Tran Hath no Prem - 13 in Gujarati Love Stories by Shailesh Vyas books and stories PDF | Trun haathno prem-ch.13

Featured Books
Categories
Share

Trun haathno prem-ch.13

પ્રકરણ ૧૩

ત્રણ હાથનો પ્રેમ

લેખકઃ

શૈલેશ વ્યાસ

email : saileshkvyas@gmail.com

mobile : 9825011562

સ્વદેશ અને સુદર્શનાને જોઈ ઘરના બધા સભ્યો જયાં બેઠા હતા ત્યાંથી ઉભા થઈ તેમની પાસે ઘસી આવ્યા હતા. પણ સુદર્શનાના વિખરાયેલા વાળ, કપાળ ઉપર ઘા ને મલમપટ્ટી, કપાળના ઘા માંથી ફુટેલી લોહીની ટશરો થી તેના શર્ટ ઉપર પડેલા લોહીના છાંટણા અને ડાબા કૃત્રીમ હાથ પર નો ઉંડો કાપો જોઈ બધા ઘડી બે ઘડી સ્તબ્ધ જ થઈ ગયા. સૌ કોઈ વિસ્ફારીત આંખો થી તેમની સામે જોઈ જ રહ્યા.

સૌ પ્રથમ રાધાબેન આ સ્તબ્ધતામાંથી બહાર આવ્યા. તેમણે આગળ આવી ને સુદર્શનાના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા અને ગભરાયેલા અને ચિંતીત સ્વરે પૂછયું.

“શું થયુ? આ વાગ્યુ કેવી રીતે? હાથ પણ કપાયેલો છે? જલ્દી કહે મને, વધારે વાગ્યુ તો નથી ને?” તેઓએ એક શ્વાસે આટલા બધા સવાલ કરી નાખ્યા. સવાલ પૂછતી વખતે તેમનો અવાજ ધ્રૂજતો હતો.

સ્વદેશે આગળ વધી રાધાબેનના ખભા ઉપર હાથ મૂકી તેમને સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો.

“તમે શાંત થઈ જાવ, સુદર્શના એકદમ ઠીક અને સ્વસ્થ છે. નાનો અમથો ઘા છે, કાંઈ ચિંતા કરવા જેવુ નથી, મે બેન્ડએઈડ લગાવી આપી છે.”

“શું ચિંતા ન કરો?” રાધાબેનનો સ્વભાવગત ગુસ્સો ઉભરાય આવ્યો. “મારી દિકરીને વાગ્યુ છે. કપડા લોહીથી ખરડાયેલા છે, હાથ ઉપર કાપો છે અને તુ કહે છે કે ચિંતા ન કરો? મને નાની કીકલી સમજે છે તું?”

“રાધામાસી, તમે સ્વદેશ ઉપર ગુસ્સો ન કરો અને ખોટું ટેંશન ન લો. હું સહિસલામત છું, આ તો નાનો અમથો ઘસરકો જ થયો છે.” હવે સુદર્શના સ્વદેશના બચાવમાં આવી.

સુદર્શનાનો સ્વસ્થ અવાજ સાંભળતા જ રાધાબેન થોડા નરમ પડી ગયા એમણે ધીરેથી ફરી પૂછયું. “તો આ બધુ કઈ રીતે થયું?”

સુદર્શનાએ જવાબ આપતા પહેલા કહ્યું. “પહેલા મને થોડુ પાણી પીવા માટે આપો. તરસ થી ગળુ સૂકાય છે.”

“અરે હું પણ સાવ મુરખ જ છું ને” રાધાબેને પોતાની જાતને ઠપકો આપતા કહ્યું અને તુરત જ શંકરને આદેશ આપ્યો. “જા જલ્દી થી બંને જણા માટે પાણી લઈ આવ.”

રાધાબેને કહ્યું. “બીજી બધી વાત પછી, પહેલા તમે બંને બેસો અહીં” કહીને તેમણે સુદર્શનાને સોફા તરફ દોરી અને ધીરે થી બેસવામાં સહાય કરી, તેની પીઠ પાછળ તકીઓ ગોઠવ્યો.

સુદર્શનાની સાથે સાથે સ્વદેશ પણ સોફા ઉપર ગોઠવાયો. તેણે સોફાની પીઠ ઉપર માથુ ટેકવ્યુ અને આંખો મીંચી દીધી. ક્ષણ બે ક્ષણ ના આરામ માટે.

“લ્યો, પાણી” શંકરના અવાજે તેણે આંખો ખોલી નાખી. તેણે અને સુદર્શના એ સામે ઉભેલા શંકરના હાથમાંની પ્લેટમાંથી પાણી ના ગ્લાસ લીધા અને લગભગ એક જ શ્વાસે ગ્લાસ ખાલી કરી નાખ્યા.

“બીજુ લાવુ પાણી?” શંકરે પૂછયું. બંને એ માથુ હલાવી ના પાડી સ્વદેશ અને સુદર્શનાએ હવે સ્વસ્થતા થી ઉપર બધા સામુ જોયુ. બધાની આંખમાં જાણવાની ઈંતેજરી અને સવાલો હતા. સુદર્શનાએ રાધાબેનનો હાથ પકડયો. “તમે બેસો માસી” કહી પોતાની બાજુમાં બેસાડયા.

સ્વદેશે ધીમે ધીમે બધાને બધી વિગતો ઝીણવટ પૂર્વક કહેવા માંડી, કેવી રીતે તેઓ રહેમાન ગલી પહોચ્યા, કઈ રીતે યોજનાબધ્ધ રીતે સુદર્શના અંદર ગઈ, તેણે સલમા ઉપર આક્રમણ કરનાર વ્યક્તિને કેવી રીતે પડકારી, આક્રમણકારીએ સલમા ઉપર જીવલેણ વાર કર્યો, કેવી રીતે સુદર્શનાએ પોતાનો જીવ બચાવ્યો અને પ્રતિકાર કર્યો. ચાલુ રાખેલા મોબાઈલ થી સાંભળેલ અવાજો સાંભળી તે અબ્દુલ મંઝિલ પહોંચ્યો ને બેઝબોલ ના બેટથી હુમલાખોર ઉપર વાર કર્યો. તે કેવી રીતે ભાગ્યો વિ. હકીકત લંબાઈપૂર્વક સંભળાવી.

સલમા અને સુદર્શના ઉપર હુમલા ની વાત આવી ત્યારે ગભરાયેલા રાધાબેન તથા વિણાના મોઢામાં થી “ઓય માં તથા “મુવા પિય્યા” વિ. શબ્દો નીકળી પડયા હતા. અને જ્યારે સ્વદેશે બેઝબોલના બેટથી ફટકાર્યો તે વખતે પરિક્ષિત, મોહીત અને શંકરના મુખમાંથી “વાહ વાહ” શબ્દો સંભળાયા.

સુદર્શના એ વિગત પૂરી થતા રાધાબેન સામે જોયુ અને તે અચંબામાં પડી ગઈ. રાધાબેન નો ચહેરો ભયથી સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. શરિરમાં જાણે ભય થી લખલખુ આવી ગયું હોય તેવુ લાગતુ હતુ, તેમનું શરિર અકક્ડ જેવું થઈ ગયુ હતું.

સુદર્શના પણ ગભરાઈ ગઈ અને તેણે રાધાબેનને ખભે થી હલબલાવ્યા. “રાધામાસી, રાધામાસી, ગભરાવ નહિ, અમને કશુ જ થયુ નથી. બધુ બરાબર છે” તેણે રાધાબેનનો હાથ પોતાના હાથમાં લઈ તેમની હથેળીની માલીશ કરવા માંડી, ઉંચુ જોઈ તેણે વીણાને કહ્યુ “જા જલ્દીથી પાણી લઈ આવ”

સુદર્શનાને રાધાબેનની ચિંતા થવા લાગી એક તો તેમને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ની બિમારી હતી. વધારે પડતા તણાવને લીધે ઘણી વાર તેમનું બ્લડ પ્રેશર કે બ્લડ સુગર ઓછું થઈ જવાથી તેઓ અસ્વસ્થ થઈ જતા હતા. એકાદ વાર તો બેભાન જેવા થઈ જવાથી તાત્કાલીક નર્સિગ હોમમાં દાખલ કરવા પડયા હતા.

વીણા તરત જ પાણીનો ગ્લાસ ભરી લાવી “બેન, આંમા મે પાંચ ચમચી ગ્લુકોઝ નાખી દીધેલ છે. પીતા ની સાથે જ માસી ઠીક થઈ જશે, પહેલા પણ એક બે વાર આવુ થયુ હતું”

“થેંક્સ વીણા” કહીને સુદર્શનાએ પાણીનો ગ્લાસ લઈ રાધાબેનને પીવડાવ્યુ. એક બે મિનીટમાં રાધાબેન પૂર્વવત થઈ ગયા.

“મે તમને કહ્યુ હતુ ને કે કોઈ જોખમ ન લેશો, તને કાંઈક થઈ ગયુ હોત તો? પણ તમે બંને જણા મારી કોઈ વાત કાને ધરતા જ નથી” રાધાબેને રિસભર્યા સ્વરે કહ્યું.

“પણ માસી” સ્વદેશે દિલાસો આપતા કહ્યુ. “અમે અમારી તરફથી કોઈ જ જોખમી પગલુ લીધુ નહોતું. પણ સુદર્શના અંદર ગઈ ત્યારે તો પેલો હુમલાખોર સલમાને છરી હુલાવવાની તૈયારીમાં હતો એટલે સુદર્શનાએ તેને પડકાર્યો.

“પણ પડકારવાની શું જરૂરત હતી. ચૂપચાપ પાછા વળી જવું જોઈએ ને?” રાધાબેને તીખા અવાજે કહ્યું. “ચૂપચાપ નીકળી ગઈ હોત તો આવું ન થાત ને” રાધાબેનનો ઈશારો માથા ઉપર વાગેલ ઘા અને કૃત્રિમ હાથના કાપા ઉપર હતો. “આ તો નસીબ સારા કે સ્વદેશ સમયસર પહોંચી ગયો ને તને બચાવી લીધી. નહીંતર અત્યારે સલમાની જગ્યાએ તું હોત” રાધાબેનના અવાજ માં ભય અને ધ્રૂજારી હતી.

“પણ માસી હું કાઈ વિચાર કરૂ એ પહેલા જ સામેનુ ભયાનક દ્રશ્ય જોઈ મારાથી પડકારાય ગયુ અને માસી, આપણી આંખ સામે કોઈ નિદોષ યુવતીની હત્યા થતી જોઈએ ને આપણે ચૂપ રહીયે તો તો એને કાયરતા કહેવાયને?” સુદર્શનાને રાધાબેનની રિસ ઓછી કરવા કહ્યું.

“કાયરતા અને મુર્ખતા માં ફરક છે.” રાધાબેને જરા પણ નરમી ન દેખડતા કહ્યુ. “હા તારા કે સ્વદેશ ઉપર હુમલો થાય અને તમે એનો સામનો ન કરો તે કાયરતા કહેવાય પણ અણજાણ ત્રીજી અને ત્રાહિત વ્યક્તિ માટે જીવ જોખમમાં નાખવો એ મુર્ખતા છે” રાધાબેને પોતાના દ્રષ્ટિકોણ થી કહ્યુ. પછી ઉમેર્યુ “સ્વદેશ તારો જીવ બચાવવા કુદી પડયો અને હુમલાખોર ને લડત આપી એ બહાદુરી છે પણ તે જે કર્યુ તે મુર્ખતા હતી મારી નજરે, સલમા સાથે આપણે શું લાગે વળગે?”

સુદર્શનાએ રાધાબેનની આંખોમાં તાકીને કહ્યુ “માસી, સલમા આપણા માટે ખૂબ જ અગત્ય ની કડી હતી. જો હુ તેને બચાવી શકી હોત તો કદાચ આ બધી સમસ્યાનો નિકાલ કરવામાં આપણને મોટી મદદ મળી ગઈ હોત” અને પછી ઉમેર્યુ “અને માસી તમે જ નાનપણ થી શિખવ્યુ છે કે અણિ ના સમયે ભગવાન સિવાય કોઈ થી ડરવુ નહિ અને પશુ, પંખી કે જીવ જંતુનોપણ આપણા થી જીવ બચતો હોય તો બચાવવા પ્રયત્ન કરવો. મે એજ કર્યુ છે અને આમાં તો આપણો પણ સ્વાર્થ હતો.”

રાધાબેનના ગળે આ દલિલ ઉતરી નહી તેમણે, અસંમતિ દર્શાવતુ મોન ધારણ કર્યું.

“પણ આ જે પણ કોઈ છે” પરિક્ષિતે અહિંઆ ટાપશી પૂરતા કહ્યુ “તે ખૂબ જ નસીબનો બળીયો લાગે છે. આપણા હાથમાં જયારે કોઈ કડી મળવાની થાય છે ત્યાં તે આપણા કરતા બે ડગલા વહેલો પહોંચી જાય છે. પહેલા રફિકના કિસ્સામાં અને હવે આજે આ સલમાના કિસ્સામાં”

મોહિતે પણ પોતાનો સુર પુરાવ્યો “આપણે જયારે પણ કાંઈ કડી મેળવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે આપણી પહેલા પહોંચી ને કડીને વેરવિખેર કરી નાખે છે એટલે આપણે તો હતા ત્યાં ઠેર ના ઠેર”

પરિક્ષિતે ચિંતા વ્યક્ત કરી “તો પછી આપણે હવે આગળ કઈ રીતે વધીશું?” પછી અચાનક જ તેણે સ્વદેશ તરફ ફરીને પૂછયું” પણ મરતા પહેલા સલમાએ કાંઈ જણાવ્યુ તમને? કોઈ સંકેત કે જાણકારી આપી તેણે?”

“સ્વદેશે સુદર્શના સામે જોયા વગર જ અગાઉથી નક્કી કરાયેલ યોજના મુજબ માથું ઘુણાવ્યુ “ના, એને કાંઈ પૂછી શકીએ એ પહેલા જ એ મૃત્યુ પામી હતી. એટલે એની પાસેથી કોઈ જ માહિતી અમે મેળવી ન શક્યા, અમે તેની પાસે પહોંચીયે તે પહેલા જ એના પ્રાણ નીકળી ગયા હતા” આ કહેતી વખતે સ્વદેશ અને સુદર્શનાના ચહેરા ઉપર સપાટ ભાવ હતા જાણે તેમની પાસે કોઈ જ જાણકારી ન હોય.

પરિક્ષિત અને મોહિતે લગભગ એક સાથે જ પૂછયું “તો પછી હવે આગળ કઈ રીતે વધીશું? હુમલાખોર ને પકડીશુ કેવી રીતે?”

“અત્યારે તો આપણી પાસે કોઈ એવી કડી નથી જેના આધારે આપણે આગળ વધી શકીયે” સ્વદેશે સુદર્શના સામે જોઈને કહ્યું. સલમાએ આપેલી માહિતી અન્ય સૌ કોઈથી ગુપ્ત જ રાખવાની હતી.

“તો પછી શું કરીશું?” પરિક્ષિતે પૂછયું. “જોઈએ, હવે આપણે ઈન્સ્પેક્ટર ગોહિલ અને પોલીસ ઉપર આધાર રાખવો પડશે કે તેઓ ગુન્હેગારોને પકડવામાં મદદ કરે” સ્વદેશે કહ્યુ.

“પણ પોલીસ તો છેલ્લે પાટલે બેસી ગઈ છે. તેમના હિસાબે તો તેમણે પપ્પાને ગુનેગાર માની લીધા છે એટલે તેઓ તો આમા કોઈ વધારે રસ લેશે જ નહી” પરિક્ષિતે હતાશા ના સૂરે કહ્યુ.

“તું ચિંતા ના કર, રાજમોહનકાકાને કાંઈ નહી થાય” સુદર્શનાએ પરિક્ષિત ને આશ્વાસન આપ્યું. “સોમવારે તો જામીન મળી જશે એમને”

“હા, પણ પોલીસની નજરમાં તો તેઓ એક અપરાધી જ રહેવાના, જયાં સુધી આપણે તેમને નિર્દોષ પુરૂવાર ન કરીએ ત્યાં સુધી. “કહેતા કહેતા પરિક્ષિત ની આંખમાં પાણી આવી ગયા” “તું આમ ઢીલો ન થા, હિંમત રાખ” સ્વદેશે કહ્યુ પછી સુદર્શના સામે ઈશારો કરતા કહ્યુ “આ સુદર્શનાને જો, તેના ઉપર બબ્બે વાર આત્મઘાતી હુમલા થઈ ચૂક્યા છે. પોતાનો એક હાથ ગુમાવી બેઠી છે, છતાં હિંમત નથી હારી, કઠીન પરિસ્થિતીમાં પણ જે અડગ રહે છે તેનો જ છેલ્લે વિજય થાય છે.” સ્વદેશે પરિક્ષિત ના ખભા ઉપર હાથ મૂકતા કહ્યું. પરિક્ષિતે માત્ર હકારમાં માથુ હલાવ્યુ. પણ તેનો જીવ કોચવાતો હતો.

સુદર્શનાએ તેને હિંમત આપતા કહ્યું. “જો આપણે સૌ જાણીએ છીએ કે રાજમોહનકાકા નિર્દોષ છે અને કોઈએ તેમને ફસાવવાનું ષડયંત્ર ગોઠવ્યુ છે. એટલે આજ નહી તો કાલ કાકાની નિર્દોષતા સાબિત થઈ જ જશે અને કાકા નિકલંક બહાર આવશે.”

સ્વદેશે અહિ સૂર પૂરાવ્યો “સુદર્શનાની વાત સાચી છે, અમે કાલે પોલીસ સ્ટેશન જવાના છીએ અમારૂ નિવેદન આપવા ત્યારે ઈન્સ્પેક્ટર સાથે વાત કરીશું કે આગળ કઈ રીતે વધવું.”

અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલા રાધાબેને કહ્યું. “સારૂ હવે તમે સૌ સૂઈ જાવ, મોડુ થઈ ગયુ છે અને કાલે તમારે પોલીસ સ્ટેશન પણ જવાનું છે.” તેમણે અંતિમ આદેશ આપ્યો. અને સ્વદેશ, કાલે પોલીસ સ્ટેશન જતા પહેલા સુદર્શનાને ડો.જાનીના દવાખાને લઈ જજે અને કપાળ ઉપર ના ઘા ની તપાસ કરાવી લેજે. કોણ જાણે કેવી છરી હોય પેલાની. ચેક કરાવી લેજે કોઈ ઈન્ફેક્શન ન થાય. જરૂર હોય તો એન્ટીટીટેનસ નું ટોક્ષોઈડ ઈંજેક્શન લેવડાવી લેજે. “ચોક્કસ માસી, પહેલા ડોક્ટર પાસેજ જઈશું.” સ્વદેશે માસીને હૈયાધારણ આપ્યું.

સૌ કોઈ પોતપોતાના રૂમમાં જવા વિખરાઈ ગયા.

સ્વદેશ સુદર્શનાને તેના રૂમ સુધી મૂકવા ગયો. અંદર જઈ તેણે ટયુબલાઈટ ચાલુ કરી અને સુદર્શનાને રૂમની અંદર દોરીને લઈ ગયો.

અચાનક જ સુદર્શના સ્વદેશને વળગી પડી અને તે ધ્રૂસકે ને ધૂસકે રડી પડી. અત્યાર સુધીની, તેના ઉપર નો ખૂની હુમલો, સલમાની લોહિનિતરતી લાશ વિ. ઘટનાઓ દરમ્યાન બાંધી રાખેલ હિંમત નો બાંધ સ્વદેશ સાથે એકાંત મળતા જ તૂટી ગયો. તેની સ્ત્રી સહજ લાગણીઓ ઉભરાઈ આવી અને આંખોના અશ્રુ દ્વારા છલકાઈ ગઈ.

સ્વદેશે પોતાનો હાથ સુદર્શનાના ખભા ફરતો વિટળાવી, તેને એક પણ શબ્દ બોલ્યા વગર હિંમત, સમર્થન અને પ્રોત્સાહન આપતો રહ્યો. તેનો બીજો હાથ સુદર્શનાના માથાના વાળમાં ફરી રહ્યો. બે ત્રણ મિનીટ રડયા પછી સુદર્શનાએ સ્વસ્થતા ધારણ કરી લીધી તેણે પોતાના આંસુ લુંછી નાખ્યા. “સોરી” તેણે આછું સ્મિત કરતા કહ્યું.

“કશો વાંધો નહી થાય એવુ, તમે સ્ત્રીઓ નસીબદાર છો કે રડી શકો છો અમે પૂરૂષો તો રડી પણ નથી શકતા. અમે રડીયે તો સ્ત્રૈણ કહેવાઈએ” સ્વદેશે સુદર્શનાના ગાલે ટપલી મારતા કહ્યું.

“તો પછી કાલનો આપણો શું પ્રોગ્રામ છે?” સુદર્શનાએ ખૂબ જ ધીમા સ્વરે પૂછયું. અને આજુબાજુ નજર નાખી, પાકું કરવા કે કોઈ સાંભળી તો નથી રહ્યુ ને? પણ પછી પોતાના ઉપર જ હસી પડી કે તે પોતાના જ રૂમમાં હતી, પણ સાવચેતી રાખવી સારી, કહેવાય છે ને કે દિવાલો ને પણ કાન હોય છે.

સ્વદેશે તેના કરતા પણ ધીમા અવાજે તેના કાનમાં કહ્યુ. “સવારે પહેલા ડોક્ટર, પછી પોલીસ સ્ટેશન અને પછી મારા મિત્રના લગ્નમાં બાવળા જઈશું.”

એકાદ ક્ષણ તો સુદર્શનાને સમજાયુ નહિ કે આવા સમયે સ્વદેશ કોના લગ્નમાં બાવળા જવાની વાત કરે છે પછી તરત જ તેના મગજમાં ઝબકારો થયો. જવાનું છે સાણંદ સલમાના અબ્બા ને મળવા પણ કોઈ ને જાણ ન થાય એ માટે જરૂર પડે તો કહેવાનું કે કોઈ મિત્રના લગ્નમાં બાવળા જવાનું છે. સાણંદ નું નામ પણ નહિ ઉચ્ચારવાનું એવું બંને એ નક્કી કર્યુ હતું.

“બરાબર છે” તેણે સંમતિ આપી. “ચાલ ત્યારે ગુડ નાઈટ” સ્વદેશે તેનો હાથ પોતાના હાથમાં લીધો “તારો કૃત્રિમ હાથ પણ દેખાડવા જવુ પડશે” તેણે યાદ અપાવ્યું.

“એકાદ બે દિવસમાં જઈ આવીશું” સુદર્શના એ કહ્યુ અને સ્વદેશનો હાથ પકડી રાખ્યો, જાણે છોડવોજ ન હોય.

સ્વદેશે ફરી કહ્યું “ચાલ, ગુડનાઈટ, એકદમ શાંતિથી સૂઈ જજે. લવ યું”

“ગુડ નાઈટ” સુદર્શનાએ મિઠાશ થી કહ્યું. “લવ યુ ટુ અને મારા સપના માં આવજે.”

“બાપરે” સ્વદેશે બનાવટી ડર દેખાડતા કહ્યું. “આખો દિવસ તો મજૂરી કરાવે છે અને હવે સપનામાં પણ લેફ્ટ રાઈટ કરાવીશ?”

“પ્રિયતમ નું કામ જ છે કે પ્રેયસી માટે રાતદિવસ મજૂરી કરે” સુદર્શના એ કહ્યું. આવી કઠીન પરિસ્થતીમાં પણ બંનેનો શુધ્ધ પ્રેમ પરિમલ ફેલાવી રહ્યો હતો.આ પ્રેમ જ તેમને સામર્થ્ય, હિંમત અને વિશ્વાસ આપી રહ્યા હતા.

“ઓકે, મેડમ, કાલે આ ગુલામ આપની સેવામાં હાજર થઈ જશે.” કહેતા સ્વદેશ પોતાના રૂમમાં ગયો. સુદર્શનાએ લાઈટ બંધ કરી અને પલંગમાં લંબાવ્યુ બીજીજ મીનીટે તે નિદ્રાધીન થઈ ગઈ, પૂરાપૂરા વિશ્વાસ સાથે કે કાલે જે કાંઈ કાર્યવાહી થશે તેમા તેનો પ્રિયતમ તેની સાથે જ હશે અને તેની ઢાલ બની ને ઉભો રહેશે.

(ક્રમશઃ)

વધુ રસીક ભાગ આવતા અંકે