Manju - 9 in Gujarati Short Stories by Nivarozin Rajkumar books and stories PDF | મંજુ : ૯

Featured Books
Categories
Share

મંજુ : ૯

આવેલી નાનકડી આંધીને ખાળવા માટે હવે અવિનાશ શું નિર્ણય કરશે એ જાણવા ઘરનાં બધા ઉત્સુક હતા ……

આજ સુધી અવિનાશ માટે બંસરીના મોઢેથી કોઈ દિવસ કોઈ ફરિયાદ કે અસંતોષ બા કે ભાઈભાભીએ સાંભળ્યો ન હતો ..એટલે એમના મનોમાં એક શ્રધ્ધા અને વિશ્વાસ તો હંમેશા હતા જ ….અને આમ પણ અવિનાશ એક બહુ જ ઠરેલ વ્યક્તિત્વનો માલિક હતો ….રગરગમાં ઉર્જાથી ભરપુર બંસરીને જાણે કોમ્પ્લીમેન્ટ કરતુ હોય તેવું એક શાંત પાત્ર …જીવનની સમતુલા માટે જરૂરી બધી જ સમજદારી ઘરાવતી એક વ્યક્તિ …..ભાગ્યે જ ગુસ્સે કે અપસેટ થતો અવિનાશ બહુ જલ્દી પરિસ્થિતિનો તાગ મેળવવાન આગવી સુઝબુઝ ઘરાવતો હતો ….આટલા પ્રેમાળ દાંપત્યજીવનને સંવારવા ….સજાવવા બંસરીએ પોતાની પુરપાટ દોડતી મહત્વાકાંક્ષાની ગાડીને કોઈ ઝટકા વગર બ્રેક મારી હતી અને એ પછી કોઈ ખચકાટ કે અફસોસ વગર એ બાળકો અને પરિવાર માટે એક શ્રેષ્ઠ ગૃહિણી બની ગઈ હતી એ અવિનાશે બહુ જ ગર્વથી જોયા કર્યું હતું ….. સ્ત્રી સ્વભાવ વિપરીત બંસરીએ અપેક્ષા વગર ..માંગણી વગર ….વચ્ચેના ગાળામાં આવેલા કપરા સમયમાં ઓછામાં ઓછી સગવડમાં પણ આબાદ સફળતાથી ઘર ચલાવ્યું હતું …..પતિના દરેક નિર્ણયને જરૂર પૂરતી ચર્ચા કરી વધાવી લેતી હતી ….અને પોતાના મનની ગતિવિધિઓ પણ અવિનાશ સાથે શેર કરતી હતી ….એક ખાનગી કંપનીમાં HR મેનેજર તરીકે અનેક લોકો સાથે ..એમની માનસિકતા સાથે કામ પાડનાર અવિનાશ પોતાના ઘરની મહત્વની વ્યક્તિઓને નજરઅંદાજ કરે એ તો આમ પણ શક્ય ન હતું ….એટલે આટલા સમય પછી અચાનક બંસરીએ એક નિર્ણય એણે પૂછ્યા વગર લઈ લીધો એની પાછળ બંસરીના મનમાં શું ઉત્પાત કે ઉલ્કાપાત થયો હશે એ હવે અવિનાશે સહેલાઈથી સમજી લીધું હતું …..એટલે હવે એણે જે કહેવાનું હતું એ અત્યંત ધીરજ અને ચોકસાઈથી વ્યક્ત કરવાનું હતું ….

“તો તને લાગે છે કે આપણે હવે એ કેસ પાછો ખોલાવીએ ..એમ જ ને ? ” એકાંતમાં ભાવુક થઇ ગયેલા અવિનાશે અત્યંત શાંત સ્વરે શરુ કર્યું …..સામાન્ય રીતે બંને એકબીજાની આંખો વાંચી દિલના ભાવો સમજી જતા જ્યારે આજે અવિનાશના મનમાં શું ચાલી રહ્યું છે…એ સમજવાની બંસરીની શક્તિ અને આદત સાવ બુઠ્ઠી થઇ ગઈ …. એણે એક નરમ હકારમાં ડોકું નમાવી લીધું …” ok ……….બે દિવસમાં હવે જ્યારે તેં બધું નક્કી કરી જ નાખ્યું છે ત્યારે મને લાગે છે કે મારે તારો સાથ આપવો જોઈએ …….મને તારા બધા જ નિર્ણયો પર ભરોસો હતો અને રહેશે ….હવે તું આ વાતની ચિંતા મૂકી દે …આ મુદ્દા પર હવે આપણે સાથે મળીને લડીશું ….મેં કોલેજ અહીં જ કરી હોવાથી મારા ઘણા સારા સંપર્ક અહીં છે અને ભાઈ પણ આપણને માર્ગદર્શન આપશે ….એક સારામાં સારો વકીલ શોધી આપણે કાલે વાતને પાછી ખોલીશું ….!!!

બંસરી આશ્ચર્યચકિત ..સાનંદ …. વિસ્ફારિત નજરે અવિનાશ સામે તાકી રહી …એક એક શબ્દ જાણે એના માન્યામાં ન આવતો હોય તેવો ભાવ ફૂટી નીકળ્યો હતો….એની આ હાલત જોઈ ઘરના બધા લોકોના મોં પર રાહત અને અવિનાશના આ નિર્ણય બદલ નવાઈ ઉપજી આવતી હતી ….પણ હમણાં પિષ્ટ પોષણ નથી કરવું એમ વિચારતા બા અને ભાઈભાભી અગાશી પર સુવા ચાલ્યા ગયા ….

બંસરીએ ઘણી વાર એ સળગેલો પંજો પોતાને જગાડી દે છે અને મારું મન અશાંત કરી દે છે …એવી વાતો કર્યા કરી …..“
પણ હવે તો આપણે એના આત્માને ન્યાય અપાવીશું ને ? ચાલ, હવે આરામથી સુવાનો પ્રયત્ન કર …કાલથી એક નવી લડાઈ તારે શરુ કરવાની છે ….મારી ઝાંસીની રાણી…. !!!”
….આવું કહેતા અવિનાશને સાંભળી મરકાતી બંસરી નિશ્ચિંત બની અવિનાશના ખભા પર માથું અને આવતીકાલની બધી જ ચિંતા મૂકી…. ઘણા દિવસો પછી …. ઘસઘસાટ ઊંઘી ગઈ …..પણ અવિનાશ બંસરીના માથા પર હાથ પસવારતા આખા ઘટનાક્રમ વિષે ગંભીરતાથી વિચારતો રહ્યો ….અને એ વિચારનો રેલો આમતેમ સરકતો બધે પ્રસરી ગયો …. મંજુના સંજોગો …એના દુઃખો ….અરોરાઅંકલઆંટી …મંજુના પપ્પાનું અક્ષમ્ય વર્તન ..મમ્મીની અંજુ ને મંજુ પ્રત્યે ડીવાઈડ એન્ડ રુલ પોલીસી …..ઉદયની હાલત અને તાજેતરમાં એની બંસરી સાથે થયેલી વાત ….જાણે કશુંક સમજવા માંગતો હોય તેમ ….મોડી રાત સુધી ગડમથલ કરતો રહ્યો ……….પાસા ફરતો રહ્યો અને બંસરીને શાંત સુતેલી જોઈ એના મનમાં રહેલી ગીલ્ટ સાચે કેસ કરવાથી કે એના ચુકાદાથી જ દુર થશે એવું વિચારતો રહ્યો ..બંસરીને આ હાલતમાં વધુ સમય ન જ રહેવા દેવાય ….આવું વિચારતો અવિનાશ અચાનક કોઈ વિચાર પર ખુશ થઇ વહેલી સવારે નિદ્રાધીન થયો …..

સવારે નિત્યક્રમથી પરવારી અવિનાશે ભાઈ પાસે કેટલાક ટોચના વકીલોના નામ સરનામા લઇ લીધા ….ઘરે એકલા રહેલા બાળકો સાથે વાત કરી “થોડી વધુ યાદ આવી ગઈ હતી …એટલે તમારી મમ્મીને સરપ્રાઈઝ આપવા જ આવ્યો છું” એવું કહી પટાવી લીધા ….ઓફિસે અધૂરા છોડેલા કામ માટે બીજા જરૂરી કેટલાક ફોન કરી….થોડી વારમાં ‘એક મિત્રને મળીને આવું છું પછી જમીને આપણે વકીલને મળવા જઈશું’ …કહેતો અવિનાશ ભાઈને પણ સાથે લઇ કાર હંકારી ગયો ….બંસરી કોઈ વકીલ આટલા સમય પછી આવા કેસને હાથમાં લેશે કે કેમ અને હવે રહી રહીને એણે અવિનાશે પુરાવા અને સાક્ષીની જે વાત કરી હતી એની વિષે એ ચિંતાએ ચડી …બા અને નિયતિ પણ એવું જ કશુંક વિચારતા હતા … બા એ એકાદ વાર કહી જોયું ….“
હવે જવા દે ને …નાહકના તું અવિનાશકુમારનેય આ વાતમાં નાખી ક્યાં હેરાન કરે છે ..!!”
તો ….ઉદયના…અંજુના…બે નાના ભાઈઓના …પરિવાર વિષે વિચારતા આ વંટોળ કેટલા જણના ઘર ઉજાડી દેશે એ વાતની ફિકર એને પણ કોરી ખાવા માંડી ….. આ બધું જોઈ.. સમજી નિયતિને પણ હવે ગભરાટ થવા લાગ્યો હતો…બંસરી પણ બા અને નિયતિ સાથે વાત કરી પોતાના નિર્ણયમાં એ ડગુંમગુ થવા લાગી હતી ….પણ ‘તીર કમાનમાંથી છૂટી ગયું છે …હવે અવિનાશને શું કહું? ‘ એવા મિશ્ર વિચારોનું તો જાણે ઘોડાપૂર આવ્યું …પણ ફરી પાછો મંજુનો વિચાર આવતા એ પોતાનો નિર્ણય સાચો છે એવો સધિયારો મેળવવા લાગી ..

પાછા ફરેલા અવિનાશ સાથે કારમાં બેસી એ જ્યારે બહાર નીકળી ત્યારે બા અને ભાઈ ..નિયતિ સહિત બધાએ અનાયાસે પ્રભુ સ્મરણ કરી લીધું ….

એક અજબ કશ્મકશ સાથે બંસરી અવિનાશ પાસે બેઠી હતી …..ઘણા વર્ષો પછી ફક્ત એ અને અવિનાશ એકલા આ રીતે આ શહેરની સડકો પર ફરી રહ્યા હતા ….પણ ૨૩ વર્ષો સુધી પોતાનું લાગેલું આ શહેર અત્યારે બંસરીને સાવ અજાણ્યું લાગવા માંડ્યું …..નવા ઉભા થયેલા ટાવરો અને બંગલાઓ જોઈ શહેર બહુ વિસ્તરી ગયું હશે એવો એક અંદાજ લગાવતી બંસરીને એ લોકોનું પ્રેમ પ્રકરણ યાદ આવવા લાગ્યું …..આ શહેરના એક પણ રસ્તા એવા નહી હોય જેમાં એ લોકો મિત્રો સાથે વાતો અને મસ્તી કરતા ચાલ્યા ન હોય ….. અત્યારના સંજોગોમાં પણ આવો વિચાર આવતા બંસરીએ એક પ્રેમાળ નજર પોતાના અત્યંત ખાસ મિત્ર એવા અવિનાશ પર નાખી લીધી ….એની આંખોમાં ઉભરાતો પ્રેમ જોઈ અવિનાશે કશુંય સમજ્યા વગર સ્મિત કરી લીધું ….

સામાન્ય રીતે વકીલોની ઓફીસો કોર્ટની આસપાસ વધુ હોય છે જ્યારે કાર બંસરી માટે અજાણ્યા , નવા વિકસેલા રહેણાક વિસ્તાર તરફ જતી જોઈ એણે અવિનાશ તરફ “આ આપણે ક્યાં આવ્યા” એવા હાવભાવ સાથે પ્રશ્નભરી નજર ફેંકી …..જવાબમાં અવિનાશે પણ આંખથી જ ” બરાબર જ જઈએ છીએ ” એવો ઈશારો કરી દીધો ….કાર એક બંગલા પાસે આવીને ઉભી રહી ગઈ ….. પડદા વેલથી ઢંકાયેલી દીવાલો પર કોઈ નામની તકતી દેખાઈ નહી પણ કોઈ વકીલનું જ ઘર હશે એમ એણે ધારી લીધું ….. બેલ મારતા ઘણી વારે એક વૃદ્ધ માણસે દરવાજો ખોલ્યો ..આ કોણ હશે એ કુતુહલ સાથે બંસરીએ એમની સામે જોયું ….પણ ધારીને જોતા જ ઓઝપાઈ ગયેલી બંસરી બે ડગલા પાછી હટી ગઈ…

એની બરાબર સામે મંજુના પપ્પા ….ભસીનકાકા ઉભા હતા …..!!!!!!

બંસરીએ એક આઘાત સાથે અવિનાશ તરફ જોયું …બંસરી કાંઈ બોલે કે પૂછે તે પહેલા એના રોષ અને આંચકાને એક પળમાં પચાવીને અવિનાશે પોતાનો પરિચય ભસીનકાકાને આપ્યો …”કાકા , હું અવિનાશ પંડ્યા ,તમને મળવા અને તમારી સાથે વાત કરવા આવ્યો છું ” ……આ ઓળખાણ બંસરીના પતિ તરીકે નહિ …અવિનાશ પંડ્યા તરીકે એણે આપી ….!

પોતાના ઘરે આવેલા સુઘડ દંપતીને જોઈ શંકાકુશંકા કર્યા વગર “આવો, પણ મેં તમને ઓળખ્યા નહિ” , કહેતા ભસીનકાકા દરવાજા સામેથી ખસી ગયા …અને બંનેને ઘરના આગલા રૂમમાં દોરી લાવ્યા …. સાવ સાદું પણ ઘરની વ્યાખ્યામાં બરાબર ફીટ બેસે એવું રાચરચીલું અને નહીવત શણગાર એવો આગલો રૂમ હતો ….એક સોફા સેટ અને બે મુડા પડેલા હતા …ટીવી ન હતું ..કદાચ સુવાના રૂમમાં રાખતા હશે એવું અવિનાશે બાજ નજરે ઘરનું નિરિક્ષણ કરતા નોંધ્યું ….પણ કાકાને આ અવિનાશ પંડ્યા અને એમની સાથે આવેલી સ્ત્રીની ઓળખાણ ન જ પડે એ સાવ સ્વાભાવિક હતું …તો આ બંનેનું આવવાનું પ્રયોજન સમજતા વાર લાગે તેવી હાલત એમની હતી ….પણ મહેમાનને બેસવાનો ઈશારો કરતા એમણે સોફા તરફ હાથ લંબાવ્યો.

આ બાજુ ૨૯ વર્ષ પછી ભસીનકાકાને જોઈ બંસરીની હાલત બહુ જ ખસ્તા થઇ ગઈ હતી ……એની નસોમાં લોહી સડસડાટ વહેવા લાગ્યું હતું…. એની હ્રદયની એક એક ધડકન એને પોતાને સંભળાતી હતી ….”આ અવિનાશને શું સુઝ્યું ? મને અહીં શા માટે લઇ આવ્યા છે ? ” એ એણે સમજાતું ન હતું ….આવી અસમંજસભરી હાલતમાં એ સોફા પાસે ઉભી રહી ગઈ …કાકાએ હાથ લંબાવી એણે બેસવાનો આગ્રહ કરતા જ બંસરીની નજર સામે એજ હાથે પોતાને ધક્કો મારી રૂમમાં લઇ જતા ….એના તરફ હાથ જોડી ઉભેલા અને પછી પગે પડી વિનવણી કરી રહેલા ભસીનકાકા તરવરવા લાગ્યા ….!!! એ એકદમ અવશ અને અપમાનજનક અવસ્થા અનુભવવા લાગી ….અવિનાશના આ પગલા તરફ એનાં મનમાં ખુબ જ વિરોધ અને ગુસ્સો ઉભો થવા લાગ્યો …પણ કશું ન સુઝતા એ ધબ્બ કરીને પાસેના સોફામાં બેસી પડી …

ચુપકેદીની એ બે ક્ષણોમાં મંજુ સાથે વિતાવેલા સમયનું ચલચિત્ર જાણે એના મનોપટ પર ચાલી ગયું …ચાલુ થયેલી બસ પાછળ દોડતી અને બંસરીનો હાથ પકડી બસમાં ચડતી મંજુ ….મજાક પર ક્યારેક ખીલખીલાટ હસતી મંજુ ….પરિક્ષાની માર્કશીટને દુપટ્ટામાં લપેટતી મંજુ …દાઝેલા , વાગેલા નિશાનને રૂમાલમાં છુપાવતી મંજુ ….એ સાણસીનો ઘાવ ….એ રોજ બાઝી જતું લોહી …એ ડ્રેસિંગ કરતી વખતના સિસકારા ….એ ભવિષ્યના સપના…હથેળી પર પેનથી લખેલા માર્ક્સ અને ચાદરમાંથી બહાર દેખાઈ આવેલી બળેલી ,કાળીમેશ હથેળી ….અને બંસરીનો શ્વાસ ભારે થઇ ગયો અને એના હોઠ સુકાઈને સફેદ થઇ ગયા… એણે પડી જવાના ડરે સોફાનો હાથો સજ્જડ પકડી લીધો ….એની આવી હેબતાઈ ગયેલી હાલત જોઈ અવિનાશે એકદમ ઝડપથી કાકાને કહ્યું …

“બહાર બહુ ગરમી છે એટલે એને ગભરામણ જેવું થાય છે …થોડું પાણી મળશે ?”

“હા ,કેમ નહિ ? એમ કહેતા કાકાએ અંદરના રૂમ અને રસોડાની વચ્ચેની ખુલ્લી જગ્યા પર જઈ હાંક મારી :

“મંજુ ….ઓ મંજુપુતર …!!!”

ક્રમશ: