આખા દિવસરાત દરમિયાન તમે કેટલી વાર ગુસ્સે ચડો છો ?
શું તમે પણ ક્રોધથી બચવાનાં ઉપાયો શોધો છો?
એક નગરનાં સેનાપતિ સંતને ત્યાં મળવા માટે જાય છે ,કહે છે, ‘હેં સંત મારા કુતૂહલ માટે આપને એક પ્રશ્ન કરું છું.’
“શું આ ધરતી કે આકાશમાં સાચે જ નરક અને સ્વર્ગ જેવી કોઈ વ્યવસ્થા પણ છે ખરી”?
સંતે કહ્યું, પહેલા આપનો પરિચય કરાવો; પછી જ હું આપના પ્રશ્નનું નિવારણ કરીશ.
સેનાપતિએ અહમથી છાતી ફુલાવીને કીધું,“શું તમે જાણતા નથી હું કોણ છું ?
હું આ નગરનો સૌથી મોટો,બળવાન,યોદ્ધાનો સેનાપતિ છું.
સંતે તરત જ કહ્યું,અરે પાગલ,ભિખારીની જેમ તો તમે લાગો છો,શું કામ પોતાને સેનાપતિની જેમ ગણાવો છો!
સેનાપતિએ તલવારની મ્યાન પર હાથ રાખી ક્રોધથી કંપતા કંપતા કીધું :સંત ,જો તમારી જગ્યા કોઈ બીજા હોત તો અહીંજ મારી તલવારનાં ધારથી ધડ અલગ થઈ જાત.
સંતે કીધું “અરે તલવાર,તલવાર શું કરો છો.પાગલ,હાથમાં તો કટોરી થામી છે,તલવારની ધાર એટલી તીષ્ણ હોય તો હમણાં દેખાડી દે આ તારી ધારદાર તલવારને....!
ક્રોધની આગમાં લપેટાઈને સેનાપતિએ, જોરથી મ્યાનમાં રાખેલી તલવારને કાઢી બાજુમાં રહેલાં વૃક્ષની ડાળીઓ કાપી નાંખી.ડાળીઓ વૃક્ષથી અલગ થઈ જમીન પર પડી જાય છે.
ત્યારે સંત એકદમ શાંતિથી ઉત્તર આપે છે,હે સેનાપતિ તમે જે હમણાં કાર્ય કર્યું એ નર્ક સમાન ગણી શકાય, હું તો આપનો પરિચય જાણવા ઈચ્છતો હતો.તમે ઘડીભરનો પણ વિચાર ન કરતાં દંભમાં આવી આક્રોશ ફેલાવી દઈ ધરતી પર નરકનું વ્યવસ્થાપન નિર્માણ કરી દીધું.
સેનાપતિને પોતાની ભૂલ સમજાય છે અને આંખો નીચી થઈ જાય છે,બંને હાથ જોડી નમન કરીને માંફી માંગે છે.
સંત ઉદાર દિલથી ત્યારે કહે છે ,હે સેનાપતિ મને આકાશનાં સ્વર્ગ નરક વિષે તો જાણ નથી પણ તમે ક્ષમાં માંગીને જે કાર્ય કર્યું, તે ધરતી પર સ્વર્ગ સમાન છે.
ક્રોધ એટલે સળગતી ભળબળતી અગ્નિ.જે મનુષ્ય ક્રોધ કરે,એ સ્વયં પહેલા આ આક્રોશની અગ્નિમાં સળગે છે પછી બીજાને પોતાનાં ક્રોધથી સળગાવે છે.અપમાન,ભાવનાને ઠેસ પહોંચવી,પોતાનું ધારેલું કાર્ય ન થવાથી,પોતાની ઈચ્છા પ્રમાણે ન થવું વગેરે કારણોથી, માનવ મન દુઃખી થઈ,આવેશમાં આવી બીજા પર આક્રોશ ઠાલવે છે.બીજાં પર ક્રોધ ન કાઢી શકે તો મનમાં ખીજ રાખી માણસ અંદર ને અંદર ગુસ્સામાં ઘુંટાતો જઈ નકારાત્મક વિચારોમાં પડી રહે છે.
કોઈને ક્રોધ નાની અમસ્તી વાત પર પણ આવી જાય છે જેમ કે પોતાની વસ્તુ એની જગ્યા પર ના મળે તો, વળી કોઈ ટીવી દ્વારા કે સમાચારપત્રોમાં ખબર વાંચીને,બસમાં ટ્રેનમાં થતાં ઘોઘાટથી,તો કોઈ વાહનની ભીડભાડથી લઈને નાના બાળક,પતિપત્ની,સાસુવહુ,માબાપ છોકરાઓ,બોસ કર્મચારી,રાજનીતિથી લઈને બધે જ ક્રોધનો ફેલાવો જોવા મળે છે,જોવા જાય તો ક્રોધ બધાને આવે છે,કોઈ પણ ક્રોધથી બાકાત નથી રહેતું.
પરંતુ જો મારી બહેન કે પત્નીને રસ્તા પર છેડતી કરવાનો પ્રયત્ન કોઈ કરે તો શું મને ગુસ્સો ન આવે ?કેમ નહી આવે જ ને અને આ ગુસ્સો વાજબી છે.જો ક્રોધને સાચા સમયે સારા કાર્યમાં ઉપયોગ થાય ત્યાં સુધી તે ઠીક છે એટલે કે નિયંત્રિત ગુસ્સો જોખમકારક સાબિત નથી થતો પરંતુ અનિયંત્રિત ક્રોધ જોખમી સાબિત થાય છે.
ક્રોધનાં એમતો ઘણા પ્રકારો છે,કોઈ આખા દિવસ દરમિયાન નાની નાની વાતો લઈને ચીડચીડ કરતા હોય તો કોઈ જોરથી ભભૂકીને જે આવે તે મોઢામાંથી બકીને બીજાને દુઃખી કરી દે છે,તો વળી બીજા સાથે થયેલી લડાઈનો ગુસ્સો કોઈ બીજા પર કાઢે છે,જયારે બીજી તરફ એનાથી પણ વધારે જોખમકારક,જે ગુસ્સો બહાર નથી કાઢી શકતા કે નથી ભૂલી શકતા અને મનમાં જ ધરભી નાંખીને પોતે જ દુઃખી થયાં કરે છે.
ક્રોધ જ માનવીનો મોટામાં મોટો શત્રુ છે.ક્રોધમાં જ કેટલા બધા સબંધોનો છેડો ફાટી જતો હોય છે.કોઈક વાર ક્રોધ એટલો બધો વધી જાય છે કે આ ક્રોધની આવેશમાં પતિપત્નીના ઝગડા મારઝૂડ સુધી પહોંચી જાય છે તો વળી નાનો અમસ્તો બોલચાલવાળો ઝગડો કાનૂનનાં દરબાર સુધી પહોંચી જાય છે.જ્યાં વિવેક ગયો ત્યાં ગુસ્સો માથે ચડે.ક્રોધમાં લોભ,મોહ,ઈર્ષા,જીદ,બદલાની ભાવના જેવાં પાસાઓની લાગણીઓ હોય છે જે પોતાનું કરવા માટે ક્રોધને ઉશ્કેરાવે છે.ક્રોધાવેશમાં માણસ શું કરી રહ્યો છે એનું ભાન નથી રહેતું.ક્રોધમાં વ્યક્તિનું બ્લડપ્રેશર વધી જાય છે,હાર્ટ અટેકનો હુમલો આવે છે તો ક્યારેક માણસને મૃત્યુને પણ વહોરી લેવું પડે છે,તો કેટલાક કેસોમાં વ્યક્તિ ક્રોધનાં આવેશથી હિંસક બની અઘટના તો કરે જ છે પણ જયારે પોતાને આ ભૂલની ખબર પડતા આત્મહત્યાનો માર્ગ પણ અપનાવે છે.જોવા જઈએ તો ક્રોધમાં બીજાનું નુકસાન થાય જ છે પરંતુ પોતાના જીવનને પણ દુષિત પરિણામ ભોગવવા પડે છે.જો કોઈ સાથે ન બને તો માણસ એમણા વિશે નકારાત્મક વિચારો વિચારવાનું ચાલુ કરી દે છે કે આવવાં દે મારો સમય આણે આવી રીતે મજા ચખાવીશ કે એમનું આવું ખરાબ થશે વગેરે અને મનમાં ઘૃણા પેદા કરી રાખે છે.
અત્યારે ચાલી રહેલી વાત કહેવી હોય તો સામસામા તો એકમેક પર લડી ઝગડીને પીત્તો ગુમાવી જ દે છે પરંતુ આ ફાસ્ટ જમાનામાં ક્રોધ પણ ફાસ્ટ બનીને ફેસબૂક,ટ્વીટર,બ્લોગ,વોટસેપ,વીડિયો કે પછી બીજા અન્ય માધ્યમ દ્વારા બધે રોષ કાઢીને પણ પાછાં હળવાશ અનુભવતાં નથી,જરા બોલવાનું ચાલવાનું થાય કે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ વોટસેપ પરનો ડીપી પિકચર જ કાઢી નાંખે છે,તો કોઈક વાર ફેસબૂક પરનું સબંધનું સ્ટેટ્સ “ઇન અ રીલેશનશિપ’’ થી “સિંગલ” મા ફેરવાઈ જાય છે.આપણી અસલ જીવન વ્યવહારમાં, ક્રોધનાં કારણે ન ઘટવાનું ઘટી જાય છે અને અફસોસ કાયમ માટે રહી જાય છે.
ક્રોધને કાબૂમાં રાખી અઘટનાં ટાળવાં ઈચ્છો છો ?
નીચે આપેલા સરળ ઉપાયોમાંથી કોઈપણ એકને, ક્રોધ આવે ત્યારે,એકવાર જરૂર અજમાવજો:
૧) ક્રોધ આવે ત્યારે સામેવાળાને કહેજો,ક્યાં તો તમે ભાગી જાઓ નહિ તો હું અહીંથી જતો રહું છું.યાદ રાખજો સામેવાળો ક્યારે પણ નહિ ભાગે,તમે જ બહાર નીકળી પડજો.તે જગ્યાને થોડી વાર માટે છોડી દેજો.
૨) ક્રોધ આવે ત્યારે એકદમ ઉત્તમ ઉપાય, આંખો બંધ કરી ઊંડો શ્વાસ લઈ રોષને કાબુમાં કરી,ઠંડો પાડી મન ને શાંત પાડી દો.
૩) ગુસ્સો કાઢવાનો જ હોય તો મીઠી મધુરી જીભથી હસતા હસતા વાતને સંભાળી લેજો.અથવા તો કહી દો કે બે દિવસ પછી ઉત્તર આપીશ.
૪) નિત્યક્રમ બનાવો ચાલવા,દોડવા,તરવા,સાયકલિંગ જેવી પ્રવૃતિઓ માટે,નહીંતો જેવો સમય મળે એમ અઠવાડીયામાં ત્રણ વાર એવા રાખો જ્યાં ગમતી કસરત,યોગાસન, ધ્યાન કરીને શાંતિ અનુભવી શકાય.
૫) પૂરતી ઊંઘ સાથે આરોગ્યવર્ધક ખોરાક જરૂરી છે,હળવું સંગીત સાંભળો,અનિદ્રાની તકલીફ હોય તો ડોકરની યોગ્ય સલાહ લો.
૬) જયારે જયારે ક્રોધ આવે ત્યારે એક થી દસ અંકની ગણતરી ચાલુ કરી દો.વધારે જ ગુસ્સો ચડતો હોય તો વીસ અંક સુધી ગણજો.(૧૦...૯...૮....૭.....થી...૧ સુધી)
૭) મોબઈલ,લેપટોપ,કમ્પ્યુટર,ટીવી,વિડીયો કે બીજા કોઈ માધ્યમ દ્વારા જે ખૂબ હસાવતાં હોય એવા ચિત્રો કે, કોમેડી શો જોવાં લાગી જાવ ,અને હાં તમે પણ દાંત કાઢવાનું ભૂલતાં નહીં.
૮) લાંબાગાળેની બીમારીથી પીડિત વ્યક્તિ પણ ચીડચીડ થતા ગુસ્સાનો ભોગ બનતા હોય છે આવે વખતે યોગ્ય ડોક્ટરની સલાહ લઈ યોગ્ય ઉપચાર કરાવો.
૯) ગુસ્સો આવતો જ હોય ત્યારે ગુસ્સાનાં વિષય પર જ ઊંડાણમાં જઈ વિચારવા લાગી જાઓ કે હું આટલો ખીજ શેનાં માટે કરી રહ્યો છું ? અથવા આ ક્રોધની આવેશમાં નુકસાન કોનું થઈ રહ્યું છે ?
૧૦) બધાથી બેસ્ટ ક્રોધ આવે ત્યારે મોન રાખવામાં જ ભલાઈ.
“માણસ જો વધુ પડતી અપેક્ષા રાખવાનું છોડી દે,બીજાને બદલાવવાની પોતાની વૃતિને છોડી દે કે પછી આવતી સંજોગો પોતાને પ્રમાણે ચાલે એવી ઈચ્છા છોડી દે તો ક્રોધના આવેશમાં બનતી અઘટનામાં ઘટાડો થઈ શકે છે કારણકે આવતી પરિસ્થિતિ અને લોકો આપણા ધારેલા પ્રમાણે તો નથી જ ચાલવાના ને ? .”
તો શું વિચારો છો, એન્ગર(ANGER) માંથી ડેન્જર(DANGER) માં રૂપાંતર થવાં માંગો છો ? નહીં ને ! તો એક વાર ઉપરનાં ઉપાયોને પ્રેક્ટિસ કરી આદતમાં ફેરવજો.
--પ્રવિણા--