણું નહીં અશુભ શું, શુભ શું હશે તે,

જાણું નહીં અહિત શું, હિત શું હશે વા;

જાણું નહીં સુખ સુખે હથવા દુઃખે તે,

શું ઈચ્છવું, નહિ જ એ પણ જાણતો વા. ૭

જાણું પરંતુ, રસનાં સહુ છો વિહારી,

જાણું વળી કુસુમ એક જ છે રસાળું;

છો જે તમે કુસુમનાં કુસુમે રહો એ,

એ ભાગ્ય, એ જ હિત, એ શુભ ઈચ્છવાનું. ૮

સેવા ધરું નવીન શી ચરણારવિન્દે?

ગૂંથી ક્યાં કુસુમનો લઈ હાર આપું?

લક્ષ્મી તણા સુમન પાસ ફૂલો લજાતાં,

સ્વામી ધરે સહુ જ, ત્યાં કયી ભેટ લાવું? ૯

લાવી ધરું હૃદય તો પણ આ તમોને,

લાવી ધરું હૃદય તે નિજ સાથ લેજો;

પીજો પિવાડી મધુ અમૃત પુષ્પનું સૌ,

બીજું ધરે પ્રભુજી તે લઈ મગ્ન ર્‌હેજો! ૧૦

ઈ. ૧૯૦૦

૩૮. સારસી

મીઠા દીર્ઘ ધ્વનિ વતી વન બધું હર્ષે ભરે કોકિલા,

ઝીણી વાંસળી શા સ્વરો સુખભર્યા ચંડોળ આલાપતાં;

ખિસ્કોલી તરુના મહાન વિટપે ઝૂકી રહી ત્યાં કૂદે,

ને રંગીન શુકો ઘણા મધુરવા આકાશ ઉડી રહે! ૧

આવી આનંદ-વેળાએ બિચારું કોણ આ દુઃખી?

હશે એ પ્રેમનું માર્યું હૈયું કોઈ રહ્યું તપી! ર

ગંભીર નાદ કરતી સરિતા વહે છે,

સીંચી જલે પુલિન શીતલ એ કરે છે;

ત્યાં દીન સારસી ઉભી જલપૂર નેત્રે,

સૂની, અરે! શિર નમાવી રહી રડે એ! ૩

આહોહો! પાંખ પ્રીતિની તેની તૂ૭ી ગઈ દીસે,

આવું આ પક્ષી, તેનેયે આવી પીડા ખરી, અરે! ૪

રે રે! તેનો પ્રિયતમ તહીં પાદ પાસે પડ્યો છે,

પ્હોળી પાંખો શિથિલ બની છે મૃત્યુનો હસ્ત લાગ્યે;

પારાધીએ હૃદય પર હા! તીર માર્યું દીસે છે,

ખૂંચ્યું છે ત્યાં રુધિર વહતું બંધ હાવાં થયું છે. પ

જીવવું જીવ લેઈને, આંહીં એવી દીસે રીતિ!

કોઈને દુઃખ દેવાથી તૃપ્તિ કેમ હશે થતી? ૬

મૂકી ગયો ક્યમ શિકાર હશે શિકારી?

આવી હશે દિલ દયા કંઈ સારસીની?

બચ્ચાં અને પતિ-પ્રિયા તણી એ ઘડીની

નાસ્યો હશે હૃદયચીરતી ચીસ સુણી? ૭

ગાળે છે પ્રેમનાં અશ્રુ વજ્ર જેવાંય દિલને;

કો વેળા પારધીનેયે પ્રેમનો દંશ લાગતો. ૮

આવું આવું નીરખી દિલમાં કાંઈ કેવુંય થાય,

કેવો છે રે રુદનમય આ ક્રૂર દેખાવ, હાય!

નાનાં બચ્ચાં ટળવળી રહી માત સામું જુએ છે,

ને પંપાળે નિજ જનકના કંઠને ચંચુથી એ. ૯

હજુ તો ખેલવા પૂરું શીખ્યાં આ નથી બાલુડાં,

રે! શું મૃત્યુને જાણે ભોળાં આ લઘુ પંખીડાં? ૧૦

દુઃખ સહુ ઉડી જાશે કાલ આ બાલકોનાં,

રમતગમત માંહી હર્ષ લેશે ફરી આ;

પણ ઝૂરી મરશે રે સારસી બાપડી તો,

જખમ નહિ રુઝાશે પ્રેમનો કારી લાગ્યો. ૧૧

પ્રેમીએ પ્રેમી જાતાં તો બીજાથી પ્રેમ જોડવો;

આવું કાં ન કકે સૌ, એ પ્રેમી જોકે મળે ખરો? ૧ર

જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો;

બંનેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો. ૧૩

અઢેલી બાઝીને તરુ સહ રહે ખીલતી લતા,

દઈ પુષ્પો પ્રેમે લઈ રસ જીવે છે પ્રણયમાં;

સુખી આવા દહાડા સરકી કંઈ જાતા રમતમાં,

અને એ વેલીને મરણપડદામાં લઈ જતા, ૧૪

મરેલી વેલીનું સ્મરણ નવ ભૂલે તરુ કદી,

અને પ્રેમી ગાળે દિવસ દુઃખના કૈં રડી રડી;

પરંતુ ચાંપે છે હૃદય પર બીજી લઈ લતા,

અને પ્રેમે રેડે મધુર રસ તેના હૃદયમાં. ૧પ

ધીમે ધીમે આવું તરું થઈ જઈ વૃદ્ધ મરતું,

અને વેલી પેલી રુદન કરતી કૈં દુઃખભર્યું;

છતાં ટેકો બીજા તરુ પર લઈનેય જીવતી,

અને આપી પુષ્પો જીવિત નિજ તે પૂર્ણ કરતી. ૧૬

ન કિન્તુ સારસી આ તો, આવો માર્ગ કદી ગ્રહે;

એકને દિલ અર્પ્યું તે, બીજા કોનું નહીં બને, ૧૭

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી;

કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી. ૧૮

ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,

નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને;

રસ દઈ લઈ લીધો ઈશ્વરે છીનવી તો,

હૃદયહીણ બિચારાં પ્રેમીને મૃત્યુ આપો. ૧૯

પ્રેમીનો હોય બેલી કો, તો આનું કૈ થવું ઘટે;

પામે છે ત્રાસ મારો તો, આત્મા આ દુઃખ જોઈને. ર૦

ત્યાં કાંઈ આ વન મહીં હિલચાલ થાય,

પક્ષી બધાં ઉડી ઉડી અહીં શાં તણાય!

સર્પો, હરિણ, સસલાં, સહુ દોડી આવે,

લાંબો ધ્વનિ ભયભર્યો શ્રવણે પડે છે. ર૧

ઉલ્કાપાત થયો કાંઈ હશે આ વનની મહીં;

પ્રતીતિ થાય છે એવી, જોઈ આ ગતિ સૌ તણી. રર

હા! અગ્નિ ત્યાં સળગી ઘાસ પ્રજાળતો રે,

વૃક્ષો તણાં કૂંપળ બાળી ઉડાડતો તે;

ભૂખ્યો ધસી જીવ અનેક ગળી જતો તે,

દિશા બધી ધૂમ વતી છવરાવી દે છે. ર૩

વ્હાલો છે જીવ પોતાનો, વ્હાલાંથીય વધુ અરે!

નાસે છે સિંહ પેલો ત્યાં, સૂતી સિંહણ છોડીને. ર૪

પણ અડગ સમાધિ સારસીની ન છૂટે,

મરણશરણ જાવું હર્ષ તેને દીસે છે;

ભડભડ થાતી અગ્નિની ઝાળ આવી,

બળી મરી પ્રિય સાથે સારસી પ્રેમઘેલી! રપ

દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી;

અરે! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી? ર૬

૩૯. ગ્રામ્ય માતા

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,

ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;

ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,

જે ઉત્સાહ ભરી દીસે શુક ઉડે ગાતાં મીઠાં ગીતડાં! ૧

મધુર સમય તેવે ખેતરે શેલડીના,

રમત કૃષીવલોનાં બાલ નાનાં કરે છે૩

કમલવત્‌ ગણીને બાલના ગાલ રાતા,

રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. ર

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી;

અહો કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે! ૩

ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે,

એ અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;

ટોળે વળી મુખ વિકાસી ઉભાં રહીને,

તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં. ૪

ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,

વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;

ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને

જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. પ

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;

કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઉભો ૬

લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને બોલીને

અશ્વેથી ઉતરી યુવાન ઉભીને ચારે દિશાએ જુએ;

મીઠો છે રસ ભાઈ! શેલડી તણો એવું દયાથી કહી,

માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઉભી શેલડી. ૭

પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા,

છૂરી વતી જરીક કાતળી એક કાપી;

ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,

ને કૈં વિચાર કરતો નર તે ગયો પી. ૮

બીજું પ્યાલું ભરી દે ને, હજુ છે મુજને તૃષા;

કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. ૯

કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની,

એકે બિન્દુ પણ રસ તણું કેમ હાંવાં પડે ના?

શું કોપ્યો કે પ્રભુ મુજ પરે? આંખમાં આંસુ લાવી,

બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં. ૧૦

રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;

નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ૧૧

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને

માતા તણે પગ પડી ઉઠીને કહે છેઃ

એ હું જ છું નૃપ, મને માફ, બાઈ,

એ હું જ છું નૃપ, મને કર માફ, ઈશ! ૧ર

પીતો’તો રસ મિષ્ટ હું, પ્રભુ અરે; ત્યારે જ ધાર્યું હતું,

આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે એવી ધરા છે અહીંઃ

છે તોયે મુજ ભાગ કૈં નહિ સમો તે હું વધારું હવે,

શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? ૧૩

રસે હવે દે ભરી પાત્ર, બાઈ!

પ્રભુકૃપાએ નકી એ ભરાશે;

સુખી રહે બાઈ! સુખી રહો સૌ,

તમારી તો આશિષ માત્ર માગું. ૧૪

પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા,

છૂરી વતી જરી જ કાતળી એક કાપી૩

ત્યાં સેશ છૂટી રસની ભરી પાત્ર દેવા,

બ્હોળો વહે રસ, અહો! છલકાવી પ્યાલું! ૧પ

૧૪-૧૦-૧૮૯પ

૪૦. બિલ્વમંગલ

છૂપી ઉંઘે ઘનપડ મહીં તારલા વ્યોમઅંકે,

નિદ્રા મીઠી ગિરિ નદી અને વિશ્વ આખુંય લે છે;

ને રૂપેરી શ્રમિત દીસતી વીજળી એક સ્થાને

સૂતી સૂતી હસતી મધુરું સ્વપ્ન માહીં દીસે છે. ૧

આવી રાતે ધ્વનિ કરી મહા શ્યામ વ્હેતી યમુના,

તેના બ્હોળા જલ ઉપરની ભેખડે કોણ છે આ?

કૂદી નીચે જલ સમીપ તે માનવી આવી ઉભું,

ને શોધે છે કંઈ, પણ કશું હાથ તેને ન આવ્યું. ર

એવામાં ત્યાં શબ જલ પરે કોઈ આવે તણાતું,

હોડી તેને સમજી જલદી જોરથી ઝાલી લીધું;

ને આ ચાલ્યો પુરુષ તરતો ઉપરે તેની બેસી,

હર્ષે બોલ્યો, પ્રિય! નકી થશે આ જો આશ પૂરી. ૩

ત્યાં તો અભ્રે ધવલ ભડકા વીજળીએ કર્યા શા!

તેથી સર્વે તરુ નદી અને પ્હાડ તેજે છવાયાં;

ગાજી ઉઠ્યું ચમકી વન આ મેઘની ગર્જનાથી,

નિદ્રામાંથી મયૂર ટહુક્યા હર્ષથી જાગી ઉઠી! ૪

છો ઉડીને મયૂર ટહુકે, પ્હાડ ગાજે ભલે ને,

તેમાંથી તે મગજ નરનું કોઈથીયે ન જાગે૩

દૃષ્ટિ તેની શબ પર હતી તોય જોઈ શકે ના,

છોને આખું જગત સળગી વીજળીથી બહે આ! પ

તેની પત્ની હૃદયવિભૂતિ સ્નેહની જે સરિતા,

તેની પાસે જિગર ઘસડી જાય છે લેઈ હાવાં,

આલેખાયું હૃદયપટમાં ચિત્ર વ્હાલી તણું છે,

અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહ્યું છે. ૬

દોરાતો આ પ્રિયજન કને આમ આશા ધરીને;

પહોંચી ઉભો શબ ઉપરથી ઉતરીને કિનારે;

પાસે મૂકી મૃત શરીરને મસ્ત, પ્રેમી વદે છેઃ -

દીવા મારી પ્રિય સખી તથા ઓરડાના દીસે તે. ૭

અન્ધારામાં ત્વરિત પગલે ડોલતો ચાલતો આ,

આવી પહોંચી પ્રિયગૃહ કને જોઈ ઉંચે ઉભો ત્યાં;

ગોખેથી ત્યાં લટકી ઝૂલતું કાંઈ દોરી સમું છે,

ઝાલી તેને ઉપર ચડીને ગોખમાંહી ઉભો તે. ૮

દીઠી તેને, હૃદય ધડકે જેમ ચિરાઈ જાતું,

દીઠી તેને, અવયવ બધા પીંગળી જાય છે શું?

દીસે તેને ચકર ફરતો કંપતો ઓરડો એ;

કામી પ્રેમી અનિમિષ રહી પ્યારીને નીરખે છે! ૯

જોઈ લેજે ફરી ફરી સુખે પ્રેમનું સ્થાન પ્રેમે,

આવી મીઠી સુખની વખતે કોઈ વેળા ન આવે;

આવી પ્રીતિ તુજ ન વખતે હોય કાલે પ્રભાતે,

આ આશાનું મધુ સુખ તો આજ ઉડી જ જાશે. ૧૦

જોઈ લેજે, ફરી ફરી ભલે દૂરથી જોઈ લેજે.

ઈચ્છે તેવું સુખ અનુભવી આજની રાત લેજે;

તારે માટે દિવસ ઉગતાં કાંઈ જુદું જ ભાગ્ય,

તારો નિર્મ્યો કરુણ પ્રભુએ કાંઈ જુદો જ માર્ગ! ૧૧

જોને તારી યુવતી રમણી શાન્ત નિદ્રસ્થ આ છે,

ને વેલી શું શરીર સુખમાં શાંત શય્યા પરે છે;

નિદ્રા મીઠી કર સુખભર્યા ફેરવે છે કપાલે,

શું. મૃત્યુથી કબજ થઈને અંગ સર્વે ઢળ્યાં છે? ૧ર

નિદ્રાનું આ સુખ ત્યજી દઈ ઉઠીને, સુંદરી, તું,

ચાંપી લેને હૃદયે હૃદયે મિત્રનું, સુંદરી, તું;

એ હૈયાનો રસ તુજ પરે ખૂબ વર્ષી રહ્યો છે,

રાત્રિના બે પ્રહર સુખમાં પૂર્ણ માણી હવે લે! ૧૩

આ રાત્રિમાં તુજ પ્રિય કને મીઠડાં ગીત ગાવાં,

તારે તેની જરૂર કરવી આજ તો તૃપ્ત આશા;

તારે કાંઈ મધુર સુખમાં આજ છે ઝૂલવાનું,

કાલે તો કો નવીન રસના સિંધુમાં ડૂબવાનું. ૧૪

પેલો કામી પુરુષ હજુ ત્યાં ગોખ માંહી ઉભો છે,

તેનાં કામી પ્રણયી નયનો પ્રેમીને નીરખે છે;

ત્યાં દીવામાં ચડચડી મર્યું એક ભોળું પતંગ,

જોવા લાગ્યો સ્થિર નયનને ફેરવી ત્યાં યુવાન. ૧પ

બોલી ઉઠ્યો, અહહહ પ્રભુ! સ્નેહની આ દશા શી?

ઓહો કર્તા! તુજ કરણીમાં આવી તે ક્રૂરતા શી?

પ્રેમી ભોક્તા પ્રણયી હૃદયે ભોજ્યની પાસ આવે,

તે ભોક્તાનું જિગર કુમળું ભોજ્ય તે કેમ બાળે? ૧૬

કાંઈ મીઠુ સુખ નકી હશે પ્રેમીને બાળવામાં,

ને કૈં તેથી વધુ સુખ હશે પ્રેમીને દાઝવામાં,

બાળી દે તો પ્રિય સખી મને! એટલું બોલી દોડી,

સૂતેલીના હૃદય સહ તે ધ્રુજતી છાતી ચાંપી! ૧૭

જાગી બોલી ચમકી લલના, જીવના જીવ મારા,

શું અત્યારે તુજ સખી કને આમ આવ્યો જ વ્હાલા!

ને બંનેય હૃદય ધડક્યાં સાથસાથે દબાઈ,

ભાને ભૂલી પ્રણયી સુખિયાં શાંત પામ્યાં સમાધિ. ૧૮

આ બંનેની દૃઢ ક્ષણ મહીં છૂટશે ગ્રંથિ, હાય!

કેવો મીઠો સમય સુખનો, તોય કેવો ક્ષણિક!

જૂનાં થાતાં મધુર સુખડાં ચિત્ત શોધે નવાંને,

ને આશામાં વખત સઘળો આમ પ્રેમી ગુમાવે! ૧૯

સ્થાયી ક્યાંયે સુખ નવ મળે, સ્થાયી આશા ન ક્યાંયે,

રે સંધ્યાની સુરખીવત્‌ સૌ સ્નેહના રંગ ભાસે;

ને આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના?

રે! તોયે સૌ હૃદય ધરતાં તૃપ્તિની કેમ આશા? ર૦

જે છે તે છે સુખદુઃખ અને તૃપ્તિ-આશા અહીં તો,

જે પામો તે અનુભવી સુખે સ્નેહી લેજો તમે તો;

સંયોગી આ સુભગ દિલડાં! તૃપ્તિનું આજ લ્હાણું,

ઉઠો, ઉઠો, અતિ સુખ મહીં ભાન ના ભૂલવાનું. ર૧

ધીમે અર્ધી રવિકર વતી પોયણી જેમ ખીલે,

બન્ને તેવી મૃગનયનીની આંખડી ઉઘડે છે;

તે આંખો તો પીયૂષ પિયુનાં અંગને લેપી દેતી,

એ આંખોમાં વશીકરણ શી પ્રેમમૂર્છા વહેતી! રર

ને ઘેરાતાં નયન પિયુનાં ઉઘડ્યાં દીર્ઘ સ્નિગ્ધ,

અર્પી દેતાં હૃદય પ્રિયના પાદમાં જેમ હોય;

પી લેઈને શરીર પ્રિયનું નેત્રાી નેત્ર ચોંટ્યા,

મીઠા ભાવે રતિમય તહીં પૂર્ણ સત્કાર પામ્યાં. ર૩

એ દૃષ્ટિના અમીઝરણમાં ગાન દૈવી ગવાતું,

બન્ને આત્મા રસમય થતાં ઐક્યનું પાન થાતું;

એ દૃષ્ટિમાં લય થઈ ગઈ વિશ્વની સૌ ઉપાધિ,

વેળા વહેતી સતત ગતિએ તેમ ત્યાં સ્તંભી ઉભી. ર૪

ના ના, રે રે ! વખતનદ તો જાય ચાલ્યો સપાટે;

તે રોકાતો પલ પણ નહીં પ્રેમીનાં કાર્ય માટે;

બિચારાંની સફળ ઘડી એ લેશના દીર્ઘ થાતી,

ઓહો! એ તો જલદી જલદી આવી કે ઉડી જાતી! રપ

જ્યારે બન્ને રસમય દિલો સાથસાથે દબાયાં,

ત્યારે તેના ગૃહ ઉપર કૈં વાળદાં દોડતાં’તાં

ને હાવાં તો ઘનદલ સહુ વીખરાઈ ગયાં છે,

તારા સાથે શશી ચળકતો પશ્ચિમે ઉતરે છે. ર૬

ઓહો! મીઠું જરૂર દીસતું તૃપ્તિનું આજ લ્હાણું,

કેવું ઘેલું કૂદી કૂદી ઉડી ગીત ગાતું ચકોરું!

કેવાં નાચી પ્રતિવીચિ ઉરે ચન્દ્રનું બિમ્બ ધારે,

ને વાયુના અધર ફરકે પુષ્પના ઓષ્ઠ સાથે! ર૭

હિમે ઢાંક્યા ગિરિવર તણા શૃંગશૃંગે શશી છે,

ને ગુલ્મોના પ્રતિફૂલઉરે ભૃંગ બાઝી રહ્યા છે;

આજે ક્યાંયે વિરહદુઃખનાં મ્લાનિ કે અશ્રુ છે ના,

ક્યાંયે છે ના જગત પરની સર્વવ્યાપી કટુતા. ર૮

પૂર્વે લાલી ચળકતી દીસે આભમાં કેસુંડાં શી,

જે જોઈને કલરવ કરી ઉઠતાં કૈંક પક્ષી;

પિયુ સાથે શયન કરતી સાંભળી સુંદરી તે

બોલી, મારા પ્રિયતમ! ગઈ રાત્રિ ચાલી, અરેરે! ર૯

આહા! અન્તે જનહૃદયને બોલવાનું અરેરે!

કંપી રહેતાં જિગર સુખમાં ઉષ્ણ નિઃશ્વાસ આવે;

આંસુડાં જ્યાં નયન પરથી હર્ષનાં ના સુકાયાં,

ત્યાં તો નેત્રો દુઃખમય બને આંસુની ધારવાળાં! ૩૦

ચોંટી મ્લાનિ પિયુહૃદયને સાંભળી તે અરેરે,

ને અંગોમાં દુઃખમય અરે મ્લાનિની સુસ્તી આવે;

ફેંકી દૃષ્ટિ અતિ દુઃખભરી પ્યાલીના નેત્ર સામે,

જે દૃષ્ટિમાં દુઃખમય અમી વ્હાલનું વર્ષી રહે છે. ૩૧

બન્ને ઉઠી શિથિલ પગલે ગોખમાં આવી ઉભાં,

ભારે હૈયે કુદરત તણું શાન્ત સૌંદર્ય જોતાં;

ઉગે છે ત્યાં ઝળહળ થતો પૂર્વમાં લાલ ગોળો,

નાચી રહે છે કિરણ સલિલે રેડતાં રંગ રાતો. ૩ર

કેવું, વ્હાલા! ખૂબસૂરત છે વિશ્વનું રૂપ ભવ્ય!

નાચે કેવો સુખમય તહીં ઢેલ સાથે મયૂર!

અશ્રુ ઝીલે પ્રિયતમ કને હેતથી તે મયૂરી,

ને તે દે છે મયૂર પ્રણયી પ્રેમની ચીસ પાડી. ૩૩

ચુમ્બી અશ્રુ તુજ પ્રિય સખે! ગાલથી લૂછી નાખું,

જાવું ના, ના, મુજ સહ રહે, એટલું નાથ! યાચું;

બોલી એ, ત્યાં નજર યમુનાતીર પાસે પડે છે,

ને ત્યાં પેલું શબ નીરખતાં નાથને એ પૂછે છેઃ ૩૪

જોને, વ્હાલા! મૃત શરીર કો કેમ ત્યાં છે પડેલું?

રે રે ! શું ના જગત પર છે કોઈયે મિત્ર તેનું?

રોવા તેને જગ પર નથી, કોઈ ના દાહ દેવા!

વ્હાલા, તેનું સુખમય હશે મૃતયુ કેવું થયું હા! ૩પ

જોઈ તેને પ્રણયી વદતો શાન્તગંભીર વાણીઃ

હું આવ્યો છું ઉતરી યમુના રાત્રિએ હોડી માની!

વ્હાલી તે એ શબ જરૂર છે, મિત્ર તેનો બનું હું,

ચાલો તેને નદીતટ જઈ અગ્નિનો દાહ દેશું. ૩૬

આભારે કે પ્રણય ઉભરે શીર્ષ નીચું નમાવે,

ને પ્યારાના હૃદય સહ એ સુન્દરી ગાલ ચાંપે;

ત્યાં તો વ્હાલા! સરપ લટકે ગોખની બારીએ છે!

બોલી એવું કૂદી પડી નીચે સુન્દરી ગાભરી એ. ૩૭

જોઈ તેને પ્રિયતમ કહે ઉરથી ઉર ચાંપી :-

આવ્યો હું તો ઉપર ચડી એ સાપને દોરી માની!

સુણી આવું ચકિત થઈને મૂક વિચારતી કૈં,

ચિન્તાવાળાં સજલ નયને સ્વામીને જોઈ રહેતી. ૩૮

ત્યાં હોલાયે છત ઉપરથી ઝૂલતો એક દીવો,

હાંડીમાંથી સરકી નીકળ્યો ધૂમ્રનો શ્યામ ગોટો;

તે જોઈને દૃઢ થઈ જરા ઉચ્ચરે આમ શ્યામાઃ

મારા વ્હાલા! સુર! હૃદયથી દાસ તું ઈશનો થા! ૩૯

ફાની છે આ જગત સઘળું, અન્ત આ જીવવાને,

જે છે તે ના ટકી કદી રહે સર્વદાકાલ ક્યાંયે;

શોધી લેને પ્રિય, પ્રિય સખે! સર્વદા જે રહેશે,

આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દેને! ૪૦

હું તારી ને મુજ પણ સખે! પ્રેમી આ દિલ તારું :

તે જાણીને હૃદય મમ તો આજ ચિરાઈ જાતું;

તારું તે ના તુજ રહી શકે, તૂટશે સર્વ મારું,

માટે છોડી તુજ મુજ હવે, દાસ થા ઈશનો તું! ૪૧

આ દીવો જો તુજ ગૃહ બધું તેજથી પૂરી દેતો,

દીપ્તિહીણો તિમિરમય છે ધૂમ્ર તો અંત તેનો;

ભોળા તારા હૃદય સહ આ પ્રેમનું જે શરીર,

તેનો વાયુ વતી ઉડી જતી આખરે અંત ખાક! ૪ર

શું છે હુંમાં? સુખરૂપ તને દેહ આ ન થવાની,

વહાલા! તેને મરણ પછી તો કાષ્ઠમાં બાળવાની;

ટેકો જ્યારે તુજ હૃદયનો કોઈ ક્યાંયે ન રહેશે,

રોતાં ત્યારે જીવિત સઘળું પૂર્ણ તે કેમ થાશે? ૪૩

તૈયારી તું પ્રિયતમ! કરી મૃત્યુની લે અગાડી;

ને મારો તું કર ગ્રહી મને સાથ લેને ઉપાડી;

તોડી ભીંતો તિમિરગઢની દિવય્‌ સ્થાને ઉડી જા,

ને તે માટે સુર! હૃદયથી દાસ તું ઈશનો થા. ૪૪

તેં શિખાવ્યો રસ ઉર ભરી પ્રેમ સંસારનો જો.

દોરી જા તું મુજ ઉર હવે દૂર સંસારથી તો;

શું શિખાવું? શીખવ મુજને પ્રેમ વૈરાગ્યમાં તું,

જાગી ચેતી ઉઠ ઉઠ હવે, ઉંઘ વા સર્વદા તું! ૪પ

ઉંડું ઉંડું હૃદય ઉતરી સાંભળી આ રહ્યું’તું,

ને પ્રેમીના મગજ ઉપરે ઉષ્ણ લોહી ફરંતું.

નિદ્રામાંથી દિવસ ઉગતાં ઉઠતો જેમ હોય,

રાતું તેનું મુખ ત્યમ દીસે શાન્ત ગંભીર ભવ્ય! ૪૬

દૃષ્ટિ ફેંકી પ્રિયમુખ ભણી પ્રેમઔદાર્યભીની,

બોલ્યો વાણી ગદ્‌ગદ થઈ મેઘની ગર્જના શીઃ

રે કલ્યાણી!સખી!ગુરૂ!પ્રિયે! પ્રેમની દિવ્ય જ્યોતિ!

તારે પન્થે વિહરીશ હવે જાળજંજાળ તોડી! ૪૭

સંસારીને શીખવીશ હવે સ્નેહ, વૈરાગ્ય, ભક્તિ,

ને અંતે હું મરીશ સુખમાં ઈશનું નામ બોલી;

ચાલો, ચાલો, નદીતટ પરે ઝૂંપડી બાંધશું, ને

વહાલા મારા પરમ પ્રભુનાં ગીત ગાશું જ પ્રેમે! ૪૮

શૃંગારી આ હૃદય તુજ ક્યાં? શાંત વૈરાગ્ય તે ક્યાં?

સંસારી આ તુજ હૃદયમાં જ્ઞાનનું ઉગવું ક્યાં?

શું વિચારું? મુજ મગજ તો બ્હાવરું આ બને છે,

શું વિચારું? મુજ હૃદયમાં આંસુડાં ઉભરે છે! ૪૯

જન્મ ને જીવનાં કૃત્યો છે આકસ્મિક સૌ અરે!

પાસા ફેંકે જેનો સર્વે, દા દેવો હરિહાથ છે;

કરું છું ને કર્યું છે મેં, જૂઠું એ અભિમાન હા!

કરી તે શું શકે પ્રાણી, આ અનંત અગાધમાં? પ૦

પણ પિયુકરમાં લટકી પડી,

નહિ, પિયુ! લવતી રહી સુન્દરી!

પિયુ રહ્યો મુખ એ નીરખી, અને

જલ તણી ઝરી પાંપણને ભરે! પ૧

૩૦-૧૧-૧૮૯પ

૪૧. વીણાનો મૃગ

ઉગતા સૂર્યની સામે આવે છે મૃગ દોડતો;

ઉતરે બાગમાં હાવાં ફલંગે ગઢ કૂદતો. ૧

વીણા તણો નાદ તહીં સુણાય,

આનંદલ્હેરે અનિલો ભરાય;

ઝૂલે ફૂલો એ કંઈ તાલમાં ત્યાં,

વસંતલીલા સ્વર બેવડી રહ્યા. ર

ભીતિ કશી એ મૃગને દીસે ના,

પિછાન જૂની સ્થલની નકી આ;

નમાવી શૃંગો ચળ પીઠમાં કરે,

યથેચ્છ પર્ણો તરુનાં જરા ચરે. ૩

ઉડી રહ્યો છે જલનો ફુવારો,

હોજે તરે રંગીન માછલીઓ;

ત્યાં કાન માંડી મૃગ તે ઢળે છે,

જરા નમીને જલ એ પીએ છે. ૪

પાસેથી ત્યાં તો સ્વર દિવ્ય આવ્યા,

વાયુ તણી લ્હેર મહીં ગૂંથાયા;

કૂદી ઉમંગે ચમકાવી કર્ણો,

સ્વરો ભણી એ મૃગ દોડતો ગયો. પ

હીંચકે ખાટમાં બેઠી કુંજમાં દિવ્ય સુંદરી;

બીનની મીંડ મીઠીમાં એ છે છેક ગળ ગઈ. ૬

દીસે અંગો નાનાં હૃદયમય કે તાનમય શાં!

લતા શા ડોલે છે કટિ ઉપરના સૌ અવયવો;

અહા! કાળા ઝૂલે કમર પર એ વાળ સઘળા,

દીસે તારા જેવા ચકચકિત શાં સ્નિગ્ધ નયનો. ૭

મળી છે શું આહીં જગત પરની સૌ મધુરતા,

અહીં વેળાનું ના કરવત ઘસાતું નકી હશે;

ગ્રહો, તારા, ભાનુ, જરૂર ક્ષણ આંહીં અટકતા,

સ્વરોની દેવીનાં નમી નમી અહીં દર્શન કરે! ૮

દૂર આવતો દોડી વ્હાલો એ મૃગ જોઈને,

કન્યા તે હસ્ત લંબાવી હેતથી આવકાર દે. ૯

આનંદભીનાં નયને નિહાળી,

પંપાળતી તે મૃગને કરેથી;

દાસત્વ મીઠું મૃગમાં દીસે છે,

પ્રેમાળ ભીનાં નયને વસે છે. ૧૦

પછી વીણાતારો મધુર સ્વર દૈવી જગવતા,

હવામાં નાચંતી સ્વરથી કંઈ મૂર્તિ ખડી કરે;

જડી જાણે રાખે નયન મૃદુ કન્યા મૃગ પરે,

અને એ ચ્હેરામાં નવીન કંઈ ભાવો પલટતા. ૧૧

મૃગેયે ભાસેછે વશ થઈ જતો કેગ ળી જતો,

જરા ડોલે શૃંગો વળી અરધ મીંચ્યાં નયન છે;

નિસાસા લેતો એ મૃગ હૃદય જાણે ઠલવતો,

અને કન્યાશિરે રસમય અભિષેક કરતો. ૧ર

અહો! ક્યારે ક્યારે થનનથન નાચી કૂદી રહે,

વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે;

ફરે વીણા તેવાં હૃદય, નયનો, અંગ ફરતાં,

દીસે બંને આત્મા અનુભવી રહ્યા એકમયતા. ૧૩

પ્રભાતકાલે મૃગ આમ આવતો,

વીણા સુણીને વનમાં ફરી જતો;

સ્વરો ન મીઠા મૃગ વિણ ઉઠતા,

સુખી થતી ના મૃગ વિણ કન્યકા. ૧૪

લગની કો લગાડે છે ઉરોની રસ-એકતા;

પશુ આ, માનવી આ, એ કાંઈ ભેદ ન પ્રેમને. ૧પ

દિનો કૈં આનંદે રસભર ગયા આમ વહતા,

સદા રહેતાં ધૂને મધુર સ્વરની આમ દિલ આ;

પ્રભાતે કોઈ એ પથિક ગઢ પાસે અટકતો,

ચડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ. ૧૬

તહીં ઉગ્યો છે હુજ અર્ધ ભાનુ,

નવીન રંગે નભ છે ભરેલું;

શુકો ઉઠે ગીત હજાર ગાઈ,

સહુ સ્થલે છે ભરપૂર શાંતિ, ૧૭

ઉદાસ શાંત સ્વર બીન છેડે,

ઉદાર ભાવો મૃગનેત્ર રેડે,

મચી રહી આર્દ્ર સ્વરોની હેલી,

મહાન આનન્દની રેલી રેલી. ૧૮

અરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં,

અરર, મૃગ બિચારો ઉછળીને પડે છે!

થર થર થર ધ્રૂજે કન્યકા ત્રાસ પામી,

શિથિલ કર થતાં એ બીન તૂટે પડીને. ૧૯

મૃગહૃદય મહીં છે તીર લાગ્યો, અરેરે!

ખળખળ ઢળતું, હા! રક્ત ભૂમિ પરે એ;

નયનજલ વીત એ કન્યકા ઘા ધુએ, ને

મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે. ર૦

મીંચાઈ એ જાતાં નયન દરદે બે ક્ષણ, અને

ઘડી કન્યા સામે રુદનમય એ શાં નીરખતાં!

અરે! છેલ્લે યાચે નિજ પ્રિય કને એક નઝરે,

વદે છે કૈં આવું નયન મૃદુ ચોંટી રહી હવેઃ ર૧

કરીને શીર્ષનું તુમ્બું, નેત્રની નખલી કરી,

બજાવી લે, બજાવી લે, તારું બીન હજી હજી!

કૃપા હોજો, દયા હોજો, પ્રભુની બીનતી પરે

અનુકૂળ સ્વરો મીઠા હજો આ તુજ હસ્તને! રર

કન્યા બિચારી દુખણી થઈને,

એ શીર્ષ ખોળે મૂકતી રડે છે;

ત્યાં પાછળેથી નર કોઈ આવે,

વાત્સલ્યભાવે વદતો જણાયેઃ ર૩

અયિ પુત્રી! શિકારી તો પાપી છે તુજ આ પિતા;

ભૂલી જા એ, બજાવી લે તારું બીન હવે જરા! ર૪

હૃદય સ્થિર નથી એ કન્યકા બાપડીનું,

નજર નવ કરે તે, કોણ આવ્યું ન આવ્યું;

પણ દૃઢ થઈ અંતે અશ્રુમાં તે ગળન્તી,

દરદમય છતાં એ કાંઈ મીઠું લવે છેઃ રપ

તુમ્બું તૂટી પડ્યું, અરે જિગરના ચીરા થયા છે, પિતા!

રે! આ સાંભળનાર ના જગતમાં, એવું થયું છે પિતા!

વીણા બન્ધ થયું, સ્વરો ઉડી ગયા, ખારી બની ઝિન્દગી;

સાથી ના જગમાં રહ્યો! પ્રભુ તણી આશિષ એવી મળી! ર૬

મૃત્યુને વશ આ કલા થઈ ગઈ! હુંયે બની મૃત્યુની;

આ સંસાર અસાર છે; અહહહા! એ શીખ આજે મળી;

વ્હાલાં, હાય, અરે અરે! જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં!

ભૂલોની જ પરંપરા જગત આ, એવું દીસે છે, પિતા! ર૭

ક્યાં શ્રદ્ધા! અહ! પ્રેમ ક્યાં? જગત આ આખું અકસ્માતનું,

જે પ્યાલું મૃગને મળ્યું મરણનું તે હુંય માગું, પ્રભુ!

જોઈ બે ઘડી આ લઉં મૃગ અને વીણા તૂટેલું, પિતા!

એ નિર્માણ અનન્તના જલ મહીં ડૂબે પછી હું, પિતા! ર૮

દિનો કૈં કન્યાના દરદમય, ઓહો! વહી ગયા,

ફર્યા છે એ ગાત્રો, મુખ પણ ફર્યું છેક જ, અરે!

હવે જો કોઈએ પથિક ગઢ પાસે અટકતો,

શિલા ત્યાં આ વાંચી કંઈક દુઃખમાં તે ડૂબી જતો : ર૯

કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,

કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં! ૩૦

૭-૧-૧૮૯૬

૪ર. ‘હૃદયત્રિપુટી’માંથી

અર્ધેક રાત્રિ વીતી ત્યાં આવ્યું સ્વપ્ન યુવાનને;

સ્વપ્નમાં ત્યાં રમા દીઠી, નિદ્રા લેતી સુશાન્તિમાં. ૧

વળી કોઈ મોટી ઉડતી દીઠી દેવી શિર પરે;

હતા તેના વાળો શિરથી પગ સુધી લટકતા,

હતી તીણી દૃષ્ટિ, મુખ પણ હતું સખ્ત દીસતું,

અને કાળી લાંબી લટકતી હતી દોરી કરમાં. ર

યુવાના બે કરો બાંધી, બોલી ક્રોધથી દેવી એ :

નામ મારું નીતિદેવી, કેદી તું મુજ છે બન્યો! ૩

એ સુણતાં ગૃહ મહીં પ્રકટ્યો ઉજાસ,

આકાશમાં લટકતું કંઈ સત્વ બીજું;

તેના પ્રકાશથી ગયો ઝટ બંધ તૂટી,

ને દેવી કેદી કરનાર ભળી હવામાં! ૪

આ પાંખનો નભ મહીં સુસવાટ વાગે,

પાંખો કને કબૂતરો ઉડતાં દીસે કંઈ!

તે શ્વેત છે કબૂતરો, વળી શ્વેત પાંખો,

ને શ્વેત વસ્ત્ર દીસતાં ઉડતાં હવામાં! પ

તે આસપાસ વીજળી સરખું કૂંડાળું,

કૈં કિરણોમય દીસે ચળકાટવાળું!

તેમાં દીસે પદ ગુલાબી ફૂલો સરીખાં,

જેમાંથી અમૃતઝરો ઝરતો અથાગ! ૬

તેના પડે શીકર સૂર્ય-શશી પરે, ને

તેના પડે શીકર તારક ને ગ્રહોમાં!

સ્ત્રીશું દીસે મુખ શશીવત્‌ સત્ત્વનું એ,

જેમાંથી ડોલર તણી ખુશબો વહે છે! ૭

પ્રીતિદેવી તહીં આવી, ઉભી યુવાનની કને;

એક હસ્તે ગ્રહ્યો હસ્ત, બીજો હસ્ત દિલે ધર્યો. ૮

તેના સ્પર્શથી અંગ નતે અવયવો કંપી રહ્યાં સૌ, અને

મીઠું ઘેન ચડી ગયું મગજમાં ને જીવ જુદો પડે!

દેવી પાંખ પસારી ઉડી ગઈ એ આત્મા લઈ સ્વર્ગમાં!

સામી આવતી દેખી ત્યાં હસમુખી તેની પ્રીયા શોભના! ૯

કુમારિકાનો કર એક લીધો,

લીધો વળી એક યુવાનનો, ને

જતી હસી દેવી કહે, સુપ્રેમી

બનો હવે એકરૂપે સુખેથી! ૧૦

રમા વળી આવતી આ ઉડીને,

ત્રણે દિલો એક જ આજ થાશે!

સદા રહેજો મમ રાજ્ય માંહી,

સુખી થશો! આશિષ મારી! બચ્ચાં! ૧૧

કિન્તુ વ્યગ્ર થઈ યુવાન નભમાં જોઈ રહ્યો બીકથી,

નીચી ઉતરતી રમા નભથી તે જોઈ કૂહે દેવીને :

હું ના અન્ય તણો બનું કદી, સખી! એ વેણ તૂટ્યું ગણી

નક્કી એ દુખણી બને હૃદય એ નક્કી ચિરાઈ જશે! ૧ર

જો ચોર! તું! કહી ઉડી ગઈ દેવી એ, ને

નીચે પડ્યો ગબડતો જીવ એ ડરીને!

સ્વપ્નું ગયું ઉડી, ગઈ વળી શાન્ત નિદ્રા,

હૈયું રહ્યું ધડકતું, ભય ને પીડાથી ૧૩

જુએ છે બાજુમાં તો ત્યાં રમા દીઠી સુખે સૂતી;

નિદ્રામાં તે હસી મીઠું, પ્રભુ! વ્હાલા! લવી જરી. ૧૪

૭-૪-૧૮૯૬

૪૩. ‘હમીરજી ગોહેલ’માંથી

સુગંધી વાયુની લ્હેરી, ઠંડી મંદ વહી જતી,

ચોપાસે માનવીનો કો’ આવે ના શ્રવણે ધ્વનિ. ૧

તહીં પૂર્વે ગોળો ક્ષિતિજ ઉપરે લાલ લટકે,

દિશાઓ પ્રાણી સૌ, ખડક, તરુ ત્યાંથી રસ ગ્રહે. ર

નભે ધારેલું કૈં મનહરપણું નૂતન દીસે,

હવા આછી-પીળી ગરક દીસતી ચમ્પકરજે. ૩

દીસે તાજું કાંઈ પ્રતિ ગતિ મહીં ને સ્વર મહીં,

નથી ક્યાં શાંતિ? આ ઘટ વન મહીં ના સુખ કહીં? ૪

અહીં આ કાસારે પગ પણ ધરું છું ડરી ડરી,

રખે આ શાંતિમાં રજ પણ થતો ધ્વંસ મુજથી! પ

તટે ચોપાસે છે મધુર કળી ખીલી કુસુમની,

તહીં પાંખે પાંખો લથબથ કરે છે શુક કંઈ;

અરીસો ધ્રૂજન્તાં કુદરત ધ્રુજાવે નિજ ઉરે,

અને તે ગોળોયે ખળખળ થતો ત્યાં ગતિ કરે. ૬

હવે ધીમે ધીમે જનપદ ફરે છે તટ પરે,

હવે ધીમે ધીમે રવિ પણ તરુને બથ ભરે;

હવે આ બિંદુડાં રજનીજલનાં ઘાસ ઉપરે

પ્રતાપી ભાનુને નિજ હૃદયનું અર્પણ કરે. ૭

તહીં સામે તીરે દિનકર તણી પાંખ સરખી;

ભરી લેવા વારિ યુવતી કંઈ આવે સ્તિતમુખી;

અહો! કેવું મીઠું સુરૂપ સુરૂપે ઐક્ય ધરતું!

વધાવી શી લેતી કુદરત દીસે કામિની સહુ! ૮

ધીમે ધીમે કોઈ સરસી હૃદયે હંસ તરતો,

હશે શું ગંગાનો બરફ કટકો કો’ સરકતો!

ગતિ માપેલીથી જરી જરી ધીરે નાજુક પગો,

ખરે! એ શાન્તિમાં રજ પણ થતાં ભંગ ડરતો! ૯

અહો! કેવું મીઠું કુદરત તણું આ રમકડું!

દીસે એ આનંદી પ્રણયમય ચૈતન્યમય શું!

પ્રદેશો આ સૌનો મગરૂર પતિ આમ ફરતો-

સરેથી, સૂર્યેથી કુદરતથી મીઠો રસ પીતો. ૧૦

આ હંસની ઉપર નેત્ર રસાળ કોઈ,

ચોંટી રહ્યાં પ્રણયથી બહુ કાળથી છે;

જયાં હંસ જાય તહીં પાછળ ચાલતાં તે,

કો’શાંતિની લહરીએ ગરકાવ થાતાં. ૧૧

છે શાન્ત, તોય નયનો અતિ ઉગ્ર ભાસે,

શોભે વિશાલ ભ્રમરે કરડાઈ દૈવી;

ઉત્સાહીમૂર્તિ રમણીય પ્રભાત કેરી -

તેવો જ રમ્ય, દૃઢ, આર્દ્ર યુવાન દીસે. ૧ર

ઝૂલે નીચે ખડ્‌ગ કેસરી શી કટિથી,

છે વામ હસ્ત દૃઢ મૂઠ પરે ઠરેલો;

એ ખડ્‌ગ એ જ કરને નકી યોગ્ય ભાસે,

ક્યાં મેઘમાળ વિણ વીજળી અન્ય સ્થાને? ૧૩

જે બાણ રામ કદીયે કરતા ન દૂરે,

તે બાણ દક્ષિણ કરે ચમકી રહ્યું છે;

છાતી વિશાલ, દૃઢ છે કવચે કસેલી -

જેની દરેક કડી સૂર્યથી ખેલ ખેલે. ૧૪

કો’ છેક મસ્ત વનમાં ફરનાર ગેંડો,

જેનો શિકાર શત તીર વતી થયેલો;

ઉચ્ચંડ તેની લટકી રહી ઢાલ પીઠે,

જ્યાં પંચ તારક સમાં ઝબકે ફળાં છે. ૧પ

ભાલે ત્રિપુંડ્ર વિભૂતિ તણું છે કરેલું,

છે ઓષ્ઠની ઉપર નૂતન ગાઢ મૂછો;

બીજો જ કોઈ શશી રમ્ય કલંકવાળો,

વા અન્ય કામ નકી વલ્લભ રુદ્રનો આ. ૧૬

આ સિંહ કો ગરીબડાં મૃગ પાળનારો

આ ખડ્‌ગ માત્ર યવનોશિર છેદનારું;

આ વીરનાં ભૂષણ ને મુખ વિશ્વ સાથે

મૈત્રી ધરી સુરસ ચિત્ર જમાવી દેતાં ૧૭

વિશ્વ છે વીરનું આખું, ના ક્યાં વીર ભળી શકે?

વીરને પૂજતું પ્રેમે આ બ્રહ્માંડ સ્થલે સ્થલે. ૧૮

આંહીં આમ હમીર આ કુદરતે નિઃસ્વાર્થ સ્વાદે ચડી,

જોતાં હંસ મહીંય એ રસિકતા આનન્દ પીતો હતો;

તેનું સૈન્ય પ્રયાણ કાજ હમણાં તૈયાર થાતું હતું,

જેના શબ્દ અનેક આ વન મહીં ઘૂંચાઈ ચાલ્યા જતા. ૧૯

લેઈ ભોજન, શસ્ત્ર લેઈ સઘળાં તૈયાર પોતે હતો,

કિંતુ, વિશ્વની સૌ ગતિ મગજ એ હાવાં ભૂલેલું હતું;

મૈત્રી હંસની સાથ એ જિગત તો સાધી હતું મ્હાલતું,

આનન્દી ઝરણું કરી નવીન કો’તેમાં રહ્યું ચાલતું. ર૦

વીજળી શો થયો આ શો ઝબકારો જલની મહીં?

ઉડતા હંસ ચોંકીને પાંખો એ નભમાં ચડી. ર૧

નેત્રો ઉડે હંસની સાથ ઉંચે,

આહા! તહીં કૈં વચમાં મધુરું!

ના ચાલતી આંખ હવે અગાડી,

જરા ચડી, ત્યાં જ ઠરી ગઈ તે. રર

માથે બ્હેડું લઈ ઉભી સામે કો નવયૌવના;

મુખે છે હસ્ત એ ન્હાનો ઝડી સ્વેદની લૂછવા. ર૩

એનું જ બિમ્બ જલમાં પડીને ઉડયું તું,

એથી જ વ્યર્થ ડરી હંસ ગયેલ ઉડી;

એ વીરનાં નયન એ જ ચડાવનારું,

લૂંટી જનાર દ્રવતું ઉર એ જ, એ, એ. ર૪

હંસ એ દૂર હૈયેથી હાવાં છેક થયો હતો;

ઉરે આ વીરને એ તો વસ્યો તે ન વસ્યો બન્યો. રપ

જેને નિહાળી નયન ઠરતાં હતાં ત્યાં,

તેનો જ હંસ બનવા દિલ હાલ ઈચ્છે;

તેના જ પાદ મહીં પાંખ પડી ગઈ સૌ,

તેને જ કાજ ઉરતખ્ત થયું જ ખાલી. ર૬

પાંખાળા પ્રિય હંસ! કેમ ઉડી તું આકાશ ચાલ્યો ગયો?

ત્હારાથી ઉપકાર જે થઈ શકે તે કેમ ચૂકી ગયો?

દેવી’તી તુજ પાંખ આ પ્રણયીને ઉડી તહીં બેસવા

એ ન્હાની કરની લતા પર અને એ મ્હોં જરી ઝાંખવા!ર૭

સ્થમ્ભી જરી વદન એ નવ કોણ જોશે?

ચાલ્યાં જશે નયન એ નીરખ્યાવિના કો’?

એવી ન કાર્ય તણી કાંઈ જ તીવ્રતા છે,

કર્તા તણો અહીં ન જે ઉપકાર ગાશે. ર૮

સૌંદર્ય આવું ધરતી ઉપરે નિહાળી

હર્ષે કયું હૃદય ના મગરૂર થાશે?

તો, છો યુવાન પણ આ નિજ આંખ ઢાળે,

છો પાંખને નવીન આ લહરી ઉડાડે. ર૯

હજુ એ કન્યા છે નવીન મૃદુ હા પુષ્પ ખીલતું,

કહીં પાંખો ખીલી, કહીં હજુ બિડાઈ, કહીં ખીલે;

સુગંધીની વેળા મધુતર હશે કોઈ જ નહીં,

સુરંગોની લક્ષ્મી વધુ વળી હશે સુંદર કહીં? ૩૦

જે ક્રીડા, મૃદુ ઉગ્રતા, સભરતા, લાવણ્ય જાદુભર્યા -

રૂપે યૌવનની સ્વતંત્ર રસીલી મૂકી દશા જે શકે,

તે કો’ તાન મહીં ઉંડા હૃદયના એકાગ્રતા ધારતાં,

જોનારાં નયનો અને ઉર નહીં એકાગ્ર કોનાં કરે? ૩૧

વિનિમય મધુ એવો યોધ સાધી રહ્યો છે,

પૂર મહીં ઉર વ્હેવા છૂટ છે પૂર્ણ પામ્યું;

ખડક જગત કેરું આજ પાણી થઈને,

વિપુલ રસ તણા કો’ ધોધમાં જાય ચાલ્યું. ૩ર

૧૮૯૭

૪૪. હમારા રાહ

કટાયુલું અને બૂઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું,

કર્યું પાછું હતું તેવું અરે! દિલબર! હૃદય મારું! ૧

ગમીના જામ પી હરદમ, ધરી માશૂક! તને ગરદન;

ન ખંજરથી કર્યા ટુકડા! ન જામે ઈશ્ક પાયો વા! ર

પછી બસ મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;

સિતમગર તોય તું મારો ખરે ઉસ્તાદ છે પ્યારો! ૩

ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી;

બિછાનું ખારનું કીધું, ઉપર લેટી રહ્યો તે હું! ૪

મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;

હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે! પ

તમારા માર્ગમાં મજનૂ અને લેલા, શીરીં, ફરહાદ,

ચિરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીનાં! ૬

ગુલામો કાયદાના છો! ભલા, કે કાયદો કોનો?

ગુલામોને કહું હું શું? હમારા રાહ ન્યારા છે! ૭

મને ઘેલો કહી, લોકો! હજારો નામ આપો છો!

હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા! ૮

નહીં જાહોજલાલીના, નહીં કીર્તિ, ન ઉલ્ફતના,

હમે લોભી છીએ, ના! ના! હમારા રાહ ન્યારા છે! ૯

તમારી બેવફાઈના, હરામી ને હલાલીના

ચીરી પડદા હમે ન્યારા! હમારા રાહ ન્યારા છે! ૧૦

હમે મગરૂર મસ્તાના! બિયાબાંમાં રઝળનારા!

ખરા મહબૂબ સિંહો ત્યાં ! હમારા રાહ છે ન્યારાં! ૧૧

કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઉડે ટોળાં;

કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મ્હેલ ઉભા ત્યાં! ૧ર

લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં,

હમે ત્યાં નાચતા નાગા! હમારા રાહ છે ન્યારા! ૧૩

તમારા કૃષ્ણ ને મોહમદ, તમારા માઘ, કાલિદાસ,

બિરાખર એ બધા મારા! હમારા રાહ છે ન્યારા! ૧૪

હતાં મ્હેતો અને મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂરાંઃ

હમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરાં! ૧પ

પૂજારી એ હમારાં, ને હમો તો પૂજતા તેને,

હમારાં એ હતાં માશૂક, હમો તેના હતા દિલબર! ૧૬

તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;

મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં! ૧૭

હમો તમને નથી અડતા, હમોને છેડશો કો ના!

લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે! ૧૮

હવાઈ મ્હેલના વાસી હમે એકાન્તદુઃખવાદી!

હમોને શોખ મરવાનો! હમારો રાહ છે ન્યારો! ૧૯

ખુવારીમાં જ મસ્તી છે! તમેના સ્વાદ ચાખ્યો એ!

હમોને તો જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું! ર૦

૧૦-૮-૧૮૯૪

૪પ. વિના કૈં પાપ પસ્તાવું

વિના કૈં પાપ પસ્તાવું નસીબે આ લખાયું છે;

ફરી પસ્તાઈ એ ફન્દે ફસાવાનું લખાયું છે! ૧

તહીં છે ઈશ્કની મેના, જિગર મારું પડ્યું તેમાં;

પરંતુ પાંખ એ તેની નસીબે દૂર છે ઠેલી! ર

અહીં છે ઈશ્કનું પિંજર, પુરાઈ પાંખ છે જેમાં;

હવાલે તે તણે ગાળી રહીને ઝિન્દગી જેમાં. ૩

નવી, નીલી અને કૂંળી ઉગી તે પાંખ ઉડે છે;

અને એ પાંખને જોરે જરા પિંજર તૂટેલું છે. ૪

ન તૂટે એ, ન ઉડે આ, અને છોડે પછાડા ના;

ગળે બાઝી રહ્યું પિંજર, દિલે બાઝી રહી મેના! પ

ભલે તું ગીત ગા, મેના, ભલે તું રોઈ રહે, મેના!

વિના કૈં પાપ પસ્તાવો, કહું હું બોલ શેં એવા? ૬

અરેરે! કેદખાનામાં મને આ ઈશ્ક સૂઝ્‌યો ક્યાં?

ખુદાએ નૂર બતલાવી દિલે ચિનગી લગાડી કાં? ૭

ન જોયું કૈં અગાડીનું! ગયો ભૂલી પછાડીનું;

અને ગાફેલીએ વ્હોર્યું વિના કૈં પાપ પસ્તાવું! ૮

૯-૬-૧૮૯૬

૪૬. ત્યાગ

હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં;

સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં! ૧

ના આંસુથી ના ઝુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,

દિલ જે ઉઠ્યું રોકાય ના, એ વાત છોડો કેદની! ર

સૌ ખુશ રહો જેમાં ખુશી, હું જ્યાં ખુશી તે હું કરું;

શું એ હતું? શું આ થયું? એ પૂછશો કોઈ નહી! ૩

કૈં છે ખુશી, કૈં છે નહીં, દિલ જાણતું - જે છે તે છે;

જ્યાં જ્યાં કરી પેદા ખુશી, ત્યાં ત્યાં ખુશી દિલ છે નકી!૪

પેદા કર્યો’તો ઈશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું;

એ ભૂંસવા જો છે ખુશી, તો પૂછવુંયે કૈં નથી. પ

છે ઈશ્ક જોયો ખૂબ તો જોવું હવે જે ના દીઠું;

કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી! ૬

આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા;

તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહીં! ૭

મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો;

હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં! ૮

છે શું ફૂલો, શું ઈશ્ક, ને શું સૌ તમે, જાનારને?

આ માછલું દરિયા તણું તે ઉર્મિઓ ગણતું નહીં. ૯

તમ ઉર્મિ એ તમ વારિધિ, મુજ વારિધિ મુજ ઉર્મિ છે;

જે હિકમતે આ છે બન્યું, તે જાણશો કોઈ નહી! ૧૦

શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી;

વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં. ૧૧

૧૦-૬-૧૮૯૬

૪૭. એક ફેરફાર

અહાહા! ઈશ્ક-જુગારે ચડ્યો’તો દાવ શો ત્યારે?

પડ્યો પાસો હવે ઉંધો! ફકીરી આ રહી મારે! ૧

જુગારે છે જિગર કિન્તુ જુગારીનું ચડ્યું ચાળે;

રહ્યું ના કાંઈ એંધાણે, હવે એ લ્હાવ ક્યાં ભાળે? ર

ભરીને ખ્વાબમાં પીધી મજાની ઝેરની પ્યાલી;

મગર હા! જાગતાં જાગી નસેનસ લ્હાય શી લાગી! ૩

અહો! એ ખ્વાબના ગુલની ગઈ બો ખ્વાબની સાથે;

મગર, એ ખ્વાબના કાંટા કહીં છૂપા રહી ભોંકે! ૪

હસ્યો’તો હું, રહી તેની કંઈ અંધારમાં યાદી;

પરંતુ આંસુની ધારે હજુ ના આંખ સુકાવીં! પ

રહી મીઠાશ ના મારે હવે આ આંસુમાં એ છે;

હૃદયને ચીરવામાં એ રહ્યો ના વખ્ત મીઠો તે! ૬

અરે! ભીની, સદા ભીની રહે છે આંખ મારી આ;

જિગર તન્નુરમાં દાઝે, પડે ના એક ફોરું ત્યાં. ૭

અરે! કાતિલ તીખું તે જિગરને રેંસનારું છે;

પરંતુ પ્હાડનું હૈયું ખુદાએ આ ઘડેલું છે! ૮

અરે! શું ઝિંદગી આ છે? સહેવી ઝિંદગાની છે!

અભાવે મોતને જીવું, વજણ આ વેઠની મારે! ૯

પડ્યો પાસો નકી ઉંધો, અરેરે, ક્રૂર લૂંટારો!

ઠગારા કિસ્મતે ઢાળ્યો અને હું જીતમાં હાર્યો! ૧૦

હિનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું;

ઝૂકીને બાલમાં તેના ગુલોને ગૂંથતો’તો હું! ૧૧

મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં,

અરેરે! કોઈ વા વાયો! સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં! ૧ર

મને એ ખ્વાબની ખુશબો, મને એ સોબતી મારો,

મને એ હાથો પ્યાલો, ફરી કો એક દિન આપો! ૧૩

૧૯-૧૦-૧૮૯૬

૪૮. ઈશ્કનો બંદો

જો ઈશ્ક ના તો શું ખુદા? આલમ કરી તોયે ભલે,

જો ઈશ્ક ના તો શું જહાં? એને ખુદાયે શું કરે? ૧

આ કારખાનું ઈશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ,

આ ખેલ ને આ ખેલનારો એક નૂરે-ઈશ્ક છે! ર

એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું?

જ્યાં લાઈલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે? ૩

રે! ઈશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!

શું છે ખુદા? શું છે સનમ? એને બીમારી એ જ છે! ૪

ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બન્દો હશે!

જો ઈશ્કથી જુદો થશે તો ઈશ્કથી હારી જશે! પ

જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?

છે ઈશ્કથી તો ના વડો, જે ઈશ્ક મારું તાજ છે! ૬

છે ખાક ચોળી છાપ મારી ઈશ્કની જેને દિલે,

દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે? ૭

જો કો હમોને વારશે, કોઈ હમોને પૂછશે,

તો ઈશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે! ૮

જે ઈશ્કનો બંદો ઠર્યો તે છે ખુદાઈનો ખુદા!

ઓહો! ખુદા શું? લોક શું? કે કોઈ શું તેને કરે? ૯

ગુલામ થઈ રહેશું સદા પણ બાદશાહી મ્હાલશું,

માલિકના દિલનું કરીને તખ્ત સૂનારા હમે! ૧૦

હા! લાખરંગી ઈશ્કનું કો એકરંગી જામ છે,

મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે! ૧૧

આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો!

નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને! ૧ર

એ તો હમારી માદરે પાયું હમોને જન્મતાં,

ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ જ છે! ૧૩

એ ઈશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!

એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે! ૧૪

૧-૩-૧૮૯૭

૪૯. હમારી પિછાન

હમે જોગી બધા વરવા, સ્મશાનો ઢૂંઢનારાઓ;

તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ! ૧

જહાં જેને કરી કુર્દું કબરમાં મોકલી દેતી;

હમે એ કાનમાં જાદુ હમારું ફૂંકનારાઓ! ર

જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ;

હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ! ૩

જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા;

બધાંનાં ઈશ્કનાં દર્દો બધાંયે વ્હોરનારાઓ! ૪

હમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી;

ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનારાઓ! પ

ગરજ જો ઈશ્કબાજીની, હમોને પૂછતા આવો;

બધાં ખાલી ફિતૂરથી તો, સાદયે નાસનારાઓ! ૬

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,

જમીં ને આસમાનોના દઢા ઉડાવનારાઓ! ૭

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે;

હમે આરામમાં ક્યાંયે સુખેથી ઉંઘનારાઓ! ૮

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતાં;

હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ! ૯

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સહેતા;

હમે તો ખાઈને જખમો ખૂબી ત્યાં માનનારાઓ! ૧૦

બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા;

મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ! ૧૧

અમારાં આંસુથી આંસુ મિલાવો, આપશું ચાવી;

પછી ખંજર ભલે દેતાં : નહીં ગણકારનારાઓ! ૧ર

૧૪-૧૧-૧૮૯૭

પ૦. સાકીને ઠપકો

સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં;

સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારનેય ચડ્યો નહીં!૧

મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;

દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં! ર

આશક અને માશૂકને, પાવો એક જામે ને સીસે;

પાવો એક હાથે સાકીએ, ઈનસાફ ત્હેં કીધો નહીં! ૩

મ્હારી ગઈ શકમે બધી, દિલદાર હજુ મહીં હજી;

ત્હારીબની ખાલી સીસી પાવાય ત્હેં રાખ્યો નહીં! ૪

સરખાં બને બન્ને જરા, ત્યાં તો શરાબીની મઝા;

ઉલટી કરી ત્હેં તો સજા, નયને સનમ ખેલી નહીં! પ

મુજ ખૂન આ કૂદી રહે, દિલદારનું ઠંડું બને૩

મુજને ચડે ત્યાં ઉતરે , કાંઈ મઝા આવી નહીં! ૬

આ રાત પહેલી વસ્લની, માશૂકના ઈનકારની;

ત્યાં બેવકૂફી ત્હેં કરી, તુજ જામ કાં ફૂટ્યું નહીં! ૭

ના રોશની ગાલે ચડી, જરી ના લબે સુરખી પડી;

ઘેરી બની ના આંખડી, દિલ યારનું જામ્યું નહીં! ૮

આ પ્હોર ચાર જ રાતના, કંઈ વાયદા વીત્યે મળ્યા;

કંઈ હોંશથી જિગરે જડ્યા, તેની કદર તુને નહીં! ૯

આ ખેંચ આશક તો કરે, માશૂકને પાવો પડે;

ના સાકીએ પીવો ઘટે, ત્હેં કાયદો પાળ્યો નહીં! ૧૦

જોઈ સનમને રૂબરૂ, ઘેલો હતો પૂરો જ હું;

પાયો ફરી, પીતોય તું, પણ યારને પાયો નહીં! ૧૧

આ વાય ફજર તણી હવા, મુજ રાત વીતી મુફતમાં;

દિલદાર આ ઉઠે જવા, એ બે સુકન બોલી નહીં! ૧ર

જો આવશે કો દી સનમ, તો લાવશે આંહીં કદમ;

તું રાખજે- ભાઈ! રહમ, ગફલત ઘટે આવી નહીં! ૧૩

પ૧. સનમને

યારી ગુલામી શું કરું તારી? સનમ!

ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ! ૧

તું આવતાં ચશ્મે જિગર મારું ભરે,

જાતાં મગર શું શું કરી રોકું? સનમ! ર

તું ઈશ્ક છે, યા મહેરબાની, યા રહમ?

હસતાં ઝરે મોતી લબે તે શું ? સનમ! ૩

મેંદી કદમની જોઈ ના પૂરી કદી;

આવી ન આવી એમ શું થાતી? સનમ! ૪

તારી સવારી ફૂલની ક્યાં ક્યાં ફરે?

તેનો બનું ભમરો બની શું શું? સનમ! પ

જાણે વીંટાઈ ઝુલ્ફમાં છૂપી રહું!

તાકાત ના દીદારમાં રહેતી, સનમ! ૬

છે દિલ્લગીનો શોખ કે તુંને નહીં?

તો આમ કાં? કાં બોલ ના આવી? સનમ! ૭

જોઈ તને આંખો નકામી આ બધે,

ફોડી દઉં પૂરી તને આંખે? સનમ! ૮

આ ચશ્મની તુનં ચદર ખૂંચે નકી,

કોને બિછાને તું સદા પોઢે? સનમ! ૯

આપું જિગર તોયે ન તું ત્યાં શું તને?

માલેક આલમના જિગરની તું, સનમ! ૧૦

તુંને કહું હું યાર તો ગુસ્સે નહીં;

તોયે હસે છે દૂરની દૂરે ! સનમ! ૧૧

તુંને કહું ખાવિન્દ તો રીઝે નહીં!

ત્યાંયે હસે તું દુરની દૂરે ! સનમ! ૧ર

૧૮૯૯

પર. સનમની શોધ

પેદા થયો છું ઢૂંઢવા તુંને સનમ!

ઉંમર ગુઝારી ઢૂંઢતા તુંને સનમ! ૧

છે દુશ્મનો લાખો ભુલાવા રાહને,

દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ! ર

ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ,

જુદાઈ યારોની મઝા એને, સનમ! ૩

જે રાહદારીમાં અમોને લૂંટતું,

ઉમેદ બર આવો નહીં એની, સનમ! ૪

તારી મદદ કોને હશે, માલૂમ નહીં,

શું યારના દુશ્મન સહે યારી? સનમ! પ

પાંચે નમાઝે ઝૂકતાંતારે કદમ,

આડા ફરે છે બેખુદાઓ એ, સનમ! ૬

છો દમબદમ ખંજર રમે તારું દિલે;

કાફર તણું કાતિલ ખેંચી લે, સનમ! ૭

તું માફ કર, દિલદાર, દેવાદાર છું;

છે માફ દેવાદારને મારા, સનમ! ૮

કાંઈ નઝરબક્ષી નવી લાઝમ તને;

ગુઝરાનનો ટુકડો ઘટે દેવો સનમ! ૯

પેદા થઈને ના ચૂમી તારી હિના;

પેદા થયો છું મોતમાં જાણે, સનમ! ૧૦

શાને કસે છે મુફત આ લાચારને?

દાવો સુનાનો છે હમારો ના, સનમ! ૧૧

પથ્થર બની પેદા થયો છું પ્હાડમાં,

છું ચાહનારો એય તુંથી છું, સનમ! ૧ર

૧૮૯૯

પ૩. આપની રહમ

મિટ્ટી હતો તે આપનો બંધો બનાવ્યો, શી રહમ!

માગી ગુલામી આપની, બખ્શી મહોબત, શી રહમ! ૧

આવ્યો અહીં છે દોસ્તદારીનો લઈ દાવો સદા;

બોસા દઈ ગાલે જગાડે નીંદમાંથી એ રહમ! ર

એવી કદમબોસી કરીને કાં લજાવો રોજ રોજ?

છે દિલ્લગી પ્યારી, મગર ક્યાં હું અને ક્યાં આ રહમ!૩

મેંદી બનાવી આપ માટે, તે લગાવો છો મને!

શાને જબરદસ્તી કરે આ પેર ધોવાને રહમ? ૪

આ આપને જોઈ લજાતાં બાગનાં મારાં ગુલો;

જે ખૂંચતાં કદમે ચડાવો તે શિરે માને રહમ! પ

હું ચૂમવા જાતો કદમ, ત્યાં આપ આવો ભેટવા!

ગુસ્સો કરું છું, આખરે તો આપથી હસતી રહમ! ૬

ના પેર ચૂમ્યા આપના, ના પેરમાં લેટ્યો જરા;

પૂરી મુરાદો તો થવા દો! માનશું તેયે રહમ! ૭

ના માનતા તો ના કહું, જે જે બનાવો તે બનું :

તોયે કદમના ચાર બોસા આપશે શું ના રહમ? ૮

હું જેમ આ ઘટતો ગયો, આપે બઢાવ્યો તેમ તેમ;

જ્યાં જ્યાં પડું ત્યાં ઝીલવા હાજર ખડી છે આ રહમ! ૯

મારો સિતારો જોઈ આ, તીખા બન્યા છે દુશ્મનો :

ગાફેલ છું હુંયે બન્યો, આ આપની જાણી રહમ! ૧૦

યારી ન છૂપે આપની, છાની મહોબત ના રહેઃ

જાણી ગઈ આલમ બધી, તે ના જવા દેજો રહમ! ૧૧

આવો ચડાવી છે મૂક્યો, આ આપનો આપે ગુલામ;

તો મ્હેરબાની જીરવાયે, એટલી માગું રહમ! ૧ર

જ્યાં જ્યાં ચડાવો ત્યાં ચડું છું હાથ હાથે લેઈને;

એ હાથ છૂટી ના જવાને દમ-બ-દમ હોજો રહમ! ૧૩

નીરની સાથે ચડે છે નીરનાં ખીલી ફૂલો;

ના તરાતું નીર સાથે : નીરને છાજે રહમ! ૧૪

લાખો ગુનાઓમાં છતાં છું આપનો ને આપથી;

લાજે જબાં માગું છતાં, આબાદ હોજો આ રહમ! ૧પ

૧૮૯૯

પ૪. તમારી રાહ

થાક્યો તમારી રાહમાં ઉભો રહી હાવાં, સનમ!

રાહત ઉમેદીમાં હતી : જાતી ગળી હાવાં, સનમ! ૧

પી કાફરોના હાથનું પાણી ઉગેલું ઘાસ, તે

મિટ્ટી ગણી અંગે વીંટાયું મૂળ નાખીને, સનમ! ર

પહાડો હતા રેતી બન્યા, રેતી બની પહાડો, અને,

આવી કબર સામે ઉભીઃ જાગી ઉઠો ના કાં સનમ! ૩

પાણી બની ઢોળાઉં છું, હું દમ-બ-દમ ગમને કૂવે;

અંધાર છે, લાચાર છું, સિંચો - હવે સિંચો, સનમ! ૪

સાબૂત છે ના દોર આ, આવો, લગાવો મીણ તો;

ખેંચી ઉભા છે ખંજરો, આ દુશ્મનો નીચે, સનમ! પ

આંહીં શરાબે નીર ભેળ્યું છે હમારા ઝાલિમે;

પીતાં ન ફાવે પ્યાસમાં, આ દમ લબે આવ્યો સનમ! ૬

પીતાં ન ફાવે છે હવે, પીતો મઝાથી જે સદા;

કાને તમારી સાંભળી મીઠી શરાબી છે, સનમ! ૭

છીપી રહ્યાં છે પ્યાસને આ ઝાંઝવે લાખો અહીં;

હું તો તમારું નીર સાચું શોધતાં પ્યાસો, સનમ! ૮

છે પ્યાસ, છે ભૂખે, ઉપર બોજો બૂરાઈનો વળીઃ

છે રાહ જોવી એકલાં, ક્યાં ક્યાં સુધી હાવાં, સનમ! ૯

માફી તમારી છે બધે, જાણું અહીંયે ખૂબ છે;

માફી પુકારો ને દઈ, ઝીલી હવે લોજો, સનમ! ૧૦

લાઝિમ બૂરાઈ આ બધીને, ચૂપકી, ખાવિંદ! છે;

તોયે ઉઠે છે ઉકળી ખૂને જિગર બૂમે, સનમ! ૧૧

હુંથી થયું ના ના - થતું યા ના થશે કાંઈ અહીં!

તકલીફ તો આખર તમારે ને તમારે છે, સનમ! ૧ર

થાકી રહ્યો પૂરો અહીં, માફી હવે તો મોકલો;

છે માફ જો કરવું બધું, તો આજ ના શાને, સનમ! ૧૩

ઈ.૧૯૦૦

પપ. આપની યાદી

જ્યાં જ્યાં નઝર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;

આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની! ૧

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને

જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની!ર

જોઉં અહીં ત્યાં આવતી દરિયાદની મીઠી લહર;

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! ૩

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં;

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની! ૪

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં;

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની! પ

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;

યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની? ૬

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની!

ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની! ૭

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના;

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની! ૮

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને;

અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની! ૯

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર;

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની! ૧૦

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની! ૧૧

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની! ૧ર

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;

જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની! ૧૩

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની! ૧૪